જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (11) જયંતીભાઇ પટેલ

Quantcast

પ્રકરણ ૧૧. શ્રધ્ધાનું જોમ

અંબિકાને પણ મનમાં થઈ ગયું હતું કે એની આથમતી જિંદગીમાં નવો પ્રાણ પુરાયો હતો. ઘરનાં બધાંય એના આ ભાવને સમર્થન આપતાં રહેતાં હતાં. એ આનંદમાં રહેવા લાગી હતી. અલબત્ત અંબિકા પોતાની તબિયતથી સાવ અજાણી ન જ હતી.

અહીં અમેરિકામાં દાક્તરો આવી સારવાર કરતા પહેલાં પાંચ વરસના બાળકનેય એ સારવાર અંગેની બધી વાત અને તેની અસરો અને આડઅસરો ઓપરેશન પહેલાં સમજાવીને પછી જ આ સારવાર શરૂ કરતા હોય છે એટલે અંબિકાને પોતાની સાચી સ્થિતિ અંગે પૂરી ખબર હતી જ. પણ ઓપરેશન સફળ થયું હતું એમ દાક્તરે જણાવ્યું હતું એને મનમાં એટલે લાગવા માંડ્યું હતું કે પોતે ભગવાનની દયાથી બચી ગઈ હતી.

ત્રિભુવન અને જે બેચાર જણાંને ડોક્ટરે વાત કરી હતી એનાથી અંબિકા સાવ અજાણ હતી. ત્રિભુવન ડોક્ટરના કહ્યા પ્રમાણે એને આનંદમાં રાખવાના બધા પ્રયત્નો કરતો હતો. કેટલાક દિવસો પહેલાં અંબિકાએ ચાર ધામની જાત્રા કરવાની વાત કરી હતી પણ એની નાદુરસ્ત તબિયતને કારણે ત્રિભુવને એને બહાનાં બતાવી પાછી ઠેલી હતી તેય હવે આ જાત્રા વિશે ગંભીરતાથી વિચારવા માંડ્યો હતો.

એ વાત સાંભળતાં અંબિકા આનંદમાં આવી ગઈ પણ રાધિકા બોલી ઊઠી: ‘મમ્મીને આ ઉંમરે અને આવી તબિયતમાં એવી જાતરા બાતરા કરાવવી એટલે એમની જિંદગીને જોખમમાં મૂકી દેવાની વાત છે.’

‘તને તારાં મમ્મીની ચિંતા ક્યારથી થવા માંડી? ને હવે એની જવાબદારી મારે માથે છે એટલે એમાં તારે ચિંતા કરવાની જરૂર નથી.’

‘તમે તો એમ જ કહો ને, પણ એ મારી મમ્મી છે એ વાત પણ એટલી જ સાચી છે.’

‘અત્યાર સુધીમાં તેં તારી મમ્મીનું જે હિત કર્યું છે એ જોતાં હવે તારી સલાહ મને સ્વીકારવા જેવી લાગતી નથી. હું ડોક્ટરની સલાહ લઈને જ આ ટ્રીપ ગોઠવી રહ્યો છું એટલે હવે પછી મને સલાહ આપવાનો પ્રયત્ન ન કરતી.’ ત્રિભુવને એને ચોખ્ખી સંભળાવી દીધી ને મોંઢું મચકોડતી રાધિકા બહાર નીકળી ગઈ.

છેલ્લા બે મહિનામાં અંબિકાની સ્થિતિમાં ઘણો સુધારો થઈ ગયો હતો એટલે ડોક્ટરે એને જાત્રા માટે લઈ જવાની વાતની મંજૂરી આપી. ને ત્રિભુવને દેશમાં એક બે ફોન કરીને આ ટ્રીપ અંગે જરૂરી માહિતી મેળવી લીધી. પછી ટિકીટો માટે તપાસ કરી. વીઝા તો એમના અને અંબિકાના હજુ પહોંચતા હતા એટલે એનો વાંધો ન હતો.

અંબિકાની તબિયતની ચિંતા કરતાં મનહર અને કલ્પના પણ સાથે જવા તૈયાર થઈ ગયાં. મનહરે તો પોતાની મોટેલ સંભાળવા માટે એક યુગલને શોધી પણ કાઢ્યું. ત્રિભુવનને એમની લાગણી સમજાતી હતી. એણે વિચાર્યું કે આવી મુશ્કેલ સફળમાં મનહર અને કલ્પના જેવાં જુવાનિયાં ઘણાં મદદરૂપ થાય પણ સામે ઉંમરે પહોંચેલાં પોતે બે ને જગદીશ જેવાંને માટે તો આ સફળ મુશ્કેલ જ છે. એટલે એમણે બેયને સાથે આવવા મંજૂરી આપી. પણ કલ્પના ને મનહરના વીઝા લેવાના હતા એટલે એક મહિનો એ વીઝા મેળવવામાં ગયો.

ત્રિભુવને તો બધાંની ટિકીટો લઈ લેવાની પણ તૈયારી બતાવી પણ એમણે ત્રણેયે પોતાની ટિકીટો જાતે લેવાનો આગ્રહ રાખ્યો. ત્રિભુવને અંબિકાની તબિયતને કારણે એમની બેયની ફર્સ્ટ ક્લાસની ટિકીટો લીધી હતી. રાધિકાએ કહેવા પૂરતું કહ્યું: ‘હુંય સાથે આવત પણ મને જોબ પરથી રજા મળે તેમ નથી એટલે…’ ને કોઈને એને સાથે લઈ જવામાં રસ પણ ક્યાં હતો!

ને એક દિવસ બધાં દેશમાં જવા રવાના થયાં. એમની ફ્લાઈટ સાનફ્રાન્સીસ્કોથી લોસએન્જલ્સ અને ત્યાંથી લંડન થઈને દિલ્હીની હતી. દિલ્હીમાં ત્રિભુવને હોટેલ અશોકામાં અગાઉથી બુકીંગ કરાવી લીધું હતું. એને ખબર હતી કે એપ્રિલ મહિનો છે એટલે દિલ્હીમાં તો બરાબરનો ધોમ ધખતો હશે પણ ચાર ધામની યાત્રા માટે તો આ સમય ઘણો અનુકૂળ સીબિત થાય તેમ હતો. ત્યાં તો આ ઉનાળામાંય ઠંડીનો ચમકારો વર્તાવાનો હતો.

એમણે હોટેલમાં પહોંચી આખો દિવસ મુસાફરીનો થાક ઉતાર્યો. જેની તબિયતની એ સૌને ચિંતા હતી એ અંબિકાને તો જાણે થાક વર્તાતો જ ન હતો. પતિએ એની ચાર ધામની યાત્રા માટે તૈયારી બતાવી ત્યારથી જ એનામાં અજાયબ સ્ફુર્તિ આવી ગઈ હતી. ત્રીસ કલાકની આ મુસાફરીનો એને જરા પણ થાક લાગ્યો હોય એમ લાગતું ન હતું. ઊલટું એ તો આગળની મુસાફરીની જાણે તૈયારી કરી રહી હોય એમ ગરમ કપડાં, દવાઓ અને રસ્તામાં ખાવાની તૈયારીની વાતો કરવા માંડી હતી.

ત્રિભુવને મેનેજરને આ ટ્રીપ અંગે પૂછ્યું તો એણે આ ત્રણ વયસ્ક માણસોને જોઈને કહ્યું: ‘તમે અમેરિકાથી આવો છો એટલે તમને પ્લેનની મુસાફરી વધુ અનુકૂળ પડશે એમ તમને લાગતું હશે પણ મારું માનો તો તમને અહીંની આ નાનાં નાનાં સેન્ટરોની પ્લેન સર્વિસ અનુકૂળ નહીં આવે. વળી તમે હજુ આજે જ દેશમાં આવો છો એટલે બહારનું ખાવાનું તમને કદાચ બિમાર પણ પાડી દે. એના કરતાં અહીંથી એક સારી જીપ ભાડે લઈને નીકળો અને સાથે એક રસોઈ કરનાર પણ હોય તો તબિયત પણ સચવાશે અને તમારી અનુકૂળતા પ્રમાણે યાત્રા પણ થઈ શકશે.’

‘પણ અમે પાંચ જણ, એક ડ્રાયવર અને એક રસોયો! વળી મારાં વાઈફની તબિયત એવી છે કે એમને થાકે તો સૂવા માટે પણ આખી સીટ આપવી પડે.’

‘તમે એ મારા પર છોડી દો. હું હમણાં જ તપાસ કરી લઈને તમને સાંજે જણાવું.’ કહેતાં એણે એક ફોન જોડ્યો ને સૂચના આપી કે ગીરીધરનને શોધી સાંજે અહીં બોલાવી લાવો. પછી ત્રિભુવનને કહે: ‘જો એ મળી જાય તો તમારે કોઈ વાતની ચિંતા જ નહીં. એ ડ્રાયવર છે ને ગાઈડ પણ છે ને રસોઈ પણ બનાવી આપે છે. વળી સ્વભાવનો તો એવો સારો છે કે અમે જ્યારે એને કોઈની સાથે મોકલ્યો છે ત્યારે એનાં વખાણ સાંભળ્યાં છે.’

‘એ મળી જાય પછી એક નવી જ જીપ.’

‘એની પોતાની નવી જ જીપ એસ્ટેટ છે. હજુ એક વર્ષ પહેલાં જ કઢાવી છે. જો એ વરધીમાં નહીં નીકળી ગયો હોય તો માનો કે તમારું કામ થઈ જ ગયું. તમને એની સાથે કોઈ અગવડ નહીં પડે એની મારી ગેરંટી. એમાં પાછળ બેંચ સીટ છે એટલે માજીની સગવડ પણ સચવાશે.’

□ □

એ સાંજે ગીરીધરન આવ્યો એટલે મેનેજરે એને ત્રિભુવનની રૂમમાં મોકલી આપ્યો. મનહરે બારણું ખોલ્યું. બધાં એક જ રૂમમાં બેસી વાતો કરી રહ્યાં હતાં. ગીરીધરન બહાર બુટ કાઢીને રૂમમાં આવ્યો ને ત્રણેય વડીલોને પાયે લાગીને બોલ્યો: ‘મેરા નામ ગીરીધરન. મૈં ડ્રાયવર હું.’

‘મેનેજરને તુમારે બારેમેં બતાયા હૈ. હમે ચાર ધામ કી યાત્રા કરની હૈ. તુમ હમારી સાથ ચલોંગે?’

‘ક્યું નહીં ચલુંગા! અવશ્ય ચલુંગા આપ જૈસે માની લોગ કી સેવા કા મુજે લાભ મીલેગા ઔર સાથમેં મૈયા ગંગા યમુનાજી કી યાત્રા કા પૂણ્ય ભી મીલેગા.’

‘અચ્છા, તુમારા રોજ કા ક્યા રેઈટ હૈ?’

‘હિલ્હી સે વાપીસ દિલ્હી તક કા રોજ કા ગ્યારાહ સો રૂપિયા મેં લુંગા. ઓર ડીઝલ ઓર ટોલ ટેક્સ ઓર જો ખર્ચા હોગા વો આપ કે સર હોગા.’

‘ખાના પકાને કા ઓર ગાઈડ કે તુમારે કામ કા ક્યા દામ લગેગા?’

‘અરે સાહબ, ઉસ કા ક્યોં અલગ સે લગેગા? મેં આદમી તો એક હી હું ફીર અલગ સે દામ કૈસે લગેં ગે?’

‘ઠીક હૈ. તો પ્લાન બતાઓ. કલ હી શુરૂ કરના હૈ.’

‘આપ લોગ વૈષ્ણવ લગતે હો તો એક બાત કરને કા દિલ ચાહતા હૈ. ગોકુલ, મથુરા પાસ મેં હી પડતા હૈ તો પહલે દો દિન કી વ્રજ ભૂમિ કી યાત્રા કર કે હરદ્વાર ચલે તો?’

‘ઐસા હી કરો. કલ વ્રજ ભૂમિ જાયેંગે. બાદમેં ચાર ધામ કી યાત્રા શુરૂ કરેંગે.’ કોઈ બોલે તે પહેલાં અંબિકાએ પોતાની ઈચ્છા જણાવી દીધી. પછી રોજનું ખાવા બનાવવાની સામગ્રી લેવા માટે મનહર અને કલ્પના એની સાથે બજારમાં ઊપડ્યાં. કલ્પનાને દિલ્હીનું બજાર જોવાનું મન હતું.

એ લોકો આવ્યાં પછી બીજે દિવસે કેટલા વાગ્યે નીકળવું એ નક્કી કરીને ગીરીધરન ગયો. ત્રિભુવનને એક વખત તો આ વધારાની જાત્રા કરવાની ના કહેવાનું મન થયું પણ અંબિકાએ જે ઉત્સાહથી ગીરીધરનની વાત સ્વીકારી લીધી એ જોતાં એણે એમાં વિરોધ કરવાનું ઉચિત ન માન્યું.

□ □

બીજે દિવસે સવારમાં ગીરીધરન આવ્યો. એણે બધાંને જરૂરી દવાઓ અને ગરમ કપડાંની યાદ દેવડાવી દીધી તથા અંબિકા માટે બે ઓશિકાં અને ઓઢવા માટે એક રજાઈ હોટેલમાંથી માગી લીધાં. એણે રસોઈ બનાવવા માટે ગેસની બોટલ અને ગેસનો ચુલો તો આવી યાત્રા માટે વસાવી લીધેલાં હતાં જ. સાથે રસોઈ કરવા માટેનાં તથા જમવા માટેનાં વાસણો પણ લેતો આવ્યો હતો.

એણે બધાની બેગો રૂમમાંથી લઈ જઈને ડેકીમાં બરાબર ગોઠવી. પાણીની બોટલો તો ગઈકાલે રેશનની સાથે એ લોકો લઈ જ આવ્યાં હતાં. બધાંને આરામથી ગાડીમાં બેસાડીને એણે ગાડી સ્ટાર્ટ કરી એ સાથે એણે આજની સફરની વિગત આપવા માંડી: ‘હમ પહલે મથુરાં જયેંગે. વહાં યમુનાજીમેં સ્નાન કરેંગે. મૈયા કો ઝારીજી ભરની હો તો એ ભી હો જાયેગા. ઉધર ચુંદડી મહોત્સવ કા ભી ભારી મહત્તવ હૈ. મૈયા કો ચુંદડી મહોત્સવ કરના હો તો એ ભી કરેંગે.’

‘મુજે સબ દર્શન ભી કરને હૈ.’

‘મૈયા, આપ કો રાજભોગ કે દર્શન હોંગે રાજભોગ પ્રસાદ ભી લોગે બાદ મે થોડા આરામ કર કે શામ કો ઉત્થાન કે ઔર બાદમેં આરતી કે દર્શન હોંગે. રાત હોટલમેં આરામ કર લીજીએગા ઔર સુબહ મંગલા કે દર્શન કર કે ચલેંગે વૃંદાવન ઐર ગોકુલ ધામ કરકે પરસોં ચલેંગે હરિદ્વાર કી ઔર. ઠીક હૈ મૈયા, કી કોઈ ઔર બાત હૈ આપ કે મનમેં?’

‘અભી તો ઠીક હૈ. ઔર કોઈ બાત હોગી તો તુમ્હે બોલું ગી.’ અંબિકાએ સંતોષથી કહ્યું ને અંબિકાના સંતોષથી ત્રિભુવન પણ મુસ્કુરાઈ રહ્યો. એને થયું કે ગીરીધરન એક સારો સેલ્સમેન હતો ને એને મૈયામાં એક શ્રધ્ધાળુનાં દર્શન થયાં હતાં. તો બીજી બાજુ અંબિકા વિચારતી હતી કે ગીરી સાથે છે તો એની જાત્રા પોતાની શ્રધ્ધા મુજબ પૂરી થશે. એને ખબર હતી જ કે બાકીનાં બધાં તો પોતાને સાથ આપવા માટે જ આ જાત્રામાં આવ્યાં છે. એમને કોઈને આ જાત્રામાં કશો રસ નથી.

સાડા નવ વાગે તો બધાં મથુરાં પહોંચી ગયાં હતાં. ગીરીની સુચના મુજબ અંબિકા ને જગદીશે એકબીજાને ટેકે યમુનાજીમાં ત્રણ વખત ડુબકીઓ મારી. મનહર તથા કલ્પનાને અંબિકાને ટેકો આપવા જતાં ગીરીએ રોક્યાં: ‘યમુનાજી કા યે વિશ્રામઘાટ પર યમુના સ્નાન ભૈયા કે સાથ કરને કા મહત્વ હૈ. યે સ્નાન સે દોનો મુક્તિ કે અધિકારી બનતે હૈ.’

પછી નજીકની એક ધર્મશાળામાં કલ્પનાની સાથે એમને કપડાં બદલવાની વ્યવસ્થા કરી આપી. પછી એમને બ્લેંકેટ ઓઢાડીને બાંકડા પર બેસાડતાં એણે બધાંને યમુનાજીમાં સ્નાન કરવા મોકલ્યાં.

બપોરે લક્ષ્નારાયણ મંદિરમાં ગર્ભદ્વારમાં લઈ જઈ બધાંને વિધિ પૂર્વક દર્શન કરાવ્યાં. અંબિકાએ ભેટમાં એક હજાર રૂપિયા મૂક્યા. પૂજારીએ ગીરીને એક કલાક પછી રાજભોગની સખડી લઈ જવા કહ્યું એટલે ગીરીએ બધાંને ગમે તેવી એક સારી હોટેલમાં રૂમો અપાવી ને કહ્યું: ‘આપ સબ આરામ કીજીએ. મેં રાજભોગ કી પ્રસાદી લે કર આતા હું.’

બધાં હાથમોં ધોઈને કપડાં બદલીને તૈયાર થયાં ત્યાં સુધીમાં એ બે માણસોની સાથે મોટામોટા બે થાળમાં પ્રસાદી લઈને આવ્યો ને રૂમમાં ટેબલ અને ટીપોઈને આઘાં પાછાં કરીને એણે બધાંને જમવા બોસવાની વ્વસ્થા કરી લીધી ને પિરસવા માંડ્યું. અંબિકાએ એની પાસે બધી વાનગી અને બધાં શાકભાજીમાંથી થોડું થોડું પિરસાવ્યું. પ્રસાદીની દરેક ચીજ એણે ભાવથી આરોગવા માંડી. ગીરીએ પણ બધાંને આગ્રહ કરીને પ્રસાદી લેવરાવવા માંડી.

‘એ સબ આપ કે લીએ હે. મેરે લીએ તો મંદિરમેં વ્યવસ્થા હૈ.’ પણ સામગ્રી એટલી બધી હતી કે એમાંથી અડધીય એ લોકો ખાઈ શક્યાં નહીં. પછી એ વાસણ પાછાં આપવા જતાં કહેતો ગયો: ‘અબ આપ લોગ આરામ કીજીએ. મેં એક ઘંટેમેં આ જાઉંગા. તીન બજે ઉત્થાન કે દર્શન હોંગે.’

‘ગીરી, મુજે ઝારીજી ભરની થી મગર મેરે પાસ કંતાન(ઝારી ભરતી વખતે પહેરવાની ખાસ સાડી) નહીં હૈ.’

‘મૈયા, ઉસમે ચિંતા કી કોનું બાત નહીં. હમ બજાર સે કંતાન લે લેંગે. ઉત્થાન કે દર્શનકે બાદ મેં આપ કો ઝારીજી ભરને લે જાઉંગા. સબ કો આને કી જરૂરત નહીં હૈ. મૈયા ઔર કલ્પનાબહન આયેં ગે તો ચલેગા. કલ્પનાબહન કો ઝારીજી ભરની હો તો હમે દો કંતાન લેને પડેંગે.’

કલ્પનામાં પણ નારી સ્વભાવ મુજબ આસ્તિકતા જાગૃત થઈ ગઈ ને એણે કહ્યું: ‘મેં ભી ઝારીજી ભરુંગી.’

‘તો ઠીક હૈ, હમ દો કંતાન લે લેંગે.’ ગીરીએ કહ્યું. સાંજનાં ઉત્થાનનાં દર્શન કરી બીજા બધાને હોટેલ પર મૂકી ગીરી અંબિકાને અને કલ્પનાને ઝારીજી ભરાવવા લઈ ગયો. આવતાં યમુનાજી પર ચૂંદડી મનોરથ પણ કરાવ્યો. બધાં હોટેલ પર પાછાં આવ્યાં ત્યારે અંબિકા ખુશખુશાલ હતી.

રાતે બધાએ આરામ કર્યો. પછી પછી નક્કી કર્યા પ્રમાણે વહેલી સવારે મંગળાનાં દર્શન કરીને ગીરીએ બધાંને ગોકુળ અને વૃંદાવનની જાત્રા કરાવી. ત્યાં દર્શન કરીને બે દિવસ રોકાઈને પછીને દિવસે બપોરનું જમવાનું પતાવી બધાં હરદ્વાર ઊપડ્યાં.

ચાર વાગ્યે હરદ્વાર પહોંચ્યાં એટલે ગીરી કહે: ‘પહલે હોટેલમેં રૂમ લે લેતે હૈ. મૈયા થકી હોગી. ઉન કો હોટેલ મેં આરામ કરને દેંગે ઔર આપમેં સે જીન કો ઈધર ઉધર ઘુમના હો તો મેં ઘુમા લાઉંગા. ઐસે તો હમારા હેડ ક્વાર્ટર હરિદ્વાર હી હૈ. હમ ચાર ધામ કરતે હર દુસરે તીસરે દિન યહાં આતે રહેંગે. ઈધર હર કી પીઢી ઔર યોગ વશિષ્ઠાશ્રમ તો હમ કલ હી ઘુમ આયેંગે. બાકી રહે ૠષિકેશ ઔર લખમન ઝૂલા, યે કોઈ દુસરે દિન હો આયેંગે.’

‘કલ યહાં હો આને કી જલદી ક્યા હૈ? ઐસે તો દો તીન બાર ઈધર આના હૈ તો જબ થકે હુએ હોંગે તબ વહાં હો આયેંગે.’ મનહરે કહ્યું.

‘અરે સાહબ, યે યાત્રા ભી આસાન નહીં હૈ. આપ થક જાયેંગે. યે તીનો કે લિયે તો ડોલી કી વ્યવસ્થા કરની પડેગી. ચાર ધામ કી પૂરે કી પૂરી યાત્રા કઠીન હૈ. ઈસમેં તો મૈયા કે જૈસા શ્રધ્ધા કા જોમ હી કામ આતા હૈ.’ ને ત્રિભુવન ગીરીની આ મૈયાસ્તુતિની વાતથી મનમાં જ મલકાઈ રહ્યો. 

ચાર ધામની યાત્રા વિકટ અને થકવી નાખે એવી હતી એ સાંભળી સૌ અંબિકાને હિંમત બંધાવતાં હતાં પણ એમને ક્યાં ખબર હતી કે અંબિકામાં યાત્રાની શ્રધ્ધાથી જ જે હિંમતનો સંચાર થયો હતો એ એવો તો અદભૂત હતો કે એને આખી યાત્રા સહજ લાગવા માંડી હતી. વળી એને ગીરી પ્રત્યે એવો વિશ્વાસ બેસી ગયો હતો ને એને લાગવા માંડ્યું હતું કે એ જ યાત્રા સુખરૂપ પૂરી કરાવશે.

બીજે દિવસે પેલાં ત્રણ જણાંની ડોલી અને બેજણાંની પદયાત્રા શરૂ થઈ. જ્યાં ડોલીમાં બેઠેલાંનેય થાક વર્તાતો હતો ત્યાં ચાલવાવાળાંની તો વાત જ શી કરવી! સાંજે બધાં થાકીને લોથપોથ થઈ ગયાં હતાં. ગીરીએ બીજે દિવસે યમુનોત્રી જવાની વાત શરૂ કરી કે બધાં બોલી ઊઠ્યાં: ‘ના કાલે નહીં. એક દિવસ આરામ કરીને નીકળીશું.’

‘ઐસા કરોગે તો ચાર ધામ પૂરી કરનેમેં પંદ્રા સે ભી જ્યાદા દિન લગ જાયેંગે.’

‘પંદ્રા દિન લગે યા બીસ. હમે કોઈ જલ્દી નહીં હે. હમેં તો આરામ સે જાત્રા કરની હૈ.’

‘જૈસે આપ કહે. તો કલ ૠષિકેશ ઔર લખમન ઝુલા હો આયે? યે ઈતના મુશ્કીલ નહીં હૈ.’

‘નહીં કલ પૂરા આરામ કરેંગે.’ બધાંએ એકી અવાજમાં કહી દીધું.

This entry was posted in જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક. Bookmark the permalink.