જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૨) -જયંતીભાઈ પટેલ

Quantcast

પ્રકરણ ૧૨. ચાર ધામની યાત્રા -જયંતીભાઈ પટેલ

બીજે દિવસે બધાં મોડે સુધી ઘોરતાં રહ્યાં. ગીરી એમના જાગવાની વાટ જોતો બહાર આંટા મારતો હતો. બધાં ચાપાણી કરીને પરવાર્યાં એટલે ત્રણેય મોટાંને આરામ કરતાં રહેવા દઈ ગીરી કલ્પનાને મનહરને હરદ્વારનું બજાર બતાવવા લઈ ગયો. કલ્પનાએ ગૃહસુશોભનની કેટલીક ખરીદી કરી તો મનહરે નેપાળી ટોપી અને કેટલાંક ગરમ કપડાં ખરીદ્યાં. એમને હરદ્વારની આ ખુલ્લા વાતાવરણની ઠંડીનો ચમકારો વર્તાયો હતો અને ગીરીએ એમને આગળની જાત્રામાં એનાથી થોડી વધારે ઠંડી હોવાની વાત કરી જ હતી.

બીજે દિવસે યમુનોત્રીની જાત્રામાં નીકળતા પહેલાં ગીરીએ બધાંની પાસે ગરમ કપડાં અને દવાઓની ચકાસણી કરી લેવડાવી. પોતે પણ રસોઈ માટેની ચીજોની ચકાસણી કરી લીધી. પછી બધાં ઊપડ્યાં.

ગાડી ચાલુ થઈ એની સાથે ગીરીએ યમુનોત્રી વિષે માહિતી આપવા માંડી: ‘ઐસે તો કયી લોગ કો લેકર મૈં દુસરે હી દિન પરત આ જાતા હું મગર હમ મૈયા કી તબિયત કા ખ્યાલ કર કે દો રાત બહાર રહકે પરસોં શામ કો હરિદ્વાર આયેંગે.’

‘તું કહતા હૈ ઐસી કઠીન મુસાફરી હોગી તો એક દિન જ્યાદા ભી લગ સકતા હૈ. હમેં આરામ સે યાત્રા કરની હૈ.’ બધાંના મનની વાત ત્રિભુવને કહી દીધી.

‘જૈસે આપ ઠીક સમજે.’

બધાં બપોરના એક વાગ્યાની આસપાસ દેરાદુન પહોંચ્યાં. કોઈ હોટેલમાં રૂમો લેવાને બદલે પાણીની સગવડવાળી એક જાહેર જગ્યાએ ગાડી થોભાવી ગીરીએ મૈયાને પૂછીને એમની પસંદનું લંચ બનાવ્યું. જમીને કલાકેક આરામ કરીને એણે મસુરી તરફ હંકારી મૂક્યું. ત્યાંથી યમુના નદીની હરિયાળીની મઝા લેતાં બધાં હનુમાન ચટ્ટી પહોંચ્યાં.

હનુમાન ચટ્ટીમાં ચાપાણી પતાવી  સાંજના ગીરીએ બધાંની સાથે જાનકી ચટ્ટીની સફર શરૂ કરી. એ જગ્યા આમ તો હનુમાન ચટ્ટીથી ફક્ત સોળસો ફીટ જ ઉપર હતી પણ એટલા ચઢાવમાંય આઠ કીલો મીટર અંતર કાપવાનું હતું. રસ્તાની આસપાસની હરિયાળીની મઝા માણતાં ત્રિભુવન વિચારતો હતો કે કારને બદલે જો હાઈકીંગ કરીને જાનકી ચટ્ટી સુધી જવાનું હોત તો શી વલે થઈ હોત બધાંની!

એમના એ મનમાંનો પ્રશ્નનો સાંભળી ગયો હોય એમ એનો જવાબ આપતો હોય તેમ ગીરીએ કહ્યું: ‘ભગવાન કી દયા સે આજ કોઈ લેન્ડસ્લાઈડ નહીં હૈ વરના આપ કો થોડી તકલીફ હોતી યહાં તક આનેમેં. ઐસે તો યહાં હર સ્થાન પર ડોલી કી વ્યવસ્થા હૈ સો ડોલી કી વ્યવસ્થા તો હો જાતી.’

‘યહાં સે આગે તો કાર નહીં ચલેગી ને!’

‘હા, યહાં સે તીનો વડીલો કે લીયે ડોલી કર લેંગે. ઓર મનહરભાઈ ઓર કલ્પનાબહન કો ચલને મેં મઝા આયેગા. ક્યા ખ્યાલ હૈ? અગર આપ ચાહેં તો અશ્વ કી સવારી ભી કર સકતે હૈ.’ પણ એ બેયે ચાલવાનું પસંદ કર્યું.

ત્યાં એક એક હોટેલમાં રૂમો લીધી અને બધાંને આરામ કરવાનું કહીને ગીરીએ જમવાનું બનાવવા માંડ્યું.

જમ્યા પછી મોટેરાંને આરામ કરતાં મૂકીને ગીરી કલ્પના ને મનહર જાનકી ચટ્ટીનો નઝારો જોવા ઊપડ્યાં. એ બધાં છેક નવ વાગ્યે પાછાં આવ્યાં. આજે કારમાં બેસીને જ દિવસ પસાર કર્યા છતાં વાંકાચૂકા અને ચડતા ઊતરતા રસ્તાને કારણે થાકેલાં બધાંને રાતે હોટેલ બહુ સારી ન હોવા છતાં બરાબર ઊંઘ આવી ગઈ. એ હોટેલ સામાન્ય હતી પણ બધાંને ખબર હતી જ કે આવા પહાડી ઉતારા પર સારી હોટેલની આશા રાખવી નકામી હતી.

બીજે દિવસે સવારના ત્રણ જણ ડોલીમાં ને બાકીનાં ત્રણ જણ હાઈકીંગ કરતાં યમુનોત્રીનાં દર્શને ઊપડ્યાં. લગભગ અગિયાર વાગ્યે બધાં યનુનોત્રી પહોંચ્યાં. ઠંડી ધાર્યા કરતાં ઓછી હતી પણ સાનહોઝેનાં આ રહેવાસીઓને તો તોય વધારે લાગતી હતી. યમુનોત્રીમાં ગરમ પાણીના ઝરા અને કુંડ જોઈ બધાંને નાહીને થાક ઉતારવાની મઝા આવી ગઈ.

ત્યાં ઉકળતા પાણીનો એક કુંડ બતાવતાં ગીરીએ કહ્યું: ‘યે પાની ૧૦૦ ડીગ્રી સે ભી જ્યાદા ગરમ હૈ. ઉસમેં ચાવલ, બટાટા ઓર સબ્જી પકા કે યમુનામૈયા કો પ્રસાદ ધરાના હૈ ઓર યેહી હમ આરોંગે ગે. ઈધર છોટી છોટી ધર્મશાળા જૈસી કુછ હોટેલ હૈ. મેં ઉનમેં સે એક મેં આપ કો ઠહરને કા ઈંતઝામ કર દેતા હું. શામ કો તો હમ વાપીસ જાનકી ચટ્ટી જા કર રાત ગુજારેં ગે.’

ગીરીએ એવી એક હોટેલમાં બધાને આરામ કરવાની વ્યવસ્થા કરી આપી અને એ પ્રસાદરૂપી લંચ તૈયાર કરવા ગયો. બધાંએ હોટેલ જોઈ એમાં એમને ગમવા જેવું કાંઈ ન હતું પણ ડોલીમાં ટુંટિયું વાળીને બેસવાથી થાકેલાં વડીલો અને હાઈકીંગ કરીને થાકેલાં મનહર અને કલ્પનાને એ એવી પસંદ આવી ગઈ કે એમણે રાત રોકાઈને બીજે દિવસે સવારે જ જાનકી ચટ્ટી જવાનું નક્કી કરી લીધું.

ગીરી પ્રસાદ તૈયાર કરીને લઈ આવ્યો એટલે બધાં યમુના મૈયાના મંદિરમાં દર્શન કરવા માટે ઊપડ્યાં. મંદિરનાં પગથિયાં ચડતાં ત્રિભુવને અંબિકાને પાતાના ખભાને ટેકો આપ્યો. ગીરી તથા મનહર ટેકો આપવા આગળ આવ્યા તો ત્રિભુવન કહે: ‘આખી જિંદગી એણે મને સહારો આપ્યો છે તો મને આ યાત્રામાં એનું થોડું વળતર કરવા દો.’ અંબિકા આ સાંભળી મનમાં મલકાઈ રહી. એને થયું: દીકરીની વાદે ચડીને પોતે પતિને આ પાછલી ઉંમરે આટલું દુ:ખ આપ્યું છે છતાં એ મને કેટલો પ્રેમ કરે છે!

અંબિકાએ વિધિપૂર્વક યમુનાજીની પૂજા કરી ને ભેટ મૂકી. બધાએ દર્શન કરીને મંદિરના ચોકમાં બાંકડા પર બેસીને પ્રસાદ લીધો. ગીરી કહે: ‘યમુના મૈયા સૂર્ય ભગવાન કી બેટી હૈ. ઐ સે તો યમરાજ ભી સૂર્ય ભગવાન કે હી બેટે હૈ મગર દોનોમેં બહોત ફર્ક હૈ. એક જીવન દેતી હૈ ઐર દુસરા જીવન લેતા હૈ.’

મંદિરનાં પગથિયાં ઉતરતાં અંબિકાએ જાતે જ ત્રિભુવનના ખભાનો ટેકો લઈ લીધો એ જોઈને પેલાં ત્રણ મલકાઈ રહ્યાં પણ ગીરી ઉતાવળથી આગળ આવતાં બોલી ઊઠ્યો: ‘અરે, બાબુજી, મૈં મૈયા કો સહારા દેતા હું. આપ રહને દીજીએ.’

‘તું રહને દે ઉન કી યાત્રા કે પૂણયમેં મેરા ભાગ હૈ તો ઉન કી તકલીફમેં ભી મેરા ભાગ હોના ચાહીએ ને!’

‘મેં તમને દુભવ્યા ને તમારી આબરૂય ધૂળધાણી કરી નાખી. માફીય કયે મોંએ માગું!’ કહેતાં અંબિકાની આંખોમાં પાણી આવી ગયાં.

‘તારે એવું બધું યાદ કરવાની જરૂર નથી. તારા પેટમાં પાપ ન હતું પણ તું રાધિકાની વાતમાં આવી ગઈ હતી. ભગવાનેય એમાં તારો વાંક નથી જોયો એટલે તો તને ગંભીર બિમારીમાંથીય જીવતદાન દીધું ને!’ ત્રિભુવને કહ્યું.

‘ભગવાનની દયા કે મને મોંધી માંદગીમાં સપડાવી ને પાપ ધોવા આ જાતરાય કરાવી. ને તમે કદી મંદિરમાંય મારી સાથે ન આવનારાનેય મારી સાથે જાતરામાં જોડ્યા ને!’

મંદિરમાંથી નીચે આવી ગીરી એમને પાછો યમુના તીરે લઈ ગયો ને શિલાપૂજન કરાવ્યું ને એ પૂજાનું મહત્મ્ય સમજાવ્યું. બીજે દિવસે બધાં પાછાં જાનકી ચટ્ટી રહ્યાં ને પછીને દિવસે હરિદ્વાર પહોંચ્યાં. ‘મુજે લગતા હૈ કી ચાર ધામ કરને મેં આપ કો બીસ દિન લગ જાયેં ગે.’ ગીરીએ કહ્યું.

‘કોઈ ગમ નહીં. હમે આરામ સે યાત્રા કરની હે.’ અંબિકાએ બધાના વતી જાણે જવાબ આપ્યો.

‘ઠીક હૈ. કલ પૂરા દિન આપ આરામ કર લો. પરસોં હમ ગંગોત્રી યાત્રા કો ચલેંગે. ગંગોત્રીમેં થોડી પહાડી ચડાઈ હૈ પર ખાસ મુશ્કીલ નહીં હૈ. આપ થક જાય એસી કોઈ બાત નહીં હૈ. હમ સુબહ સાત બજે સફર શરૂ કરેંગે ઔર રાસ્તેમેં ખાને કે લીએ રુકેં ગે ઔર થોડા આરામ કર કે ઉત્તરકાશીમેં રાત રુકેં ગે. દુસરે દિન સુબહ કે દસ બજે તો હમ ગંગોત્રીમેં હોંગે. ઉધર સ્નાન, પૂજા ઔર દર્શન કરકે શામ કો પરત ઉત્તરકાશી આ જાયેં ગે.’

‘અગર વહાં રાત રુકના હો તો સગવડ હૈ?’

‘રુકને કે લીએ તો વહાં બહોત હોટલ હૈ.’

□ □

બીજે દિવસે સવારના સાત વાગ્યે બધાં ગંગોત્રીની યાત્રાએ ઊપડ્યાં. રસ્તામાં તેહરી થોભી ગીરીએ બધાંને લંચ બવાવી આપ્યું. પછી ઓકાદ કલાક આરામ કરી બધાં ઉત્તરકાશી જવા નીક્યાં. સાંજના પાંચ વાગ્યે એ ઉત્તરકાશી પહોંચ્યાં. ત્યાં રાત રોકાવાનું આયોજન હતું એટલે ગીરીએ એક સારી હોટેલમાં એમને રહેવાની વ્યવસ્થા કરી આપી અને સાંજનું ખાવાનું બનાવ્યું.

બધાં આ પહાડી વાતાવરણથી ટેવાતાં જતાં હતાં અને આજે તો મુસાફરી પણ આસાન હતી એટલે બધાં એવાં થાકેલાં પણ ન હતાં. ‘કલ હમલોગ સુબહ સાત બજે ગંગોત્રી કે લીએ રવાના હોંગે. દસ બજે પહલે હમ હર્શિલ પહુંચ જાયેંગે. યહી માનો ગંગોત્રી હૈ. જહાં હમ ગંગાસ્નાન કરેંગે. અગર આપ કો ગૌમુખ દર્શન કો જાના હૈ તો યે રાસ્તા મુશ્કિલ હૈ. બહોત કમ લોગ વહાં જાતે હૈ. આપ કે લીએ તો વહાં જાના જ્યાદા મુશ્કિલ હોગા.’

‘નહીં હમેં ગૌમુખ તક નહીં જાના હૈ.’ કોઈ બોલે એ પહેલાં ત્રિભુવને કહ્યું. એને બીક હતી કે ક્યાંક અંબિકા ગોમુખ જવા તૈયાર ન થઈ જાય! પણ અંબિકાએ પતિની વાત સાંભળતાં પોતાની એમાં સંમતિ દર્શાવી.

બીજે દિવસે દસ વાગ્યા પહેલાં બધાં ગંગોત્રી પહોંચી ગયાં હતાં. ત્યાં ગીરીએ એમને સ્નાન કરાવ્યું તથા ગંગોત્રી માતાના મંદિરમાં દર્ન કરાવ્યાં.

કાઈએ ત્યાં રાત રોકાવાની ઈચ્છા વ્યક્ત ન કરી એટલે સાંજના સાતેક વાગ્યે તો બધાં પાછાં ઉત્તરકાશી આવી ગયાં હતાં. રાતે આરામ કરી બીજે દિવસે બધાં હરદ્વાર આવી ગયાં.

‘આજ આપ આરામ કીજીયે. કલ હમ કેદારનાથ ઔર બદ્રીનાથ કી યાત્રા કો ચલેંગે. સબ મીલા કે તીન રાત બહાર રહના પડેગા. હમ રુદ્રપ્રયાગમેં રાત કો ઠહરેંગે. વહાં સે સુબહ કેદારનાથ જાયેંગે. જો બારહ જ્યોતિર્લીંગ પુરાણોમેં માને ગયે હૈ ઉસમેં કા એક કેદારનાથજી કા લીંગ હૈ. હમ ઉન કે દર્શન કર કે વાપસ રુદ્રપ્રયાગમેં આકર રાત બસેરા કરંગે.

બીજે દિવસે નક્કી કર્યા પ્રમાણે એ લોકો કેદારનાથ યાત્રા પર ઊપડ્યાં. અંબિકાને તબિયત સાથ દેતી ન હતી પણ એ બહાર જણાવા દેતી ન હતી. શરીર કઠતું હોય તોય એ મોં પર સદાય આનંદ પ્રદર્શિત કર્યા કરતી હતી. બીજાં બધાંને આ જોઈ આનંદ થતો હતો પણ ત્રિભુવનથી અંબિકાની આ સ્થિતિ અજણી ન હતી.

સાંજના પાંચેક વાગ્યે એ લોકો રુદ્રપ્રયાગ પહોંચ્યાં. ત્યાં સ્નાન દર્શન વગેરે પતાવીને એક શેડ નીચે સૌ બેઠાં તો ત્રિભુવને અંબિકાને બધાંથી દૂર એક બાંકડા પર દોરી. એણે અંબિકાને ફરતે ગરમ શાલ વીંટાળતાં કહ્યું: ‘તને આમ ખુશ જોઈ મને કેટલો આનંદ થાય છે! તને થાક તો નથી લાગ્યો ને! એવું હોય તો આપણે આજે અહીં કેદારનાથમાં રોકાઈ જઈએ.’

‘આજની સફરમાં થાકવા જેવું શું હતું? તમને મારી તબિયતની આવી ચિંતા કરતા જોતાં મને તો થાય છે કે ક્યાંક તમે બિમાર ન પડી જાવ.’

‘બિમારીમાંથી તો તું તાજી ઊઠી છે. મને શું થવાનું હતું?’

‘મને તો ભગવાને જાણે આ જાત્રા કરાવવા માટે જ જીનતદાન દીધું છે એટલે એ મારી જાત્રા તો પૂરી કરાવશે જ એની મને શ્રધ્ધા છે. પણ આ જાત્રામાં મને તમારા પ્રેમની ને લાગણીની જે હુંફ મળી છે તેનાથી તો હું ધન્ય થઈ ગઈ છું. હવે તો મોત આવે તોય એને ગળે લગાવી લેતાં મને જરાય વસવસો ન થાય.’

‘તું આમ મરવાની ક્યાં વાત કરવા માંડી! જાતરાથી તો પૂણ્ય મળે ને મોત આવતું હોય એય પાછું ઠેલાય. પચાસ કરતાંય વધારે વરસથી તું મને સાથ આપી રહી છો તે આ ઉંમરે સાથ છોડવાની વાત કરીને મને એકલો છોડી જવાની વાત કેમ કરે છે!’

‘મોત આગળ કોઈનુંય ચાલે છે! પણ તમારાં પૂણ્ય આગળ આવ્યાં તે મને ભગવાને કેન્સરમાંથી બચાવી ને તમારે સથવાળે આ જાત્રાય કરાવી. આખો જન્મારો તમે નોકરી ધંધામાં ને હું ઘર અને છોકરાંમાં પરોવાયેલાં રહ્યાં પણ આ જાત્રામાં મને તમારો આખા ભવનો પ્રેમ સામટો મળી ગયો.’

‘એ તો સામે મનેય એટલો જ મળ્યો ને! હજુ બેચાર વરસ એ પ્રેમ આપ્યા કર પછી કોણ વહેલું જાય કે કોણ મોડું એની ચિંતા નહીં. આપણે બેય જવાની ઉંમરે પહોંચ્યાં છીએ.’

‘એવું તે શું બોલતા હશો! બુકીંગ તો મારું કન્ફર્મ થઈ ગયેલું છે.’ કહેતાં અંબિકાની આંખમાં આંસુ તગી રહ્યાં. પણ એ આંસુ મોતના ડરનાં નહીં પણ પતિપ્રેમનાં હતાં.

બીજે દિવસે સવારમાં એ બદ્રીનાથ જવા નીકળ્યાં. રસ્તામાં એક જગ્યાએ થોભી લંચ પતાવી થોડો આરામ કરી સાંજના પાંચ વાગ્યે બદ્રીનાથ પહોંચ્યાં. ત્યાં રહેવાની સારી સગવડ હતી. સાંજનાં આરતીનાં અને બીજે દિવસે સવારે સ્નાન અને દર્શન કરીને દસ વાગ્યે જોષીમઠ જવા રવાના થયાં.

જોષીમઠમાં રાતવાસો કરીને બીજે દિવસે હરદ્વાર જતાં રસ્તામાં ૠષિકેશ થોભી ત્યાં સ્નાન-દર્શન કરીને લક્ષમણ ઝૂલા જઈ આવ્યાં. ત્યાંથી ત્રિવેણી ઘાટ પર ગંગા સ્નાન કરી કોયલ ઘાટ પર આચમન કરીને સાંજનાં હરદ્વાર પહોંચ્યાં.

એ રાતે અંબિકાને મોડી રીત સુધી પાસાં ઘસતી જોઈ ત્રિભુવન પોતાની પથારીમાંથી ઊતરી એની પાસે ગયો: ‘કેમ તમને આજે ઊંઘ નથી આવતી? કાંઈ થાય છે?’ એણે પૂછ્યું.

‘કાંઈ નહીં પણ આખી યાત્રી પૂરી થઈ એનો થાક જાણે એકસામટો લાગતો હોય એમ ઊંઘ નથી આવતી.’

‘દુખાવાની કે ઊંઘની ગોળી આપું? એનાથી ઊંઘ આવી જશે ને સવારમાં ફ્રેશ થઈ જવાશે.’

‘તમે ચિંતા ન કરતા, ઊંઘ તો એમ જ આવી જશે. સવારમાં થોડાં મોડાં ઊઠાશે એટલું જ. તમે આરામ કરો.’

અંબિકાએ કહ્યું એ માની લેતો હોય એમ ત્રિભુવન પોતાની પથારીમાં જઈ સૂઈ ગયો પણ મનમાં એને ખાતરી થઈ ગઈ કે અંબિકાનો એ થાક ન હતો. એની સ્વસ્થતાની અવધિ પૂરી થયાની એ નિશાની હતી. એ બહરથી ભલે એને થાક કહે પણ અંદરથી તો એ કેન્સર ને એની દવાઓની અસરની વેદનાથી પીડાઈ રહી હતી. એટલે ત્રિભુવને નક્કી કરી લીધું કે હવે વહેલી તકે એને અમેરિકા લઈ જવી જોઈએ.    

‘કાલે આખો દિવસ આરામ કરીને પરમ દિવસે દિલ્હી જઈશું ને ત્યાંથી પછીને દિવસે જ અમેરિકા જવા રવાના થઈ જઈશું. હું હમણાં ફોન કરીને બુકીંગ કન્ફર્મ કરાવી દઉં છું.’ બીજે દિવસે સવારમાં ઊઠતાં જ ત્રિભુવને કહ્યું. ને દિલ્હી ફોન કરીને એણે બુકીંગ કન્ફર્મ કરાવી લીધું.

દિલ્હીમાં જઈ હોટેલ તથા ગીરીનાં બીલ ચૂકવી દીધાં. ગીરીને એણે અંબિકાની ઇચ્છા મુજબ એના થતા પૈસા ઉપરાંત હજાર રૂપિયા બક્ષીસના પણ આપ્યા ને બીજે દિવસે એમને એરપોર્ટ પર મૂકી જવાનું કામ પણ સોંપી દીધું.

□ □

સાન હોઝે પહોંચી તરત એણે હોસ્પિટલમાં ફોન કરી બીજા દિવસની સવારની એપોઈન્ટમેન્ટ પણ લઈ લીધી.

This entry was posted in જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક. Bookmark the permalink.