મારી બકુનું શું?(૧૮)-પ્રવિણા કડકીયા

 

કૂતરો ભલેને ઘરમા પાળેલો હોય, ગલીઓમાં રખડતો હોય કે સરકસમાં કામ કરતો હોય, હાડકું મળે એટલે પોતાની જાત બતાવે. અમદાવાદમાં બકુ પર વારી જતો નકુળ કેંન્સરના રોગથી મુક્તિ પામી પાછો અમેરિકાની ધરતી પર આવ્યો. પશ્ચિમની આ ભૂમિ શ્રાપિત છે. રંગરેલિયાં સિવાય કશામા તેને સુખ જ્ણાતું નથી.  બકુ પ્રત્યે લગણીનો વહેતો ધોધ હવે પાછો કલબોમાં અર્ધ નગ્ન નૃત્ય કરતી સુંદરીઓ પર ઢળ્યો. શરાબની બોતલ તો કદી નાચતી નથી પણ તેના થોડા ઘુંટ લીધા પછી નકુળરાય જરૂર બેકાબુ બની જતા.          

કુદરત પણ કમાલ કરે છે. તેની થ્પ્પડ એવીતો વાગે છે કે તેનો અવાજ નથી સંભળાતો પણ જેને વાગી હોય તેને ઝંપવા નથી દેતી. નકુળ લકવાનો શિકાર બન્યો. બકુ લાગણીશીલ હોવાને કારણે તેની સેવા કરતી. તેને ઢોળ ચડાવ્યો હતો પણ હ્રદય કેવી રીતે સંભાળે.

           નકુળનો હાથ ઝાલી સપ્તપદીના ફેરા ફરી હતી. ભર જુવાનીમા ઘણા અપમાન અને તિરસ્કાર પામી હતી છતાંય જ્યારે અમદાવાદ પાછા ગયા ત્યારે માણેલું સુખ રહી રહીને નકુળ પ્રત્યેનો પ્રેમ છતો થયો હતો. વળી પાછું અમેરિકા અને એ જ રોજની કરમ કહાણી તેને લલાટે લખાઈ હતી. આજે સવારથી નકુળને શ્વાસ ચડ્યો હતો. બકુ તૈયાર થઈ કામ પર જવા નિકળી ગઈ. તેને સાચવવા રાખેલી નર્સ આવી. નકુળને કષ્ટ થતું હતું. તેને જેમે તેમ કરી દુધ અને સિરિયલ ખવડાવ્યા. બે ચમચા માંડ ખાધા અને ઉલ્ટી થઈ ગઈ. નર્સ વાસણ મૂકવા ગઈ. મોઢું સાફ કરવા નેપકિન ગરમ પાણીથી પલાળીને આવી ત્યાંતો નકુળ ખટલા પરથી જમીન પર પડ્યો હતો. તેની આંખો ખુલ્લી હતી. અને જીભ મોઢામાં બહાર લટકી રહી હતી. આંખો દરવાજા તરફ ખોડાયેલી હતી. જાણે “બકુ”ના આવવાની રાહ ન જોતી હોય.

              અનુભવી નર્સ સઘળું પામી ગઈ કે નકુળ ના પ્રાણ છૂટી ગયા છે. સહુથી પહેલા ૯૧૧ ને ફોન કર્યો અને પછી બકુને તેના સેલ ઉપર કહ્યું જલ્દી ઘરે આવો.            

બકુ મારતી ગાડીએ ઘરે આવી. રસ્તામા મન મર્કટ જાત જાતના વિચારો કરતુ હતું. એમ પણ વિચાર ઝબકી ગયો કે કદાચ નકુળના પ્રાણ—–. ભારતિય નારી . પતિ ભલેને ગમે તેવો હોય. કેટલાય દુખ કેમ ન દેતો હોય છતાં તેનું અમંગળ કદી ન વાંછે.

    બકુ ઘરે આવી. મનમા કશું અમંગળ ઘટના ઘટી છે એવો છાનો ભય હતો.અવતાંની સાથે મેરી, શું થયું. મેરી એ ઈશારાથી સમજાવ્યું કે નકુળ સ્વધામ પહોંચી ગયો છે. ક્ષણભર તો શું કરવું કે બોલવું તે કશી સમજ બકુને ન પડી.સોફામાં ઢગલો થઈને બેસી ગઈ. આંખો બંધ હતી. દરિયામા મોજા ઉછળે ને  જે સ્થિતિ થાય તેવી તેના મગજની સ્થિતિ હતી. અફાટ મોજાની માફક વિચારો ધસમસતા આવતા અને કંઈ પણ નિર્ણય કર્યા વગર વિખરાઈ જતા. કલાકેક ક્યાંય નિકળી ગયો. મેરીને થયું હવે તો ખરું કામ કરવાનું છે.

બકુને ઢંઢોળી. બકુ એ  હોશ સંભાળ્યા. સહુથી પહેલું કામ નાનકીને ફોન કર્યો. ગમે તેમ પણ પોતાનો મા જણ્યો ભાઈ હતો. નાનકીથી પોક મૂકાઈ ગઈ. પછી પોતાની જાતને સંભાળી કહે ‘બકુ હું આવું છું.’

       નાનકી આવી , બકુને કહે હવે લેણાદેણી પૂરી થઈ ગઈ. નકુળને તેના કર્મના ફળ મળી ગયા. આમ પણ જન્મ તેનું મૃત્યુ નિશ્ચિત છે. બકુ હવે આપણે શું કરવું તેનો વિચાર કર.  વર્ષોનો અમેરિકાનો વસવાટ હોવાને કારણે ભાઈબંધ અને ઓળખીતા આવી પહોંચ્યા.ડોક્ટરે આવી નકુળને તપાસી મૃત જાહેર કર્યો. ‘ડેથ’ સર્ટિફિકેટ આવ્યા પછી આગળ કાર્યવાહી શરૂ થઈ.  કયા ‘ફ્યુનરલ હોમ’મા અંતિમ ક્રિયા માટે શબને લઈ જવું તે નક્કી થયું. હા, પૈસા  હતા તેથી તેની કોઈ તકલીફ હતી નહી.

        આપણામા કહેવત છે ‘હાથી જીવતો  લાખનો મૂએ સવા લાખનો’  તેવી રીતે નકુળની આવક ઓછૉ જણાય પણ ‘બે મિલિયન ડોલર’નો વિમો પાકવાનો હતો.બકુ હોંશિયાર થયા પછી આ બધી વાતથી વાકેફ હતી. ફ્યુનરલ બે દિવસ પછી હતું. બકુની મામાની દિકરી અને નકુળનો મસિયાઈ  ભાઈ લોકલાજે આવી પહોંચ્યા. માણસ પળવારમા પંચમહાભૂતમાં મળી ગયો. બકુએ નકુળના બધા ગુના માફ કરવાની ઉદારતા બતાવી. એક અઠવાડિયુ ભાગવત બેસાડી  તેના આત્માને શાંતિ મળે તેવું આચરણ દાખવ્યું.

          ઈશ્વર કૃપાથી નકુળનો ખાસ દોસ્ત અતુલ સી.પી એ હતો તેથી બકુને બહુ અગવડ પડી નહી. આજે ઘર ખાલી થઈ ગયું હતું. બકુ પહેલીવાર એકલી પડી. નાનકીનો સહારો બકુને હિમત પ્રેરતો. હવે જાણે નક્કર હકિકત આંખ સામે આવી. અબજો માણસો દુનિયામા

વસે છે. ઘરમાં બકુ બહેન એકલાં.  નકુળને જ્યારે પહેલ વહેલી ખબર પડી કે તેને ‘કેન્સર’ છે. ત્યારથી એક વિચાર એને કોરી ખાતો. હું હવે થોડા દિસોનો મહેમાન છું. બકુને ભલે મેં અન્યાય કર્યો છે પણ એ ભોળી છે. મારી સાથે જીવન વિતાવી રહી છે. મારી ગેરવર્તણૂક બધી ચલાવી લે છે. જ્યારે મારો દેહ આ પૃથ્વિ પર વિહરતો નહી હોય ત્યારે ‘મરી બકુ નું શું?’

           અરે, પામર નકુળ રાય તમે શું મનમાં ખાંડ ખાવ છો.  શું આ  પૃથ્વિના  રચયિતા તમે છો?  સૂર્ય શું તમારી રજા લેવા આવે છે. હવા અને પાણી શું તમારી મુઠ્ઠીમા બંધ છે?  જો બકુની ખરી ચિંતા હોત તો અમેરિકા આવી પાછા રંગરેલીયા મનાવવામાં ન ડૂબી ગયા હોત! તેને પોતાને જ ખબર ન હતી કે તેનો અને બકુનો સંબંધ શું છે ? આ સંબંધને શું નામ આપવું ?  બકુ પ્રત્યે ખરેખર લાગણી છે કે પછી કાંઈ જ ભાવ નથી. કેન્સરમા સપડાયેલો નકુળ સાચો, અમદાવાદમા બકુ પર વારી જતો નકુળ સાચો કે પછી મરવા ટાણે અસહાય હાલતમા બકુને કાંઈ જ ન કહી શકનાર નકુળ સાચો. માનવ એક તેના રૂપ અનેક. તેના ચહેરા પર ચહેરા ભિન્ન ભિન્ન. હે , વિધાતા આનો ઉકેલ શું ? શામાટે માનવ આમ વર્તન કરતો હશે ? ખેર હવે તો ખેલ ખતમ થઈ ગયો હતો.

           મારી બકુ નું શું એ પ્રશ્ન કરનાર હવે હયાત ન હતો . કિંતુ આખા જગતનો રચનાર રક્ષણહાર જ્યાં સુધી મોજુદ છે ત્યાં આવી નિરર્થક ચિંતા શા કાજે.

            બકુએ પોતાને સમ્ભાળી લીધી. હા, નકુળ નો વિયોગ સાલતો હતો. તેની સંગે વિતાવેલ વર્ષોમાં એવી મધુરી યાદો ન હતી જે તેને શોક મગ્ન રાખે. અમદાવદના સુનહરા દિવસોની યાદ કદીક મુખ પર સ્મિત રેલાવતી કે તરત જ તેના વર્તનની કડવાટ તે યાદ ને દૂર હડસેલી મૂકતી.

              સમજણી થઈ ત્યારથી નકુલનો સંગાથ ભોગવ્યો હતો. વર્ષોના વહાણા વીતી ગયા. હવે જ્યારે આંખ ખુલી ત્યારે કઈ રીતે શેષ જીવન વિતાવવું તેના ગુઢ વિચારોમાં સરી જતી.

               ‘બકુ’ જેનું નામ  હવે તે કોઈની ઓશિયાળી થવા માગતી ન હતી. તેને ભરોસો હતો તેના ‘કૃષ્ણ’નો.  બેધડક કહી દીધું ,

‘અનેરો તારો સાથ બન્યો ઘનેરો સંગાથ કાના હાથમાં લે મારો હાથ.’

            બસ ભગવાનને સમર્પણ કરી બકુ નોશ્ચિત બની ગઈ. રોજ નવા નવા વિચારો આવતા.  આયનાની સામે ઉભી રહી દલીલબાજી કરતી. રસ્તો મળી આવતો અને પ્રભુનો ઉપકાર માનતી.

      બકુને આટલા વર્ષો રહ્યા પછી પણ અમેરિકા માટે લાગણી ન હતી. શું આપ્યું હતું અમેરિકાએ કે એને ભાવ હોય ? ધીરે ધીરે અંહીઆનું બધું સમેટવા માડ્યું. નાનકીને કહ્યું તને જે જોઈએ તે લઈ લે. હવે તેનું મન અંહીથી ઉઠી ગયું હતું. સારું થયું કે વચ્ચે અમદાવાદ જઈ આવ્યા હતા તેથી બહુ લાંબો પથારો ન હતો. બધા જ કાગળ પત્ર અમદાવાદ આવે એવું પોસ્ટઓફિસમાં જઈને નક્કી કરી આવી. સોસીયલ સિક્યોરિટીના પૈસા સીધા અમદાવાદની બેંકમા જમા થાય એવું જણાવ્યું. મેડિકેર ચાલુ રાખ્યો કદાચ ભવિષ્યમા જરૂર પડે.

      બકુ સાંભળતી થઈ અને અંગ્રેજી વાચતી થઈ પછી ખૂબ ચકોર બની ગઈ હતી. ખરું પૂછો તો તે પહેલેથી હોંશિયાર હતી. નકુળે તેનું જીવતર કચરી નાખ્યું હતું. ખેર ‘દેર સે આયે દુરસ્ત આયે’ ની ઉક્તિ અનુસાર નકુળ વગરની જીંદગી પોતાના પગ પર ઉભા રહી ગૌરવભેર જીવવા માટે બકુ એ કમર કસી.

       પૈસાની રેલમ છેલ હતી. બે મિલિયન ડોલર જે મળ્યા હતા. સરળ સ્વભાવની બકુ તેનો સદઊપયોગ કરવા માગતી હતી. અમેરિકાને વિદાય આપી અમદાવાદની ધરતી પર પગ ધર્યો. માતૃભૂમિની સોડમ તેના દિલને સ્પર્શી ગઈ.

       અમદાવાદનો બંગલો તો નકૂળે બકુ માટે તૈયાર કરી રાખ્યો હતો. ગંગાબા તો બકુ પાછી આવી જાણી ઘેલાં ઘેલાં થઈ ગયા. રામઅવતાર પાછો સલામ કરવા આવી ગયો. બકુએ નવી કાર લીધી. . બકુ સાદી અને સરળ આખી જીંદગી બાળકના પ્રેમથી વંચિત. અરે પતિનો પ્રેમ પણ તેના નસિબમા ક્યાં લખાયો હતો. આ તો નકુલને કેન્સર થાય નહી અને અમદાવાદ પાછા આવે નહી. ખેર વિધાતાએ જે લલાટે લખ્યું હોય તે કોઈનું મિથ્યા થતું નથી. આપણે સહુ તેના હાથની કઠપૂતળી છીએ.

            બકુનું માતૃત્વ ઉછળી આવ્યું.  અમદાવાદની ઘણી  બધી સંસ્થાઓની મુલાકાત લીધી. એક સંસ્થાના સંચાલક સરગમ બહેનને બકુમા રસ પડ્યો. તેની વાત કરવાની ઢબ,પૈસાની સગવડ અને અંતરની અભિલાષા બધાનો અભ્યાસ કર્યો. બકુને મળવા તેને ઘરે ત્રણેક મુલાકાત પણ કરી. અંતે સુંદર રીતે વિચારો પ્રસ્તુત કર્યા. બકુને તેમની યોજના ખૂબ જચી ગઈ. તેનું હ્રદય પુલકિત થઈ ગયું. સરગમ બહેનને પણ બકુની વાતો અને ભાવુકતા આંખે ઉડીને વળગ્યાં. બસ પછી તો પૂછવું જ શું. છએક મહિના નિકળી ગયા. સુંદર બાલવાડીનું  સર્જન થયું. અનાથ બાળકોને દાખલ કરવાનું નક્કી થયું. શરૂઆત કરી ૫૦ બાળકોથી.તેમનું રહેવાથી માંડી, ખાવા પીવાની અને ભણવાની બધી સગવડો વિના મૂલ્યે.

                    તેમને સાચવનાર બહેનો પણ જરૂરિયાત વાળી હોય તેના પર બકુ એ ખૂબ ભાર મૂક્યો. જેવીકે તછોડાયેલી, પતિ વિહોણી કે છૂટાછેડા વાળી. બકુ સંસ્થામા લગભગ દરરોજ આવતી.  ખર્ચમાં ક્યાંય પૈસા ચવાઈ જતા નથી તેનું ધ્યાન ખુદ રાખતી. બાળકો સાથે પ્રેમ બાંટતી. જાણે બાળક સાથે બાળક ન બની જતી હોય. આખી જીંદગી એક બાળક માટે વલખાં મારતી બકુને આખું બાળમંદિર સાંપડ્યું. સહુથી નિર્દોષ આ સૃષ્ટિમાં કોઈ હોય તો તે બાળકો છે. જેનું કોઈ નથી એવાનો આધાર બકુ બની અંતરનો આનંદ પામતી.  ખ્યાલ રાખતી કે આ બાળકો આપણી સંસ્કૃતિ ઉજાળે તેવા બને. તેમના મુખ પર રેલાતું સ્મિત બકુનું અંતઃસ્તલ હચમચાવી જતા. નકુળ સાથેની જીંદગી ભૂતકાળ બની ગઈ. આજમા જીવી ધન્ય ક્ષણ અનુભવતી.નકુળનું પોકળ વાક્ય ” મારી બકુનું શું?”   કેવું બેહુદુ સાબિત થયું. ૮૪ લાખ ફેરા ફર્યા પછી મળતો આ અમૂલ્ય માનવ દેહ બકુ ઉજાળી રહી હતી. આસક્તિ તેને કશામા ન હતી. બસ બાળકોમા મસ્ત રહેતી તેમની પ્રગતિ જોઈ પોરસાતી. બકુનું શું એ પ્રશ્ન વિધાતાએ વિચારી રાખ્યો હતો. વિધિના લખ્યા લેખ ને કોણ મારી શકે મેખ. બાળકો બકુને માનો પ્રેમ આપી તેના જીવતરની હર પળ ખુશી થી ભરી દેતા——— મારી બકુનું શું  ? કેવો હાસ્યાસ્પદ વિચાર હતો. નકુળરાય વિચારતા કે હું નહી હોંઉ ત્યારે મારી બકુ કેવી હેરાન થશે. કિંતુ કાલની કોને ખબર છે.

This entry was posted in મારી બકુનુ શું?. Bookmark the permalink.