જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક—(૧૩) દેવિકા ધ્રુવ

 

Quantcast

બીજા દિવસની ડોક્ટરની એપોઇન્ટમેન્ટ તરત જ મળતાં  ત્રિભોવનને રાહત થઇ.દિવસ આખો એણે અંબિકા સાથે સતત વાતોમાં ગાળ્યો.સાંજે બંને જણ બેઠા હતાં ત્યારે અંબિકા બોલી,”આ ચાર ધામની યાત્રાથી મનને એટલું સારું લાગે છે કે વાત ન પૂછો.એમાંયે તમે મારી સાથે આવ્યાં અને પ્રેમથી યાત્રા પણ કરી એ તો મેં સ્વપ્ને પણ વિચાર્યું ન હતું.સાચે જ મારું તો જીવન ધન્ય ધન્ય થઇ ગયું”

“ સાચી વાત છે તારી શ્રધ્ધા ઘણું મોટું કામ કરી ગઇ.મને પણ તારી સાથે સરસ પ્રભુદર્શનનો લ્હાવો મળ્યો તેથી સારું લાગ્યું બસ,હવે આપણે બંને બાકીની જીંદગી આમ જ સાથે સુખેથી વીતાવીશુ.”ત્રિભોવને વ્હાલથી હાથ પસવાર્યો.

“સાચું કહું, હવે તો જીંદગી લાંબી કે ટૂંકી, મને કોઇ ચિંતા નથી.એમ લાગે છે કે બસ,સર્વસ્વ મળી ચૂક્યું છે.”કહી અંબિકા પતિની વધુ નજીક સરકી.ભાવાવેશની આ ક્ષણોમાં અંબિકા વધારે ને વધારે બોલે જતી હતી પણ તેની  આવી વાતોથી,થોડા ડર સાથે ત્રિભોવને એને અટકાવી અને આરામ કરવા જણાવ્યું.સૂતા પહેલાં ત્રિભોવને અંબિકાને ગરમ દૂધ બનાવી પીવડાવ્યું અને પોતે પણ સાથે જ પીધુ. રાત પડી. અંબિકાને આજે જલ્દી ઉંઘ આવી ગઇ પણ ત્રિભોવનની આંખમાં ઉંઘ ન હતી.આખી રાત એણે પડખાં ફેરવ્યાં કર્યાં.થોડી થોડી વારે અંબિકાને તક્લીફ તો નથી ને એમ ચેક કર્યા કરતો હતો.એમને એમ કદાચ વ્હેલી સવારે ત્રિભોવન સૂઇ ગયો.પણ થોડીવારમાં તો એ ઝબકીને જાગી ગયો.આ શું ?અંબિકાનો બરફ જેવો ઠંડો હાથ એના તરફ લંબાયેલ પડ્યો હતો.ક્યારે શું બની ગયું એને કશી જ ખબર ના પડી ! એ હેબતાઇ ગયો.અંબિકા ,અંબિકા કહેતો એ એને હલાવતો રહ્યો.પણ અંબિકા તો ઉંઘમાં જ ઉંઘી ગઇ હતી..ડોક્ટરને જોવાની કે સારવાર કરાવવાની એને કોઇ જરૂર જણાઇ નહતી.એના શ્રધ્ધાળુ દિલને પરમ  શાતા હતી.કોઇપણ જાતની પીડા વગર એ મુક્તિ પામી હતી. આટલો બધો ધર્મ કર્યો હતો તેથી તો સરળતાથી દેહ છોડ્યો.ફુગ્ગામાં વહેતી ફૂંક જેવી છૂટી અને આતમરાજા મુકત ગગનમાં વહી ગયા.

અંબિકા આ ફાની દૂનિયાને છોડી ચાલી ગઈ અને ત્રિભોવન ભાંગી પડ્યો.એ ફરી એકવાર એકલો પડી ગયો..ભર્યા ઘરમાં અંબિકા વગરની એકલતાએ એને બેચેન કરી મૂક્યો..ક્યારેક એ ભૂતકાળમાં સરી પડતો તો ક્યારેક વર્તમાન એને ડરાવી જતો..આટઆટલાં વર્ષોના દાંમ્પત્ય જીવનના  કંઇ કેટલાંયે પ્રસંગો હવે રહી રહીને એના મનઃચક્ષુ સમક્ષ ચલચિત્રની જેમ પસાર થવા માંડ્યા..

અંબિકા  ભોળી અને ભાવુક હતી ! એની સાથે જીંદગીની શરુઆત કેવી રમણીય હતી. યાદ છે એણે પોતાનું મકાન  જાતે બંધાવ્યું હતુ અને પસંદગી મુજબ વસાવ્યું હતું.એટલું જ નહિ એ ચાર દિવાલોના મકાનને એણે લાગણીઓથી સજાવીને  “ઘર” બનાવ્યું હતુ.જ્યારે જ્યારે કંઇ નવી વસ્તુ લઇ આવીને સજાવતી ત્યારે સારું સારું સાંભળવા તલપાપડ થઇ જતી..પણ ત્રિભોવને ઉમળકાથી ક્યારેય પ્રેમ પ્રગટ કર્યો ન હતો. એને લાગણી હોવા છતાં  વ્યકત કરવાનું ફાવતુ ન હતુ ! પણ ક્યારેક જો જરા અમથો ભાવ દેખાતો તો અંબિકા કેવી તરબતર ભીંજાઇ જતી. આજે એકલતાના ઓરડામાં, ત્રિભોવનના માનસપટ પર યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં હતાં. એ વિચારતો હતો કે અંબિકાના દિલની  એ ભાવુક્તા,કોમળતા  એક ક્ષણે એવી નિર્બળતા બની ગઇ કે જે હ્ર્દયની કઠોરતા કરતાં પણ વધારે ખરાબ બની બેઠી. અંબિકાની આંખે દિકરીના પ્રેમનો પટ્ટો બંધાઇ ગયો અને એણે જાણે કે સ્વેચ્છાએ ત્રિભોવન તરફની  લાગણીનો દરવાજો બંધ કરી દીધો..કાશ ! પોતે એને રોકી શક્યો હોત ! પણ હવે આ બધા વિચારોનો કોઇ જ અર્થ ન હતો..ખેર! ત્રિભોવને અતીતના આગળા  જોરથી ભીડી દીધા અને વિચારોને વળાંક આપ્યો.
પોતે કેવી કુનેહથી અંબિકાને પાછી મેળવી શક્યો હતો અને ઘણું બધું અનિષ્ટ થતું રોકી શક્યો હતો એમ વિચારી મનોમન  જાતે  સાંત્વન પણ લેવા માંડ્યું…એ બરાબર જાણતો હતો કે અંબિકા માત્ર રાધિકાની ચડવણી અને છેતરામણીમાં ફસાઇ ગઇ હતી.. બાકી એ પતિને છોડે જ નહિ એ વાત ચોક્કસ હતી.એટલે જ તો ઓપરેશન પછી ઘેર આવ્યા પછી બંને એકમેકના મનને કેટલું સાચવતા હતાં ! ચારધામની યાત્રા દરમ્યાનની ધન્યતાની પળો એને પરમ સંતોષ આપતી હતી.અંબિકાની ઇશ્વર પ્રત્યેની શ્રધ્ધાએ જ એને પીડા વગરની મુક્તિ આપી એ વાત હવે એના મનને સાચી લાગવા માંડી હતી.તો બીજી બાજુ આજનો અંબિકા વગરનો ખાલીપો એને રડાવતો અને ડરાવતો પણ હતો.મનહર, કલ્પના અને જગદીશ ત્રણે જુદીજુદી રીતે ત્રિભોવનને સાચવતા, ક્યાંય કશું ઓછું ન આવે તેની સભાન તકેદારી રાખતા.પણ ત્રિભોવનના હૈયે ઊંડો અજંપો હતો. ઘણી યે વાર એ એકલો એકલો  છાના આંસુ સારતો..પત્ની વગરનું જીવન આવું અને આટલું બધું કારમુ ? એ અંદર ને અંદર ગૂંગળાતો હતો.. સ્ત્રી વગરનું પુરુષ-હ્રદય પોકારતુ હતું.

આશા ઉપર જીવન હતું, એ પણ મરી ગઇ,
દિલને ફરી મળી હતી એ બાંહેધરી ગઇ;
મારા વિના ના ગમ્યું તને ક્યાંય વેદના !
ઘર દિલનું જોઇ લીધું અને ઘર કરી ગઇ !!…

એકલો પડેલ ત્રિભોવન વિચારોમાં ખોવાતો રહ્યો. કહેવાય છે કે” દીકરો વારસ છે;તો દીકરી પારસ છે અને દીકરો  દવા છે તો દીકરી દુઆ છે” પણ પોતાને નસીબે તો સાવ ઉલટું જ બની રહ્યું હતું.

પુત્રી રાધિકાને બાપની મિલકત ન મળ્યાનો ધૂંધવાટ હતો.ક્રીસ હવે શું કરશે ?પોતાની જીંદગીનું શું ? અનેક પ્રશ્નો આવીને ઉભા રહ્યા.. માના જવાનું દુઃખ કે પિતાની એકલતાની તો એને પડી જ ન હતી. જીવનની લપસણી ભૂમિકા પર પૈસાના પ્રલોભનની મેનકા પ્રવેશ પામે ત્યારે વિવેકનું પદ્માસન હાલી ઊઠે છે.રાધિકા એનો બરાબર શિકાર બની બેઠી હતી.ન ઘરની ન ઘાટની એવી એની દશા થઇ ગઇ હતી.ક્રીસને હવે રાધિકામાં કોઇ રસ ન હતો.પૈસો જ એને મન સર્વસ્વ હતો.એ તો વિચારતો હતો કે હવે ગમે તેમ કરીને બીજો રસ્તો શોધવો ! કોઇને કોઇ બહાને એ હવે રાધિકા સાથે ઝઘડતો.

“તારા માબાપે  તારી જ સાથે છેતરર્પીંડી કરી. જોઇ ને ? ફરી લગ્ન કર્યા એટલે  એક ફૂટી કોડી તને નહિ મળે હવે..”
એટલે  કે તું માત્ર પૈસા માટે જ મને પ્રેમ કરતો હતો એમ ને ? મને પહેલેથી ખબર હોત તો તને ક્યારનો છોડી દીધો હોત..મેં એ લોકોનું કહ્યું માન્યું નહિ ને તારી પાસે ખેંચાતી રહી..”
રાધિકાની અંદર રહેલ ભારતિય સંસ્કાર બોલતા હતા.પણ લુખ્ખો ક્રિસ તો સામે જડબાતોડ  ગરજતો.

“ હજી યે શું મોડું થયું છે ? બારણા ખુલ્લાં જ છે.”
 તો તું હવે છેલ્લે પાટલે બેસી ગયો ને? પણ યાદ રાખજે હવે હું તને તારી  તરકીબોમાં સફળ નહિ થવા દઉં..”

તો તું તરકીબ કર.કોઇ દિવસ વિચાર્યું છે ખરું કે અહીંના કાયદા પ્રમાણે બાપના વારસામાં દીકરા અને દીકરી બંનેનો સરખો હિસ્સો હોય છે ? કહી ધમપછાડા કરતો.

જેમ જેમ ક્રિસ સાથેનું અંતર વધતુ ગયું તેમ તેમ મજબૂર રાધિકાની આંખો ખુલતી જતી હતી. દંભના આવરણો હટતાં ધીરે ધીરે સત્ય સમજવાની કોશીશ અનાયાસે ક્યારેક થતી..પણ ક્રિસ તો પોતાના રસ્તે ઘણે દૂર નીકળી ચૂક્યો હતો.;અને એમાં જ રાધિકાને ખેંચવાનો જબરદસ્ત પ્રયત્ન કરતો રહ્યો.કોઇક વાર ગુસ્સો કરતો તો કોઇક વાર દરિયા જેટલો અઢળક પણ બનાવટી પ્રેમ  વરસાવતો..હજી એને મનમાં હતું કે અમેરિકી કાયદા પ્રમાણે ત્રિભોવનના ગયા પછી દિકરા અને દીકરી બંનેને ભાગ મળે અને એ રીતે રાધિકાને મળતા ભાગમાં છેવટે તો પોતાને જ ફાયદો છે ને ? તો શા માટે રાધિકાને જવા દેવી ? અને સાથે સાથે બીજી માલપાત્રને ફસાવવાની એની જૂની યોજનાઓ વિષે પણ છાનાછપના કૈંક કૈંક મનસુબાઓ ઘડ્યે જતો હતો…કોઇપણ ભોગે પૈસો એ જ એનું લક્ષ્ય હતું.

દ્વિધા અનુભવતી રાધિકા ક્યારેક મક્કમ બનતી તો ક્યારેક ક્રિસની મીઠી મીઠી વાતો અને પૈસાના પ્રલોભનોમાં અવશપણે ખેંચાતી રહી..એનું ભવિષ્ય હવે  ડગમગતી નૈયા જેવું બની ગયું હતુ.એના સ્વપ્નાઓની ઇમારત કડડભૂસ થતી જણાતી હતી.જરા સરખો વિવેક દાખવે તો હજી પરિસ્થિતિ તે સુધારી શકે તેમ હતી. ખંડેરોમાંથી જીવનનું સોહામણું પુનર્નિમાણ કરવું એ તો દરેક પંથ ભૂલેલા માનવીનો પ્રથમ હક્ક છે.પરંતુ ક્રિસના સંગની અસરમાંથી અને એના પાથરેલાં જાળામાંથી  મુક્ત થવાનું રાધિકાને માટે સહેલું ન હતું.વળીવળીને એના પગ એ ભણી જ ખેંચાતા હતાં. હવે બંને બાજુથી ઘવાયેલી હરણીની જેમ તે કોઇપણ માર્ગ લેવા કટિબધ્ધ હતી…

This entry was posted in જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક. Bookmark the permalink.

One Response to જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક—(૧૩) દેવિકા ધ્રુવ

Comments are closed.