ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૫)-વિજય શાહ

Quantcast

ત્રિભુવન જ્યારે ડાયરી લખતો ત્યારે ધ્યાન રાખતો કે તેના રુમનું બારણું બંધ હોય. અને ઘરના બધા જાણતા કે જો પપ્પાનાં રુમનું બારણું બંધ હોય તો તેઓ કાં તો ધ્યાનમાં હોય કે અગત્યનું કોઇ કામ કરતા હોય..એટલે વગર લખ્યે સૌ સમજતા કે “તેમને ખલેલ ન પહોંચાડો”નું પાટીયુ લટકે છે.

આજ કાલ તે પાટીયુ વધારે દેખાતુ તેથી જગદીશ ચિંતીત હતો..ખાસ તો સવારે ચાલવા જવાનો કાર્યક્રમ લગભગ અટકી ગયો હતો. રાધિકા ઘરમાં જ રહેતી હતી પણ સવારે  તે જ્યારે સ્કુલ જવા નીકળી જાય તે જ સમયે ત્રિભોવન ડાયરી લખતો…

આજે અંબિકાની મહીનાની તીથી હતી.

તેને ડુમો ભરાતો હતો..અંબિકા પ્રત્યે તેની વર્તણુંક સહિષ્ણુ હતી પણ ક્યારેય તેણે લાગણીઓને શબ્દ દેહ આપ્યો નહોંતો. આજે અશ્રુઓ તેની આંખોમાં રોકાતા નહોતા..પ્રભુ પ્રત્યેની શ્રધ્ધાને કારણે અંબીકા તો કેન્સર સહી ગઈ. તેણે લખવાનું શરુ કર્યુ…

અંબીકા…તારા ગયા પછી આજે એક મહીનો પુરો થયો.દેશમાં જેમ કહેછેને કે હજી ચેહ ઠંડી માંડ પડી છે અને ત્યાં તો આ તારી રાધા વીલ અને અધિકારોનાં બ્યુગલ વગાડે છે. મને એની એકે એક વાત તેની ન લાગતા ક્રીસની વાત વધુ લાગે છે.. જ્યારે..મનહર મને જરા પણ ગ્લાન દેખે અને તેની આંખોમાં પણ ઝળઝળીયા આવી જાય. મા ખોયાની વાત કલ્પનાનાં ઉદાસ ચહેરા ઉપર દેખાય.. જ્યારે રાધીકા..ઘણી વખત મને કહેવાનુ મન થઇ જાય કે

“રાધીકા તુ પણ અમારું સંતાન છે અને તને ઉછેરતા મને અને અંબીકાને પુરતુ જોર પડ્યુ છે. મનહર પણ અમારુ સંતાન છે પણ તારા ઉછેર કરતા જુદો ઉછેર પામ્યો છે અને તેનું કારણ ભારતીય સંસ્કારો છે. તુ લાડે કોડે મોટી થઇ અને અંબીકાની રહેમ નજરને તે તારો અધિકાર માની લીધો..જે અંબીકાનું વહાલ હતું. તને પુરે પુરુ સ્વાતંત્ર્ય મળ્યુ.. તુ ખીલી પણ.. પર પ્રકાશીત ચંદ્રની જેમ ખીલી..ક્રીશ જેમ ચાહે તેમ તને ફેરવી શકે..મૂળ મુદ્દાની વાત એ છે કે તને ક્રીશ રમાડે છે અને એ રમત અમને દઝાડે છે તે તને સમજાતુ નથી.અને મને એજ વસ્તુ વ્યથીત કરેછે કે એવો કેવો પ્રેમ કે જે મા અને બાપને દુશ્મન દેખે?”

ડાયરી બંધ કરી.પાણી પીધુ.. થોડાક યોગાસનો કર્યા અને જ્યારે બહાર નીકળ્યો ત્યારે ઘડીયાળ દસ બતાવતી હતી…બેઠક રુમમાં છાપુ અને ઠંડી ચા રાહ જોતા હતા.

જગદીશ તેના રુમમાં થી આવીને કહે ..” મોટા તબિયત તો સારીને? આજે કલાક મોડા છો….”

ત્રિભુવન બોલ્યો…”જાત સાથે  તારી બેન સિવાયની જીંદગી જીવવાની ટેવ પાડું છું” અવાજની નરમાશ કહેતી હતી કે તેઓ આજે રડ્યા છે.

“ભલે કંઇ કામ હોય તો કહેજો..આજે મહીનાગાંઠ છે તેથી મંદીર હું જઉં છું. તમે આવશો?”

“ હા પણ મને તો તને ખબર છે તેમ પ્રભુને મસ્કો મારતા નથી આવડતુ.”

“ મોટા એને તો કશું જ કહેવાનું નથી.. તે તો બધુ જ જાણે છે પણ મોટીબેન ને ધર્માલંબન ગમે છે તેથી હું તો ત્યાં જઇને મોટી બેન ને યાદ કરીશ અને તેના આત્માને શાંતિ મળે તે હેતુ થી થોડોક સમય પ્રાર્થના કરીશ.”

 ત્રિભુવન કહે “ તારી મોટીબેન તો બધુ પામી.ચારધામ દર્શન કર્યા તેથી તેના જીવને તો શાંતિ છે જ..ખાલી આ રાધીકાનો ઉચાટ મારા માટે બાકી રહ્યોછે…એટલે હું તો ભગવાન સાથે વાત કરીશ તો મારી વાતો તો એટલી જ હશે કે અંબીકા જેવું ઉચાટ હીન મૃત્યુ મને પણ મળે”

જગદીશ થોડોક સમય ચુપ રહ્યો પછી બોલ્યો.. “મોટા તમે ય ચારધામ ફર્યા છો. જિંદગીમાં કરવા યોગ્ય બધું જ કર્યુ છે.અને હજુ કરો છો…ભલેને રાધીકા ગમે તેટલા ધમપછાડા કરે મનહર અને કલ્પના તો ઘણાં જ સંસ્કારી છે.”

ત્યાં નમન અને મનન ને લઇને કલ્પના આવી. સાથે ટીફીન હતું

“પપ્પાજી આજે તમને ભાવતુ ખાવાનું લાવી છુ.. જો ગરમા ગરમ ખાવુ હોય તો બેસી જાવ…પાપડીનો લોટ અને સુકી ભાજીનું શાક છે.”

“ ચાલ બેટા તો અમે જમીને પછી મંદિરે જઈશું..” જગદીશે ત્રિભુવન સામે જોતા કહ્યુ.. અને ત્રિભુવનની આંખો ફરી છલકાણી…પાપડીના લોટમાં બહુ બધુ જીરુ નાખીને અંબીકા જ્યારે લોટ ને થાળીમાં પીરસતી ત્યારે ત્રિભુવન ની ભુખ અવશ્ય ખુલતી સાથે સુકી ભાજી જો કે અંબીકાને નહોંતી ભાવતી પણ ત્રિભુવન માટે તે સદા બનાવતી.

નમન દાદાજીની સાથે બેઠો અને બીજી બાજુ મનન હતો..દાદાજીની આંખ ભીની જોઇને મનન બોલ્યો..”દાદાજી..શું થયુ?”

અને તરત જ નમન બોલ્યો..”દાદાજી..બા યાદ આવે છે ને?”

“હા બેટા મારે તો હવે તેના વિના જીવવાનુ…”

“ કેમ અમે બધા છીયેને?..પપ્પા, મમ્મી જગદીશ મામા અને રાધા ફોઇ”

“હા બેટા તમે બધા તો છો.. તમારી દાદીમાની ખોટ પુરવા”

જગદીશ મામા બોલ્યા “ચાલો હવે વાતો કમ અને ખાના ખતમ કરો.. પછી મંદીરે જતા તમને પાર્કમાં પણ લઇ જવાના છે..ખરુને..કલ્પના..”

કલ્પના કહે આજે તો દાદા જ્યાં કહે ત્યાં જવાનું છે…

હોંડા ઓડીસી બહાર કાઢી બધા મંદીર તરફ રવાના થયા…પાછળ મોટા પેકેટમાં ત્રીસેક માણસનું જમવાનું કલ્પનાએ લીધુ હતુ..મંદીરમાં ભોગ ચઢાવવાની રીતે. ત્રિભુવને તે જોયુ..પણ શાંતિ થી કશુ બોલ્યા નહી તેથી કલ્પના બોલી બાની મહીના ગાંઠ છે તેથી થોડુક તેમને ગમતુ કરવા મંદિર માટે ખાવાનું છે….

સાન હોઝે નાં તે સર્વ ધર્મ મંદિરમાં દાખલ થયા અને સોલંકી દેખાયો.. જગદીશે તેને સંકેત થી કહી દીધુ કે કલ્પના પાસેથી ટીફીનો કઢાવી બ્રાહ્મણો ને જમાડી દે. ત્રિભુવન ને અણગમો તો થયો પણ અંબિકા આ બધુ કરવામાં માનતી હતી અને કલ્પના તે પ્રમાણે જ કરતી હતી તેથી અણગમો વ્યક્ત કર્યા સિવાય મંદિર તરફ પ્રયાણ કર્યુ.

રાધિકા હોંડા ની પાછળ પોતાની લેક્ષસ લઇ ને આવી હતી.. તે પણ ત્રિભુવનની જેમ આ બધા ખર્ચાને ખોટા ગણતી હતી.. પણ મમ્મી આગળ આ વાતનો બહુ વાંધો નહોંતી લેતી..અને હવે તો તેના વાંધાને કોઇ ગણકારતુ પણ નહોંતુ.

મંદિરમાં પંદરેક મીનીટ પછી આરતી થવાની હતી તેથી સૌ બેઠા.. રાધિકાને જોઇ ત્રિભુવન ને ફરી અંબીકા યાદ આવી..દેખાવે અને રંગે તો તે અંબીકાની પ્રતિકૃતિ હતી.

કલ્પના જઇને રાધીકા બેન સાથે બેઠી

ક્રીશે ભેરવેલુ ભુંસું તેને સુખેથી બેસવા નહોંતુ દેતુ તેથી તેણે કલ્પનાને પુછ્યુ..”મનહર આજે નથી આવ્યો?”

“આજે મોટેલનું કાઉંટર એમને સંભાળવાનું છે તેથી હું જઇ ને છોડાવીશ ત્યારે આવશે”

“ હમણા એની સાથે વાત થઇ નથી એટલે પુછ્યુ…” થોડીક વાર શાંત રહી તે બોલી “તેને પપ્પાએ કંઇ કહ્યુ?”

“ ના મારે કોઇ વાત થઇ નથી”

“ એને મારો એક સંદેશો આપીશ?”

“તમે તેમના સેલફોન ઉપર જણાવી દેજોને..હું પાછી ભુલી જઇશ તો તમે અકળાશો.”

“ખાસ અગત્યનું છે તેથી કહું છું”

કલ્પના એ સેલ ફોન ઉપર એક નંબર દાબીને રાધીકાનાં હાથમાં ફોન પકડાવી દીધો..જો કે રાધીકાને અજુગતુ લાગ્યુ પણ પુછ્યુ…” મનહર પપ્પા સાથે કોઇ વાત થૈ?”

મનહરઃ” કઇ વાત મોટીબેન?”

કલ્પના બાજુમાં હતી તે ઉભી થઈ મંદિરના બીજે ખુણે જઇને બેઠી કે જેથી બેન ભાઇ વાત કરી શકે.

રાધીકાઃ “ પપ્પા વીલ બનાવવાના હતાને?”

મનહરઃ “ ના મને કશું કહ્યું નથી…અને તુ ક્યાં નથી જાણતી એમને…એમણે ધાર્યુ હોય તો જ જણાવે.”

રાધીકાઃ હા પણ કંઈ વાત ચીત થઇ હોય તો…”

મનહરઃ” કમાલ છે મોટીબેન.. તમે તેમની સાથે ઘરમાં રહો છો..હુંતો ૫૯ માઇલ દુર છું…”

રાધીકાઃ “ હા મને ખબર છે…પણ..”

મનહરઃ “ મોટીબેન નાના મોઢે મોટી વાત લાગશે પણ.હમણા આ બધી વાતો કરીને પપ્પાને ટેન્સ ના કરશો.. કારણ કે તેઓ્ને ઉપરાછાપરી ઘણા ઘા પડ્યા છે.”

રાધીકાઃ “એટલે તો ચોક્સાઇ કરવાની ને તેમની હયાતીમાં કે શાંતુ શાહ કે જગદીશ મામા મિલ્કત ગોળવે નહીં કે દાન ધર્માદા ના કરી દે.”

મનહરઃ “મોટી બેન તમે જે રીતે વિચારો છો તે અમેરિકન રીત છે અને પપ્પા ભારતિય વિચારોથી રંગાયેલા છે.”

રાધીકાઃ “તે બીજો ભય છે…કારણ કે ભારતીય પધ્ધતિ પ્રમાણે પણ તેઓ મને રખડાવી શકે છે.”

મનહરઃ “જુઓ મોટી બેન હું આવુ નથી વિચારતો કારણ કે તે આપણાં પપ્પા છે અને તેમણે મમ્મીને ખોયા છે.અત્યારે તેમને રાહત આપવી જોઇએ અને તેથી હું આ બધી વાતોમાં મૌન રહીશ…”  

રાધીકાઃ “ મનીયા! હવે બહુ વાયડો ના થા.અને મને શીખવાડવા ના બેસ.”

મનહરઃ “મોટી બેન મારે ઘરાક છે.. હું પછી વાત કરીશ” અને ફોન કપાઇ ગયો.

પગ પછાડતી રાધીકા કલ્પના પાસે આવી ફોન આપતા બોલી.. “મનીયાને પણ હવે પાંખો આવી છે…”

કલ્પના કહે “મોટી બેન મનન અને નમન સામે તેમને મનીયો ના કહો.. હવે તે પણ મોટા થયા…”

રાધીકાનો ગુસ્સો સાતમા માળે હતો અને કલ્પના ની આ ટકોરે ફરી વિફરી…”એટલે?”

“એટલે તમારો મનીયો હવે ૩૮ નો થયો…અને તે જે કરતા હશે તે પણ હું તમને તેમનુ અપમાન નહી કરવા દઉં.”

“બેસ બેસ હવે ચાંપલી..”

“ મોટીબેન એ અને હું તમે મોટા છો તેથી માન રાખીયે છે નહીં કે તમારી દરેક વાતોને માનીયે છે”

આંખો પહોળી કરીને તે બોલી..” એમ કે? મનીયાને પાંખો ક્યાંથી આવી તે હવે સમજાય છે?”

કલ્પનાઃ “ મોટી બેન..આપણા ઘરની વાતોમાં હું તો એમનુ કહ્યું માનું છું અને તેઓ કહેશે તેમ હુ કરીશ…”

રાધીકાને ક્રીશ ફરી સાચો પડતો જણાયો.. કારણ કે ભારતીય પધ્ધતિ પ્રમાણે સઘળી મૂડી નો હક્કદાર મનહર બને અને દિકરી ને તો કન્યા દાન દેવાઇ ગયુ એટલે હક્ક જતો રહ્યો…..

This entry was posted in જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક. Bookmark the permalink.

One Response to ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક (૧૫)-વિજય શાહ

  1. Rajul Shah says:

    વિજયભાઇ,
    પહેલા તો મને પણ આવી રીતે કોઇની અભિવ્યક્તિમાં પોતાની કલ્પના ઉમેરીને એક સળંગ પ્રવાહમાં વહી શકાય એ રીતે વાત આગળ વધારવાની વાત જ અજબ લાગતી હતી પણ તમારા સૌ સાથે એમાં જોડાઇને એક નવો અનુભવ લેવાની તક મળી અને મેં એ માણી પણ ખરી.
    મઝામાં હશો.

Comments are closed.