છૂટાછેડા: ઓપન સીક્રેટ(૧૫)-શૈલા મુન્શા

૧૫. પરમને શંકા પડી

વ્રજ ને કાંઈ સમજ જ નહોતી પડતી. ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઊંદર એવી એની દશા હતી. મગજ એનું ચકરાવે ચઢી ગયું. એક વાત સાચી હતી કે પરમને કોઈ એક્સીડન્ટ તો જરૂર થયો હતો, અને એની સારવાર કરવા ઘરમાં કોઈ સ્ત્રી પણ રહેતી હતી. પેલો દુકાનવાળો એનો સાક્ષી હતો, પણ એના કહેવા મુજબ એ તો પરમની પત્ની હતી અને દુકાનવાળો એ સ્ત્રીને વર્ષોથી ઓળખતો હતો. બીજી તરફ પેલી કામવાળીએ જે ફોટો ઘરમાંથી ચોરી લાવી અને વ્રજને બતાવ્યો એ તો કોઈ ભળતી જ સ્ત્રી હતી.

વ્રજ મનમાં ને મનમાં જ ધુંધવાતો હતો, સાલા ૫૦૦ રૂપિયા પણ પડી ગયા અને ગુંચ ઉકેલાવાને બદલે વધારે ગુંચવાતી ગઈ. પોતે મુરખ બન્યો કે શું? એ જ સવાલ એના મનમાં ઘોળાવા માંડ્યો. આટલા ધક્કા ફેરા અને મુંબઈ વડોદરાનું ટિકીટ ભાડું બધું માથે પડ્યું કે શું? અત્યાર સુધીમાં તો હજારો રૂપિયાનું પાણી થઈ ગયું. પહેલા તો ૨૦૦૦ રૂપિયા પેલા હવાલદારને એક્સિડન્ટમાં ફસાયેલી વ્યક્તિની માહીતિ મેળવવા આપ્યા અને ૧૦૦૦ રૂપિયા હોસ્પિટલમાં સરનામું મેળવવા આપ્યા. છોગામાં બાકી હતું તે પેલી કામવાળીને પરમના ઘરમાંથી એની પત્નીનો ફોટો ચોરી લાવવા ૧૦૦ રૂપિયા પહેલાં અને ૫૦૦ રૂપિયા ફોટો લાવ્યા બાદ એમ કુલ ૬૦૦ રૂપિયાનું ત્યાં આંધણ થયું.

વ્રજને આ રમત મોંઘી પડી ગઈ. એક તો કેટલાય વખતથી નોકરી નહોતી અને ઉપરથી ક્ષમાને બદનામ કરવા ને પોતાને નોકરીમાંથી પાણીચું અપાવ્યાનું વેર વાળવા એણે મોટા ઉપાડે આ પગલું તો ભર્યું પણ એનું કાંઈ ધાર્યું પરિણામ આવ્યું નહિ.

કિસ્મત પણ કાંઇ અજબ ખેલ ખેલી રહ્યું હતું આ બધા સાથે. ક્ષમાને જ્યારે ઓફિસમાં ખબર પડી કે વ્રજને વહેમ નહિ પણ ખાત્રી છે કે ક્ષમા કોઈ બહેનપણીના લગ્નમાં વડોદરા નહોતી રોકાઈ. એનો કોઈ પ્રેમી ત્યાં છે અને એમની ગાડીને જ અકસ્માત થયો હતો, ત્યારે બહારથી ભલે એણે લાપરવાહીનો દેખાવ કર્યો અને વાતને હસીમાં ઉડાવી દીધી પણ મનમાં તો એ ખુબ જ ગભરાઈ ગઈ. હવે આ વાતનો કોઇ ઉકેલ આવે તો સારું એમ એને થયા કરતું હતું.

ક્ષમાની હાલત એવી હતી “જલ બિન પ્યાસી મછલી.” એક તરફ એને લાગતું હતું કે એ ફરી પરમનું લગ્નજીવન બરબાદીના રસ્તે લઈ જઈ રહી છે તો બીજી બાજુ એને તન્વીની લાપરવાહી પર પણ ગુસ્સો આવતો હતો. જ્યારથી એણે તન્વીને બીજા પુરુષ સાથે જોઈ હતી ત્યારથી એ મનને મનાવતી હતી કે તન્વી તો આમ પણ પરમથી જુદા થવાના વિચાર કરે જ છે એટલે મેં કાંઈ બળતામાં ઘી નથી હોમ્યું.

હવે તો એવી હાલત હતી કે શુક્રવારની સવાર પડે ત્યારથી ક્ષમાનું મન થનગનવા માંડે કે ક્યારે સાંજની ગાડી પકડીને વડોદરા જાઉં. ખાસ તો અકસ્માત પછી એને પરમની વધારે ચિંતા રહેતી અને ઉપરથી તન્વીનાં પાછાં આવવાનાં કાંઈ એંધાણ દેખાતાં નહોતાં. ફોનમાં જ એણે પરમને પૂછી લીધું હતું કે તન્વી ક્યારે પાછી આવવાની છે, તો પરમનો એ જ હંમેશનો જવાબ હતો કે તન્વીની મા સખત બિમાર છે એટલે એ હમણાં નથી આવવાની. ક્ષમા જવાબ સાંભળીને રાહત અનુભવી રહી અને સાંજની જવાની તૈયારી કરવા માંડી.

રાતે દસ સાડાદસે એ પરમ પાસે પહોંચી ત્યારે પણ એના ચહેરા પર આનંદ ને ચિંતા હારોહાર દેખાતાં હતાં. થોડો નાસ્તો અને બ્રેડ બટર વગેરે એણે સાથે રાખ્યું હતું એટલે ઘરે જઈને પહેલાં એણે તો ચા મૂકી ને જમવાની તૈયારી કરવા માંડી. વડોદરા ઉતરીને સ્ટેશન બહારની ચાઈનીઝ હોટલમાંથી એણે પરમને ભાવતાં ફ્રાઈડ રાઈસ અને મંચુરિયન પણ બંધાવી લીધાં હતાં. કામવાળી બાઈને તો શનિ, રવિ આવવાની પહેલેથી જ ના પાડેલી હતી એટલે આ પ્રેમી-પંખીડાંને કોઈની રોકટોક નહોતી.

પરમ અને ક્ષમા જ્યારે પણ મળતાં ત્યારે પરમનો પહેલો સવાલ એ રહેતો કે શૈલ કેમ છે? એને હંમેશ ચિંતા રહેતી કે શૈલને આ છાનગપતિયાંની જાણ થશે ત્યારે ક્ષમાનું શું થશે? એવું ન્હોતું કે પરમ ક્ષમાને પાછી મેળવવા નહોતો માંગતો. એના તરફથી તો કોઈ અડચણ હતી જ નહિ કારણ તન્વી નામની કોઇ સ્ત્રી એના જીવનમાં નહોતી કે નહોતાં એણે બીજી વાર લગન કર્યાં. પણ ક્ષમાની વાત જુદી હતી કારણ પરમ શૈલ ભટનાગરને અચાનક પોતાના મિત્રની બહેનના લગ્ન પ્રસંગે અગાઉ મળી ચૂક્યો હતો અને ક્ષમા પાસે એણે શૈલનો ફોટો પણ જોયો હતો. માટે જ પરમને ચિંતા રહેતી કે આ છૂપાછૂપીનો ભાંડો શૈલ સામે ફુટી જાય તો પરિણામ સારું તો ન જ આવે?

આજે પણ જમીને બન્ને બેઠાં હતાં ને પરમે પુછ્યું: ‘ક્ષમા, શૈલને કશી ગંધ તો નથી આવી ને?’

ક્ષમા એ સામે પુછ્યું: ‘તન્વીના શું ખબર છે? તું તન્વી ને સંભાળી લે હું શૈલને સંભાળી લઈશ.’ એનો પણ કાયમ એક જ જવાબ રહેતો. પરમને એ જવાબથી સંતોષ ન થયો. પરમ પોતે પુરુષ હતો અને એ એક વાત જાણતો હતો કે ભલે બધા પુરુષો સ્ત્રીની સ્વતંત્રતાની વાતો કરતા હોય અને પોતાને ગમે તેટલા આધુનિક સમજતા હોય પણ જ્યારે ખબર પડે કે પોતાની પત્ની ચોરીછુપી કોઇ બીજા પુરુષને મળે છે તો એ સહન ન કરી શકે, અને એ કાંઈ પણ કરી બેસે.

ક્ષમાની વારંવારની વડોદરાની મુલાકાત એ શંકાનુ કારણ બની શકે. ભલે ક્ષમા એના પતિને કહેતી હોય કે પોતે ઓફિસના કામે જાય છે, પણ પરમને ખ્યાલ હતો કે આવાં જુઠાણાં બહુ લાંબો સમય ટકતાં નથી. એને મનોમન એ પણ ખબર હતી કે ક્ષમા ભલે લાખ તન્વીની ચિંતા કરતી હોય પણ તન્વીનું જ્યાં અસ્તિત્વ જ નથી ત્યાં પકડાઈ જવાનો ભય જ ક્યાં છે! એને એમ પણ લાગતું હતું કે શૈલ દેખાય છે એટલો ભોળો પણ નથી.

પરમને શૈલ સાથે થયેલી મુલાકાત યાદ આવી ગઈ. જ્યારે પરમના મિત્રને ત્યાં લગ્ન પ્રસંગે શૈલનો અચાનક ભેટો થઈ ગયો હતો.પરમે શૈલનો ફોટો ક્ષમા પાસે જોયેલો હતો એટલે એ શૈલને તરત ઓળખી ગયો અને જાણીજોઈને એ શૈલની આસપાસ મંડરાવા માંડ્યો ને એની સાથે વાત કરવાની તક શોધવા માંડ્યો. શૈલનો એ સ્ત્રી પ્રત્યેનો વર્તાવ જોઈને પરમ અચંબામાં પડી ગયો.

ક્ષમા તો કાયમ શૈલ માટે કહેતી કે એ તો સાવ ભોળોભટાક છે, કોઈ પારકી સ્ત્રી સામે આંખ ઉઠાવીને પણ જુએ એમ નથી, જ્યારે અહિંયા તો કોઈ જુદો જ નજારો હતો. શૈલનો એ સ્ત્રી સાથેનો વહેવાર પરમને શંકાજનક લાગ્યો પણ ત્યારે શૈલે કોઠું ન આપ્યું ને પરમ વધું કાંઈ જાણી ન શક્યો. ઘેર આવીને એણે ક્ષમાને આ બાબત વાત કરી પણ ક્ષમાએ તો એ સ્ત્રી શૈલની માસીની દીકરી પદ્મા છે એમ કરીને વાત ઉડાવી દીધી.

ત્યારે તો પરમે આ બાબત પર બહુ વિચાર નહોતો કર્યો કારણ એને તો બસ ક્ષમા ને મળવાની જ તાલાવેલી હંમેશ રહેતી પણ પેલા બ્લેકમેલરનો પત્ર શૈલના ઘરે પહોંચ્યો ત્યારથી પરમની ચિંતા શરૂ થઈ.

પહેલાં તો એ એમ માનતો હતો કે શૈલ ભોળો માણસ છે એટલે એ ક્ષમાની હથેળીમાં નાચતો હશે. પણ હવે તો એને શૈલનો પરિચય થયો હતો. એને શૈલ ભોળો કે સાલસ માણસ હોય એવું જરાય લાગતું ન હતું. પરમને તો એ સબ બંદરકા વેપારી જેવો લાગ્યો હતો.

ક્ષમા ભલે કહે કે પદ્મા એની માસીની દીકરી હતી પણ પરમે પોતે એ બે વચ્ચેનો જે વહેવાર જોયો હતો એ એને ખુબ શંકાજનક લાગ્યો હતો. એણે ક્ષમાને એમ જણાવ્યું પણ હતું પણ ક્ષમા એ સ્વીકારવા જ તૈયાર ન હતી.

પરમને થયું કે પોતાના મનની આ શંકાનું નિવારણ ઘેર બેઠે નહીં થઈ શકે. આ કોકડું વધું ને વધુ ગુંચવાય એ પહેલાં પોતે કાંઈ કરવું પડશે અને સાચી હકીકત જાણવી હોય તો ફરી એકવાર શૈલની મુલાકાત લેવી પડશે, સમય મેળવીને મુંબઈ જવું પડશે ને બને તો શૈલને મળવું પણ પડશે. હવે તો શૈલ અને પોતે એકબીજાથી પરિચિત પણ હતા એટલે એને ઘેર જવું પડે તોય વાંધો આવે તેમ ન હતું.

પણ મુંબઈ આવવાનું બહાનું પણ શૈલને ગળે ઊતરે એવું હોવું જોઈએ. ઘણા વિચારને અંતેય એને એવું બહાનું મળ્યું નહીં. એને અત્યાર સુધી આવા કોઈ જૂઠાણાનો આશરો લેવો પડ્યો ન હતો. સાચું કહેવું હોય તો એમ કહેવાય કે એનામાં આવાં જૂઠાણાં આચરવાની આવડત જ ન હતી.

એણે પોતાના આવા પ્લાનની વાત ક્ષમાને કરી ન હતી. એને આવી વાત કરી પરમ એને ચિંતામાં નાખવા માગતો ન હતો. જો ક્ષમાએ આ વાત જાણી હોત તો ગભરાટની મારી એ પરસેવે લથપથ થઈ ગઈ હોત. જો કે જ્યાં સુધી પરમને ગળા સુધી ખાતરી ન થાય કે પોતે મુંબઈ જાય અને શૈલને મળે એનાથી બીજો વધારાનો લોચો ઊભો નહીં થાય ત્યાં સુધી એ મુંબઈ જવાનું ક્યાં ગોઠવવાનો હતો!

તો સામે પક્ષે ક્ષમા પરમની ચિંતા કરતી જ હતી. જો કે એને એક વાતે સંતોષ હતો કે તન્વીને એમના આ સંબંધની જાણ થઈ જાય તો એમણે બહુ ગભરાવા જેવું ન હતું. તન્વી તો આમેય છૂટાછેડા લેવાની જ હતી ને! એ જેટલી વહેલી છૂટાછેડા લઈ લે એટલાં વહેલાં પોતે બેય લગ્ન કરવા માટે મુક્ત થઈ શકે. એને કદીક તો એવો વિચારેય આવતો હતો કે શા માટે પોતે જાતે જ તન્વીને શંકા આવે એવું કશુંક કરીને એને ન ઉશ્કેરે?

આમ પરમ અને ક્ષમા બેય પોતપોતના કલ્પનાના ઘોડા દોડાવતાં હતાં. બેય મનમાં તો સામું પાત્ર છૂટાછેડા લઈ લે એવું ઇચ્છતાં હતાં પણ સામે ઘાસની ગંજીમાં ચિનગારી ચાંપવામાં પણ એટલાં જ ડરતાં હતાં.

છતાં ઓક દિવસ, પડશે એવા દેવાશે એમ નક્કી કરીને પરમ મુંબઈ ઊપડ્યો. એનો વિચાર શૈલને ત્યાં જઈ ક્ષમાને ક્ષોભમાં મૂકવાનો ન હતો એટલે એ શૈલની ઓફિસની બહાર આંટા મારવા માંડ્યો. સાંજે ઓફિસ છૂટતાં શૈલ બહાર આવ્યો એટલે જાણે અચાનક જ હોય એમ એ શૈલની સામે જઈ પહોંચ્યોઃ ‘ઓહ, દુનિયા કેટલી નાની થઈ ગઈ છે! મને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે તમે આમ મળી જશો. હું કંપનીના કામે મુંબઈ આવ્યો છું.’

‘આપણે તે દિવસે લગ્નમાં મળ્યા એ પહેલી વખત અને આજે આમ અચાનક બીજી વખત મળી ગયા. આવું ઘણી વખત બનતું હોય છે. કોઈને એક વખત મળીએ એટલે થોડા જ સમયમાં એમને બીજી ને ત્રીજી વખત મળવાનું થતું હોય છે. આવું બને એ પાછળ વિધિનું કોઈ અજાણ પ્રયોજન હોય છે. તમને સમય હોય તો મારે ઘેર ચાલો.’ શૈલે સહજપણે કહ્યું.

પરમને એક ક્ષણ તો મન થઈ ગયું કે ચાલને એ બહાને સીધો શૈલના ઘરે પહોંચી જાઉં. ક્ષમાને પણ જોઈ લઉં અને એનું ઘર પણ જોઈ લઉં, પણ પહેલી જ મુંબઈની મુલાકાતમા ઘર સુધી પહોંચી જવાનું યોગ્ય ન લાગ્યું. ક્ષમા પણ પોતાને એકદમ જોઇને ગભરાઈ જાય એવો પણ વિચાર એને આવ્યો.

‘ફરી કોઈ વખત આવીશ, અત્યારે તો મારે કંપનીને કામે એક ડીનરમાં પહોંચવાનું છે. ને કાલે પાછા વડોદરામાં નોકરી પર.’ એમ કહીને ઘરે જવાનુ ટાળ્યું.

‘આવો ને સામે કોફી હાઉસમાં બેસીએ.’ કહેતાં શૈલ આગળ થયો અને પરમને પણ તેની સાથે વધુ વાત કરવાનું મન તો હતું જ એટલે એ એને અનુસર્યો. તે દિવસે લગ્ન વખતના શૈલ કરતાં પરમને આજનો આ શૈલ જુદો લાગતો હતો. પરમ મનમાં ગુંચવાઈ રહ્યો હતો.

બેય કોફી હાઉસમાં જઈ બેઠા એટલે શૈલે શરૂ કર્યું: ‘તમારે કંપનીને કામે વારંવાર મુંબઈ આવવાનું થતું હશે.’

‘ના રે, બેચાર મહિને એકાદ વખત આવવું પડે છે. આમ તો હું એક ફાર્માસ્યુટીકલ કંપનીમાં એકાઉન્ટન્ટ છું એટલે કોઈક વખત જ આવવાનું થાય અને સાચું પૂછો તો મને આવું બહાર જવાનું બહુ ગમતું પણ નથી.’

‘મારેય તમારા જેવું જ છે. હું કંપનીમાં ડીઝાઈનીંગ ડીપાર્ટમેન્ટમાં છું એટલે મારેય ઓફિસની બહાર જવાનું ક્યારેક જ થાય છે. ઘરમાં અમે બે જણ છીએ. મારાં પત્ની ને હું. તે દિવસે લગ્નમાં તમે મારી પત્નીને તો તમે જોઈ હતી. તમારા કુટુંબમાં…? માફ કરજો મારું આવું પૂછવું તમને અયોગ્ય તો નથી લાગતું ને!’

‘ના રે, એમાં શું? મારા કુટુંબમાં હાલ તો હું એકલો જ છું. એક વખત પરણેલો હતો પણ બહુ ન જામ્યું ને અમે છૂટાં થઈ ગયાં.’ ગૂંચવાતાં પરમે કહ્યું. ક્ષમા કહેતી હતી કે પદ્મા શૈલની માસીની દીકરી હતી. પણ આ માણસની દૃષ્ટતા તો જુઓ એ કહેતો હતો કે એ એની પત્ની હતી! જ્યારે પરમને ખબર હતી કે એની પત્ની તો ક્ષમા હતી.

‘સોરી, તમારી વાત જાણીને દિલગિરી થઈ.’ શૈલે કહ્યું.

‘એવું તો ચાલ્યા કરે. જિંદગી સરળ ચાલ્યા કરે તો વિધિને માને કોણ?’ પરમે તત્વજ્ઞાન ઉચ્ચાર્યું.મનોમન એ વિચારી રહ્યો આ શૈલ ભટનાગર પણ જલેબી જેવો છે, બહારથી દેખાય છે એટલો સીધો નથી એણે ક્ષમાને પણ અંધારામાં રાખી છે.પદ્માને પોતાની માસીની દીકરી તરીકે ઓળખાવીને.જો શૈલને પણ કોઈ લફરું હોય તો પછી ક્ષમાને એનાથી અલગ થતાં કોઈ ન રોકી શકે.
            મનોમન પરમ હરખાવા માંડ્યો કે ચાલો પોતાનો મુંબઈનો ફેરો સફળ થયો અને મને મનમાં કાંઈ શંકા હતી એનો હવે કાંઈ ઉપાય નીકળશે.

બધાં મોટા બાજીગરના હાથનાં પ્યાદાં હતાં અને આગળ ભાવિમાં શું નિર્માયું છે એની કોઈને જાણ નહોતી.

This entry was posted in છૂટાછેડા: ઓપન સીક્રેટ-. Bookmark the permalink.