બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં ૧૦ -જયંતીભાઈ પટેલ

બચીબેન અને બાબુભાઈના વીઝા તો છ મહિનાના હતા પણ એમને અહીં કદાચ બહુ ગમશે નહીં એમ માનીને એમનું પાછા ફરવાનું બુકીંગ ચાર મહિના પછીનું કરાવ્યું હતું. ને હવે તો બેયને પાછાં જવાની તારીખ નજીક આવી જતાં બેયને ઘર સાંભળવા માંડ્યું હતું.

એમણે દેશમાં પાછાં જવાની તૈયારીઓય શરૂ કરી દીધી હતી. ત્યાં એક દિવસ ડેટ્રોઈટથી એમના દૂરના ભણેજ સંદીપનો ફોન આવ્યો. એણે એમને પંદરેક દિવસ પોતાની સાથે રહેવા બોલાવવા માટે ફોન કર્યો હતો. પ્રવિણભાઈ કહે: ‘એમનું પાછાં જવાનું બુકીંગ તો આ સોમવારનું કરાવી રાખેલું છે. તમે થોડું વહેલું જણાવ્યું હોત તો એમાં એડજસ્ટ કરીને તમારે ત્યાં આવવાનું ગોઠવી શકાયું હોત.’

સંદીપ કહે: ‘મને તો એ લોકો અહીં ફરવા આવ્યાં છે એની ખબર હજુ દસ દિવસ પહેલાં જ પડી. પછી એ કોને ત્યાં છે એની તપાસ કરતાં એક અઠવાડિયું લાગ્યું એટલે આજે તમારો ફોન નંબર મળતાં જ તમને ફોન કર્યો.’

‘એમનેય તમારે ત્યાં આવવાનું ગમ્યું હોત પણ હવે તો બહુ મોડું થઈ ગયું.’

‘તમે બુકીંગમાં ફેરફાર થઈ શકે તેમ દોય તો તપાસ કરો. એ અહીં સુધી આવ્યાં હોય ને હું એમને મારે ત્યાં ન લઈ જાઉં એ બરાબર ન કહેવાય. એ અહીં આવી શકે તો હું એમને આ બાજુ બધે ફેરવીશ અને નાયગ્રા ફોલ્સ જોવા લઈ જઈશ. પ્લીઝ ટ્રાય તો કરો.’

‘ભલે એમને થોડું વધારે રોકાઈને ત્યાં આવવું હશે તો હમણાં એ લોકો શોપીંગમાંથી પાછાં આવી જશે એટલે એમને પૂછીને બુકીંગ બદલાવવાનો હું ટ્રાય કરું છું. જે હશે તેનો તમને સાંજ પહેલાં જવાબ મળી જશે.’

‘હા તમે એમને સમજાવીને રોકી પાડજો. બુકીંગ બદલાવવાનો જે ચાર્જ થશે એ હું તમને બારોબાર આપી દઈશ એટલે એમને એ જાણવા દેશો નહીં. નહીં તો એ પાછાં ડોલરને પીસ્તાલીસથી ગુણવા બેસી જશે.’

‘એની શી જરૂર છે? હું આપું કે તમે આપો પણ આટલે સુધી આવ્યાં છે તો નાયગ્રાય જુએ એ સારું ને!’

‘તોય એ મારી ફરજ છે. ડીફરન્સનો ચેક તો હું મોકલી જ આપીશ. આજે રાતના લગભગ આઠેક વાગ્યે હું તમને પાછો ફોન કરીશ. એ વખતે લોકોય આવી ગયાં હશે એટલે એમની સાથે પણ હું વાત કરીશ અને એમનું અહીં આવવાનુંય આપણે ગોઠવા કાઢીશું. ને તમે આટલે દુર પડ્યા છો એટલે ધંધામાંથી સમય કાઢીને નાયગ્રા ન ગયા હો તો તમેય આવો તો મઝા આવશે.’

‘અમારાથી તો હાલ ધંધામાંથી નીકળાય એવું નથી તોય આપણે સાંજના બધી વાતો કરીશું. આવજો.’ કહી પ્રવિણભાઈએ ફોન મૂક્યો ને બાબુભાઈના આ દૂરના ભાણેજ સંદીપના વિચાર કરવા માંડ્યા. એના ફોન પરથી લાગતું હતું કે એને બાબુભાઈ માટે પ્રેમ અને આદર હતાં.

સાંજે બાબુભાઈ એન્ડ કંપનીના આવતા પહેલાં જ પ્રવિણભાઈએ બુકીંગ ફેરવવા અંગે તપાસ કરી લીધી હતી. બાબુભાઈને અમેરિકા કેવું માફક આવશે એનો ખ્યાલ ન હતો એટલે ત્યાંના એજન્ટે એમની ઓપન ટિકીટ જ કઢાવેલી હતી એટલે બુકીંગમાં ફોરફાર કરવામાં કોઈ વધારેનો ખર્ચ થવાનો ન હતો એટલે બચીબેનના વહેવારું મનને ખોટું બોલ્યા વગર રોકાવાનું સમજાવી શકાશે એ વાતનો સંતોષ પ્રવિણભાઈને હતો.

બધાં આવ્યાં એટલે પ્રવિણભાઈએ કહ્યું: ‘તમારા ભાણા સંદીપભાઈનો ફોન હતો.’

‘એ તો આમનો ભાણેજ જમાઈ થાય.’ બાબુભાઈ બોલી ઊઠ્યા.

‘હા, મારી માસીની દીકરી મંગુના જમાઈ. શું કહેતા હતા?’

‘એમણે તમને પંદરેક દિવસ એમની સાથે રહેવા બોલાવવા માટે ફોન કર્યો હતો.’

‘અમારી પાસે એમનાં સરનામું કે ફોન નંબર ન હતાં એટલે તમને કહ્યું ન હતું. તમે અમને એમને ત્યાં મૂકી જોવ તો વધારે તો નહીં પણ સોમવાર સુધી એમને ત્યાં રહી આવીએ.’ બચીબેને ખુશ થઈ જતાં કહ્યું.

‘એ એટલું નજીક નથી. અહીંથી હજાર માઈલ કરતાંય વધારે દૂર છે. પ્લેનમાં જવું પડશે.’

‘મારી બેનનો ભાણો છે એટલે જવું જોઈએ, તમે શું કહો છો?’ વાક્યનો ઉત્તરાર્ધ એમણે બાબુભાઈ સામે જોતાં પૂરો કર્યો.

‘તમારો વિચાર હોય તો જઈ આવીએ પણ પહેલાં કેટલાની ટિકીટ પડશે એની તપાસ કરી લઈએ.’ બાબુભાઈએ વિચારતાં કહ્યું.

‘એનું થઈ રહેશે. તમારે જવું હોય તો બુકીંગ બદલાવી દેવાશે અને અહીંથી ડીટ્રોઈટ જવા આવવાના ભાડાનીય વ્યવસ્થા પણ થઈ જશે.’ પ્રવિણભાઈએ કહ્યું.

થોડી જ વારમાં સંદીપનો ફોન આવ્યો અને બચીબેન અને બાબુભાઈનું રોકાવાનું અને ડેટ્રોઈટ જવાનું નક્કી થઈ ગયું.

v

ને એક દિવસ બેય સંદીપને ત્યાં પહોંચ્યાં. ક્રીના એમને લેવા એરપોર્ટ પર સામે આવી હતી. એ તો માસીનો ભપકો જોઈને દંગ જ રહી ગઈ. એણે વિચાર્યું કે માસીને અમેરિકાની હવા લાગી ગઈ છે. એમને વટભેર બેગ ખેંચતાં ને આગળ ચાલતાં જોઈ તેને લાગ્યું કે એમને સાથે લઈને ફરવામાં વાંધો નહીં આવે.

બધાં સંદીપની મોટેલ પર પહોંચ્યાં એટલે ક્રીનાએ એમને એપેર્ટમેન્ટમાંનો એક બેડરૂમ બતાવતાં કહ્યું: ‘આ તમારો રૂમ. એમાં બધી સગવડ છે. તમે હાથમોં ધોઈને ફ્રેશ થાવ. પછી આપણે વાડીમાંથી શાકભાજી લઈ આવીશું.’

બચીબેનને એના બોલવામાં ખાસ સમજણ પડી નહીં છતાં એ એમના સ્વભાવથી વિરુધ્ધ ચૂપ રહ્યાં. એમણે બેગ ખોલી બદલવાનાં કપડાં બહાર કાઢ્યાં ને એ બાથરૂમમાં પેઠાં. હવે એમનામાં ઘણો આત્મવિશ્વાસ આવી ગયો હતો.

એ હાથમોં ધોઈને ફ્રેશ થયાં એટલે ક્રીના કહે: ‘ચાલો, આપણે શાક વીણી લાવીએ. તમને અમારો બાગ ગમશે.’

‘ચાલો.’ કહેતાં બચીબેને શુઝ અને શોક્સ પહેરી લીધા. પણ બાગમાં જઈને તો એ જાણે ગાંડાં જ થઈ ગયાં. બાગમાં એટલી બધી જાતનાં શાકભાજી ઉગાડેલાં હતાં કે એમાંથી કયાં શાક વીણવાં એ નક્કી કરતાંય એમને વખત લાગ્યો ને! છેવટે બે રીંગણ, થોડી વાલ પાપડી અને લીલું લસણ લઈને બેય જણાં એપાર્ટમેન્ટમાં આવ્યાં. ટીવીમાં સાતઆઠ હિંદી ચેનલો આવતી હતી એટલે માસીને તો બીજું જોઈએ જ શું! ક્રીના જમવાનું બનાવવામાં વળગી ને બચીબેન રીમોટ કંટ્રોલ લઈને સોફામાં ગોઠવાયાં.

v

બીજે દિવસે નાયગ્રા ફોલ્સ જવાનો કાર્યક્રમ હતો એટલે બધાં વહેલાં ઊઠીને તૈયાર થયાં. ચાપાણી પતાવીને બચીબેન એપ્રન પહેરીને તૈયાર થઈ ગયાં એ જોઈને ક્રીના ગૂંચવાઈ ગઈ. ‘માસીબા, એપ્રન કેમ પહેરી લીધું? આપણે બહાર જવાનું છે.’

‘પણ જતા પહેલાં જે બેચાર રૂમો ખાલી થઈ હોય એ બનાવી લેવી પડશે ને!’

‘એ તો મગનકાકા બનાવી લેશે. આ બે દિવસ એ મોટેલ સંભાળવાના છે. ને તમને અહીં ફરવા માટે બોલાવ્યાં છે. કામ કરવા નહીં. તમારે રૂમો કરવાની નથી.’ ક્રીનાએ કહ્યું.

‘એમાં શું? અમે બે મહિના રૂમો કરવાનું કામ કરેલું છે. અમને એમાં મઝા આવે છે.’

‘મઝા આવતી હોય તોય તમારે રૂમો કરવાનું કે બીજું કોઈ કામ અહીં કરવાનું નથી. તમે હરોફરો ને મઝા કરો.’ સંદીપે કહ્યું.

‘આપણે નાયગ્રા જવાનું છે. કેનેડા બાજુથી નાયગ્રા જોવામાં વધારે મઝા આવત પણ તમારી પાસે કેનેડાના વીઝા નથી એટલે આપણે અમેરિકા બાજુથી નાયગ્રા જઈશું. પહેલાં તો વગર રોકટોકે કેનેડા તરફ ઘુસી જવાતું હતું પણ વર્લ્ડટ્રેડ સેન્ટર પરના હુમલા પછી એ શક્ય રહ્યું નથી એટલે આપણે આ તરફથી જ નાયગ્રા જોઈશું.’ સંદીપે કહ્યું.

‘આપણે નાયગ્રા એક ઓળખીતાની મોટલમાં રાત રોકાઈને કાલે પાછાં આવીશું. એટલે તમને નાયગ્રાની રાતની રોશની પણ જોવાની મળશે.’ ક્રીનાએ કહ્યું.

પછી બધાં લગભગ આઠ વાગ્યે નીકળ્યાં. રસ્તામાં એક બે જગ્યાએ નાસ્તા પાણી માટે રોકાઈને લગભગ ત્રણેક વાગ્યે એ લોકો નાયગ્રા પહોંચ્યાં. બાબુભાઈએ બચીબેનને અગાઉથી કશું ન બાફવાની સૂચના તો આપી દીધી જ હતી છતાં ઘણાં બધાં ઈંડિયનોને નાયગ્રા આવેલાં જોતાં બચીબેનની જીભ કાબુમાં રહે ખરી! એમણે ગુજરાતીઓ સાથે હિંદીમાં ને પંજાબીઓ સાથે ગુજરાતીમાં વાતો કરવા માંડી.

એક ગુજરાતી બેને એમને જય શ્રીકૃષ્ણ કર્યા એટલે એતો એની પાઠળ જ લાગી ગયાં. ‘અમે ઈંડિયાથી ફરવા માટે આવ્યાં છીએ. ત્રણ મહિનાથી બધે ફરીએ છીએ. આખું અમેરિકા જોઈ લીધું. આ નાયગ્રા બાકી હતો તે જોવા આવ્યાં છીએ.’ નાયગ્રાના અવાજમાં પેલાંને અડધુંપડધું જે સંભળાયું એમાં એમણે હાએ હા કરી ને બચીબેનથી પીછો છોડાવ્યો. ને પેલાંના ગામની ને એમનાં કુટુંબની વાતો પૂછવાની બચીબેનની ઇચ્છા મનમાં જ રહી ગઈ.

‘અજાણ્યાંની સાથે આવી બધી લમણાકુટ ન કરાય.’ બાબુભાઈએ કહેવા કર્યું.

‘એમાં શું થઈ ગયું? વાતો કરીએ તો ઓળખાણ થાય. તમને ના ગમતું હોય તો તમે વાતો ના કરશો.’ બચીબેન પાસે રોકડો જવાબ હતો.

બધું બતાવ્યા પછી સંદીપ કહે: ‘જો માસીબા, તમે વગર બોલ્યે મારી પાછળ આવો તો હું તમને કેનેડા તરફથી નાયગ્રા જોવા લઈ જાઉં.’

‘ભલે, તમે કહો એમ.’ કહેતાં બચીબેન એને અનુસર્યાં. સંદીપ હાથમાં કારની ચાવીઓ ઘુમાવતો ચેક પોઈન્ટથી પસાર થઈ ગયો ને એની સાથે વાતો કરતાં બધાં પણ કેનેડાની સરહદમાં પ્રવેશી ગયાં. અહીંથી રોજનાં હજારોને હિસાબે આવાં સહેલાણીઓ પસાર થતાં હતાં એટલે ચેકીંગ પ્રમાણમાં ઠીલું હતું.

કેનેડા તરફ આવી સંદીપે એમને બોટ રાઈડ કરાવી, મેક્સ થીએટરમાં નાયગ્રાની ડોક્યુમેન્ટરી બતોવી એને મ્યુઝિયમ પણ બતાવ્યું. બધે ફરીને બધાં કિનારા પર સેન્ડવીચ અને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતાં બેઠાં હતાં ત્યાં બચીબેન કહે: ‘કેટલું બધું પાણી વહી જાય છે? તે રાતે તો એ બંધ કરી દેતા હશે ને!’ એમને પોતાને ત્યાં રોજનો માંડ એક કલાક આવતું પાણી યાદ આવ્યું હશે.

સંદીપે મોં આડે રૂમાલ રાખી માંડ હસવું ખાળ્યું પણ ક્રીનાએ કહ્યું: ‘માસી, આ કાંઈ માણસે બનાવેલી અજાયબી નથી. આ તો મોટી નદીનો કુદરતી ધોધ છે. એને બંધ કેવી રીતે કરાય? એ તો કાયમ પડ્યા જ કરે.’ સાંજની રોશની કેનેડા તરફને કિનારેથી જોઈને બધાં અમેરિકન બાજુએ આવ્યાં ને એક દોસ્તની મોટેલમાં રાત રોકાઈને બીજે દિવસે ડીટ્રોઈટ પાછાં ફર્યાં.

v

બીજે દિવસે આરામ કરીને સંદીપ એમને હેન્રી ફોર્ડ મ્યુઝીયમ જોવા લઈ ગયો. એમાં જો કે બચીબેનને કશી મઝા પડી હોય એમ ન લાગ્યું. પાછા ફરતાં એ રેન્ડાઝોમાં શાકભાજી લેવા લઈ ગયો. ત્યાં એક જગ્યાએ બચીબેન થંભી ગયાં. એમની આંખો આશ્ચર્યથી ફાટી રહી હતી. ત્યાં કેશ રજીસ્ટર પર એક જુવાનિયો હમણાં જ કામ પર ચઢતો હતો. એણે પોતાનું ગોળી જેવું પેટ બે હાથે ઊંચકીને કાઉન્ટર પર બરાબર ગોઠવ્યું પછી કામ ચાલુ કર્યું.

એના પેટથી જ અડધું કાઉન્ટર ભરાઈ ગયું હતું. બચીબેન આ જોવામાં એટલાં તલ્લિન થઈ ગયાં હતાં કે સંદીપ અને બાબુભાઈ આગળ નીકળી ગયા એનુંય એમને ધ્યાન રહ્યું ન હતું. સંદીપના ધ્યાનમાં આ વાત આવતાં એ બચીબેન પાસે પાછો આવ્યો તો એ કહે: ‘પેલાનું પેટ જોયું?’

સંદીપ કહે: ‘માસીબા, એમ કોઈની સામે આંગળી કરીને વાત કરીએ તો એને ખરાબ લાગે.’

‘પણ તમે જોયું હોત તો ખબર પડત. એણે એનું પેટ ઊંચકીને ટેબલ ઉપર મૂક્યું. એ ચાલતો કેમનો હશે?’

‘માસીબા, એ એની રીતે જીવતો જ હશે ને! આપણાથી એની સામે આમ તાકી ન રહેવાય.’ કહી સંદીપ એમને પોતાની સાથે લઈ ગયો.

જે શાકભાજી ક્રીનાની મોટેલ પરના બાગમાં ન હતાં એવાં કેટલાંય શાક અહીં મળતાં જોઈને બચીબેન આનંદમાં આવી ગયાં. એમણે ચાર પાંચ જાતનાં શાક લેવડાવ્યાં ને ધાણાને બદલે ભૂલમાં પાર્સલીની બે ઝૂડીઓ પણ લીધી પણ સંદીપે એમને એ ધાણા નથી એમ સમજાવી પાછી મૂકી દીધી અને ધાણાની ઝૂડીઓ લીધી.

 v

બીજે દિવસે સંદીપ એમને કેસીનોમાં લઈ ગયો. કેસીનોનો ભભકો જોઈને બચીબેન દંગ થઈ ગયાં. સંદીપે બધાંને રમવા માટે વીસ વીસ ડોલરના ટોકન અપાવ્યા અને મશીનો પર કેવી રીતે રમવું એ સમજાવ્યું. એટલે બચીબેન અને બાબુભાઈ અલગ અલગ મશીનો પર જામી પડ્યાં. માસીબા કશો તાયફો ઊભો ન કરે એ માટે સંદીપ પણ એમની નજીકના મશીન પર રમવા માંડ્યો.

બાબુભાઈને ૧૭૦૦ ટોકન લાગ્યા. સીક્કાના ગડગડાટથી આજુબાજુનાં મશીન પર રમતા બધાની નજરો બાબુભાઈ તરફ મંડાઈ. પણ થોડા સીક્કા નીકળ્યા પછી મશીન અટકી ગયું. બાબુભાઈ ગભરાયા. એમને થયું કે હવે જેટલા નીકળ્યા એટલાથી જ સંતોષ માનવો પડશે ત્યાં સંદીપ કહે: ‘માસા, તમે ત્યાં જ બેસી રહો. હમણાં કોઈ આવીને તમને પૂરી રકમ આપી જશે.’

સંદીપે ખિસ્સામાંથી કેલ્ક્યુલેટર કાઢ્યું ને હિસાબ કરતાં કહ્યું: ‘માસા, તમને ચારસો પચાસ ડોલર મળ્યા છે.’

બાબુભાઈ કહે: ‘એ તો મેં ક્યારનુંય ગણી કાઢ્યું છે, પણ હજુ કોઈ પૈસા આપવા આવ્યું કેમ નહીં. તમે તપાસ કરીને કોઈને બોલાવી લાવો.’ ત્યાં તો એક કર્મચારી બહેન આવી અને ખૂટતા પૈસાનું કાર્ડ બનાવી આપ્યું.

બચીબેન કહે: ‘તમે એ કાર્ડ વટાવીને રોકડા લઈ આવો.’

સંદીપે પેલા બીજા ટોકનનું પણ કાર્ડ બનાવ્યું અને બન્ને કાર્ડ વટાવીને રોકડા લઈ આવ્યો એટલે બચીબેને સંદીપને ચાલીસ ડોલર આપીને બાકીના ડોલર પોતાની પર્સમાં મૂકતાં કહ્યું: ‘ચાલો ઘેર જઈએ.’

સંદીપ કહે: ‘માસીબા હજુ હમણાં તો આવ્યાં છીએ.  બેચાર કલાક જુદાં જુદાં મશીનો પર નસીબ અજમાવો.’

‘ના ભાઈ, જે હાથમાં છે એ જ આપણું. જિંદગીમાં પહેલી વખત તમારા માસાને લોટરી લાગી છે. આ ચારસો ડોલર એટલે અઢાર હજાર રૂપિયા થયા. હવે આપણે જોખમ લેવું નથી. તમારે નસીબ અજમાવવું હોય તો તમા બધા અજમાવો.’ કહેતાં બચીબેન એક તરફ ચાલ્યાં ગયાં. ને પંદરેક મિનિટમાં બધા પણ એમની લાગણીને કારણે કેસીનોમાંથી બહાર નીકળ્યા.

This entry was posted in બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં. Bookmark the permalink.

One Response to બચીબેન અને બાબુભાઈ અમેરિકામાં ૧૦ -જયંતીભાઈ પટેલ

  1. Kavita says:

    I love reading about Bachiben

Comments are closed.