છૂટાછેડા: ઓપન સીક્રેટ-(૧૯) -મનોજ મહેતા

શૈલ ને પદ્મા     

ક્ષમાને શૈલે પોસ્ટ કરેલો એ પત્ર સવારની ટપાલમાં મળ્યો ને એનાં તો જાણે બારેય વહાણ ડૂબી ગયાં. ઘડી ભર તો એને શું કરવું એનીય સુધ ન રહી.  કોણે આ ટપાલ મોકલી હશે એની તો અટકળ જ કરવાની રહી. પત્રને ફંફોસી જોતાં ક્યાંય એવો  અણસાર પણ મળતું ન હતું.  પત્ર પણ ચુંથાયેલા જેવો હતો  એટલે એને થયું કે  કોઈ કળજી કે ચીવટ રાખવાવાળી આ વ્યક્તિ નહીં જ હોય. એને હજુ અનઘડ બ્લોકમેઈલર સાથે પનારો ક્યાં પડ્યો હતો!

વિચારોના વમળમાં એ વધુ ને વધુ ઊંડી એ ખેંચાતી ગઈ. પાછલા એ સંવનનના દિવસોમાં એ ગરકાવ થઈ ગઈ. એ દિવસના વિચારોમાં  એ ખોવાઈ ગઈ  જે દિવસોમાં આ ફોટા પડાયા હતા.  એ દિવસોની  ઉત્તેજના એને ન્હોતી ઘેરી વળી, પણ એની  જગ્યાએ અકળ ભય ને અસંભવિતતાની લ્હેરખી એના આખા શરીરમાંથી પસાર થઈ ગઈ.

એ દિવસોમાં કે જ્યારે આ ફોટા પાડવામાં આવ્યા હતા તે દિવસોમાં એ કોને કોને મળી હતી,  કોની વાતો અજુગતી લાગી હતી,  કોઈ એવો પ્રસંગ કે જ્યારે કોઈ એને અજાણ્યો માણસ કે અજણી વ્યક્તિ કેમેરા સાથે જોવા મળી હોય. પણ એના હાથમાં એવી કોઈ કડી ન આવી કે કોઈ શંકાશીલ વ્યક્તિનો અંદેશો પણ ન આવ્યો.

હવે એ વિચારોના વંટોળમાંથી બહાર પછડાઈને વાસ્તવિકતાના દુર્ગમ વહેણમાં વહેવા માંડી. એને થયું કે આનો એક જ ઉપાય હતો અને તે હતો પરમ ને તન્વીના છૂટાછેડાનો. એને પોતાની તો કશી ચિંતા જ ન હતી. એને ક્યાં શૈલથી છૂટાછેડા લેવાના હતા? પણ તન્વીથી પરમ છૂટો થાય તો જ પોતે એની સાથે લગ્ન કરી શકે ને!  અને આ વિચાર આવતાં જ એના મુખ ઉપર પરમ સંતોષનું સ્મિત ફરકી ગયું.

માસીને બે દિવસની રજાનો ફોન કરીને સાંજની જ ટ્રેનમાં એ વડોદરા જવા ઊપડી. એના મનના લપસણા રસ્તા પર પણ વિચારોની ગાડી ચાલી રહી હતી. એને મિહીર અને તન્વીના વિચારો આવ્યા અને એને થયું કે એ શું અસંબંધ સંબંધો હશે? સાચું શું છે? મારું સત્ય એ સત્ય છે કે પોકળ ભાસ છે?  

આખે રસ્તે એને પરમ અને તન્વીના જ વિચારો આવ્યા કર્યા. એને થયું કે પરમ ભલે બહારથી બડાશો મારતો હોય પણ એનાથી તન્વીને કશું કહેવાશે નહીં. અહીં તો પોતે જ કદાચ એમાં આગેવાની લઈને તન્વીને બધી વાત કરવી પડશે અને એના મિહીર સાથેના લફરાની પોતાને ખબર છે અને પોતે તન્વીને એની જાણ કરતાં ખચકાવાની નથી એ વાત પરમના મનમાં બરાબર ઠસાવી દેવી પડશે.

ક્ષમા આમ કામકાજના દિવસોમાં અચાનક આવતી હતી એટલે નક્કી કાંઈક બન્યું હશે એવી શંકા આવતાં પરમ પણ બેચેન થઈ ગયો હતો એને લાગ્યું કે કોઈ તાકીદની વાત ના હોય તો એની આમ અચાનક પધરામણી ના થાય. અને એટલે તો એ પોતાના ઘેરથી સ્ટેશન પાસે જ હતું છતાં કાર લઈને ક્ષમાને લેવા સ્ટેશને સામો ગયો હતો ને!

ક્ષમા આવી એટલે બેય પરમક્ષમા તરફ રવાના થયાં. પરમના મનમાં શંકા હતી એટલે તો એણે વાત કઢાવવાના આશય સાથે થોડી આડી અવળી વાત કરીને પછી સીધું જ પૂછી લેવું એમ નક્કી કર્યું. પરમે એને આમ અચાનક આવવાનું કારણ પૂછ્યું તો ક્ષમા કહે: ‘હું ઘેર જઈને તને બધી વાત કરું છું. હું એટલા માટે તો આવી છું.’

એના આવા જવાબથી પરમની શંકા વધુ પ્રબળ બની તોય એ ખામોશ રહ્યો. ફરી પૂછું કે ન પૂછુંની મથામણ પણ એણે છોડી દીધી કારણ કે એ ક્ષમાને સારી રીતે જાણતો હતો. એ જો જાતે જણાવવા માંગતી નહીં હોય તો ભલા-ભોળા શંકર જે હાળહળ પચાવી ગયા છે તેમ એને પણ કોઈ ટસથી મસ નહીં કરી શકે.

ઘેર જઈ ક્ષમાએ ફ્રીજમાંથી ઠંડુ પાણી પીધું ને સેફામાં પરમની સામે બેસતાં એણે પેલું કવર એના હાથમાં મૂક્યું. પરમથી એના હાથમાં રહેલા પત્રનું નાજુક કંપન અછાનું ન રહ્યું. પરમે એ જોયું. એણે કાગળ વાંચ્યો અને સાથેના ફોટા જોયા ને એય હબકી ગયો. પ્રથમ ડર અને પછી ચીવટથી એણે ઝડપભેર આખી વાતનું વિહંગાવલોકન કરવા માંડ્યું.

પોતાની તો એને ખબર હતી પણ આ ફોટા શૈલે જોયા હોય તો ક્ષમાને ચિંતા કરવા જેવું ખરું. એને ખાતરી હતી કે ક્ષમા ગમે તેટલી હિંમત બતાવતી હોય તોય જ્યારે પોતે આવી જાળમાં ફસાઈ ગઈ હોય ત્યારે પતિનો સામનો એ કયા મોંએ કરી શકે?  એની ડરેલી આંખો અને હાથનું કંપન એની મનસ્થિતિની ચાડી ખાતું હતું.

‘એ તો સારું થયું કે શૈલ નોકરી પર હતો ને આ કાગળ મારા હાથમાં આવ્યો. જો એના હાથમાં આ કાગળ આવ્યો હોત તો મારાથી તો એની સામે ઊભુંય ન રહેવાત.’ ક્ષમાએ કહ્યું.

‘એક રીતે જોતાં જે થયું તે સારું જ થયું છે. તને છૂટાછેડા આપતાં હવે શૈલને જરાય ખચકાટ નહીં થાય અને તન્વીની સામે તો આપણી પાસે એટલા બધા પુરાવા છે કે એને છૂટાછેડા આપવામાં મનેય કોઈ તકલીફ નહીં પડે.’

‘તું માને છે એટલું એ સરળ નથી. તે દિવસે તન્વીને જો આપણે રંગે હાથ પકડી પાડી હોત તો એ બરાબર હતું પણ હવે આપણી પાસે જે પુરાવા છે એના જવાબ એની પાસે તૈયાર હશે. તેં મારું કહેવું માન્યું નહીં નહીંતર એક મહિના પહેલાં જ તારા છૂટાછેડા થઈ ગયા હોત.’

‘તું એની શા માટે ચિંતા કરે છે. તને મારા પર વિશ્વાસ નથી? એને તો હું કાચીઘડીમાં છૂટાછેડા આપી દઈશ. હવે તું જરાય ચિંતા ન કરીશ. બધું મારા પર છોડી દે. બધું આપણી ગણતરી પ્રમાણે પાર પડશે.’

‘મને તારી વાત સમજાતી નથી ને નથી તને મારી વાત સમજાતી. મને તો થાય છે કે આપણે બરાબરનાં ફસાયાં છીએ.’

‘એ બધી વાત પડતી મૂક અને પહેલાં ચા બનાવ. હું તારી ચિંતાથી અજાણ નથી. પણ આપણી પાસે બધું વિચારવાનો ને ભવિષ્યનાં પગલાંનો પ્લાન કરવાને ઘણો સમય છે.’

ક્ષમાએ ચા બનાવી ને એ પીતાં એણે કહ્યુ: ‘તારી પાસે તો રહેવાનું આવું મકાન પણ છે. પણ મારે તો છૂટાછેડાની વાત શરૂ થાય એ પહેલાં જ અમારા ઘરમાંથી બહાર નીકળી જવું પડે. હવે તું જ કહે મારાથી અહીં આવીનેય કયે મોંએ રહેવાય, જો તેં તન્વીથી છૂટાછેડા ન લીધા હોય તો?’

‘એટલે જ કહું છું કે તું મને આવતીકાલનો દિવસ આપ. પરમ દિવસે આપણે પાછાં મળીએ. આપણી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ હશે. બોલ, ક્યાં મળવું છે? તું કહેતી હો તો હું મુંબઈ આવી જાઉં.’

‘ના મુંબઈ નહીં. હું જ પરમ દિવસે અહીં આવી જઈશ.’

તે દિવસે તો વાત આટલેથી પતી. વાત પતી શું વાતમાં વિરામ પડ્યો. પરમના મનમાં વિચારોનું ઘમસાણ ચાલું થઈ ગયું હતું. તો બીજી બાજુ ક્ષમાનું ગભરાતું દિલ પણ તરહ તરહની કલ્પનાઓ કરી એને મુંઝવતું હતું. એને ખબર હતી કે પરમ ભલે ગમે તેટલા ફુંફાડા મારતો હોય પણ એનાથી તન્વીને છૂટાછેડાની વાત નહીં જ કરી શકાય. એમાં તો પોતે જ કાંઈક કરવું પડશે.

ક્ષમા એ રાતે વડોદરામાં રોકાઈ પણ બેમાંથી કોઈને આજે જાણે પ્રેમ કરવાનો ઉમંગ જ ન હતો. બીજે દિવસે સવારમાં ક્ષમા મુંબઈ જવા તૈયાર થઈ ત્યારે પરમે કહ્યું: ‘તું આ ફોટા અને કાગળ અહીં મૂકતી જા. ને જાણે કશું બન્યું જ નથી એમ રાબેતા મુજબ નોકરી પર જજે. ને ઉતાવળી થઈને શૈલને હમણાં કશું કહેતી નહીં.’

પરમના મનમાં શૈલને રૂબરૂ મળીને પોતાનું પોલ જાતે જ ખોલવાનો પ્લાન હતો. ને જે વાત કરતાં ક્ષમા કદાચ ખચકાય એ છૂટાછેડાની વાત પોતે જ એની સામે મૂકવા માગતો હતો.

બીજે દિવસે બપોરે નીકળી સાંજના ચાર વાગ્યા પહેલાં એ શૈલની ઓફિસની નીચે આંટા મારતો હતો. બહાર આવતાં શૈલે એને જોયો ને આજે તો ફર્માસ્યુટિકલના કર્મચારી તરીકે નહીં પણ ક્ષમાની સાથે લફરું કરનાર તરીકે એને ઓળખી લીધો ને સામેથી બોલાવ્યો: ‘અરે પરમભાઈ, આપણે ફરીથી પાછા મળ્યા. આજે તો તમારે મારે ઘેર આવવું જ પડશે.’

પરમને થયું કે અહીં રસ્તામાં ચોખવટ કરવા કરતાં એના ઘરમાં જ ચોખવટ કરવી વધારે અનુકૂળ પડશે એટલે એણે એમાં વાંધો ન લીધો. બેય જણા શૈલની કારમાં એના ફ્લેટ પર પહોંચ્યા. પદ્માએ બારણું ખોલ્યું ને એ પણ પરમને ઓળખી ગઈ. ‘આવો.’ એણે કહ્યું.

‘આ મારાં પત્ની પદ્મા, તમે તે દિવસે લગ્નમાં એમને જોયાં જ હશે.’

‘આ તમારાં પત્ની!’

‘કેમ તમને કોઈ શંકા છે? એવું હોય તો તમને અમારા લગ્નનું આલ્બમ બતાવું.’ મજાક કરતાં શૈલે કહ્યું. પછી પદ્માને કહે: ‘પરમભાઈ આજે આપણી સાથે જમવાના છે તો કશુંક યોગ્ય બનાવો. ત્યાં સુધીમાં અમે વાતો કરીએ. લાગે છે કે પરમભાઈને કશીક મુંઝવણ છે.’

‘મુંઝવણ! મારે!’ પરમ છપાતાં લોચા મારવા માંડ્યો.

‘મુંઝવણ તો ખરી જ ને! તમે પદ્માને મારી પત્ની માની શકતા નથી એટલી તો ખરી જ ને! તમે શાંતિથી બેસો એટલે હું તમારી મુંઝવણનું નિરાકરણ કરું.’ હસતાં શૈલે કહ્યું ને પરમ વધારે ગૂંચવાયો.

‘હું ખરેખર ગૂંચવણમાં પડી ગયો છું. મને તો એવી માહિતી મળી હતી કે તમારાં પત્નીનું નામ ક્ષમા છે.’ ગૂંચવાતાં પરમે કહ્યું.

‘તો તમારા પર પણ બ્લેક મેલરની જાસા ચિઠ્ઠી આવી છે કે શું?’ શૈલે પૂછ્યું.

‘તો તમને બધી ખબર છે?’

‘સરનામું અમારું હોય એટલે એવી ચિઠ્ઠી પહેલી તો અમારા પર જ આવે ને! જુઓ ક્ષમા અમારી દેસ્ત છે અને અમને એના પર પૂરો ભરોંસો છે. અમને લાગતું જ હતું કે એ કોઈ ખોટું કામ તો ન જ કરે. પછી એણે તમને ખોટું સરનામું શા માટે આપ્યું?’

‘કદાચ એના પતિથી સંતાડવા માટે હોય!’

‘એના તો ત્રણ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયેલા છે અને અમને ખબર છે કે એ હજુ પરણી નથી અને એકલી જ રહે છે.’

‘મને અત્યાર સુધી એવી ખબર હતી કે એ પરણી ગયેલી છે એટલે અમે ચોરીછૂપીથી મળતાં હતાં.’

‘તમે લોકો જો ગંભીરતા પૂર્વક આ સંબંધ વિકસાવતાં હો તો એમાં કશું ખોટું નથી. તમે તો પરણેલા નથી ને!’

‘ના. વાત એમ બની છે કે અમે બેય એકબીજા સાથે પરણેલાં હતાં. ત્રણેક વરસ પહેલાં અમે છૂટાં થઈ ગયાં હતાં. પછી અચાનક ગયે વરસે અમે મળી ગયાં ને પાછાં પ્રેમમાં પડી ગયાં.’

‘તમે બન્ને એકલાં છો તો પછી એમાં વાંધો ક્યાં આવ્યો કે એણે પોતે પરણી ગઈ છે એમ તમને જણાવવું પડ્યું?’ ગૂંચવાતાં શૈલે પૂછ્યું.

‘મને લાગે છે કે એમાં મારી જ ભૂલ થઈ ગઈ. મેં એને પૂછ્યું કે એ પરણી ગઈ છે? તો એને થયું હશે કે હું પરણી ગયો હોઉં તો શું! એટલે એણે મને એમ કહ્યું કે હું પરણી ગઈ છું. મને લાગે છે કે મને પરણી ગયેલો માનીને એણે પણ પોતે પરણી ગઈ હોવાનું કહ્યું હશે.’

‘છતાં તમે બન્ને પાછાં લપટાયાં!’

‘હું કાયમ માનતો રહ્યો કે હું તમારો દ્રોહ કરું છું એમ એય માનતી હશે કે એ મારી કલ્પીત પત્ની તન્વીનો દ્રોહ કરી રહી છે. તમે મને તમે ક્ષમાનું સરનામું આપો એટલે હું એને ત્યાં પહોંચી એને આનંદાશ્ચર્ય આપવા ઊપડી જાઉં.’

‘આપણે એક વખત જમી લઈએ. અમનેય તમારી સાથે આવવું ગમત પણ અમારે ક્ષમાને શરમાવવી નથી એટલે સાથે નહીં આવીએ પણ અમને લગ્નમાં બોલાવવાનું ન ચૂકતા.’

પરમ છૂટાછેડાની ચોખવટ કરવા આવ્યો હતો પણ શૈલ અને પદ્માના વહેવાર અને ક્ષમા પ્રત્યેનો એમનો ભાવ જોઈ એને એમના પ્રત્યે માન ઉત્પન થયું. એમણે પરમને પ્રેમથી જમાડ્યો.

This entry was posted in છૂટાછેડા: ઓપન સીક્રેટ-. Bookmark the permalink.