છૂટાછેડા: ઓપન સીક્રેટ- (૨૦)

સીક્રેટ ઓપન્ડ  

-જયંતીભાઈ પટેલ

શૈલ અને પદ્મા સાથેની વાતથી એક વખત તો પરમ ગુંચવાડામાં જ પડી ગયો પણ પછી તરત એ ખુશ થઈ ઊઠ્યો. ક્ષમા પરણેલી નથી એ જાણી એના મન પરથી જાણે હજાર મણનો બોજા ઊતરી ગયો હોય એમ એ અનુભવી રહ્યો. એણે કહ્યું: ‘તમે ક્ષમાને ફોન કરીને કશું જણાવતા નહીં. હું એને આશ્ચર્યમાં નાખવા માગું છું.’

‘અમને તમારી વાત હજુ સમજાઈ નથી. ક્ષમાએ પોતાની સાચી ઓળખ આપવાને બદલે પોતાની અટક ભટનાગર શા માટે જણાવી એ  એક કોયડો છે.’ શૈલે કહ્યું.

‘ગયે વરસે અમે અચાનક ભેગાં થયાં ત્યારે એણે મારી સામે જુઠાણું ચલાવ્યું કે એ પરણી ગઈ છે. ને મેંય સામું જુઠાણું ચલાવ્યું. મેં તો એને મારી પત્નીનું કાલ્પનિક નામ આપ્યું પણ એણે તો તમારું સાચું નામ જ આપ્યું. પણ અમે બન્ને છૂટાછેડાથી સંતુષ્ઠ ન હતાં એટલે અમે અમારાં આ કાલ્પનિક જુઠાણાંની આડમાંય નવો સંબંધ બાંધ્યો.’

‘પણ પછી તો તમારે ચોખવટ કરી લેવી જોઈએ ને!’

‘પણ અમે સામાના જુઠાણાને સાચું માનીને વળગી રહેલાં એટલે એ કેવી રીતે શક્ય બને? મને કાયમ તમને છેતરતા હોવાનો અહેસાસ રહ્યા કરે ને એને મારી પત્ની તન્વીને છેતરતી હોવાનો. આજે તમારી સાથે ચોખવટ થયા પછી મને સાચી વાતની જાણ થઈ છે ને એટલો આનંદ થયો છે કે જેની તમને કલ્પના પણ નહીં આવે. ક્ષમા તો હજુ તન્વી મારી પત્ની છે એવા ભ્રમમાં જ હશે. તમે મને એનું સરનામું આપો એટલે હું એને આનંદાશ્ચર્ય આપવા ઊપડી જાઉં.’

શૈલ પાસેથી ક્ષમાનું સરનામું લઈને પરમ ક્ષમાને ત્યાં જવા ઊપડ્યો ત્યારે એના પગમાં અનેરો થણગણાટ વર્તાતો હતો. રસ્તામાંથી એણે ફ્લાવરનો એક બુકે લીધો એને પેંડાનું પડીકું લઈને ટેક્સીમાં એ ક્ષમાની ચાલી પર આવ્યો.

દાદર ચઢી એણે ક્ષમાને બારણે ટકોરા માર્યા. ક્ષમા હજુ હમણાં જ નોકરી પરથી આવી હતી. આ ટકોરા સાભળતાં એને થયું કે પાડોસવાળાં માણેકબા આવ્યાં હશે. એણે બારણું ખોલતાં રોજની ટેવ મુજબ કહ્યું: ‘આવો.’ પણ સામે પરમને ઊભેલો જોતાં એના પગ જાણે બારણામાં જ જડાઈ ગયા. પોતાનું મરીનલાઈન્સનું જુઠાણું પકડાઈ ગયાનો ક્ષોભ એના મોં પર રમી રહ્યો.

‘તું એક બાજુ ખસે તો હું અંદર આવી શકું ને! કે તારો વિચાર બારણું પાછું વાસી દેવાનો છે?’ હસતાં પરમ બોલ્યો.

શરમ, ગભરાટ અને ક્ષોભના મિશ્રભાવ સાથે એક તરફ ખસતાં ક્ષમાથી માંડ બોલાયું: ‘તું અહીં?’

‘એમાં આટલી આશ્ચર્ય શું પામે છે! આપણે કાયમ વડોદરામાં જ મળીએ છીએ તે કદીક ચેઈંજ માટે મુંબઈમાં ન મળાય?’ કહેતાં પરમે ક્ષમાના હાથમાં બુકે થમાવી દીધો એટલે ક્ષમા વધારે ગુંચવાઈ રહી.

‘કેમ ન મળાય? પણ તને મારું અહીંનું સરનામું કેવી રીતે મળ્યું? ને આ બુકે! શો વિચાર છે તારો આજે?’

‘સાવ સહેલું છે. આ જમાનામાં પૈસા ખરચતાં માગી ચીજ મળી જ જાય છે ને! શાંતિથી બેસ આપણી પાસે બધી વાતો કરવાનો ઘણો સમય છે. હું જમીને આવ્યો છું એટલે તારે ખાવાનું બનાવવાની ચિંતા નથી. શાંતિથી બેસ.’ પરમે હસતાં કહ્યું પણ ક્ષમા વધારે ને વધારે ગુંચવાતી જતી હતી. પરમનું અહીંનું સરનામું શોધીને અચાનક અહીં આવવું એના ગભરાટમાં ઉમેરો કરી રહ્યું હતું.

‘જો, આ ચાલી છે. અહીં વડોદરા જેવું નથી. અહીં બધાં પાડોસીઓ એકબીજાનામાં માથું મારતાં હોય છે. કોઈને વાત કરવાનું બહાનું મળે.’ પોતાને ગભરાટ છુપાવતાં એણે કહેવા કર્યું.

‘આજે તો હું નક્કી કરીને જ આવ્યો છું. તારા છૂટાછેડા કરાવીને જ જઈશ. પછી બીજે જ દિવસે હુંય છૂટાછેડા લઈ લઈશ. હવે આપણે છુપાતાં રહેવું પડે કે કોઈ જાણી જશે એની બીકમાં ફફડતાં રહેવું પડે એવું રહેવા દેવું નથી.’ પરમે પોતાની રીતે મજાકમાં કહ્યું.

‘પણ મેં તને કહેલું તો છે જ કે મારા છૂટાછેડાની તારે ચિંતા કરવાની નથી. એનું તો હું મારી રીતે ફોડી લઈશ.’ ક્ષમાં હજુ પોતાના જુઠાણાને વળગી રહી.

‘તેં તારી રીતે એ ફોડી ન લીધું એટલે તો મારે મુંબઈ આવવું પડ્યું. હું શૈલ ભટનાગરને મળીને આવ્યો છું.’

‘હેં?’ કહેતાં ક્ષમાના મોં પર કંઈ કેટલાય ભાવ આવી ગયા. એને તો શું બોલવું એનીય વિમાસણ થઈ પડી. જો પરમ શૈલને મળીને આવ્યો હોય તો પોતાની પોલ ખુલી જ ગઈ હોય! હવે પોતે કયે મોંએ શૈલ અને પદ્માને મળી શકશે એની દ્વિધા એના મોં પર અંકીત થઈ ગઈ.

‘હેં શું? મેં બધુંય પતાવી દીધું છે. જેમ શૈલ તારી સાથે પરણ્યા વગર તને છૂટાછેડા આપી શકતો નથી એમ તન્વી પણ મારી સાથે પરણ્યા વગર મને છૂટાછેડા ક્યાંથી આપી શકે? એટલે આપણે કોઈએ છૂટાછ્ડા લેવાના જ નથી. આવતે અઠવાડિયે જ પાછાં પરણી જઈશું એવું નક્કી કરીને જ હું અહીં આવ્યો છું.’

‘એટલે તુંય મારી જેમ…’ પોતાનું જુઠ પકડાઈ ગયું એના ક્ષોભમાંથી, પરમ તન્વી સાથે પરણેલો નથી એ જાણતાં જ ક્ષમા આનંદમાં આવી ગઈ.

‘હા, તારી જેમ જ. આખું વરસ આપણે છુપાઈને ગુનાહીત ઓથારમાં પ્રેમ કર્યો. પેલા બ્લેકમેઈલરે આપણે કારણે બાપડાં ભટનાગર દંપતિને જાસા ચિઠ્ઠિ મોકલી ચિંતામાં નાખી દીધાં. હું એમને ત્યાંથી જ આવું છું.’

‘મારે એમની સામે શરમાવાનું થશે ને તારે તન્વીની સામે.’

‘ના, એ તો મને જાણતીય નથી. એનો ભાઈ અમારી ઓફિસમાં કામ કરે છે. એણે આપણે છૂટાં પડ્યાં પછી એની બેનનો ફોટો મને એટલા માટે આપ્યો હતો કે એ મને પસંદ આવી જાય તો એ આગળ વાત ચલાવે. પણ મેં એમાં રસ બતોવેલો નહીં પણ એ ફોટો મારી પાસે રહેલો. તે દિવસે તું અચાનક મળી ગઈ અને ઘેર પણ આવી એટલે મેં એ ફોટો ફ્રેમમાં મૂકી દીધો અને મારી પત્નીનું તન્વી નામ તો મેં તને વેલકમ હોટેલમાં જણાવેલું જ હતું. હા, એનું નામ તન્વી નથી પણ જાહ્નવી છે. હજુ બે મહિના પહેલાં જ એનાં લગ્ન મિહીર સાથે થયાં એમાં મારે જવાનુંય થયેલું.’

‘આપણે બેય કેટલાં મૂરખાં છીએ! મેં આ શૈલનું જુઠાણું ચલાવ્યું અને સામે તેં તન્વીનું.’

‘મને એમ કે તું પરણેલી હોય તો હું હજુ એકલમુડિયો રખડ્યા કરું છું એવું સ્વીકારતાં મને શરમ આવે જ ને!? એટલે મેં તને પૂછેલું કે તું પરણી ગઈ છે કે હજુ એકલી જ છે? એમાં થોડી વટની અકડાઈ પણ ખરી.’

  ‘ને મેં શૈલની સાથે પરણી ગયાનું કહેલું એમાંય તું કદાચ પરણી ગયો હોય તો તારા લગ્નજીવનમાં વચમાં ન આવવાનો વિચાર કરીને કહેલું.’

‘ને તોય આપણે એકબીજાના લગ્નજીવનની વચમાં આવ્યા વગર ન જ રહ્યાં ને!’

‘આપણે બેય મનથી જુદાં થયેલાં ન હતાં એટલે અનાયાસે જ એકબીજા પ્રત્યે ખેંચાતાં રહ્યાં. એમાં આપણે એકબીજાના કાલ્પલિક જીવન પર પડનારા પ્રત્યાઘાતોનેય વિસરી ગયાં.’

‘હું કાયમ તારા છૂટાછેડાની અને તું મારા છૂટાછેડાની ચિંતા કરતાં રહ્યાં.’

‘ને કેવા ભયના ઓથાર નીચે અધ્ધર શ્વાસે મળતાં રહ્યાં! મારા મનમાં કાયમ તન્વીનો દ્રોહ કરતી હોવાનો ખ્યાલ રહેતો હતો પણ હું તારા પ્રત્યે ખેંચાતી જ રહેલી.’

‘મારુંય એવું જ હતું ને! તું ગમે તેટલી મક્કમતા બતાવે પણ મારા મનમાં કાયમ બીક રહ્યા કરતી હતી કે મારે કારણે તારા સંસારમાં એવો ડખો ઊભો થશે કે જેનો સામનો તું નહીં કરી શકે.’

‘એ બધી વાતો આપણે કાલે કરીશું. જો અંધારું થવા માંડ્યું છે. તારે જવામાં મોડું થશે.’

‘હવે શી ચિંતા છે? હું અહીં જ રોકાઈ જઈશ.’

‘અહીં? આ મુંબઈની ચાલી છે. તું અહીં રોકાય તો મારી તો કાલે સવારે ફજેતી જ થઈ જાય.’

‘તો ચાલ બહાર કોઈ હોટેલમાં જઈએ.’

‘ભલે. તું પહેલાં બહાર નીકળ. હું તને શેરીને નાકે પાંચ મિનિટમાં મળું છું.’

‘કેમ મારી સાથે નીકળતાંય તને શરમ આવે છે?’

‘તને નહીં સમજાય પણ મુંબઈની ચાલી એટલે ગામડાની શેરી. તું જા, હું આવું છું ને!’

 

બીજે દિવસે ક્ષમા પરમને સાથે લઈને હર્ષની ઓફિસમાં ગઈ. આજે એને બધી છોકરીઓને સાચી વાત કરવાની હતી.

એણે પરમનું ઓળખાણ આપતાં કહ્યું: ‘આ પરમ મહેતા છે. તમે બધાં કહેતાં હતાં કે મારે વડોદરામાં કાઈની સાથે લફરું છે તે આની સાથે જ હતું. તે વખતે હું વડોદરામાં પંદર દિવસ રોકાઈ હતી ત્યારે અમને એક્સીડન્ટ જ થયો હતો. વ્રજ સાચો હતો.’

‘તું એવી લુચ્ચી છું! હમણાં માસીની સામે તારી રેવડી કરીએ છીએ.’

‘એમને તો હું સમજાવી લઈશ.’

‘એની તો અમને ખબર છે જ. તું તો એમના પહેલા ખોળાની દીકરી છું ને!’

‘આજે હું તમને બધાંને પરમનું ઓળખાણ કરાવવા જ લઈ આવી છું. આવતે અઠવાડિયે અમે ફરીથી પરણી જવાનાં છીએ.’

‘ફરીથી એટલે?’

‘અમે પહેલાં પરણેલાં હતાં. પછી છૂટાં થઈ ગયાં હતાં. હવે ફરીથી પરણવાનાં છીએ.’

‘તારી વાતમાં મને ટો કશી હમજણ પડતી નીં મલે. જો ફરીથી પરણવાનાં હો ટો છૂટાં જ શું કરવા પયડાં ઉટાં?’

‘એમ માનો કે અમારા બન્નેનાં નસીબમાં બે બે લગન લખેલાં હતાં. પણ અમારે કોઈ અજાણી વ્યક્તિ સાથે પરણવું ન હતું એટલે અમે એનો ઉકેલ આમ કાઢેલો. આવતે અઠવાડિયે અમે પરણવાનાં છીએ. તમને બધાંને તો રજા નહીં મળે એટલે તમારાથી તો લગ્નમાં નહીં અવાય.’

‘શું જુગતે જોડી મળી છે! આય ક્ષમાના જેવા જ લુખ્ખા છે. જુઓ લગ્ન રવિવારે જ રાખજો. અમે શનિવારની સાંજથી જ સુમારે ત્યાં આવી જઈશું અને રવિવારની રાતે જ ત્યાંથી પાછાં આવીશું.’

‘ને અમે બધાં સહકુટુંબ આવીશું એટલે અમારા બધાંને માટે સારી હોટેલમાં રૂમો બુક કરાવી રાખજો.’   

ક્ષમા ને પરમનાં એ બીજાં લગ્નને પાંચ વરસ વીતી ગયાં છે. ક્ષમાએ વડોદરાની ઓફિસ સંભાળી લીધી છે ને પરમ હજુ લાક્સાફાર્મામાં જ નોકરી કરે છે. બેય પોતાનાં બે સંતાનો સાથે આનંદથી રહે છે. હજુય ક્ષમાનો પગાર પરમના ખાતામાં જ જમા થાય છે. હવે કોઈ અલગ ખાતું ખોલાવવાની વાત કરતું નથી.

This entry was posted in છૂટાછેડા: ઓપન સીક્રેટ-. Bookmark the permalink.

One Response to છૂટાછેડા: ઓપન સીક્રેટ- (૨૦)

Comments are closed.