સર્વધર્મ સમભાવ- કલ્પેશ સોની

ધર્મ અને સંપ્રદાય વચ્ચે તફાવત છે. આપણે જે અગિયાર ધર્મો વિશે વાત કરીએ છીએ તે વાસ્તવમાં સંપ્રદાયો છે. આ અગિયાર સંપ્રદાયોના નામ આ પ્રમાણે છે: (1) હિન્દુ, (2) ઈસ્લામ, (3) ખ્રિસ્ત, (4) યહુદી, (5) જરથોસ્તી, (6) શીખ, (7) જૈન, (8) બૌદ્ધ, (9) તાઓ, (10) શિન્તો અને (11) કોન્ફ્યુશિયસ. ધર્મ આપણને જીવનમાર્ગ(Way of life) બતાવે છે, સાથે-સાથે ધર્મમાં તત્વજ્ઞાન જોવા મળે છે. જ્યારે સંપ્રદાયમાં વિધિ-નિષેધનું પ્રાધાન્ય હોય છે, વળી કર્મકાંડ વધુ પ્રમાણમાં રહે છે. ધર્મ વિશે વિચારીએ તો સંસ્કૃત શબ્દ ‘ધર્મ’ એ ‘ધૃ’ ધાતુ પરથી બનેલો છે. धृ धारयति ईति धर्म. જે ધારણ કરે છે તે ધર્મ છે. ધર્મ કોને ધારણ કરે છે? धर्मो धारयते प्रजा:. ધર્મ પ્રજાને ધારણ કરે છે. જેવી રીતે ગર્ભવતી સ્ત્રી ગર્ભ ધારણ કરે છે એટલે કે એક જીવને પોતાનામાં સમાવીને તેનું રક્ષણ-પોષણ કરે છે તેવી રીતે ધર્મ પ્રજાનું રક્ષણ કરે છે. धर्मो रक्षति रक्षित: જે પ્રજા ધર્મનું પાલન કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે.

ગીતા કહે છે: स्वधर्मे निधनं श्रेय परधर्मो भयावह. ગીતા આપણને બે ધર્મની વાત કરે છે: (1) સ્વભાવ અને (2) કર્તવ્ય. અર્જુન લડવાનું છોડીને સંન્યાસ લેવાની વાત કરે છે ત્યારે ભગવાન તેને કહે છે, “प्रकृतिं याति भूतानि निग्रह कि करिष्यसि.” અર્થાત, “હે અર્જુન, તું યુદ્ધમેદાનમાંથી લડવાનું છોડીને હિમાલયમાં ચાલ્યો જઈશ તો ત્યાં પણ સંન્યાસીઓનો રાજા થઈને બેસીશ. ક્ષત્રિય તરીકે લડવું એ તારો સ્વભાવ છે. માટે તારા સ્વભાવ અનુસાર ધર્મનું પાલન કર.” ગીતા કહે છે, “चातुर्वर्ण्यम मया सृष्टम गुण कर्म विभागश:.” અર્થાત ચાર વર્ણ ધરાવતી આ સૃષ્ટિની રચના ભગવાને કરી છે અને મનુષ્યે પોતાના વર્ણ અનુસાર સ્વભાવધર્મનું અને આશ્રમ અનુસાર કર્તવ્યધર્મનું પાલન કરવું.

હવે સર્વધર્મસમભાવ અંગે વિચારીએ. કેટલાક લોકો એમ સમજે છે કે બધા ધર્મો એક જ વાત કરે છે માટે સર્વધર્મસમભાવ રાખવો જોઈએ. જ્યારે કેટલાક લોકો એમ કહે છે કે દરેક ધર્મમાં જે સારું છે તેનો ઉપયોગ થવો જોઈએ આથી તેઓ સર્વધર્મસમન્વયનો આગ્રહ રાખે છે. પ્રશ્ન એ છે કે શું બધા ધર્મો એક જ વાત કરે છે? હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે તો ઈસ્લામ ધર્મ પુનર્જન્મમાં માનતો નથી. જૈન અને બૌદ્ધ ધર્મ પુનર્જન્મ સ્વીકારે છે તો બંને ધર્મો ઈશ્વરમાં માનતા નથી. ઈસ્લામ, ખ્રિસ્તી તેમજ યહુદી ધર્મ સ્વર્ગ-નર્કની કલ્પનાથી આગળ વધ્યા નથી, જ્યારે હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મ કર્મ દ્વારા મુક્તિની કલ્પના આપે છે. ગીતા કહે છે: क्षीणे पुण्ये मर्त्यलोकं विशंति પુણ્યકર્મોનું ફળ ભોગવી લીધા બાદ ફરીથી મર્ત્યલોકમાં એટલે કે કર્મભૂમિમાં આવવાનું રહે છે અને મુક્તિ માટે પ્રયત્નશીલ બનવાનું છે. વળી વિવિધ ધર્મોના મુક્તિના ખ્યાલમાં પણ તફાવત છે. બુદ્ધ કહે છે, “મુક્તિ એટલે ખલાસ થઈ જવાનું.” જ્યારે ગીતા કહે છે, “મુક્તિ એટલે ભગવાનમાં ભળી જવાનું.”

ઈશ્વરના સ્વરુપને લઈને પણ બધા ધર્મો જુદી-જુદી વાત કરે છે. હિન્દુ ધર્મ સગુણ-સાકાર તેમજ નિર્ગુણ-નિરાકાર ભગવાનમાં માને છે. જ્યારે ઈસ્લામ, ખ્રિસ્તી અને યહુદી ધર્મ સગુણ-નિરાકાર ભગવાનને સ્વીકારે છે. ખ્રિસ્તી ધર્મ કહે છે કે ભગવાન દયાળુ છે(merciful god), જ્યારે ઈસ્લામ ધર્મ કહે છે કે ભગવાન ન્યાયાધીશ છે. કયામતના દિવસે( Day of judgment) અલ્લાહ પાણી છાંટીને કબરમાં સુતેલા આત્માઓને જગાડશે અને તેઓના કર્મ અનુસાર તેઓને જન્નત કે દોઝખમાં સ્થાન આપશે. જે દયાળુ છે એ ન્યાય નથી કરી શકતો અને જે ન્યાયાધીશ છે એ દયા નથી કરી શકતો. હિન્દુ ધર્મ કહે છે કે ભગવાન દયાળુ પણ છે અને ન્યાયાધીશ પણ છે. ‘મહેનત કર્યા વગર કાંઈ મળતું નથી’ એ ઈશ્વરનો ન્યાય છે અને ‘એક દાણો વાવતા ચારસો દાણા મળે છે’ એ ઈશ્વરની દયા છે. આ રીતે કોઈ ધર્મ એક વાત નથી કરતો તેથી સર્વધર્મસમભાવ શક્ય નથી.

ધારો કે બધા ધર્મો એક જ વાત કરે છે. તો પણ શું સર્વધર્મસમભાવ શક્ય છે? પોતાના ધર્મ સાથે માણસ કેવી રીતે અને કેટલી હદે સંકળાયેલો છે? ધર્મમાં ઈષ્ટદેવના સ્વરુપનું ખુબ જ મહત્વ છે. ભક્ત ભગવાનની ભક્તિ અવ્યભિચારીરુપે કરે છે. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ સાથે જે રીતે જોડાયેલી રહે છે એ રીતે ભક્ત પોતાના ઈષ્ટદેવ સાથે જોડાયેલો રહે છે. શરીર પડી ગયા પછી પણ મનમાં ઈષ્ટદેવની છાપ અંકિત હોય છે જે ઉપાસકને નવા જન્મમાં ઉપાસ્ય દેવ તરીકે ફરીથી મળે છે. ઉદાહરણ લઈને વાતને સમજીએ. કોઈ બે સજ્જન છે: બન્ને એક સરખા દેખાવડા, યુવાન, ધનવાન અને બુદ્ધિમાન છે. બેમાંથી એક સજ્જન એક સ્ત્રીનો પતિ છે, જ્યારે બીજો એ સ્ત્રીનો પાડોશી છે. શું એ સ્ત્રી બન્ને સજ્જન પ્રત્યે સમભાવ રાખી શકશે? નહિ જ.

સર્વધર્મસમભાવ વ્યવહારિક છે?

દા.ત. હું શાકાહારી ધર્મનો અનુયાયી છું અને મારો પડોશી માંસાહારી ધર્મનો અનુયાયી હોય તો સર્વધર્મસમભાવ રાખવામાં તકલીફ કોને થાય? મારે જ સહન કરવાનું આવે. હું એ શા માટે સહન કરું? વળી મારો ધર્મ ભ્રષ્ટ થાય એનું શું? જે ધર્મ પશુહિંસાની પરવાનગી આપતો હોય એના પ્રત્યે હું કીડીનેય ન મારનારો, કેવી રીતે સમભાવ રાખી શકું? કોઈ સાચો ધર્મ પશુહિંસાની પરવાનગી આપી શકે ખરો? બૌદ્ધધર્મનો જન્મ યજ્ઞમાં થતી પશુહિંસાના વિરોધરુપે થયો હતો. અહિંસાના પ્રતિશબ્દ એવા આ બૌદ્ધ ધર્મનું પ્રતિક ‘અશોકચક્ર’ રાષ્ટ્રધ્વજમાં દાખલ કર્યા બાદ પણ હિંસા અને માંસાહારને માન્યતા આપનાર ધર્મને રાષ્ટ્રની માન્યતા કયા આધારે મળી શકે? મારા શાકાહારી ઘરમાં માંસાહારી પુત્રવધૂને પ્રવેશ કેવી રીતે મળી શકે? આ તમામ બાબતો દર્શાવે છે કે સર્વધર્મસમભાવ વ્યાવહારિક નથી.

હવે ‘સર્વધર્મસમન્વય’ અંગે વિચારીએ. કયા ધર્મમાં શું સારું છે એ કેવી રીતે નક્કી થાય અને કોણ નક્કી કરે? માંસાહાર કરનારા કહેશે કે માંસાહાર સારો છે અને શાકાહારીઓ કહેશે કે માંસાહાર ખરાબ છે. વળી, ગુલાબ, ગલગોટા, મોગરો, રાતરાણી વગેરે ફુલોની પાંખડીઓ ચુંટીને નવું ફુલ બનાવશું તો શું એ ફુલની સુગંધ અને સૌંદર્ય આપણે માણી શકીશું ખરા? નહિ જ. આથી બધા ધર્મો પોતપોતાની જગ્યાએ ભલે રહ્યા.

ભારતમાં ધમનિરપેક્ષતા દાખલ કરવામાં આવી એનું શું પરિણામ આવ્યું? આપણા રાષ્ટ્રધ્વજમાં રામ-કૃષ્ણને ન રાખીને આ દેશના કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવનાની અવગણના કરવામાં આવી. આથી આપણા રાષ્ટ્રધ્વજની શું સ્થિતિ થઈ? એ આપણને ક્યારેક ગટરમાં તો ક્યારેક ઉકરડામાં પડેલો પણ જોવા મળી શકે છે. ઘણાંને એ ધ્વજને ઉપાડીને માનભેર યોગ્ય જગ્યાએ મુકવાનું મન થતું નથી. શા માટે ? આ દેશના કરોડો નાગરિકોની રામ અને કૃષ્ણ પ્રત્યેની દિલની પવિત્ર ભાવનાને ઠોકર મારીને ભૂરા, સફેદ, લીલા રંગો પ્રત્યે ભાવના ઉભી કરવાની ચેષ્ટા કરનારને મુર્ખ નહિ તો બીજું શું કહેવું? વિચારો. આપણા રાષ્ટ્રધ્વજમાં રામ, કૃષ્ણ, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ હોય તો કોઈને કહેવું પડે, કે ધ્વજનું ગૌરવ જાળવો? દેશના કરોડો નાગરિકોની ભાવના, નિષ્ઠાને દેશહિતમાં ઉપયોગમાં લેવાને બદલે એમ ને એમ પડી રહેવા દીધી છે. જેના કારણે, આઝાદી મળી ત્યારનો આ દેશનો નાગરિક દેશના વિકાસ પ્રત્યે એક માત્ર ઉદાસીનતાનો ભાવ રાખીને બેઠો છે, જાહેર જવાબદારીઓ પ્રત્યે બેદરકાર રહ્યો છે. આ દેશનું દેવું વધે તોય શું? ને આવો દેશ વેચાઈ જાય તો ય શું? એને કોઈ ફરક પડતો નથી.

આજે માત્ર મતદાન કરીને દેશભક્તિનું પ્રદર્શન કરી શકાય છે માટે ઘણાની આ દેશ પ્રત્યેની ગદ્દારી છુપી રહી શકી છે. પરંતુ એક સમય એવો આવશે કે દાયકાઓ સુધી રાજકારણીઓએ કરેલા કૌભાંડો-ગોટાળા અને ભ્રષ્ટાચારને કારણે આખો દેશ વેચવા કાઢવો પડે ત્યારે ગીધડાંની જેમ આ દેશને ફોલી ખાનારા કે ઉધઈની જેમ ખોખલો કરી નાંખનારા ગદ્દારો આ દેશ છોડીને ભાગતા હશે અને ત્યારે આ દેશના સાચા નાગરિકો પોતાની ભારતમાતાની દુર્દશા જોઈને એ દૂર કરવા પોતાની તમામ અંગત સંપત્તિ દેશહિત કાજે ઠાલવી રહ્યા હશે. દેશની પુનર્રચના સમયે એવો કોઈ નાલાયક માણસ ફરીથી આ દેશનો નેતા ન બની જાય એનું ધ્યાન રાખવું પડશે જે આ દેશમાં ધર્મનિરપેક્ષતા દાખલ કરીને દુનિયાભરના ગદ્દારોને ફરીથી બોલાવીને ફરીથી આ દેશનું શાસન એમને સોંપવા માંગતો હોય!
http://vicharo.com/2010/12/06/sarv-dharm-sambhav/

This entry was posted in received Email, surfing from web. Bookmark the permalink.