ધર્મનાં કુલ તેર લક્ષણો-પૂ મોરારીબાપુ

કોઇ પણ ધર્મનું પ્રથમ લક્ષણ શ્રદ્ધા છે. જો શ્રદ્ધા ન હોય તો ધર્મનું અસ્તિત્વ શક્ય નથી. અંધશ્રદ્ધા કે અશ્રદ્ધાથી ધતિંગને પોષી શકાય, બાકી ધર્મના પોષણ માટે મૌલિક શ્રદ્ધા પ્રથમ અંગ છે.

ભગવાન વેદવ્યાસ દ્વારા રચાયેલા શ્રીમદ્ ભાગવતની ખૂબ જાણીતી કથા છે. મનુ અને શતરૂપાને ત્રણ દીકરીઓ છે. જેમાં પ્રસૂતિ નામની પુત્રીને દક્ષ પ્રજાપતિ સાથે પરણાવવામાં આવે છે. દક્ષ અને પ્રસૂતિને કુલ સોળ દીકરીઓ પ્રાપ્ત થાય છે. જેમાં સતિ નામની પુત્રીને ભગવાન શિવ સાથે, સ્વાહા નામની પુત્રીને અગ્નિ સાથે અને સ્વધા નામની પુત્રીને પિતૃ સાથે પરણાવે છે અને બાકી વધેલી તેર કન્યાઓને દક્ષ ધર્મના પુરુષ સાથે પરણાવે છે.

ધર્મ સાથે પરણેલી દક્ષ અને પ્રસૂતિની તેર પુત્રીઓનાં નામ શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, લજજા અને મૂર્તિ છે. આપણે આઘ્યાત્મિક અર્થથી જોઇએ તો આ તમામ નામ અત્યંત અર્થપૂર્ણ અને યોગ્ય છે. જગતનો કોઇ પણ ધર્મ ખોટો નથી પરંતુ કોઇ પણ ધર્મના આદર્શ સ્વરૂપનું દર્શન કરીએ તો તેનાં તેર લક્ષણો જોવા મળશે જે ભાગવતની કથામાં ધર્મની પત્નીઓનાં નામ છે.

કોઇ પણ ધર્મનું પ્રથમ લક્ષણ શ્રદ્ધા છે. જો શ્રદ્ધા ન હોય તો ધર્મનું અસ્તિત્વ શક્ય નથી. અંધશ્રદ્ધા કે અશ્રદ્ધાથી ધતિંગને પોષી શકાય. બાકી ધર્મના પોષણ માટે મૌલિક શ્રદ્ધા પ્રથમ અંગ છે. નાઝીર તો ઈશ્વરને જ શ્રદ્ધાની ઉપમા આપતા લખે છે કે ‘બતાવી દઉ તમોને એ અભેદી ભેદ ઈશ્વરનો.’ તમારામાં જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા જ ઈશ્વર છે, માટે ધર્મનું પ્રથમ સોપાન શ્રદ્ધા છે.

ધર્મનું બીજું લક્ષણ મૈત્રી છે, કારણ સાચો અને સારો ધર્મ હંમેશાં મિત્રતાનું નિર્માણ કરે છે. એ ક્યારેય શત્રુતાનું સર્જન કરતો નથી. વિનોબાજીએ કહ્યું છે કે બે ધર્મ વચ્ચે ઝઘડો ક્યારેય થતો નથી અને થાય તો સમજવું કે એ ધર્મ નથી પરંતુ ધર્મના પોશાકમાં બે અધર્મ ઝઘડી રહ્યા છે. માટે જ્યાં મૈત્રીભાવનું પવિત્ર ઝરણું સતત વહે છે એ ધર્મનું બીજું લક્ષણ છે.

ધર્મનું તૃતીય સોપાન દયા છે. આ દયાને ઉલટાવો તો યાદ બને છે. જેના હૃદયમાં દયા છે એને ઈશ્વર હંમેશાં યાદ કરે છે. આમ પણ દયાને ધર્મનું મૂળ કહેવામાં આવી છે. ધર્મ નામના વટવૃક્ષને ઊભા રહેવા માટે દયા નામના મૂળનો આશ્રય કરવો પડશે. નિર્દય માણસ સાચા અર્થમાં ધાર્મિક હોતો નથી.

ધર્મનું ચોથું ચરણ શાંતિ છે. જ્યાં અશાંતિ થાય, ગોકીરો થાય, દેકારો થાય ત્યાં ધર્મ નથી કારણ ધર્મ ક્યારેય શાંતિને ખલેલ પહોંચાડતો નથી. જ્યાંથી શાંતિ રવાના થાય ત્યાંથી શાંતિનાં પગલે પગલે ધર્મ પણ ચાલ્યો જાય છે, કારણ જ્યાં શાંતિ નથી ત્યાં ધર્મ ટકી શકતો નથી. શાંતિ અને ધર્મનાં ખોળિયાં જુદાં છે પણ જીવ એક છે.

ધર્મનું પાંચમું લક્ષણ તુષ્ટિ છે, તુષ્ટિ એટલે સંતોષ. જ્યાં અસંતોષ છે ત્યાં ધર્મ નથી. માણસ સફળતા મેળવે તે સારી બાબત છે પરંતુ માણસ સંતોષ મેળવે તે ઉત્તમ બાબત છે. જ્યાં કરોડોની કમાણી હોય, અબજોની આવક હોય પણ સંતોષ ન હોય તો સમજવું કે અહીંયા ધન છે પણ ધર્મ નથી. યાદ રાખજો, આ જગતમાં સંતોષથી મોટું કોઇ ધન નથી. ધર્મ માણસને સંતોષી બનાવે છે. ધર્મ માણસને તુષ્ટિ પ્રદાન કરે છે.

તુષ્ટિ પછીનું લક્ષણ પુષ્ટિ છે. પુષ્ટિ એટલે પોષણ કરવું, બળ આપવું, પૂર્તતા કરવી એવો અર્થ થાય છે. ધર્મ માણસને બળ આપે છે, ધર્મ માણસને પોષણ આપે છે. માનવીને અધૂરપથી નહીં પરંતુ મધુરપથી સભર કરે તે ધર્મ.

ધર્મનું સાતમું લક્ષણ ક્રિયા છે. જ્યાં નિષ્ક્રિયતા છે ત્યાં ધર્મ નથી. માણસને સક્રિય બનાવે તેનું નામ ધર્મ છે. મહાભારતમાં દુર્યોધન નિખાલસતાથી એકરાર કરે છે કે હું ધર્મને જાણું છું પણ એને મારી અંદર પ્રવૃત્ત કરી શકતો નથી અને હું અધર્મને પણ જાણું છું જેને હું મારા અંદરથી નિવૃત્ત કરી શકતો નથી. કોઇ પણ જાતની ક્રિયા વગર ધર્મ શક્ય નથી માટે ક્રિયાશીલતા ધર્મનું અનિવાર્ય અંગ છે.

ધર્મનું આઠમું ચરણ ઉન્નતિ છે. માણસને ઈર્ધ્વગતિ ન કરાવે તે ધર્મ નથી અને જે અધોગતિ કરાવે તે બીજું ગમે તે હોઇ શકે પરંતુ ધર્મ નથી. જે રીતે જળને યંત્રથી અને મનને મંત્રથી ઊર્ધ્વગામી બનાવી શકાય તેમ માનવીને ધર્મથી ઉન્નતિ આપી શકાય. આપણે ત્યાં કહેવત છે કે ધર્મ વધે તો ધન વધે ધન વધવાથી મન વધી જાય, મન વધવાથી જગતમાં માન વધે અને આમ બધું વધતાં વધતાં વધી જાય. માણસનો સવાôગી વિકાસ કરીને એને ઉન્નત મસ્તક બનાવે તેનું નામ ધર્મ.

ધર્મનું નવમું સોપાન બુદ્ધિ છે. બુદ્ધિ બે પ્રકારની હોય છે. એક સુમતિ અને બીજી કુમતિ. જે ધર્મ સાથે પરણી તે સુમતિ અને અધર્મ સાથે પરણી તે કુમતિ. માણસની બુદ્ધિને બગાડે નહીં પરંતુ સુધારે તેનું નામ ધર્મ છે. જીવનમાં બુદ્ધિની વૃદ્ધિ થાય તે સારી વાત છે, પરંતુ બુદ્ધિની શુદ્ધિ થાય તે ખૂબ જ સારી વાત છે, માટે માનવીની બુદ્ધિને શુદ્ધ કરે તે સાચો ધર્મ.

ધર્મનું દશમું લક્ષણ મેધા છે. શાસ્ત્રોએ બુદ્ધિની ચાર કક્ષા બતાવી છે (૧) બુદ્ધિ (૨) મેધા (૩) પ્રજ્ઞા (૪) ઋતંભરા પ્રજ્ઞા. માણસની બુદ્ધિને જ્યારે પ્રથમ પ્રમોશન મળે ત્યારે તે મેધા બને છે અને બીજું પ્રમોશન મળે ત્યારે પ્રજ્ઞા બને છે. આ પ્રજ્ઞા પણ જ્યારે સત્યથી સભર બને ત્યારે બુદ્ધિની સર્વોચ્ચ કક્ષા ઋતંભરા પ્રજ્ઞાને પ્રાપ્ત થાય છે. આમ માણસની બુદ્ધિને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે તે ધર્મ.

ધર્મનું અગિયારમું ચરણ તિતિક્ષા છે. આ તિતિક્ષા શબ્દને ઘ્યાનથી સમજવાની જરૂર છે. માણસમાં સંકટનો પ્રતિકાર કરવાની પૂરેપૂરી શક્તિ હોય છતાં પ્રતિકાર ન કરે અને ધીરજથી આવી પડેલા દુ:ખને સહન કરે એનું નામ તિતિક્ષા છે. ધર્મ માણસને ધીરજ પ્રદાન કરે છે અને કર્મનાં બંધનથી મુકત કરે છે. દુ:ખનો પ્રતિકાર કર્યા વગર ભોગવી લેવા એ કર્મબંધનથી મુક્ત થવાની પ્રક્રિયા છે.

ધર્મનું બારમું લક્ષણ લજજા છે. લજજા એટલે લાજ, લજજા એટલે શરમ. જ્યાં ધર્મ છે ત્યાં શરમ છે. કારણ ધર્મ ક્યારેય બેશરમ હોતો નથી. શરમની સાથે ગર્ભિત રીતે સંયમ પણ છુપાયેલો છે. પ્રભુનાં દર્શન પણ સંયમથી કરવા જોઇએ, માટે જે રીતે ક્ષમા વીર પુરુષનું ભૂષણ છે, લજ્જા સ્ત્રીનું ભૂષણ છે તે રીતે લજ્જા ધર્મની શોભા છે.

ધર્મનું તેરમું અને અંતિમ લક્ષણ મૂર્તિ છે. મૂર્તિનો અર્થ પ્રતિમા અથવા બૂત એવો થાય છે. વિશ્વના જે ધર્મોમાં મૂર્તિપૂજાનો મહિમા નથી અથવા બૂતખાનાનો રિવાજ નથી તેવા ધર્મમાં પણ ભકત પોતાના માનસમાં પોતાના સદ્ગુરુ અથવા માલિકની કલ્પના કરી પૂજા અથવા બંદગી કરતો હોય છે. એવું જરૂરી નથી કે ધર્મમાં મૂર્તિ હોવી જ જોઇએ પણ દરેક માણસ ચાહે આસ્તિક હોય કે નાસ્તિક હોય તેના હૃદયમાં કોઇ ને કોઇ વ્યક્તિ કે ઈશ્વર પ્રત્યેની સદ્ભાવનાની પ્રતિમા અવશ્ય હોય છે. માટે ધર્મનું છેલ્લું લક્ષણ મૂર્તિ છે. ભગવાન વેદવ્યાસે ભાગવતમાં રચેલી આ કથા સાંપ્રત સમયમાં પણ ધર્મને સમજવા માટે કેટલી પ્રસ્તુત છે.

આ કથા અહીં અટકતી નથી. શ્રીમદ્ ભાગવતમાં એ ધર્મ નામના પુરુષને તેર પત્નીઓ પાસેથી જે પુત્રો પ્રાપ્ત થાય છે તેનાં નામ પણ અર્થસભર અને આજે પણ પ્રસ્તુત છે. ધર્મને શ્રદ્ધા પાસેથી શુભ નામનો પુત્ર મળે છે. મૈત્રી પાસેથી પ્રસાદ એટલે કે પ્રસન્ન નામનો પુત્ર મળે છે. દયાની કૂખેથી અભય જન્મે છે કારણ નિર્દયી માણસ હંમેશાં ડરપોક હોય છે. જે દયાળુ હોય એ જ સાચા અર્થમાં અભય હોય છે. શાંતિ પાસેથી સુખ મળે છે, તુષ્ટિ પાસેથી મોદ મળે છે જે મઘ્યમ કક્ષાનો આનંદ થયો. મોદ અને પ્રમોદ બંને બહુ નજીકના શબ્દો છે. પુષ્ટિ પાસેથી સ્મયં મળે છે. ક્રિયાના પુત્રનું નામ યોગ છે. ઉન્નતિનો દર્પ છે.

આ દર્પ એટલે અભિમાન. જીવનમાં ઉન્નતિ થાય એટલે અભિમાન આવે છે. જીવનમાં સર્પદંશ સારો પણ દર્પદંશ ખરાબ છે, કારણ સર્પદંશની દવા દરેક જગ્યાએ મળે છે પરંતુ દર્પદંશની દવા તો કોઇ સદ્ગુરુ, કોઇ પ્રજ્ઞાવાન પુરુષ જ આપી શકે. બુદ્ધિ પાસેથી અર્થ અને મેધા પાસેથી સ્મૃતિ મળે છે. તિતિક્ષાની કૂખેથી ક્ષેમ જન્મે છે. લજજા પાસેથી વિનય મળે છે, કારણ જે નિર્લજ્જ હશે તે અવિવેકી હશે અને છેલ્લે મૂર્તિ પાસેથી નર અને નારાયણ નામના બે પુત્રો મળે છે. વેદવ્યાસે લખેલી યુગો જૂની વાત અત્યારે પણ ધર્મને સમજવા માટે પર્યાપ્ત છે.

(સંકલન : જગદીશ ત્રિવેદી)
http://religion.divyabhaskar.co.in/article/13-characteristics-of-religion-986675.html

This entry was posted in surfing from web, ધર્મ તો એમ માને છે. Bookmark the permalink.

One Response to ધર્મનાં કુલ તેર લક્ષણો-પૂ મોરારીબાપુ

  1. pragnaju says:

    સહજ,સરળ અને સુંદર
    સાંપ્રત સમયમા વ્યસ્ત જીવનમા ધર્મનું મૂળ સ્વરુપ સમજવામા મદદ રુપ
    આટલી જ વાત આચરણમા મૂકાય તો કલ્યાણ થાય

Comments are closed.