ઓલ ઈઝ વેલ – કમલેશ કે. જોષી

[ જામનગર સ્થિત નવોદિત યુવાસર્જક શ્રી કમલેશભાઈની આ પ્રથમ વાર્તા જ સાવ અનોખી ભાત પાડે તેવી છે. તેઓ શ્રી એચ.કે.દોશી ઈન્ફર્મેશન ટેકનોલોજી કૉલેજમાં ‘કમ્પ્યુટર પ્રોગ્રામર’ તરીકે ફરજ બજાવે છે. યુવા માનસનો ઊંડો અભ્યાસ તેમની આ કૃતિમાં પ્રગટ થાય છે. રીડગુજરાતીને આ વાર્તા મોકલવા માટે શ્રી કમલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9879510498.]

અંજલિને ઊંઘ નહોતી આવતી. નવા વર્ષની પાર્ટીમાં કરેલ મોજ-મસ્તી ભૂલાઈ ચૂકી હતી. જો કે પાર્ટી પૂરી થયાને ગણતરીનાં જ કલાકો વીત્યાં હતાં. રાત્રિનો જેટલો અંધકાર હતો એથી યે વધુ અંધકાર અંજલિના મનને ઘેરી વળ્યો હતો. થોડા કલાકો પહેલાં તો પોતે કેટલી ખુશ હતી અને અત્યારે….?? પોતાની મા થઈને તે આવું કરે ? અને તે પણ આ ઉંમરે ?…… પિતાની ગેરહાજરીમાં મમ્મી જે કરી રહી છે તે ખૂબ જ ખોટું અને ખરાબ છે…. પથારીમાં સૂતાં સૂતાં અંજલિ તેના મમ્મીની બદલાયેલી ચાલચલગત વિશે વિચારતાં ખરેખર ભાંગી પડી હતી. છેલ્લાં પંદરેક દિવસથી મમ્મીના રંગ-ઢંગ બદલાયેલા હતાં. પહેલાં તો અંજલિને આશ્ચર્ય થયું, વળી એને ગમ્યુંયે ખરું…. પણ મમ્મીને જ્યારે પપ્પાના મિત્ર મોહનલાલ સાથે સિનેમેક્સમાંથી હસતાં-હસતાં બહાર નીકળતાં જોઈ ત્યારે પહેલી વખત અંજલિને શંકા સળવળી. આ ખરેખર મમ્મી હતી ?…..

તે દિવસે અંજલિ પોતાના મિત્રો સાથે સિનેમેક્સમાં ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ રાત્રે સાડા નવથી સાડા બારના શૉમાં જોવા માટે આવી હતી. તેના મિત્રોમાં શિલ્પા, રાહુલ, રોહન, મોના અને સંજીવ બધા જ હતા. તેઓ હંમેશા આ રીતે સાથે નીકળતાં. કેટલીક વાર સાંજના શૉમાં ફિલ્મ જોઈને હાઈ-વેની રેસ્ટોરન્ટ પર ડિનર લેતાં અને અલકમલકની વાતો કરતાં. નામ પાડ્યા વગર અંજલિ-સંજીવ, શીલ્પા-રાહુલ અને મોના-રોહનની જોડી બની ગઈ હતી. સૌ અંદરથી જાણતા હતાં કે બહાર ભલે જે દેખાતું હોય તે, પણ અંદર કંઈક પાકી રહ્યું હતું. સંજીવ દેખાવે સુંદર, હોંશિયાર અને વ્યવસ્થિત હતો. કૉલેજમાં એમનું ગ્રુપ હંમેશા સાથે રહેતું. ભણવાની સાથે, વિવિધ ઉત્સવો ઉજવવા, પરસ્પર એસ.એમ.એસ. કરવા, થોડી મોજ-મસ્તી કરવી….એ રોજનો ક્રમ હતો. હંમેશાં મિત્રતાના સહારે આનંદીત સમય પસાર કરતું આ નાનકડું ગ્રુપ એક બાબતે નારાજ રહેતું. એ કારણ વ્યાજબી હતું. તે એ કે કૉલેજ કેમ્પસમાં જે કાયદા કાનૂન હતાં એ હિટલરશાહી જેવાં હતાં. છોકરા-છોકરીઓ મળે તો જાણે ‘અલકાયદાના આતંકવાદીઓ’ ભેગા થયા હોય એમ પટાવાળાથી લઈને પ્રિન્સિપાલ સુધીના સૌ આંખો ફાડી જોઈ રહેતાં ! વળી, કેટલાક વિદ્યાર્થીઓ પણ વિચિત્ર નજરે તાકી રહેતાં. એક પ્રકારની પાબંદી લાગી જતી. એમાંથી થોડી છૂટછાટ મેળવીને અંજલિનું આ ગ્રુપ રચાયું હતું. સત્તર-અઢાર વર્ષની યુવાનીમાં એનાથી રોમાંચ આવ્યો હતો.

શરૂઆતના છ મહિનાની ગુલામી વેઠ્યા બાદ અંજલિ જેવા નવા નિશાળિયાને પણ હવે ફાવટ આવવા માંડી હતી. કેમ કરીને કાયદો તોડવો, ક્યારે માફી માંગી લેવી, ક્યારે ક્રાંતિકારી વિચારો રજૂ કરવા અને ક્યારે ધીમેથી સરકી જવું… એ બધું એને સમજાવા માંડ્યું હતું. એ રંગબેરંગી વિચારોમાં ખોવાયેલી રહેતી. અવનવા વિચારો એને રોમાંચિત કરી જતાં. પહેલી વાર અંજલિએ બ્લ્યૂ-જીન્સ અને લાલ ટી-શર્ટ પહેર્યું ત્યારે કેવો વટ પડેલો ! તેણે નોંધેલું કે કેટલાય છોકરાઓ એને તાકી રહેલાં. અંજલિને કોણ જાણે કયો આનંદ થયો હતો… પરંતુ મજા ખૂબ આવી હતી.
મજા….
આનંદ….
આ શબ્દો યાદ કરતાં જ અંજલિ વર્તમાનમાં પટકાઈ. મજા અને આનંદ તો આ નવા વર્ષની પાર્ટીમાં કેટલો હતો ! બધા મિત્રો સાથે હતાં. છેક સાડા બાર વાગ્યે પાર્ટી પૂરી થઈ અને ઘરે આવી તો પણ હજુ મમ્મી નહોતી આવી. ક્યાં ગઈ હશે ? પપ્પા પણ ઑફિસના કામે પંદર-વીસ દિવસ બહારગામ ગયા હતાં. હવે તો રાતનો એક વાગ્યો. હજુ મમ્મી ના આવી.
તેને પપ્પા યાદ આવ્યા.
સમજદાર અને પ્રેક્ટિકલ પપ્પા. અંજલિને પપ્પા માટે ગૌરવ હતું. વિશેષ માન હતું. કમ્પ્યૂટર નિષ્ણાંત તરીકે પપ્પાનું આખા શહેરમાં નામ હતું. મોટી કંપનીઓમાં પપ્પાને ઘણીવાર સલાહકાર તરીકે બોલાવવામાં આવતાં. અંજલિ નાનામાં નાની બાબતે પપ્પા સાથે ચર્ચા કરી શકતી. મમ્મી પણ ડાહી અને મદદરૂપ હતી પરંતુ મમ્મી બહુ ‘ફોરવર્ડ’ નહીં. પોતે પહેલીવાર સ્લીવલેસ ડ્રેસ પહેરીને કોલેજ ગયેલી ત્યારે મમ્મીએ સહેજ નારાજગી વ્યક્ત કરેલી. પપ્પાએ ના નહોતી પાડી. પરંતુ એ પછી તો મમ્મીની નારાજગી વધતી જ ચાલી. મિત્રોને મળવાનું હોય કે છોકરાઓ સાથે ફ્રેન્ડશીપ… મમ્મીને હંમેશા પ્રોબ્લેમ ! અંજલિ મમ્મીને સમજાવી નહોતી શકતી કે યુગ બદલાઈ ગયો છે. હવે સ્ત્રી ગુલામ નથી. પડદા પાછળ રહેવાની નથી. પુરુષ સમોવડી તો ખરી જ, બલ્કે એનાથીયે બે કદમ આગળ છે… એમાંયે નવરાત્રી દરમિયાન યશોદામાસીની મીનાનું પ્રકરણ બન્યું એ પછી તો મમ્મી જાણે એકદમ કડક થઈ ગઈ હતી.

એક દિવસ પપ્પાની હાજરીમાં બધા ખુલાસા થઈ ગયા. અંજલિએ કહી દીધું કે ‘વિશ્વાસ રાખજો, હું મારી લિમિટ જાણું છું…’ પપ્પાએ ચૂકાદો આપી દીધો. બસ, તે દિવસથી મમ્મીએ અંજલિને ટોકવાનું ઓછું કરી નાખ્યું. એ પછી પપ્પાને સતત બહારગામ જવાનું વધતું રહ્યું. બીજી તરફ અંજલિ ધીમે ધીમે મમ્મીમાં બદલાવ જોઈ રહી હતી. મમ્મી વ્યવસ્થિત તૈયાર થતી, હરવા-ફરવા જતી. અંજલિને આ ખૂબ ગમ્યું. ઘરમાંથી જડતા જઈ રહી હતી અને ‘ફ્લેક્સિબિલિટી’ આવી રહી હતી… એકાદ વાર તો એણે મમ્મીને પપ્પા સાથે ‘સ્ત્રી સ્વાતંત્ર્ય’ વિશે ચર્ચા કરતાંય સાંભળેલી….
‘સ્ત્રી એ કંઈ ગુલામડી નથી….’ મમ્મી બોલેલી.
‘પણ હું ક્યાં કહું છું કે સ્ત્રી ગુલામડી છે ?’ પપ્પાનો પ્રત્યુત્તર. અંજલિને પપ્પા પર વિશ્વાસ હતો. મમ્મીને બહુ વ્યવસ્થિત રીતે તે સાચવતાં, સમજાવતાં અને ઘરનું વાતાવરણ એમનાથી જ સુસંવાદિતતાભર્યું બની રહેતું.

પણ હવે આમ કેમ બનવા લાગ્યું છે ?
રાત્રીનો દોઢ વાગ્યો. અંજલિ વિચારી રહી હતી. એટલામાં કારનો અવાજ સાંભળીને અંજલિ રૂમની બારી પાસે પહોંચી…. ગેટ પાસે ઊભેલી કારમાંથી મમ્મી ઊતરી રહી હતી અને બીજી બાજુએથી મોહન અંકલ….. ઓહ ! અંજલિ આ બધું જોઈ સ્તબ્ધ થઈ ગઈ. એક બાજુ પપ્પા બહારગામ ગયા છે અને મમ્મી અહીં આ રીતે ?….. એને સમજાતું નહોતું. તેની ઊંઘ ઊડી ગઈ. આ બધું શું થઈ રહ્યું છે ? અંજલિને એક પછી એક દશ્યો આંખ સામે આવવા લાગ્યા…. તે દિવસે સિનેમેક્સમાં મમ્મી અને મોહન અંકલને જોઈને શિલ્પા-મોના સૌ પોતાની સામે કેવી રીતે તાકી રહ્યા હતાં ! એને ફિલ્મ નહોતી ગમી. એનું મન મમ્મી અને મોહન અંકલ વિશે વિચારી રહ્યું હતું. એક વાર તો સંજીવ અંજલિને એકાંતમાં લઈ ગયેલો અને ધીમા અવાજે વાત કરેલી કે તેણે તેની મમ્મીને કોઈની સાથે શોપિંગમોલમાં જોયા હતાં. અંજલિ નીચું જોઈ ગઈ હતી. તેણે પહેલીવાર નામોશી અનુભવી.

એ દિવસે તો ઘરે આવીને તે પપ્પાને ધરાર બહાર ખેંચી ગઈ હતી. રસ્તામાં એણે પપ્પાને બધી વાત કરી દીધી. તેણે સ્પષ્ટ કહી દીધું કે મમ્મી અને મોહન અંકલ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. પપ્પાએ આઘાત તો વ્યક્ત કર્યો પરંતુ સાથે એ પણ કહ્યું કે તેમને બધું ખબર છે. પપ્પાએ એમ કહ્યું હતું કે : ‘દીકરા અંજુ, તારી મમ્મી બહુ સારી છે, ડાહી છે અને હું જે કંઈ પણ છું એનું કારણ તારી મમ્મીનો પ્રેમ-ભરોસો-વિશ્વાસ છે…. મને જ્યારે મોહન વિશે આ વાત બહારથી જાણવા મળેલી ત્યારે હું પણ સળગી ગયો હતો, ભાંગી ગયો હતો પરંતુ મેં નિર્ણય કર્યો કે હું મારા પરિવારને તૂટવા નહીં દઉં. આ અંગે તારી મમ્મી સાથે જો ચોખ્ખી વાત કરું તો વિશ્વાસ તૂટ્યો ગણાય… એનું સ્વાભિમાન ઘવાય. એમ થાય તો તો એ બમણી લડત આપે અને ધારદાર દલીલોનો સહારો લે… મારે એનો વિશ્વાસ નહોતો ગુમાવવો… તારી મમ્મીના ગૌરવને ઠેસ નહોતી પહોંચાડવી….’ અંજલિ પપ્પાનો ચહેરો જોઈ રહી હતી. કેવો લાચાર ચહેરો ! અંજલિને ખૂંચ્યું.
‘પણ શું મમ્મીને આવું કરવાની ચોખ્ખીચટ્ટ ના ન પાડી શકાય ?’
‘પાડી જોઈ…..’ પપ્પા બોલ્યા, ‘મેં એકવાર તારી મમ્મીને કહ્યું પણ ખરું કે મને તારા પર ભરોસો છે… પરંતુ છતાં મને શંકા પડે છે… ન ગમે એવું કાર્ય તું ન કરે એમ હું ઈચ્છું છું….’
‘તો ?’ અંજલિ પ્રશ્નાર્થથી પિતા સામે તાકી રહી.
‘તો એણે શું જવાબ આપ્યો ખબર છે ? મને કહે… વિશ્વાસ રાખજો… તમારો ભરોસો હું ક્યારેય નહિ તોડું… મોહનલાલ અને મારી વચ્ચે કંઈ જ નથી…. જસ્ટ…જસ્ટ… અમે ફ્રેન્ડઝ છીએ…. માત્ર સારા મિત્રો…’

અંજલિને બરાબર ખીજ ચડી હતી… ‘હં…. મિત્રો ?????’
પપ્પા આગળ બોલ્યા હતા : ‘દિકુ, સંબંધોમાં આવો સમય આવે ત્યારે માણસ ગજબની લાચારી અનુભવે છે. સાચું કહું તો હું જાણું છું કે મોહન અને તારી મમ્મી બંને સમજુ છે, મોટી ઉંમરના પરિપક્વ વ્યક્તિઓ છે, તેઓ પોતપોતાની લિમિટ જાણે છે…. પણ આમ ને આમ તેઓ વધુ મળતા રહેશે તો લાગણી ચોક્કસ બંધાવવાની…. અને કોઈ ખતરનાક ‘નબળી ક્ષણ’ આવી પડશે તો…. ? જો તેઓ પોતાના પરનો કાબૂ ગુમાવી બેસશે તો ? આ વિચારમાત્રથી જ મને કંપ આવી જાય છે…. હું સતત ફડકો અનુભવું છું. તારી મમ્મીએ કહ્યું છે કે વિશ્વાસ રાખજો. પરંતુ એ વિશ્વાસનું એ અસાધારણ ક્ષણો વખતે જોર ચાલશે ખરું ? ક્યાંક વિશ્વાસ કાચો પડ્યો તો ?’ પિતાની આંખમાં છુપાયેલા આંસુ અંજલિએ જોઈ લીધા હતા. મમ્મીને લીધે થયેલી લાચાર પિતાની મનોદશાએ બાપ-દીકરીના પ્રાણ પીંખી નાખ્યાં હતાં. અંજલિને સ્પષ્ટ લાગ્યું કે મમ્મીએ સમજવું જોઈએ…. મમ્મીને સમજાવવી પડશે…. ગમે તેમ કરીને મમ્મીને રોકવી પડશે…

એ દિવસથી અંજલિ બરાબર જાગૃત બની ગઈ હતી. એ સતત ધ્યાનપૂર્વક મમ્મીને જોઈ રહેતી. એક-બે વાર એણે મમ્મી સાથે વાતેય ઊખેડી હતી :
‘મમ્મી, આજે તું અને મોહન અંકલ શૉપિંગ મૉલમાં ગયેલાં ?’ પ્રશ્ન પૂછ્યા બાદ અંજલિએ ધારદાર નજરે મમ્મીની આંખમાં આંખ પરોવી રાખી હતી. પછી પ્રશ્નને વધુ ગંભીર કરવા માટે તેણે ઉમેર્યું હતું : ‘મારી બે-એક ફ્રેન્ડઝ કહેતી હતી કે એણે તમને જોયેલાં….’
છાપુ સંકેલી ટેબલ પર મુકતા ક્ષણાર્ધમાં પોતાને સંભાળી લઈને મમ્મી બોલેલી : ‘હા બેટા, મોહન અંકલને થોડી ખરીદી કરવી હતી…. એટલે ગયેલા….’ મમ્મી ઊભી થઈને રસોડામાં ચાલી ગઈ હતી. અંજલિ પણ રસોડામાં જઈને ઊભી રહી અને અદબવાળીને બોલી : ‘મમ્મી, આ શું યોગ્ય થઈ રહ્યું છે ?’ હજુ અંજલિએ ધારદાર આંખો પરોવી જ રાખી હતી. માની વ્યાકુળતા જોઈને અંજલિ અંદરથી થોડી વધુ મજબૂત બની.
‘શું બેટા…. ? તું શાનું પૂછે છે….?’ મમ્મીએ અજાણ હોવાનો ડોળ કર્યો.
‘મમ્મી, તું આ રીતે મોહન અંકલ જોડે મોલમાં, સિનેમામાં જાય છે તે યોગ્ય છે ખરું….?’ અંજલિનો પ્રશ્ન વેધક હતો. મમ્મી વિંધાઈ ચૂકી હતી.
‘બેટા….’ શબ્દો ગોઠવતી તે બોલી, ‘તને દુઃખ થયું હોય તો આઈ એમ સોરી…. પણ તું જ કહે કે આમાં ખોટું શું છે ? આમાં દુઃખી થવા જેવું શું છે ?’ મમ્મી ફરી છટકી રહી હતી. પરંતુ અંજલિએ પૂછી નાખ્યું કે :
‘મમ્મી તું ક્યા સંબંધે મોહન અંકલ જોડે ફરે છે ?’
‘જસ્ટ ફ્રેન્ડ દીકરા… એ તારા પપ્પાનાયે મિત્ર છે….’ મમ્મી બોલી ગઈ. મમ્મીની આંખમાં માસુમિયત પાછળ છુપાયેલી લુચ્ચાઈ અંજલિ જોઈ શકતી હતી.

‘ફ્રેન્ડશીપ…..’ અંજલિનો ગુસ્સો શબ્દ સ્વરૂપે વહેવા લાગ્યો હતો, એ ચીપી ચીપીને બોલી હતી, ‘ફ્રેન્ડશીપ… આ ઉંમરે….. ? એ પણ કોઈ અન્ય પુરુષ સાથે ?…. મમ્મી તું પરણિતા છે. તારો પરિવાર છે. પતિ છે. પુત્રી છે… અને એ પુત્રીયે કેવડી ? કૉલેજમાં ભણે એવડી. આ ઉંમરે તને ફ્રેન્ડશીપ સૂઝે છે ? તને કલ્પનાયે છે ખરી કે તારા આ સંબંધની અમારા ઉપર શું અસર થશે ? મારા પપ્પા સતત ફડકામાં જીવે છે…. વગર વાંકે અને વગર ગુન્હાએ તેઓ નામોશી ભરી હાલતમાં મુકાઈ ગયા છે…. તને જ્યાં ને ત્યાં જોનારા પરિચિતોના પ્રશ્નોનો અમારે શું જવાબ આપવો ? અમારું માથું શરમથી ઝૂકી જાય છે. આ ઉંમરે આ તું શું માંડીને બેઠી છે મા ? તારી ભૂલ… તારી મૈત્રી… તારી મોજમસ્તી…. એ બધાને લીધે અમારી હાલત કેટલી ખરાબ અને પીડાદાયક બનવા માંડી છે એનો તને વિચારેય નથી આવતો… અમારો ગુન્હો શું છે એ તો કહે ? ભૂલ વિના, અપરાધ વિના અમને આ સજા શાની ?….’ અંજલિના તીવ્ર શબ્દોથી રૂમમાં બે-ત્રણ ક્ષણ ખામોશી છવાઈ ગઈ. મમ્મી ફાટી આંખે પુત્રીના રૌદ્ર રૂપને જોતી રહી. થોડી વાર બાદ રડમસ ચહેરે, તૂટતા અવાજે મા બોલી :
‘અંજુ બેટા… એવું કાંઈ નથી કર્યું અમે…. તારા સોગંદ ખાઈને કહું છું… અમારા મનમાં જરાય ખોટ નથી. અમે સો ટચના સોના જેવા મિત્રો છીએ… કેવળ મિત્રો જ….’
મમ્મીનો આવો લૂલો જવાબ સાંભળી અંજલિ કંપી ઊઠી હતી.

અંતે અંજલિએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું.
‘મમ્મી, શું પપ્પા અને મારી ખુશી માટે તું મોહનઅંકલ સાથેના સંબંધો બંધ ના કરી શકે ?’ અંજલિ મમ્મીને બરાબર તાકી રહી હતી. મમ્મીની આંખ પલળેલી હતી. એણે ફરી અંજલિની આંખમાં જોઈને કહ્યું :
‘ચોક્કસ દીકરા, તમે બંને કહેતાં હો તો…. જો તમને બંનેને અમારી મિત્રતાથી માનહાનિ થતી હોય, લાંછન જેવું લાગતું હોય તો હું હવે નહિ મળું મોહન અંકલને….’ મમ્મીએ ઊંડો નિઃશ્વાસ મૂક્યો. બે ક્ષણ પછી એ ફરી બોલી હતી, ‘પણ દીકરી, તું મને ઓળખે છે… તારા પપ્પા મને ઓળખે છે.. તો મને એક પ્રશ્નનો જવાબ આપ… મોહનઅંકલ અને મારી મિત્રતા છે, અમે હરીએ-ફરીએ છીએ એનો વાંધો દુનિયા ઉઠાવે, સમાજ ઉઠાવે એટલા ખાતર અમે અમારા આનંદનો અંત લાવીએ ? જે સમાજ કે દુનિયા અમને હજુ સાચી રીતે સમજી નથી શકતી એના માટે અમે આ આનંદ કુરબાન કરીએ તે કેટલા અંશે વ્યાજબી છે ? સમાજ તને અને પપ્પાને પ્રશ્નો પૂછે છે પણ એમાં ઈજ્જત ગુમાવવા જેવું, અસન્માનનીય કે નામોશી અનુભવવા જેવું છે શું ? શા માટે આપણે આ બંધિયાર સમાજની પરવાહ કરવી ? દીકરી, તારા પપ્પા મને ના સમજી શકે એ તો સમજ્યા પરંતુ એક સ્ત્રી તરીકે તું મને નહીં સમજે ? મારો આ આનંદ, મારો ઉત્સવ… મારે આ બંધિયાર સમાજની ગુલામી સામે ઝૂકીને જતો કરવો… કુરબાન કરવો… તે એક સ્ત્રી તરીકે તને વ્યાજબી લાગે છે ખરું ?’

અંજલિ વિચારમાં પડી ગઈ હતી. માનો પ્રશ્ન તો સાચો જ હતો. વ્યક્તિગત સ્વતંત્રતા તો હોવી જ જોઈએ ને ? માએ સમાજ માટે વિચારવાની ક્યાં બહુ જરૂર હતી ? આમ છતાં, મમ્મી જે કંઈ કરી રહી છે તે એને ગેરવ્યાજબી કેમ લાગતું હતું ? અંજલિને કશું સમજાતું નહોતું. તે દિવસે તો અંજલિ માને કંઈ કહી ન શકી પરંતુ ખૂબ વિચારતી રહી. શા માટે મોહનઅંકલ અને મમ્મીની મૈત્રી એના હૈયાને ખૂંચી રહી હતી ? શાનો ભંગ થતો હતો ? શું ખોટું હતું આ સંબંધમાં ? ખૂબ વિચારવા છતાં અંજલિને ખોટું તો કશું દેખાતું નહોતું અને તે છતાં આ સંબંધનો ક્ષણ પૂરતો વિચાર પણ એને અંદરથી દઝાડતો હતો. શું પપ્પાનો ફડકો સાચો હશે ? મોહનઅંકલ અને મમ્મીની આ મસ્તીભરી મૈત્રીમાં કોઈ નબળી ક્ષણ કે ‘મદહોશ ક્ષણ’ આવે એવી એક ટકોય સંભાવના ખરી ? અને આ નબળીક્ષણે પરિવાર પ્રત્યેનો વિશ્વાસ મદદે આવે ખરો ? એની શક્યતા કેટલી ? એકવાર કદાચ વિશ્વાસ મદદ કરે પરંતુ ફરી વાર પેલી ‘ક્ષણ’ આવે તો ? આ રીતે વારંવાર હળવા-મળવામાં આવી ક્ષણો તો આવવાની જ…. કોઈ વાર વિશ્વાસ મદદ ના કરે અને પેલી નબળી ક્ષણ જીતી જાય અને વિશ્વાસ હારી જાય તો… ? તો પછી શું ?….. મમ્મી પોતાને કદી માફ કરી શકે ખરી ? એમની ભૂલ એમના બાકીના આખા જીવનને કેટલી હદ સુધી વિખેરી નાંખે ? અને એની અસર તળે પોતાનું અને પપ્પાનું જીવન પણ કેટલું ડામાડોળ થઈ જાય !

અંજલિ જેટલું વિચારતી ગઈ, એટલું સમસ્યાનું ઊંડાણ વધતું ચાલ્યું હતું. બિચારા પપ્પા…. આ લાંછનભર્યું જીવન સહન જ ન કરી શકે… જે છાપ, સ્વચ્છ ઈમેજ અને નામના સાથે આ માણસ જીવ્યો છે… એના માનસ પર તો આ લાંછનનો ઘા મરણતોલ હોય જ, એમાં બે મત નથી. પરંતુ કરવું શું ?…. છેલ્લા દસ દિવસથી અંજલિ જ્યારે એકલી પડતી ત્યારે એને મમ્મીના વિચારો ઘેરી લેતાં. એ તો સારું હતું કે શિલ્પા-સંજીવ-મોના અને રાહુલનો સાથ હતો. સમજદાર સંજીવ આ સમસ્યાથી વાકેફ હતો. રાહુલ-રોહનનેય ખબર હતી. સૌ બને ત્યાં સુધી અંજલિને માનસિક રીતે આધાર આપી રહ્યા હતા. એમની તો એકમાત્ર હૂંફ હતી. સંજીવની ગાઢ મિત્રતા જ એને માટે હિંમત આપનારી હતી. સંજીવ સાથે એનો સમય પસાર થઈ જતો. અંજલિને યાદ આવ્યું કે બીજા સેમિસ્ટરની પરીક્ષામાં સંજીવ સાથે એણે કેવી શરત કરેલી ! એણે શરત કરેલી કે ‘બંનેમાંથી જે વધુ ટકા મેળવે… બીજાએ એનું કહ્યું એક કામ કરવાનું…’ અને સંજીવના વધુ ટકા આવ્યા હતા. એણે અંજલિ સાથે જોગવડ મંદિર સુધીની સિંગલ બાઈકમાં રાઈડિંગ માંગી હતી…. સંજીવની બાઈકમાં પોતે પાછળ બેઠેલીયે ખરી અને સાથે શિલ્પા-રોહન સૌ કોઈ હતાં. કેવી મજા આવી હતી ! જાણે પોતે હવામાં ઊડી રહી હતી. એવી જ શરત ત્રીજા સેમિસ્ટર વખતે હતી. આ વખતે પણ સંજીવ જીત્યો હતો. એણે માંગણી કરેલી કે ‘ગઝની’ ફિલ્મ, ત્રણ કલાક પરસ્પરનો હાથ પકડીને જોવાની…. કેવો ગરમ લાગેલો એ સ્પર્શ….

આજે નવા વર્ષની પાર્ટીમાં અંજલિ અને સંજીવ એ જ શરતે ફરી બંધાઈ ચૂક્યાં હતાં. રોહન-શિલ્પા-મોના-રાહુલ સૌ કોઈ સાક્ષી હતાં. હવે જ્યારે પરિણામ આવશે ત્યારે સંજીવની માંગણી કેવી રોમાંચક સફરે લઈ જશે એની કલ્પના માત્રથી અંજલિના તન-મનમાં લાલ-ગુલાબી સ્વપ્નો ખીલી ઊઠતાં હતાં…. નસોમાં લોહીનો પ્રવાહ ગતિમાન થઈ જતો હતો….. આખી પાર્ટી દરમિયાન એ મમ્મીના પ્રશ્નને ભૂલી ગઈ હતી. છેક ઘરમાં પ્રવેશી ત્યારે એને બધું ફરી યાદ આવ્યું હતું. પોતે જે ફુલ ગુલાબી સ્વપ્નમય મહેફિલ છોડીને બહાર આવી હતી, એમ શું મમ્મી પણ કોઈ મહેફિલમાં, કોઈ સ્વપ્નમય ક્ષણોમાં ખોવાયેલી હશે ?
ક્ષણ…..
‘ક્ષણ’ શબ્દ યાદ આવતાં અંજલિને ફરી પેલી નબળી ક્ષણની વાત યાદ આવી અને એની પાછળ ઊભેલી લાખો દુઃખમય ક્ષણો સાંભરી આવી…. અંજલિની ઊંઘ હરામ થઈ જતી હતી. યાર, મમ્મી કેમ સમજતી નથી ? એ કેમ સમજતી નથી કે ગમે એટલો વિશ્વાસ, ગમે એટલી પરિપક્વતા, ગમે એટલી લિમિટ પ્રત્યેની સજાગતા – એ બધાં કરતાં પુરુષ અને સ્ત્રીમાં મૂકાયેલા પરસ્પરના પ્રચંડ આકર્ષણને કારણે અસામાન્ય સંજોગોમાં ઉદ્દભવતી પેલી ‘નબળી ક્ષણ’ લાખો ગણી વધુ તાકાત ધરાવે છે. મદહોશીની એ ક્ષણના તાંડવ નૃત્ય સામે વિશ્વાસ, પરિપકવતા, લિમિટ કે સજાગતાના પાયાઓ કડડભૂસ કરતાં બેસી જાય છે અને બાકી બચે છે ભસ્મીભૂત થયેલી રાખ, લુંટાઈ ગયેલું ખંડેર કે જે કેવળ રૂદન કરી શકે છે…. કેવળ રૂદન… દિવસો સુધી… વર્ષો સુધી…. કદાચ…. કદાચ…. જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. અને એટલે જ એ ‘ક્ષણ’ને આસપાસ ફરકવા ના દેવી જોઈએ… એક નબળો શ્વાસ… બાકીના તમામ શ્વાસોને અર્થહીન, સ્વાદહીન કે રસહીન બનાવી નાંખે એમ છે… સમાજ માટે નહીં પરંતુ સ્વ માટે પણ અટકવું જોઈએ. દુનિયા પ્રશ્નો પૂછે છે એટલા માટે નહિ પણ ‘સ્વ’ના સન્માનનીય જીવન માટે, સ્વજનોના ગૌરવમય જીવન માટે આ નાદાનિયત-આ બાલીશતા અટકાવવી જોઈએ…

અંજલિને માના પ્રશ્નનો જવાબ જડી ગયો હતો. તે મનોમન બોલી રહી હતી કે મમ્મી…. અમને તારા પર વિશ્વાસ છે જ, તું તારી લિમિટ જાણે જ છે અને અમને જરાય શંકા નથી, તારી અને મોહનઅંકલની પવિત્ર મૈત્રી પણ અમને કબૂલ… પરંતુ પેલી ખતરનાક નબળી ક્ષણનો જીવલેણ હુમલો ટાળવા માટે આ ક્ષણે અટકી જવું જરૂરી છે. મૈત્રી તો સ્ત્રી-સ્ત્રી વચ્ચે શોભે, પુરુષ અને પુરુષ વચ્ચે જ શોભે… હા, ખપ પૂરતી જાહેર રીતે સ્ત્રી અને પુરુષ વચ્ચે સંવાદિતા સર્જાય એમાં કશું ખોટું નથી. પરંતુ સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રગાઢ થઈ રહેલી, જાહેરમાંથી ખાનગી તરફ ઢળી રહેલી મિત્રતા….. એ તમામ દ્રષ્ટિએ – આધ્યાત્મિક દષ્ટિએ, માનસશાસ્ત્રીય દષ્ટિએ, ધાર્મિક દષ્ટિએ, વૈયક્તિક દષ્ટિએ અહિતકારી, દુઃખદ અને પ્રશ્નસર્જક છે છે અને છે જ. આધુનિક સમાજ આગળ વધે એનો અર્થ એમ નથી કે તે મૈત્રીના નામે મર્યાદાને ઉલ્લંઘી જાય. આ તો બિલકુલ નહીં ચલાવી લેવાય….

અંજલિના મનમાં હવે ચિત્ર સ્પષ્ટ હતું. એને તમામ પ્રશ્નોના જવાબો મળી ગયા હતા. મોડી રાત સુધી પડખાં ઘસતાં ઘસતાં સવારે વહેલા ઊઠીને મમ્મીને બધું બરાબર સમજાવી દેવાનો વિશ્વાસ અંજલિમાં જાગી ગયો હતો. એક એવું સત્ય તે સમજી ચૂકી હતી જે સનાતન હતું. આ સત્ય બાબતે પોતે મમ્મી સાથે બરાબર ચર્ચા કરશે અને એને ગળે વાત ઉતારશે, એ બાબતે અંજલિને કોઈ શંકા નહોતી…..

આ બધું સમજીને હજુ એ સૂવાની તૈયારી જ કરી રહી હતી ત્યાં કારમાંથી મોહનઅંકલ અને મમ્મીને ઊતરતાં જોયાં અને તેની વિચારતંદ્રા તૂટી. મમ્મી જે રીતે મોહન અંકલ સાથે આવી એ જોઈને તેને લાગ્યું કે તે થોડી બેહોશ અવસ્થામાં હતી. મોહન અંકલના મોં પરથી નૂર ઊડી ચૂક્યું હતું. તેઓ ટેકો દઈને મમ્મીને દરવાજા સુધી લાવ્યા હતાં. દરવાજો ખોલીને જેવી અંજલિએ મમ્મીને સંભાળી કે તરત જ મોહનઅંકલ ઉતાવળે પાછા વળી ગયાં હતાં. અંજલિ આઘાતજનક અવસ્થામાં મુકાઈ ગઈ. મમ્મીને એની રૂમમાં પલંગ પર સુવડાવી ત્યારે એ ઊંઘમાં… ‘આઈ એમ સોરી… દીકરા… મને માફ કરજે….’ એવું કંઈક બોલી રહી હતી. શું અર્થ હતો આ બધાનો ? શું અંજલિ મોડી પડી ? મમ્મી પેલી ‘નબળી ક્ષણ’ સાથે પરાસ્ત થઈ ગઈ ? ઓહ ગોડ !!… નિસાસો નાખીને થોડી વાર અંજલિ સૂનમૂન એની મમ્મી પાસે બેસી રહી. આખરે પોતાની રૂમમાં આવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી…. અરે મારી મા ! આવતીકાલ બહુ ભારે ઊગવાની હતી… તું શા માટે ના માની ? હવે શું થશે ? આપણે આ વાત છુપાવીશું તો પણ તું ખુદને કેવી રીતે સમજાવીશ ? ક્યા આધારે તું ટકી શકીશ ? ક્યા આધારે જીવીશ ? જીવનનો આધાર તું ગુમાવી બેઠી મા…. ઓ મમ્મી…. તારી આ નાની અમથી મોજમસ્તી એ કેટલા જીવનોના ગળા ટૂંપ્યા… એની તને કલ્પના છે ખરી ?…….. આખી રાત અંજલિ જાત સાથે વાત કરતી રહી….. કાલે ઉઠીને મમ્મી જ્યારે આ વાત કરશે અને માફી માંગશે ત્યારે ? કે પછી તે આ વાત જ નહીં ઉખેડે ? શું થશે ?….. વિચાર કરતાં આખરે અંજલિને ખબર ન પડી કે ક્યારે ઊંઘ આવી ગઈ…..

બીજા દિવસે સવારે એ જાગી ત્યારે તો ચોંકી જ પડી !! આંખ સામેનું દ્રશ્ય ખરેખર નવાઈ પમાડે તેવું હતું… આખો રૂમ રંગબેરંગી ફુગ્ગાઓથી સજાવેલો હતો… નવા કપડાંમાં તૈયાર થઈને મમ્મી-પપ્પા ઊભા હતાં… બાજુમાં સુટ-બુટમાં મોહન અંકલ અને મીરા આન્ટી ઊભાં હતાં… એકદમ નવાઈમાં ડૂબેલી અંજલિએ દિવાલ પર લગાડેલું ‘હેપ્પી બર્થ ડે ટુ ડિયર અંજલિ’ વાંચ્યું અને હજુ ‘આજે ક્યાં મારો બર્થ-ડે છે ?….’ એમ બોલવા ગઈ એ પહેલાં તો ચારેય વડીલોએ તાળીઓ પાડતાં ‘હેપ્પી બર્થ-ડે ટુ યુ’ના નાદથી આખો ઓરડો ગજવી નાંખ્યો. અંજલિને કશું સમજાતું નહોતું.

એના પપ્પા એની પાસે બેઠા અને બોલ્યા : ‘દીકરી, આખી રાત જાગી ? ઘણું બધું વિચાર્યું ને ?’ અંજલિ તો મૂઢ બનીને પપ્પાના ખુશખુશાલ ચહેરાને તાકી રહી. પપ્પા બોલી રહ્યા હતા : ‘બસ, અમારા માટે બેટા આટલું કાફી હતું… હવે અમે તારા બાબતે નિશ્ચિંત છીએ….’
અંજલિ તો હજુ ચારેબાજુ જોઈ જ રહી હતી.
‘યસ, માય બેબીડોલ….. આ એક નાટક હતું…. જેમાં મુખ્ય પાત્ર તારી મમ્મીએ, કાળજા પર પથ્થર મૂકીને ભજવ્યું હતું…. મોહન અંકલની નકારાત્મક ભૂમિકા, મીરા આન્ટીની સાયકોલોજીકલ ગોઠવણો અને મારું ડાયરેકશન હતું…. અને આ નાટકનો સાર માત્રને માત્ર એટલો જ હતો કે જે તેં વિચાર્યો…. હવે અમે અમારી ભૂમિકા પૂરી કરી નાંખી છે…. નાટકનું પરિણામ એ જ કે જે તેં છેલ્લા પંદર દિવસ દરમિયાન અનુભવ્યું. જે ચિંતા તને તારી મા માટે થતી હતી, એ જ મા તરીકે દીકરી માટે સૌ કોઈને થતી હોય છે. અમે એ તને ભજવીને બતાવ્યું. તારા ઉપર અમને પૂરો ભરોસો છે, પૂરો વિશ્વાસ છે, તારી સ્વતંત્રતાની સૌથી પહેલી માંગણી અમે કરીએ છીએ પણ અમે ભૂલથીયે એવું નથી ઈચ્છતા કે જીવનમાં તું ક્યારેય પણ પસ્તાવો અનુભવે…. મારી ડાહી દીકરી….. આજે તારો નવો જન્મ થયો છે… તારું નવું જીવન શરૂ થયું છે….. તારું સાચું હેપ્પી ન્યુ યર શરૂ થયું છે…. જે સમયે જીવનમાં સમજ આવે એ જ ખરું ન્યુ યર કહેવાય ને !…. હેપ્પી બર્થ ડે ટુ યુ…. લીવ લોંગ લાઈફ… નાઈસ લાઈફ…. લાઈફ વીથ ડ્યુ રિસ્પેક્ટ….. ઑનર…. એન્ડ સ્વીટ રીગાર્ડસ…. ઓલ ઈઝ વેલ….’ અંજલિ ખુશખુશાલ થઈને પપ્પાને ભેટી પડી.

http://www.readgujarati.com/2011/01/11/allwell-story/#more-3436

This entry was posted in લઘુ કથા. Bookmark the permalink.

One Response to ઓલ ઈઝ વેલ – કમલેશ કે. જોષી

  1. ભાઇ કમલેશ,
    ખરેખર કંઇક અનોખો પ્લોટ છે વાર્તાનો સરસ પ્રયત્ન છે.લખવાનું ચાલુ રાખશો અને આવા જ નવા પ્લોટ વાળી વાર્તાઓ લખતા રહેશો
    અભિનંદન

Comments are closed.