નિવૃત્તિ પછી રહેવા માટે અમેરિકા કેવો દેશ છે?-મહેન્દ્ર વોરા

 
 
સવાલ: મારાં સાસુએ વિઝિટર વિઝા ઉપર તેમની બહેનને ત્યાં છ માસ રહી સાથે પાંચ માસ સુધી માસિક ૯૦૦ ડોલરની નોકરી કરી. તે રકમમાંથી તેમની સગી બહેને તેને જવા-આવવાનો ખર્ચ થયેલ તે કાપી લઇને ફક્ત સાંઠ હજારની આસપાસની રકમ આપેલી છે. તેમની બહેન સંબંધ રાખતા નથી તેથી મારે મારાં સાસુને ડાયરેકટ મોકલવા છે, જેથી તે ત્યાં નોકરી કરી તેમના ઘરની સ્થિતિ નબળી હોઇ કંઇ મદદ કરી શકે. આ માટે હું શું કરી શકું?-કાર્તિક પંડ્યા, અમદાવાદ

જવાબ: આ બાબતમાં તમે કશું કરી શકો નહીં. જે કંઇ કરવાનું છે તે તમારાં સાસુએ જ કરવાનું છે. અર્થાત્ આ રીતની ગેરકાયદે નોકરી કરવાથી તેમનો ૧૦ વર્ષનો વિઝિટર વિઝા કેન્સલ થવાની શક્યતા છે. વિઝિટર વિઝા ઉપર અમેરિકા નોકરી કરવાના આશયથી જાવ છો તેવી શંકા અધિકારીને એરપોર્ટ આવશે તો રિટર્ન ફ્લાઇટમાં ઈન્ડિયા પાછા મોકલી દેશે. જે કમાયા તેનાથી સંતોષ માની હવે બે-ત્રણ વર્ષ પછી તેમને મોકલવા જોઇએ તેવું હું માનું છું.

સવાલ: મારી F-4 કેટેગરીની ફાઇલ ૨૩-૯-૨૦૦૩ની છે. તે દ્વારા ક્યારે અમેરિકા જવાશે? મારી ઉંમર ૬૪ વર્ષ છે અને હું R ૧૦,૮૯૮નું પેન્શન મેળવતો નિવૃત્ત સરકારી કર્મચારી છું. આપનો અભિપ્રાય અમેરિકા માટે કેવો છે? ઈન્ડિયા સારું કે ત્યાં જવું સારું?- શરદ એન. શેલત, અમદાવાદ

જવાબ: હું ૩૦ વર્ષ અમેરિકા રહી અમેરિકા, કેનેડા, યુરોપ, એશિયાના દેશો વગેરે અનેક દેશોમાં ફર્યો છું તથા ત્યાં ઘણો સમય રહ્યો પણ છું. મારા અનુભવે અમેરિકા ઘણો સારો દેશ છે. યુવાનો માટે અમેરિકા સોનાનો દેશ છે. જ્યારે સિનિયર સિટિઝન્સને જાણે સોનાના પાંજરામાં રહેવું પડતું હોય તેમ લાગે તો નવાઇ નહીં. સિનિયર જો સિટિઝન થાય તો તેને માસિક પાંચસો ડોલર્સ અમુક સ્ટેટમાં મળે જે સ્ટેટ પ્રમાણે નક્કી થાય છે.

બીજું, તેવા સિટિઝનને મેડિકલેઇમ, મેડિકેર તથા ડ્રગ માટે પાર્ટ ‘ડી’ ડોક્ટર, હોસ્પિટલ કે દવાનો કોઇ પણ જાતનો ખર્ચ થતો નથી. જ્યારે ભારતમાં જો ગંભીર માંદગી આવી તો ડોક્ટર અને હોસ્પિટલ તથા દવાનાં બિલો જોઇ વ્યક્તિ વધુ ગંભીર માંદગીમાં સરી પડે! ટૂંકમાં તમારે નક્કી કરવું જોઇએ કે ક્યાં રહેવાથી ફાયદો છે. જો એકલતા પ્રિય હોય તો અમેરિકામાં વાંધો નથી.

હું પોતે હવે ઈન્ડિયામાં મારી પ્રોપર્ટી, બંગલો વગેરે હોઇ અમદાવાદમાં જ રહેવાનું હવે વધુ પસંદ કરું છું. મારા મંતવ્ય પ્રમાણે એકાદ વર્ષ ગ્રીનકાર્ડ મળે પછી અમેરિકા રહી જુઓ. તેનો કેવો અનુભવ થાય છે. ત્યાર બાદ જ નક્કી કરો કે ઈન્ડિયા રહેવું કે અમેરિકા. ઘણાં ઉંમરલાયક લોકો એવું કહે છે કે ‘West is waste and East is the Best.’

સવાલ: અમને પતિ-પત્નીનો વિઝિટર વિઝા ૨૦૧૫ સુધીનો છે. જે દ્વારા હું એક જ વખત ૨૦૦૫માં અને મારી પત્ની બે વખત જ અમેરિકા ગયા છીએ. અમારી ઉંમર ૬૦ વર્ષ છે. અમારી પુત્રી સિટિઝન તરીકે અમારી પિટિશન કરે તો કેટલો સમય લાગે અને ક્યા દસ્તાવેજો રજુ કરવા જોઇએ?-મહેશ પરીખ, અમદાવાદ

જવાબ: મારી દ્રષ્ટિએ જો તમારી માસિક આવક ૩૦થી ૪૦ હજાર ઉપરાંત હોય, રહેવાનું ઘર હોય, કાર હોય અને બીજી કોઇ જવાબદારી હોય નહીં તો આ ઉંમરે અમેરિકા ફરવા તથા થોડા મહિના દીકરાના ફેમિલી સાથે રહેવા જવું જોઇએ, પરંતુ સેટલ થવામાં તમને કોઇ કામ ધંધો મળે નહીં તો તમે એવું ફીલ કરશો કે તમે ગોલ્ડન કેઇજમાં રહો છો. તમારી પાસે વિઝિટર વિઝા છે, જે ૨૦૧૫ પછી પણ એક્સ્ટેન્ડ થઇ શકે.

તો પછી ગ્રીનકાર્ડ લઇ દર વર્ષે બે જણાં અમેરિકા જશો તો લગભગ દોઢ લાખ જેવો ખર્ચ ટિકિટ તથા દીકરા અને સંબંધીઓ માટે ખરીદી કરવામાં વેડફાઇ જશે. દીકરા બહુ સમૃદ્ધ નહીં હોય તો તમારે બેબીસીટિંગ, ઘરકામ, લોન્ડ્રી, રસોઇ વગેરે આ ઉંમરે નહીં કરવાનાં કામ કરવા પડે પણ ખરા.

સવાલ: અમે ફેમિલીનાં ત્રણ મેમ્બર અમેરિકામાં રહીએ છીએ. મારો સન તેની ફિયાન્સીને અમેરિકામાં બોલાવવા માગે છે, તો તે માટેનો K-1 વિઝા શું છે અને તે માટે શું પ્રોસજિર છે અને કેટલો સમય લાગે વગેરે જણાવશો?-ઉમાબહેન દવે, યુ.એસ.એ.

જવાબ: K-1 કેટેગરી એટલે ફિયાન્સી/ફિયાન્સે વિઝા જે માટે ઘણું પેપરવર્ક કરવું પડે તથા તે મેળવવો સહેલું કાર્ય નથી. આ માટેની પ્રોસજિર, ડોક્યુમેન્ટેશન વગેરેની અનેક વિગતો સ્થળસંકોચના કારણે અત્રે આપી શકાય તેમ નથી. છતાં તમે મને ફોન કરી પૂરું ચેકલિસ્ટ તથા પ્રોસજિર સમજી લેશો અથવા અમેરિકાના તમારા શહેરના ઇમિગ્રેશન નિષ્ણાતનો સંપર્ક કરીને પિટિશન ફાઇલ કરી શકો તો ધાયું પરિણામ આવશે.

(લેખક ઇમિગ્રેશન નિષ્ણાત એડવોકેટ અને અમેરિકાના લાયસન્સ્ડ લીગલ કન્સલ્ટન્ટ છે.)

This entry was posted in email, અન્ય બ્લોગ ઉપરથી ગમે. Bookmark the permalink.