પાછી આવેલી-નીતા કોટેચા

 ભારતીએ કહ્યું, “તારી પાસે થોડો સમય છે મયૂરી, ચાલને થોડી વાર ક્યાંક બેસીએ.”બે વ્યક્તિઓ જ્યારે લગ્નગ્રંથિથી જોડાય છે ત્યારે તેઓ આજીવન નહીં, પણ સાત જન્મો સુધી સાથે રહેવાના વાયદા એકબીજાને આપે છે.

પણ જ્યારે એ સંબંધમાં તડ પડે છે પછી એ ક્યારેય જોડાતી નથી. કદાચ માતા-પિતાના સંસ્કાર માતા-પિતાની આબરૂ સાચવવા એક ઘરમાં એ બે વ્યક્તિ ભેગા રહી પણ લે, પણ મન ભળતાં નથી અને જો બંને અલગ થાય તો તો એમને પાછા એક થવામાં બહુ જ મુશ્કેલી થાય છે.

આવું જ કાંઈક મારાં માસીની દીકરી ભારતી સાથે થયું હતું.

ભારતી પર એક લેબલ ચોંટાડેલું હતું ‘પાછી આવેલી.’ મને પણ કોઈ પણ મળતું અને ભારતીની વાત નીકળતી તો એમ જ પૂછાતું તારી માસીની દીકરી તો ‘પાછી આવેલી’ છે ને. મને આ શબ્દથી બહુ દુઃખ થતું, પણ હું કાંઈ કરી પણ નહોતી શકતી. માસીએ કોઈ દિવસ એમની દીકરીઓને અમારી સાથે ભળવા જ નહોતી દીધી કે ભારતી પોતાના મનની વાત અમને કહે.

આજે અચાનક ભારતી મને રસ્તામાં મળી ગઈ. મને જોઈને એ ઊભી રહી. મને અચરજ થયું, કારણ દૂરથી મને જોઇએ તો પણ પોતાનો રસ્તો બદલી નાંખવાવાળી ભારતી આજે મારી સાથે વાત કરવા ઊભી રહી. મેં જોયું એના ચહેરા પરનું તેજ તો જાણે ઊડી જ ગયું હતું. મેં જવાબ આપ્યો, “ભારતી હું મજામાં છું તું કહે તું કેમ છે ?”

ભારતીએ કહ્યું, “તારી પાસે થોડો સમય છે મયૂરી, ચાલને થોડી વાર ક્યાંક બેસીએ.”

હું ઘરેથી કહીને પણ નહોતી નીકળી, પણ ભારતીના ચહેરા સામે જોઈને એને ના પાડવી યોગ્ય ન લાગ્યું અને હું અને એ નજીકના ગાર્ડનમાં જઈને બેઠા.

વાત શરૂ કોણ કરે એની અસમંજસમાં બંને હતાં. આખરે મેં વાત શરૂ કરી, “બોલ ભારતી શું કરે છે આજકાલ. કોઈ જોબ જોઈન્ટ કર્યો કે ? અને પહેલાં તું ટયૂશન કરતી હતી એનું શું થયું ? એ ચાલુ છે કે હજી ?”

જાણે ભારતી માટે બોલવાનું કારણ મળ્યું હોય એમ એણે કહ્યું, “મીનુ તું મારી મદદ કરીશ ?”

મેં કહ્યું, “બોલને શું મદદ કરું ?”

ભારતીએ કહ્યું, “મીનુ, જ્યારથી ઘરમાં ભાભી આવી છે મારું જીવવું નર્ક બની ગયું છે. એ મને એકલામાં એટલાં મેણાં-ટોણાં મારે છે અને પાછી બધા સામે મને ખૂબ સાચવે છે. જેને લીધે હું કોઈને ફરિયાદ પણ નથી કરી શકતી, કારણ કોઈ માનશે જ નહીં, પણ કાલે તો તેણે હદ કરી નાંખી. મમ્મી ઘરે નહોતાં. હું જમવા બેઠી. તો મને કહે છે, “હેં ભારતીબેન તમને એમ ન થાય કે, તમે આમ ઘર છોડીને આવતાં રહો. પછી અહીંયાં રહો. તો તમારે પણ કમાવું જોઈએ. તમને એમ ને એમ ખાવાનું કેમ ઊતરે છે અને પતિ વગર જીવાય કેવી રીતે મને તો એ જ ખબર નથી પડતી. તમે તો ભારે પથ્થર દિલ છો…”

અને મીનુ કાલથી હું કોળિયો જમી નથી શકી. આના કરતાં તો મને એમ થાય છે કે, મારો પતિ મને મારતો એ પણ સારું હતું. એ પ્રેમ પણ તો કરતો હતો. મને સારું પહેરાવતો… ખવડાવતો… એનો ગુસ્સો ખૂબ હતો અને એ મારતો ત્યારે પાછું વળીને જોતો નહીં, પણ મારી ભાભી જે મને ત્રાસ આપે છે એ મારા પતિના જુલમ કરતાં પણ ખરાબ છે. તું મારા પતિ સાથે વાત કરીને મારું ગોઠવી દઈશ. તારો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું.”

અને હું સ્તબ્ધ થઈ ગઈ. પોતાના પિયરમાં પાછી આવેલી દીકરી માટે સ્થાન ન હોય. આ તે કેવી દુનિયા. મેં ભારતીને આશ્વાસન આપ્યું અને વાયદો આપ્યો કે, હું જરૂર વાત કરીશ.

અમે બંને ઊભાં થયાં. ગાર્ડનની બહાર જ પાણીપૂરીવાળો ઊભો હતો. મને યાદ આવ્યું કે, ભારતી કાલથી જમી નહોતી. મેં ભારતીને કહ્યું, “ભારતી પાણીપૂરી ખાવાની બહુ ઇચ્છા થાય છે. ચાલને ખાઈએ.”

ભારતી ફિક્કું હસી અને કહ્યું, “મીનુ હું તને ઓળખું છું. કાલથી હું જમી નથી એટલે મને ખવડાવવા આમ કહે છે ને, પણ હા મીનુ, મને બહુ ભૂખ લાગી છે, ચાલ ખાઈએ.”

અમે બંનેએ ખૂબ નાસ્તો કર્યો. એ વાતને ચાર દિવસ વીતી ગયા. ઘરે હું જમવા બેસતી અને મને થતું મીનુ જમી હશે કે નહીં. કાંઈ ખબર નહોતી પડતી કે એના પતિ સાથે મુલાકાત કેવી રીતે કરું. એમના ઘરે તો જઈને ઊભી નથી રહી શકતી.

આજે હું શાક લેવા નીકળી ત્યાં મારી મુલાકાત ભારતીના પતિ સમીર સાથે થઈ. મેં એમને ઊભા રાખ્યા અને પૂછયું, “કેમ છો ભાઈ ?” એમણે પણ સરખી રીતે જવાબ આપ્યો એટલે મેં હિંમત કરીને કહ્યું.

“આટલાં વર્ષોથી તમે અને ભારતી અલગ થયાં છો. નથી તમે પરણ્યા, નથી ભારતી પરણી. તો પાછા હવે જિંદગી ભેગા થઈને શરૂ કરો.”

મને અચરજથી જોઈને એણે કહ્યું, “આટલા ૧૨ વર્ષે આ વાત કેમ પાછી કરવી પડી, ભારતી પિયરમાં દુઃખી છે કે શું ?”

મને પણ એનો જવાબ સાંભળીને અચરજ થયું કે આમને કેવી રીતે ખબર પડી. ત્યાં એ પાછા બોલ્યા, “બેન હવે સંસાર નથી માંડવો. ઇચ્છાઓ પૂરી કરવા માટે જોઈએ એટલી સ્ત્રીઓ મળી રહે છે. ઘર માંડીને માથાકૂટમાં નથી પડવું અને એક વાર અને આટલાં વર્ષો સુધી અલગ રહ્યા પછી હવે મારે ભારતી સાથે નથી રહેવું. મને માફ કરજો, પણ મને નહીં ફાવે અને આટલું બોલીને એ ચાલવા લાગ્યો.

આટલી નફ્ફટ વાત પુરુષ બોલી શકે છે એ વિચારીને જ હું ધ્રુજતી રહી. સ્ત્રીઓ એટલે એમની માટે ફક્ત સૂવાનું સાધન હતું. વાસના સંતોષવાની એક વસ્તુ. મને અફ્સોસ થતો હતો કે, મેં કેમ આ ભૂલ કરી કે એક પુરુષ સાથે વાત કરી.

પણ ત્યાં ભારતીનો વિચાર આવ્યો કે, હવે એને શું કહીશ ? જો આ બધું કહીશ તો તો એ જીવી જ નહીં શકે, પણ એને એટલું સત્ય તો મારે જણાવવું જ પડશે કે, સમીર ઘર માંડવા નહોતો માંગતો. બીજા બે દિવસ મેં કાઢી નાખ્યા. ભારતીને કહેવાની હિંમત નહોતી થતી. ત્યાં ભારતીનો ફોન આવી ગયો. ફોનમાં કહેવું મને યોગ્ય ન લાગ્યું. મેં એને ગાર્ડનમાં બોલાવી. ત્યાં મેં એને કહ્યું, “ભારતી, સમીરની આશા મૂકી દે. એને સંસાર નથી માંડવો હવે. તું નોકરી શોધી લે. હું તને મદદ કરીશ. આપણે બંને નોકરી શોધશું તારી માટે. તું તારું જીવન તારી રીતે જીવ.”

ઓચિંતાની ભારતી ઊભી થઈ અને ચાલવા લાગી. મેં કેટલી કોશિશ કરી એ મારી સાથે વાત કરે, પણ એ ન ઊભી રહી.

હું પણ દુઃખી મારે ઘરે ગઈ. બીજા દિવસે સવારે છ વાગે મમ્મીનો ફોન આવ્યો, “મીનુ, માસીના ઘરે પહોંચ. ભારતીએ આત્મહત્યા કરી લીધી છે.”

હું સ્તબ્ધ થઈ ગઈ. થોડું કામ પતાવીને માસીના ઘરે પહોંચી. ભારતીની ભાભી સૌથી વધારે રડતી હતી અને બોલતી હતી કે, મેં તો મારી સખી ગુમાવી અને ભારતીનો ભાઈ એની પત્નીને શાંત પાડતો હતો. મને એમ થતું હતું કે, ચીસો પાડીને સાચી વાત બધાને કહું કે આ સ્ત્રીને લીધે જ આજે ભારતીએ આત્મહત્યા કરી હતી. જો પાછી આવેલી દીકરીને પિયરિયાં સંભાળી લે તો આવી આત્મહત્યા ન થાય.

ત્યાં આવેલા બધાના મોંઢે એક જ વાત હતી : “બિચારી ‘પાછી આવેલી’ હતી.”

saujany Stree

http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=258210

This entry was posted in લઘુ કથા. Bookmark the permalink.

5 Responses to પાછી આવેલી-નીતા કોટેચા

 1. સરસ , બ હું જ સરસ
  સાઇ ઇસ સંસારમે ભાત ભાત કે લોગ
  એક દુજેકે લીએ ,ક્હો,કોઈ જીતા હૈ લોગ ?

 2. pravina says:

  It is a fact of life. Which had very tragic end.
  nice story

 3. Rajul Shah says:

  સસારની કડવી હકિકતનુ સચોટ આલેખન..
  પણ એક વાત ન સમજાઇ કે આજની કોઇ પણ ભારતીએ પતિ કે ભાભીના ત્રાસને કેમ સહન કરવો પડે? એ આપબળે ઉભા રહેવાનો પ્રયત્ન તો કરી જ શકે ને?

 4. neetakotecha says:

  thank uuu sooo much vijaybhai…aape aa site par mari varta ne sthan aapiyu te mate..

  Rajul ben haji aaj ni tarikh ma evi bahu badhi strio che ke jemne kai kam karvu ke gar ni bahar nikadvu aavdtu j nathi…aa varta ek satya varta che…

 5. દીકરી નીતા
  તારી વાત સાચી છે ભારતી જેવી અવઢવમાં રહેતી સ્ત્રીઓ છે તો સામે પ્રેમ્નો દેખાડો કરતી અભિનય સમ્રાજ્ઞીઓ પણ ઓછી નથી.
  અભિનંદન

Comments are closed.