કડવી મીઠાશ

કારેલાંનું એક પછી એક ફોડવું તેને લહેરથી મોંમાં મૂકતી જોઈ હું ચકિત થઈ ગયો. મેં તેને પૂછ્યું, ‘કારેલાં તને કેમ ભાવે છે ? એ તે કેમ ખવાય ?’મીઠું હસીને એ બોલી, ‘ગાંડા ભાઈ, કારેલાંની મીઠાશ એની કડવાશમાં જ છે.’મારે માટે આ વાત નવી હતી. ‘ભાવે ન ભાવે’ની ઘણી આંટીઘૂંટી મારા ભોજનમાં રહેતી. જરાક સહૃદયતાભી મેં કારેલાંનું એક ફોડવું મોંમાં મૂકી જોયું, અને આશ્ચર્ય સાથે તેની કડવી મીઠાશ હું માણતો થઈ ગયો !કારેલાંની આ કડવી મીઠાશે મને ઘણાં બંધ બારણાં ખોલી આપ્યાં. અણગમતામાં ગમતું જોવાનું, અસુંદરનું સૌંદર્ય નીરખવાનું, કાળમીંઢની મૃદુતા માણવાનું અને એવું બીજું ઘણું યે.શુકલ પક્ષની સાતમ–આઠમ પછી હું રાત્રે ફરવા જવાનું શરૂ કરી દેતો. કૃષ્ણ પક્ષની ત્રીજ–ચોથથી એ કાર્યક્રમ હું ફેરવી નાખતો.‘પેલો ચિત્રા ને આ એની સામે સ્વાતિ–– ચિત્રા સ્વાતિની જોડલી; ને પેલો મંગળ –સ્હેજ રતુમડો…’ મારા એક મુરબ્બી પાસેથી આવું બધું શીખ્યો. હવે અંધારી રાત્રીઓમાં ફરવા જવાનું બંધ નથી થતું. ‘આ શુક્ર. પેલા સપ્તર્ષિ –પહેલા બે તારાની બરાબર નીચે…’ આમ , હું કાળી ઘોર અંધારી રાત્રીનું સૌંદર્ય માણતો થઈ ગયો. પૂર્ણિમાની ચાંદની કરતાં અમાસની રાત્રે આકાશમાં ઊઘડેલાં પારિજાતનાં ફૂલ જેવા આ તારાઓનું સૌંદર્ય ઓછું છે એમ તો કેમ કહેવાય ? એની સરખામણી ન હોય. આ કાજળકાળી રાત્રીમાં યે એનું આગવું સૌંદર્ય ભર્યુંભર્યું પડ્યું છે.પૂર્વ દિશામાં સુંદર રંગો સાથે પ્રભાત ઊઘડ્યું. માતા–પિતા એ વેળા જુવાન હતાં. એમનો લાડકો પૂર્ણ સુખમાં ઉછરે એની કાળજી સૌ માબાપની જેમ તેઓ પણ લેતાં.માતા–પિતા વૃદ્ધ થયાં અને હું જુવાન થયો ત્યારે સંજોગોએ સખત તપવા માંડ્યું. એનો તાપ જિરવવો અસહ્ય થઈ પડ્યો. માત્ર એને સહન કરવામાં જ બધી શક્તિઓ ખરચાઈ જવા લાગી.જ્યારે હું નીચું માથું કરી સૂનમૂન બેઠો હતો ત્યારે એ વડિલ બોલ્યા, ચિંતા ન કર ભાઈ ! તાપ તો મધ્યાહ્ને જ લાગે.’મારું માથું ઊંચું થયું. આખનાં ખૂણા આનંદનાં આંસુથી ભીના થયા, અને મેં સંસારે ધોમધખતા તાપનું સૌદર્ય નીરખ્યું.

 –દિવ્યકાન્ત ઓઝા (કુમાર ૧૯૬૩ જાન્યુઆરી અંકમાંથી)

E mail -Ramesh B Shah

This entry was posted in received Email, surfing from web. Bookmark the permalink.

One Response to કડવી મીઠાશ

 1. pragnaju says:

  ખલીલ યાદ આવ્યો

  તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
  અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

  કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
  પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.

  તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
  ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

  વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
  સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.

  તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું?
  તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.

  તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
  પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

  ખલિલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
  ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.

Comments are closed.