નિવૃત્તિ નિવાસ (૧૩)-લેખીકા-વંદના એન્જીનિયર

 નવનીતરાય માસ્તર- લેખીકા-વંદના એન્જીનિયર

         નવનીતરાયે ગંભીર ચહેરે સામે સૂતેલા સરગમબેનના શાંત, સૌમ્ય મુખ સામે નજર કરી. બીડાયેલી એ પાંપણો તળે દબાયેલી એ બે કરૂણાસભર સ્નેહ નીતરતી આંખો જાણે તેમને ટગર ટગર જોઈ રહી હતી. તેમના કાનમાં શબ્દો પડઘાઈ રહ્યા-

         ” આંસૂ લૂંછી નાંખો, નવનીતરાય ! મારી પાછળ શોક શું? હું તમને કાયમ હસાવનારી, કદીતમને રડાવી શકું? ના, ના હું અહીં જ છું. તમારી આસપાસ, તમને સદાય હસાવતી, સાંત્વના આપતી, આશ્વાસન આપતી.”- ને નવનીતરાયના મુખ પર આટલા શોકમાં પણ આછું સ્મિત ફરકી રહ્યું.- ” યાદ છે, તમે પહેલી વાર અહિં પત્ની સાથે આવ્યા ત્યારે કેટલા નિરાશ, શોકમગ્ન અને દુઃખી હતા? દીકરા માટે તમારા મનમાં કેટલો આક્રોશ હતો. પણ, આજ તમને એક રહસ્યની વાત કહું છું. નીકુંજ સાથે તેની બેંકમાં કામ કરતા એક મિત્ર એ આ રમત કરી હતી. રોજ ઈન્ટરનેટ પર કલાકો ગાળતા એ મિત્રએ આધુનિક યુગની ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનું તેને ઘેલું લગાડ્યું હતું. રાતોરાત શ્રીમંત થવાના વિચારનું બીજ તેના મનમાં વાવ્યું હતું. મકાન ગિરવે મૂકીને લોન લેવાનો પ્લાન પણ તેણે જ તેને સમજાવ્યો હતો. તે એટલે જ તમારી પરિસ્થિતિ સમજવા છતાં ય નીકુંજ તેની ચાલમાં ફસાઈ ગયો. મિત્રની ચઢવણીથી ઉતાવળે પૈસા કમાવાના મોહમાં તેણે સર્વસ્વ ગુમાવ્યું ને આજ એ સાસરે ઓશિયાળું જીવન જીવી રહ્યો છે. તમને દુઃખ નથી થતું શું?”

         અચાનક, નવનીતરાયના હ્રદયને ઠેસ વાગી. ઘડીભર તેઓ વિચારોમાં ખોવાઈ ગયા. હ્રદયના કોક ખૂણે ખળ ખળ વહેતા વાત્સલ્યના ઝરણમાં પુત્ર માટેનો બધો જ રોષ ઓગળીને વહી ગયો. ને આજ વર્ષો પછી નજર સામે આવી ગયું…એ ઘર, લોહીનું એક એક ટીપું નીચોવીને બનાવેલું, એ ઘર. ‘હાશ’ કરીને વસાવેલું, સજાવેલું એ પોતાનું ઘર.પોતનું ઘર કરવાની કેવી મહેચ્છા હતી એ ઊભય પતિ પત્નીને! ને, એ ઘરની નીલામી તેમના જીવનની નીલામી બની ગઈ, તેમના સંસારની નીલામી. વર્ષો સુધી જતનથી જાળવેલું એ મકાન, એનો ખૂણે ખૂણો, એક એક ઈંટ, તેમના હ્રદયની દિવાલો સાથે જાણે જડાઈ ગયા હતા. હ્રદયના ધબકારા પણ જો બંધ થાય તો તે પછી પણ એ ઈંટો છૂટી પડી શકે તેમ નહોતી. ને છતાં ય પ્રેમ.. પુત્ર પ્રેમ આગળ બધું જ પાંગળું, સાવ તુચ્છ, નિર્માલ્ય બની ગયું હતું. નવનીતરાયની આંખો સામેથી જીવનની કિતાબના એક પછી એક પાનાં સરતા રહ્યાં. કેટલી કરકસર ને કેટલી મહેનત મજૂરી કરી બન્ને જણાએ પાઈ પાઈ બચાવી હતી. થાળીમાં પીરસાતું સાદું ભોજન, પત્નીના સાંધેલા જીર્ણ કપડાં, ઘસાઈ ગયેલી ચંપલો, ને ધીમે ધીમે આગળ વધતી બચતની એ રકમ. ને, છતાં ય આટલી ભીડમાં પણ સવિતાગૌરી દીકરા નીકુંજની નાની નાની ઇચ્છાઓ પૂર્ણ કરવાનું ચૂકતા નહીં. દિવાળી પર ફટાકડાની રમઝટ કે ઊત્તરાયણમાં પતંગ-ફિરકીના ઢગલા કે કદીક હોટલમાં નાસ્તા-પાણી ખવડાવી તેઓ લાડકા દીકરાનું મન રીઝવી લેતા. આજે પણ નવનીતરાય એ ફટાકડા…એ દીવાળીને સ્મરી રહ્યા. -જ્યારે બહાર નીકુંજ ફટાકડાની લૂમોની ધડબડાટી બોલાવી રહ્યો હતો ને ઘરમામ તેમની રાડારાડ ચાલતી હતી.” આટલા બધા ફટાકડા! અહી પૈસાના ઝાડ ઊગે છે શું? બોલાવો એને ઘરમાં, ફટાકડાના ધૂમાડામાં મારી મહેનતની કમાણી ઊડી જાય છે. તમે જ એને બહુ ફટવી માર્યો છે, તમે જ.” – ને, તેમના હાથ જોડી કરગરી રહેલા સવિતાબેન-” હવે ભઇસાબ, પગે પડું તમારે, ચૂપ રહો. છોકરાની દિવાળી ના બગાડો. એની રમવા કૂદવાની ઉંમર છે. છો આનંદ કરે.હું થોડી વધારે કરકસર કરી લઈશ. થોડી વધારે મહેનત આપણે કરી લઈશું. સપરમે દહાડે દીકરાનો મુડ ના બગાડો, તમે!” પત્નીના દયામણા મુખ સામે જોઈ તેમનો બધો જ ગુસ્સો ઓગળી જતો. ફરી પાછો કરકસર ને પુરુષાર્થનો એક નવો દોર ચાલુ થઇ જતો. સવિતાગૌરીનો સીવવાનો સંચો ધડધડાટ ચાલતો ને નવનીતરાયના શાળા છૂટ્યા પછીના ટ્યુશનોની દોડાદોડી વધતી જતી. ને, છેવટે એ દિવસ પણ ઊગ્યો જ્યારે તેમની પરસેવાની કમાણીથી જમીનનો એક ટૂકડો ખરીદવા જેટલા પૈસાનો ઢગલો થઈ ગયો હતો.

         આજે પણ, એ રવિવારની સવારને નવનીતરાય સ્મરી રહ્યા હતાં. ઘરમાં આનંદ આનંદની લહેર હતી. પૂજા-પાઠથી પરવારી, ત્રણે ય જણાં શહેરથી જરા દૂર લીધેલો એ જમીનના ટૂકડો કે જે એક નવી સોસાયટીનો એક ભાગ બની ગયો હતો, ત્યાં પહોંચી ગયા. દૂર સુધી લહેરાતા ખેતરોની જગ્યામાં ઈંટોના ઢગલા ને સિમેંટની થેલીઓની થપ્પીઓ ને ટ્રકોની અવરજવર વારે ઘડીએ નજરે પડતી હતી. નજીકમાં જ સ્કૂલ બંધાતી હતી. હાર બંધ દુકાનોનું બજાર ઉભુંથતું હતું. શહેરની ગીચ વસ્તીથી દૂર આ સ્વચ્છ વતાવરણ પતિ-પત્નીને પસંદ પડી ગયું. ને પછી, જીવની જેમ સાચવીને એકઠી કરેલી એ રકમનો પહેલો ચેક ફાડીને તેમણે જ્યારે બિલ્ડરને આપ્યો ત્યારે તેમના હાથ ધ્રુજતા હતા. ક્યાંક મારું જીવનભરનું સ્વપ્ન રગદોળાઈ તો નહિ જાય ને? પણ ના, એવું કશું જ ના થયું. તેમના સ્વપ્નોનું ઘર, મહેનતની કમાણીનું એ મકાન…ઊભું થઈ ગયું. રસોડું, બેઠક ખંડ, તેમનો સૂવાનો રૂમ ને સવિતાગૌરીના ખાસ આગ્રહથી બનાવવામાં આવેલો નીકુંજનો અભ્યાસ ખંડ.બહુ મહેનત અને કરકસરથી ઊભા કરેલા એ ઘરમાં આવી નવનીતરાયને જાણે હૈયે હાશ થઈ ગઈ. અને, એટલે જ પતિ-પત્નીએ નવા મકાનની બહારતકતી મૂકી- ” હાશ “. નાનકડો, સાદો પણ પાછલી જીંદગીમાં હાશ કરીને રહેવા માટેનું એ અંતિમ સ્થાન હતું, પતિ-પત્ની માટે. ફરી એક વાર પોતાના નવા ઘરમાં પંખીનો માળો ગોઠવાઈ ગયો. જીવનનો નવો અધ્યાય શરૂ થયો.

          નીકુંજ થોડો રમતિયાળ ને મોજીલો હતો, પણ અભ્યાસમાં તેજ હતો. કોમર્સમાં અનુસ્નાતક થઈ તેણે બેંકનીઑ નોકરી સ્વીકારી લીધી. અને પછી, જ્ઞાતિમાંથી અનેક કન્યાઓના માંગા આ ખાનદાન સંસ્કારી કુટુંબના એક ના એક દીકરા માટે આવવા લાગ્યા. છેવટે એ બધા માંથી શ્રીમંત કુટુંબની દેખાવડી, ચબરાક નિરાલી પર નીકુંજે પસંદગીની મહોર મારી . નવનીતરાય ને સવિતાબેને હરખભેર વહુને અપનાવી લીધી. બીજે જ વર્ષે નવનીતરાય શાળામાંથી રીટાયર થયા ને સાથે સાથે પ્રોવીડન્ડ ફંડની થોડી મોટી કહેવાય એવી રકમ હાથમાં આવી પડી. એ રકમ ક્યં રોકવી તે જ વિચાર કરતા હતા ત્યાં જ નીકુંજે ફરીયાદ કરી- ” બાપુજી અમારો આ બેડરૂમ તો સાવ જ નાનો છે, માંડ બે પલંગ માંય તેવડો છે.”- વાત સાંભળી અંદરથી શાક સમારતા સવિતાગૌરી બહાર ડોકાયા.-

          ” આ એકના એક દીકરાને જરા વ્યવસ્થિત રૂમ તો કરી આપો. આપણું આ બધું છે તે કોના માટે છે?” નવનીતરાય મનમાં વાગોળી રહ્યા. ‘હં, ખરી વાત છે. આપણે હવે કેટલા વર્ષો? ‘ ને, તેમણે બીજે જ દિવસે કોન્ટ્રાક્ટરને બોલાવી ઉપર બાંધકામ શરૂ કરાવ્યું. કોન્ટ્રક્ટરની માંગણીઓ વધતી ચાલી. એસ્ટિમેટ વધતો ગયો. ધાર્યા કરતા ઘણો ખર્ચો થયો. પણ, દીકરા-વહુ માટે સુંદર મોટો બેડરૂમ, ડ્રેસિન્ગ રૂમને મોટ ટબ સાથેની મોટી બાથરૂમ તૈયાર થઈ ગયા. દીકરો અને વહુ ખુશ ખુશ હતા, એટલે બન્ને વૃધ્ધ વડીલોના મુખ પર પણ ખુશાલી ચમકી રહી.

         શાળામાંથી રિટાયર થયેલા નવનીતરાય હવે રોજ સાંજે નજીકના બગિચામાં થોડા રિટાયર થયેલા વૃધ્ધજનોમી બેઠકમાં જતા. આ વડીલોની બાંકડા બેઠકને એક રૂપાળું નામ આપવામાં આવ્યું હતું. -‘સાંધ્ય-સભા’. સાંજ પડે નવનીતરાયનું મન તેમના મિત્રોને મળવા આતુર રહેતું. અવારનવાર આ મિત્રો, સાથે મળી કોઈ નવી ખૂલેલી હોટલમાં ભોજન કરવા જતા કે સોમવારે મહાદેવના દર્શન કરવા આ મિત્ર મંડળી શેઠ પુરુષોત્તમદાસની ગાડીમાં નીકળી પડતી. કોઈ નજીકના યાત્રા સ્થળે સાથે જવું કે કેમ્પના હનુમાનના દર્શન કરવા જવું. નવનવા પ્રોગ્રામની અવનવી વાતો સાંધ્ય-સભામાં થતી. ને, સૌ થી વધુ તો સહુ ને હૈયું ખોલવાનું એક સ્થાન મળી ગયું હતું.  કોઈ બિમાર પત્નીની ચાકરી કરીને કંટાળ્યું હતું, તો કોઈ પુત્રવધુની પજવણીથી કંટાળ્યું હતુ, તો કોઈ સાવ એકલા એકાકી જીવનથી અકળાઈ ગયેલું હતું. પણ, આ બધા ય નો સથવારો હતો સાંધ્ય-સભા.

         નવનીતરાય જીવનભરનો થાક ઉતારતા ઉતારતા હાશકારો અનુભવી રહ્યા. ત્યાં જ એક રાત્રે હજુ તો જમી ને સોપારી કાતરતા તેઓ હિંચકા પર બેઠા હતા ને સામે જ નીકુંજને આંટાફેરા મારતો જોયો. બાપનું મન કળી ગયું, એને જરૂર કોઈ વાત કરવી લાગે છે. રોજ જમી ને દાદરો ચઢી જતા આ ભાઈ આમ અત્યારે નીચે આંટા ના મારે. તેની મુંઝવણનો તાગ પામવા તેમણે જાતે જ સામેથી જ પૂછ્યું,-

    “આવ નીકુંજ અહીં હિંચકે બેસ. શું વાત છે?”

         નીકુંજ આવીને સામે ખુરશીમાં ઉભડક બેઠો-” બાપુજી મારે ધંધો શરૂકરવો છે.”

            “આવી સરસ બેંકની નોકરી મૂકીને આ ધંધાની ઉપાધિ વધારવાની શી જરૂર છે? ને, આપણી પાસે અનુભાવ પણ શું?” નવનીતરાયે વિરોધ્નો સૂર પૂર્યો.

          “એમ નહિ બાપુજી, અત્યારે તો ઇન્ફોર્મેશનનો યુગ કહેવાય. મેં ઇન્ટર્નેટ પરથી બધી માહિતી મેળવી લીધેલી છે. બધી તૈયારીઓ થઈ ગઈ છે. બેંક મને ‘ફાઈનાન્સ’ પણ કરવાની છે…”

         ” તો આગળ વધ, મને શું કામ પૂછે છે?'” -નવનીતરાય જાણતા હતા કે ભાથામાંથી તીર તો છૂટી ચૂકેલું છે. આ બધી તો ઔપચારિકતા જ છે.

         “પણ…પણ…”-નીકુંજની જીભ થોથવાઈ..”મારે બેંકની લોનની સામે આ ઘરને ગિરવે મૂકવું પડે, તો જ લોન મળે…”

         ” શું કહ્યું? ” નવનીતરાયનો સાદ ફાટી ગયો. ” અમારી જીવનભરની કમાણી, અમારા લોહી પરસેવાથી ઉભું કરેલું આ ઘર તારા ધંધા માટે ગિરવે મૂકું? ” ગુસ્સાથી નવનીતરાયની મગજની નસો ફાટ ફાટ થઈ રહી. ત્યં જ સવિતાગૌરી હાથમાં પાણી લઈ બહાર ઉતાવળે ધસી આવ્યા.

         ” હવે શાંત થાઓ, જરા વિચાર તો કરો. આપણા એક ના એક દિકરાને કમાવાની આટલી હોંશ છે, તો આટલી દોડાદોડી કરે છે ને? વળી, તમે તેના પર ઠંડુ પાણી રેડો છો. આ બધું છે તો તે કોના માટે છે?” -અને ડળક ડળક… સવિતાબેનની આંખોમાંથી મેઘ વરસવા માંડ્યો. નવનીતરાય ઢીલા પડી ગયા. સ્ત્રીના આ અમોઘ શસ્ત્ર એ પતિને માત કરી દીધો. ” જોઉં છું. વિચારી જોઈશ.”  અને વાતને ત્યાં જ પડતી મૂકી.

        બીજી સાંજે તેઓ સાંધ્ય-સભા તરફ નીકળ્યા ત્યારે ઓટલે અનાજ વિણતા સવિતાગૌરી તેમની સામે આર્દ્ર ચહેરે જોઈ રહ્યા હતા.

       બાંકડે બેસીને તેમણે હૈયું ઠાલવ્યું.-“મારો નીકુંજ ઘર ગિરવે મૂકિ લોન લેવા માંગે છે.”

        ” જો જો નવનીતરાય એનું કહ્યું માનતા, આજના છોકરા ઉછાંછળા ને ઉતાવળિયા. આમ કાંઈ એક્નું એક ઘર ગિરવે ના મૂકાય!” ધંધાના અનુભવી ખુશાલદાસ બોલ્યા. ” માથા પરથી છાપરૂ જાય તો રસ્તા પર જ આવી જઈએ ને! ”  

           “પણ, એની મા પાછળ પડી છે, તેનું શું? બેઠી બેઠી આંસૂ સારે છે એનું શું કરૂ?” -નવનીતરાય ગળગળા થઈ ગયા.  

            ” એમ વેવલા થયે જીંદગી ના જીવાય,નવનીતરાય. ને વળી એનું સાસરૂ શ્રીમંત છે, તે ત્યાંથી પૈસા લઈ આવે. તમે વચમાં શું કરવા પડો છો? ” મન્સુખ્લાલે સૂચન કર્યું.

       ” ના, ના, એકના એક દિકરાને રઝળતો ના મૂકાય.” નવનીતરાય સાવ ઠીલા થઈ ગયા.

       ” તો પછી ઘર જાય તો મારી સાથે ‘નિવૃત્તિ નિવાસ’માં રહેવા આવી જજો. અમારે તો સરગમબેનની સંભાળમાં બસ લીલા લહેર છે. આવી જજો ત્યાં.” બધામાં સૌથી સુખી જણાતા પુરુષોત્તમભાઇ બોલ્યા.

         તે દિવસે ઘેર જઈને નવનીતરાયે દીકરાને સંમતિ આપી દીધી. ને, ફરી એક વાર કાગળ પર સહી કરતા તેમના હાથ ધ્રુજી રહ્યા.

         કંપની ચાલુ થઈ ગઈ. ઓર્ડર,ચલણ, બિલ, પેમેન્ટ,ફેક્ષ, સેલફોન…સતત ફોનની ઘંટડી રણકતી રહી. રોજ નિરાંતે ભાણે બેસી ગરમ રોટલી ખાઈ શાંતિથી બેંક જતો નીકુંજ બપોરે ૩ વાગ્યે ને રાત્રે ૧૦ વાગ્યે માંડ જમવાભેગો થતો. નવનીતરાય ડઘાયેલી આંખે તમાશો જોયા કરતા. સવિતાગૌરી હરખ્ભેર પોરસાતા, દીકરાના ગુણગાન ગતા રહેતા.

        ” દીકરો લાખોનો વેપલો કરતો હોય ને મા હરખાય નહિં એવું તો કાઇ બનતું હશે.” મલકાતા મલકાતા તેઓ નવનીતરાયને કહેતા.

         થોડો વખત ધમાલ ને દોડાદોડી ચાલુ રહી ને અચાનક નવનીતરાયને લાગ્યું કે ઘર જાણે શાંત થવા લાગ્યું છે. રણકતી ઘંટડી, ફેક્ષ, કોમ્પ્યુટર-બધું જ મંદ પડવા માંડ્યું છે. નવનીતરાયની રાતની ઉંઘ હરામ થઈ ગઈ. અનિસ્શ્ચિંતતાની ભયંકર ભૂતાવળે તેમને ઘેરી લીધા. પણ, છતાં ય હિંમત રાખીને તેઓ નિત્ય નિયમ જીવન જીવતા રહ્યા. મનમાં થોડું આશ્વાસન હતું. -” ઈશ્વર લાજ રાખશે. દીકરો ગંભીરતા જાણે છે. બાપની પરિસ્થિતિ દીકરો નથી જાણતો શું? જરૂર એ બધું સંભાળી લેશે.”

         ફરી એક રાત્રે નીકુંજ આવી તેમની સામે બેઠો. નવનીતરાય સામે તે આંખ મેળવી શકતો ન્હોતો. નવનીતરાય મનોમન સમજી ગયા. જે વાતનો તેમને ડર હતો તે ઘડી હવે આવી પહોંચી હતી.

          ” બોલ શું છે નીકુંજ? ” તેમનો અવાજ તરડાઈ ગયો.

         ” બાપુજી અત્યારે ધંધામાં મંદી આવી છે. એક પાર્ટી ડૂબી ગઈ છે. એટલે બેંક આ મકાન લઈ લેવા માંગે છે. અમે તો બંને નિરાલીને પિયર જઈને રહેશું, પણ તમારે રહેવાની ક્યાંક વ્યવસ્થા…”-નિકુંજની જીભ થોથવાઈ રહી.

        ” સમજી ગયો, સમજી ગયો.” નવનીતરાયે ત્રાડ પાડી. ” મારે પણ ઘર છે ‘નિવૃત્તિ નિવાસ’. હવે એ જ મારૂં અંતિમ ઘર …” બોલતા બોલતા નવનીતરાય હાંફી ગયા.

         ધીમે ધીમે સામાન પેક કરી દીકરો બાપના હાથમાં નાની રકમ મૂકી તેને સાસરે ઊપડી ગયો. નવનીતરાય ને સવિતાગૌરી થોડા કપડા, દવા, પરચૂરણ સામાન લઈ રીક્ષામાં ગોઠવાયા. એક છેલ્લી નજર ‘હાશ’ની તકતી પર કરી ત્યાં તો રીક્ષા ઘરઘરાટી કરતી ઊપડી, ‘નિવૃત્તિ નિવાસ’ તરફ. આ ઘરમાં તો ‘હાશ’ મળી નહિ, પણ ઘરડા-ઘરમાં તો મનને શાંતિ મળશે જરા, એમ એમનો અંતરત્મા કહી રહ્યો હતો.

         રીક્ષા આવીને ઝાંપાપાસે ઊભી રહી. નવનીતરાયના પગ ધ્રુજી રહયા. બંને જણાએ મ્લાન વદને હાથમાં થેલી પકડી ઓફિસ તરફ ડગ માંડ્યા. આંગણામાં હિંચકા ઉપર કેટલાક વૃધ્ધજનો બેઠા હતા. શાંતિથી વાતો ચાલતી હતી. લીલીછમ હરિયાળી, રંગીન ફૂલો ને આંગણે તુલસી ક્યારો. વાતાવરણ જોઈ પતિ-પત્નીનું મન પ્રફુલ્લિત થઈ ગયું. ફરી જીવનમાં શાંતિ અને હાશકારો આવશેતેવી પ્રતિતિ થઈ. ઓફિસમાં પ્રવેશ્યા ત્યાં જ સામે વાત્સલ્યની મૂર્તિ સમાન એક વૃધ્ધ સન્નારી બેઠા હતા.

         ” અમારે અહિં રહેવાની વ્યવસ્થા…” નવનીતરાય્નો સાદ રૂંધાઈ ગયો. સવિતાબેને ડૂસકું મૂક્યું. ઊભા થઈને એ વૃધ્ધ સન્નારીએ સવિતાબેનને હાથ પકડીને ખુરશી તરફદોરીગયા અને બેસાડ્યા.પાણીના ગ્લાસ બંનેના હાથમાં મૂકી સવિતાબેનને વાંસે હાથ ફેરવી રહ્યાં.  

              “બહાર જુઓ, બધા કેવા આનંદથી ફરે છે! તમે એકલા નથી. અમે તમારી સાથે જ છીએ. અહિં તમારે માટે બધી જ વ્યવસ્થા થઈ જશે. તમે તમારૂદુઃખ અમને આપી હળવાફૂલ થઈને અહિં રહો.” સરગમબેનના વ્હાલસોયા વર્તને તેમનો અડધો ક્ષોભ, નિરાશા, દુઃખ દૂર કરી દીધા. પતિ-પત્નીના હૈયે હાશ થઈગઈ. તેમના જેવા જ સમદુખિયા આસપાસ ઘણા ય હતા ને છતાં ય ક્યાંય દુઃખ કે ગ્લાનિ નહોતા. કેટલાક વૃધ્ધજનો હોલમાં બેસી ટીવી પર સમાચાર જોઈ રહ્યા હતા. કેટલાક વાંચનના શોખીનો કબાટમાં રાખેલા પુસ્તકો કે મેગેઝિનો કે અખબારોને કાઢીને ખુરશી પર કે સોફા પર બેસીને મઝાથી વાંચી રહ્યા હતા. ક્યાંય વિષાદના વાદળો જણાતા નહોતા. ભૂતકાળની વેદના જાણે વિસરાઈ ગઈ હતી. દૂર દૂર નજરસામે આશાનો નવો સૂરજ ચમકી રહ્યો હતો. નવું કુટુંબ, નવું વાતાવરણ ને નવું ઘર!

         સરગમબેને ‘નિવૃત્તિ નિવાસ’ના અનેક રહેવાસીઓની ઓળખાણ કરાવી. પેસ્તનજી દારુવાલાની કાલીકાલી પારસી મીઠી મધુર ભાષાએ તેમનું મન હરી લીધું. સરગમબેને થોડી ઔપચારિક વાતો કરીને છી એમનો ક્ષોભ દૂર કરવાના આશયથી આગળ ઉમેર્યું – ” અપૂર્વ દેસાઈ, અક્ષય પરાંજપે, વિનય પંડ્યા, અવંતિકા દોશી-બધાની ભૂતકાળની કોઈ ને કોઈની ભૂલે તેમને વૃધ્ધાવસ્થામાં કુટુંબથી દૂર હડસેલી દીધા હતા. ધનની અતિશય ઝંખનાને કારણે કોઈ નોકરી, ને સાથે સાથે કોઈ સમાજથી પણ ફેંકાઈ ગયું હતુ. વાંક કોનો હતો? નવનીતરાય મનોમન પૃથક્કરણ કરી રહ્યાં. સવિતાગૌરીના અતિશય આગ્રહ ‘ આ બધું કોના માટે છે? ‘ ના સતત પ્રશ્ન સામે તેમણે હથિયાર હેઠા મૂકી દીધા હતા, તો એ થી વિપરીત ડોક્ટરે દીકરાના શિક્ષણ,લગ્ન,દરેક પ્રસંગે કરકસરનો ઝંડો ફરકાવ્યો હતો. ઘરમાં કદી નવું ફર્નિચર, કે અન્ય સગવડો આવ્યા નહોતા કે કદી આટલી આવક આવી નહોતી, છતાં ય બાળકો સાથે પ્રવાસ કરવો, કોઈ હોબી- શોખનો વિકાસ કરવો, પિક્ચર, હોટલ જેવા કોઈ પણ મનોરંજનો થતા નહિ. પછી નવી પેઢી અકળાઈ જાય એમાં નવાઈ શું?”- સરગમબેન નવનીતરાયને સમજાવી રહ્યા- “કદીક જુની પેઢી નવી જનરેશનને સમજી સકતી નથી.વડીલોના સતત સલાહ, સૂચનો, ઉપદેશો કે  સમય સાથે તાલ મિલાવવાની અણઆવડતને કારણે યુવાન લોહી વડીલોથીદૂર ભાગે છે. તો કદીક યુવાનોની આછકલાઈ, તુંડમિજાજ, કે ઉછાંછળાપણને કારણે તેઓ વડીલોનું માન, સન્માન જાળવતા નથી. વૃધ્ધજનોની લાગણીઓ ઘવાય છે. અવંતિકાબેનના જીવનમાં પણ ‘ફાસ્ટ લાઈફ’ ને ‘ફાસ્ટ ફુડ’ને વરેલા બાળકો દાદીના સંસ્કારો ને સંસ્કૃતિનું જતન નહોતા સમજી શક્યા. ને છેવટે બંને પેઢીઓ એક બીજાથી દૂર ખસતી જાય છે. માનવીએ ભૂતકાળની ભૂલો ને વર્તમાનની પીડા ભૂલી ભવિષ્યના મધુરા સ્વપ્નોનું સતત મનન ચિંતન કરતા શીખવું જોઈએ.”

        અને સરગમબેને કથન ચાલુ રાખ્યું,-“ખરી વાત તો એ છે કે બંને પેઢીઓએ એક બીજાની લાગણીઓ સમજવી જોઈએ. બંને વચ્ચે વચ્ચેનો ‘કોમ્યુનીકેશન ગેપ’ દૂર થાય તો એક બીજાને સમજીને તેઓ એક બીજાની નજીક આવી શકે. ભૂતકાળની ભૂલો સુધારી માનવીએ નવજીવન તરફ પ્રયાણ કરવું જોઈએ.” સરગમબેનની સ્નેહભરી વાતોએ નવનીતરાય ને સવિતાગૌરીનું હૈયું સ્નેહથી ભરી દીધું.

         કેટલાંય વર્ષો પછી તે દિવસે પતિ-પત્ની ‘નિવૃત્તિ નિવાસ’માં નિરાંતની લંબી મીઠી ઉંઘ લઈ શક્યા. વહેલી પરોઢે આંખ ખૂલી ત્યારે બારી બહાર આકાશમાં સૂર્યદેવતાએ નવપ્રભાતની લાલ જાજમ બિછાવી દીધી હતી. કલરવ કરતા પંખીઓ, ફૂલોની ફોરમની વાયુલહરીઓ ને આઘે આઘે આંગણામાંથી ઉઠતો એ મધુર દિવ્ય ધ્વનિ-

                                   અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા,

                                   ઉંડા અંધારેથી પ્રભુ, પરમ તેજે તું લઈ જા.

         આંખો મીંચી નવનીતરાય કો’ક અલૌકિક ભૂમિની અનુભૂતિ કરી રહ્યા. જીવનના અંતિમ તબક્કે તેમણે હવે ‘હાશ’ કરવા ઝઝુમવાનું નહોતું રહ્યું. પરોઢના આછા ઉજાસમાં પતિ-પત્ની સ્નેહભરી નજરે એકબીજાને નીરખી રહ્યા.

           વર્ષો પછી આજ ફરી એકવાર નવનીતરાયને લાગ્યું કે સરગમબેને કોઈ અણદીઠી દુનિયામાંથી પણ પાછા આવીને તેમના મનમાં પુત્ર માટેનો રહ્યો સહ્યો પણ રોષ દૂર કરી દીધો હતો. દૂર કો’ક દિવ્યભૂમિતરફ પ્રયાણ કરી રહેલા એ મહાન આત્માને નવનીતરાય મનોમન વંદી રહ્યા.

ટાઇપ સહાય – મનોજ મહેતા

This entry was posted in નિવૃત્તિ નિવાસ. Bookmark the permalink.