નિવૃતિ નિવાસ (૧૪) ફતેહ અલી ચતુર

કેમ છો? તમને પુછું  છું. કેમ છો?  એક પરિચિત અવાજ કાનમા ગુંજી ઉઠ્યો. રણછોડદાસ ઉંઘમાંથી ઉઠી ગયા.
   આ તો સરગમબહેનનો અવાજ છે.  એ કેમ શક્ય છે . પણ ,પણ..
આ નિવૃત્તિ નિવાસના લોકો સાચુ કહે છે કે હું ચોવીસ કલાક સ્વપના  જોયા કરું છું. એમ વિચારીને એ પાછા પલંગ પર લાંબા થયા. મનમા પોતાની જાત ઉપર ગુસ્સે થઈ ગયા. કોણ જાણે ક્યારે પાછી આંખ મીંચાઈ ગઈ અને ફ રી પાછા એજ સ્વપ્નોની દુનિયામા ઊડવા માંડ્યા. પણ વારે વારે સરગમબહેન સાદ દે, એમનો અવાજ કાને અથડાયા કરે.કોઈ હળવેથી હાથનો સહારો દઈ એમને ધીરેથી પલંગ પરથી ઉભા ન કરી રહ્યું હોય?
     ત્યાંતો ઓસરીમા અજવાળું જણયું. કેટલાક  લોકોનો વાતો કરવાનો અવાજ સંભળાયો. રણછોડદાસને લાગ્યું કે કોઈ તેમને એ તરફ હળવા દબાણપૂર્વક ધકેલી રહ્યું છે. આખરે તે ઉઠીને ઓસરીમાં  પહોંચી જાય છે.
   ઓ હો, હો, અંહી તો મહેફિલ જામી છે. વલ્લભદાસ, વિનયભાઈ, ઘનશ્યામભાઈ, અવવંતિકાબે અને પુરૂષોત્તમભાઈ અરે સરગમબહેન પણ છે . બધા સાથે બેસીને મોજથી ગપ્પા મારી રહ્યા છે.
    “આવો,આવો રણછોછોડ ભાઈ”, અવંતિકા બહેન બોલ્યા. રણછોડદાસે કુતૂહલથી સરગમ બહેન તરફ જોયું. મૌન દ્વારા પ્રશ્ન પુછાયો અને ત્વરિત જવાબ મળ્યો. રણછોડદાસે આગળ કાંઇ ન પૂછવું એવો મનોભાવ સ્પષ્ટ વંચાયો. હળવેથી એમણે આરામ ખુરશીમા બેઠક લીધી. પરંતુ મન હજીયે અસ્વસ્થ હતું.  ” કેમ છે હવે? સરગમ બહેને પૂછ્યું ?” ઠીક છે જવાબ સરી પડ્યો.હજી તો રણછોડ સ્વસ્થ થાય ત્યાં તો મોટે અવાજે બોલતા પેસ્તનજી દારૂવાલા ઓસરીમા દાખલ થયા.
  પેસ્તનજીઃ અરે રણછોડ , ટૂ  કોઇ વખર ર ણ નહી છોડે કેમ? આખ્ખી જિંદગી આમ ઉપરથી નીચે અને નીચેથી ઉપર બેઠક કીધા કરી. પહેલા પોટે નાચ્યા અને પછી આખ્ખી ડુનિયા નચાવી.  હજી તારામા કેટલું જોર છે. બસ કર હવે આ હાથ પગને આરામ કરવા દે.
  રણછોડ હંમેશની જેમ પેસ્તનજીને હાથના ઈશારાથી એ જ જવાબ સ મજાવે છે કે ‘રહેવાદે ને યાર—‘
 સરગમબહેનથી ન રહેવાયું અને તરત જ બોલી ઉઠ્યા’શું કામ તમારી જાતને છેતરી રહ્યા છો?  કોઈક દિવસતો સ્વપનાની દુનિયામાંથી બહર આવો. વિચાર તો કરો કે વાસ્તવમા તમે કઈ દુનિયામા જીવી રહ્યા છો? કોણ તમારી તરફ મમતા રાખે છે? આ તમરા બે દીકરાઓ કે વહુઓ? હા, એમને તમારી એટલી ચિંતા છે કે તમે પાછા ઘરે ન આવી જાવ! તેથીતો તમારી દર મહિનાની રકમ પહેલી તારીખે અચૂક મોકલી આપે છે. એક દિવસનો પણ વિલંબ કરતા નથી!
સોહમઃ “તે મોકલી જ આપે ને કેમ ! જો પૈસા ન મોકલી આપે ને રણછોડ કદાચ ઘરે પાછો ન આવી જાય ?”
પેસ્તનજીઃ ‘હાં, તો રણછોડ તારો નાનો દીકરોતો તને ખૂબ વહાલો હતો ને?  ટૂ ટો કહેટો હતૉ ની મારા પોરિયા જેવા સોજ્જા કોઈના પોરિયા નટી? તો પછી શું ઠઈ ગયું.?’
રણછોડઃ ‘યાર પેસ્તનજી-! તને કાંઇ ખબર નથી. તું ચૂપ રહે! . તને શું ખબર કે સંતાનનું સુખ કોને કહેવાય?’
અવંતિકા બહેનઃ (વચ્ચે બોલ્યા) ‘અને એથીય વધુ પોતરાઓનું સુખ કોને કહેવાય !’
વિનયભાઈઃ હા, હા, બહુ સુખ.  હોં!
રણછોડભાઈઃ ‘એમ દાઢમા ન બોલો વિનયભાઈ, તમારી અને મારી વાત તદ્દન જુદી છે! હું મારા છોકરાઓને નહી પણ મારી બંને પુત્રવધુઓને પણ એટલોજ પ્રેમ કરું છું. ભલેને જે કાંઇ બન્યું ,તેમાં એ બિચારાઓનો શું વાંક?  હું વધુ પડતી અપેક્ષાઓ રાખું તેમા એ લોકો શું કરે?કોઈની દીકરી જ્યારે મારા ઘરમાં વહુ બનીને આવે ત્યારે પ્રથમ એ મારા પુત્રની પત્ની છે અને પછી મારી દીકરી છે એ વાત મારે યાદ રાખવી એ મારી ફરજ હતી. કોઈની ભૂલ નહી. તમે તમારા દીકરાને પ્રેમ જ નથી કરતાં , તમે જાતે જ તમારા પગ ઉપર કુહાડી મારી છે!
અવંતિકાબહેનઃ સાવ સાચી વાત કરી તમે રણછોડભાઈ.
રણછોડભાઈઃ ‘માફ કરજો, મારો ઇરાદો કોઇના દિલને દુભવવાનો ન હતો! પણ બહેન તમે તો મારા ભૂતકાળ વિશે બધું જ જાણો છો’.
અવંતિકા બહેનઃ રણછોડભાઇ, હું તો શું પણ અંહી વસતા દરેક જણ જાણે છે કે તમે તમારા બે દીકરાથી દુઃખી થઈને અંહી રહેવા આવ્યા છો!
પેસ્તનજીઃ’હા–સ્તો વરી, ટું કોઈને કાંઇ જનાવે ટો ને? મનમા ને મનમા મુંઝાઈ મરે છે. તેના કરતા મોઢામાંથી બોલી કાંય નઠી મરટો’!
સોહમઃ હાં—એ વાત ખરી છે કે મનનું દુખ હળવું કરવુ હોય તો કોઇની પાસે હૈયું ખાલી કરી નાખવું જોઇએ.
વલ્લભદાસઃ’ શું બોલશે? એ જ ને કે આખી જિંદગી આપણે જેને પાળી પોષી મોટા કર્યા, ને જ્યારે આપણા ઘડપણમા એમના સહારાની જરૂર પડી ત્યારે આપ્ણ મટીને વહુના થઈ ગયા.’
રણછોડઃ  ‘નહીં’ વલ્લભદાસ, મને લાગે છે કે આપ સહુને મારા ભૂતકાળ વિશે કાંઇ જ ખબર નથી. હકિકતમા મારી વાત તમારા સહુ કરતા જરા જુદી છે. તમને બધાને રસ હોય તો સંભળાવું.’
સમુહમાઃ  હા, હા સંભળાવો ને ભાઈ સાહેબ.
રણછોડઃ  ‘સાંભળો, હું પણ બધની જેમ સામાન્ય માનવ છું. મારા માબાપ પણ સામાન્ય અને મધ્યમ વર્ગના હતા. બાળપણમા મને કશી પણ ફરિયાદ રહી ન હતી. પિતાએ માનસિક હિંમત અને આત્મબળ મજબૂત બને તેવી કેળવણી આપી હતી. બા એ સચ્ચાઈ અને કરકસરથી  જીવતા શીખવ્યું હતું. હું કોઈ અસામાન્ય બાળક ન હતો પણ ઠોઠ કે નબળો પણ ન હતો. જ્યારે હું કિશોરવયનો હતો ત્યારે બાપુજીએ મુંબઈમા નાની કરિયાણાની દુકાન લીધી. મોટાભાગનો તેમનો સમય ધંધામાંજ પસાર થતો. પિતાને મન કરિયાણાની દુકાન ઇશ્વરની મહેરબાની હતી. પરંતુ એ દુકાનને કારણે તેઓ મારાથી દૂર થઈ ગયા. તેમને હતું કે આ દુ્કાન તેઓ ચલાવે છે. પણ હકિકતમા દુકાન તેમને ચલાવતી હતી. માર વ્યક્તિગત જીવનમા રસ લેવાનો એમની પાસે  સમયનો અભાવ  હતો. મારું ભણતર, મારી ઇતર પ્રવૃત્તિઓ, રોજીંદી જરૂરિયાત વિ. તેઓ ધીરે ધીરે વંચિત થતા જતા હતાં. પિતાને માટે તેમનો વ્યવસાય જ કુટુંબની જવાબદારી બની ગયો. અંતે તે જ એમના જીવનનું ધ્યેય બની ગયો.
પરિણામ એ આવ્યું કે હું માત્ર સરેરાશ કક્ષાનો  વિદ્યાર્થી બની ગયો. માંડ માંડ મેટ્રિક પાસ થયો. કોલેજમા જવાની વાત આવી એટલે,’આપણે મેટ્રિક ભણ્યા તે બસ, તેમની એ જ દલીલ  કે ક્યાં નોકરી કરવી છે, આગળ ભણવાની શી જરુર છે?  આપણી કરિયાણાની દુકાન છે, ધંધો સારો ચાલે છે. નોકરીમાં શું કમાણી છે? ધંધો એ  ધંધો! એમાં કમાણીની કોઈ સીમા નથી. છેવટે વચ્ચેનો રસ્તો એ નિકળ્યો કે હું સવારે કોલેજ જતો અને આવીને સીધો દુકાને! પણ રાત્રે ઘરે આવું ત્યારે એવો થાકી જતો કે કોલેજનું કામ કરી ન શકતો. આવા કપરા સંજોગોમાં પહેલું વર્ષ તો જેમે તેમ પસાર કર્યું પણ બીજા વર્ષમાં અટકી ગયો. તેની સાથે મારા ભણતરને પૂર્ણવિરામ લાગી ગયું.’
પેસ્તનજીઃ ‘બહુ ખરાબ થયું’.
રણછોડઃ હાસ્તો વળી, ‘હું કાંઇ ગોપાલકૃષ્ણ ગોખલે ન હતો કે બત્તીના થાંભલા નીચે બેસી ભણતર પુરુ કરું.’
પેસ્તનજી; આગલ બોલ પછી શું થયું.
રણછોડઃ શું થાય, ક્યાં કોઈ બીજો વિકલ્પ હતો! આપણે લાગી ગયા દુકાનમા અને ધીરે ધીરે તેની સાથે લગાવ વધતો ગયો. બાપુજીને મારા થકી ઘણો ટેકો થયો. અમે બંને એ મળી દુકાનનો વેપાર ઘણો વધારી દીધો. જેટલી ઉતાવળ બાને નહતી તેનાથી વધારે ઉતાવળ બાપુજીને મારા લગ્નની હતી. અંતે એક દિઅસ એમના મિત્રની દીક સાથે મને પરણાવી ને જંપ્યા..ક્ષણાર્ધનાં મૌન પછી ગળુ ખંખેરીને આગળ બોલ્યા ‘રેખા, મારી પત્ની. મેં ધાર્યું ન હતું કે તે મારા સંસાર સુખની રેખા બની જશે. વાર્તાઓમા જે સુશીલ અને સંસ્કારી વહુ અથવા પત્નીનું પાત્ર જણાય તેવી વ્યવહારિક અને હોંશિયાર નિકળી.મને મારા ભાગ્ય પર અભિમાન થયું.એથીય વધુ લગ્નના પાંચ વર્ષના ગાળામાં બે સુંદર દીકરાની ભેટ આપી. વિજય અને પ્રવીણ ઘરના આંગણામા રમી રહ્યા.
 પરંતુ બાપુજી બહુ ટુંક સમય એમના પૌત્રો સાથે રમી શક્યા. એક દિવસ  અચાનક છાતીમા દુખતા વહેલા ઘરે આવી ગયા. તે જ રાત્રે પ્રવીણને પડખામા રમાડતા અચાનક ઉપડી ગયા. ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. જે ઘરની દિવાલો એ વરસોથી ફક્ત હસવાનો  જ અવાજ સાંભળ્યો હોય એમને રૂદનનો અવાજ કાંઇક જુદો લાગ્યો. દિવાલો તેનાથી ટેવાય ત્યાં એક જ વરસમા ‘બા’ એ પણ ચીર વિદાય લીધી. બાની પેટનાં દુખાવાની વરસો જુની તકલીફ અલ્સરની બિમારી બની ગઈ. અને હોસ્પિટલમા ઓપરેશનના ટેબલ પરથી કદી પાછા ન આવ્યા.”રણ્ચોડરાયની આંખમાં આંસુ અને ગળામાં ડૂમો હતો અવંતિકાબેને પાણી આપ્યુ અને તેમની સ્વસ્થતા પામી ને આગળ બોલ્યા
        ‘બસ પછી ધીરે ધીરે બધા ઘા રૂઝાવ લાગ્યા. અમે બંને પતિ પત્નીએ, વિનય અને પ્રવીણને મોટા કરવામા જીવનના ૨૦ વરસ પસાર કર્યા. મારી નાની કરિયાણાની દુકાન જે પિતાજીએ શરૂ કરી હતી તે તેમની હાજરીમા ફુલીફાલી અને હવે મોટા ગોડાઉનો સાથે વધારી. બાપુજીની જેમ મારે ભુલ નહોતી કરવી એટલે મારો સમય ધંધા માટે સવારના ૧૦ થી સાંજના  ૭ રાખી બાકીનો સમય અમારા ચારે જણ માટે ફાળવતો.
       આ વરસ મારા માટે વધુ પડતું સારુ નિવડ્યું એમ મને લાગ્યું. મને ખૂબ સારી ચીજોની એજન્સી મળી અને વેપાર બહોળો થયો. બે વર્ષમાંતો મુંબઈના દરિયા કિનારે સરસ મઝાનો ફ્લેટ લઈ રહેવા ચાલ્યા ગયા. ગાડી,ટી.વી.,ટેલિફોન સુખ સગવડની બધીજ વસ્તુઓથી ઘર ઉભરાયું. પરંતુ કરકસર કરવાની આદત મારા બાએ પાડી  હતી તેથી ખોટા ખર્ચાથી હું દૂર રહેતો. તે કારણે મારી બચત કૂદકે ને ભુસકે વધતી ગઈ. બેંકમા પૈસા પડ્યા રહે તેના કરતાં શરાફી વ્યાજ વધારે મળે અને ફાયદો થાય એમ માની મેં બજારમા પૈસા ધીરવાનું શરું કર્યું.
વિનયભાઇઃ ‘અરે, તમે તો ખરેખર નસિબદાર કહેવાઓ, કદી દુઃખ જોયું જ નહી?’
રણછોડઃ’ હા, ઈશ્વરની કૃપા. મેં પૈસે ટકે દુઃખ જોયું જ ન હ્તું. પરંતુ એમ એકસરખા દિવસો જો બધાના જતા હોય તો આ કુદરતનો  ક્રમ ચાલે ખરો ?મારું પણ એમ જ થયું. ત્યાર પછીના વરસોમાં બજારમા સતત મંદી આવતી રહી. એક પછી એક ઘણી પેઢીઓ બંધ થયાના સમાચાર આવતા ગયા.હું મારું રોકાણ ધીરાણમાંથી ખેંચી શેરબજરમા રોકવા લાગ્યો. નસીબ પાધરા કે મારા પૈસા લગભગ બધા પાછા આવી ગયા. શેરબજારમા પણ તેજી આવવા માંડી.એક સમય તો એટલી તેજી આવી અને લાંબા સમય સુધી ટકી પણ ખરી! મને થયું કે કરિયાણાની એજન્સી કરતા શેરબજારમા ઝડપી નફો છે. વિચારો, લોભે લક્ષણ જાય,મેં મારી બધી મૂડી અને જેટલું કમાયો એ બધું શેરબજારમા રોક્યું.
     જેમ નશામા ચકચૂરને ભાન ન હોય તેમ હું પણ એ જ નશામા શેરબજારમા સટ્ટો રમતો ગયો. ક્યારે પાસા સવળા પડે ક્યારે અવળા. અવળા પડે ત્યારે પાછું મેળવવા વધારે રમું. એ રમતના ચક્રવ્યૂહમા ક્યારે ફસાઈ ગયો અને જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું.
   રેખા અને વિજયે ઘણીવાર મને કહ્યું હતુ,’આપણે આ શેરબજારનો ધંધો નથી કરવો.’  પણ હું સાંભળું તો ને?  એ લોકોને શું ખબર પડે. અંતે એક દિવસ અમારો ફ્લેટ પણ વેચી દેવાની નોબત આવી ગઈ. રેખા ભાંગી પડી,બંને દીકરાઓ ઉદાસ અને હું રણમેદાનમા હારેલા સિપાહીની જેમ રણ છોડી ભાગ્યો. અમારી પાસે અમેરિકા ભાગી જવા સિવાય કોઈ માર્ગ ન હતો. જે લોકોને મારા અંગત મિત્રો ગણતો હતો તેઓ તો ક્યારના મારાથી પીઠ ફેરવી ગયા હતા. જે સંબંધીઓને મેં આર્થિક મદદ કરી હતી તે બધા મદદ ને બદલે સલાહ આપવામા વધારે રસ ધરાવતા હતા. જે લોકો ને બે આંખની થોડી ઘણી શરમ હતી તેઓ સાચા ખોટા બહાના બતાવી મને પોતાની અસમર્થતાના પુરાવા રજૂ કરવા લગ્યા. ત્યારે મને લગ્યું કે વારતાઓમા લખાય છે એ બધા પ્રસંગો પાછળ મારા જેવી કેટલીયે વ્યક્તિઓના દૃષ્ટાંતો હશે !
    એ સમયમા ખરેખર સાથ આપ્યો હતો તે જાણો છો કોણ હતા?
સમૂહઃ   કોણ ?
રણછોડઃ રેખા અને મારા બે દીકરાઓ.
પેસ્તનજીઃ  પછી ?
રણછોડઃ પછી શુ?  બે વરસ પહેલાં વેકેશન પર ગયા હતા એટલે અમેરિકાના ‘વિસા’ તો હતા. બસ, સમજોને અમે પહેરેલા કપડે જ નિકળી ગયા. રેખાની થોડી ઘણી ખાનગી બચત અમને કામ આવી ગઈ.
અવંતિકા બહેનઃ પછી અંહી આવીને શું કર્યું ?
રણછોડઃ ‘બસ !’ વિજયની જીદ કે પાપા આપણે ફરી પાછા પગ પર ઉભા થઈશું.  ‘હું તમને સાથ આપીશ અને પ્રવીણને આપણે અંહીની કોલેજમા ભણાવીશું,’ તમે કદાચ નહી માનો અમે લોકોએ અમેરિકા આવીને એક પણ દિવસ નોકરી નથી કરી! શરૂઆતમા થોડા દિવસ રેખાનાં ભાઈને ત્યાં રહ્યા. એમના ‘બોસ’ મહમદભાઈએ અમને હિંમત આપી. અમે માનસિક રીતે ખૂબ રાહત અનુભવી.
    આમતો મહમદભાઈ અમને મુંબઈમા ઓળખતા હતા.કોઈ અંગત સંબંધ ન હતો. એમન પણ અમેરિકા આવીને સખત મહેનત કરી હતી. ધીરે ધીરે ‘ગીફ્ટ સ્ટોર’ ખરીદતા ગયા. મને ખબર ન પડી કે જાન ન પહેચાન તેઓ અમને આટલી બધી મદદ કેમ કરી રહ્યા છે ? એમણે અમને એક દુકાન અપાવી દીધી, ધંધાની રીતરસમ પણ સમજાવી અને પૈસાની મદદ પણ કરતા રહ્યા.
એક દિવસ મારાથી ન રહેવાયું અને મે પુછ્યું, કે જ્યારે મારા અંગત મિત્રો અને સંબંધીઓએ અમારાથી મો ફેરવી લીધા ,ત્યારે તમે અમને કેમ મદદ કરી રહ્યા છો?મારા પ્રશ્નનો જવાબ આપવામા તેમને જરાપણ રસ ન હતો, પરંતુ એમણે એટલું જ કયું કે એક વાર તમારા બાપુજીએ મારા પિતાને મુંબઈમ મદદ કરી હતી. એટલે એમ સમજોને કે હું તમને મદદ કરી રહ્યો છું. પરંતુ મને પાછળથી ખબર પડી કે તે વાત સાચી ન હતી.
  સાચી વાત તો એ હતી કે મહમદભાઈ પાસે જે કોઈ પણ આવતું તે બધાને એ પોતાનાથી બને એટલી મદદ કરતા હતા.જે જવાબ મને આપ્યો તે જ જવાબ બધાને આપતા. બહુ વરસો પછી તેમને મોઢે થી સચી વાત સાંભળી. ખરું કારણ શું હતું સહુને મદદ કરવાનું.
પેસ્તનજીઃ શામાટે ?
રણછોડઃ એટલા માટે કે જ્યારે વરસો પહેલાં એ અમેરિકામા આવ્યા હતા ત્યારે તેમના જ ધર્મના અધિકારીએ એમને નોકરી અપાવી હતી. બાળકોને શાળામા દાખલ કરવામા, વસવાટ કરવાના સાધનો લેવામા એમણે જાતે મદદ કરી હતી. મહમદભાઈને આ ઉપકારનો બદલો કેમ કરી વાળવો એ વાત હંમેશા સતાવતી. એક દિવસ તે વ્યક્તિની પાસે જઈ પોતાના દિલની વાત કરી. એમણે એટલોજ આદેશ આપ્યો કે જે રીતે તને મદદની જરૂર હતી, એ રીતે આપણા દેશમાંથી આવનાર દરેક વ્યક્તિને શરૂઆતમા મદદની જરૂર હોય છે. તારાથી થઈ શકે તો આનો બદલો બીજા નવા આવનાર લોકોને મદદ કરીને ચૂકવજે .
    આ વાત મહમદભાઈના હ્રદયમા કોતરાઈ ગઈ. કોણ જાણે કેટલાય લોકોને એમણે વસાવી દીધા. મને ઘણીવાર એવા વિચાર આવે છે. ઇસલામ ધર્મનું સાચું ચિત્ર તો આ છે. આ આતંકવાદીઓએ તો આ ચિત્ર ઉપર કાળી શાહી ઢોળીને એને બિહામણું બનાવી દીધું છે.
પેસ્તનજીઃ સાચેજ આ સંપૂર્ણ દાખલો છે કોઈ પણ ધર્મને વિચિત્ર રીતે પૂરવાર કરવાનો. ચાલ આગળ બોલ ની–
રણછોડઃ બસ, અમે ચારેય જણે રાત દિવસ એક કર્યા, મહેનત કરી આજે એકમાંથી બાર ગીફ્ટ સ્ટોર ચલાવી રહ્યા છીએ.
અવંતિકા બહેનઃ આ બધું કેટલા સમયમા?
રણછોડઃ લગભગ દસેક વરસના ગાળામા અમે પાછા સફળતાના શિખરે પહોંચી ગયા. કહે છે કે ઠક્કરોને તો ધંધો લોહીમાં હોય..્તેથી સફળતા વિશે અમને કોઇ જ શંકા નહોંતી.. બસ સમયને તેનું કામ કરવા દીધુ અને અમે અમારુ કામ કર્યુ. બસ થોડાક વરસો પહેલા બંને દીકરા પરણ્યા..નવું મોટું ઘર લીધું. વિજયની વહુએ તો મને અને રેખાને પૌત્ર પણ આપ્યો. ફરી પા્છા સુખાઅ દિવસો આવી ગયા. પરંતુ જૂની કહેવત પ્રમાણે ઘરમા બે વાસણ હોય તો ખખડે પણ ખરાં….એક દિવસ નાની વાતે ઉગ્ર સ્વરૂપ પકડ્યુ..સાચુ બોલવા જતા રેખાને નાની વહુએ જેમ તેમ કહ્યું અને અમેરિકામાં તો તમે જાણોને..કાણાને કાણો ના કહેવાય તેને તો શેણે ખોયા નેણ કહેવું પડે જે મને ન આવડ્યુ. રોકકળ થઇ.  ધીરે ધીરે ઘરમાંથી શાંતિ ચાલી ગઈ. લાગણી ઘટી ગઈ. પ્રવીણ લગ્નના બે વરસમા ઘર છોડી જુદુ ઘર લઈ રહેવા જતો રહ્યો. સમાજમા બધા નાની વહુને દોષિત ગણે છે. રેખા આ ખટરાગને મનમાં લઈ બહુ રડી અને ઉંચા રક્ત દબાણે ગામતરું કરી ગઇ.
પેસ્તનજીઃ ટો એમાં કઈ મોટી વાત છે ?  એ ટો યાર ઘર ઘરમા બનટુ આવ્યું છે.
રણછોડઃ મને નથી ખબર એ સામાન્ય વાત છે. પણ મારા બંને દીકરાઓ મારા જીગરના ટુકડા છે. મારા જીવથી પણ વધારે હું એમને ચહું છું. મારા જીવનના દરેક નિર્ણયો મે તેમને કેંદ્રમા રાખી લીધા છે. મારાથી એ બંને જુદા થાય તે કેમ જોઈ શકાય.કેટલાય દિવસથી ચારેય ને સમજાવું છું કે મરા જીવતા જુદા નથાવ. મને પણ રેખાની જેમ, તમારી માની જેમ શાંતિથી મરવાદો! હું આજ સુધી તેમને સમજાવવામાં સફળ નથી થઈ શક્યો. તેમની જુદાઈથી મારા દિલ પર શું વીતે છે એ તો મારું મન જ જાણે છે.’ નિઃસ્તબ્ધતાની ક્ષણો મણ મણ થૈને વહેતી હતી ત્યારે સરગમ બહેનઃ બોલ્યા “રણછોડભાઈ, તમે શું કરી રહ્યા છો એનો તમને ખ્યાલ છે?’
 રણછોડઃ હા, ચોક્કસ છે. ” જે માણસે ફુલની જેમ પોતાના સંતાનોને રાખ્યા હોય, એ જ દીકરાઓ વહુની વાતમા આવીને મારી સામે ઉંચા અવાજે બોલે છે.  મને કહે છે એમની વાતમા દખલ કરનાર હું કોણ ?” હું કોણ ? હું કાંઈ નહી.? આ વિજય જેણે મારા ખરાબ દિવસોમા મને ટેકો આપ્યો કે એવો તો મેં મારા બાપુજીને પણ નહોતો આપ્યો! એ મને કહે છે ‘હું તેમના ઉપર જુલમ કરું છું. જો મને તેમનું વર્તન ન ગમતું હોય તો બીજે રહેવા ચાલ્યો જાંઉ.’  ( રણછોડ ની આંખમા આંસુ આવી ગયા).
પેસ્તનજીઃ અચ્છા, ટો એટલા માટે તું અંહી આવી ગયો ?
સરગમ બહેનઃ ” જુઓ રણછોડ ભાઈ ,આ સંસારના ક્રમને કોણ રોકી શક્યું છે?  આ સંસાર, બાળકો, પૈસા તમે કેટલા બધા ગુંચવાયેલાં છો. કોઈક વાર પણ વિચાર કર્યો છે કે આ બધા પરિવારની માયાજાળ એ શું ખરેખર સુખ છે?  તમે એમ માનો છો કે આ ભૌતિક સાધનો, સંબંધો, તમારા પૈસા , સમાજમા નામ , તમારી સિધ્ધિઓ તમને સુખ આપે છે. રણછોડભાઈ તમે આખી જીંદગી જેને તમારી છાતી   સાથે લગાડતા રહ્યા છો એ બધું ખરેખર સુખ નથી. એ તો માત્ર સુખનો ભ્રમ છે આભાસ છે. તમે જ કહ્યું હતું કે તમારા બાપુજી એકાએક ગુજરી ગયા એ એમની સાથે શું લઈ ગયા. અરે તમારી ખુદની પત્ની સાથે શું લઈ ગઈ. ઉલટાનો બાપુએ સંદેશો આપ્યો હતો કે’ મારી જેમ આખું જીવન ઘાંચીના બળદની જેમ બરબાદ ન કરીશ. પણ તમે એમનો સંદેશો સમજી ન શક્યા.  કુદરેતે તમને ઢંઢોળ્યા જ્યારે તમે સટ્ટામા બધા પૈસા ગુમાવ્યા. ઉઠ આંખો ખોલ, તારી અંતિમ મુસાફરીમા આ બધા સામાનની જરૂર નથી.આ બધુ મિથ્યા છે. તારા આત્માના ઉધ્ધાર માટે સામાન બાંધ. એ વખતે પણ તમારી આંખો નહી ખુલી..રણછોડભાઈએ સરગમ બહેન ની વાતોમાં ડોકુ હલાવ્યુ.. સરગમ બહેને વાત આગળ ચલાવતા કહ્યું-‘   ત્રીજી વાર મહમદભાઈએ તમને સંદેશો આપ્યો કે સંસારનું સુખ પોતાના એકલા માટે રાખવું એના કરતા બીજાને વહેંચવામાં  જ ખરો આનંદ આવે  છે.  એ વખતે પણ તમે ન સમજી શક્યા ‘.વલોપાત કરતા રણછોડભાઇ સરગમ બહેન ને સાંભળતા રહ્યા…   હવે જ્યારે તમારા પોતાના દીકરાઓથકી ઇશ્વર તમને સંદેશો આપે છેકે આ સંસારના મધપુડાની આજુબાજુ માખીની જેમ ભમ્યા કરશો કે આત્મા માટે પણ કાંઇ કરશો? અરે વિચાર તો કરો તમારા બાપુજીની જેમ રાતોરાત ઉપડવું પડશે તો તમે તમારી કેટલી દુકાનો સાથે લઈ જશો ? કયા દીકરાને કહેશો કે ચાલ મારી સાથે ? રણછોડ ભાઈ જરા આંખો ખોલો અને સ્વપનાની દુનિયામાંથી બહાર આવો! હજી પણ મોડું નથી થયું . પાછા જવાનો સામાન બાંધવા માંડો. સમય પાકી ગયો છે. પચાસ થી સાંઠ વરસો તમે ભૌતિક સુખ માણ્યું. એ માટે ઇશ્વરનો આભાર માનો.  હવે આત્માના સુખની જોગવાઈ કરો.ધરમની દુકાન ખોલો. દાન અને સખાવત નો વેપલો કરો. તમે જેને દુખ કહો છો એ તો કાંઇ નથી. જરા સમાજમા બીજાઓના ઘરમા ડોકિયું કરો તો તમને ખબર પડશે સુખ કોને કહેવાય અને દુખ કોને કહેવાય…સરગમ બહેન..નિવૃતિ નિવાસની ઓસરી મિત્રોનું વ્રૂંદ અને રણછોડ દાસ બધા ધીમે ધીમે અદ્રશ્ય થવા લાગ્યા અને
  ફરી પાછો એ જ મધુર રેખાનો અવાજ રણછોડદાસને કાને અથડાયો. તે જાણે કહેતી હતી રણ —-છોડ,    રણ —-છોડ ,   રણ —-છોડ.
   આંખ ખોલીને જોયું તો વિજય અને પ્રવીણ એકબીજાના હાથ પકડીને ઉભા હતા. બંને જણાએ સાથે હાથ જોડીને કહ્યું, પાપા ઘરે ચાલો તમે , જેમ કહેશો તે પ્રમાણે અમે કરીશું.
    રણછોડદાસ વિમાસણમા હતા   કે ફરી પાછા એ જ ભૌતિક સુ્ખ માણવા જાંઉ કે આત્માના ઉધ્ધાર માટે તૈયારી કરુ?
સમી સાંજે આવેલા સુખદ સ્વપ્નો નિવૃતિ નિવાસમાં થતી પ્રાર્થનાથી ઓગળી ગયા..રેખા જે કહેતી હ્તી તેજ શબ્દો તેમણે વિજય અને પ્રવિણ ને કહ્યા..હવે રણ છૂટી ગયું છે.. માહ્યલો હવે તો એટલું જ કહે છે
પંખીડા ને આ પિંજરુ.જુનુ જુનુ લાગે…
બહુરે સમજાવું તોયે નવું પીંજરુ માંગે..

This entry was posted in નિવૃત્તિ નિવાસ. Bookmark the permalink.

One Response to નિવૃતિ નિવાસ (૧૪) ફતેહ અલી ચતુર

  1. dhufari says:

    જનાબ ફતેહ અલિ,
    રણછોડનું પાત્રાલેખન સરસ થયું છે
    અભિનંદન

Comments are closed.