ચંપા શ્રાવિકા

ચંપા શ્રાવિકા ફત્તેપુર સિક્રીમાં રહેતી હતી. એ ખૂબ ધાર્મિક અને ઉત્તમ તપસ્વિની હતી. એની ધર્મભક્તિની હંમેશા ચોમેરપ્રશંસા થાય. ચંપા શ્રાવિકાને પોતાના ગુરુશ્રી વિજયહીરસૂરિજીમાં પૂરી શ્રઘ્ધા હતી. તેઓ ગુજરાતમાં વિચરતા હતા. ચંપાબહેન તપસ્યા કરે. એકવાર તેણે ૬ મહિનાના ઉપવાસ આરંભ્યા. લોકોના ટોળા દર્શને ઉમટ્યા. બાદશાહ અકબરના બે મંત્રીઓ થાનસિંહ અને ટોડરમલ બંને ચંપા શ્રાવિકાના ભાણેજ થાય. એમણે ભવ્ય વરઘોડો કાઢ્યો. બાદશાહ અકબરે આ જોયું. એ ચમક્યો એણે પૂછ્યું
‘આ જૂલુસ શેનું છે?’
કોઈએ ‘ચંપાબહેને ૬ મહિનાના ઉપવાસ કર્યા છે’ તેમ કહ્યું. અકબર બાદશાહ કહે કે એ શી રીતે બને? ૬ મહિના સુધી ભૂખ્યા રહે તો મરી ન જાય? એણે થાનસિંહ અને ટોડરમલને બોલાવ્યા, પૂછ્યું
‘આ સ્ત્રીએ ૬ મહિનાના ઉપવાસ કર્યા છે?’
‘જી.’
‘પણ એ બને જ શી રીતે?’
‘ધર્મના પ્રભાવથી.’
‘એમ?’ બાદશાહનું મન માનતું નહોતું. કહ્યું ‘એને કહો કે મારા મહેલમાં મારી નજર સામે ઉપવાસ કરેઃ ન ખાય ને ભૂખી રહે, હું જોઊં તો માનું!’
ચંપા શ્રાવિકા અકબર બાદશાહના શાહી આવાસમાં રહી. જિનપૂજા ને પ્રતિક્રમણ, સામાયિક ને માળાનાં એના દૈનંદિન કાર્યો બાદશાહ જોયા કરે. એ જુએ કે ચંપા ખરેખર ભૂખી રહે છે, ઉપવાસ જ કરે છે ને જીવે પણ છે! બાદશાહઅભિભુત થઈ જોયા કરે.
એણે ચંપા શ્રાવિકાને બહેન માનીને પૂછ્યું
‘બહેન, તું દિન-રાત રોજા કરે છે?’
‘જી.’
‘કિન્તુ, આવું ઘોર તપ થાય શી રીતે?’
ચંપાના મુખ પર તેજ હતું ‘મારા ગુરુમહારાજની કૃપાથી!’
‘અરે! તારે ગુરુ પણ છે?’
ચંપાશ્રાવિકાએ નમ્રતાથી હાથ જોડ્યાં ‘જી, મારે ગુરુદેવ છે. તેઓ હમણાં ગુજરાતમાં છે. વિજયહીરસૂરિજી નામ છે. પુણ્યપ્રભાવશાળી છે. તેમની કૃપાથી આ તપ થાય છે!’
‘ઓહ!’
અકબર બાદશાહે નામ યાદ રાખ્યું, વિજયહીરસૂરિજી મહારાજ. બાદશાહે વિનંતી કરીને તેમને આગ્રા તેડાવ્યા.
વિજયહીરસૂરિજી શિષ્યો સાથે ત્યાં પધાર્યા. જૈન શાસનની પ્રભાવના કરી. અકબર બાદશાહે ૬ મહિના સુધી કતલખાના બંધ રખાવ્યાને અમારિ પ્રવર્તન કરાવ્યું.
ઈતિહાસની આવી અનોખી ઘટનામાંએક જૈન નારીનું તપ નિમિત્ત બન્યું. ચંપા શ્રાવિકા જૈન ઈતિહાસનું નારી રત્ન છે.

E Mail Mahendra vora

www.divyabhaskar.co.in/…/091219181337_champa_munishree_vatsalyadeep.html

This entry was posted in received Email, surfing from web. Bookmark the permalink.

One Response to ચંપા શ્રાવિકા

  1. ખુબજ સરસ વાત જાણવા મળી . આભાર .

Comments are closed.