શૈલ​જા આચાર્ય-(૧) સ્નેહા પટેલ

૧ શૈલજા આચાર્ય…

અમદાવાદ શહેર…સાબરમતી નદીને કિનારે વસેલું સ્વમાની શહેરીજનોથી છલકાતું શહેર..

કોમી રમખાણો, પૂર,,ધરતીકંપ જેવી કેટ કેટલીયે માનવસર્જીત અને
કુદરતી હોનારતોમાંથી ખુમારીભેર બેઠું થયેલું શહેર. ઈ.સ.૧૮૭૫માં સાબરમતી નદીમાં ભયંકર પૂર આવ્યું ત્યારે સાબરમતીના ઝંઝાવાતી તોફાનોનો અસ્સલ રંગ જોઇને થોડા ઘણા લાકડાના અવશેષો સાથે બચેલા એલિસબ્રીજ એટલેકે લક્કડીયા પુલને ફરીથી ઇ.સ. ૧૮૮૯માં પોલાદથી બનાવામાં આવ્યો હતો.લોખંડના ગડરવાળો અને કમનીય વળાંકોવાળો અને જેના ઉલ્લેખ વગર અમદાવાદ શહેરનો ઇતિહાસ અધૂરો લાગે એ બ્રીજ એટલે અમદાવાદનો ભવ્ય એલીસબ્રીજ..

સંધ્યાનો સમય હતો. આથમણીકોરે સૂરજ એના ગુલાબી રંગના અનેરા કામણ પાથરી રહ્યો હતો. એલીસબ્રીજના છેડે આવેલ ‘સેવાબેંક’ની પાછળ આવેલી મધ્યમવર્ગીય સોસાયટીની બાલ્કનીમાં શૈલજા એના પ્રિય હિંચકા પર ઝુલતી ઝુલતી શાક સમારી રહી હતી . વચ્ચે વચ્ચે ગુલાબી પગની પાનીએ હિંચકાને એક હળવી ઠેસ પણ મારતી જતી હતી. એના કાળા ભમ્મરવાળ બેપરવાઇથી બટરફ્લાયની સહાય વડે પોનીટેઈલમાં બાંધેલા હતાં. એમાંથી એક અલકલટ બહાર નીકળીને એના નાજુક ગોરા ગોરા વદનને ચૂમીને નટખટ શરારત કરતી જતી હતી. પણ શૈલજા એ લટને હટાવવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યા વગર એની એ તોફાનની મજા માણતી માણતી ગુલાબી આકાશને પોતાની આંખોમાં ભરી લેવાના નિરર્થક પ્રયત્ન કરતી જતી હતી.. પંખીઓ અંધારું થતા પહેલા પોતપોતાના માળામાં પહોચી જવાની ઊતાવળમાં ઊડતા હતાં. શૈલજાને એ પંખીઓની એકસરખી હારમાળા જોવી બહુ ગમતી. નભમાં ઉચે ઉચે એક્સરખી લાઇનમાં એકસરખી ઝડપે ઊડતા પંખીઓને જોવાનો એક અનોખો જ લ્હાવો છે.

પોતાના ઘરની બાલ્કનીમાંથી એલિસબ્રીજ ઉપર ઉગતો અને આથમતો સુરજ જોવા એ શૈલજાનું મનપસંદ કામ. સાંજના સમયે પોતાની બાલ્કનીમાંથી ગુલાબી વાતાવરણમાં એ પક્ષીઓની રમત જોવાનું કદી ના ચૂકતી. કુદરતનો ખોળો એને અનહદ પ્રિય હતો. કુદરત જોડે સંકળાયેલી દરેક વસ્તુ ભલે એ નિર્જીવ હોય કે સજીવ એ એના પણ દિલથી નજીક જ રહેતી.

શૈલજા…શૈલજા આચાર્ય… ડો.સૌમ્ય આચાર્યની પત્ની અને ૧૫ વર્ષના મધુરા દાંપત્યજીવનની મળેલી ભેટ જેવા નીરજા અને અમૂલ્ય બે મીઠડાં સંતાનોની માતા. શૈલજા આચાર્યનું કુંટુંબ અમદાવાદના એલિસબ્રીજના વિસ્તારમાં ત્રણ રુમ -રસોડુ- અને ૨ બાલક્નીનો એક મધ્યમવર્ગી ફ઼્લેટ ધરાવતુ કુંટુંબ હતુ.

રસોડામાં કુકરની સીટી વાગી અને ઉતાવળે પગલે શૈલજા અંદરની તરફ઼ ભાગી. પાંચના બદલે સાત વ્હીસલ થઈ ગઈ.ખીચડી ચડીને નકરી લોચા જેવી થઈ જશે તો જમતી વેળાએ સૌમ્યના નાકનું ટીચકું ચડી જશે અને એની વ્હાલી નીરજા પણ એમાં કુદી કુદીને ટાપસીઓ પુરાવીને મારી ખેંચવાની એક પણ તક જતી નહી કરે. મનોમન વિચારતી શૈલજા એકલી એકલી હસી પડી.

ફ઼ટાફ઼ટ કડક ભાખરીનો લોટ બાંધ્યો અને રીંગણ બટેટાનું શાક વધારીને ફ઼્રીજનું બારણું ખોલતા જ એનાથી એક નિસાસો નંખાઈ ગયો.

’અરે..કાલે તો દહીનો વાટકો ખાલી થઈ ગયેલો…યાદ જ ના રહ્યું.હવે લેવા જવું પડશે ગેસ પર મુકેલ શાક પણ અધવચાળે બંધ કરવું પડશે..અને એ બધામાં રસોઈમાં મોડા ભેગું પાછું મોડું થઈ જશે. ત્યાં તો એના કાને માઇકલ જેકશનના સુપરહીટ ’બેન’ નામના આલબમનું ટાઇટલ ધમાલિયું ગીત કાને અથડાયું.

’આ અમૂલ્ય ક્યારે સુધરશે…? એના મગજ પરથી આ માઈકલ જેકશનનું ભૂત ક્યારે ઉતરશે?

લાવ એને એક વાર પૂછી જોઉં. જો એ દહીં લાવી આપે તો મારે બધું ય કામ સમયસર આટોપી શકાશે..” આમ ને આમ વિચારમાં એણે અમૂલ્યના રુમનો દરવાજો ખટખટાવ્યો..

બે મિનિટની પ્રતીક્ષા પછી પણ કોઇ જ ગતિવિધીની એંધાણી ના મળતા શૈલજાને થોડો ગુસ્સો ચડ્યો.આ વખતે હવે થોડી જોરથી એણે દરવાજો ખખડાવ્યો…અને સાથે જોરથી બૂમ પણ પાડી,

’અમૂલ્ય..ફ઼ટાફ઼ટ દરવાજો ખોલ..મારે કામ છે..આ આખો દિવસ પેલા જેકીડાના રવાડે ચડીને બંદરની જેમ ઉછળકૂદ કરે છે તે સારો નથી લાગતો હાં કે..’

’ખટાક’ દઈને રુમની સ્ટોપર ખુલવાનો અવાજ આવ્યો…અને દરવાજામાં એક રુપકડો વેરવિખેર વાળ વાળો, માસૂમ હાવભાવ ધરાવતો ગોરો ચિટ્ટો બારે’ક વર્ષની ઊંમર ધરાવતો છોકરો ઉભો હતો. એના

કપાળ પર પરસેવાની બૂંદો છલકી રહી હતી. ડાન્સની તેજ ગતિને લીધે શ્વાસોશ્વાસ થોડા
તેજ હતા…ગોરું ચિટ્ટું મોઢું તેજ ડાન્સના પરિશ્રમને કારણે લાલચોળ થઈ ગયેલું.

શૈલજા બે ઘડી બધી ય નારાજ્ગી ભૂલીને પોતાનાં લાડકવાયાને જોવામાં જ ખોવાઈ ગઈ. અમૂલ્ય અસલ પોતાની કાર્બન કોપી જ લાગતો હતો. એજ નાક નકશો…એજ સ્કીનટોન..એના જેવા જ કાળા ભમ્મર વાળ. એનું હૈયે હેતની હેલી ચડી.બધુંય ભૂલીને પોતાના દુપટ્ટા વડે લાડકવાયાના ચહેરા પરનો પરસેવો લૂછવા માંડી.

રોજ-બરોજના મમ્મીના ગુસ્સા અને પ્રેમની આ સંતાકૂકડીથી અમૂલ્ય પણ હવે સારી રીતે વાકેફ઼ થઈ ગયેલો. એને ખબર હતી કે મમ્મી જેટલી જલ્દી ગરમ થાય એનાથી પણ બમણી ઝડપે એનો એ ઉભરો શમી જતો… હોઠ પર મધ મીઠું સ્મિત ફ઼રકાવતો અમૂલ્ય બોલ્યો…

’.બોલો…શું કામ હતું..?? આ નાનો બાળક આપની શું સેવા કરી શકે એમ છે…? હુકમ કરો માતાશ્રી..”

બે પળ એની નટખટ શેતાન આંખોમાં જોઈ રહયાં પછી એકદમ જ શૈલજાને યાદ આવ્યું અને ધીરેથી અમૂલ્યનો કાન આમળતા બોલી..”મારો લાડકવાયો..બહુ શેતાન થઇ ગયો છે ને આજકાલ કંઈ ..”અને વ્હાલથી એને ગળે વળગાડી દીધો. આંખમાં વ્હાલના અતિરેકથી આંસુ ભરાઈ આવ્યાં જેને શૈલજાએ તરત જ ખભા પર લૂછી કાઢ્યાં.બે મિનિટ તો અમૂલ્ય પણ ચૂપ થઇ ગયો. પોતાની આ વ્હાલુડી માના લાગણીના ઝારામાં બે-ચાર ડૂબકી લગાવીને માતૃ-પ્રેમની મજા માણી રહ્યો.

એક્દમ જ શૈલજાને યાદ આવ્યું..’અરે બેટા, જા ને નીચે કાનજીભાઈની ડેરી પરથી મને દહીં લાવી આપને. મારે રસોઈમાં થોડું મોડુ થઈ ગયું છે..નહીં તો હું જ લઇ આવત. હમણાં તારા પપ્પા આવીને ઊભા રહેશે અને જમવાનું તૈયાર નહી હોય તો બૂમાબૂમ કરી મેલશે…મારો ડાહ્યો ડીકો નહી…. પ્લીઝ..મારું આટલું કામ નહીં કરે તું..?”

‘અરે મમ્મા..આટલા મસ્કા ના માર…લાવી આપું છું તારું દહીં..બસ..” અને પોતાના રુમની લાઈટ અને સીડી પ્લેયર બંધ કરીને એ શૈલજાના હાથમાંથી ૨૦ની નોટ લઇને ફટાક દેતાકને ઘરમાંથી બહાર નાઠો.શૈલજા બે પળ એની પીઠ તરફ માર્દવતાથી તાકી રહી…એવામાં એના નાકમાં શાક બળવાની વાસ આવી ને એ રસોડામાં ભાગી…

‘હાશ…બચી ગયું..પળભરનું મોડું થયું હોત તો…આ અમુક દિવસો સવારથી જ આવા કેમ ઉગતા હશે..? કોઇ કામમાં ભલીવાર જ ના આવે..”

૦-૦

લાકડાંની કોતરણીવાળી ગોળાકાર એન્ટિક ભીંત ઘડિયાળમાં આઠના ડંકા પડ્યા અને ઘરના દરવાજાની ડોરબેલમાં કોયલ ટહુકી…સોફા પર બેઠેલી શૈલજાએ છાપુ બાજુમાં મૂકીને દરવાજો ખોલ્યો.

ઘરના ઊંબરે એક ચૌદ વર્ષની તીખા નાકનકશાવાળી ટીનેજર છોકરી ઉભી હતી. જમણા કાંડે સ્ટાઈલીશ ફ઼ાસ્ટ ટ્રેકનું ઘડિયાળ બાંધેલું અને હાથમાં ઢગલો’ક સીડીઓનો ખજાનો પકડેલો હતો.
એના રેશમી સોનેરી વાળ ખભા પર બેપરવાહીથી ઝુલી રહ્યા હતા. ગુલાબી કલરના સ્લીવલેસ ટોપ અને કોટનના દુધ જેવા સફેદ, ઢીંચણથી થોડું નીચે સુધી પહોચતા પેન્ટમાં લપેટાયેલું એનુ ગોરું ગોરું અને જુવાનીની પગદંડી પર કદમ માંડી રહેલું તન થો્ડાક થાક અને કંટાળા મિશ્રિત ભાવોથી લદાયેલું હતું. ડાબા ખભા પર ડ્રેસ ને મેચિંગ કરેલ નાનકડું ગુલાબી પર્સ ઝુલી રહેલું હતું.

“આવ નીરજા દીકરા આવ..કેમ થાકેલી થાકેલી લાગે છે આટલી?”

“જવા દે ને મમ્મા..આજે ટ્યુશનમાં સરે લખાવી લખાવીને હાથની કઢી કરી નાંખી છે..મને તો આ એજ્યુકેશન સિસ્ટમ સામે જ વાંધો છે. દુનિયા કેટલી આગળ વધી ગઈ છે..’પેપર બચાવો’ અભિયાન હેઠ્ળ હવે લોકો મોટા ભાગનું ભણતર ‘લેપટોપ’ પર જ કરવા માંડ્યા છે. દુનિયા કેટલી આગળ વધી ગઈ છે ને આપણે હજુ ત્યાં ના ત્યાં જ, એ જ જુનવાણી માનસ સાથે જીવીએ છીએ. ભણાવશે તો રુડુ રુપાળુંકે,” પરિવર્તન એ દુનિયાનો નિયમ છે” તો એ પરિવર્તન સ્વીકારવામાં આવી પાછી પાની કેમ કરતા હોઇશું આપણે..? બધું બોલવામાં જ રુપાળુ છે બાકી વર્તનના નામે સાવ ગોળાકાર મીંડુ જ..”

શૈલજા જાણતી હતી કે એની આ તેજાબી અને ધારદાર બુધ્ધીવાળી દલીલો કરવામાં નંબર વન દીકરી સામે દલીલો કરવાનો કોઈ મતલબ નથી. બહુ જીદ્દી છે..એકદમ એના બાપા પર જ ગઈ છે. આને તો મારે વકીલ જ બનાવવી છે. ત્યાં જ એની નજર નીરજાના હાથમાં રહેલ સીડીના થોકડા પર પડી અને એના મોઢામાંથી એક હાયકારો નીકળી ગયો..પોતાની ઇચ્છા તો બહુ છે, પણ આ માયા વકીલ બનવા માટે હોંકારો ભણે એમાંની ક્યાં હતી? એને તો એ ભલી અને એનું લેપટોપ..એના નવા નવા સોફ઼્ટવેર્સ ભલા..આજ કાલના છોકરાઓ કયાં મા – બાપની મરજી મુજબ ચાલે છે..??

’ચાલ દીકરા ફ઼ટાફ઼ટ હાથ મોં ધોઈને ફ઼્રેશ થઈ જા અને તારા પપ્પા કયાં..આજે તને લેવા નહોતા આવેલા કે શું…”

’ના મમ્મી એ મારી જોડે જ આવ્યાં છે..પણ બિચારા રોજની જેમ જ નીચે પાર્કિંગમાં ગાડી પાર્ક કરવામાં અટવાયા છે. આપણે ત્યાં હવે ગાડીઓ વધતી જાય છે એટલે પાર્કિંગની સમસ્યા બહુ મોટી થઈ ગઈ છે. જોને આપણા જ ઘરમાં ચાર વ્યકિતના ચાર જુદા જુદા વાહનો નથી..એક વ્યકિત દીઠ એક વાહન તો હવે જરુરિયાતના ધોરણોમાં ગણાવા લાગ્યું છે”

’સારું મારી મા..હવે જા ને ફ઼ટાફ઼ટ ડાયનિંગ ટેબલ પર આવ…હું થાળીઓ પીરસું છું.”

૦-૦

લાકડાના ડાયનિંગ ટેબલને ફરતે સૌમ્ય, શૈલજા, નીરજા અને અમૂલ્ય બધા એક સાથે જમવા બેઠેલાં. લાકડાના ડાયનિંગ ટેબલને ફરતે સૌમ્ય, શૈલજા, નીરજા અને અમૂલ્ય બધા એક સાથે જમવા બેઠેલાં. સૌમ્યના ઘરમાં સાંજના સમયે ઘરના બધા સભ્યોએ એકસાથે જમવાનો આ શિરસ્તો બહુ મક્ક્મતાથી પળાતો હતો. અનિવાર્ય સંજોગો બાદ કરતાં બને ત્યાં સુધી બધાઆ શિરસ્તાને વફાદાર રહેવાનો પૂરો યત્ન કરતાં.

‘અહાહા,,આજે તો રસોઇ બહુ સરસ બની છે ને કંઈ..? શું વાત છે શૈલજાદેવી..?”સોનેરી રીમલેસવાળા ચશ્માને નાક પર સરખા ગોઠવતા સૌમ્ય બોલી ઉઠ્યો.

‘એ તો પપ્પા,,મેં દહીં લાવી આપેલું ને એટલે” તરત જ નટખટ અમૂલ્ય એ વચ્ચે ટાપસી પુરાવી દીધી.

‘ખાલી આજે જ સારી બની છે રસોઈ..?? મને તો એમ કે…..”

બાકીનું વાક્ય ઇરાદાપૂર્વક અધુરુ રાખીને અને એક ખોટી ખોટી નારાજગીના

ભાવ સાથે શૈલજાએ પોતાની મોટી મોટી ભાવવાહી આંખો સૌમ્યની આંખોમાં પૂરોવી દીધી.

”બાપ રે મરી ગયા આ તો…સોરી દેવી….બોલવામાં ભૂલ થઈ ગઈ..સ્લીપ ઓફ ટંગ..માફ કરો અને થોડું શાક પીરસવાની કૃપા કરશો કે..?”

અને આખોય પરિવાર એક્સાથે હસી પડ્યો.

રોજની ટેવ મુજબ શૈલજા સૂતા પહેલાં એક ‘ક્વીક શાવર’ લઈને રેશમી ટુ પીસની નાઈટી ચડાવીને બાથરુંમમાંથી બહાર નીકળી ત્યારે વ્હાઈટ ઝ્ભ્ભા -લેંઘામાં સજ્જ સૌમ્ય એનું જીયોલોજીકલ પુસ્તક પૂરી તન્મયતાથી વાંચી રહ્યો હતો. શૈલજા એની નજીક ગઈ અને ધીમેથી એના હાથમાંથી પુસ્તક લઈને બાજુમાં પડેલું બુક – માર્ક એમાં ગોઠવી દીધું ને પુસ્તકને હળવેથી બંધ કરતી’કને બોલી..

“ડોકટર સાહેબ…ઘરમા હો ત્યારે તો થોડો સમય અમારા માટે ફાળવો..ગમે ત્યારે ઇમરજન્સીનો ફોન આવે ને ભાગવું પડે એવા સમયે તો અમારું કશું ના ચાલે પણ અત્યારે તો…”

‘અરે શૈલુ…તને તો ખબર છે કે અમારા ‘ઉદ્યોગ અને ખાણ વિભાગ’માં ઉચ્ચ અધિકારીની બદલી કરાઈ છે. આ નવા અધિકારી આવ્યા છે એમને થોડા ‘જીઓલોજીકલ’સર્વે કરાવવા છે. એટલે મારે થોડી માહિતી ભેગી કરવાની છે એના માટે. તો પ્લીઝ..”

‘હા ભાઈ…લગ્નના ૧૫ વર્ષ થયા..હવે તો તમને આ જમીનોના સંશોધનોમાં જ વધુ રસ પડે ને.. ” અને આગળનું વાક્ય જાણે આંખોથી જ કહેવાનું હોય એમ અધુરું છોડીને એની આંખોમાં પોતાની આંખો પુરોવતી’કને પલંગ પર એની નજીક જઈને બેઠી”

સૌમ્ય આચાર્ય રુપાળી પત્નીની મધ મીઠી વાતને નકારી ના શક્યા. એકદમ શૈલજાનો હાથ ખેંચીને પોતાની નજીક ખેંચી લીધી. શૈલજા પણ જાણે આવા ઇજનની રાહ જ જોતી હતી.

શૈલજાના લીસા વાળમાં હાથ ફેરવતા સૌમ્યને અચા્નક યાદ આવ્યું અને બોલ્યો.’અરે…કાલે તો મારે આખો દિવસ ડ્રીલીંગ વેલ.માં જ જવાનો છે. થોડી ઇમરજન્સી છે.અને કાલે મારી ગાડીના હપ્તા ભરવાનો છેલ્લો દિવસ છે.એક કામ કરીશ શૈલુ ડાર્લિંગ…કાલે બેંકમાં એક આંટો મારીને મારું આ કામ પતાવતી આવીશ.. પ્લીઝ..”

‘ઓકે..જેવી આપની આજ્ઞા પતિદેવ..”

‘ઓહ મારી વ્હાલી કહ્યાગરી પત્ની…આઇ લવ યુ સો મચ..’ અને એક નટખટ હાસ્ય સાથે સૌમ્યએ હાથ લંબાવીને લેમ્પની સ્વીચ બંધ કરી દીધી.

૦-૦

બીજા દિવસની સવાર થોડી ધમાલિયણ હતી શૈલજા માટે.

આજે કામવાળી નહોતી આવવાની, અમૂલ્યને ક્રિકેટની પ્રેકટીસ માટે બે પીરીઅડ એક્સ્ટ્રા સ્કુલમાં રોકાવું પડે એમ હતું તો એના માટે ફુલ ટીફીન બનાવવાનું હતું. સાંજે નીરજાની સહેલીઓ ઘરે આવવાની હતી અને જમવાની હતી તો એની થોડી ઘણી તૈયારી અત્યારથી કરવા માંડેલી. ત્યાં તો સૌમ્યનું બેંકનું કામ યાદ આવ્યું અને સાથે એ પણ યાદ આવ્યું કે આજે તો શનિવાર હતો.

‘મરી ગયા…’ ઘડિયાળમાં નજર નાંખતા એ ચિંતા વધુ ધેરી બની ગઈ. ૧૨.૩૦ નો સમય બતાવતી એ ઘડિયાળ જાણે કે એની હાંસી ઊડાવી રહી હતી. ફટાફટ કપડાં બદલી , પર્સ અને પોતાની ફ્ર્ન્ટીની ચાવી લેતી’કને રીતસરની એણે ગાડી તરફ દોટ જ મૂકી.

મનોમન ગણત્રી મૂકી..અહીંથી સી.જી રોડ એટલે લગભગ ૧૦ એક મિનિટનું જ અંતર કાપવાનું છે આમ તો. પણ મૂઓ આ ટ્રાફિક….

૪૦ની સ્પીડે દોડતી એની ગાડી અને ૪૦૦ની સ્પીડે ચાલતા એના વિચારો…એમાં વળી નહેરુબ્રીજનું ક્રોસિંગ બંધ મળ્યું એની અકળામણ હવે ગુસ્સામાં પરિવર્તિત થઇ ગઈ…

‘આ કામ જો આજે નહી પતે તો સૌમ્ય પાછું મહેણું મારશે કે એક કામ સોંપેલુ એમાં પણ
ભલીવાર નહીં ને..તમારા બૈરાની જાત જ આવી…ભરોસો મૂકાય જ નહી સહેજ પણ …’

વિચારોના તુમુલ યુધ્ધ સાથે ડ્રાઈવ કરતી શૈલજા એ ભુલી ગઈ કે પોતે અમદાવાદના સૌથી ભરચક વિસ્તારમાંથી પસાર થઈ રહી છે..ત્યાં તો ગાડીના રીવર વ્યુ કાચમાં એની નજર પડી અને એનું હૈયુ એક ધબકારો ચૂકી ગયું.પાછળ જ એક મ્યુનિસિપાલટીની બસ પૂરપાટ વેગે આવી રહેલી.

‘આ બસોના ડ્રાઇવરો પણ જાણે પીને ના ચલાવતા હોય એમ જ વાહન હંકારે છે..સાલું કોઈને ‘રોડ સેન્સ’ જેવું છે જ નહીં ને
આજ કાલ’ વિચારમાં ને વિ્ચારમાં એણે ગાડી થોડી ડાબી બાજુમાં લેવાનો પ્રયત્ન કર્યો. પણ પાછળ જ એક લાંબી ગાડી ફુલ સ્પીડમાં આવતી હતી એ એના ધ્યાન બહાર જ ગયું અને પરિણામે પાછળની ગાડીએ શૈલજાની ગાડીને જોરદાર ટ્ક્કર મારી દીધી. શૈલજાની ફ્રંટી બે- ચાર ગુલાટીયા ખાઈ ગઈ .એમાં વળી પાછલથી આવતી લાલ બસ એની ગાડી જોડે અથડાઈ. શૈલજાની ગાડીનું કચુંબર બની ગયું. એના માથામાંથી લોહી વહેવા માંડયું અને કમરમાં ખાસો એવો બેઠો માર વાગ્યો. માંડ માંડ ગાડીનો દરવાજો ખોલીને એણે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો પણ  બધીયે કોશિશો નિષ્ફળ. એનું શરીર જાણે એના
કહ્યામાં જ નહોતું રહ્યું આંખો આગળ લાલ -લીલા – પીળા રંગોની ભૂતાવળ નાચવા લાગી. અમૂલ્યની ‘કોમિકસ બુક્સ’માં જોયેલી હોય એવા સિતારાઓની ભરમાળ સર્જાઈ ગઈ. પીડા ને લીધે ચીસ પાડી શકે કે ઊંહકારા ભરી શકે એટ્લી પણ તાકાત એના શરીરમાં હવે નહોતી રહી. છેલ્લે આંખો સામે ભેગી થતી માનવ મેદનીને નિહાળતા નિહાળતા એની આંખો બંધ થઈ ગઈ..શૈલજા બેભાન થઈ ગઈ.

0-0

સૌમ્ય ફાઇલોના ઢગલામાં મોઢું ઘાલીને બેઠેલો. સ્ટાફ્ને સખત શબ્દોમાં ચેતવણી આપી દીધેલી કે ખાસ મ સિવાય કોઇએ એને હેરાન કરવો નહી.

એવામાં એના સેલમાં રીંગ વાગી.’અરે, આ તો શૈલજાનો નંબર’ થોડી ચીડ ચડી. અનિચ્છાએ લીલા બટન પર અંગુઠો દબાવ્યો.

‘બોલ…શું કામ છે?’

ત્યાં તો સામેથી કોઇ અજાણ્યો અવાજ આવ્યો.

‘તમે કોણ બોલો છો..?’

સૌમ્યને થોડી નવાઈ લાગી.. આ શૈલજાનો ફોન કોની પાસે છે વળી?

ગુસ્સા પર કાબૂ રાખીને જવાબ અપ્યો.. ‘ભાઈ..તમારી પાસે આ ફોન ક્યાંથી આવ્યો? તમે કોણ બોલો છો..?”

‘જુઓ ભાઇ..તમે મને કે હું તમને ઓળખતા નથી. પણ આ ફોન જેમનો છે એમને ઈન્કમટેક્ષના ચાર રસ્તા પાસે  ભારે અકસ્માત થયેલો. અમને ‘૧૦૮’ વાળાને આ વાતની જાણ થતા એ બેનને મેડીલીંક હોસ્પિટલમાં લઇ આવ્યાં છીએ. અત્યારે એ બેભાન છે અને બહુ ખરાબ હાલતમાં છે. તમે બને એટલા જલ્દી અહી આવી જાઓ અને બીજા જેને પણ આ વાતની જાણ કરવાની હોય એમને જાણ કરતા આવો.’

આટલી વાત સાંભળતા સૌમ્યના હાથમાંથી ફોન છટકીને નીચે પડી ગયો અને એ પોતાની ખુરશીમાં ફસડાઇ પડ્યો…

સ્નેહા પટેલ – અક્ષિતારક.

૨૮-૩-૧૧.

This entry was posted in શૈલ​જા આચાર્ય. Bookmark the permalink.

5 Responses to શૈલ​જા આચાર્ય-(૧) સ્નેહા પટેલ

 1. vijayshah says:

  સહિયાર સર્જન ની એક વધુ નવલકથા
  શૈલજા આચાર્ય..
  લેખકો સ્નેહા પટેલ, પ્રવિ્ણા કડકિયા, ઇંદિરા શાહ,સપના વિજાપુરા,પ્રભુલાલ ટાટારીઆ અને વિજય શાહ-
  વાંચતા રહેજો

 2. Rajul Shah says:

  સ્નેહા,

  ખુબ સરસ શરૂઆત. આ સહિયારી નવલકથાના દરેક હપ્તા માટે એક આતુરતા જરૂર રહેશે.

 3. sneha h patel says:

  રાજુલદીદી..પ્રોત્સાહન આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર …

 4. vaishali says:

  very very nice beginning…………..

 5. dhufari says:

  દીકરી સ્નેહા
  વાર્તાની માંડણી સારી છે આવી રીતે જ આગળ ચલાવજે તો વિજયભાઇએ શરૂ કરેલ સહિયારૂ
  સર્જનની કલગિમાં એક પીછું ઉમેરાસે.

Comments are closed.