શૈલજા આચાર્ય-૨ વિજય શાહ

હાંફળો ફાંફળો સૌમ્ય મેડી લીંક ઉપર પહોંચ્યો ત્યારે શૈલજા ઓપ્રેશન થીયેટરમાં હતી. સૌમ્યે તેની કંપની નું કાર્ડ અને અન્ય માહિતી આપી અને તત્કાલીન જરુરી કાર્ય વાહી ચાલુ કરાવી. ત્યા બેઠેલા એક અન્ય નર્સે આવીને જણાવ્યું કે શૈલજા અત્યારે ભાનમાં છે પણ બહુ ચીસાચીસ અને રડારોળ કરતા હતા તેથી તેમના શરીરને હંગામી રીતે બહેરું કર્યુછે…ડો પેથોલોજીના રીપોર્ટ જોઇને ઓપરેશન કરશે…
“ સિસ્ટર હું તેને મળી શકું?”
“ હા ડોક્ટર રીપોર્ટ જોયા પછી તમને તેમનાં દર્દની વિગતો સમજાવશે. થૉડીક રાહ જોવી પડશે”
‘પણ સીસ્ટર!” જતી સિસ્ટર પાછળ લગભગ રડું રડું થતો સૌમ્ય કરગર્યો.
હોસ્પીટલનાં એક વોર્ડ બોયે સૌમ્યને પાણી આપી ને કહ્યું ‘તમે બેસો..પાણી પીઓ..અકસ્માત ભયંકર હતો.. તેમને તેમનું કામ કરવાદો.. અને પેશંટ આમેય તમને જોશે તો વધુ રડારોળ કરશે. ડોક્ટર સાહેબ તમને યથા યોગ્ય સમયે તેમને મળવાની અનુમતિ આપશે જ…”
“ પણ જરા વિગતે વાત તો કરો કે તેમને થયું છે શું?”
“જુઓ સાહેબ અકસ્માતનો કેસ છે અને જે ટ્રકે તેમને ટ્ક્કર મારી હતી તો ભાગી ગઈ છે. પોલીસ તેનો પીછો કરે છે. ફ્રંટી વાળા આ બેન ને કમર ઉપર બેઠો માર છે. અને તેમનું આખુ શરીર સુન્ન છે. તાત્કાલીન સારવારો અપાઇ ગઇ છે તેથી હવે ડો જાદવ આવી તેમના એક્ષ રે જોઇને આગળની સારવાર આપશે.
અજંપ મન હજી રોગને સમજવા મથતું હતું.. ત્યાં તેના ફોનની ઘંટડી રણકી..૧૨ વાગી ગયા હતા અમુલ્ય અને નીરજાને સ્કુલે થી લેવાના હતા. અમુલ્ય બોલતો હતો..પપ્પ્પા મમ્મી હજી આવી નથી? ફોન ઉપર તો કોઇ અજાણ્યા ભાઇ એમ બોલે છે કે મમ્મી તો હોસ્પીટલમાં છે. ફોન ઉપર અમુલ્યનું ડુસ્કુ સંભળાયું…તેથી સૌમ્ય કહે હું આવુ છુ રાહ જોજે અને નીરજાને પણ કહેજે મને સી એન પહોંચતા પંદર મીનીટ લાગશે…
ઓપેરેશન થીયેટરમાંથી નર્સ બહાર આવી અને કહ્યું..તેમનું ઓપરેશન શરુ કર્યુ છે..તેમની કરોડરજ્જુને બહુ નુકશાન છે..કદાચ બે કલાક લાગશે. તેમને સંપૂર્ણ બેભાન કર્યા છે.
નર્સ તો સંદેશ આપીને જતી રહી. નીરજા અને અમુલ્યને શાળાથી લેવા માટે સૌમ્ય નીચે પાર્કીંગમાં વળ્યો…તેની સુમો બહાર કાઢ્તો હતો અને ફોન વાગ્યો.ઓફીસમાં થી ફોન હતો…લંચમીટીગ માટે સાહેબ રાહ જુએ છે તેવો સંદેશો સેક્રેટરીએ આપ્યો ત્યારે સૌમ્ય બોલ્યો.. “ શૈલજાને એક્સીડંટ થયોછે કદાચ આજે તે લંચ મીટિંગમાં નહીં આવી શકે.” સેક્રેટરીનાં અન્ય પ્રશ્નો ના જવાબ આપતા આપતા તે સી એન નાં કંપાઉંડમાં દાખલ થયો…
અમુલ્ય અને નીરજા એમની જગ્યાએ હતા અને સુમોમાં તેમને બેસાડી..ઘર તરફ ગાડી વાળી.
“ મમ્મી ને બહુ વાગ્યુ છે?”
“ હા બેટા હોસ્પીટલમાં અત્યારે તેનું ઓપરેશન ચાલે છે.”
“ઘરે ખાવાનું કશું નહી હોય..તમને સેંડવીચ અપાવી દઉં?”
નીરજા કહે “મને તો કંઇ ખાવું નથી..હોસ્પીટલ જઇને મમ્મીને મળવુ છે. અમુલ્ય તારે ખાવી છે સેંડવીચ?”.
અમુલ્ય કહે “ પપ્પા હોસ્પીટલમાં મમ્મીને મળાશે?”
સૌમ્ય કહે અત્યારે તો ઓપેરેશન કરે છે તેથૉ બે એક કલાક પછી જ જવાશે..”
સૌમ્યે રૂપાલી સામે સેંડ્વીચ્ની દુકાને પાર્ક કરતા કહ્યું-“નીરજા ચટણી સેંડવીચ કે સુકીભાજી?”
શનીવારનો સમય હતો અને મેટીની શો છુટી ગયો હતો તેથી સેંડવીચ લેતા વાર ના લાગી પાછળ થી આઈસ્ક્રીમ પાર્લરની દુકાને થી કાજુદ્રાક્ષનું પેકેટ લઇ સૌમ્ય એપાર્ટમેંટ ઉપર પહોંચ્યો. પોલીસે ડેમેજ્ડ ફ્રંટી એપાર્ટ્મેંટ પર પહોંચાડી દીધી હતી.
ફ્રંટીની દશા જોઇને ત્રણેય હત પ્રભ થઇ ગયા.પડોશીઓ અને ગુરખો શૈલજા બેનને કેમ છે તે જાણવા ઉત્સુક હતા.. સૌમ્યે પોતાનો એપાર્ટ્મેંટ ખોલી સૌને અંદર આવવા કહ્યું.
શૈલજા ને કમર ઉપર કરોડરજ્જુનું ઓપેરેશન થઈ રહ્યું છે તેથી કોઇ વધુ માહિતી નથી..શૈલજાની સખીતો લગભગ રડી જ પડી …ફ્રંટી ની દશા જોતા તો લાગતું નથી કે તેઓ બચે..પણ ઉપરવાળો આ બચ્ચાઓની સામે જુએ તેવી પ્રાર્થના કરતા કરતા ગયા. ગુરખો તો વધુ ચિંતીત થઇને કહેતો હતો કે..”સા’બ ફ્રંટી કી દશા દેખતે લગતા નહી કે બહેન બચી હો.”.
સૌમ્યને ખરેખરો આંચકો હવે લાગ્યો…નીરજા સ્તબ્ધ હતી અને અમુલ્ય પણ પેટમાં ગલુડીયા બોલતા હતા પણ મમ્મી ને ખુબ વાગ્યુ છે જાણી ને હવે રડવા માંડ્યો. તેને રડતો જોઇ નીરજા કહે “ ભઈલા તું કેમ રડે છે?”
અમુલ્ય બોલ્યો “ મમ્મીને કંઈ થઇ જશે તો?” નીરજા કહે “ ભઈલા મમ્મીને કશું જ નહીં થાય.. સમય્સર સારવાર મલી ગઈ છે ને તેથી તે સારી થઈ જશે. ચાલ આપણે ભરત મામાને બોલાવી લઈએ..” અને પ્રશ્નાર્થ નજરે સૌમ્ય સામે જોયું.
સૌમ્યે હકારમાં માથુ હલાવ્યુ અને નીરજાએ ભરતમામાને ફોન ઉપર વાત કરી. ઇંદુમામી તરત ટીફીન લઈને ઘરે આવે છે અને તેઓ મેડીલીંક પહોંચે છે. ત્યારે નિરજાએ કહ્યુ અમે લોકો પણ ૩ વાગે પહોંચીશુ.. મામી ને ત્યાંથી અમે સાથે લેતા આવશુ…પપ્પા સેંડ્વીચ લાવ્યા છે અને અમે તે વાપરીને નીકળીશું…
અમુલ્યને તેની જૅમ સેંડવીચ આપી બાપ દીકરી સેંડવીચ ખાવા બેઠા..પણ એમ કંઇ થોડુ ગળે ઉતરે…અમુલ્ય સેંડવીચ ખાઇને આઇસ્ક્રીમ ખાતો હતો ત્યાં ફરી થી ફોન આવ્યો..સૌમ્યનાં મમ્મી ફોન ઉપર ચિંતા કરતા હતા…મુંબઈથી રાતની ગાડી પકડવાની વાત કરે છે.
સૌમ્ય કહે “તમે ઉતાવળ ન કરો…શૈલજાનું ઓપેરેશન પતી ગયા પછી તે ફોન કરશે. જરૂર હશે તો ચોક્કસ બોલાવી લઈશ…ભરતભાઈ અને ઇંદુભાભી આવી જવાના છે.તેની આંખમાં ઝળઝળીયા હતા એ ભીનાશ એના અવાજમાં ડોકાતી હતી..અને સૌમ્યની મમ્મી છાનું છાનું રડતા સૌમ્યનાં રુદનથી વ્યથીત થતા્ં હતાં..હાય! મારા છોકરાને આ કેવી વ્યથા? સૌમ્ય બોલ્યો..મોમ! મને ખબર નથી શૈલુને કેટલી વેદના વેઠવાની છે..મને ખુબજ ચિંતા થાય છે..
મમ્મી પાસેથી ફોન પપ્પાએ લીધો અને સૌમ્ય સાથે થોડી વાત કરીને બોલ્યા..”તારી મમ્મીને હું અત્યારે પહેલું પ્લેન લઈએ છે..અમારાથી આવે પ્રસંગે બેસી ન રહેવાય.. અને છોકરાઓને સ્કુલ અને તારે કામે જવાનું તેથી ઘરનું માણસ જોઇએ…”
સૌમ્યને પહેલી વખત સારું લાગ્યુ. તે ફોન ઉપર હીબકે ચઢ્યો..
નીરજાને કોણ જાણે કેમ પપ્પાની આ રીત ના ગમી. તે પાણી લઈ સૌમ્ય પાસે આવી અને બોલી પપ્પા ૩ વાગે આપણે મમ્મીને મળવા હોસ્પીટલ જઇએ છે ને? તેના અવાજમાં શૈલજા નો ઠસ્સો હતો.તે સૌમ્ય તરત સમજી ગયો અને બોલ્યો..” હા દિકરા તારી વાત સાવ સાચી છે.કાલપનીક દુઃખોનાં ઘોડા દોડાવતા પહેલા વાસ્તવિકતાને જાણવી જોઇએ…”
“પપ્પા તમને બા દાદા સાથે વાત કર્યા પછી જે હિંમત મળવી જોઇએ તેને બદલે તમે તો પોચકા મુકવા માંડ્યા.”
“ હા બેટા પોતાના માણસને વેદના થાય છે તેટલું જાણ્યા પછી એ વેદના મન ને પણ થવામાંડે તો તે પ્રેમ છે બેટા.. તેને સમજવા માટે કદાચ તુ હજી નાની છે.”
“ મને પણ પીડાતી મમ્મીની કલ્પનાથી મન ભરાઇ આવે છે પણ હજી વ્યવહારુ બનવુ અને પરિસ્થિતિ સમજવી જરૂરી છે .ચાલો આપ્ણે નીકળીયે.. થોડાક વહેલા હોઇશું તો કોઇ આવ્યુ હશે તેમની સાથે વાત થશે.” એજ શૈલજા નો લહેકો..સૌમ્ય મનમાં બબડ્યો…અમુલ્ય પણ ઢસડાતો હોય તેમ નીરજાની સાથે ચાલતા ચાલતા બોલ્યો “દીદી મમ્મીને સારું થૈ જશેને?”
યંત્રવત સુમો એપર્ટમેંટ માં થી બહાર નીકળી અને મેડીલીંકમાં પહોંચી ત્યારે સૌમ્ય અકસ્માતની લોહીયાળ સચ્ચાઈ જાણવા મનથી તૈયાર થઇ ગયો હતો. ભૂતકાળનાં ઘણાં પ્રસંગો ઉભા થવા મથતા હતા.. પણ આજે તો એક જ સચ્ચાઇ હતી અને તે શૈલજા આઈ સી યુમાં છે તેનું ઓપેરેશન ચાલી રહ્યું છે…અને પેલા ગુરખાની વાત તેના મનમાં પડઘાતી હતી..”સા’બ ફ્રંટી કી દશા દેખતે લગતા નહી કે બહેન બચી હો.”.
વેઈટીંગરૂમ માં દાખલ થયા ત્યારે નર્સે જણાવ્યું બેન ને સારું છે..ઓપેરેશન પુરુ થવામાં જ છે. નીરજાએ પપ્પા સામે અર્થ્પૂર્ણ રીતે જોયુ..અને જાણે કહેતી હોય જોયું પપ્પા ત્યાં અંધેર નથી?”
મૂક સંમતિ આપી સૌમ્ય બીજી બાજુ જોઇ ગયો..
અમુલ્ય એક ખુરશીમાં ચુપ ચાપ બેઠો હતો.. તેની ઉંમરનાં પ્રમાણમાં તેને પ્રશ્નો ઉઠતા અને નીરજા એની સમજ પ્રમાણે જવાબ આપતી પણ કેટલાંક પ્રશ્નો તો એવા હતા કે તેનો જવાબ નીરજાને પન નહોંતો આવડતો,,ત્યારે એક બ્રહ્મવાક્ય આવી જતું ‘” હોસ્પીટલમાં મમ્મીને સમયસર સારવાર મળી છે ને તેથી બધુ સારું થૈ જશે ભઈલા.. થોડીક રાહ જો..’ અને અમુલ્ય કહેતો.. “મને તો મમ્મીની સાથે વાત કરવી છે.. એ ક્યારે આવશે?” તેના આ પ્રશ્ન નો જવાબ નીરજા, ભરત મામા અને ઇંદુમામી દસ વખત આપી ચુક્યા હતા…”બસ હવે આવી જશે..” પણ હજી સુધી કેમ આવી નથી? તે વ્યથા તેના નાના મગજને રંજાડતી હતી. વળી વાતો વાતોમાં કોઇક નર્સ બોલી કે હવે જીવનું જોખમ નથી..ત્યાર પછી એ વધુ અજંપ થઇ ગયો.. એના બાલ માનસમાં મમ્મી નો જીવ પણ જતો રહી શકે તેમ હતો તેનાથી તેને બીક લાગવા માંડી હતી…મમ્મી ના હોય તેવી તો કલ્પના ક્યારેય કરી નહોંતી..
નીરજા જોઇ રહી હતી કે અમુલ્ય ડરે છે તેથી તેની સાથે વાતો કરી તેનો અને પોતાનો ડર દુર કરવા બોલી..” ઇન્દુ મામી આ અમુલ્ય જુઓને મમ્મી ને કંઈ થઇ જશે કરીને ડરે છે તેને સમજાવોને કે મમ્મીને સારું છે…”
એટલે અમુલ્ય બોલ્યો.. ન મને કંઈ ડર નથી લાગતો પણ હવે બહુ થયું મારે મમ્મીને જોવી છે…”
ઇંદુમામી કહે “ બેટા પ્રભુએ તમારી સામે જોયું છે.. મમ્મી ભગવાનનાં દ્વારેથી પાછી આવી છે”
નીરજાએ મામીની વાતમાં ટહુકો કરીને કહ્યું “ હા ભૈલા મમ્મીને હવે સારું થૈ જશે.”
થોડોક સમય વીતી ગયો.. ત્યાં પેલી નર્સ હાંફળી ફાંફળી આવીને કહે શૈલજા બહેનનું બ્લડ ગ્રુપ “એ” છે…કદાચ વધુ લોહીની જરૂર પડે..તમારામાં થી કોઇ લોહી આપી શકશે?
ભરતભાઇ એ અને સૌમ્યે તૈયારી બતાવી…
ઇંદુબહેને નર્સને પુછ્યું “ ઓપરેશન તો સફળતાપૂર્વક પતી ગયુ છે ને?”
નર્સ કહે “ આ તો તકેદારી છે..અને મોતનાં મોંમાંથી પાછા લાવવા અમારે કોઇ પણ વસ્તુની શરતચુક ના થાય તે જોવાની જવાબદારી છે”
સૌમ્ય નર્સની વાત સાંભળી રહ્યો હતો તેથી તેમની પાસે જઈને નર્સે કહ્યું તેમને ૧૬૦ ટાંકા છે અને અત્યારથી ૭૨ કલાક આઇ સી યુ માં ઓબ્ઝર્વેશન માં રહેશે…ઓ.એન.જી.સી નું પીઠબળ છે તેથી પેશંટ બચવાની શક્યતા ના હોત.
હમણા દસેક મીનીટમાં ઓપરેશન પતી જશે અને તેમને આઇ.સી. યુ. માં દાખલ કરાશે. તમારી સાથે દર્દીનાં રોગ વિશે અને તેમ્ની સાર સંભાળ માટે જરૂરી વાતો ડો જાધવ સાહેબ તેમની કેબીનમાં કરશે.
નીરજાનાં રડું રડું થતા ચહેરાને જોઇ નર્સે તેના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું બેટા તારી મમ્મીની મમ્મી થજે..અને તારા ભઈલાને જાળવજે…પ્રભુએ નાની ઉંમરે માની સેવા કરવાનો મોકો આપ્યો છે. અને અમુલ્યને કહે તારી મમ્મી બચી ગઈ છે.. ડાહ્યો દીકરો થજે..નર્સ માથા ઉપર હાથ ફેરવીને જતા રહ્યા.. પણ ત્રણેય જણાનાં ચહેરા ઉપર હજારો પ્રશ્નાર્થ ચિન્હ પેદા કરી ગયા…
૦-૦
બરોબર સાડા ત્રણ વાગે રોલીંગ સ્ટ્રેચર ઉપર શૈલજાને લૈને ઓર્ડર્લી આવ્યા અને લીફ્ટમાં ત્રીજે માળે લૈ જતા હતા ત્યારે બેહોશ શૈલજાને બધાએ જોઇ..ઓક્ષીજન અને ગ્લુકોઝ, સલાઈન ચાલુ હતો અને સાઈડ ઉપર તેને સુવાડી હતી.તેનો પીડા ગ્રસ્ત ચહેરો જોઇ ભરતભાઇનો સમતાનો બંધ તુટી ગયો. “મારી નાની બેન ને આટલું બધું દુઃખ!..’
અમુલ્ય એક વાત સમજી ગયો હતો.. મમ્મીનો આ રોગ નાનો નથી અને જલ્દી મટવાનો નથી.અને તેથી મમ્મીને જોતા જ નીરજાનો હાથ જોરથી પકડી લીધો..નીરજા પણ આજ અનુભવમાં થી પસાર થી રહી હતી..ઇન્દુમામીએ તેની આંખમાં જાગેલા ભયને ભાળી લીધો અને ભરતને કહ્યું તમે સૌમ્યભાઇ સાથે આવજો હું આ બંનેને લઈને ઘરે જઉં છું.
પાછા વળતા ઇન્દુમામી એ ફીયાટ ઘર તરફ વાળી…નીરજાને રડવું હતું.. પણ રડાતું નહોંતું.. નાના અમુલ્યને સાચવવો પડે તેમ હતો…તેણે ઇન્દુ મામીને પુછ્યું “ મમ્મીને સારુ થઇ જશેને?”
ઇંદુમામીએ કહ્યું “તારી મમ્મી તો બહુ બહાદુર છે…બસ તારા જેટલીજ હતી જ્યારે હું પરણીને ઘરે આવી ત્યારે…ઘરમાં રસોઇ, નિશાળનાં ટ્યુશનો અને બાને ખાવાની બહુ તકલીફ.. છતા બધું તે કરે અને પાછી મને કહે ભાભી..તમને કંઈ કામ હોયતો કહેજો.. હુંતો આમ ચપટી વગાડીને કરી નાખીશ”.
“ મામી હું પણ બધું કરું છું પણ અમુલ્યની મને બીક લાગે છે.તેને કેવી રીતે સાચવીશ?”
“ અરે નીજુ બેટા તારે એકલીને ક્યાં સાચવવાનો છે? પપ્પા છેને? અને મમ્મીતો આમ જ સાજી થૈ જશે…”
“પણ મામી..”
“ જો બેટા એક વાત સમજ.મમ્મીને કમર્માં દુખાવો રહેશે.. એટલે તેમાં ત્રાસ થાય તેવું કંઇ એને કરવા નહીં દેવાનું.. બાકીતો તે બચી ગઈ તેજ સૌથી મોટી પ્રભુ કૄપા..”
અમુલ્ય આ બધું સાંભળતો હતો અને બોલ્યો..
’એટલે એનો અર્થ એવો થયોને કે મમ્મી મરી જતા જતા બચી છે?’
“હા. પણ હવે તે કાળ જતો રહ્યો.. હવે તો મમ્મી સાજી થાય એટલી જ વાર!”
અમુલ્યનું નાનું માનસ મોટી મસ સમસ્યા સમજ્વા મથતું હતું અને મમ્મી ના હોય તો શું થાય તે વાતો વિચારી વિચારી થાકી ગયું…એપાર્ટમેંટમા ફીયાટે વળાંક લીધો અને ઇંદુ મામી એ એપાર્ટ્મેંટ ખોલ્યુ…
૦-૦
ડો જાધવની ઓફીસ સ્વચ્છ અને સુઘડ હતી.
ભરત અને સૌમ્ય તેમની રાહ જોતા હતા.સામેની બાજુએ તેમની ડીગ્રીઓ અને અવોર્ડો હતા.બીજી બાજુની ભીંત ઉપર કર્મણ્યે વાધીકારસ્તેનું ગીતા જ્ઞાન ગાતું ચાંદીનાં રથનું મોટુ અને આકર્ષક પોટ્રેટ હતુ.તેની સામેની ભીંત ઉપર એક્ષ્રરે ચેક કરવાનું કબાટ હતુ.
ઓપરેશન ના સમયે જે નર્સ બહેન બધી માહિતી આપતા હતા તે નર્સ બહેન સાથે ડો જાધવ, ૪ નાં ટકોરે ઉપસ્થિત થયા.
સૌમ્ય સાથે હાથ મિલાવતા કહે” મારે લીધે રાહ જોવી પડી હોય તો મને દર્ગુજર કરજો..પન શૈલજાનું ઓપેરેશન એક મોટી કટોકટી હતી. મારી સાથે છે તે બહેન ચિત્રા પટેલ.. અમારા સમય્નાં નર્સ છે અને મને તેમને લીધે ઘણી રાહત છે.
ભરતભાઇ તમારા નાના બહેન એક કટોકટીમાં થી બચી ગયા છે પણ તેની પાછળ આવતી ઘણી બધી નવી તકલીફો માટે સજ્જ કરવા અત્યારે તમારી સાથે વાતો કરીશ.
અકસ્માતે તેમની કરોડ રજ્જુને નુકસાન કર્યુ છે અને તેને કારણે તેમનામાં શારિરિક અને માનસિક તકલીફો આવનાર છે તે અને તેનો કેવી રીતે સામનો કરવાની ચર્ચા કરવી છે.પણ તે શરું કરતા પહેલા તમને ખબર છેને કૄષ્ણ ભગવાને આ સંદેશ કેમ આપેલો?
સૌમ્યે માથુ હલાવ્યુ અને ચિત્રા બહેને ચર્ચાનો દોર પોતાના હાથમાં લીધો “ હમણા તો શૈલજા બહેનનો કમરનો ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો મણકો અકસ્માતમાં દબાયેલોછે અને તે દબાણ
દુર કરી અમે તેમેને નવું જીવન તો આપ્યું છે પણ અમે કેટલા સફળ તેતો ૭૨ કલાકે જ ખબર પડે.
આ દબાણ ની અસર ક્યાં અને કેવી રીતે પડે તે પએલા સમજી જાવ એટલે રોગ વિષેની તકલીઓ સમજાય.
હાલમાં શૈલજાનાં ઐચ્છીક અંગો જેવાકે હાથ પગ,ને સ્નાયુઓને સતર્ક રાખતી જ્ઞાન રજ્જુઓ દબાઇ ગઈ છે જે મણકા ૩ થી ૬ દબાય છે તેને લીધે થયું છે.બાકીનાં અવયવો જેવાકે નાક , કાન આંખ હ્રદય કીદની વગેરે ઉપર કોઇ અસર નથી.
શૈલજા બહેન ને આ નુકસાન વિષે પહેલા જ્યારે ખબર પડશે ત્યારે તે સત્યને પચાવતા તેમની માનસિક હાલત ખુબ જ કથળેલી હોય તે સમજી શકાય તેવી વાત છે. હવે ડોક્ટર જાધવે વાત પોતના હાથમાં લેતા કહ્યું. આવા દર્દીઓનાં કેસમાં દર્દી અને તેમની આજુ બાજુનું વાતાવરણ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.
મારી સલાહ એવી છે કે તેમને નકારાત્મક ચર્ચા કરતા સર્વે પરિબળો થી તેમને મુક્ત કરી દેજો.
ભરતભાઇ અને સૌમ્ય ડોક્ટરનો આભાર માનીને ઘરે જવા નીકળ્યા.

This entry was posted in શૈલ​જા આચાર્ય. Bookmark the permalink.

2 Responses to શૈલજા આચાર્ય-૨ વિજય શાહ

  1. sneha h patel says:

    vaah vijaybhai..khub saras jamavi varta to tame…congrts

  2. dhufari says:

    શ્રી વિજયભાઇ
    લગભગ ધારી હતી એ જ ગતિમાં વાર્તા આગળ ચાલે છે

Comments are closed.