શૈલજા આચાર્ય ૩ સ્નેહા પટેલ

સૌમ્યની માનસિક હાલત ડામાડોળ હતી..એની નજર સામે વારંવાર શૈલજાનું પાટાપીંડીવાળુ અને પરવશ તનવાળુ દ્રશ્ય ફરતું જતું હતું. ભરતભાઈએ એને થોડો આરામ આપવાનું વિચાર્યું પણ એને જાતે ગાડી ડ્રાઈવ કરીને ઘરે જવા દેવાય એમ હતું નહીં અને અહીં શૈલજા પાસે પણ એને એકલો મુકવાનો મતલબ નહતો. મનોમન ભરતભાઈ પોતાના આવા પોચકા જીજાજી પર અકળાઇ ગયા.મુસીબતના સમયે મરદના બચ્ચાની જેમ સામી છાતીએ લડત આપવાની બદલે આ તો સાવ જ પાણીમાં બેસી ગયો છે..મનોમન બે ચાર અપશબ્દ પણ બોલાઈ ગઈ. પણ અત્યારે આ બધી વાતોનો કોઇ જ મતલબ નહતો. ખાલી મગજ ઠંડુ રાખીને આ સમસ્યામાંથી બને એટલા ઓછા નુકશાન સાથે બહાર નીકળવાનું હતું. એટલે જ ભરતભાઈએ સૌમ્યને ઘરે પહોંચાડી અને પોતાનો જરુરી સામાન લઈને હોસ્પિટલ પાછા આવી શૈલજા પાસે રોકાવાનો નિર્ણય કર્યો.

આખા રસ્તે સૌમ્ય ચૂપચાપ બેસી રહ્યો. ખાલી ખાલી નજરથી કાચમાંથી બહાર સિમેન્ટીયા શહેરના સ્ફાલ્ટની સડકો પર પૂરપાટ વેગે બેજવાબદારીથી દોડતા નાના મોટા વાહનો નિહાળતો રહ્યો. આવી બેજવાબદારીને લીધે જ એની શૈલુનો આવો જીવલેણ અકસ્માત થયો ને… એને બહાર ભાગતા બધા વાહનોના ચાલકો પર ગુસ્સો આવી ગયો.

૦-૦

ઘરે જઈને લૂઝ લૂઝ ખાઈને નાઈટ ડ્રેસ..ટુથબ્રશ..નેપકીન..એક ચાદર..જેવી નાની નાની વાતો યાદ રાખી રાખીને ઇન્દુને ’ગુડનાઈટ..જય શ્રી ક્રિશ્ના ’ કહીને ભરતભાઈ ઘરના ઊંબરે પહોચ્યા જ હશે કે પાછળથી ઇન્દુબેને બૂમ પાડી..
’અરે…એક મિનિટ ઊભા રહો તો જરા..” અને દોડતી’કને એ બારણે આવી.
’શું થયું ઇન્દુ..’
’આ તમારી બ્લડ પ્રેશરની ગોળી તો લેતા જાઓ..રાતના ઊજાગરા થશે અને પ્રેશર પાછું કંટ્રોલ બહાર જશે
તો તકલીફ઼ થઈ પડશે આવા સમયે તો આપણે દર્દીની જોડે આપણું પણ એટલું જ ધ્યાન રાખવું પડે..નહીં તો હોસ્પિટલમાં એની બાજુમાં બીજો ખાટલો આપણો જ ઢળી જાય..એક તો તમે માનતા નથી …હું તો કહું છું કે આ સૌમ્યભાઈને પણ જોડે લઈ જાઓ…એક કરતાં બે ભલા રહેશે..મારે આ છોકરાઓની જવાબદારી છે…એમના બા-દાદા આવી ગયા હોત તો તો હું જ આવી જાત તમારી જોડે…”
અને ભરતભાઈ હેતાળ સ્મિત સાથે પોતાની પ્રેમાળ પત્નીને ચૂપચાપ જોઇ રહ્યાં..ધીરેથી બોલ્યાં,
’શું કામ ચિંતા કરે છે..આ ગજવેલની છાતીવાળા મરદ ’પતિ’ પર ભરોસો નથી કે..સૌમ્ય ત્યાં આવે છે અને નકરી અર્થહીન વાતો વિચારી વિચારીને ત્યાંનું આખું વાતાવરણ ડહોળી કાઢે છે. ચારે બાજુ નકરી નકારાત્મક ઉર્જા જેવું જ અનુભવાયા કરે છે અને મારે અત્યારે એ નથી જોઈતું. થોડા દિવસ તો હું ખેંચી કાઢીશ..પછી જોયું જશે. પ્લીઝ…મગજ પર થોડો સંયમ રાખી લેજે. હા..એના મમ્મી પપ્પા આવે પછી તું આવજે. એ વાત તારી બરાબર છે..ચાલ રજા લઊં..ત્યાં શૈલજા જોડે કોઈ જ નથી…જય શ્રી ક્રિશ્ના..”અને ઇન્દુબેન સજળ નેત્રે એમના આ ભડ પતિની પીઠને તાકી રહ્યાં..

0-0

સૌમ્યનાં પપ્પા મમ્મી આવી ગયા પછી સૌમ્ય જરા હળવો થયો.. ઘરથી હોસ્પીટલનાં આંટા ફેરા જાણે સહ્ય બન્યા. ભરતભાઇ અને ઇંદુબેન ને પણ થોડો હાશકારો મળ્યો રવિવાર જતો રહ્યો અને સોમવારે છોકરાને નિશાળે મોકલ્યા પછી ઇંદુબેને જરા રસોડામાં હાશનો શ્વાસ લીધો. શૈલજાનું રસોડું ઇંદુબેન માટે નવું તો નહોંતું પણ વેવાઇ અને વેવાણ ને સાચવવાના અને સૌમ્યભાઇને શોક્માંથી બહાર કાઢવા કંઇક અને કંઇક મથતા રહેવું પડતુ..જો કે તે કામ હવે સૌમ્યનાં મમ્મી કરતા અને હિંમત રાખવા જાત જાતનાં અનુભવો આપતા…

શૈલજાને હોશ આવી ગયા હતા.મેડીલીંકના દર્દીઓના હલ્કા ભૂરા ડ્રેસમાં આવી હાલતમાં પણ એ સોહામણી લાગતી હતી. રુમમાં અત્યારે કોઈ જ નહોતું.એ.સી.રુમમાં કાચની બારીઓ કેસરી રંગના પડદાથી ઢંકાયેલી હતી. રુમમાં દિવસના સમયે પણ લાઈટો ચાલુ કરેલી હતી. કુદરતા વાતાવરણમાં જીવવા ટેવાયેલી શૈલજાને આ અંધકારભર્યા ક્રુત્રિમ વાતાવરણથી અકળામણ થઈ ગઈ. મન થયું કે ઉભા થઈને એ પડદા ખોલી નાંખે..બહારની દુનિયાની હલચલ સાથે થોડા ડગલા ચાલીને ગતિનો આનંદ માણી લે…પણ અફ઼સોસ..એનાથી પોતાના પગની આંગળી સુધ્ધાં હલાવી શકાતી નહોતી..વળી ડોકટરોની કાને પડતી ગુસપુસથી એને પોતાની પરવશ હાલતનો થોડો અંદાજ પણ બંધાતો જતો હતો. એને છુટ્ટા મોઢે રડવું હતું પણ કદાચ આંખના આંસુ પણ અકસ્માત પછી પરવશ થઈને સુકાઇ ગયેલા લાગતા હતાં. ભરપૂર પ્રયત્નો પછી પણ આંખોમાંથી બહાર આવતા જ નહોતાને..સુકીસુકી આંખોથી એણે રુમની છત તરફ઼ નજર નાંખી…છત એકદમ સફ઼ેદ હતી. એક પણ દાગ નહતો.
આંખોને એ.સી. ના બંધિયાર વાતાવરણમાં એ ચોકખાઈ સારી લાગી. ત્યાં પંખાના પવનની લહેરખીથી પેલો કેસરી પડદો થોડો ઊડ્યો અને શૈલજાની આંખે બહારની દુનિયાની એક ઝાંખી કરી લીધી..એક જોરદાર નિસાસો છાતીમાંથી પડઘાયો..શું હવે એ કદી આ દુનિયામાં પાછી નહી ફ઼રી શકે..પોતાના પગ પર ઊભી નહી રહી શકે… નાની નાની વાતો માટે હવે એણે બીજાઓ ઉપર આધાર રાખવો પડશે એ વિચારે જ એના રોમેરોમ ધ્રુજારી વ્યાપી ગઈ. આવી પંગુતા એને નસીબે જ કેમ લખાઈ?

વિધાતાને એની જોડે જોડાયેલી બે માસૂમ જીંદગીનો પણ વિચાર નહી આવ્યો હોય..? અમૂલ્ય તો હજુ કેટલો નાનો છે..એની બૂટની દોરી સુધ્ધાં એને બાંધતા નથી આવડતું વળી નીરજા..એની લાડકવાયી…આ જ તો ઉંમર છે કે એને માની ખાસ જરુર પડે..માના રૂપમાં એને પોતાની બહેનપણી મળી જાય તો એને યોગ્ય માર્ગદર્શન અને માવજત મળી શકે એના બદલે એને માથે પોતાની જવાબદારીના ખડકો ખડકાઇ ગયા. નાનપણમાં પોતે જેમ એને કોળિયા ભરાવેલા એમ હવે એ પોતાને ભરાવશે..પોતે નીરજાના વાળ ઓળી આપતી હતી એમ એ હવે એના વાળ ઓળી આપશે.. પોતે એને જેમ ચણાનો લોટ અને મલાઈ ઘસી ઘસીને નવડાવતી હતી એમ…આગળની સ્થિતિ વિશે વિચાર કરવાની એનામાં તાકાત જ ના રહી..ઓહ..આ તો પોતે દિકરીને પોતાની મા બનાવીને એની પાસેથી બધુ વસુલ કરશે એવી હાલત થઇને ઊભી રહી છે.. એ નાજુક શી છોકરી આ બધી પરિસ્થિતીનો સામનો કેવી રીતે કરશે..? એના ભણતર પણ જવાબદારીઓનો ગિલેટ લાગી જશે હવે..
હે ભગવાન આમ અડધી મરેલી જીવતી રાખી એના કરતા તો તેં પૂરી જ મારી કાઢી હોત તો શું વાંધો હતો..આ તારો કેવો ઇન્સાફ…ગયા ભવના મારા એવા તે કયા કર્મો મને અત્યારે નડી રહ્યા છે એ જ નથી સમજાતું..
આહ..!!

અને એના મોઢામાંથી ગરમા ગરમ લ્હાય જેવા નિસાસાઓ સરી પડયાં. એ જ સમયે પડદો ફરી ઉડ્યો. બહાર વરસાદ પડતો હતો. બારીના કાચ પર એક ધુંધ પ્રસરેલી હતી. જાણે અંદરથી શૈલજાના આ ગરમ લ્હાય જેવા નિસાસાઓ વરસાદમાં વરાળ થઈને કાચને ધુંધળાવી ગયા ના હોય.. એને પોક મૂકીને છુટ્ટા મોઢે રડવું હતું પણ આંખમાં આસુ આવતા જ નહોતા..પોતાની આંખના આંસુ પણ હવે એ જાતે નહી લુછી શકે…હા એવું જ હશે…એટલે જ કદાચ ભગવાને એની આંખોના આંસુ સૂકવી કાઢ્યા હશે…!!!!!
ત્યાં તો આંખોમાંથી એક આંસુ ‘ટપ’ દઈને એના ઓશિકા પર ટપકી પડ્યું… અને શૈલજાએ બાકીના આંસુઓને ખાળવા પોતાની આંખો મહામહેનતે જોરથી ભીંસી દીધી…

૦-૦

સૌમ્ય પથારીમાં આડો પડ્યો. હોસ્પિટલની દોડાદોડ, સ્પીરીટની ગંધાતી ઉબાઉ તીખી વાસ, શૈલજાને સામે પથારીમાં પરવશ હાલતમાં સતત જોઈ જોઈને થાકી ગયેલી આંખો..ડોકટરોની દોડા-દોડ… સિસ્ટરોની શિખામણોની વણઝાર…સલાઇનના બાટલા પર સતત ધ્યાનશીલ ચાંપતી નજર..એક્સ રે ની ખાખી ફ઼ાઇલોના ઢગલા..દવાઓના લિસ્ટ અને હોસ્પિટલના બિલોથી સતત ભારે થતું ખીસું…આજે ઘરના પલંગ પર પણ એ બધું એનો પીછો નહોતું છોડતું. આ ડોકટરોની તો આવી ટેવ જ હોય છે.દર્દીઓના ખીસા કઈ રીતે ચીરવા એ જ ભાંજગડમાં રહેતા હોય છે..બાકી મારી શૈલુને કંઇ આખી જીંદગીની બિમારી ગળે થોડી વળગે..? એ તો ભગવાનની માણસ છે..એનું ખરાબ ઉપરવાળો કઈ રીતે થવા દે…? આ તો એ બહાને જેટલા દિવસ દર્દી હોસ્પિટલમાં વધુ રોકાય અને રુમોના ભાડા અને બિલો જે વધારે મળે…બસ આ જ માનસિકતા હોય આ લોકોની..એક વાર મન થાય છે કે બીજા કોઈ ડોકટરને પણ ’કનસલ્ટ’ કરીએ..’સેકન્ડ ઓપીનીયન’માં શું વાંધો છે..હા કાલે એમ જ વાત કરીશ ભરતભાઈને..આમ ને આમ જ વિચારોમાં સૌમ્યની આંખો નીંદ્રાદેવીને શરણે થઈ ગઈ એનું ધ્યાન જ ના રહ્યું.

૦-૦

ભરતભાઈ… હોસ્પિટલ પહોચ્યા. અને લીફ઼્ટમાં જતાં વેંત જ લિફ઼્ટ્મેનના ’પાસ તો બતાડો સાહેબ’ ના અવાજે વિચાર તંદ્રામાં થી જાગ્યા..

“અહ્હ…હા..હા…એક મિનિટ..’ અને પેન્ટના ખીસા ફ઼ંફ઼ોસીને પર્સ સાથે બહાર આવી ગયેલા લીલાપાસના લિફ઼્ટમેનને દર્શન કરાવ્યા.લિફ઼્ટ સીધી ત્રીજા માળે પહોંચી.રુમનં. ૩૦૩ના દરવાજે જતા પહેલાં ભરતભાઈ થોડા અટક્યાં. જાતને સધિયારો આપ્યો અને સમજાવી કે શૈલજા સામે એમણે સહેજ પણ ઢીલા પડવાનું નથી. એમની લાડકી બેનાની હાલત યાદ આવતાં આંખના ભીના થઈ ગયેલા ખૂણા શર્ટની બાંય પર લૂછી કાઢ્યાં અને હળવેથી દરવાજો ખોલતાં’કને અંદર પ્રવેશ્યાં.

અંદર ડ્યુટી પરનો એક શિખાઉ ડોકટર શૈલજાનું પ્રેશર ચેક કરી રહ્યો હતો અને એની સાથે આવેલી નર્સ સલાઇનનો ખાલી થવા આવેલો બાટલો પતે એટલે બીજો ચડાવવા માટે રાહ જોતી હ્તી. એના બીજા હાથમાં સલાઇન અને દર્દશામક દવાઓના નાના બાટલા અને ફ઼ાઈલ પકડેલા હતાં..

“હ્મ્મ..આમ તો બધું બરાબર છે..તમે બોલો બેન..તમને શું તકલીફ઼ થાય છે..?” ડોકટરે કાનમાંથી સ્ટેથોસ્કોપ કાઢતા શૈલજાને પુછ્યું.

જવાબમાં શૈલજાના મૌન બિડાયેલા હોઠ, સજળ નજર નિઃશબ્દ રહીને જે વ્યથા કહી ગઈ એનું તાદ્રશ્ય ચિત્રણ કરી શકાય એવા શબ્દો બારાખડીના અક્ષરોમાંથી પ્રગટતી કુંઠિત ભાષામાં આ દુનિયામાં હજુ ક્યાં બન્યા જ છે..? એણે ડોકટરની સામે જોયા જ કર્યું…ડોકટર પણ એક પળ તો એ નજરમાં રહેલા ભાવથી હાલી ગયો. આમે એ શિખાઊ હતો. હજુ એનામાં અનુભવી ડોકટરો જેટલી જડતા પ્રવેશી નહોતી. એટલામાં બાટલો ખાલી થઈ ગયો અને નર્સે પોતાની ડ્યુટી બજાવવાની ચાલુ કરી
એટ્લે પેલો ડોકટર એક હાશકારાના ભાવ સાથે જ ભરતભાઈને બહાર આવવાનો ઇશારો કરીને બહાર નીકળી ગયા. સૌમ્ય કાર પાર્ક કરીને ત્યાં આવી ગયો
હતો.

બહાર રીસેપ્શન ટેબલ પર પહોચીને ડોકટરે ભરતભાઈને કહ્યું કે,”સોરી સર, હમણાં જ મોટા ડોકટર આવીને બેનને તપાસીને ગયા..મસાજ. આઇ વી ફ્લ્યુઇડ અને દરેક પ્રકારનાં ટેસ્ટ જોઈને તેઓ એ નિર્ણય પર પહોચ્યા છે કે દર્દીનો ડોકથી ત્રીજો ચોથો પાંચમો અને છઠો મણકો તેમની જ્ઞાન રજ્જુને બચાવવા ને બદલે દબાવીને બેઠા છે. તેથીઆખુ શરીર કોમામાં છે. જોકે અનૈચ્છીક સ્નાયુઓ કે જેના ઉપર કરોડરજ્જુનું આધિપત્ય નથી તે બધા ચાલે છે. એક્ષરે કહેછે કે શૈલજા ના એ ૪ મણકાનું દબાણ હટાવવાનાં પ્રયોગો કર્યા સિવાય એની કોઇ જ દવા નથી. વળી આવા  કેસમાં રીકવરીના ચાન્સીસ બહુ જ ઓછા… છે જ નહી એમ કહું તો પણ ચાલે..ભગવાનને પ્રાર્થના કરો..કદાચ કોઇ સારો રસ્તો નીકળી પણ આવે. સાવ જ છેલ્લી પાટલીના આવા નિદાનથી ભરતભાઇ માથે હાથ મૂકીને બાજુના સોફ઼ા પર જ બેસી પડયાં. તંદુરસ્ત અને જુવાન શૈલજાને આમ પરવશ હાલતમાં જોવી એ એક ભયાનક દુઃસ્વપ્ન જેવું જ ભાસતું હતું.

સૌમ્યને તો નર્સનાં સ્વરૂપમાં યમરાજા બોલતા જણાયા કાશ.. કાલે સુરજ ઉગે અને ચમત્કાર થઈ જાય અને શૈલજા પાછી યથાવત પહેલાંની જેવી જ હસતી રમતી થઈ જાય..પણ સમય આગળ કોઈનું ચાલ્યું છે કે..બહુ મોટો કારીગર છે એ…એનું મન શૈલજાને પીડાતી જોઇ શકતું નહોંયુ..પણ કોઇ રસ્તો પણ દેખાતો નહોંતો. તેની મમ્મી તેને કહેતી હતી..જેનો ઉપાય નહી તેને તો ભોગવ્યે છૂટકો

૦-૦

નીરજા અને અમૂલ્ય ‘૬’ બાય ‘૬’ના ડબલ બેડમાં સુતા હતા. અમૂલ્યની બાળક્બુધ્ધિને તો હજુ એની મમ્મીની આ હાલત વિશે કંઇ સમજણ જ નહોતી પડતી. વારંવાર એ નીરજાને જાતજાતના પ્રશ્નોની ઝડી વરસાવીને મૂંઝવી દેતો હતો.
‘તે હેં દીદી…મમ્મી ક્યારે પાછી આવશે? મારે ૧૫મી પહેલાં સ્કુલનો એક પ્રોજેક્ટ સબમીટ કરવાનો છે. આજે ૮મી તો થઈ. જોકે એકાદ દિવસમાં પણ એ પતી જશે..માય મમ્મી ઇઝ ગ્રેટ..’
નીરજાની બુધ્ધિમાં આ પરિસ્થિતી વિશે હજુ થોડી અવઢવ હતી. સાંજે જમીને નેટ પર બેસીને એણે કરોડરજ્જુની તકલીફો વિશે ખાસુ એવું વાંચેલું અને અભ્યાસ કરેલો. જેમ જેમ એ પોતાના પ્રશ્નોના ઉત્તરો મેળવતી ગઈ એમ એમ એની મૂંઝવણ વધતી ગઈ. આવનારા ભવિષ્યનું જે ચિત્રણ ઊભુ થતું હતું એ અત્યંત બિહામણું ભાસતું હતું. મેળવેલા પ્રશ્નોના ઉત્તરો એના માટે પ્રશ્નોની હારમાળા સર્જતા ગયા. એની જુવાનીની સ્વપ્નિલ અને મેધધનુષી જીંદગી સામે એક અધમરેલું વૃક્ષ આવીને અડીખમ જીદ્દી થઈને ઊભું રહી ગયુ હોય અને એ વ્રુક્ષને ફરીથી જીવતું કરવા માટે પોતાના લીલાછમ સ્વપનાઓ એમાં સીંચવા પડશે..એની બલિ ચડાવી દેવી પડશે. પોતાના ભાવિની આ બિહામણી છબી એને રાતના અંધકારમાં વધુ બિહામણી લાગી. ત્યાં તો અમૂલ્યના કંટાળેલા અને થોડા ઊંઘના ઘેન ભર્યા અવાજે એની આ વિચારશ્રિંખલા તોડી..’બોલને દીદી..મમ્મીને કેટલો સમય લાગશે ઘરે આવતા..??’

નીરજા થોડી અકળાઇ ગઈ હવે.’સૂઈ જાને ચૂપચાપ હવે..ના હોય તો કાનમાં આઇપોડ ભરાવી તારા ‘જેકીડા’ના ગીતો સાંભળ .મને કશું ખ્યાલ નથી આ બાબતનો..અત્યારે જંપ અને મને પણ જંપવા દે હવે..”

અમૂલ્ય દીદીનાં આ પ્રતિભાવથી થોડો બાઘો બનીને હેબતાઈને થોડીવારમાં સૂઈ ગયો. નીરજા અમૂલ્યના વાંકડીયા વાળમાં હાથ ફેરવતી એના કપાળે એક ચૂમી કરીને મનોમન બોલી,’મને માફ કરી દેજે મારા ભાઇલા…’

૦-૦

ભરતભાઈ ડોકટર જોડે વાત કરીને રુમમાં આવ્યા ત્યારે શૈલજા સૂઈ ગયેલી. ભરતભાઇ એના પલંગની બાજુમાં પડેલા સ્ટુલ પર બેસી ગયાં. અને શૈલજાનો હાથ પોતાના હાથમાં લઈને પંપાળવા લાગ્યા. આ એજ હાથ હતો કે જે એમને રાખડી બાંધતો હતો હવે શું એ કાયમ..આગળ એ વિચારી જ ના શક્યાં. આંખોમાં આંસુના ઘોડાપૂર ઉમટી આવ્યાં. અત્યાર સુધી બધાની સામે ભડ બનીને હિંમત અને ધીરજ રાખવાની સલાહો આપીને પોતાની મજબૂત માનસિક સ્થિતીનો પરિચય કરાવનાર એ
મર્દ એકાંતમાં રડી પડયો. સામે ટપ ટપ ટપક્તી સલાઈન બોટલ..શૈલજાના નાજુક કાંડામાં ભોંકાયેલી ઢગલાબંધ સોયો..એની કમર અને પગ પર સફેદ પાટાનું છવાયેલું સામ્રાજ્ય..બધું જ એની આંખો સામે હતું પણ એની તમામ ઇન્દ્રીયો ફેઇલ થઇ ગઇ હોય એવું અનુભવ્યું..એને જાણે કશું જ દેખાતું નહોતું.ખુલ્લી આંખે અંધાપો આવી ગયેલો..છતે કાને રુમની એ.સી.ની ઘરઘરાટી સંભળાતી બંધ થઈ ગઈ…લાચારી જાણે એની ચરમસીમા પર પહોંચી ગયેલી અનુભવાઈ.

ત્યાં તો શૈલજાએ દર્દભર્યો એક ઊંહકારો ભર્યો..અને આંખો ખોલી.ભરતભાઈ એકદમ જ સ્ટુલ પર મોઢુ ફેરવી ગયા. ભીના આંખોના ખૂણા ત્વરાથી સાફ કરીને મગજ પર કાબૂ પામી લીધો. આમ શૈલજાની સામે રડવું…હિંમત હારી જવી એ સ્થિતી તો ના જ આવવી જોઇએ. ભડવીર આંસુને પી અને મોઢા પર હાસ્ય લઇને શૈલજા સામે ફર્યો.

‘અરે શૈલુ..જાગી ગઈ તું..કેમ છે હવે મારી વ્હાલુડી બેનાને..ક્યાંય દુઃખાવો કે એવું કંઇ તો નથી ને..”અત્યાર સુધી ચૂપચાપ બેઠેલી, શબ્દોને મનના એક ખૂણે ઢબૂરીને બેઠેલી શૈલજાથી એકદમ જ બોલાઈ ગયું,

‘દર્દ જેવું અનુભવાતું  હોત તો તો સારું જ હતું ને મોટાભાઇ..આ કશું જ અનુભવાતું નથી એની જ તો મોંકાણ…’અને એ એક્દમ જ રડી પડી.

ભરતભાઈ શૈલજાના વાળમાં હાથ ફેરવવા લાગ્યા..’અરે, આ મારી હિંમતવાન બેન બોલે છે..? આમ હિંમત કેમ હારી ગઈ અત્યારથી. અત્યારે તો મેડીકલ સાયન્સ કેટલું આગળ વધી ગયું છે. તું સો ટકા સાજી સારી અને પહેલાંની જેમ જ હસતી રમતી થઇ જઇશ જોજે ને..મેડીકલ સાયન્સની સાથે સાથે આપણે આધ્યાત્મિક સારવારનો પણ આશરો લઇશું. તું માને છે ને આધ્યાત્મિક શક્તિની અપરંપાર અને પોઝીટીવ તાકાતને તો.

અહીં શક્ય નહી બને તો વિદેશમા લઇ જઇશ..પાણીની જેમ પૈસા વાપરીશ.. તું જોજે ને..આમ ચપટી વગાડતા બધું સાજુ સમુ થઇ જશે..ઘીના ઠામમાં ઘી પડી રહેશે.’અને ખોખલા શબ્દોની ખોખલી સહાનુભૂતિ માણતા માણતા હથેળીમાં સુખના સુરજનો પારો રમાડતી’ક્ને શૈલજા ફરીથી ઇન્જેક્શનની અસર હેઠળ ઘેનમાં સરી ગઈ.

ક્રમશઃ

This entry was posted in શૈલ​જા આચાર્ય. Bookmark the permalink.

3 Responses to શૈલજા આચાર્ય ૩ સ્નેહા પટેલ

 1. sapana says:

  સ્નેહા ખૂબ સરસ શરુઆત થૈ…હવે શૈલજા આચાર્ય તાદ્રશ્ય દેખાય છે..સપના

 2. sneha says:

  આભાર સપના અને વિજયભાઈ…હવે આપ શું લખો છો..વાર્તાપ્રવાહ ક્યાં જશે એની આતુરતાથી રાહ જોવું છુ..

  સ્નેહા..

 3. dhufari says:

  દીકરી સ્નેહા

  દર્દ જેવું અનુભવાતું હોત તો તો સારું જ હતું ને મોટાભાઇ..આ કશું જ અનુભવાતું નથી એની જ તો મોંકાણ…’અને એ એક્દમ જ રડી પડી.

  આ બે લીટીમાં જ શૈલજાની મનો દશા અને વ્યથા રજૂ થઇ જાય છે

Comments are closed.