કાચો હીરો-પ્રભુલાલ ટાટારીઆ “ધુફારી”

બપોરે જમીને હું મારા રૂમમાં જતો હતો ત્યારે મમ્મીએ કહ્યું

“છાયાના લગ્નનું રિસિપ્શન છ વાગે હોટેલ પ્રેસિડેન્ટમાં છે,ત્યાં સમયસર પહોંચી શકાય
એટલે જલ્દી તૈયાર થઇ જજે”

“છાયાના લગ્ન? કોના સાથે?”

“ખબર નથી,રિસિપ્શનમાં જઇએ જ છીએ,ત્યાં જોઇ લેજે ને”

“કંકોતરી તો આવી હશે ને?”

“મેં તો નથી જોઇ”

તો પછી તને ક્યાંથી ખબર પડી?”

“જો વકિલની જેમ સવાલ ન પુછ,તારા પપ્પનો ફોન આવ્યો હતો,આપણે ઘેરથી જવાનું છે અને તેઓ
સીધા ઓફિસથી આવવાના છે,બસ હું તો એટલું જ જાણું છું”

“પણ તેં પપ્પાને પુછ્યું નહી?”

“ના,એ બોલ્યા નહીં ને મેં પુછ્યું નહીં”

“પણ…….”

“તારા પપ્પાનો સ્વભાવ તો તું જાણે છે”કહી મમ્મી રસોડામાં જતી રહી અને હું સીડીઓ તરફ
વળ્યો.

છાયાના લગ્ન કોના સાથે થયા હશે? એ વિચારોમાં હું મારી રૂમમાં આવ્યો.૫-૧૫નું
એલાર્મ મુકીને મેં લંબાવ્યું અને છાયાના વિચારોમાં જ ક્યારે ઊઘી ગયો ખબર ન પડી.સમયસર
તૈયાર થઇ નીચે આવ્યો ત્યારે મમ્મી બહાર પોર્ચમાં ઊભી રહી મારી રાહ જોતી હતી.મેં મેઇન
ડોર લોક કર્યો ને મમ્મી તરફ જોઇ પુછ્યું

“જઇશું…”

“હા ચાલ”

મેં ગાડીનો પાછળનો
દરવાજો મમ્મી માટે ખોલ્યો.તેણી બેઠી એટલે દરવાજો બંધ કરી સ્ટીયરીન્ગ વ્હીલ પકડ્યું
ત્યાં મમ્મીએ કહ્યું

“પે’લા વાડીલાલના  સ્ટોલ પાસે ગાડી ઊભી રાખજે,મેં બુકેનો ઑર્ડર આપ્યો છે એ લેવાનો
છે”

અમે રિસિપ્શનમાં પહોંચ્યા ને સ્ટેજ પર ન્યુલી
વેડેડ કપલમાં છાયા અને યશવંતની જોડી જોઇને હ્રદય જાણે એક ધબકાર ચૂકી ગયું. આ ન કલ્પેલું
જોતા આશ્ચર્ય થયું.સ્ટેજ પર પહોંચી બુકે મને આપી મમ્મી પપ્પા એ બન્ને ને આશિર્વાદ આપ્યા.
બાદ મેં મારા હાથમાંનો બુકે આપી બન્નેને હસી ને કોન્ગ્રેચ્યુલેશન આપ્યા અને યશવંત સામે
સાલા તને તો હું જોઇ લઇશ એવા ભાવથી જોયું. યશવંતે કોણીથી છાયા ના કાંખમાં ગોદો મારી
સામે જોયું પછી છાયાના કાનમાં ગણગણ્યો.

“કેવો બાઘો લાગે છે નહીં?”

એ સાંભળી છાયા મ્હોં પર હાથ રાખીને હસી.

“સાલા બન્ને એક્બીજથી ધુન છો”કહી હું સ્ટેજ છોડી ગયો.

મમ્મી પપ્પા ક્યાં છે એ જોવા નજર ફેરવી.એક અલાયદી જગાએ બન્ને
બેઠા હતાં.બાજુમાં પડેલી એક ખુરશી ખેંચી બેસતા મેં કહ્યું

“તો તને ખબર ન્હોતી મમ્મી?”મેં જરા ચીડાઇને પુછ્યું

“શેની વાત કરે છે?”પપ્પાએ અમારા બન્ને તરફ જોતાં કહ્યુ

“છાયાના લગ્ન યશવંત સાથે થયા તેની”

“કેમ તારી મમ્મીએ તને ન કહ્યું?”પપ્પાએ મમ્મી સામે આશ્ચર્યથી જોતાં પુછ્યું.

“જો દિકરા છાયા આને યશવંતના લગ્ન એકાએક નક્કી થયા.બે દિવસ પછી કમુરતા બેસતા હતાં એટલે
લગ્ન ત્યાર બાદ બે મહિના પછી જ થઇ શકે એમ હોતાં ફટાફટ બધું નક્કી થયું”મમ્મીએ ખુલાસો
કર્યો.

“તારી મદ્રાસની મીટિન્ગ અગત્યની હતી.તને છાયાના લગ્નની જાણ થાય તો તું સાત કામ પડ્તા
મુકીને અહીં આવી જાય એટલે તને જાણ ન કરી”પપ્પાએ વાત આગળ ચલાવતા કહ્યું.

“અને મુખ્ય વાત તો એ હતી કે,લગ્નની તારીખ પાકી થતાં છાયા અને યશવંત બન્ને આપણા ઘેર
આવી સોગંદ આપીને કહી ગયા હતા કે, અમારા લગ્ન બાબત સુમનને વાત ન કરતાં.એ સોગંદને લીધે
મારે તને કહેવું પડ્યું કે ખબર નથી”સમજ્યો એવા ભાવથી જોઇને મમ્મી મલકી

“પણ બન્નેને તેમના લગ્નમાં  તારી ગેરહાજરી બહુ ખટકી”પપ્પાએ કહ્યું

“ઓહ…!તો આમ વાત છે એમને બન્નેને તો હું જોઇ લઇશ…”મારી વાત પુરી કરૂ તે પહેલા તો

“કેમ છો શેઠ હીરાચંદ”કહેતા મી.દેસાઇ અમારી બાજુમાં આવ્યા

“હે..! યંગમેન તું અહી શું કરે છે?ગો..મેન…ગો એન્જોય યોરસેલ્ફ”મારા ખભે હાથ મુકી કહ્યું

“હા..હા..જા સુમન”પપ્પાએ કહ્યું

“જા એટલે મારા માટે ખુરસી ખાલી થાય હા…હા..હા..કરી હસ્યા.

મને પણ સામેથી આવતાં મારા મિત્ર વિનોદને જોઇ ધરપત થઇ.એના સામે હાથ ઊંચો
કરી કહ્યું

“હાય વીનુ”

અમે મળ્યા ત્યારે તેના હાથમાંનું ડ્રિન્ક મને ઓફર કરતાં કહ્યું

“હેવ અ સીપ”

“નો થેન્કસ”કહી બાજુમાંથી પસાર થતાં વેઇટર સામે હાથ ઊંચો કરી કહ્યું

“વન કોક પ્લીઝ”

“હા..તો આજકાલ શું ચાલે છે વીનું?”વેઇટરે આપેલી કોકકોલા પીતા અને આજુ બાજુ નજર ફેરવતાં
ટાઇમ પાસ માટે પુછ્યું પણ એતો ભારે ચિકણો નિકળ્યો.એ કેવી રીતે બેન્કોમાં ઇન્ટરવ્યુ
માટે જ્તો હ્તો અને હાલની બેન્કની નોકરી માટે એણે કેવા કેવા પેંતરા અજમાવ્યા એવી આપ
બડાઇ સિવાય કોઇ વાત ન્હોતો કરતો એટલે મેં ઘડિયાળ સામે જોઇ કહ્યું

“સોરી વીનુ મારે એક અગત્યના કામે જવું છે,ફરી ક્યારેક પાછા મળીશું”કહી હું ત્યાંથી
સરક્યો અને ભીડમાં વીનુની આંખથી ઓઝલ થઇ ગયો.

મારા મગજમાં સતત આ કેમ થયું એ જાણવાની
જીજ્ઞાશા સળવળ્યા કરતી હતી.વિભા મારી બહેન આ જાણતી હશે પણ તેણી તેની સાસુમાની નાદુરસ્ત
તબિયતને લીધે આવી ન્હોતી. ચંપકભાઇ મારા બનેવી ત્યાં હતા પણ આ બાબત મને ન્હોતું લાગતું
કે,તેઓ જાણતા હોય.એ તો એ ભલા ને એમનો સ્પેરપાર્ટનો ધંધો ભલો.મારા સવાલનો જવાબ મેળવવા
અમારી કોલેજકાળના ધણા મિત્રો ત્યાં હતાં,એમને પણ આડકતરી રીતે પુછી જોયું પણ કોઇને એ
બાબતનો અણસાર સુધ્ધા ન્હોતો,તો હવે જવાબ આપે કોણ?કાં છાયા અથવા યશવંત પોતે અને તે માટે
મારે રિસિપ્શન પુરૂ થઇ જાય ત્યાં સુધી રાહ જોવી રહી.ડીનર ચાલુ હતું.મે મમ્મી પપ્પા
પાસે જઇને પપ્પાને ચાવી આપતાં કહ્યું

“પપ્પા આ ચાવી,ગાડી તમે લઇ જજો હું મારી રીતે આવી જઇશ મારી રાહ ન જોતાં”

“તૂં જમ્યો….?”મમ્મીએ પ્લેટ આગળ કરતાં પુછ્યું

“ના તું જમી લે હું જમી લઇશ…..”

હું એક સર્વિન્ગ ટેબલ તરફ વળ્યો અને એક ખાલી ખુરસી ખેંચી
ને રિસિપ્શન પુરૂ થાય તેની રાહ જોતો બેસી ગયો અને મન મને ભૂતકાળમાં ખેંચી ગયું.(ક્રમશ)

http://dhufari.wordpress.com/2008/11/18/%e0%aa%95%e0%aa%be%e0%aa%9a%e0%ab%8b-%e0%aa%b9%e0%ab%80%e0%aa%b0%e0%ab%8b%e0%ab%a7/

This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, લઘુ નવલકથા. Bookmark the permalink.