"મહાન વ્યક્તિની નાની વાત"-બાબુભાઇ વ્યાસ

www.musicindiaonline.com

ભાવનગર માં આવેલા માણેવાડી વિસ્તાર માં રહેતા થોડા યુવાનોએ ભેગાથાઈ એક મંડળ સ્થાપ્યું.જેને નામ આપ્યું “યંગ ક્લબ”.આ મંડળનાં ત્રણ કુમારો, તેમના નામ, ચિતરંજન પાઠક, હર્ષદ બધેકા અને નરહરિ ભટ્ટ. તેમની ઉમર લગભગ તેર કે ચૌદ વર્ષની.

તેમને જાણવા મળ્યું કે ગામમાં સંગીત માર્તાંડેય  શ્રી  ઓમકારનાથજી ઠાકુર નો સંગીત નો કાર્યક્રમ થવાનો છે. નસીબ જોગે એજ અરસામાં જ પ્રસિદ્ધ થયેલી પંડિતજીની બે રેકોર્ડ્સ સાંભળેલી. “ચંપક” અને “નીલામ્બરી” નામના બે અપરીચિત રાગો તેમણે  ગયેલા.ત્રણે કુમારોને તે પસંદ પડી ગયેલા. તેમાય નરહરી શાસ્ત્રીય રાગોનું અનુકરણ સરસ રીતે કરી શકતો.

ત્રણેય જણે નક્કી કર્યું કે પ્રોગ્રામમાં જવું…પણ જવું કેવી રીતે? ભાવનગરના જુના સ્ટાર સિનેમા માં કાર્યક્રમ ગોઠવવામાં આવેલો. અંદર જવાની ટીકીટ લેવી પડે અને તેના પૈસા બેસે…સંગીત સાંભળવા માટે  પૈસા કોઈ ઘરેથી આપે નહિ. બહુ વિચાર કર્યા પછી ત્રણે એ નક્કી કર્યું કે ખુદ પંડિતજીને મળવું અને તેમને વિનંતિ કરવી. કાર્યક્રમ ના સમયે ત્રણેજણ જલસા ઘર પાસે ઉભા રહ્યા

થોડીવારમાં પંડિતજી  વિક્ટોરિયા ગાડીમાં પધાર્યા. ગાડીમાંથી ઉતરતાંજ પંડિતજીની નજર ત્રણ કુમારો ઉપર પડી. ત્રણે એ હાથ જોડ્યા. એટલે પંડિતજી એ પૂછ્યું, “ક્યા બાત હૈ?”ત્રણે માંથી ચિતરંજનને હિન્દી આવડે એટલે તેને આવવાનું કારણ કહ્યું. પંડિતજીએ તેમને સમજાવતા કહ્યું કે હું અહી કોન્ટ્રાક્ટ એટલે તમને અંદર નાં બેસાડી શકું. પણ મારો ઉતારો દરબારી ગેસ્ટ હાઉસ માં છે.  ત્યાં કાલે વહેલી સવારે નવ  વાગે  આવીજાજો. હું તમને થોડું સંગીત સંભળાવીશ. ત્રણે જણા ખુશ થતા ઘરે આવ્યા.

બીજે દિવસે નવ વાગે માજીરાજવાડી ગેસ્ટહાઉસમાં પહોચ્યા. દરવાને અટકાવ્યા પણ ત્યાંતો અંદરથી પંડિતજીનું કહેણ આવ્યું કે નવ વાગે ત્રણ છોકરાઓ આવશે તેમને અંદર આવવા દેશો. ત્રણે અંદર ગયા. એક મોટા રૂમમાં તેમને બેસાડ્યા. ત્યાં પંડિતજી આવ્યા  અને કહ્યું “તમે સમયસર આવી ગયા તે મને ગમ્યું.”

તેમણે પટાવાળા ને કહ્યું,  “આલોકો ને નાસ્તો આપો, હું હમણા આવુ છું.” નાસ્તો આવ્યો. તે દરમ્યાન એક મોટર કાર ગેસ્ટહાઉસના દરવાજેથી અંદર આવી. ગાડીમાંથી બે જણા ઉતર્યા, તેઓ શામળદાસ કોલેજના પ્રોફેસર શાહ અને પ્રોફેસર ભરૂચા હતા. આ ત્રણે છોકરાઓ જોતા તેઓ ઉભા રહ્યા. ત્યાં પંડિતજી હાથમાં સુતેલા બાળક ને ઉપાડ્યું હોય તેમ તાનપુરો લઇને અંદર આવ્યા અને બંને પ્રોફેસરોને કહ્યું, “મેં આ ત્રણ સદગ્રહસ્થોને મેં વચન આપ્યું છે કે થોડુક સંગીત  તેમણે સંભળાવીશ. એટલે આપણે કોલેજના ભાષણ માં જરા મોડું થશે. તમે પણ સાંભળો.” એમ કહી તેમણે ગાદી તકિયા ઉપર સ્થાન  લીધું. બે સાજીન્દાઓ પણ બાજુ માં ગોઠવાઈ ગયા. પંડિતજીના આંગણા તાનપુરા   ફરવા માંડ્યા. પંડિતજી એ ગાવાનું શરુ  કર્યું. …..ઓમ અનંત હરી…. અને પછી ચીજ શરુ કરી…આંખો મીચી તેઓ ગાતા હતા. “નોમ તોમ” પૂરું કરી તેમણે આંખો ખોલી પુછ્યું, “મજા આવી”. ત્રણેએ ડોકા હલાવ્યા. “તમે મારી બે રેકર્ડ સાંભળી છે તેમાં મેં અપ્રચલિત રાગો ગાયા છે  અને તમે અત્યારે સાંભળ્યો તે પણ એક અપ્રચલિત રાગ છે…તેનું નામ છે ગાંધારી”… પંડિતજી ગાતા રહ્યા… મહેફિલ કેમ અને ક્યારે પૂરી થઇ તેનો ખ્યાલ પેલા બંને પ્રોફેસરોને કે ત્રણ કુમારોને પૂછીએ તો જાણી શકાય….

પણ એક અત્યંત નાના ઓડીયન્સ માટે પંડિતજી જિંદગી ભાર યાદ રહે તેવું નજરાણું આપી ગાયા.

બાબુભાઈ વ્યાસની ડાયરીમાં થી હસ્તે નીતિન વ્યાસ ૮૩૨-૪૦૩-૬૦૦૪
(આ પ્રસંગ ૧૯૩૮  ની સાલ આજુ બાજુ નો છે. ડાયરીમાં આવા નાના પ્રસંગો લખ્યા છે.)

This entry was posted in email, પ્રેરણાદાયી લેખ્. Bookmark the permalink.