શૈલ​જા આચાર્ય (૫) પ્રવીણા કડકિયા

હજુ તો બીજા બે દિવસની રાહ જોવાની હતી.ડૉ.ઝાબવાલાના દવાખાનેથી ફોન આવે કે’ ડૉ. સૌમ્ય મને મળવા ક્લીનીક પર આવો.’  બસ વાક્ય નાનું હતું પણ પછી શું કહેશે તે સાંભળવા સૌમ્યના કાન ઉંચા નીચા થઈ રહ્યા હતાં.
દિવસે દિવસે વાત વણસતી જતી હતી.શૈલજાનું વર્તન અસહ્ય હતું. હા, માની લીધું તેનું દર્દ ઘણું હતું. તેની પરિસ્થિતિ વણસેલી હતી. પણ તેનું પરિણામ આખું કુટુંબ ભોગવી રહ્યું હતું. ધીરજબહેન નામ પ્રમાણે ગુણ ધરાવતાં હતાં. ઘરમાં દાદીનો ભરપૂર પ્રેમ વરસી રહ્યો હતો. શાંત સ્વભાવનાં શાંતીભાઈ અમૂલ્યને જાળવતાં પણ ‘મા નો હેવાયો’ ,દાદા પાસે જીદ કરી પોતાનું ધાર્યું કરાવતો.

આયા આવી અને સૌમ્યને કહે, આજે બહેન કપડાં બદલવાની ના પાડે છે. સૌમ્ય ઉઠીને શૈલજા પાસે આવ્યો. જો કે શૈલજાની ક્રોધ ભરેલી વાણી સમજવી અઘરી હતી પણ તેના શરીરના હાવભાવ પરથી અને થોડામાં ઘણું સમજી જવાની સૌમ્યની આદતથી  કામ સરળ થતું. જે કામ બળથી ન થાય તેને કળથી કરાવવાનું હતું. સૌમ્યએ શૈલજાને પૂછ્યું” વાત શી છે? કેમ સવાર થઈ ચોખ્ખાં થઈ કપડાં નથી બદલવા?”

શૈલજાએ નજર ફેરવી લીધી.  સૌમ્ય સમજી ગયો, બહેનબાને કાંઈક વાંધો પડ્યો છે

સૌમ્ય નજીક ગયો અને કાનમાં કહ્યું ,”શૈલુ શા માટે આમ કરે છે?”

શૈલા પ્યારની વાણી સમજી તો ખરી પણ પ્રત્યુત્તર  તો પોતાની  રીતે જ આપ્યો.. તેમાં તેનો પણ શું વાંક એ તો જેના પર ગુજરે તેને જ ખબર પડે. સૌમ્ય ધીરજ ધારી સમજાવી રહ્યો હતો અને શૈલ બસ તેનો વિરોધ
જ કરતી. હવે સૌમ્યનો પિત્તો ઉછળ્યો, “આયાને કહે રહેવા દે મેમસાહેબના કપડાં બદલાવતી નહી”

આવી ઉધ્ધત વાણી ઉચ્ચાર્યા પછી સૌમ્યને ખૂબ દુઃખ થયું પણ તે લાચાર હતો. શૈલજા જીદ છોડતી ન હતી. આખું ઘર ગંધાઈ ઉઠ્યું હતું. સવારનો પહોર હતો ધીરજ બહેન ચાપાણી બનાવવામાં ગુંથાયેલાં હતા. શૈલા જીદ કરતી તેથી મોટેભાગે સૌમ્ય જ એને સંભાળતો. શૈલાનું અસભ્ય વર્તન તેમને દુખ ન પહોંચાડતું પણ સૌમ્ય તે સાંખી શકતો નહી. તેનું મસ્તક પિતા તથા માતાને હંમેશા  ઝુકતું.
પરિવાર પર ત્રાટકેલી વિજળીનો આંચકો બને તેટલો હળવો બનાવવા માટે સતત પ્રયત્નો
ચાલુ હતા. અમૂલ્ય આંખ ચોળતો રસોડામાં  આવ્યો .’ દાદી, દુધ પીને હું નહાવા  જઈશ.’ હવે તે
દાદી પાસે આવી જોઈતું માંગતો મમ્મીની હાલતથી તે ડઘાઈ ગયો હતો. તેની પાસે જતાં પણ ડરતો.
તેને તૈયાર કરી શાળામાં મૂકવા જવાની જવાબદારી દાદાએ સ્વેચ્છાએ સ્વિકારી હતી. દાદા,
નિવૃત્ત જીવન ગાળતા હતાં. પૌત્રની જવાબદારી મળવાથી તેમને જીવનમાં કોઈક નવી દિશા સાંપડી
હતી.

દુધ પીને, જેવો અમૂલ્ય જઈ રહ્યો હતો ત્યાંજ તેનાથી  રાડ પડાઇ  ગઈ, “દાદા, ઓ દાદા જુઓને આટલી ગંદી વાસ ક્યાંથી આવે છે?”

શાંતિભાઈ કારણ જાણતા હતા તેથી કાંઇ બોલ્યા વગર ચૂપ રહ્યા. અમૂલ્ય જવાબ માગતો હતો પણ આંખ આડા કાન કરી ચાલવા માંડ્યા. અમૂલ્યએ તેમનો હાથ પકડી ફરીથી પૂછ્યું, દાદા આ શેની ‘સ્મેલ’ છે. દાદા કહે,કોને ખબર ક્યાંક ઉંદર મરી ગયો લાગે છે. સખારામ આવશે એટલે તેને કહીશું ખૂણે ખાંચરે સાફ કરીને તેને શોધી કાઢી ફેંકી દેશે.

ધીરજ બહેન પતિના જવાબથી મલકાયા. જો કે નાનો અમૂલ્ય જોઈ ન શક્યો પણ માની જઈને શાળાએ જવા તૈયાર થવા લાગ્યો. સૌમ્યને થયું ચાલો ભાઈ માની તો ગયા. તેને ડર હતો નીરજાનો. ઉઠશે એવી ધમાલ મચાવશે. એ કાંઇ નાની ગગી ન હતી કે આવો જવાબ માની જાય.

મમ્મીની આદતથી તે હવે પરિચિત થઈ ગઈ હતી.મમ્મીની જીદ તેને ગમતી નહી. તેથી તે આખો દિવસ પરેશાન રહેતી. વર્ગમાં પણ ભણવામાં તેનું ચિત્ત ઠેકાણે રહેતું નહી. ગુલાબની  ખિલતી કળી
જેવી ધીરે ધીરે મુરઝાવા માંડી હતી. માની ચિંતા કરતી. પપ્પા હંમેશા વિચારોમાં ખોવાયેલા
રહેતાં. પહેલાંની જેમ પપ્પા તેનામા રસ નહોંતા લેતાં. સૌમ્ય વિચારોના વમળમાં ઝોલાં ખાતો
અને શૈલજા પર નારજગી તથા ગુસ્સો ઠાલવતો.

જાણે પહેલાંનો સૌમ્યજ ન હોય. તેને કશામાં રસ ન  જણાતો. અમૂલ્યનું હાસ્ય તેને રીઝવી
શકતું નહી. નીરજાની પ્રવૃત્તિથી પોરસાતો પણ નહી. બાળકો હંમેશા માતા અને પિતા પાસેથી
પ્રોત્સાહનની આશા રાખતા હોય છે. સૌમ્ય મુસિબતોની હલ શોધવાના વિચારોમાં ગરકાવ હોવાથી
નાની મોટી દરરોજની ઘટનાઓથી અલિપ્ત રહેતો. જેની ઘેરી અસર બાળકોની રોજીંદી હરકતો પર સ્પષ્ટ
રૂપે જણાતી. સૌમ્ય તે જોવાને અશક્તિમાન હતો.

શૈલજાના અકસ્માતને કારણે ઘોર નિરાશાની ગર્તામા તે ધકેલાતો જતો હતો. અકસ્માતનું કારણ ખુદને માની સૌમ્ય વિચલિત થઈ ઉઠતો. દાદા  અમૂલ્યને  નહાવા બાથરૂમમાં લઈ ગયા. શાળાના ગણવેશમાં અમૂલ્ય ખૂબ સુંદર લાગતો. શૈલજા જ્યારે તૈયાર કરતી ત્યારે તેના ઓવારણાં અચૂક લેતી. અમૂલ્ય દાદાને હાથના હાવભાવથી સમજાવી રહ્યો હતો કે મમ્મી તે શાળાએ જવા તૈયાર થાય પછી શું કરતી. દાદા સમજી ન શક્યાં તેથી દાદીને બૂમ મારી.  ધીરજ બહેન આવ્યા. દાદાએ વાત કરી, દાદી કહે બેટા અમૂલ્ય ફરીથી બતાવ તારી મમ્મી તને શું કરતી? અમૂલ્યએ ફરીથી કરીને બતાવ્યું. દાદીની ચકોર નજર સમજી ગઈ   દાદાને કહે તેની મા ‘ઓવારણાં’ લે છે તમને નહી આવડે જરા ખસો એ કામ મારું. દાદીએ દીકરાનાં ઓવારના લીધા અને પ્યારથી બાથમાં ભીડ્યો. શાંતિભાઈ તૈયાર થઈ અમૂલ્યને શાળામાં છોડવા નિકળ્યા. નસિબજોગે અમૂલ્યની શાળા નજદિકમાં હતી તેથી દાદા ચાલીને મૂકવા જતા. રસ્તામાંથી પાછા આવતા ધીરજબહેનને ઘર માટે જોઈતી નાની મોટી વસ્તુઓ પણ ખરીદી લાવતા. જો વજન વધી જાય તો એક પાટીવાળો બાંધ્યો હતો. તે ‘દાદા’ની સાથે ચાલે અને ઘરે સામાન લાવે.

નીરજા બસ હવે ઉઠવી જ જોઇએ એમ સૌમ્ય વિચારતો હતો ત્યાં તેની બૂમ સંભળાઈ,મારા રૂમનું  બારણું કોણે ખોલ્યું. આ ગંદી વાસ છેક મારા મગજ સુધી ચડી ગઈ છે. સૌમ્ય ધીરેથી આવ્યો અને વાત સમજાવી, “બેટા જાને તારી મમ્મી પાસે કપડાં બદલાવતી નથી. હું અને આયા બંને તેને સમજાવી ને થાક્યાં.”

ઉઠતાની સાથે આવું કામ નીરજાને પસંદ ન હતું પણ પપ્પાની હાલતની તરસ ખાઈ તે મમ્મી પાસે ગઈ.  મમ્મીને નાક મચકોડી વહાલ કર્યું. સારું થયું કે શૈલજાને તેનું મોઢું ન દેખાયું. નહીંતર બાજી વધારે બગડત. કોને ખબર નીરજાની પ્યારભરી વાણી અને સમજાવવાની આવડત ને કારણે શૈલજા માની ગઈ.

“આયા, જલ્દી આવ  હાથમાનું કામ બાજુ પર રાખી સહુથી પહેલાં મેમસાહેબને તૈયાર કર. ડૅટોલથી બરાબર સાફ કરજે. તેના કપડાં ધોઈ સ્વચ્છ કરી પછીથી કપડાં મશીનમાં એકદમ ‘ગરમ’ પાણીનાં ‘સાઈકલ’ પર ધોઈ નાખ. આખા ઘરના બારી બારણા ખોલીને તાજી હવા તથા સૂર્યના
તાપને આવવા દે. જેથી કરી આ દુર્ગંધ પીછો છોડે”. સૌમ્યને આનંદ થયો દીકરી માને મનાવી શકી. તે ઉભો થયો  અને આયાને મદદ કરવા લાગ્યો કે જલ્દીથી આ દુર્ગંધ પીછો છોડે.

હજુ તો માંડ તેને સાફ કરીને આયા બીજા કામે વળગી ત્યાં શૈલજાના ઉંહકારા ચાલુ થયા. તેને સમજવી ખૂબ મુશ્કેલ હતી. ધીરજ બહેન નજીક આવી હાથ ફેરવવા લાગ્યા, શૈલજા વધારે બગડી. સૌમ્ય ફોન ઉપર તેના ઉપરી સાથે વાત કરી રહ્યો હતો. તે તરત આવી શકે તેવા તેના હાવભાવ ન જણાયા.  જે શૈલજા પહેલાં બધાનું ધ્યાન રાખતી અને આદર આપતી તેના બદલે તેનું વર્તન વિપરિત થઈ ગયું હતું. ઘણી વાર સૌમ્ય ધીરજ ખોઈ બેસતો. વળી પાછો સમજથી  તેની તરફદારી પણ કરતો. બાળકો તેથી ખૂબ
ગુંચવાતા પપ્પાની વર્તણુક તેમની સમજમાં ન આવતી.

આજે ફોન આવવો જોઈએ!  જ્યારે પણ ફોનની ઘંટડી વાગતી, સૌમ્ય જ ઉપાડતો. સવારથી ત્રણેક ફોન આવ્યા પણ જેની રાહ જોતા હતા તે ન આવ્યો. ઉપરી સાથે વાત થયા પછી સૌમ્ય જરાક ઢીલો જણાયો. બસ હવે એક જ દિવસ રજાનો બાકી હતો. તે અધીરો થયો હતો કે જો’ શૈલાની ટેસ્ટના પરિણામ આવે તો પછી નોકરી ચાલુ થતા પહેલાં બધો બંદોબસ્ત થઈ જાય. જમીને સૌમ્ય આડો પડ્યો હતો.ત્યાં ફોનની ઘંટડી વાગી.
સૌમ્ય,” હલો કોણ ડૉ. ઝાબવાલા બોલો છો?” ડૉ. ઝાબવાલા ,” મિસિસ. શૈલાની ટેસ્ટ્નું પરિણામ આવી
ગયું છે. તેના કરોડરજ્જુના મણકા દબાયેલ્લ છે અને તેની અસર સીધી  છે. હવે તેમની સારવાર ડો જાધવ સાથે વાતો કરી શરુ કરશું.   સૌમ્યતો આ બધું સાંભલીને સૂનમૂન થઈ ગયો. ડૉ. પછી કસરત કરાવવાની અને દવાની વાત કરી. તેની પાસે દર  અઠવાડિયે એક વાર તપાસ માટે લાવવાની   વાત કરી. સૌમ્ય માત્ર હુંકારા ભણતો. ઓ.કે સર કહીને ફોન મૂક્યો. સૌમ્ય નસિબવાળો હતો કે ડૉ. જાધવે જ ડૉ. ઝાબવાલાનું નામ સુચવ્યું હતું. શૈલજા વીશે સંપૂર્ણ વિગત જાણ્યા પછી હવે તે ડૉ. જાધવ સાથે ખુલ્લા દિલે વાતકરી તેની રાય
પ્રમાણે ચાલવાનું નક્કી કર્યું.

બસ, હવે એક જ દિવસ્ર રજાનો બાકી હતો.બધું વ્યવસ્થિત કરવામાં સૌમ્ય પ્રવૃત્ત થયો. શૈલજાનેતે જેમ જેમ નમતું જોખતો તેમ તે વધારે વિફરતી.  દિવસ અને રાતપાળી વાળી બંને આયાને બધું સમજાવવાનું હતું. મમ્મીને શૈલા કાજે અમુક પૌષ્ટિક વાનગીઓની સૂચના આપવાની હતી. બાળકોને તેમાંય ખાસ કરીને અમૂલ્યને  કાબૂમાં રાખવો તે મુશ્કેલ કામ શાંતિભાઈને સોંપવાનું હતું. નીરજાની વર્તણુક ઘડિયાળના લોલક જેવી હતી. જે તે સારા ‘મુડ’માં હોય તો  વાતો માની જઈને દરકાર પણ સારી કરે. ભૂલેચૂકે જો ‘મુડ’ ખરાબ હોય તો ધીરજબહેનને પણ તોબા પોકારાવે. સૌમ્ય બધું સાંખી લેવા તૈયાર હતો પણ પોતાના માબાપની જો ઇજ્જત ન જળવાય તો તે બાળકો પર પણ ઉકળી જતો.

બધું નિયમ પ્રમાણે ચાલતું થઈ ગયું. શૈલજાને તો કશું પણ સમજાવી ન શકાય . માત્ર તેના સહકારની આશા રાખવી તે પણ ઘણું હતું.હવે સૌમ્ય કામ પરથી આવે ત્યારે ખૂબ થાકી જતો હતો. ધીરજબહેન વહેણ પ્રમાણે ચાલતાં તેથી સૌમ્યને શૈલજાની કોઈ પણ ફરિયાદ ન કરતાં. સૌમ્ય જાણી બુઝીને અણજાણ જ રહેતો. હજુ તો બે દિવસ થયા નહતાને જેવો સૌમ્ય ઘરે આવ્યો કે શૈલજાનું નાટક ચાલું થયું. જો કે આ નાટક ન કહેવાય પણ શું કહેવું? રોજીંદી શૈલજા હોત તો આવું તો આવું કરત ખરી ?

ઓફિસનું કામકાજ આજે જરા વધારે પડતું હતું, ૨૦ દિવસની જે રજા પાડી હતી ! ઘરે આવતાની સાથે મધુરું હાસ્ય અને ચાનો કપ તો બાજુએ રહ્યાં કકળાટ! સૌમ્યનું છટક્યું. તેમાં શૈલજાના વાક્યએ
ઘી ઉમેર્યું ! શૈલજા તોફાન કરતી જાય અને ચિલ્લાતી જાય.” આના કરતાં મોત શું ખોટું?” સૌમ્યને આ વાક્ય તીરની માફક ચુભ્યું.  આ ઉક્તિ કોને લાગુ પડતી હતી અકસ્માતમાં બેહાલ શૈલજાને કે જીવનમાં ઝઝૂમી રહેલાં સૌમ્યને ?

સૌમ્યએ જોરથી ઘાંટો પાડ્યો. આયાને કહે “રહેવાદે તેને ખવડાવીશ નહી. એમને એમ તેના તોફાન જોયા કર!”  અમૂલ્ય બીજા રૂમમાં દાદા પાસે ઘરકામ કરી રહ્યો હતો.તેને દાદા, ગણિતના દાખલા સમઝાવતા હતા. તે પપ્પાનો જોરદાર ઘાંટો સાંભળી દોડી આવ્યો.થર થર ધ્રુજતો હતો. દાદાએ તેને તેડીને છાતી સરસો ચાંપ્યો. શૈલજા તો જાણે કશું બન્યું ન હોય તેમ મલકી રહી હતી.  આયા રસોડામાં જતી
રહી. ધીરજબા કામકાજથી પરવારી માળા ગણતા હતા તે બહાર આવ્યા.

સૌમ્યને ઠંડો પાડવા કહે બેટા તાજો ચેવડો બનાવ્યો છે ચા સાથે લઈશ? તેમને ખબર ન હતી કે સામેથી સૌમ્ય શું કહેશે?  પણ સૌમ્ય જેનું નામ ગમે તેવી વિપરિત પરિસ્થિતિ હોય મગજનું અમતુલન જાળવીને નરમાશથી બોલ્યો હમણાં નહી. તેમાં તેનો અડધા ઉપરનો રોષ સમી ગયો. સૌમ્યએ પોતાની જાત ઉપર સંયમ ગ્રહણ કર્યો. પાંચ મિનિટ પછી અમૂલ્ય પાસે જઈને વહાલ પૂર્વક આખા દિવસમાં શું કર્યું તે પૂછવા લાગ્યો.અમૂલ્ય પણ જાણે પહેલાના પપ્પા હોય તેમ તેની સાથે હળી ગયો. સૌમ્યને કંઈક અંશે શાતા વળી. દિકરાના મુખ પરનું નિર્દોષ સ્મિત તેના અંતરને સ્પર્શી ગયું.

સાંજ થઈ ગઈ હતી હજુ નીરજા આવી ન હતી. સૌમ્યને ચીંતા થઈ ધીરજબહેન કહે આજે તેને ‘વિજ્ઞાન’નું ટ્યુટોરિયલ છે એટલે મોડી આવશે એમ કહીને ગઈ છે. સૌમ્યને નિરાંત થઈ શૈલજા પાસે ગયો સ્મિતની આશા સાથે. બહેનબા ઠંડા પડ્યા હોય કે કેમ ભિખારીને રોટલો ફેંકતી હોય તેમ આછેરું સ્મિત ફેંક્યું. સૌમ્યતો ખુશ થઈ ગયો. ખુશી અને નારાજગી નાની નાની વસ્તુઓ પર નિર્ભર હોય છે. તેનું નામ જ જીંદગી છે.

નીરજાની રાહ જોતો સવારનું છાપું વાંચી રહ્યો હતો.નીરજા આવી ,તેના સોહામણા મુખનું નૂર ઉડી
ગયું હતું. આવી દાદા,દાદીને હલો કરી સૌમ્યના ખોળામાં માથૂ મૂકી રડવા લાગી. વર્ગમાં
હોશિયાર અને તેજસ્વી ગણાતી નીરજા આજે અંગ્રેજી અને ગણિતમાં  માંડ પાસ થઈ હતી. સૌમ્યતો ચોંકી ઉઠ્યો, હસીને આવકારવાને બદલે દીકરી કેમ રડે છે? તેની પીઠ પસવારતાં બોલ્યો, બેટા શું થયું? તું હેમખેમ તો છે ને ?

નીરજાઃ પપ્પા હું શું કરું, એમાં મારો વાંક નથી.

સૌમ્યઃ શું થયું એ વિગતે કહે તો ખબર પડે ને ,બેટા

નીરજાઃ જુઓ પપ્પા આજે મારી પરિક્ષાનું પરિણામ આવ્યું છે. પપ્પા, મમ્મીના અકસ્માત પછી ચારજ દિવસમાં પરિક્ષા હતી. સૌમ્યએ રિપોર્ટકાર્ડ જોયો. બેટા, હું તારી માનસિક હાલત સમજી શકું છું. જો તારી મમ્મી ક્યારે પહેલાં જેવી થશે તેની કોઈ ખાત્રી નથી. અરે થશે કે નહી તેના વિશે પણ ડૉ.ને શંકા છે.  તારે હવે ભણવામાં ધ્યાન પરોવવું પડશે.  આ વખતની વાત સમજી શકાય તેવી છે. વાર્ષિક પરીક્ષામા
ધ્યાન આપજે. જોઇએતો કહે તને ટ્યુશન રખાવી દંઉ. મારી પાસે સમય નથી અને શૈલજા હવે તારું
ધ્યાન રાખવા શક્તિમાન નથી. બેટા રડ નહી!  મને તારા પર વિશ્વાસ છે. આ વખતનું પરિણામ જોઈ હું નારાજ નથી.

નીરજાને હૈયે ટાઢક વળી કે મારા પપ્પા તો પહેલા જેવા જ છે. મમ્મી પાસે ગઈ અને વહાલ કર્યું. ગમે તેમ તોયે મા નું હ્રદય , ભાનમાં કે અભાન હાલતમાં દીકરીની લાગણીનો પ્રતિભાવ આપ્યો. ન તેણે ઘાંટો પાડ્યો કે ન છણકો કર્યો. શૈલજાનાં કાનમા કહે , “જમીને આવું પછી તારા માટે ‘ગીતા’ વાંચીશ. આમ તો નીરજા નાની હતી પણ મા સાથે સમય વિતાવવો હોય તો શું કરવું, સરસ ઉપાય શોધી કાઢ્યો હતો.’ મા પાસે બેસીને ગીતા વાંચે. નીરજાને સંસ્કૃત વાંચતા આવડતું ન હતું તેથી ઈંગ્લીશમાં વાચી તેનો અર્થ
પણ સમજાવે. આમ કરતાં પરિણામ શુભ આવ્યું. તેને પોતાને ‘ગીતા’માં રસ પડવા માંડ્યો. નિયમતો
રોજનો હતો પણ કોઈક વાર ભંગ જરૂર થતો.

આજે શનિવાર હોવાથી સૌમ્ય વહેલો આવતો. સીધો અમૂલ્યને લેવા શાળાએ પહોંચી ગયો. અમૂલ્યનોતો હરખ માતો ન હતો.” પપ્પા ચાલોને આજે  આઇસક્રિમ ખાઈને ઘરે જઈએ? “ સૌમ્ય પ્યારા પુત્રની માગને નકારી ન શક્યો અને બંને બાપદીકરા આઈસક્રિમ ખાવા ઉપડ્યા. પાછાં વળતાં છ એક આઈસક્રિમ નાં કપ ઘરે સાથે લેતા આવ્યા. ધીરજબહેન અને શાંતિભાઈ સૌમ્યના મુખ પર આનંદની રેખા જોઈ હરખાયા.

નીરજા હજુ આવી ન હતી. અમૂલ્ય અને સૌમ્ય મમ્મીને આઈસ્ક્રિમ ખવડાવવા લાગ્યાં. શૈલજા ખાતી જાય અને કોઈક વાર આનંદ વ્યક્ત કરે તો કોઈવાર છણકો કરે. બાપ દીકરો આ નાટક જોઈ તાળીઓ પાડે. ઘડીભર તો સૌમ્ય ભૂલી ગયો કે ઘરમાં કેવા હાલ છે. બસ આજની ઘડીના આનંદમા મસ્ત થઈ ગયો. અમૂલ્યને તો જાણે આજે સોનાનો સૂરજ ઉગ્યો હતો.મારા પપ્પા, મારા પપ્પા કહેતાં ઘેલાની જીભ સૂકાતી
ન હતી. બાળક છે ! માતા પિતા તેને માટે સર્વસ્વ હોય. આ બધી ઘટના જે ઘટી રહી હતી તેને સમજવા માટે તે નાદાન છે.
તેવામાં નીરજા આવી. પપ્પા અને અમૂલ્યને હરખાતાં જોઈ તે પણ તેમાં શામિલ થઈ ગઈ. પપ્પા, મારો ચોકલેટ આઇસક્રિમ લાવ્યા છો ને? હા, બેટા કહેતા સૌમ્ય ઉઠ્યો અને ફ્રીઝમાંથી કાઢી તેને આપ્યો. ત્રણેય જણા ગેલેરીમાં બેઠા અને વાતોએ વળગ્યાં. તેવામાં અમૂલ્ય ઉઠ્યો અને દાદાની આંગળી
પકડી લઈ  આવ્યો. બોલો દાદા, આજે તમે અમને બધાને શું રમાડશો? રોજ દાદા અમૂલ્યને નવી રમત બતાવી ખુશ કરતાં જેથી પછી અમૂલ્ય દાદા પાસે ભણવા બેસતો . શૈલજાતો દવાના ઘેનમાં હતી. આયા બાજુની ખુરશીમાં બેસી ‘રીંગણાં જોખતી હતી’. ( ઉંઘતી હતી.) ધીરજબહેન અને શાંતિભાઈ પણ જોડાયા અને આખુ કુટુંબ કિલકિલાટ કરી રહ્યું હતું. ઘડીભર શૈલજાના દુઃખ દર્દ વિસરાઈ ગયાં.

બીજે દિવસે રવિવાર હતો. નીરજા મમ્મીનું માથું .ઓળી રહી હતી. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા. રોજ મમ્મી તેનું માથું ઓળતી. વાળમાં તેલ ઘસી આપતી. હવે ૧૪ની થઈ ગઈ હતી તેથી ધોતી પોતાની જાતે પણ ગુંચ અચૂક શૈલજાની પાસેજ કઢાવતી. શૈલજા એવા પ્રેમથી દીકરીના વાળ ઓળતી કે ન તેના વાળ ખેંચાય કે ન ઝાઝા વાળ ટૂટે. આજે ગંગા દરિયો છોડી પાછી હિમાલય તરફ વહી રહી હતી. દીકરી માના વાળ પ્યારથી સંવારી રહી હતી જેને માને જાણ સુધ્ધાં ન હતી. હે પ્રભુ, નીરજાને શક્તિ આપજે. ધીરજ બહેન મા અને દીકરી વચ્ચેનો પ્રેમ સજળ નયને માણી રહ્યા હતા. દરરોજ તો વાળ સંવારવાનું કાર્ય કરતાં આજે રવિવારે તે કામ નીરજાને સોંપાયું હતું.

અમૂલ્ય ખબર નહી એક પણ કામ કરવાની હા પાડતો નહી. તેનું બાળમાનસ બળવો પોકારી રહ્યું હતું. મારી મમ્મીને આ શું થઈ ગયું. તે સ્મજી શક્તો પણ સ્વિકારી શકતો નહી. સૌમ્યએ ધીરજ પૂર્વક બીજો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું. અમૂલ્ય ,ચાલ તાળી પાડ જો, મમ્મી તારી સામે જુવે છે કે મારી સામે?

સૌમ્યના મનમાં વિચાર ઝબકી ગયો. અમૂલ્ય જ્યારે નાનો હતો ત્યારે તે અને શૈલજા શરત મારતાં .કે તાળી પાડવાથી અમૂલ્ય જેની તરફ જુએ તે જીતે.મોટે ભાગે શૈલજા જીતતી. કારણ સૌમ્ય કહેતો ‘દિવસ ભર તું  એને સાચવે એટલે તનેજ જુએને. મારી તરફ શેનો જુએ. શૈલજા જીતેપછી બધાને આઈસક્રિમ   ખાવા લઈ જતો.
આજની તારિખમાં એક બાજુ સૌમ્ય તાળી પાડે અને બીજી બાજુ અમૂલ્ય. શૈલજા ક્યાં સાંભળવાની
હતી? પતિ અને પુત્ર પ્રાણથી પ્યારા તરફ મરજી આવે તેમ ડોક હલાવે અનેબાપ બેટા બંને ખુશ
થાય.

જમી પરવારીને બાળકો શાળાનું ઘરકામ કરવા રૂમમા ગયા. સૌમ્ય એકલો પોતાના બેડરૂમમા આવ્યો. બાળકોની સામે પહેરેલો નકાબ ઉતરી ગયો. સાથીને ઝંખતું મન તરફડિયા નાખતું હતું. એવું તો ન હતું કે શૈલજા થોડા વખત પછી માંદગીમાંથી ઉઠીને સાજી થઈ જશે? હવે શુંએ ગહન પ્રશ્ન તેની સામે આંખ ફાડીને ઉભો હતો.

This entry was posted in શૈલ​જા આચાર્ય. Bookmark the permalink.

3 Responses to શૈલ​જા આચાર્ય (૫) પ્રવીણા કડકિયા

 1. sneha says:

  ohhhhhh……..vednasabhar episode….cngrts

 2. Nij says:

  very touchy. Can not wait for the next one.

 3. sapana says:

  ખૂબ સરસ!
  સપના

Comments are closed.