શૈલજા આચાર્ય (૬) સપના વિજાપુરા

આજ ભરતભાઈ આવવાના છે એવું સૌમ્ય કહેતો હતો..ભરતભાઈ નામ સાથે જ વહાલ વરસી પડે છે.. મોટાભાઈ..જાણે બાપુજીની કોપી…એની આંખો દરવાજા પર ટિકટિકિ   લગાવીને જોઈ રહી હતી…આ શરીર પણ જોકે એક પાસું ફેરવવું હોય તોય નથી  ફરતું…પગ અડધો ઈંચ પણ ખસેડી નથી શકતી…પગમાં પહેરેલી સેર ખબર નહી પગમાં છે કે નહિ…ઝણકાર નથી સાંભળ્યો કદાચ સૌમ્યએ કાઢી લીધી હશે..કેટલી વ્હાલી હતી એ સેરો સૌમ્યને હાથ ફેરવે પગ ઉપર તો હ્રદયમાં  ઝણકાર થઈ જતો..આંખની  કોરે થી પાણી પડવા લાગ્યું…ઓશીકાંને ભીંજવતું રહ્યુ..

સૌમ્ય રૂમમાં દાખલ થયો એણે ચહેરો ફેરવી લીધો. સૌમ્ય પણ કેવો રોબોટ જેવો  થઈ ગયો છે .બધાં કામ યંત્રવત્ત કરે છે.દવા આપવી,ઓશીકું સરખું કરવું રજાઈ સરખી ઓઢાડવી..અને બસ બધું વ્યવસ્થિત કરી રુમમાંથી નીકળવું..છેલ્લે સૌમ્ય એ પરાણે  સ્મિત કરીને કહ્યુ  “કાઈ જોઇયે છે શૈલુ?”

એણે પણ પરાણે સ્મિત ચહેરા પર લાવી  કહ્યું “હા!”

“શું જોઇએ છે?” સૌમ્ય એ પૂછ્યું.

“મને વહાલ્ભરી એક ચુમી જૉઇએ છે”

પરાણે રુદન ખાળી રાખતા શૈલજા એ માંગણી કરી

“..શું?” સૌમ્યએ ફરી પૂછ્યું.અને એણે હસવા  પ્રયત્ન કર્યો

“કેમ ચુમી એટલે નથી ખબર? ચાલ કહું મને એક ઓષ્ટ્યમિલન જોઇયે છે વહાલ અને પ્રેમથી તરબતર.”

સૌમ્ય અવાક બનીને સાંભળી રહ્યો પછી ધીરે થી એની નજદીક આવી અછડતી ચુમી આપી તરત જ  દૂર થઈ ગયો અને બોલ્યો”ચાલ નીકળુ મારે મોડું થાય છે.”

એ સૌમ્યને દરવાજામાંથી નીકળતા જોઈ રહી..કેટલી રુક્ષતા હતી એ ચુમીમાં? વહાલ તો તલ માત્ર નહોંતુ..  શું હવે મને જરા પણ  પ્રેમ નહીં કરતો હોય? હું ફકત બોજ છું? હા આ શરીર સાથે જ વ્યકતિ પ્રેમ  કરતી હોય છે આત્માનાં સંબંધો અને રુહના પ્રેમની બધી વાતો જ છે. હું એક બોજ છું બોજ છું બોજ છું..આત્માથી
અવાજ નીકળી ગયો અને આંખોમાંથી પાણી ટપકવા  લાગ્યું.

દરવાજા પર ટકોરો થયો ભરતભાઈ હતા.એ ફીકું  હસી.”આવો ભરતભાઈ..”

“શું  વિચારતી  હતી શૈલુ?” ભરતભાઇએ એના સુકા વાળમા હાથ ફેરવીને પૂછ્યું.અને એની  આંખોમાં ચોમાસું ઉમટી આવ્યું.

ભરતભાઈ એકદમ પથારીમાં બેસી ગયાં .”.કેમ કેમ  અચાનક પાછી રડવા બેઠી…”

ગળાંમાં ડૂસકાં  અટવાતા હતા..”ભાઈ ભાઈ મારે આવું  જીવન નથી જીવવું .ભાઈ, ભગવાનને કહો મને ઊઠાવી લે..હું ફકત એક બોજ છું..આ  ધરતી ઉપર..મારાં સૌમ્ય ઉપર અને મારાં બાળકો ઉપર..મારે લીધે એમનું જીવન અસ્તવ્યસ્ત છે..મારે એમને કલરવ કરતાં જોવા છે .રડતા અને ચિંતીત બાળકોને નથી  જોવા…ભાઈ ભાઈ ભગવાનને કહો મને ઊઠાવી લે ..ઊઠાવી લે”..ભરતભાઇ તેને છાની રાખવા મથતા હતા..પણ શૈલજાનું રૂદન ના અટક્યું

ડૂસકાં લેતી તે ફરી બોલવા લાગી”અહીં કોઈ મને ચાહતું નથી  બધાંને મારૂં હોવાપણુ નડે છે..મારૂં શરીર મને સાથ નથી આપતું અને ઝાડો પેશાબ  બધું
બીજાનાં મુડ પર આધારીત છે..મનને પાંખો લાગી છે અને શરીર મણ મણનાં બોજામા પડ્યુ છે..બાળકોના વિલા મોં મારાથી જોવાતા નથી આ કરતાં હું ભગવાન
પાસે જાઉં તો બધાનો છૂટ્કારો.”

ભરતભાઈ આંખોનાં આંસુને છૂપાવતાં બોલ્યાં”જો  શૈલુ,તું હમેશથી બહાદૂર છો..જ્યારે તું નાની હતી ત્યારે તું અન્યાય અને  જુલમ સામે પડકાર કરતી ત્યારે અને જ્યારે બાએ દેહ છોડ્યો ત્યારે અને  બાપૂજીના અકસ્માત મૃત્યુ સમયે તું નાની હતી છતાં હકીકતનો બરાબર સામનો કર્યો..અને હવે જ્યારે તારા પર વાત આવી તો હું તને હિંમત નહી હારવા દઉં..મારી બહેન કદી હારે નહીં..હું તારો ભાઈ અડીખમ ઊભો છું તને કાઇ નહી થવા દઉં તું પાછી દોડતી ના થાય ત્યાં સુધી હું ચેનથી બેસવાનો નથી..અને આના માટે  બસ તારી હામ અને તારો ઉત્સાહ જોઇએ અને હા કદી આવી મરવાની વાત નહીં કરવાની  ..ભગવાનનો રથ માથેથી
નીકળતો હોય અને તથાસ્તુ કહી દે તો ? તારા બાળકોનું શું? એમની તો માં જતી રહેને.?.શુભ શુભ બોલવાનું જેથી પ્રભુનો રથ નીકળે અને  તથાસ્તુ
કહે તો બધું શુભ જ  થાય..એટલે વચન દે કે આવી વાત નહીં કરે.

શૈલજા કહે “ભાઈ! જ્યાં પોતાના મશીન બની જાય ત્યાં કોને શું કહેવુ?”

“ પણ થયું શું તે આટલું બધુ લાગી આવ્યું?”

“કશું નહીં ભાઇ!..આજે સૌમ્યની આંખોમાં મને મારો અપંગ હોવાનો ભાર જણાયો.”

“તું પણ શૈલુ..રાઇનો પહાડ કરે છે ને કંઈ.ખરો પ્રેમતો આવા કસોટીનાં સમયે ખીલે…તું તો તેના ઉપર શંકા કરે છે.. ગાંડી!એના પ્રેમની વાત શું કરેછે..તારા
મનને અપેક્ષાનાં રોગથી દુર કર બેના…પરિસ્થિતિ બદલાતી હોય ત્યારે બદલાવું જ રહ્યું બેન.”

ઈંદુબેન અંદરથી ગરમ નાસ્તો અને ચા લાવ્યા.અને સાથે તેમનો સુરીલો ટહુકો…” ચાલો બેન બા નાસ્તો તમારો ભાવતો છે..ગરમ ગરમ સક્કર પારા અને ચા’
ભરતભાઇએ શૈલજાનાં આંસુ લુંછ્યા અને પરાણે હાસ્ય લાવતી શૈલજા બોલી..”ભાભી કહો છો સક્કર પારા પણ લાગે છે ખારાં..તો નમક પારા કહોને?”
“ હા બેન અમારું મધ મીઠું વહાલ છે ને તેથી તે સક્કર પારા..અને આ આંસુ તમે ઉમેરી દો તેથી બીચારા તે નમક પારા..”માથા પર હાથ ફેરવતા ઇંદુ
ભાભી બોલ્યા..”

શૈલજા ભાભીનાં વહાલમાં માનું વહાલ માણતી થોડીક ક્ષણો માટે સૌમ્યનાં રૂક્ષ વ્યવહારને ભુલી ગઇ.

૦૦૦

શૈલજા ખૂબ ઉત્સાહીત હતી..મારે સૌમ્યને બતાવવું છે હું એનાં રથનું બીજું  પૈડું છું.હું કદી એને ભારરૂપ નહીં રહું …..અત્યારે કેટલાં
વાગ્યા..ઓહ હજુ તો બે વાગ્યા!! નીરજા અને મારો માઇકલ જેકસન ત્રણ વાગે આવશે  ..આજ તો એને કહિશ મારી પાસે બેસે..કેટલો વ્હાલો
લાગે છે ..કેવો સ્કુલેથી  આવીને મને વિંટ્ળાઈ જતો ..મમ્મી આ આપને તે આપ ..ભૂખ લાગી હવે તો બીચારો  મારાં રુમમાં આવતા પણ ગભરાય છે…પણ હું જ હવે મારું મોઢું હસતું રાખીશ અને  બધાં ને આ ઉદાસીભર્યા વાતાવરણથી દૂર રાખીશ..નીરજા તો જાણે ડોશી બની ગઈ છે..ના..રે હું એને કસમએ ડોશી બનવા નહીં દઊં..એને તો બસ હસતી ખેલતી ઊછળતી  રાખીશ..એક ટીનએજર એના માટે ..કલ્પનાની દુનિયા બસ છે વાસ્તવીકતાથી પરે…

દિલ ખો ગયા હો ગયા કિસિકા..

ડોરબેલ વાગી નીરજા અને અમૂલ્ય આવ્યા લાગે છે..બન્નેને જોવા માટે તડપી  ઊઠી…અમૂલ્ય દોડીને મમ્મીનાં રુમના  દરવાજા પાસે આવી અટકી ગયો અને જરા ડોકિયું કરીને જોયું મમ્મી સુતી છે કે જાગે છે..મમ્મીતો દીકરાની રાહ જોઇને  બેઠી હતી..ચહેરા ઉપર ગુલાબ જેવું સ્મિત લાવી શૈલજા બોલી,”આવ, મારાં માઇકલ જેકસન  મમ્મી પાસે આવ..અમૂલ્ય થોડો અચકાતો અચકાતો મમ્મીની રુમમાં  પ્રવેશ્યો..
શૈલજા,”આવ બેટા મમ્મી પાસે આવ.” એ મમ્મીપાસે પહોંચી  ગયો..
અમૂલ્ય,” મમ્મી તને બેડમાં કંટાળો નથી આવતો?’
આંસું ખાળતી ચહેરા પર  સ્મિત રાખતી શૈલજા ફરી હસી..”નારેના..જો હવે મારે રસોઈ નહીં કરવાની તને તૈયાર  નહીં કરવાનો..અને
સ્કુલે મૂકવા નહીં આવવાનું બસ આરામ જ આરામ..ટી.વી જોઉ અને  આરામ કરું. કેટલું સારું!
.”મમ્મી તેથી તું સારી થવા નથી માંગતી?” અમુલ્યએ  પૂછ્યુ.
.”ના ના હું તો સારી થવા માંગું છું..તારી સાથે રમવા..દોડાદોડ કરવા  અને લૂપાછૂપી રમવા અને માઇકલ જેકસનના ડાન્સ કરવાં..અને અમૂલ્ય બેટા તું  જોજે મમ્મી કેવી ભાગે છે.”

અમૂલ્યનાં ચહેરા પર એકદમ આનંદ પથરાઈ ગયો..એનો  ગુલાબી ચહેરો એકદમ પુલકીત થઇ ગયો… “મમ્મી હું એકદમ ડાહ્યો થઈ જઈશ તને જરા  પણ હૈરાન નહી કરું..તું જલ્દી સારી થઈ જા.”

અમુલ્ય બોલીને નાચતો કુદતો બહાર  ભાગી ગયો..શૈલજા મનમાં બોલી નીરજાને ખુશ કરવી અઘરી છે..પણ બાજુનાં રુમમાંથી  નીરજાનો મીઠો અવાજ
સંભળાયો જાણે કે કોયલ ટહૂકી…કોઈ નવી ફિલ્મનું ગીત  ગણ ગણી રહી હતી..કેટલો મધુર અવાજ  છે..થોડાં કલાસ કરાવ્યા હોય તો દીકરી કોયલ છે…હા
મને સાજી થવા દે.પહેલા  એજ કામ કરીશ…

“નીરજા, બેટા અહીં આવ બેટા,.મારી પાસે..”

નીરજા દોડીને મમ્મી પાસે આવી હાંફી ગઈ..”હા, મમ્મી બોલ, કાંઇ જોઇયે છે? કાંઈ થાય છે?  દુખે છે?”

“ના, ના નીરજુ બેટા કાંઈ નથી જોઈતું અને કાંઈ નથી  થતું..મારી પાસે બેસ.”..

જીન્સ અને લાઈટ બ્લ્યુ બ્લાઉઝ્માં નીરજા સુંદર  દેખાતી હતી જો કે દરેક માને તેની દીકરી વહાલી અને સુંદર જ લાગતી હોય

.”.જો બેટા..આજે મારાં દિલની વાત કહું…તારા પપ્પા ખૂબ લાગણીશીલ  છે અને તું હિમતવાળી…આપણે બધ્ધાએ પરિસ્થિતિની સામે લડવાનું છે..મારે તમારા સૌનો સાથ જોઇયે છે…હું ભગવાન સામે પણ લડીશ મારાં વ્હાલાઓનાં સાથ માટે.  આપણે બન્ને એ પપ્પાના ચહેરા પર સ્મિત લાવવાનું છે. ઘરમાંથી ઉદાસીને ડસ્ટ્બીનમાં  નાંખવી છે. આપણે જેમ હસતા ગાતા એમજ રહેવાનું જાણે કાઈ નથી બન્યું..તારો સાથ  જોઇયે અમૂલ્ય અને તારા પપ્પા માટે..”

નીરજા બોલી,” મમ્મી મને તો ૧૦૦%  ખાતરી છે તું સારી થઈ જવાની આ સાયન્સ અને ટેક્નોલોજીની દુનિયા  છે..આવિષ્કાર..શોધખોળ….અને હા મેં ગુગલ કરીને જોયું..મને તો તારી  સ્થિતિમાં ખૂબ જલ્દી ફરક પડશે  એવી આશા છે.”શૈલજાનાં ચહેરા ઉપર અજબ  પ્રકારની શાંતિ છવાઈ ગઈ..એણે બહાર ખુલ્લાં આકાશ તરફ જો્યું..એક પંખી પાંખો પ્રસારતું ..ઊડી રહ્યું હતું…

૦૦૦

સાંજ ઢળવા આવી..આકાશ કંકુવરણું બન્યું …શૈલજા બેચેનીથી સૌમ્યની રાહ જોતી હતી..આજ કાલ એને મન સાથે વાતો કરવાનું ચાલુ કર્યું  હતું..ઘરમાં બધાંને કાંઇ ને કાંઇ કરવાનું હોય છે..એ એક જ નવરી પડી છે. એટલે  મન એની સાથે પડછાયાની જે સાથ આપે છે..મન એને દોડતી કરે છે અને મન એને હવામાં ઊંચકે છે..મન એને વાદળોની સવારી કરાવે છે…માણસ પાસે આ મન ના હોય  તો? એકલતાથી મરી જાત…લોકો કહે મનને મારો.પણ…મન મારું દોસ્ત છે મનને  કેવી રીતે મરાય..બધાં પાગલ છે ઈશ્વર કદી એવું ના કહે. સત્પુરુષો કહે છે मनकी सुन मन सच कहेता है…

ચાલો આ સાંજ ઢળી…એને યાદ આવ્યું…એને સૂર્યોદય  ખૂબ ગમતો અને સૌમ્યને સૂર્યાસ્ત …તો એને ખૂબ ચીડાવતી કે એ નેગેટીવ  થિન્કીગ વાળો છે પોતે પોઝેટીવ…આજની આ ખામોશ સાંજ એને ગમી ગઈ ..આજે એ ખૂબ  શાંત હતી..જાણે જિંદગીનો મોટો નિર્ણય લઈને બેઠી હોય એમ આંખો બંધ કરી એ સ્વસ્થ થઈને સૂતી હતી…

બહાર અમૂલ્ય અને નીરજાનો હસવાનો અવાજ આવ્યો.”.પપ્પા  પપ્પા અમારી સેંડવીચ લાવ્યા.?’.

સૌમ્યનો થાકેલો અવાજ સંભળાયો..”ભૂલી ગયો,ચાલો  કાલે ચોક્કસ..બસ? તારી મમ્મી સાજી હોત તો દસ ફોન કર્યા  હોત કે સેંડવીચ ના ભૂલતા  હું કેટલું યાદ રાખું.”

બુટ કાઢી એ રસોડાંમાં  ગયો..”મમ્મી શું બનાવ્યું છે?”

‘કારેલા અને ભાખરી..”

મમ્મી તમને તો ખબર છે કે  છોકરાઓ કારેલા નહીં ખાય.’બેટા હવે આ ઉંમરે થાય એટલું કરું છું તને કારેલા  ભાવે  એટલે…કાંઈ નહી હું છોકરાઓને માટે  પીઝા ઓર્ડર કરું છું.”..અને બન્ને નાચવા  લાગ્યા..

સૌમ્ય શૈલજાનાં રુમમા આવ્યો..એની આંખો બંધ હતી..જાણે  ગુલાબની પાંખડીઓ અધખૂલી…કેટલી વહાલી લાગતી હતી. સૌમ્યને એકદમ હેત ઉભરાઈ  આવ્યું. નજીક આવી બન્ને આંખોને પ્રેમપૂર્વક ચૂમી લીધી.. શૈલજાએ આંખો  ખોલી..ઘણાં સમય પછી આટલાં પ્રેમથી સૌમ્યએ એને ચૂમી હતી..એની આંખો હસું હસું  થઈ ગઈ અને હોઠ મરકી ગયાં..
“વ્હાલું તું આવ્યું?”ખૂબ પ્રેમ આવે ત્યારે એ સૌમ્યને “વ્હાલું” કહી સંબોધતી.

.”હા વ્હાલી..જોને કેવી સરસ સાંજ છે!!

“હા પંખીઓનો કલરવ સંભળાય છે..”

“સૌમ્ય, સોમુ..મારું એક કામ કરીશ?’

“હા,બોલ..મેરે આકા-તારો ગુલામ હાજર છે!!”

‘પેલી કૃષ્ણની મૂર્તિ છેને પૂજા ઘરમાં?”

“હા, તો?”

“એ મૂર્તિ મને આ રૂમમાં જોઇયે છે…’

“પણ તું તો કહેતી હતીને કે ભગવાન નિરંજન નિરાકાર હોય છે..પછી આ મૂર્તિ હવે રૂમમાં  શા માટે?”

એ મીઠું હસી..

“હવે તું મારી સામે નથી હોતો ને તો  ઝઘડા કોની સાથે કરું? એટલે આ કૃષ્ણની મૂર્તિ સામે મારો બળાપો કાઢીશ..અને  જેમ તું મારી રોજ રોજની જીદ સામે માથું ટેકવે છે એમ મારાં ભગવાન પણ કંટાળીને તથાસ્તુ કહેશે એવો મારો વિશ્વાસ છે..પ્લીઝ..તુ મારાં ભગવાનને  અહીં બિરાજમાન કરી દે પછી જો તમાશો..”

સૌમ્યએ ધીરે થી એનો હાથ પકડી  ચૂમી લીધો..આજે સૌમ્યને એના માંથી કોઈ દુર્ગંધ આવતી નથી..મને લાગે છે  દુર્ગંધ અને સુગંધ માણસનાં ભાવો સાથે બદલાય છે…

એ પૂજાનાં રુમમાં  થી મૂર્તિ લેવા ગયો..બા સામે મળી ગયાં.

.”ક્યા જાય છે બેટા?

અડધી ધૂનમાંએ ગણ ગણ્યો,

”મૂર્તિ લેવા!!”’..

બા એકદમ ઉખળી પડ્યાં ભગવાનને પૂજા ના રુમમાથી  હઠાવાય કાંઈ?’.

સૌમ્ય હસીને બોલ્યો,’બા,ભગવાનની પૂજા ના રુમ કરતાં શૈલુના  રૂમમા વધારે જરૂર છે!!’

સૌમ્યએ બરાબર સામે મેજ ઉપર મૂર્તિ ગોઠવી  ફૂલ હાર કર્યો.

“બસ ઔર કૉઇ હુકમ હૈ મેરે આકા?”

ફરી મધૂર સ્મિત અને શેલજા બોલી..

“હા , એક ઔર હુકમ..આ મારી પથારી બરાબર બારી સામે  કરી દે..કે હું પેલાં ઊડતા પંખીઓને જોઉં અને ઊડતાં શીખું અને હા વરસાદની વાછંટ અને ગુલાબી સાંજ મને  જીવવાનો જુસ્સો આપશે..”

“ઓહ એમાં શી મોટી વાત છે…તું તો ફૂલ જેવી છે..તને ઊંચકીને આમ ફેરવી દઈશ…અને હા  ખુલ્લું આસમાન જો..એની વિશાળતા અને ગહનતા જો..અને આ ચોરસ બારીમાથી  નીકળીને દુનિયા નીરખજે…સુખનાં સાગર ઉમટે છે…આપણાં સુખનાં સાગર..!!”

સૌમ્યએ બારી સામે પથારી કરી નાંખી..હવે આસમાનનો ટુકડો જાણે ફ્લેટમાં આવી  ગયો..”હાશ..ભગવાન..તારી આભારી છું..તું જ પાર ઉતાર
જે..
સૌમ્યએ કહ્યુ,”  શૈલુ કારેલા ખાઈશ?”
શૈલુએ મોઢું બગાડ્યું..
“તો પીઝા?”
“હા,હા, હા..”
શૈલજા જાણે નાની બાળકી બની ગઈ!!
બાળકી જેને સૌમ્ય  દિલોજાનથી ચાહતો હતો…

૦૦૦

સૂરજનાં પહેલાં કિરણે શૈલજાની આંખો ખૂલી ગઈ..નવી ઉષા નવી આશા…આજનો દિવસ એકદમ સરસ ઊગ્યો છે..વાદળ નથી અને પંખીઓનો કલરવ સંભળાય  છે..એને આકાશનાં ચોરસ ટુકડા સામે જો્યું..મારાં ભાગનું આકાશ..મારૂ  આકાશ…એટલામાં કુંજડીઓની કતાર નીકળી ..હરોળમાં ઊડતી એ કતાર કેટલી  શીસ્તબધ્દ્ધ છે કોણ શીખાવતું હશે એને આ બધું? અચાનક એની નજર કૃષ્ણની મૂર્તિ  સામે ગઈ.આંખો બંધ કરી વંદન કર્યા..

બહાર રુમમાં ધમાલ ચાલતી  હતી..મારી બુક ક્યાં મૂકી?  મારૂ હોમવર્ક અને..લંચ બોક્સ…અમૂલ્યને તો બધું  યાદ રાખી આપવું પડે બીચારો..માં વગર શું કરે…પણ બેટા થોડાં દિવસ પછી તારી  માં સાજી થઈને બધું તૈયાર કરી આપશે…બસ થોડાં દિવસ મારાં દીકરા…શૈલજાની  આંખોમાં મજબૂરી આંસું રૂપે આવી ગઇ..
એટલામાં” બાય મમ્મી ..”. નીરજા પણ  આવી..મમ્મીનો ચહેરો ચૂમીને ગઈ
“બાય મોમ..”અમૂલ્ય  પણ થોડીવારમાં આવ્યો..
“”બાય  શૈલુ..બાળકોને મૂકી ઓફીસે સીધો જઈશ..અરે હા આજે ભરતભાઈ આવવાનું કહેતા  હતાં..ભાભી.. પણ મૂંઝાતી નહી..કંઇ કામ હો ય તો પ્રીતિબેનને કહેજે..લવ યુ  ડાર્લીંગ..” અને નાનકડી ટપલી ગાલ પર મારી સૌમ્ય પણ નીકળી ગયો ..

હાશ  આજે તો બસ મારે મારાં દિલની વાતો ભગવાનને કરવી છે…ત્યાં તો પ્રીતિબેન  માલિશની
દવા લૈને આવ્યાં. ચાલો ..શૈલજાબેન માલિશ કરી આપું…શૈલજાએ આંખોથી  હા કહી…પ્રીતિબેન માલિશ કરવાં લાગ્યા..એમણે હાથેથી શૈલજાનાં પગ પરથી  નાઈટી હટાવી ..શૈલજાની સુંદરતાની સાક્ષી પૂરતાં હતા એ પગ..એ ધીરે ધીરે  માલીશ કરવાં લાગ્યાં..પગ અને હાથ અને ધીરે ધીરે પુરા  શરીરને
પ્રેમથી મસાજ કરતાં હતાં…બેન આજે તમારાં હાથ થોડાં ગરમ લાગે છે ..આ તો ખૂબ સારી વાત  છે…પ્રીતિબેન બોલતાં રહ્યા…એ સાંભળતી રહી..એણે પ્રિતીબેનને કહ્યુ” આજે  બહાર થી થોડાં ફૂલ લાવીને વાઝમાં સજાવજો અને અગરબત્તી  પણ કરજો..સ્પંજ કરી  પ્રીતિબેન
રુમમાંથી ગયા..બધું ફ્રેશ અને ચોખ્ખું લાગતું હતું…એણે પ્રીતિબેનને  ભજન પણ મૂકવાં કહ્યુ હતું..સરસ સૂર વહી રહ્યા  હતાં..એણે કૃષ્ણની મૂર્તિ સામે જોયું..પછી આકાશ સામે…હે ભગવાન !! તારાં  ખજાનામાં કોઇ કમી નથી..તું જેને ચાહે એને આપે તો ..મારાં બાળકો અને મારાં  પતિની ખાતર મને પાછી હરતી ફરતી કર હું આ જીવનભર તારી ઋણી રહીશ.એની આંખોમાંથી  આંસું ટપકવા લાગ્યા..

ડોરબેલ વાગી..ભરતભાઈ અને ભાભી…અને હાથ પણ  ઉંચો ના થાય !આંસું પણ કેમ કરી છૂપાવૂ? મારાં જ વેરી છે મારાં આંસું અને  મારો જ સહારો…ભાઈ ભાભી આવ્યાં..ભાભી સીધાં રસોડાંમાં ગયાં..ભરતભાઈ આવી  ગયા..રુમમાં..”કેમ છે બેના?મારી વ્હાલી બેના?” અરે શું રડતી હતી…?

“ના,  ના ભાઈ આ તો ખુશીનાં આંસું..અને એ પણ એની મરજીથી આવે જાય છે ..નામ તો નથી  લખ્યું કે શા કારણે આવે છે..સાચું કહું આજે તો ચોક્ક્સ ખુશીનાં જ કારણે  આવ્યાં છે એક તો ભાઈ આવ્યાં અને બીજું જુઓ મારાં ક્રૂષ્ણ ભગવાન મારા રુમમાં  આવ્યા..એની સાથે વાતો કરું છું!!” ભરતભાઈએ એની આંખો લૂછી નાખી અને  બાજુમાં રાખેલી ખુરશી પર બેસી ગયાં..
“ભાઈ એક વાત કહું? તમને ખૂબ  ખુશી થશે!!
“હા કહેને ,બેના..શું છે?’
તમે મારાં રિપોર્ટ ફરી  કરાવો..મને ચોક્કસ લાગે છે કે મારાં શરીરમાં સંચાર થાય છે..પણ ચોક્કસ પણે  કાંઈ કહી શકતી નથી..પણ ભગવાનને ત્યાં દેર છે અંધેર નથી..”
ભરતભાઈ  ખુરશી પરથી અડધાં ઉભા થઈ ગયાં.. શું વાત કરે છે..ખરેખર..? આ તો ખૂબ સારાં  સમાચાર..લાવ હું ડો.જાદવને ફોન કરું..
“ઈન્દુ અરે ઈન્દુ..જલ્દી આવજે  અહીં..” ભરતભાઇની ખુશી સમાતી ન હતી..
‘આવું,…આવું ,આ શૈલુ માટે એને  ગમતો ગાજરનો હલવો અને વડા લાવી હતી તો મૂકવાં ગઈ હતી..શું..સમાચાર મળ્યા  કે આટલાં ફૂલાઈ ગયાં છો?
ઈન્દુ ભીનાં હાથ નેપકીનથી લૂછતી રૂમમાં  આવી..શૈલુને માથે વ્હાલથી હાથ ફેરવ્યો…
“આજે તો બેનબા સરસ દેખાય  છે…મઘમઘે છે…”
“હા ભાભી સ્પંજ કરાવ્યું અને પરફ્યુમ લગાવ્યુ મને  શરીરની ઓડર જરાય ના ગમે પણ જુઓને ભગવાને તો મને ગંદકી માં મૂકી દીધી ..કિયા  જનમનાં પાપે?”
ભાભીએ એનાં મોં પર હાથ રાખી દીધો..એવું ના બોલ  શૈલું..તને મારાં સમ છે..તું ખૂબ જલ્દી સારી થઈશ એવું મારૂં અંતઃકરણ કહે  છે..અને હમણાં તો કાઈ ખુશીનાં સમાચારની વાત હતી..”
“અરે હા, તમારાં  બન્નેનાં વાર્તાલાપમાં હું ભૂલી ગયો..મારે ડો.જાદવને ફોન કરવાનો છે..શૈલુને  શરીરમા સંચાર થયો એવું લાગે છે…”
ઈન્દુભાભી અને ભરતભાઈ જાણે સપનાંની  દુનિયામાં સરી ગયાં.એમને તો દોડતી ભાગતી શૈલુ દેખાવા લાગી

This entry was posted in શૈલ​જા આચાર્ય. Bookmark the permalink.

2 Responses to શૈલજા આચાર્ય (૬) સપના વિજાપુરા

  1. sneha says:

    v.nice sapna…lv it

  2. **** says:

    Love the positive attitude of Shailja. Nicely written .

Comments are closed.