શૈલજા આચાર્ય -૧૦ રાજુલબેન શાહ

ઓહ! કેટલા સમય પછી પાછી હુ મારા ઘેર જઈશ? શૈલજા મનોમન આતુરતાથી એ ઘડીની
રાહ જોઇ રહી હતી. જે દિવસે શૈલજાને રિહેબમાંથી ઘેર જવાની પરમીશન મળી એ દિવસથી
જ ખુબ જ આતુરતાથી એ પળની રાહ જોઇ રહી હતી. જાણે યાયાવર પક્ષી.અનેક જોજનોની ખેપ કરીને પાછુ પોતાના મુળ સ્થાને ફરી ના રહ્યુ હોય?

ખુબ ઉત્સાહિત શૈલજા મનોમન આનંદની સાથે સાથે એક ધુજારી મહેસુસ કરી રહી હતી. કેવી હશે એ પળ ? યાદ હતી શૈલજાને એ ક્ષણ જ્યારે સૌમ્યએ એને પહેલી વાર જ્યારે એના મમ્મી-પપ્પાને મળવા ઘેર લઈ જવાની વાત કરી હતી. સત્ય જે છાનુ રહેતુ નથી એમ ગમે એટલુ છુપાવો પણ પ્રેમ પણ છાનો રહેતો નથી. પ્રેમમાં પડેલા સૌમ્ય અને શૈલજાને તો એમ જ હતુ કે એમની આ લુપાછુપીથી દુનિયા અજાણ છે પણ અંતે તો પ્રેમ એની આલબેલ પોકાર્યા વગર રહેતો નથી જ. અને અમદાવાદ ક્યા નાનુ છે? ક્યારેક બંને એકલા તો ક્યારેક ગ્રુપમાં સાથે ફરતા સૌમ્ય શૈલજા હવે તો અવારનવાર કોઇની ને કોઇની નજરે તો ચઢી જ જતા. ગ્રુપમાં સાથે હોય અને કોઇની નજરે પડ્યા તો તો કોઇ ચિંતાનો સવાલ જ રહેતો નહી પણ ક્યારેક એક્લા હોય અને જો કોઇએ જોયાતો શૈલજાને અત્યંત ટેન્શન થઇ જતુ. પણ એ બાબતમાં સૌમ્ય બેફિકર હતો. એ
શૈલજાને કહેતો ” સારુને ? જેણે આપણને જોયા હશે એ જ ઘેર જઈને ચાડી ખાશે તો આપણે ઘેર કેવી રીતે જણાવવુ એની ઉપાધીમાંથી બચી જઈશુ.”

અને ખરેખર એમ જ બન્યુ. રવિવારનો એ દિવસ હતો .ફનફેરમાં આમ તો બધા ગ્રુપમાં
સાથે જ હતા પણ એ જાયન્ટ વ્હિલમાં સાથે બેસીને એની ઉડાન અને એ ઉન્માદ
માણવાનો લોભ એ બંને ન રોકી શક્યા.ધીરેધીરે સ્પીડ પકડતા એ જાયન્ટ વ્હીલમાં ઉપરથી નીચે આવતી વખતે શૈલજા ડરની મારી સૌમ્યને લગભગ વળગીજ પડતી. એમની આ નજદીકિ દુરથી પણ નજરે પડ્યા વગર થોડી રહેવાની હતી?

સૌમ્ય રાત્રે ઘેર પહોંચ્યો એની પહેલા એના પ્રેમના સમાચાર ઘેર શાંતિભાઇ- ધીરજબેન
પાસે પહોંચી ગયા હતા.મોડી રાત સુધી એની રાહ જોઇને જાગતા રહેલા શાંતિભાઇએ સૌમ્યને બોલાવીને માત્ર એટલુ જ કીધુ ,” જેની સાથે આટલુ નજીક રહેવાનુ મન હોય તો એને આમ જાહેરમાં રાખવાના બદલે ઘેર જ લઈને આવતો હો તો?

ડઘાઇ ગયેલા સૌમ્યની પાસે જઈને શાંતિભાઇએ એની પીઠ પસવારતા વળી એટલુ ઉમેર્યુ ” છોકરી સારી છે. બને તો કાલે એને ઘેર લઈ આવ તો બીજા બધા બહારના લોકો જુવે એ પહેલા હું અને તારી મમ્મી પણ જરા મળી લઈએને?

બસ, અને જે ક્ષણે સૌમ્યએ શૈલજાને ઘેર મમ્મી -પપ્પાને મળવા લઈ જવાની વાત કરી તે ક્ષણે અનુભવેલી ધ્રુજારી એ આજે અનુભવી રહી. રિહેબમાં રહીને શૈલજાને શારીરિક તંદુરસ્તીની સાથે મનદુરસ્તી પણ જાણે પાછી મેળવી રહી હોય એવી સતત અનુભુતિ થયે રાખતી.

આજની શૈલજા અને આજથી પહેલાના ૬ મહિના સુધીની શૈલજામાં આસમાન જમીનનો ફરક આવી ગયો હતો.

આત્મવિશ્વાસની સાથે આત્મસભાનતા પણ એ જાણે પાછી પામી રહી હતી. અત્યાર સુધીના કેટલાક અણછાજતા એના વાણી-વર્તન અને વ્યહવારને લીધે એણે પરિવારની લગણીને કેટલી

ઠેસ પહોંચાડી હતી એની કલ્પના કરતા એ અત્યંત સંકોચ-શરમની મારી જમીનમાં સમાઇ જવા જેટલી હિણપત અનુભવી રહી હતી

ત્યારે ઘર –પરિવારમાં એને કેવો આવકાર મળશે એ વિચારથી એ થોડી નર્વસ થવા માંડી.

સ્વભાવ અનુસાર નામની સાર્થકતા ધીરજબહેન અને શાંતિભાઇમાં હતી તો સૌમ્યમાં

પણ બંનેના ગુણ ઉતર્યા હોય એવી સૌમ્યતા ય હતી જ ને? પણ પોતાની પરવશતાને લીધે
મનમાં ખોટી ગ્રંથી બાંધીને એણે જે ઉધ્માત મચાવ્યા હતા એ યાદ કરતા એ લોકોની સામે એ કેવી રીતે નજર મેળવી શકશે એ વિચારે પગ પાછા પડતા હતા.

વળી પાછુ એણે મન મક્કમ કર્યુ . જે પણ ગેરવર્તન એણે કર્યુ હતુ એના માટે એ મમ્મી-પપ્પાની માફી પણ માંગી લેશે એવો મનોમન નિર્ણય કર્યો. અને રહી વાત સૌમ્યની તો છેલ્લા કેટલા વખતથી તો સૌમ્ય જાણે પહેલાનો જ વ્હાલસોયો સૌમ્ય બની રહ્યો હતો.

રિહેબમાં રહીને શૈલજાએ એ પ્રગતિ કરી હતી એમાં ભરતભાઇ-ભાભીનો તો સૌથી વધુ સાથ હતો પણ સૌમ્ય જાણે એની શૈલજાની હિંમત વધારી રહ્યો એમ એને જેટલો સમય મળતો એમાં શૈલજાના રિહેબના દિવસો વધુ આનંદપૂર્વક પસાર કરે એવા પ્રયત્નો કરતો. નિરજા અને અમૂલ્ય પણ મમ્મીનુ બદલાયેલુસ્વરૂપ જોઇને  વધુ આશાવંત બન્યા હતા. હવે મમ્મી પાસે આવવાનુ એમને પણ મન થતુ.

અંતે શૈલજા જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહી હતી એ પળ આવી ગઈ. સૌમ્ય ગાડી લઈને આવી પહોંચ્યો. ભરતભાઇ ,ચિત્રા અને સૌમ્યએ જાળવીને શૈલજાને ગાડીમાં મુકી. શૈલજાને

વળી પાછો એ દિવસ યાદ આવી ગયો જ્યારે સૌમ્યએ સૌથી પહેલી પોતાની ગાડી લીધી હતી. શૈલજાને સમ આપીને આંખો બંધ રાખીને ઉભી રાખી હતી અને એ કહે નહી ત્યાં સુધી શૈલજાએ

એમ જ આંખો બંધ રાખવાની હતી અને સૌમ્યએ એને હળવેથી પોતાની બે બાંહોમાં થામીને સીધી ઉચકીને સીધી ગાડીમાં બેસાડી દીધી હતી.

કેવી હતી એ રોમાંચક પળ? નવી ગાડી- પોતાની ગાડી , પળેકવાર તો એ એમજ ગાડીમાં
બેસી રહી અને પછી બહાર ઉભેલા સૌમ્યને ગાડીમાં અંદર બોલવીને એ અત્યંત વ્હાલ્પૂર્વક એને વળગી પડી.

આજે ય એને એમ જ સૌમ્યને વળગી પડવાની અદમ્ય ઇચ્છા થઈ આવી. પણ હાય રે નસીબ !મન જે ગતિએ દોડતુ હતુ એની સાથે તનનો તાલમેલ ક્યાં હતો?

રિહેબની ફિઝ્યોથેરેપીને લઈને એ હાથની મુવમેન્ટ તો મેળવી શકી હતી પણ હજુ જાતે આગળ ખસીને પોતાની મેળે ક્યાં કઈ કરી શકતી હતી? પણ સૌમ્ય જાણે એની આ ઉત્કટતા પામી ગયો હતો.

ભરતભાઇ અને ભાભી એમની ગાડીમાં બેસીને ઘર તરફ જવા નિકળ્યા કે તરત જ સૌમ્યએ
એને વ્હાલથી પોતાના આગોશમાં સમાવી લીધી.

“શૈલુ ,આઇ એમ સો હેપ્પી ટુ ડે! હુ આજે એટલો ખુશ છુ એની તુ કલ્પનાપણ નહી કરી શકે.મારી શૈલુ આજે એના ઘેર પાછી જઈ રહી છે.

શૈલજા પતિના એ વ્હાલભર્યા શબ્દો ,ચહેરા સાથે થતા સૌમ્યના સ્પર્શને એ માણી રહી. અને ઘડીકવારમાં એની આંખો છલકાઇ ગઈ. એના ઉના ઉના આંસુથી સૌમ્ય જાણે દાઝી ઉઠ્યો.

“આ શું શૈલજા આજે આમ પાછી ઢીલી કેમ પડી ગઈ?”
આટલો સરસ દિવસ છે, કેવો સરસ મુડ છે અને તુ આમ રડીને એને ઝાંખો ના કર પ્લીઝ.”

” હું પણ સાચે જ ખુબ ખુશ છુ પણ આજે એને વહી જવા દે ,મને આજે હળવી થઈ જવા દે વહાલુ! એક બાજુ હર્ષના આંસુ છે અને બીજી આંખમાં પસ્તાવાના આંસુ છે. મેં ઘેલીએ તને ,મમ્મી પપ્પાને અને છોકરાઓને કેટલા દુભવ્યા છે એ યાદ આવે છે અને હું મારી જાતને માફ નથી કરી શકતી મમ્મી –પપ્પાની સામે તો હું નજર કેવી રીતે મેળવીશકીશ? એ લોકો પણ મારા માટૅ મનમાં કેવું કેવું વિચરતા હશે નહી?”

સૌમ્યએ એના મોં પર આડો હાથે દઈ એન વધુ બોલતી રોકી લીધી.”ભુલી જા એ બધુ તું. એમાં અમારો પણ વાંક તો હતો જ ને ? તારી વેદના સમજવા અમે પણ ક્યાં તૈયાર હતા. ખરેખર તો હું જ તારો સૌથી મોટો ગુનેગાર છું. એ દિવસે તને બેંકનુ કામ પતાવવાની તાકિદ ન કરી હોત તો તારી આ દશા હોત?  અને એ ઉપરાંત તારી સાથે કેટલીય વાર મેં ક્રુધ્ધ વર્તન નથી કર્યુ? શૈલુ આઇ એમ રિયલી સોરી ફોર ધેટ ઓલ. પણ પ્લીઝ તું હવે શાંત થઈ જા અને એક સરસ સ્માઇલ આપી દે મને તો  જરા ગાડી ચલાવવાનુ જોમ આવે.”

અને ખરેખર હસી પડી શૈલજા.સૌમ્ય મુગ્ધ બનીને એને જોતો જ રહી ગયો.શૈલજાનુ સ્મિત ખરેખર ખુબ સરસ હતુ. એ હસતી ત્યારે એના ગાલની ગુલાબી ઓર નિખરી ઉઠતી. અને એમાં ય આ રિહેબના દિવસો દરમ્યાન કરેલી કસરતો અને  ડાયેટિશીયની ટીપ પ્રમાણે સાત્વિક અને સમતોલ આહારને લીધે  એની વધેલી ચરબી , શરીરના ફોફા અને વધુ પડતુ વજન કંટ્રોલમાં

આવી રહ્યુ હતુ એટલે સાચે જ એ પહેલાની જેમ જ સોહામણી લાગતી હતી.”હા! હવે વાત કઈ જામી .મેડમ હવે જો આપની આજ્ઞા હોય તો બંદા તમારી સવારી ઉપાડે?”

અને હવે તો શૈલજા ખડખડાટ હસી પડી.

સૌમ્યએ રિહેબના કંપાઉન્ડમાંથી ગાડી રિવર્સમાં લઈ હળવેથી સ્પીડમાં લીધી. ગાડી મેઇન રસ્તા
પર આવી અને સૌમ્યએ ગાડીને જરા વેગમાં લીધી. ઘર તરફ જવાના રસ્તાને શૈલજા એક્દમ બાળ સહજ કુતુહલથી જોઇ રહી. જાણે કેટલાય વખત પછી આ ચહલ-પહલ જોઇ? રિહેબ જતી વખતે ય રસ્તો તો તો આ જ હતો પણ આજે આ રસ્તો વધુ જીવંત લાગતો હતો. ગાડીના ખુલ્લા કાચમાંથી અધવચાળે પહોંચેલા જાન્યુઆરીની સાધારણ ઉતરતી ઠંડી ગાલને સ્પર્શતી હતી .

આજે આ બધુ ય ગમતુ હતુ.

બાલ્કનીમાં બેસીને નિરજા-અમૂલ્ય કે સૌમ્યની રાહ જોતા જોતા શિયાળાની એ ગુલાબી ઠંડી માણવાની ગમતી એમ જ આજે ફરી એક વાર આ મોસમની લહેજત લેવી એને ગમી. સૌમ્ય ત્રાંસી આંખે શૈલજાની આ મુગ્ધતા માણી રહ્યો.એને શૈલજાની સમાધિભંગ કરવાનુ ઉચિત ન લાગ્યુ. તેમ છતાં એણે તિરછી નજરે શૈલજાને જોયે રાખી.

“સોમ્ય, એક વાત મારી માનીશ? હું મારી જાતે તો નીચે ઉતરીને દર્શન નહી કરી શકુ પણ પ્લીઝ
પાછા ઘેર પહોંચતા પહેલા મને વલ્લ્ભસદન ભગવાનના દરબારના તો દર્શન તો કરાવ. આજે હું જે સ્થિતિમાં પાછી વળી શકી છું એમાં તમારા બધાના સાથની જોડે એના પરની શ્રધ્ધાનુ ય બળ કામ કરી ગયુ છે.

યાદ છે ને જે દિવસથી મારા રૂમમાં મારા લાલાની મૂર્તિ મુકી એ દિવસથી જાણે મને જીવવાનુ -ફરી ઉભા થવાનુ જોમ મળ્યુ છે. યુધ્ધમાં હથિયાર હેઠા નાખીને બેઠેલા અર્જુનને જેમ એણે ઉપાધીમાં નસીબ સામે લડવાનુ જોમ પુરૂ પાડ્યુ એમ જાણે એણે સતત મને મારી પોતાની જ વેરી બની ગયેલી મારી નબળાઇઓ સામે ઉભા થવાનુ , ઝઝુમવાનુ બળ આપ્યુ છે. આજે એનો ઉપકાર માન્યા વગર હું પાછી જ કેવી રીતે જઈ શકુ?”

સૌમ્યએ શૈલજાની સામે સંમતિ સુચક ડોકુ હલાવે ગાડી વલ્લભસદન તરફ વાળી.  બહારથી હવેલીના પ્રવેશદ્વાર સામે ગાડી ઉભી રાખીને સૌમ્ય નીચે ઉતર્યો. શૈલજાની ઇચ્છા મુજબ એણે હવેલીમાં જઈને દર્શન કર્યા અને ભોગ ધરાવી પ્રસાદ લઈને આવ્યો ત્યાં સુધી શૈલજાએ એમ જ બોલ્યા વગર મૌન પ્રાર્થનામાં જ વિતાવી. આંખ ખુલી ત્યારે સૌમ્ય પ્રસાદ શૈલજાની સામે ધરીને એ ઉભો હતો.

” ના સૌમ્ય , એમ નહી આ પ્રસાદ આજે પહેલા મમ્મી-પપ્પાને આપીને જ પછી હુ લઈશ. મારા ઘરના એ સાચા અર્થમાં સારથી બનીને રહ્યા છે. મારા તુટતા ઘરને – મારા સંસારને એમના ટેકાથી ઉભો રાખ્યો છે. શિશુપાળના નવ્વાણુ ગુના પછી સો મો ગુનો તો ભગવાને પણ માફ નહોતો કર્યો. એમણે તો મારા કેટલાય ઉધ્માતોને સહ્યા છે અને તેમ છતાં ક્યારેય મને તિરસ્કારી સુધ્ધા નથી…ભગવાન પછી એમનો મારી પર સૌથી વધુ ઉપકાર છે.”

સૌમ્ય આ બદલાઇ રહેલી શૈલજાને સાંભળી રહ્યો. ના! ના! આ બદલાઇ રહેલી શૈલજા નહોતી આ તો પહેલાની હતી એ જ શૈલજા હતી. એનુ હંમેશા ધીરજબહેન અને શાંતિભાઇ સાથેનુ વર્તન પ્રેમાળ જ રહેતુ. માત્ર સમય બદલાયા હતા, સંજોગ બદલાયા હતા અને એ સમય –સંજોગોએ
શૈલજાને બદલી હતી.

ઘર પાસે આવતુ ગયુ એમ શૈલજાની ધડકનો તેજ બનતી ગઈ. શરીરમાં આ જ તો એક ભાગ હતો જે એ જીવંત છે એની સાબિતિ રૂપ હતો નહી તો એના અને એક નિર્જીવ દેહ વચ્ચે

ક્યાં કોઇ ફરક રહ્યો હતો?

શૈલજાને જાળવીને ગાડીમાંથી ઉચકીને સૌમ્ય એને ઘર તરફ લઈ ગયો. બારણામાં
પ્રવેશ કરતા સૌમ્યને શાંતિભાઇએ બારણા વચ્ચે જ રોકી લીધો. ધીરજબહેને શૈલજાના માથેથી
પાણીનો લોટો ઉતારી ઘરની બહાર ઢોળીને પછી શૈલજાને ઘરમાં લીધી. સૌમ્ય આ બધામાં
માનતો નહી પણ એ ક્યારેય મમ્મીની લાગણી કે માન્યતા વચ્ચે આવતો પણ નહી. નિરજા અને અમૂલ્ય પણ આવીને મમ્મીને વળગી પડ્યા.એ બંને એ ભેગા મળીને મમ્મીને આવકારવા
ઘરને સરસ ફુલોથી સજાવ્યુ હતુ.શૈલજાને ગમતા ગુલાબની પાંદડીઓથી ડ્રોઇંગરૂમના
ટેબલ પર પર વેલ-કમ મમ્મી લખીને..વચ્ચે કેન્ડલ મુકી હતી.ભરતભાઇ અને ભાભીએ પ્રેમથી એનો હાથ પકડીને ટેકો આપીને આગળ કરી. ભાવવિભોર બનીને શૈલજા એના જ ઘરમાં એના પુનઃપ્રવેશને માણી રહી.

આજે તો ધીરજબહેને લાપસીના આંધણ મુક્યા હતા .એક લાંબા અરસાબાદ એ એના પરિવાર
સાથે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી. વ્હીલચેરના લીધે હવે શૈલજાની ઘરમાં હરફર થોડી સરળ બની હતી અને એના લીધે એને પણ પોતાની પરવશતા ઓછી લાગતી હતી. જો કે એની દેખરેખ માટે પ્રીતિબેન પણ હતા જ.શૈલજાના કામકાજ્માંથી ફુરસદ મળે ત્યારે એ ધીરજબેનને પણ મદદ કરાવવા લાગતા.પરિણામે ઘરનુ વાતાવરણ થોડુ હળવુ થયુ .

રિહેબમાં શિખવાડ્યા મુજબ બધી જ ફિઝિયોથેરેપી શૈલજા અત્યંત ધીરજ અને પુરતા
પ્રયત્નોથી કરે રાખતી. શૈલજાને ચાલવામાં ટેકો રહે એના માટે વોકર પણ લાવી રાખ્યુ
હતુ જેથી એ રિહેબમાં  હાર્નેસ પર ચલાવવામાં આવતી એજ રીતે ઘેર પણ એની પ્રેક્ટીસ
ચાલુ રહે.

“મમ્મી , એક વાત કહુ? કેટલાય વખતથી તમે અને પપ્પા આમ ને આમ અમારી સાથે રહ્યા
છો? તમે ઘર અને પપ્પાએ અમૂલ્યને જે રીતે સાચવ્યો છે એનો તો હુ કે સૌમ્ય આખી જીંદગી પાડ ભુલી શકીયે એમ નથી.”

“ગાંડી જ છો ને? આવું વિચારાય? તુ કે સૌમ્ય કે છોકરાઓ પારકા છો તે પાડ માનવા બેઠી? મને કે પપ્પાને કઈ થયુ હોત તો તમે ચાકરી ના કરી હોત?”

” ઇશ્વર કરે ને એવો દિવસ જ ન આવે.કારણકે ઇજા માંદગી અને પરવશતા શું છે એ તો મારાથી વધુ કોઇ શું જાણવાનુ છે? પણ મમ્મી, તમારી કે પપ્પાને ચા્કરી કરવી એ તો અમારી ફરજ છે પણ તમે જે કર્યુ છે એ  આ ઉંમરે કરવું કેટલુ અઘરું છે? અને તેમ છતાં ય તમે કેટલા પ્રેમથી એ પાર પાડ્યુ?”

“બસ કર હવે એ બધુ ભુલી જા તુ હરતી -ફરતી થઈ જાય અમારા માટે એ જ અત્યારે તો સૌથી મોટી વાત છે. તને ખબર છે તુ ઘેર પાછી આવે ત્યારે મારા શ્રીજી બાવાના દર્શન કરવાની મેં માનતા રાખી છે . બસ હવે એ પુરી કરી લઉ એટલે ગંગા નાહી..”

‘મમ્મી , શુભશ્ય શીઘ્રમ.ધરમના કામમાં ઢીલ ના હોય. હવે તો સૌથી પહેલા એ કામ .મમ્મી, સૌમ્ય સાથે વાત કરીને એ વેળાસર નક્કી કરી જ લો. કદાચ એનુ મને ય થોડુ ફળ મળે”

“ભારે ઉતાવળી તુ તો ,સૌમ્ય સાથે વાત થઈ છે અને એની અનુકૂળતાએ શ્રીનાથજી લઈ જવાનુ કહ્યુ છે.”

“અનુકૂળતા નહી મમ્મી આ અઠવાડિયે જ જઇ આવો. હવેના શુક્રવારે ૨૬મી જાન્યુઆરી છે બધાને રજા હશે એટલે જઈ જ આવો.”

મમ્મીની ઇચ્છા અને શૈલજાના આગ્રહને લઈને શુકવારે સવારે જઇ દર્શન કરીને બે દિવસે આજ સમયે પાછા આવવાનુ સૌમ્યએ નક્કી કરી લીધુ. નિરજા અને અમૂલ્યે મમ્મી સાથે રહેવાનુ જાહેર કરી લીધુ અને પ્રીતિબહેન તો હતા જ.

ઘરમાં બધાની મીઠી નિંદર પુરી થાય એ પહેલા નક્કી કર્યા મુજબ સૌમ્ય અને  મમ્મી-પપ્પા સવારે સાત વાગે નિકળી પણ ગયા. નિરજા અને અમૂલ્ય તો હજુ પણ ઉઠવાનુ નામ લેતા નહોતા.પ્રીતિબહેને શૈલજાને સવારની ચા જોડે મલ્ટીગ્રેઇનના બટર વગરના બે ટોસ્ટ તૈયાર કરી આપ્યા.શૈલજા બાલ્કનીમાં વ્હીલચેર પર બેઠી ચા અને ટોસ્ટની લહેજત માણતી હતી.

હજુ ચા થી ભરેલો આખો કપ એ માંડ પકડી શકતી એટલે પ્રીતિબહેન એને એક બીજા કપમાં
થોડી થોડી કરીને ચા આપતા હતા. એટલુ તો એ સ્થિરતાથી પકડી શકતી હતી અને અરે
આ શું થયુ? એક્દમ કેમ ચા નો અડધો ભરેલો કપ છલકાવા માંડ્યો? હાથ સ્થિર નથી રહેતા
કેમ? બીજુ તો કઈ ખબર નથી પડતી પણ મસ્તિકમાં આ ધણધણાતી કેમ અનુભવા લાગી?બેબાકળી બની ગઈ શૈલજા. પ્રીતિબહેન પણ એક્દમ ગભરાઇ ગયા. પગ નીચેની જમીનમાં જાણે સો સો ઘોડા હણહણાટી દોડાવતા હોય એવી ધણધણાટી કેમ લાગે છે? આખુ ય ઘર જાણે પાયામાંથી કોઇ હલાવતુ હોય એમ કેમ લાગે છે?

શેષનાગ કોપાયમાન થાય તો એના શિષ પર ધારણ કરેલી ધરા ધ્રુજાવી મુકે એવુ ક્યાંક પ્રીતિબહેને સાંભળ્યુ હતુ. ઓ ભગવાન ! એટલા તો કેટલા પાપ ધરતી પર વધી ગયા કે આમ શેષનાગ કોપાયમાન થયા?

હજુ પ્રીતિબેનને પરિસ્થિતિનો પુરતો ખ્યાલ જ આવતો નહોતો કે શું થઈ રહ્યુ છે.પણ બાલક્નીમાં
બેઠેલી શૈલજાને આસપાસના ઉચા બિલ્ડીંગ જાણે હિંલોળે ચઢ્યા હોય એવુ લાગ્યુ. એક તો બિલ્ડીંગની ઉંચાઇ અને લગભગ દોઢેક ફુટનો સ્વીંગ એ દ્રષ્ય જોઇને જ એ હાકાબાકા થઈ ગઇ.એટલામાં અંદરથી ઉંઘરેટા અમૂલ્યની બૂમ સંભળાઇ.

” મમ્મી જો ને લાલુ મને ઊંઘવા નથી દેતો .મારો આખો પલંગ હલાવે છે.”

લાલુ એમનો છુટક નોકર હતો જે સવારમાં આવીને સાફસફાઇ કરી જતો. અમૂલ્યને
લાગ્યુ આ સાફસુફી કરતા કરતા એ એન હેરાન કરે છે.

એટલામાં તો નિરજાની બૂમ આવી “મમ્મી મને ચક્કર આવે છે મમ્મી પ્લીઝ હેલ્પ મી” નિરજા પણ સફાળી ઉંઘમાંથી ઉભી થવા ગઈ અને એને લાગ્યુ કે એના પગ જમીન પર ઠરતા નથી

.બધુ જ જાણે ગોળ ગોળ ફરતુ હોય એને આખી ને આખી હચમચાવી દેતુ હોય એવુ લાગ્યુ.

કબાટનો ટેકો લેવા ગઈ તો કબાટ પણ આખુ હલતુ હોય એવુ લાગ્યુ. એટલામાં રસોડામાંથી
ખણખણણ………..વાસણો ખખડવા માંડ્યા. જાણે કોઇ ભૂતાવળ સજીવ થઈ હોય એમ બધુ જ આપમેળે ધડધડવા માંડ્યુ.. પ્રીતિબહેન રસોડામાં દોડ્યા અને જોયુ તો ગરમ કરેલી દૂધની તપેલી છલકાઇ ગઇ હતી. પાણી ભરેલી નળીમાંથી પાણી રેલાઇને રસોડામાં દૂધ અને પાણીની ગંગા-જમના ભેગી થઈને વહી રહી હોય એવો ઘાટ હતો. લાલુ તો બધુ એમજ પડતુ મુકીને ભાગ્યો.

શૈલજાને કંઇ સમજણ નહોતી પડતી કે આ શું થઈ રહ્યુ છે પણ આજુબાજુમાંથી દેકારો સંભળાતાપ્રીતિબહેને બહાર જઈને જોયુ તો લોકો પણ ઘરની બહાર રસ્તા પર આવે ગયા હતા અને બૂમાબૂમ ઉઠી હતી.

અરે ! આ તો ધરતીકંપ છે! હજુ તો સવારના લગભગ આઠ- સવા આઠનો સમય હતો .

કેટલાય લોકો સવારની પ્રક્રિયામાંથી પરવાર્યા પણ નહોતા. ચારેબાજુ હાહાકાર અને ગભરાટ
છવાયેલો હતો. બીજુ તો પ્રીતિબહેનને શું કરવુ એની સમજણ પડતી નહોતી પણ પણ એમની સમજમાં એટલુ તો હતુ કે લાલુની જેમ બધુ એમ જ મુકીને ભાગી તો ન જવાય. સૌમ્યભાઇ અને ઘરના વડીલોની ગેરહાજરીમાં શૈલજા એમની જવાબદારી હતી.એ પાછા અંદર દોડ્યા.

શૈલજા ભયથી થથરતી હતી,પ્રીતિબેને બે હાથની બાથ ભીડીને સ્થિરતા આપવા પ્રયત્ન કર્યો.હજુ ય અંદર ઉંઘરેટા નિરજા અને અમૂલ્યને તો સાચી પરિસ્થિતિની કલ્પના સુધ્ધા નહોતી.

ધરતીકંપના આંચકાને લીધે શૈલજાની વ્હીલચેરમાં જે ધ્રુજારી આવતી હતી એનો એને આશરે અંદાજ આવતો હતો. રિહેબમાં જ્યારે પહેલી વાર એને વિદ્યુતના હળવા આંચકા આપીને એના કોષની જીવંતતાની પરિક્ષણ કર્યુ ત્યારે કશું જ ન અનુભવી શૈલજાને અત્યારે આછી આછી ધ્રુજારીનો તો અનુભવ થતો જ હતો.

ભયથી એ આંખ બંધ કરીને એ પ્રીતિબહેનને વળગી પડી. જાણે ચારેબાજુથી આ ધડબડાટીમાં, આ કોલાહલમાં એ અટવાઇ ગઈ …

.”.ઓ આ બાજુથી મોટી બસ બેફામ આવી રહી છે અને મારી વ્હીલચેરને જોરથી હડસેલીને
આગળ નિકળી ગઈ. પાછળ આવતી ગાડીએ ફરી એક્વાર મારી વ્હીલચેરને અડફેટમાં લીધી અને ઓ મા……….જોરથી ચીસ પાડી ઉઠી શૈલજા…કોઇ બચાવો મને ………..પ્લીઝ મારી ગાડી………..ઓ આ પલટી ખાઇ ગઈ………..ચીસા ચીસ કરતી શૈલજાને પ્રીતિબહેને હડબડાવી નાખી.

“બેન…શૈલજાબેન… આંખ ખોલો …તમે તમારા જ ઘરમાં છો. અહીં ક્યાંય કોઇ બસ નથી ,
કોઇ ગાડી નથી, તમને કોઇએ ક્યાંય અડફેટમાં લીધા નથી. આંખ ખોલો અને જુવો તમે ક્યાં
છો? ” પ્રીતિબેનને પણ ખ્યાલ આવી રહ્યો હતો શૈલજાની માનસિક પરિસ્થિતિનો.. આખી પરસેવે
રેબઝેબ શૈલજાને સંભાળવી એમના માટે ય મુશ્કેલ તો હતી સાથે સાથે આ ધરતીકંપના આંચકા પણ પચાવવા એમના માટે સહેલ તો નહોતા જ.

એટલામાં તો ફરી એક બીજો આંચકો અને શો કેસમાં મુકેલી વસ્તુઓ ખણખણ કરતી નીચે પડી..
હવે તો નિરજા અને અમૂલ્ય પણ બૂમાબૂમ કરતા બહાર આવી ગયા.મમ્મીને આમ પરસેવે
રેબઝેબ જોઇને એ લોકો વધુ ગભરાયા. નિરજાને તો ખ્યાલ આવી ગયો પરિસ્થિતિનો
પણ અમૂલ્ય માટે આ સમજવુ અઘરૂ હતુ.

” મમ્મી…..નિરજારીતસર વળગી પડી શૈલજાને પ્રીતિબહેને પણ સમય સમજીને અમૂલ્યને આગળ કરી દીધો.”બેન , આમ જુવો ,સાચવો તમે તમને અને આ બેઉ છોકરાઓને.”

“ઓહ !હા ઘરમાંકોઇ નથી ,નથી સૌમ્ય કે નથી મમ્મી-પપ્પા. શ્રીનાથજી દર્શન માટેનો પોતાનો જ તો આગ્રહ હતો .

શૈલજાને એકલીને કે ઘરને શૈલજાના ભરોસે મુકીને જવાનુ મન પણ કયાં માનતુ હતુ એ લોકોનુ?
અરે સૌમ્યે તો ભરતભાઇ-ભાભીને આગલા દિવસથી અહીં બોલાવી લેવાનુ કહ્યુ હતુ. પણ પોતે જ ના પાડી હતીને?

“ક્યાં સુધી હું આમ કોઇના ટેકે રહ્યા કરીશ? મારે મારી પોતની જાત-ભરોસે ઉભા થવુ છે એ આવી રીતે એક્લા રહીને જ શિખાશેને?”

કેવા વટથી એણે સૌમ્યને ભરોસો આપ્યો હતો? અને હવે જ્યારે બાળકોને એના સધિયારાની
જરૂર છે ત્યારે એ આમ ભાંગી પડે એ કેમ ચાલશે?

“મમ્મી , પપ્પાને ફોન કરુ? ” અમૂલ્યએ પુછ્યુ.

“ના-ના એના કરતા મામા-મામીને ફોન કરીયે.એ જલ્દી આવી શક્શે.”

નિરજાએ નિર્ણય લીધો અને ફોન કરવા દોડી.

“ડેમ…મમ્મી ફોન જ બંધ છે. લાઇન ડેડ છે. હવે? નિરજા માંડ માંડ સ્વસ્થ થવા પ્રયત્ન કરતી હતી અને ફરી નવેસરથી નર્વસ થવા માંડી.

“ચિંતા ના કરો. હું છું ને અહીં.” શૈલજાએ દોર પોતાના હાથમાં લેવા પ્રયત્ન કર્યો.

“પ્રીતિબહેન સૌથી પહેલા તો આપણે સૌ બહાર નિકળી જઈએ . બહાર ખુલ્લામાં કદાચ વધુ સલામતી રહેશે. બાકી તો આમ ધડાધડ બધુ પડતુ રહેશે એમાં તો ક્યાંક કોઇક્ને કથોલુ

વાગી જશે. પણ હા !એક કામ કરો સાથે જલ્દીથી કઈક ખાવાનુ અને પાણીની બોટલો લઈ લેજો. બંને જણને જરૂર પડશે. અને હા !મારી અત્યારે લેવાની દવાઓ પણ લેવાનુ ના ભુલતા.

પ્રીતિબહેનને આવી કટોકટીમાં પણ શૈલજાની હૈયાસુઝ જોઇને આશ્ચ્રર્ય થયુ. પણ એમણે શૈલજાએ
કહ્યુ એમ ફટાફટ થોડુ સમેટીને બાસ્કેટ્માં ભરી લીધુ અને બધા જ ઝડપથી બહાર નિકળી
ગયા. શૈલજાને પ્રીતિબહેને કસીને ખુરશીમાં બાંધી ને બહાર લાવ્યા ને જોયુ તો એમના જેવા કેટલાય લોકો અને એમાંય ખાસતો બાજુના ફ્લેટવાળા તો ડરના માર્યા પહેલેથી જ બહાર આવી ગયા હતા.

હવે પરિસ્થિતિની ગંભીરતા વધુ સમજાઇ.માત્ર એમના જ ઘર કે એરિયામાં જ નહી આખાય અમદાવાદને ભરડા લેતા આ ધરતીકંપના આંચકાએ તો કંઇ કેટલાય બહુમાળી મકાનો ધરાશાઇ કરી નાખ્યા હતા. રસ્તા પર પસાર થતી એમ્બ્યુલન્સની , ફાયર બ્રીગેડ સાયરનોના અવાજથી તો વાતાવરણ વધુ ને વધુ બીહામણું લાગતુ હતુ. ..નિરજા પણ સખત ડરી ગઇ હતી અને

અમૂલ્ય તો હવે રીતસર ગભરાઇને રડ્વા જ માંડ્યો.

“કેમ બેટમજી , તમે રૂમ બંધ કરીને એક્દમ લાઉડ મ્યુઝીક મુકીને તાંડવ કરીને ઘર આખુ ડોલાવો છો ત્યારે અમને કઈ નહી થતુ હોય? હવે ભગવાન જ્યારે તાંડવ કરી રહ્યા છે ત્યારે આમ કેમ ગભરાઇ ગયા? ” શૈલજાએ અમૂલ્યને હળવો બનાવવા પ્રયાસ કર્યો.

પ્રીતિબહેન એની આ સ્વસ્થતા જોઇને અચંબામાં પડી ગયા. ક્યાં આમ થોડીવાર પહેલાની શૈલજા
અને અને ક્યાં અત્યારની કટૉકટીમાં છોકરાઓને હિંમત આપતી મા.

આજુબાજુ ભેગા થયેલા લોકોની ચણભણ પરથી એટલો તો ક્યાસ કાઢી લીધો હતો કે આનાથી
પણ વધારે ખરાબ પરિસ્થિતિ બીજી અનેક જગ્યાએ ઉભી થઈ હતી. એમના એપાર્ટ્મેંટ તો બેઠા ઘાટના અને ત્રણ માળના તેથી તિરાડો પડી હતી પણ કોઇ ગંભીર અક્સ્માત સર્જાયા નહોતા.

પણ અરે ! ભરતભાઇ –ભાભીનું શુ? એ તો પાર્થ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ્માં છઠ્ઠા માળે
રહેતા હતા. એમના વિચારે શૈલજાના હાથ પગ પાણી પાણી થવા માંડ્યા.ઓ ભગવાન! કેમ કરીને હું એમના સમાચાર મેળવુ? અને સૌમ્ય -મમ્મી પપ્પાનુ શું ?એ લોકો ક્યાં હશે? એમને અહીંની પરિસ્થિતિની કોઇ જાણ હશે?

શૈલજાથી મનોમન ઇશ્વરને પ્રાર્થના થઈ ગઈ..” શ્રી જી બાવા ,એ લોકો તો તમારા દર્શને તમારા દરબારમાં આવ્યા છે .એમને હેમખેમ રાખજો…અને ભાઇ હંમેશા બહેનની રક્ષા કરે આજે હું મારા ભાઇની રક્ષા માટે હાથ જોડુ છું. પ્રભુ એમને અને ભાભીને ક્ષેમકુશળ રાખજો.” અને તેની આંખોમાંથી ફરી
આંસુ નીકળી પડ્યા…”હે પ્રભુ તમને હાથ પણ કેવી રીતે જોડું?

લગભગ કલાક જેવુ બહાર રહ્યા પછી સ્થિતિ થોડી થાળે પડી એટલે શૈલજા બધાને લઈને ઘરની અંદર પાછા જવુ એવુ નક્કી કર્યુ. જો કે આ માટે અમૂલ્ય તો કેમે કરીને માનતો નહોતો. એના મનમાંથી ફરી ફરીને ઘરમાં લાગેલી ધ્રુજારી અને ધડાધડ પડતી ચીજ-વસ્તુનો ખોફ જતો નહોતો.

પણ શૈલજાએ એને વિશ્વાસ બંધાવ્યો કે હવે એને તો શુ કોઇને ય કશુ જ નહી થાય..મમ્મીની
આટલી સ્વસ્થતા જોઇને નિરજાને પણ હિંમત આવી એણે પણ ભઇલાને સમજાવ્યો.

“પ્રીતિબેન, સૌ પહેલા તો મારા અમૂલ્યને બોર્નવિટા બનાવી ને આપો એટલે જરા એનામાં
તાકાત આવે” ઘરની અંદર જતા જ શૈલજા  જાણે કશું જ બન્યુ ન હોય એમ સ્વસ્થતા
ધારણ કરીને રોજીંદો દોર પોતાના હાથમાં લીધો. ને સાથે ટોસ્ટ બટર પણ ખરા હોં કે !” થોડિક ચુપકીદી પછી તેબોલી

“નિરજા તું પણ બેટા તારુ દૂધ બનાવીને પી લે અને અને તો દાદીને પ્રોમીસ આપ્યુ હતુને કે એ લોકો પાછા આવશે એ પહેલા પ્રીતિબેનને રસોઇમાં મદદ કરીને જમવાનુ તૈયાર રાખીશ . અંદરથી અને અંતરથી સતત ફફડતી શૈલજાએ બહારથી પુરેપુરી હિંમત રાખીને છોકરાઓનો ડર દૂર કરવા પ્રયત્ન કર્યો.

ટી.વી પર આ હોનારતના સમાચાર સતત ફ્લેશ થવા માંડ્યા હતા એનાથી.જે દારૂણતા ચારેબાજુ સર્જાઇ હતી નો ક્યાસ આવતો હતો.વસ્ત્રાપુર અને સેટેલાઈટ રોડ પર સૌથી વધુ હોનારત સર્જાઇ હતી. માનસી ટાવર તો આખે આખુ ધરાશાઇ થયુ હતુ.મ્રુત્યુનો આંક ક્યાં પહોંચ્યો હશે એની કલ્પના કરવી મુશ્કેલ હતી. બહુમાળી મકાનોના રહેવાસીઓ તો લગભગ રસ્તા પર જ આવી ગયા અને પાછા જવાની કોઇનામાં હિંમત સુધ્ધા નહોતી.

શૈલજાએ નિરજાને ટી.વી. જ બંધ કરવાનુ કહી દીધુ જેથી અમૂલ્યના માનસ પર છાવયેલો
આતંક ઘેરો ન બને. જો કે નિરજા કે અમૂલ્ય મમ્મીને છોડીને જરાય આઘા ખસવા તૈયાર
નહોતા. શૈલજાના માનસ પર પણ ખોફ તો હતો જ હજુ તો માંડ પોતે પગભર થવા પ્રયત્ન કરતી હતી અને જમીન પગ નીચેથી ખસી જશે કે શું?

“હે ઇશ્વર સૌ સારા વાના કરજે. સૌને કુશળ મંગળ રાખજે.” અને શૈલજાની પ્રાર્થના
જાણે ઇશ્વરે સાંભળી હોય એમ દરવાજામાં ભરતભાઇ-ભાભી પ્રવેશ્યા. એમના મનમાં
પણ સૌમ્યની ગેરહાજરીમાં શૈલજા અને બાળકોની સતત ચિંતા હતી જ એટલે જેવી
પરિસ્થિતિ સહેજ થાળે પડી એવા તરત જ દોડી આવ્યા.“

હાંશ! બધાએ એક્મેક્ને સ્વસ્થ જોઇને હાંશકારો અનુભવ્યો.ભાઇ-ભાભીને જોઇને
શૈલજાના આંખમાં આંસુ ધસી આવ્યા…”ભાઇ, સૌમ્ય અને મમ્મી પપ્પા? એ વધુ આગળ
બોલી જ ન શકી. એને અત્યાર સુધી બાંધી રાખેલી હિંમતની પાળ ઓગળી જતી લાગી.

“ ચિંતા ના કર બહેના એ લોકો નો ફોન મારા પર હતો..તેઓ પણ આવવામાં જ છે. “શૈલજાએ મનથી  બે હાથ જોડી ઇશ્વરનો પાડ માન્યો. જે કંઇ અનહોની થઈ એ તો ટાળી શકાય એમ નહોતી પણ આ કટૉકટીમાં એને એનો ખોયેલો આત્મવિશ્વાસ પાછો મળ્યો હોય એવી સધ્ધરતા અનુભવી રહી.

This entry was posted in શૈલ​જા આચાર્ય. Bookmark the permalink.

3 Responses to શૈલજા આચાર્ય -૧૦ રાજુલબેન શાહ

 1. **** says:

  Shailja No atma viswas pachho avelo joi anand avi gayo.
  Very nicely wriiten. Waiting for the next part.

 2. sneha says:

  are waah…tame pan lakho cho…maj aavi gai rajudidi…bahu saras mitro bhega thai gaya ahi to…:-) thnx to vijaybhai….

 3. sapana says:

  વાહ શૈલજાનો આત્મવિશ્વાસ પાછો લાવવાં માટે ધરતીકંપનો વળાંક ગમ્યો ખૂબ સરસ ચેપ્ટર રાજુલબેન!!
  સપના

Comments are closed.