શૈલજા આચાર્ય (૧૧) -પ્રભુલાલ ટાટારીઆ

બાળપણમાં ટી.વી.પર આવતા ફિલ્મોના ગાયનમાં નૃત્ય કરતી હિરોઇન ને જોઇને નાની નીરજા તેમની નકલ કરી નૃત્ય કરવાની કોશીશ કરતી. શૈલજા અને સૌમ્યને તેણીની અંગમૂદ્રામા જોવાની બહુજ મજા પડતી.એક દિવસ શૈલજાને વિચાર આવ્યો અને તેણીએ ડાન્સીંગ ક્લાસની તપાસ કરીને તેણીને ડાન્સીંગ ક્લાસમાં મુકી અઠવાડિયા પછી તેણીની ડાન્સીંગ ટીચરે કહ્યું

“નીરજાનું કેચિંગ પાવર સારૂં છે તેણી દરેક મૂદ્રાઓ જલ્દી ગ્રહણ કરી લે છે.”

“અરે વાહ!…”

“મુળ વસ્તુ એ છે કે તેણીને તેમાં(નૃત્યમાં) વધારે મઝા આવે છે” ટીચરે કહ્યું

ત્યાર બાદ નીરજા સ્કૂલ ફંકશનમાં ડાન્સીંગ ના દરેક કાર્યક્રમમાં અવશ્ય ભાગ લેતી અને ઇનામ પણ મળતા તેથી વધુ ઉત્સાહિત થતી. નવરાત્રી તેનો મોસ્ટ ફેવરેઇટ પ્રોગ્રામ હતો તે માટે તેણી એ કચ્છ અને જામનગરથી કેટલાય ડ્રેસીસ ખરીદેલા.

આ વખતે અમદાવાદની સ્કૂલો વચ્ચે ડ્રામા કોમ્પીટિશન થવાનું હતું. નીરજાની સ્કૂલના પ્રોફેસર ઘનશ્યામ ભટનાગરે કોમ્પીટિશન માટે “રોમિયો-જુલિયેટ” ડ્રામા પસંદ કરેલ.આ નાટકમાં ભાગ લેવા ઇચ્છનારના નામ નોંધાયા હતા અને બધાને રવિવારે એડિટોરિયમમાં સવારે ૧૦.૦૦ વાગે હાજર રહેવા જણાવાયું હતું.શૈલજાના આગ્રહથી નીરજાએ પણ નામ નોંધાવ્યું હતું.

પહેલા રોમિયોના પાત્ર માટેની પસંદગી કરવાનું શરૂ થયું પ્રોફેસર ઘનશ્યામ ભટનાગર દરેક કલાકારને એક લીટીનો ડાયલોગ આપતા તે કેવી રીતે બોલે છે તેના પર તેઓ માર્ક આપતા હતા આખર નીરવની પસંદગી રોમિયો તરીકે કરવામાં આવી. ત્યાર બાદ જુલિયેટ માટેની પસંદગી શરૂ થઇ તેના માટે પણ પ્રોફેસર ઘનશ્યામ ભટનાગરે પસંદ થયેલ રોમિયોને ઊભો રાખી જુલિયેટને બોલવાનો એક લીટીનો ડાયલોગ આપતા હતા.

ટેસ્ટ માટે આવેલ વન-થર્ડ જેટલી છોકરીઓનો ટર્ન આવી ગયો હતો આપણા નીરજાબેન રવિવાર હોતા સુવાના મુડમાં હતા એટલે આજના દિવસની અગત્યતા ભુલી ગયા હતા પણ એકાએક ૯.૩૦ કલાકે આંખ ખુલી અને પલંગના સામેની દિવાલ પર મોટા અક્ષરે લખેલ“રોમિયો-જુલિયેટ” પર નજર પડતાં સફાળી જાગીને ઘડિયાળમાં જોયું અને બબડી “ઓહ! ગોડ…આઇ એમ લેઇટ….”કરતીક બાથરૂમમાં ઘુસી ગઇ.જલ્દી કપડા કાઢી શાવર નીચે જ ઊભા રહી તેણીએ બ્રસ કર્યુ અને જલ્દી અંગ કોરૂં કરવા ફૂલસ્પીડમાં ફેન રાખી તેણી જલ્દીથી ટેલકમ છાંટ્યું અને કપડા પહેરી મેક-અપ કરી બહાર આવી અને પોતાની લાલ સ્કુટી સ્કુલ તરફ મારી મુકી.

નીરજા જ્યારે સ્કુલ પહોંચી ત્યારે જુલિયેટ માટે અર્ધીથી વધારે છોકરીઓના ટેસ્ટ લેવાઇ ગયા હતા.તેણી જ્યારે એડિટોરિયમમાં પહોંચી અને બીજી છોકરીઓ બેઠી હતી ત્યાં બેસવા જતી હતી ત્યારે તેણીની આસપાસની છોકરીઓ તેણીને અજબ રીતે જોતી હોય તેમ નીરજાને લાગ્યું.નીરજાએ નજર ફેરવી તો કોઇની આંખમાં હવે રહી રહી ને આવી? યા લેઇટ લતીફ અથવા મોટી હિરોઇન ન જોઇ હોય તો એવા ભાવ વરતાયા…ત્યાં તો નીરજાના સહેજ વાંકળિયા ભુરા વાળ અને વાદળ વગરના સ્વચ્છ આકાશ જેવી નીલ વરણી આંખો જોતા પ્રોફેસર ઘનશ્યામ ભટનાગરની બુમ સંભળાઇ

“હે!! યુ કમ હીયર….” નીરજા સાથે બેઠેલી બધી એક બીજાના સામે જોવા લાગી કે પ્રોફેસર સાહેબ કોને બોલાવે છે એટલે કોઇ ઊભુ ન થયું ત્યાં પ્રોફેસર ઘનશ્યામે ફરી કહ્યું “હે!! યુ બેબી વિથ બ્લેક જીન્સ કમ હીયર….કમ ઓન કમ ઓન…”

“મી….”છાતી પર હાથ રાખી ને નીરજાએ પુછ્યું ત્યારે નીરજાને લાગ્યું કે તેણીનું હ્ર્દય એક ધબકારો ચુકી ગયું

“યા…યા…યુ…કમ ઓન”

નીરજા પ્રોફેસર ઘનશ્યામ ભટનાગર પાસે ગઇ તો તેણીને ઊભી રાખીને પ્રોફેસરે તેણીના ફરતે એક રાઉન્ડ માર્યો અને પુછ્યું

“તારું નામ શું ?”

“નીરજા સૌમ્ય આચાર્ય”

“તો મેડમ આચાર્ય તમારે જુલિયેટ્નું પાત્ર ભજવવાનું છે”

“થેન્ક-યુ સર”

“મી.મયુર પાસેથી નાટકની સ્ક્રીપ્ટની કોપી લઇ લેજો અને જુલીયેટ્ના ડાયલોગ્સ  યાદ કરવાનું શરૂ કરી દો પરમ દિવસથી રોજ સાંજે ૫.૦૦થી૭.૦૦ પ્રેકટીસ શરૂ થશે યાદ રાખજો ડોન્ટ બી લેઇટ લાઇક ટુ-ડે” સાંભળી નીરજા શરમાઇ

“સોરી સર…..”

“ઇટ્‍સ ઓકે”

મી.મયુર પાસેથી સ્ક્રીપ્ટ લઇને તેણી બહાર આવી અને સ્કૂટી પર બેઠી ત્યારે તેણીને લાગ્યું કે તેણી જુલિયેટ છે અને સાતમા આસમાનમાં ઉડી રહી છે.અચાનક તેણીને શૈલજાની યાદ આવી ગઇ મમ્મી આજે સાથે હોત તો મને જરૂર શાબાશી આપત અને મારા મન પસંદ પર્લરમાંથી મને મોટો કપ આઇસક્રીમ ખવડાવત. નીરજા જયારે ઘરમાં દાખલ થઇ ત્યારે શૈલજા સુપ પી રહી હતી નીરજા તેણી પાસે ગઇ અને ગાલ સાથે ગાલ અડાડી વ્હાલથી કહ્યું-

“ગુડ મોર્નિન્ગ મોમ..”

“અલી! સવારના પહોરમાં તારી પાછળ કોઇ માતેલું સાંઢ પડ્યું હોય તેમ ક્યાં ભાગી હતી?”

“કેમ? ડ્રામામાં ભાગ લેવા માટે નામ નોંધાવવાનું તેં જ તો કહેલું તેનું સિલેક્શન હતું અને મારી પસંદગી જુલિયેટ તરિકે થઇ છે.”

“મને ખાત્રી હતી એટલે તો તને કહ્યું હતું”

“થેન્ક્યુ મોમ”  કહી ફરી ગાલ સાથે ગાલ અડાડ્યા અને પોતાના રૂમમાં જતી રહી. ડ્રેસિન્ગ ટેબલના આદમ કદ આયનામાં તેણીએ ફરી ફરીને પોતાને જોયું.આમ તો આપણે એક જ બાજુ આપણને જોઇ શકાય તો…..અચાનક તેણીના મગજમાં ઝબકારો થયો અને તેણી દોડતીક ઘરની બહાર નીકળી પાછળ શૈલજાની “નીરજા….નીરજા…ક્યાં જાય છે બુમ સંભળાઇ. તેણી ઘરની નજીક આવેલ અલંકાર રેડીમેઇડ ગારમેન્સમાં દાખલ થઈ.

થોડીવાર અહીં ત્યાં ફરી બે ચાર ડ્રેસીસના ભાવ પુછ્યા જે કલર ન હતા તેની માંગણી કરી પછી એક ડ્રેસ લઇને ટ્રાયલ રૂમમાં ગઇ પેલા ડ્રેસને જમીન પર જ રાખી તેણી ટ્રાયલ રૂમમાં બધી દિવાલો પર જડેલા આયનાઓમાં ફરી ફરી ને પોતાની જાતને જોતી રહી પછી પોતાને જ પુછ્યું “અલી! નિરજુડી તારામાં એવું તે શું છે કે ફટ દેતાંને જુલિયેટ માટે પસંદ કરી લેવાઇ”

“મેડમ નીરજા ધ ગ્રેટ…”જાણે કોઇ આયનાનો એક પડછાયો બોલ્યો

નીરજાએ બહાર આવી સાથે લઇ ગયેલ ડ્રેસ કાઉન્ટર પર આપ્યોને કહ્યું “મને આ લાઇટબ્લુ સાથે યલ્લોના બદલે પિંકનું કોમ્બીનેશન જોઇએ છે જો મળી જશે તો ઠીક છે
નહીંતર હું આ લઇ જઇશ કાલ સુધી સાઇડમાં રાખશો પ્લિઝ”

“ઓહ! સ્યોર..”

“થેન્ક્યુ…..”કહી શોપમાંથી બહાર આવીને મરકીને કહ્યું ભલે ને રાહ જોય કરે પછી તેણીને એકાએક ખ્યાલ આવ્યો કે ઘેર જઇશ તો મમ્મી પરૅડ લેશે તે માટે સાથે મમ્મીની મન પસંદ આઇસ્ક્રીમ લઇ ગઇ.

“અલી! નીરજુડી શેની દોડાદોડ કરેછે…?”તેણી દાખલ થઇ તો શૈલજાએ પુછ્યું

“તારી પસંદગીનો આઇસક્રીમ લેવા ગઇ હતી લેટ્‍સ સેલિબ્રેટ”આઇસ્ક્રીમ નો બોક્સ બતાવતા કહ્યું

“ભઇ શેનું સેલીબ્રેશન ચાલે છે મને પણ કંઇ ખબર પડે??’ સૌમ્યે પુછ્યું

“નિરજા ડ્રામા કોમ્પીટીશનમાં જુલિયેટનું પાત્ર ભજવવા સિલેકટ થઇ છે” ધીરજબહેને આઇસક્રીમ માટે કપ અને આઇસક્રીમનું બોક્સ લાવતા કહ્યું “ઓહો!! તો તો સેલિબ્રેશન થવું જ જોઇએ તો હું પિઝાનો ઓર્ડર આપુ છું”

પીઝા આવે ત્યાં સુધીનાં સમયમાં તેણે તેના કોમ્પ્યુટર માં સર્ફીંગ શરુ કર્યુ અને તેની ગમતી સાઇટ ઉપર આવેલ નવી પોસ્ટ ઉપર ધ્યાન ગયુ..

આજ તો મને સોળમું બેઠું – યોગેશ જોષી

આજ તો મને સોળમું બેઠું…
આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !

હૈયે મારા દરિયા સાતે ઊછળે રે લોલ;
મોજાં એનાં આઠમા આભે પૂગે રે લોલ !
ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું !
આજ તો મને સોળમું બેઠું…

આજ મારામાં ઘાસ જેવું કૈં ફૂટતું રે લોલ;
કોણ મારામાં ફૂલ જેવું કૈં ચૂંટતું રે લોલ !
મેઘ-ધનુ આ પણછ ખેંચી : હૈયે પેઠું !
આજ તો મને સોળમું બેઠું…

લોહીમાં સૂતા નાગ ફૂંફાડા મારતા જાગે;
ધબકારાયે મેઘની માફક આજ તો વાગે !
ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું ?
આજ તો મને સોળમું બેઠું…

યોગેશ જોષીનું આ કાવ્ય તેને ના સમજાયુ… ચૌદમું તો જાણે તેને પણ બેસી ગયુ હતુ…પણ બે વર્ષ પછી આ શું થશે તેને તે કલ્પના રથે ચઢતી હતી ત્યાં સૌમ્ય પીઝા લઈને આવી ગયો..પેટમાં તેને દુઃખવાનું ચાલુ થયું..પીઝા ખાઇ તે રૂમ માં જઇને સુઇ ગઈ ત્યારે શૈલજાએ બુમ મારીને કહ્યુ…”નીરજુ બેટા તારી આજની પાર્ટી તો જલદી પતી ગઇને?”
” હા..મમ્મી મને ઓચીંતુ પેટમાં દુઃખવા લાગ્યુ તેથી…”
” ભલે થોડી વાર સુઇ જા…દુઃખાવો દવા લઇ લે એટલે બેસી જશે…”
” કઇ દવા લઉ?”
“એનાલ્જીન લઇ લે..”
ત્યાં ધીરજ બહેને શૈલજાનાં કાનમાં કહ્યું -” અલી તેને ગરમ પાણીની કોથળી આપ…કદાચે એને..”
એટલે શૈલજા બોલી “બેટા! ગોળી ન લેતી ચિત્રા બહેન તને ગરમ પાણી ની કોથળી આપે તેનો સંભાળી ને શેક કર તને સારુ લાગશે…”
” ભલે મમ્મી!”
અરધો કલાક રહીને જ્યારે નીરજા બાથરૂમમાંથી આવી ત્યારે એકદમ મુંઝાયેલી બહાર આવી. “મમ્મી મને આ શું થાય છે…”
” કેમ?  શું થયુ?”
“મા મને પેશાબની સાથે ઘણું બધુ લોહી પડ્યું?”
શૈલજા સ્થિર આંખોથી નીરજાને જોઇ રહી..તેને પહેલાતો ચિંતા થઇ પછી હસતા હસતા બોલી “બેટા તું તો મોટી થઇ..”
” મમ્મી જરા સમજાય તેવું બોલને?”
” ચિંતાના કર બેટા. આ તો તુ મોટી થતી જાય છે તેનો પુરાવો છે.. તુ પૂખ્ત થઇ રહી છે.. હવે થોડોક સમય એટલેકે બે કે ત્રણ દિવસ આવું થશે અને પછી બધુ ઠીક થઇ જશે..”
“મમ્મી બે ત્રણ દિવસ?”
“હા બેટા”
“પણ મારા નાટકની પ્રેક્ટીસનું શું થશે?”
” ચિત્રા બહેન… આ નીરજુડી ટાઇમ મા બેઠી તેને સમજાવો અને ..”
” મમ્મી!. ઢંઢેરો ના પીટને…મને મારા” ગુગલ”માં સર્ચ કરીશ એટલે  બધુ સમજાઇ જશે..”
મા દીકરીની વાતો ચાલતી હતી ને ધીરજ બાએ આવીને હેતાળવા સ્મિત સાથે કહ્યું “નીરજા હવે તું મોટી થઇ..એટલે તું અને તારી મમ્મી બે બેનપણીઓ થઇ..તારામાં અને તારી મમ્મી વચ્ચે કોઇ જ ફેર ના રહ્યો…તને સમજાય કે ના સમજાય…પણ હવે બહુ સમજી વિચારીને ચાલવાનું..ખાસ તો થોડોક સમય છોકરાઓ થી આઘા રહેવાનું… સમજી?”
” બા મને સાદા સીધા શબ્દોમાં સમજાવોને કે મને શું થાય છે?”
” તારુ શરીર હવે યૌવન માર્ગે આગળ વધે છે.. આ સમય તને ઘણું બધું જુદું જુદું લાગશે પણ ચિંતા ન કરીશ. અમે બધા આ સમયમાં થી પસાર થયા છે…હવે વિશ્વાસ નો અને શરીરનાં અંગોમાં ઉભાર આવશે…વિશ્વાસને જાળવજે અને અંગોનાં ઉભારને છુપાવજે..” બાની બે લીટીની વાત સાંભળતા શૈલજા અને ચિત્રા દંગ રહી ગયા.”

નિરજાને કશું ના સમજાયુ..પણ પેટનો દુઃખાવો થોડો ઓછો થયો હતો તેથી રુમમાં જઇ લેપટોપ ખોલ્યું ચિત્રા બહેને પાછળ આવી તેને શબ્દ લખી આપ્યો “મેન્સિસ” અને નીરજા બહેનને સમજાઇ ગયું કે બચપણ હવે તેને અલવિદા કહી રહ્યું હતુ અને યુવાની પાંખો ફફડાવી રહી હતી…પેલું કાવ્ય એણે ફરી થી વાંચ્યુ… આજ તો મને સોળમું બેઠું…આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !

અને એક અને એક બે જેવો તાળો એને મળી ગયો…

૦-૦

નીરજાએ ડ્રામાની સ્ક્રીપ્ટ વાંચતા પહેલા ગુગલ પર સર્ચ કરી રોમિયો અને જુલિયેટ્ની વાર્તા વાંચી
લીધી અને તેના પર બનેલ અંગ્રેજી મુવી પણ જોઇ લીધી.

બે દિવસ પછી રિહર્સલ શરૂ થઇ શરૂઆતમાં તો પ્રોફેસર ઘનશ્યામ ભટનાગર કલાકારોને
સામ સામે ઊભા રાખીને ડાયલોગ્સ વાંચીને બોલાવતા હતાં.તેઓ દરેક વખતે કહેતા એક બીજાના
ડાયલોગ્સના છેલ્લા શબ્દ યાદ રાખો જેથી તમારે ક્યારે ને શું બોલવાનું છે એ સરળ થશે. નીરજા પોતાની રૂમના દરવાજા બંધ કરી ડાયલોગ્સ ગોખ્યા કરતી હતી પણ બોલતી વખતે શબ્દો આગળ પાછળ થતા અથવા ખવાઇ જતાં
એક અઠવાડિયા પછી સ્ક્રીપ્ટમાં જોયા વગર ડાયલોગ્સ બોલવાનું કહ્યું તેમાં નીરજા ભુલી જતી તો નર્વસ થઇ જતી પણ પ્રોફેસર તેણીને સારૂં પ્રોત્સાહન પુરૂં પાડતા હતા.એક દિવસ નીરજા સ્ક્રીપ્ટ્ની ફોટો કોપી કરાવી આવી અને પોતાની સામે ના કલાકારોના ડાયલોગ્સ હાઇલાઇટ કરી નાખ્યા પછી શૈલજા પાસે આવીને કહ્યું

“મમ્મી મારે તારા જેવું કામ છે જે તું વ્હીલચેરમાં બેસીને પણ કરી શકે” કહી તેણીની વ્હીલચેર પોતાની રૂમમાં લઇ ગઇ.શૈલજાને સમજાયું નહીં કે નીરજા શું કરવા માગે છે પણ દીકરીના સ્વભાવથી પરિચિત તેણી કશું બોલી નહી.

“જો મમ્મી એકલા એકલા પ્રેકટીસ કરવાની મજા નથી આવતી આમાં હાઇ લાઇટ કરેલા ડાયલોગ્સ તારે બોલવાના છે જુલિયેટના હું બોલીશ ઓ.કે.”નીરજાએ સ્ક્રીપ્ટ આપતાં શૈલજાને કહ્યું

“વાહ!…આતો સારો ટાઇમ પાસ છે તારૂં કામ થસે અને મને પણ ચેઇન્જ મળશે…કમ ઓન મેડમ જુલિયેટ લેટ્‍સ સ્ટાર્ટ.….”
એક અઠવાડિયા પછી ડાયલોગ્સ ઉપર સારી પકડ જોઇને પ્રોફેસરે એકશન સાથે રિહર્સલ શરૂ કરાવી.રોમિયો બનેલ નીરવ જયારે તેણીના હાથ પકડી આંખોમાં આંખો પરોવીને ડાયલોગ્સ બોલતો હતો ત્યારે નીરજાની આંખોમાં જ જોયા કર્યું અને પોતાના ડાયલોગ્સ ભુલી ગયો.આજ દ્રષ્ય પ્રોફેસરે ત્રણ વખત રીપીટ કરાવ્યું ત્યારે નીરવ નર્વસ થઇ ગયો. નીરજા ઘેર આવી ત્યારે ફ્રેશ થઇને શૈલજાને પોતાના રૂમમાં લઇ ગઇ આ રોજનું હતું એટલે શૈલજાએ કોઇ પ્રશ્ન ન કર્યો.
“મમ્મી આજે ખબર છે શું થયું?”નીરજાએ કહ્યું
“શું થયું..?”
“રોમિયો બનેલ નીરવ મારો હાથ પકડીને મારી આંખોમાં જોતા ડાયલોગ્સ ભુલી ગયો. પ્રોફેસર સાહેબે ત્રણ વખત રીપીટ કરાવ્યું ત્યારે ત્રીજી વખતે ઓકે થયું”
“તારી આંખોની કીકી બ્લુ કલરની છે એ જોવામાં જ ભુલી ગયો હશે તારા જેવી બ્લુ કલરની કીકી રેર હોય અને તે પણ નજીકથી જોતાં આમ થયું હશે ચાલ રિહર્સલ શરૂ કરીએ”
બે દિવસ પછી ડાન્સનો દ્ર્ષ્ય હતો તેમાં નીરવે નીરજાની કમરમાં હાથ ભેરવીને નાચવાનું હતું નીરવે જ્યારે નીરજાની કમર ફરતો હાથ નાખી પોતાના તરફ ખેંચી ત્યારે નીરજાને એક અજબ રોમાંચ થઇ ગયો ડાન્સ દરમ્યાન એક મીઠી મુજવણ પણ થતી હતી અને તે ગમતું પણ હતું પ્રોફેસર ભટ્ટ્નાગરે તેણીને પુછ્યું
“શું થયું નીરજા..?”
“મને ચક્કર આવે છે” પોતાનો બચાવ કરતા નીરજાએ કહ્યું
“વાંધો નહી આજે અહીં જ પુરૂં કરીએ….પેક-અપ…”
ઘેર આવીને નીરજા પોતાના રૂમમાં ભરાઇ ગઇ ન કોઇ સાથે વાત ન ચીત. શૈલજા ત્યારે ઉંઘતી હતી એટલે તેણીને કોઇ અણસાર ન  આવ્યો.ધીરજબહેનથી આ વાત છાની ન રહી તેથી પોપકોર્નનું એક બાઉલ લઇને નીરજાની રૂમમાં ગયા. સારૂં હતું કે, બારણાં ખુલ્લા જ હતા.નીરજા ખોળામાં ઓશિકું મુકી પલંગ પર શુન્યમનસ્ક બેઠી હતી. ધીરજબહેન રૂમમાં આવીને નીરજાના માથા પર હાથ ફેરવતાં પોપકોર્નનું બાઉલ આપતા પુછ્યું
“બેટા! નીર્જુ ક્યાં ખોવાઇ ગઇ..?”
“કયાં પણ નહીં આ નાટકની રિહર્સલમાં થાકી જવાય છે”
પોપકોર્નનું બાઉલ લઇ હસ્તા તેણીએ કહ્યું પણ તેમાં રહેલું બોદા પણું ધીરજબહેન પારખી ગયા પણ વધુ વાત ન કરી.થોડીવારે શૈલજા જાગી ગઇ અને પહેલો સવાલ કર્યો “નીરજા આવી ગઇ…?”
“હા.. તમને પેશાબ પાણી કરાવું..?”ચિત્રાએ પુછ્યું
“……..”શૈલજાએ માથું હલાવી હા પડી.એમાંથી પરવાર્યા બાદ ચિત્રાએ તેણીને વ્હીલચેરમાં બેસાડી.તો તેણી સીધી નીરજાના રૂમ તરફ જતી હતી ત્યારે ધીરજબહેને તેણીના કાનમાં નીરજાની વાત કરી. શૈલજા નીરજા પાસે ગઇ ત્યારે તેણી એમ જ ઓશિકું ખોળામાં રાખીને બેઠી હતી. પોપકોર્નનું બાઉલ જેમનું તેમ જ હતું તેમાંથી ખવાયા હોય તેવું લાગતું ન હતું.
“શું થયું નીરજુ…??”
“ઓહ! મમ્મી તું જાગી ગઇ ચાલ આજે લોનમાં તને ફેરવી આવું લે આ પોપકોર્ન પકડ આપણે લોનમાં ખાઇશું”નીરજાએ વ્હીલચેર ધકેલતા કહ્યું.
“તારા ડ્રામાનું રિહર્સલ…”
“નથી કરવુ…”
“કેમ…?”
“હવે હું જાઉ છું ત્યાં પણ રિહર્સલ જ થતી હોય છે ને બોર થઇ જવાય છે”
“તારી મરજી…”શૈલજાએ વધુ ફોર્સ ન કર્યો

બીજા દિવસે એ જ ડાન્સનો દ્ર્ષ્ય હતું આજે પણ કાલ જેવો જ અનુભવ થયો. બીજા સ્ટેપમાં તેણીની છાતી નીરવ છાતી સાથે ઘસાઇ અને નીરવના હાથ પર તેણીને કમર રાખીને નીચે જમીન તરફ જુકવાનું હતું અને જ્યારે તે પાછી ઊભી થઇ ત્યારે તેણીને નીરવની આંખમાં અજબ તોફાન દેખાયું. અન્ય સ્ટેપ્સ બતાવવા ડાન્સ ડાયરેક્ટર આવ્યા ન્હોતા તેથી પેક-અપ થઇ ગયું

આજે પણ નીરજા કોઇ સાથે વાત કર્યા વગર પોતાની રૂમમાં ભરાઇ ત્યારે શૈલજા તેણીની પાછળ જ વ્હીલચેરમાં ગઇ અને પુછ્યું
“નીરજુ બેટા! શી મુઝવણમાં છો…? કાલે પણ મુંજાયેલી લાગતી હતી વાત શી છે?”
“………..”
નીરજા પોતાની મા સામે કહું કે ના કહું એવી અવઢવ સાથે જોયું. શૈલજા પોતાની વ્હીલચેર ફેરવાવી અને ચીત્રા બેન ને ઇશારાથી કહ્યું તમે જાવ! અને જતા જતા રૂમનાં બારણા બંધ કરજો.રૂમના બારણા બંધ થયા પછી આવી ને કહ્યું
“હાં…..હવે બોલ દીકરા શું થયું છે?? અહીં તારા મારા સિવાય કોઇ નથી બોલી નાખ તો મન હળવું થાય”
નીરજા પોતાના પલંગ પરથી નીચે આવીને શૈલજાના ખોળામાં માથું રાખીને રડી પડી અને પછી તેણીએ પોતાને ગઇકાલે અને આજે થયેલ અનુભવની વાત કરી. અને બોલી મમ્મી પહેલી વખત તો નીરવનો સ્પર્શ મને ગમ્યો પણ ઘરે આવ્યા પછી મને મારી જાત ઉપર બહુ ધીક્કર છુટ્યો..”
“દીકરી તારૂં કુંવારૂં શરીર આવા અનુભવોથી પરિચિત નથી એટલે એવું થાય આને વિજાતીય આકર્ષણ કહેવાય. આવા અનુભવ એ એક લપસણી ભુમિકાનું પહેલું સોપાન છે”
“એટલે?”
“આ ક્ષણિક આનંદને વારંવાર માણવાના અભરખામાં કોઇ યુવતી અટવાઇ જાય તો તેના માઠા પરિણામ આવે”
“માઠા પરિણામ…”
“આવા ક્ષણિક આનંદ માટે યુવક અને યુવતિ એકાંત શોધતા થઇ જાય પછી એકાંતમાં શું શું થાય એતો આપણી બોલિવુડની ફિલ્મો સમજાવે જ છે”
“હં……”
“એટલે ડાન્સ વખતે અનાયસ રોમાંચ થાય એ જુદી વાત છે પણ……
“રોમન્ચ મેળવવા ડાન્સ ન કરાય….”નીરજાએ વાક્ય પુરૂં કરતા કહ્યું
“યા ધેટ્‍સ ઇટ…”

આખરે કોમ્પીટિશનનો દિવસ આવી પહોચ્યો.જ્યારે ડ્રામા સ્ટેજ થયો ત્યારે નીરવે ડ્રામાની આડસમાં નીરજાના અંગ ઉપાંગ સાથે આછી છેડતી કરી જેથી ધુધંવાયેલી નીરજા પોતાના ડાયલોગ્સ ખરે વખતે ભુલી ગઇ.ઓડીયન્સમાં હો…હો..થઇ ગઇ અને નંબર વન ડ્રામા ત્રીજા નંબરે આવ્યો.પ્રોફેસર ઘનશ્યામ ભટનાગરે નીરજાને ઠપકો આપ્યો તેથી વિફરેલી નીરજાએ ડ્રામાના કલાકારોના ગ્રુપની વચ્ચે પોતાનું સેન્ડલ ઉતારીને નીરવને ફટકાર્યું

“યુ…રાસ્કલ મને તું શું બેવકુફ સમજે છે….?”

“શું થયું…..?”પ્રોફેસરે પુછ્યું

“આ લંપટને પુછો ડ્રામાની આડસમાં તેણે કેવા અડપલા કર્યા…? અને પગ પછાડતી નીરજા જુલીયેટના ડ્રેસમાં જ પોતાની સ્કુટી પર ઘર તરફ રવાના થઇ ગઇ. ડ્રામા જોવા આવેલ ઘરના સભ્યોને નેપથ્યમાં શું થયું તેની ખબર ન્હોતી.
.

This entry was posted in શૈલ​જા આચાર્ય. Bookmark the permalink.

6 Responses to શૈલજા આચાર્ય (૧૧) -પ્રભુલાલ ટાટારીઆ

 1. sneha h patel says:

  vaah…v. nice…

 2. dhufari says:

  સ્નેહા
  તમારી ત્રણ શબ્દની કોમેન્ટથી મને લાગ્યું કે ,હું તમારી શૈલીને અનુરૂપ લખુ છું ખરૂં ને?

 3. sneha says:

  prabhubhai..badha ni style alag alag che.. pan badha eksutrata jalvi ne ek navalkatha lakhe che aa prayaas j adbhut che..baki koi na lakhan sathe aapnu lakhan set karvu …mara khyhaal mujab bahu aghri vat che..pan badha mitro chup chap puri nishtha thi ane prem thi aa karya kare che mane to eno anand che…baki to vijaybhai e j lekhako ne choose karya hoy e sara j hoy..i trust him…bas..ek saras majani story bane ane vanchako ne kaik rasprad vanchan pirsi sakie evi dil ni ichcha…biju kai nahi..

 4. sapana says:

  પ્રભુભાઈ સરસ લખાણ..જેમ સ્નેહા કહ્યુ એમ વિજયભાઈ જેવા તેવા લેખક પસંદ કરે નહી..વાર્તાને અનુરૂપ તમે આગળ વધી રહ્યા છો..અભિનંદન!!ગીત ગમ્યું..સોળમું લાગ્યુવાળુ..
  સપના

 5. dhufari says:

  શપના બેન
  તમારા સુંદર અભિપ્રાય બદલ આભાર,્શ્રી વિજયભાઇને મેં બે ચેપ્ટર લખી મોકલાવેલા તેને મઠારીને અને “સોળમું બેઠુ”વાળુ ગીત ઉમેરી બ્લોગ પર મુકવાની કરામત એમની છે.

 6. dhufari says:

  સપના બેન
  આ ચેપ્ટર લખવાનું ઇજન શ્રિ વિજય્ભાઇએ આપ્યું ત્યારે આ ચેપ્ટર મેં બે અલગ અલગ રીતે લખીને તેમને મોકલાવેલ એ બન્ને ચેપ્ટર મિક્સ કરી મઠારી અને પેલું “મને સોળમું બેઠુ…..”વાળું ગીત ઉમેરી બ્લોગ પર મુકવાની કરાનત તેમની છે તે બદલ તેમનો આભાર અને આપનો અભિપ્રાય આપવા બદલ આભાર
  અસ્તુ

Comments are closed.