પાપથી જે ડરી ગયો. સમજો તે તરી ગયો

જૈન કૂળમાં જન્મ તેથી જૈન વિધિ વિધાનો તપ અને પંચ મહાવ્રતની વાતો તો જાણે ગળથૂથીમાં હતી. પણ મારો ખરો ધર્મોદય થયો જ્યારે સુક્ષ્મજીવાણુ શાસ્ત્રનાં જ્ઞાન સાથે ધર્મારાધના ” કર્મ તણી ગતિ ન્યારી”માટે પ્રો. રમેશ કાપડીયાએ મને ડો સી સી શાહ સાથે અંગ્રેજી રુપાંતરણમાં મને સાથે લીધો. ડો સી સી શાહ બાયો કેમીસ્ટ હતા અને ધર્મે જૈન નહોંતા પણ બાયો કેમેસ્ત્રીમાં તો તેઓ વિધ્વાન હતા. આ. અરૂણવિજયજી મહારાજનાં ૧૯૮૨માં સુરત ખાતે થયેલ ચાતુર્માસિક શિબિરનાં પ્રવચનોનું તેઓ બોલતા અને હું અને કાપડીયા સાહેબ તેમને જૈન શબ્દોમાં પ્રશ્ન થાય ત્યારે અર્થઘટન માટે તેમની સાથે રહેતા અને ચર્ચા કરતા.

એક વખતે શાહ સાહેબ બોલ્યા જૈન જ્ઞાન કેટલુ સહજ અને સરળ છે એક જ વાક્યમાં ઘણું બધું કહી દીધું ” પાપથી જે ડરી ગયો..સમજો તે તરી ગયો.” ઘરે પાછા વળતા ડો શાહ સાહેબનાં ચહેરા પર આવેલી ચમકે મને વિચારતો કરી દીધો હતો. ૭૭ વર્ષનાં ડો. શાહે તેમની જિંદગીમાં ઘણું વાંચેલું હતું અને એમને મને જે સહજ લાગતું હતું તે વાક્ય ઉપર જાણે જિંદગીનું કોઇ પરમ સત્ય લાધ્યું હોય તેવો આનંદ હતો.

બીજે દિવસે કાપડીયા સાહેબને આ ઘટના કહી તો તેમણે પણ આ વાત જરા જુદી પણ સર્જનાત્મક રીતે કહી-” વિજય આપણો ધર્મ છે તેથી ઘણી વખત તેમાં રહેલ સત્યોને આપણે બહુ સહજ રીતે લઇએ છે.. જરા કલ્પના તો કર આ માઇક્રોસ્કોપ તો હજી ૨૦૦ વર્ષ પહેલા શોધાયુ અને આપણે હવે કહીયે છે કે હવામા જીવાણુ છે પાણી માં જીવાણુ છે પણ ભગવંતો એ કેવળજ્ઞાનથી ૨૫૦૦ વર્ષ પહેલા કહ્યું છે કે જીવ ક્યાં છે અને તેમને અભય આપવા આપણે શું કરવુ જોઇએ.

મારું વિચાર તંત્ર ઝંકૃત થઇ રહ્યું હતુ. હા અજ્ઞાન ને કારણે તો આ લખ ચોરાશીનાં ફેરા છે…જેને અજાણતા આપણે મારીયે છે તે ભવાંતરે આપણ ને મારનાર થનાર છે અને અજ્ઞાની મન તેને સહજ માને છે. અમેરિકામાં આવીને એક ચલ ચિત્ર જોયુ હતુ ” હની આઇ સ્રીન્ક ધ કીડ્સ” ની કલ્પના કથા જુઓ સમજાય કે સવારથી તે નાના જીવોને કેટલા બધા ભયો છે..મને નાનો હતો અને ગીરનાર દર્શને જતા પાઠશાળાનાં શીક્ષક નેમચંદભાઇ જયણા માટે નાની સાવરણી અને સુપડી લીધી ત્યારે અહિંસાનો એક અનોખો અર્થ સમજાયો હતો..અહિંસા એટલે મારવુ નહી તે એકલુંજ નહી પણ ચાલતા પગ નીચે કોઇ સુક્ષ્મજીવો કીડી કે મંકોડા ના મરે તેનું ધ્યાન રાખવું, જયણા બારીકાઈ અને તે બારિકાઈ પણ ભવાંતરોનાં ભ્રમણો માંથી રખડતા બચાવી શકે છે.

પાપથી ડરવા પાપ ક્યાં છે અને પાપ શું છે તે સમજાવાનું એક સુંદર સુત્ર “અતિચાર” છે..જેમાં જ્યાં જ્યાં જીવોછે તે બધીજ જગ્યાની જાણ આપી છે. મારા સુક્ષ્મજીવાણુ શાસ્ત્રનાં ભણતરથી હું સ્પષ્ટ પણે માનું છું કે તે બધી જગ્યાઓએ જીવો છે અને અજ્ઞાન વશ તે બધુ આરોગીને ભવાંતરનાં ફેરા આપ્ણે વધારીયે છે.

સામાન્ય બુધ્ધીએ લોકો બે વાત કહેતા હોય છે..જીવો જીવસ્ય ભોજનમ..એટલે કે તેઓનું સર્જન જ ભક્ષણ માટે થયુ છે અને બીજી વાત મર્યા પછી કોને ખબર શું થવાનું છે…આજે તો જીવી લો…અહીં જ અજ્ઞાન કામ કરે છે..કેવળ જ્ઞાની ગુરુ ભગવંતો જે કહે છે તે વાત આપણી જાડી બુધ્ધીમાં ઉતરતી નથી. પણ તે જ વાત જ્યારે વિજ્ઞાન કહે છે ત્યારે બુધ્ધી પોતાના તર્ક વિતર્ક ઘટાડી દે છે..માઇક્રોસ્કોપ તો હજી ૨૦૦ વર્ષ પહેલા શોધાયુ.. જ્યારે છેલ્લા તિર્થંકર તો ૨૫૦૦ વર્ષ પહેલા થયા..જરા સામાન્ય બુધ્ધીથી કહો તિર્થંકર વાણી ઉપર શંકા કરવાનું કોઇ કારણ ખરું?

તેઓએ જ કહ્યું છે કે આત્મા અમર છે તો પછી મૃત્યુ પછી લખચોરાશીના ફેરાનો ભય ન લાગવો જોઇએ? મનુષ્ય ભવ એક જ ભવ એવો છે કે જ્યાં કર્મશુન્ય થવાય અને મુક્તિનાં દ્વાર સમી ક્ષપક શ્રેણીએ ચઢવાની તક મળે, ત્યારે આ તિર્થંકરની વાણી ઉપર શંકા કરી મળેલી માનવભવની ઉજળી તકને વેડફતા જોઇ ગુરુ ભગવંતો કે જાણકારો આપણી તરફ કરૂણા થી ન જુએ તો શું કરે? કહે છે ને કે જાગતા ને કોઇ ન જગાડી શકે… ”હું ” અને “મારા”નાં નશામાં ગળાડુબ આત્મા ભવાંતરોનાં વિષમ ચક્રમાં ફર્યા જ કરે છે. કર્મ રાજા વારં વાર આધિ વ્યાધિ અને ઉપાધિ આપી આપીને તે નશામાં ડુબેલ આત્માને જગાડવા મથે…પણ ” હું અને મારું”નાં નશામાં જે ગળા ડુબ છે તેને એ દિશા જ નથી દેખાતી, નથી સમજાતી કે તે  વિચારે છે તે સિવાયનું પણ કોઇક સત્ય છે..પાપનો ઉદય એટલો તીવ્ર છે કે મનમાં જે કોઇ બીજાના ભલાની વાત કરે તેની વાતઓમાં કોઇક સ્વાર્થના સગડ શોધે.

પ્રભુએ આમ કહ્યું છે તેવું સમજાવતા સાધુ સંતોની વાણીમાં પોતાને લાભ થશે તેવું વિચારવાને બદલે એમાં એમનો શું સ્વાર્થ વિચારે તે આત્મા ઉન્નતિનો માર્ગ ક્યારે પકડશે તે તો તેમના કર્મો કહેશે પણ તે સાધુ સંતોનું તો જરૂર કલ્યાણ થતુ હોય છે. બાબુભાઇ કડીવાલા દ્વારા આયોજાયેલા સિધ્ધચક્ર પૂજનમાં આવા વિપરિત બુધ્ધી વાળા શ્રાવકોને તેમનું એક જ સુચન હતુ “પરથી ખસ અને સ્વમાં વસ” જેનો આ શ્રાવકોએ અર્થ કાઢ્યો “બીજાની ઉપાધી છોડ અને પોતાનું કર.” અહીં ઉપદેશ હતો મારા અને તમારા મોહમાં થી મુક્ત થા અને ” સ્વ”નાં ઉદય માટે કટીબધ્ધ થા.

મારું ચિંતન મને એક ત્રિભેટે લાવીને ઉભુ રહ્યુ..કહે છે કે કર્મ શુન્ય થાવ તો જ મુક્તિ શક્ય છે અને જે વસ્તુથી હું અજ્ઞાન છું તે એ કે મારા કર્મ ગણીતનું સરવૈયુ કેવી રીતે જોઉ? અત્યારે મારા પૂણ્ય આટલા ને પાપ આટલા… હું તપ સાધના કરું તો પૂણ્ય વધે તેને પણ ભોગવવા પડે.અને અજા્ણતાયે પાપ કરું તો પાપ પણ ભોગવવા પડે..ક્યાંકથી તો શરુ કરવાનું છે તેથી નક્કી કર્યુ કે પાપ કરવા ઘટાડૂં કે જેથી આ લખ ચોરાશીના ફેરા ટળે…

અઢાર પાપ સ્થાનકો જાણ્યા જે મારે માટે ફ્રી વે ની ગરજ સારે છે અને ઝડપથી પાપ રહીત થવાની પ્રેરણા આપે છે. આ હકીકત મને સામાયીક કરવા અને
સુક્ષ્મ હિંસાથી દુર રહેવા મને પ્રેરે છે. પણ સંસાર છે કેટલીય વખતે એવા પ્રસંગો ઉદભવે છે જ્યાં અન્ય સામાજીક કારણોથી સુક્ષ્મ હિંસા આદરાતી હોય છે અને ત્યારે આલોયણા લઇ મનથી માફી માંગી અસાર સંસારમાં પાછા સરતા થઇ જવાતું હોય છે.

This entry was posted in સા. બુ. કહું તો... Bookmark the permalink.

One Response to પાપથી જે ડરી ગયો. સમજો તે તરી ગયો

  1. Janak Gajera says:

    સત્ય સનાતન સત્ય

Comments are closed.