ફક્ત 8 દિવસ અને 8 સંકલ્પથી મેળવો પરમ શાંતિ…!

 

શાંતિની શોધ અને પ્રાપ્તિ બહારથી અંદરની તરફ નહીં, પણ અંદરથી બહારની તરફ થતી પ્રક્રિયા છે. મનના કોઇ ખૂણામાં કંઇ વિખેરાયેલું હોય તો તેને એકત્રિત કરવું જરૂરી છે. ચાલો, આઠ દિવસનો અભ્યાસ શરૂ કરીએ. રોજની એક ક્રિયા નક્કી છે. જ્યારે પણ ભૂલો, ફરીથી શરૂ કરો…

પહેલો દિવસ સ્વીકૃત ભાવથી જીવો

તમારી પરિસ્થિતિ (તે ગમે તેટલી ખરાબ હોય) અને લોકો (જેમની સાથે તમે છો)ને તે જેવા છે, તેવા જ રૂપમાં સ્વીકાર કરો કારણ કે બીજાને બદલવાની કોશિશ કરવામાં તમે પોતે જ તમારી શક્તિ વેડફો છો. પહેલાં તમારી જાતને બદલો, તો પછી બધું આપોઆપ જ બદલાઇ જશે.

બીજો દિવસ આભાર માનો,આશીર્વચન આપો

જો તમને એવું લાગતું હોય કે તમારા લીધે બીજાને દુ:ખ કે નુકસાન થઇ રહ્યું છે, તો એવી વ્યક્તિને ખૂબ આર્શીવચન આપો. આનાથી તમારી અંદર અટકી ગયેલી હકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહેવા લાગશે, ચેતના શુદ્ધ થશે. તમે તમારો પ્રેમ વહેંચશો, તો દુનિયાભરનો પ્રેમનો ખજાનો તમારા માટે ખુલી જશે.

ત્રીજો દિવસ એક દિવસમાં એક સંકલ્પ

જે લક્ષ્યને સૌપ્રથમ મેળવવા ઇચ્છતાં હો, સવારે ઊઠો ત્યારે સૌથી પહેલાં તમારી સંપૂર્ણ શક્તિથી મનોમન તેનું પુનરાવર્તન કરો અને એ પૂર્ણ કરવામાં લાગી જાવ. રાત્રે સૂતી વખતે સંકલ્પ પ્રાપ્તિ માટે શાંતિથી આંખો બંધ કરીને મક્કમ બનો. સંકલ્પ લેવાથી જ સંકલ્પશક્તિ વધે છે અને પછી એકાગ્રતા પણ તમારો સાથ આપશે.

ચોથો દિવસ ફરિયાદ ન કરો

મનોમન નક્કી કરો કે કોઇ પણ વ્યક્તિને કંઇ પણ બાબત અંગે ફરિયાદ નહીં કરો. કોઇ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના તમારું કામ કરતાં રહો. પહેલા જ દિવસથી આવી ટેવ છુટી જાય એવું તો નહીં કહી શકાય, પણ ધીરે ધીરે તમે ફરિયાદ કરવાનું છોડી દેશો. તેની સાથે ધીમે ધીમે દુ:ખ પણ જતાં રહેશે.

પાંચમો દિવસ ક્રોધ ન કરો

જ્યારે પણ ગુસ્સો આવે, ત્યારે એને મનમાં થોડી વાર દબાવી રાખી માત્ર સાક્ષી બનીને પરિસ્થિતિને નિહાળો. ગુસ્સો તમને અંસતુલિત કરી દેનારી નકારાત્મક ઊર્જા છે. ગુસ્સામાં લોકોના હાથ-પગ અને શરીર ધ્રૂજવા માંડે છે તે આ બાબતનું ઉદાહરણ છે.

છઠ્ઠો દિવસ ખુશ રહો

મનમાં ખુશીની ભાવના રાખો. તમને થોડા જ દિવસમાં ખ્યાલ આવશે કે આ ખુશીના તરંગ અનેકગણા વધીને તમારા અંતર, ઘર, આસપાસના વાતાવરણમાં પ્રસરવા લાગ્યા છે. જ્યારે આપણે ખુશ રહીએ છીએ, ત્યારે ખુશી તેની પાછળ અનેક ખુશી લઇને આવે છે. ખુશાલીભર્યું મન તમારા માટે સુખના નવા દ્વાર ખોલી નાખે છે.

સાતમો દિવસ બસ એક મિનિટ

ઇશ્વર સાથે જોડાયા હોવાનો અનુભવ કરીને તેના પ્રત્યે આભારી બનો. ઇશ્વર સાથે જોડાવાનો અનુભવ શારીરિક શક્તિની અનુભૂતિ કરાવે છે. દિવસમાં એક મિનિટ માટે પણ પોતાના ઇષ્ટદેવનું નામ ઉચ્ચારવાથી માનસિક શાંતિ મળે છે.

આઠમો દિવસ સાક્ષીભાવથી જીવો

મનમાં સતત ચાલ્યા કરતાં વિચારોથી અલ્પિત રહેવાનો પ્રયત્ન કરો. મનમાં જે કંઇ વિચાર ચાલતાં હોય તેને સાક્ષીભાવે નિહાળો. શરૂઆતમાં ખ્યાલ નહીં આવે, પણ ધીરે ધીરે તમને પોતાને જ સમજાવા લાગશે કે કયો વિચાર સારો છે અને કયો ખરાબ? થોડા જ દિવસોમાં ખોટા વિચાર આવતાં અટકી જશે.

http://www.divyabhaskar.co.in/article/MAG-cover-story-madhurima-8-step-give-peace-2236577.html

 

This entry was posted in Uncategorized. Bookmark the permalink.