સમયનો સરવાળો એટલે જીંદગી

એક  કુંભારને  રસ્તામાં  ચમકતો  પથ્થર  દેખાયો … તેજના  ઝગારા  મારતો  પથ્થર  એટલો  આકર્ષક  હતો કે એણે તે ઊંચકી  લીધો . પહેલા  વિચાર્યું  કે  છોકરાઓને રમવા  આપીશ  . પછી  વિચાર્યું  કે  છોકરાઓ  ક્યાંક  ખોઈ નાખશે . પથ્થરને  દોરીમાં પરોવી એણે  પોતાના  ગધેડાની  ડોકે  બાંધી  દીધો . એ  ગધેડાને  લઈને  જતો  હતો  ત્યાં  જ  સામેથી  એક  ઝવેરી  નીકળ્યો . ગધેડાની  ડોકમાં  હીરો  જોઈ એ  આશ્ચર્યમાં  પડી  ગયો . કરોડ રૂપિયા આપતા ય  ન  મળે  એવું  એ  રત્ન હતું  પણ  તેને  ગધેડાની ડોકમાં  બાંધનાર  પેલા કુભારને  એની  કિમતનો  ખ્યાલ  ન  હતો . ઝવેરીએ  એની પાસે  જઈને  એને પૂછ્યું ; ‘ તારે  આ  પથ્થર  વેચવાનો  છે ? ‘ કુભારે  હા  પાડી અને આઠ  આનામાં  -પચાસ  પૈસામાં  પથ્થર આપી  દેવાની  તૈયારી  બતાવી . ઝવેરીને  લોભ  જાગ્યો .તેણે કહ્યું : ‘આ પથરાના આઠ  આના  કોણ  આપે ? ચાર  આનામાં – પચીશ  પૈસામાં  આપવો  હોય  તો  આપ ‘
કુભારે  ના  પાડી . ઝવેરીને  થયું  કે હું ચાલતો  થઈશ  એટલે એ મને  પાછો  બોલાવશે અને  ચાર  આનામાં  નહિ  તો છ  આનામાં – સાઇઠ પૈસામાં તો હીરો  આપી  દેશે . એ  થોડું  ચાલ્યો . છતાંય  કુંભારે બૂમ ન  પાડી એટલે  એ પાછો  ફર્યો . જોયું  તો ગધેડાની  ડોકમાંથી  હીરો ગૂમ થઇ ગયો હતો .કુંભારે  કહ્યુકે  બીજો  કોઈ  ઝવેરી  આઠ  આનાને  બદલે રૂપિયો  આપીને  તે  લઇ  ગયો . ઝવેરી  આકળવિકળ  થઇ  ગયો અને  કહ્યું ; ‘તું  મૂરખ છે  . કરોડ  રૂપિયાની  ચીજ  તે  એક  રૂપિયામાં  વેચી  દીધી ! ‘ કુંભારે  કહ્યું : ‘ હું  તો  કુંભાર છું … મને કિંમતની  ખબર નહોતી એટલે  હું  તો ફાયદામાં  જ  રહ્યો . મને તો  આઠ  આનાને  બદલે  રૂપિયો મળ્યો . પરંતુ  તે  ઝવેરી  થઈને  ચાર આનાને  ખાતર  કરોડ  રૂપિયા  જતાં  કર્યા  તેનું  મને  આશ્ચર્ય  થાય છે ! ‘

આ  પ્રસંગકથા  આપણને  કેટલું બધું  શીખવી  જાય  છે  ? –

*  જીવનમાં  બીજા કંઈ ન  પ્રાપ્ત  કરી  શકે એટલા  માટે  આપણે  ઘણી  વાર  કેટલું  બધું  ગુમાવીએ છીએ !

*  જેને  રત્નની જાણકારી નથી  એની  તો  વાત  જ  ન્યારી  છે . એને  તો જે  કંઈ  મળે  એમાં  ફાયદો જ  છે  પણ  રત્નપારખું  ભુલાવામાં  પડે ત્યારે  એની  દયા  ખાવી  કે  એની મુર્ખામી  ઉપર  હસવું  એની વિમાસણ  થાય છે  છતાં આ  વિમાસણ  આપણે  આપણાં સંદર્ભમાં   કેમ  નહીં અનુભવતાં હોઈએ ?

* જેને  કશાનો  ખ્યાલ  જ  નથી  એ તો  મેળવે  કે ગુમાવે  એથી  કોઈ  ફરક  નથી પડતો  પરંતુ જે કંઈક જાણતા હોવાનો  દાવો કરે  છે તે  પણ જયારે  રત્ન  જેવી  ક્ષણોને  જેમતેમ  વેડફી  નાખે તેને શું  કહેવું ?

* ખરેખર  તો જીવનમાં  માણસ  પાસે  સમય  સિવાય  કશું  પોતાનું  નથી …પણ  એ  વર્તે  છે  એ  રીતે  કે સમય સિવાય  બધું  એનું  છે  અને  એટલે  જે એની  પાસે  છે  એનો  એ યોગ્ય  ઉપયોગ કરતો નથી

This entry was posted in પ્રસંગ કથા. Bookmark the permalink.

One Response to સમયનો સરવાળો એટલે જીંદગી

  1. સુંદર બોધવાર્તા!

Comments are closed.