અકબર કથા – ૭

બાદશાહ  અકબર …..
એમને  ઘણી  વાર  જાત  જાતના  તરંગ  સુજે ..
એ તરંગી  વિચાર  રજૂ  કરી  તેઓ પોતાના  દરબારીઓની  કસોટી  પણ  કરે

એક  દિવસ  એમને  પોતાના  સૌથી  પ્રિય  બીરબલની  કસોટી  કરવાનું  મન  થયું

બાદશાહે  બીરબલને  બોલાવીને  કહ્યું : ‘બીરબલ , રાજવૈદે  એક ઔષધી  બનાવવા  માટે  બળદના  દૂધની  માંગણી  કરી  છે …એટલે  કયાંયથી દૂધની  વ્યવસ્થા  કરવાની  છે

બાદશાહનો  હુકમ …
એનો  અનાદર  કરાય  જ  નહીં
બીરબલે  ઠાવકાઈથી  કહ્યું :’ બાદશાહ  હજૂર , દૂધ  તો  જરૂર  મળી  જશે …પણ  એના  માટે  થોડો  સમય  લાગશે ‘

બાદશાહે  બીરબલને  ચાર  દિવસની  મુદત  આપી

બીરબલ  ઘેર  ગયો
એ  આ  સમસ્યાના ઉકેલ  માટે  વિચારતો  હતો ત્યાં  એની  પુત્રીએ  એને  પૂછ્યું :’પિતાજી  , આપ શેનો વિચાર  કરો  છો ? ‘
બીરબલની  પુત્રી ….
હોશિયાર  બીરબલ  જેવી જ .. મોરના ઈંડાને  કંઈ  ચીતરવાના  થોડા  હોય ?

બીરબલે  બાદશાહની  આજ્ઞાની  વાત  કરી  એટલે  દીકરીએ  કહ્યું : ‘આ  વખતે  બાદશાહને  હું  પાઠ  ભણાવીશ ….આપ  નિશ્ચિત  રહો ‘

એ  રાત્રે …
અડધી  રાત  થઇ  હતી ..
બાદશાહ  અકબર  મહેલના જે  ભાગમાં  સૂતા હતા  તે જગ્યાની  નજીકની  બારીમાંથી  દેખાય – સંભળાય  એવા  નદીના ઘાટ ઉપર  જઈને  એ કપડા  ધોવા  લાગી  શાંત  વાતાવરણમાં  કપડા  ધોવાવાનો મોટો  અવાજ  બાદશાહની  ઊંઘમાં  ખલેલ  કરી  રહ્યો  હતો
અડધી  રાત્રે  કોણ  પોતાની  ઊંઘને  ખરાબ  કરી  રહ્યું  છે  એ  જોવા – જાણવા  બાદશાહે  સિપાઈને  એને  ઘાટ  ઉપરથી  પકડીને લાવવાનો  હુકમ  કર્યો
સિપાઈ એને  લઈને  આવ્યો  એટલે  બાદશાહે  એને  પૂછ્યું :’ છોકરી , તને  અડધી  રાત્રે  જ  કપડા  ધોવાનો  સમય  મળ્યો .. આખો  દિવસ  તું  શું  કરે  છે ? ‘

બીરબલની  દીકરી
બીરબલ  જેવી  જ
એણે ખૂબ  ઠાવકાઈથી  બાદશાહની  ઊંઘ બગાડવા  માટે પહેલાં  તો  માફી  માગી  અને  પછી  કહ્યું :’ શું  કરું  હજૂર , આખા  દિવસમાં  મને  કપડા  ધોવાનો  સમય  જ  નથી  મળતો  કારણકે  મારાં  પિતાએ  એક બાળકને  જન્મ  આપ્યો  છે .. મારે  મા તો  છે  નહીં  જે  બધું  કામ કરી  લે ..એટલે  આખો  દિવસ  બાળકની  સારસંભાળ  રાખવી  પડે છે …ઘરમાં  ખાવાનું  બનાવવું  પડે  છે …બીજા  કામ  પતાવવા  પડે  છે  એટલે  આખો  દિવસ  એ  બધામાં  પસાર  થઇ  જાય  છે
એટલે  આવી  અડધી  રાત્રે  અહી  કપડાં ધોવા આવવું  પડ્યું  છે ….! ‘

‘ તું  જૂઠું બોલે  છે  છોકરી , ભલા  કોઈ  મરદ  છોકરું  જણી  શકે  ખરો ?’ બાદશાહે  ગુસ્સે  થઈને  કહ્યું

‘ બાદશાહ  હજૂર ,જો  બળદનું  દૂધ  મળી  શકતું હોય તો  મરદ  પણ  છોકરું  કેમ  ના  જણી  શકે

બીરબલની  પુત્રીએ  જવાબ  આપ્યો
અને બાદશાહને  તરત  ઝબકારો  થયો …અરે  આ  છોકરી  કોણ  હોઈ  શકે ?
જરૂર  એ  બીરબલની  દીકરી  જ  હોય ….બીરબલ  જેવી  જ  ચાલક  અને  હોશિયાર….
એમનો  ગુસ્સો  એકદમ  શાંત … મો  ઉપર  સ્મિત  અને  એને ઘેર  મોકલી  દીધી

બીજા  દિવસ  સવાર …

બાદશાહે  બીરબલને  સંદેશો  મોકલ્યો  કે  એ  દરબારમાં  પાછો  આવે … બાદશાહે  પોતાનો  હુકમ  પાછો  ખેચ્યો છે

This entry was posted in અક્બર કથાઓ. Bookmark the permalink.