લે, મેં મરણું ગજવે નાખ્યું–મનોજ ખંડેરિયા

નમણું નમણું ગજવે નાખ્યું
કોનું  શમણું ગજવે નાખ્યું

માલામાલ થયો છું, મિત્રો !
એક ચાંદરણું ગજવે નાખ્યું

સાવ કર્યું મેં ખાલી ત્યાં તો
પાછું બમણું ગજવે નાખ્યું

હાથ રહું ના એમ વહું છું
ખળખળ ઝરણું ગજવે નાખ્યું

સાવ થયું લીલુંછમ પહેરણ
જ્યાં મેં તરણું ગજવે નાખ્યું

ભીતરથી છું ઝળહળ ઝળહળ
મેં સંભારણું ગજવે નાખ્યું

જીવ, ખરચ તું જીવન છૂટથી
લે, મેં મરણું ગજવે નાખ્યું

-મનોજ ખંડેરિયા

૦ સાત શેરની આ નાજુક નમણી ગઝલ નાજુકાઈથી ઘણું બધું સૂચવે છે

૦ મત્લાના શેરમાં ગઝલકાર જે નમણું નમણું ગજવે નાખવાની વાત કરે છે તે છે કોઈક  શમણું … જો એને ગજવે નાખી શકાય તો .

૦ ગઝલના જુદા જુદા શેરમાં જે નમણું નમણું ગજવે નાખવાની વાત કવિ કરે છે તે કોઈ ભૌતિક વસ્તુ નથી

૦ અહી તો ચાંદરણું … ઝરણું … સંભારણું અને ,,,અને મરણુંને ગજવે નાખવાની વાત કવિ કરે છે જે નાવીન્યયુક્ત …

૦ ગઝલના એક શેરમાં તરણું ગજવે નાખવા માત્રથી પહેરણ લીલુછમ્મ થવાની વાત કવિ કરે છે ….લીલાછમ્મ વૃક્ષ વિષે સાંભળ્યું  છે  પણ પહેરણ લીલુછમ્મ કવિ આંખ જ જોઈ  ખરુંને ?

૦ કવિનો આનંદ એક ચાંદરણાંને ગજવામાં નાખતા જ માલામાલ થયાની વાતમાંથી ઉભરાય છે

૦ કોઈ એવું સંભારણું ગજવામાં જતાંની સાથે ભીતર ઝળહળ  ઝળહળ ….

૦મક્તાના શેરમાં જે વાત કવિ કરે  છે એ  સૌથી વધુ ચોટદાર છે જીવનને ખર્ચવાની….છૂટથી વાપરવાની વાત …પળેપળને માણવાની વાત ક્યારે શક્ય બને? જયારે મરણ ગજવામાં નંખાય ત્યારે …અને મરણને ગજવામાં નાખવું એટલે એની પરવા ન કરવી …

૦ ગઝલમા શમણું ચાંદરણું બમણું ઝરણું તરણું સંભારણું વિગેરે કાફિયા સરસ છે અને મરણું શબ્દ કવિની છૂટ છે જે રસ ક્ષતિ કરવાને બદલે છંદ પૂર્તિ કરે છે

This entry was posted in કાવ્ય રસાસ્વાદ. Bookmark the permalink.

2 Responses to લે, મેં મરણું ગજવે નાખ્યું–મનોજ ખંડેરિયા

  1. dakshesh says:

    very nice

  2. dakshesh says:

    very nice

Comments are closed.