શતાયુ થવાનાં કિમીયા (૩)

કીમિયો ૩ પોઝિટિવ બનો, જિંદગી ગુલાબ જેવી મઘમઘતી બની જશે

એક વૃદ્ધ જાપાનીને તેના પંચોતેરમા વર્ષે ચીની ભાષા શીખતો જોઈને કોઈએ કહ્યું ભલા માણસ! ઘરડે ઘડપણ આ ચીની ભાષા શીખીને શું કરશો?’ તમારો એક પગ તો મસાણમાં પહોંચી ગયો છે! ઝાડ ઉપરનું પીળું પત્તું ક્યારે ખળી પડશે તેનો ભરોસો નથી તો તમે તો આયુષ્યના છેવાડે… તે માણસને બોલતો અટકાવી પેલા જાપાનીએ તેને ટોણો મારતાં પૂછ્યું આર યુ ઇન્ડિયન?’ તું ભારતીય છે?

પેલાએ હા પાડતાં કહ્યું પરંતુ મારા આ પ્રશ્નને અને ચીની ભાષા શીખવાને શું સંબંધ છે?’ વૃદ્ધે હસીને કહ્યું ઉંમર વધતાં તમે ભારતીયો હંમેશાં મૃત્યુના વિચાર કરો છો. અને અમે જાપાનીઓ જીવનનો વિચાર કરીએ છીએ. હું સાઠ વર્ષનો હતો ત્યારે પણ મને એક ભારતીયે આવો જ પ્રશ્નો પૂછ્યો હતો. અને ત્યાર પછી તો હું સાત ભાષાઓ શીખ્યો છું અને બે વાર વિશ્વમાં ભ્રમણ કરી ચૂકયો છું.!

જીવનમાં આ મસ્તી લાવવી હોય તો આપણે આપણી વિચારધારામાં સકારાત્મક જીવનદ્રષ્ટિ લાવવી પડશે.

જેણે પોતાની જીવનદ્રષ્ટિ સકારાત્મક બનાવી તે વ્યક્તિ કેવળ મહાન નથી, પણ તે વિશ્વના ઉપવનમાં ખીલેલું મઘમઘતું ફૂલ છે. સુંદર ગુલાબની પાંખડીઓ ઉપર દ્રષ્ટિ પડે તો એમ ન કહેવાય કે ગુલાબમાં કાંટો છે.

આપણી દ્રષ્ટિ ગુલાબમાં કેન્દ્રિત થવી જોઈએ અને આપણને કાંટામાં ગુલાબ દેખાવું જોઈએ. આ છે જીવનની સકારાત્મક દ્રષ્ટિ અને જીવનમાં આ દ્રષ્ટિ કેળવાય તો સંસારમાં નાતજાતના શ્રીમંત-ગરીબ કે ઊંચનીચના ભેદ ન દેખાતાં બધામાં ઇશની વ્યાપકતા નજરે પડશે.

Source: Dharm Desk, Ahmedabad 

This entry was posted in નિવૃત્તિ વિજ્ઞાન. Bookmark the permalink.