શતાયુ થવાનાં કિમીયા (૨)

કીમિયો ૨. ઓછું ખાઓ લાંબું જીવો.

ચિંતક અને લેખક શ્રી કાંતિ ભટ્ટ દિવ્ય ભાસ્કરમાં લખે છે કે  દીર્ઘાયુ જ નહીં દીર્ઘ આરોગ્યની કાળજી લો. લાંબા આયુષ્ય સાથે લાંબી,તંદુરસ્તી જ નહીં પણ ‘હેપ્પીનેસ’ મહત્વની છે. ૬૦૦ વર્ષ જીવી શકાય પણ ૬૦ સુધી જીવો કે ગમે ત્યાં સુધી પણ આરોગ્યમય જીવવા ભોજન ઓછું કરતા જાઓ. સાંજે માત્ર ફળાહાર કરો. ઇટલેસ એન્ડ લીવ લોંગ! ઓછું ખાઓ લાંબું જીવો.

માત્ર મહાત્મા ગાંધીજીને દીર્ઘાયુ જ ન નહીં દીર્ઘ-આરોગ્યની ચાવી મળી ગયેલી અને તે ચાવી હતી ‘નિસર્ગોપચાર’. જો તેને ગોડસેએ ગોળી ન મારી હોત તો હું ખાતરીથી કહું છું કે તે ૧૨૫ વર્ષથી વધુ જીવ્યા હોત અને તંદુરસ્ત જીવ્યા હોત. તેમનો નિસર્ગ-આહાર અને નિસર્ગોપચારની શ્રદ્ધા તેમ જ મનુ-આભાના શરીરની ઉષ્મા તેમને લાંબુ જીવાડત. તાજેતરમાં સત્ય સાઇબાબા માત્ર ૮૫ વર્ષની ઉંમરે સ્વર્ગવાસી થયા તે પહેલાં કેટલાય આધ્યાત્મિક પુરુષો (અને ખાસ રામકૃષ્ણ પરમહંસ કેન્સરથી વડોદરામાં) પીડાયા હતા. વડોદરામાં રામકૃષ્ણ મિશન અને વિવેકાનંદના સંચાલક સ્વામિ નિબિલેશ્વરાનંદજી મહારાજ મારે ઘરે પધાર્યા ત્યારે મેં તેમને આજ પ્રશ્ન પૂછ્યો તો તેમણે બચાવ કર્યો કે રામકૃષ્ણજીએ શરીર કરતાં આધ્યાત્મિક સાધના ઉપર જ સર્વે ધ્યાન આપવું હતું, પણ ૨૧મી સદીના માનવી માટે આવો બચાવ વ્યવહારુ નથી. ધીરુભાઇ અંબાણી અને બીજા અબજપતિ ઉદ્યોગપતિઓ સ્વાસ્થ્યની પરવા કર્યા વગર ‘વહેલા વહેલા’ ગુજરી ગયા તેમાં એ બહાનું ન ચાલે કે રિલાયન્સને ધીગી કરવા તેમણે સ્વાસ્થ્યની કાળજી ન કરી. શું કામ ન કરી ? તમે મિલકત છોડી જાઓ છો. સેંકડો ઉદ્યોગપતિઓ મિલકતો કમાઇને સંતાનો માટે છોડતા જાય છે. શું બે-ત્રણ દીકરા કે દીકરીઓ તમારી મિલકત માટે કાયમી કંકાસ કરે તે માટે તમારે આરોગ્યની ઐસી તૈસીકરવી?

સિગમન્ડ ફ્રોઇડે માનવની સેક્સ લાઇફ અને જીવરસાયણનું આખું સાયન્સ વિકસાવ્યું. તેમાં અતિ કલ્પનાઓને વાસ્તવિકરૂપ આપેલું, તેના તરફ વાચકોનું ધ્યાન દોરાયું નથી. માત્ર તેને સેક્સનો શહેનશાહ ગણવામાં આવ્યો. ખરેખર તો ફ્રોઇડ માનવજાતની જીવરસાયણ શક્તિને વધારીને દીર્ઘાયુ અને તે પણ સંપૂર્ણ આરોગ્યવાળું દીર્ઘાયુનું વિજ્ઞાન વિકસાવવા માગતા હતા. તેણે અતિ કલ્પના કરીને માનવીને અમર બનાવવો હતો. આજે અમેરિકા-જર્મનીના વિજ્ઞાનીઓ માનવી માટે અનેક જીવરસાયણો શોધીને લાંબુ આયુષ્ય આપવા માગે છે, પણ તે રોગમુકત જીવન હશે નહીં. ગાંધીજી ૧૨૫ વર્ષ જીવ્યા હોત તો પૂર્ણ તંદુરસ્તી સાથે જીવ્યા હોત. થેકસ ટુ નેચરોપથી આજે ૨૧મી સદીમાં માત્ર દીર્ઘાયુ જ નહીં પણ દીર્ઘ તંદુરસ્તી સાથે અદ્ભુત તંદુરસ્તીની જરૂર છે. સત્ય સાઇબાબાને ૩૦-૩૦ દિવસ સુધી અનેક નળીઓ પરોવીને પરાણે જીવાડયા તેવું દીર્ઘાયુ મહાત્મા કે કહેવાતા ભગવાન કે કોઇને સ્વીકાર્ય ન હોવું જોઇએ.

કોઇને વૃદ્ધ થવું નથી. ગયા વર્ષે મેં લખેલું કે અમેરિકામાં વૃદ્ધાવસ્થા સામે લડવાની દવાઓનો ઉદ્યોગ ૮૮ અબજ ડોલરનો છે. એ દવા માનવીને લાંબુ જીવાડે છે, પણ મરતો નથી પણ માંદો થઇને જીવે છે. ટેલિવિઝનવાળા આ એન્ટી-એજિંગ ઇન્ડસ્ટ્રીનાં R ૩૯૬૦૦૦ કરોડના ધંધાને જીવતો રાખે છે. દર વર્ષે કંઇને કંઇ દીર્ઘાયુ માટેનાં પુસ્તકો અને દવાનાં તૂત નીકળે છે. તાજેતરમાં એક અતિકલ્પનાવાળું પુસ્તક પ્રગટ થયું છે. તેનો રિવ્યુ લંડનના સન-ડે-ટાઇમ્સે ૩જી માર્ચ ૨૦૧૧ આપ્યો છે. પુસ્તકનું નામ છે ‘યુ આર લુકિંગ વેરીવેલ-ધ સરપ્રાઇઝિંગ નેચર ઓફ ગેટિંગ ઓલ્ડ.’એ પછી હમણાં જ એક મિચીઓ કાકુ નામનો વિજ્ઞાની આપણને સૌને ‘વૈજ્ઞાનિક રીતે’ મૂરખ બનાવવા લખે છે કે તેણે ૩૦૦ વિજ્ઞાનીઓને મળીને એક એવા સુપ્ત ડી. એન.એ. (મૂળ બીજ) અને પ્રોટીનની શોધ આદરી છે જે માણસને ગ્રીક દેવતાઓની માફક જીવે ત્યાં સુધી ૩૦ વર્ષનો જ દેખાય તેવો બનાવશે, પણ એ ગધેડાવૃદ્ધિવાળા વિજ્ઞાની સ્પષ્ટ કરતા નથી કે ૩૦ વર્ષની વય મહત્વની નથી. ૮ની વયે આજે ડાયાબિટીસ થાય છે.

૨૪ની વયે હૃદયરોગનો હુમલો આવે છે. મૂળ વાત કાયમી તંદુરસ્તીની છે. તે વાત કોઇ કરતું નથી. ફરી ગાંધીજીને યાદ કરીને કહું છું કે ગાંધીજીનો ચરખો જે કાયમ માટે અભરાઇએ ચઢાવવા જેવો છે અને તેમની અહિંસાની વાતો તેમનાં પ્રવચનો અને પુસ્તકમાં જ ખડકાયેલી રહેવાની છે. હિંસાની તો સતત બોલબાલા થવાની છે તે ચરખા અને અહિંસા તેમજ તેમના મનુ-આભા ગાંધી બ્રાન્ડ બ્રહ્નચર્યની વાતો સતત પ્રગટ થાય છે, પણ તેમનાં જે મહામૂલા નિસર્ગોપચારને કોઇ દેશી-વિદેશી લેખકો (જે મુખ્યત્વે અંગ્રેજીમાં ગાંધીજીના જીવનથી પત્તર રગડે છે) યાદ જ કરતા નથી. ઉપર મેં જે પુસ્તકનું નામ લખ્યું તે લેવીસ વોલપેરીએ લખ્યું છે. તેમાં માનવજાત ૬૦૦ વર્ષનું આયુષ્ય આસાનીથી ભોગવશે તેવી વાત લખી છે. એક માન્યતા દ્દઢ થયેલી કે જે આવરદા છે તે જન્મ વખતે જ આપણા જીન્સમાં લખાઇને આવી છે. એટલે એમાં કોઇ મીનમેખ નથી.

સ્વામિ દયાનંદ કે વિવેકાનંદ ફલાણી ઉંમરનું મોત લખાવીને જ આવ્યા હતા. ડીટ્ટો પ્રમુખ કેનેડી અને ગાંધીજી (ખૂનથી) પણ એવા ખૂનની વાત જવા દઇએ તો સાયિન્ટસ્ટો કહે છે કે મૂળભૂત જીન્સને હવે બદલી શકાય છે. આપણે જન્મ્યા ત્યારે જે રીતે ‘જેનિટીકસ પ્રોગામ્ડ’ હોઇએ તે ડિઝાઈન બદલી શકાય છે, પણ શું માનવ પોતે આવું ૬૦૦ વર્ષ લાંબુ આયુષ્ય ઇચ્છશે? જયોર્જ બનૉર્ડ શોએ કહેલું કે ઇશ્વરે આપેલું આયુષ્ય કરતાં લાંબુ જીવવાની શેખી એ તો પાગલ માણસને તંત છે. બનૉર્ડ શોએ તો કહેલું કે શું તમે ઇચ્છતા હોત કે લેનિન સ્ટેલીન અને બીજા સરમુખત્યારો લાં…બુ.. ૬૦૦ વર્ષ જીવે? તો તો હાહાકાર થઇ જાય. દિ.ભા.ના તંત્રીએ ૧૯-૪-૧૧ના તંત્રી લેખમાં લખવું પડ્યું. હવે વૃદ્ધો જ પોતે એવું આરોગ્ય અને આર્થિક સ્વતંત્રતા રાખે કે તે યુવા પ્રજાની ઐસી તૈસી કરી શકે.

ચીની વૈદોએ ગીંકગો નામની વનસ્પતિ શોધી તે સ્મરણશક્તિ ૧૦૦ વર્ષની આયુવાળાને ટકે તેવો દાવો થયો પણ ખોટો પુરવાર થયો. મહર્ષિ ચ્યવને દીર્ઘાયુ માટે ચ્યવન પ્રાશ શોધ્યું પણ તેને તો સ્વાદ બનાવી ઝંડુ અને ધૂતપાપેશ્વર માત્ર કમાયા. કોઇ લાંબું કે તંદુરસ્ત જીવતું નથી. માત્ર સવારે મનને છેતરીને સ્વાદિષ્ટ ચાટણ જમે છે. ખરી વાત તો લાંબા આયુષ્ય સાથે લાંબી, તંદુરસ્તી જ નહીં પણ ‘હેપ્પીનેસ’ મહત્વની છે. યુરોપમાં ૨૧,૦૦૦ લોકોનો સર્વે કરાયો તો ૭૪ની વય સુધી લોકો પોતાની મેળે પોતાનું કામ કરી શકતા ત્યાં સુધી હેપ્પી હતા.

પછી ? પછી અનેક બીમારીથી ખાટલાવશ થતાં દુ:ખી દુ:ખીના દાળિયા હતા. આ પુસ્તકનાં લેખક લુઇસ વોલપેરી કદાચ ગાંધીજીના નિસર્ગોપચારને જાણી ગયા લાગે છે તે કહે છે ૬૦૦ વર્ષ જીવી શકાય પણ ૬૦ સુધી જીવો કે ગમે ત્યાં સુધી પણ આરોગ્યમય જીવવા ભોજન ઓછું કરતા જાઓ. સાંજે માત્ર ફળાહાર કરો. Eat less and live long ઓછું ખાઓ લાંબુ જીવો

This entry was posted in નિવૃત્તિ વિજ્ઞાન. Bookmark the permalink.