ભાભો ભારમાં તો વહુ મા લાજમાં

અમારા અંબુકાકા કદાચ પોતાની એક પણ દીકરીઓ ના હોવાને કારણે વ્યથિત થતા કાંતા કાકીને કાયમ કહેતા તારી ત્રણ વહુઓ તારી દીકરીઓ જ છે ને? લડાવને તારે જેટલા લાડ લડાવવા હોય તેટલા.. પણ કાંતા કાકી એમ જ બોલે “તમે તો સાધુ પ્રકૃતિનાં છો એટલે તમને ખબર નાપડે પણ આંગળાથી નખ વેગળા તે વેગળા. દીકરી જેટલી સેવા કરે તેટલી લાગણીઓ વહુઓને ના થાય.”

“અરે! આ તારા પોતાના દીકરાઓ પોતાની ચામડીનાં જુતા કરીને પહેરાવે.. તારા દુઃખે કકલી મરે તો ય તને દીકરીનો આટલો બધો મોહ?”

“દીકરાઓને તો પરણાવ્યા એટલે તેમની બૈરીનાં..તેમની શું આશા?”

આવા વડીલો તમે સર્વત્ર જોતા હશો..ખરુંને?

દીકરાઓ હોય કે દીકરી..જમાઇ હોય કે વહુ.. તેમની પાસેથી માનભર્યુ હેત જોઇતુ હોય તો એક વાત મારા દાદા કાયમ કહેતા “ ભાભો ભારમાં તો વહુમા લાજમાં”.

આ વાતનો તાળો સમજ્વા કાંતા કાકીનો એ ડાયલોગ મને કાયમ યાદ આવે. અમારા સમયમાં અમે તો ચું કે ચા પણ કરી નહોંતા શકતા. મારી સામે થી સસરા કે જેઠ નીકળે અને અમે ત્યાં હોઇએ તો મારા સાસુ ખખડાવી નાખે.. કેમ આઘુ પાછુ ના થઇ જવાય?

આવો ત્રાસ જેણે વેઠ્યો હોય તે દ્રષ્ટિ તો એમજ કહેને કે વહુઓને તો બહુ ફટવી મારી છે.

હવે વહુ ફાટી ના જાય તેથી સાસરે આવેલી નવોઢાને પહેલા દિવસથી જ દબાવીને રાખવા મથતા..કાંતા કાકીને પહેલા દિવસેજ તેમના કમલેશની પત્ની કલ્પનાએ કહ્યું

“બા. તમારે મને કશું કહેવાનું નહીં .. તમે અને તમારા સાસુ કોઇ સ્કુલે ભણવા ગયા નહોંતા.. તમારા સમયમાં રેડીયો તો માંડ માંડ વાગતો થયો હતો.. જ્યારે હું કોલેજમાં ભણીને આવી છું મને ટીટ ફોર ટેટ કરતા આવડે છે. તેથી તમારો દીકરો જો હાથવગો રાખવો હોય તો મને ના છંછેડશો.”

કાંતા કાકી દબાવાને બદલે “ લે લે આતો મગમાં થી પગ નીકળ્યા.. હજી સાસરે પગ પણ નથી મુક્યો અને મને લબડ ધક્કે લેવા બેઠી મારી બઈ!”

અંબુ કાકાને કલ્પના નો વાત કરવાનો ટોન ના ગમ્યો.. અને તેમણે કાંતા કાકીને કહ્યું “ કલ્પના વહુ આજ વાત જરા નીચો ટોન રાખીને કહ્યું હોત તો તમે ભણેલા છો તેમ જણાત.”

કલ્પના તરત બોલી “ બાપુજી.. બાનો જેવો ટોન હતો તેવા ટોનમાં જ મેં જવાબ આપ્યો.. અને વીસમી સદીની વાતો એક્વીસમી સદીમાં કરે તો જવાબ એકવીસમી સદી જેવોજ મળેને?.”

તે રાત્રે કમલેશને કાંતાકાકીએ કહ્યું તો કમલેશ કહે..બા થોડીક ધીરજ ધરો..હજીતો એને આવે અઠવાડીયું થયું છે..

અંબુકાકાને થયું કે કમલેશને કાંતા કાકીની હાજરીમાં પુછું કે બેટા “તારા પ્રતિભાવ તો જણાવ કે કલ્પના એ જે તારી બાનું મોઢું તોડી લીધું તે યોગ્ય લાગ્યું?”

કમલેશ કહે “બાને કલ્પનાએ કહ્યું તેથી માઠું લાગ્યું આજ વાત જો મેં કે કોઇ ભાઇ એ કરી હોત તો તેમને આટલી તકલીફ ના થાત. અને તેનું કારણ છે પારકુ અને પોતાનું લોહી. પણ હું કલ્પના ને સમજાવીશ.”

આ જગ્યાએ અંબુ કાકાનાં જુદા જુદા પ્રતિભાવો સમજવા જેવા છે

પ્રતિભાવ ૧

“ શાબાશ બેટા.. ભણતરે તને નિષ્પક્ષ બનાવ્યો. અને વહુ સાસુની વાતોમાં તું આમજ રહેજે.. કારણ કે તારી બા અને તું જાણો છો એક બીજાને પણ કલ્પના અને તારી બા એકમેક ને તમે જેટલાં જાણો છો તેટલા જાણતા નથી. તેથી તે બંને ને એક મેક્નો સાચો અનુભવ કરાવવવાની તારી ફરજ છે.”

પ્રતિભાવ ૨

“ ભણતર બોળ્યું બેટા તમે તો! એટલા મોટા થઇ ગયા કે મા ને સુધારવા બેઠાં છો. શરમ નથી આવતી તારી માની ઠેકડી ઉડાડતા”

પ્રતિભાવ ૩

“તું પણ કાંતા શું વહુને દાબવાનો પ્રયત્ન કરે છે.તને યાદ છે મારી બા ની સાથે તેં જે કર્યુ તે કર્મ આજે પાકે છે..તારી વહુ પણ તારી જેમ તને જવાબ આપે છે.”

પહેલો પ્રતિભાવ વહેવારિક સત્ય હતુ એટલે ભાભો ભારમાં રહ્યો..તેથી ભાભો ઘરમાં રહેશે

બીજો પ્રતિભાવ કટુ હતો શક્ય છે કે ભાભો દીકરાનું ઘર ગુમાવી મોટી ઉંમરે એકાકી રહે

ત્રીજો પ્રતિભાવ મોટી ઉંમરે છૂટા છેડા પણ અપાવે.

છેલ્લા બે પ્રતિભાવો ને દુર કરવા હોય તો શ્રેષ્ઠ જવાબ શું હોઇ શકે તે જાણવા ચાલો વાંચીયે લતાબેન ની આ કથા.

ડોક્ટર દીકરો અને ડોક્ટર વહુ..લતાબેન અજાણતા પોતાને વહુથી થતી કનડગત અને તેથી થતું દુઃખ ડોક્ટર દીકરાને કહી બેઠા. અને તે દિવસે વહુએ આ બધુ સાંભળ્યુ. વર્તમાન હંમેશા ભૂતકાળને ભુલાવે તેથી દીકરાએ વર્તમાન સંભાળ્યો. અને વિધ્વા એકલી માએ ભાવાવેશમાં લીધો વનવાસ. રાતો રાત દસ માઇલ દુર એક એપાર્ટ્મેંટ લીધુ અને એમની જુની બેંકમાં નોકરી માટે અરજી કરી. ન સમાજ્માં દીકરાની ટીકા કે ન વહુની ટીકા.ન પોતાની વાતો માટે કોઇ અફસોસ.

હવે તો આરામ જ હતો કારણ કે દિકરા અને પૌત્રોની કોઇ જ જફા નહોંતી.

પ્રભુસેવા, રસોઇ અને નોકરી માં દિવસો ક્યાં પસાર થઇ જતા હતા તે ખબર ના પડી.બીજા મહિને દીકરાનો ફોન આવ્યો “ બા. તમે ઘરે પાછા આવો..આ સારુ નથી થતું સમાજમાં અમારું ખરાબ દેખાય છે.”

“ અરે બેટા અત્યારે હજી હાથ પગ ચાલે છે ત્યાં સુધી આ નવી જિંદગી જીવવા દે અને તું પણ તારી જિંદગી જીવ. કંઇ જરૂરત હોય તો કહેજે હું મારાથી બનતું બધું કરીશ. અને હા સમાજ્ને જેમ હું ખાળુંછું તેમ ખાળી લેવાનો..એને તો તમાશો જોઇતો હોય છે.. જેમ તને તે જે કહે છે તે મને શું નહી કહેતો હોય?”

“પણ મા…છોકરા હીઝરાય છે.”

“દીકરા વારે તહેવારે મળી શુ અને આમેય દસ માઇલ તો દુર છીયે..જ્યારે છોકરાવને દાદી યાદ આવે ત્યારે મુકી જજે.. અને મને મન થશે તો હું આવી જઇશ.”

આજે તે વાતને દસ વર્ષ થઇ ગયા. જેમ લગ્નજીવનમાં પતિ પત્ની વચ્ચે મન દુઃખ થાય ને એક મેકને જે સ્વતંત્રતા માટે જે જગ્યા અપાય તેમજ દીકરા અને વહુ સાથે તેમણે પોતાની જગ્યા કરી અને તેમને પણ જગ્યા આપી બંને સમજું હતા તેથી કોઇએ ડંખ ના માર્યો કે ના ખાધો. આ ઘટના ને કહેવાય ભાભો ભારમાં તો વહુમા લાજમાં

હવે આ ભાભો ભારમાં વાળી વાત સાસુ અને સસરાને જ લાગુ પડે તેવું નથી તે વાત ક્યારેક વહુઓને પણ લાગુ પડે છે તે કથાનક મને મનોજ અને મીતાની વાત પરથી સમજાયું

અનિકેતના મમ્મી મીતાની  તબિયતના નરમ થઈ ગયા હતા. આમ જુઓ તો બંનેની ઉમર પરણવા માટે નાની હતી. ૨૧ વર્ષનો અનિકેત અને ૧૮ વર્ષની અમી. અનિકેતના  મમ્મી સ્વભાવના આકરા પણ ખરા. અમી એક શબ્દ  બોલતી.નહી.અનિકેતે અને પપ્પાએ કહ્યું હતું નરમ તબિયતને કારણે મમ્મીનો સ્વભાવ આકરો છે.દિલથી તને ખૂબ પ્યાર કરે છે. ઘરમાં આજે કેટલા વર્ષો પછી દીકરી આવી છે. “વહુના રૂપમાં’. પ્રભુનું કરવું કે બાર મહિનામાં અમીએ કનૈયા કુંવર જેવા અનિષને જન્મ આપ્યો.

મીતાની તબિયત દિવસે દિવસે બગડવા માંડી. અનીષ વર્ષનો થાય એ પહેલાં મીતાએ આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો..

મનોજ અને મીતાએ આખી જીંદગી ખૂબ મહેનત કરી વડોદરામાં નાની ફેક્ટરી નાખવાનો વિચાર કર્યો.. અનિકેતના લગ્ન થયા અમી ૨૦ વર્ષની થાય એ પહેલાં  આખા ઘરની જવાબદારી તેના માથા પર આવી ગઈ. મનોજે ખુબ પ્રેમથી તેને સાચવી. દીકરીની જેમ પ્યાર આપીને ઘર સંસાર ચલાવવામાં સલાહ આપતો. બંને દીકરા અનિકેત અને અમર કોલેજનું ભણતર છોડી પપ્પાની સાથે ફેક્ટરી પર જવાને ચાલુ

થઈ ગયા. મનોજે એકલતામાં દુઃખી થવાને બદલે જીવનનો અભિગમ બદલ્યો. ધંધો વિકસાવવા અમેરિકા આવવાનું ચાલુ કર્યું. પોતે ‘મિકેનિકલ એન્જીનિયર’ હતો.બાળકોને ખૂબ ધીરજ અને ખંતથી કેળવ્યા. અમીએ ઘરની જવાબદારી પોતાની સમજણ પૂર્વક માથે લઈ સરસ રીતે નિભાવી. અનિષનું પણ ધ્યાન રાખવાનું. ફેક્ટરી સરસ ચાલતી  તેથી પૈસે ટકે ખૂબ શાંતિ હતી. ઘરને આંગણે ડ્રાઈવર વાળી ગાડી અમીની તહોનાતમાં રહેતી.  નોકરોનું પણ સુખ હતું. ભાડાનો બંગલો હતો. તરક્કી કુદકે અને ભુસકે વધીરહી.

ત્યાં નાના દિયર અમરના લગ્નની શરણાઈ ગુંજી ઉઠી. અમર અને અવની એક થયા. હવે ઘરમાં બે દીકરીઓનું ચલણ થયું. અમી ખૂબ હોંશિયાર પુરવાર થઈ. ઘરની જવાબદારી નાનીને સોંપી દીધી. હા, પોતાનું ચલણ રહે તેનો ખ્યાલ રાખતી. બહારની બધી જવાબદારી સંપૂર્ણ તેના હાથમાં રહી.નાનીને તેનો વાંધો પણ ન હતો.અમી નામ પ્રમાણે બોલવામાં મીઠી

અને અવની નિકળી કહ્યાગરી.

શાંતિનું સામ્રાજ્ય છાયું.મનોજે ઘણી પ્રગતિ કરી અને જ્યારે ૭૫ની ઉમર વટાવી પછી બંને દીકરાઓને જવાબદારી સોંપી દીધી.હા, આજની તારિખમાં ફેક્ટરીમાં જાય છે પોતાની સુંદર અને સુઘડ ઓફિસમાં બેસી રોજ સી.ડી.સાંભળે છે.વાચન અને મનન કરી પોતાના

મંતવ્ય ટપકાવે છે. અમી કુશળતા પૂર્વક સંસાર ચલાવે છે.આજે તો એનો  અનિષ પરણવા જેવડો થયો.અનિષને લાડલી બહેન પણ છે. અવની અને અમરનો દીકરો અજય પણ  કોલેજમાં આવ્યો.  બેભાઈઓની પ્યારી બહેન આર્યા.

અનિકેત અને અમર આજે એવા તબક્કે પહોંચ્યા છે કે શું વાત કરવી. ઘરમાં ૬ ગાડી ને પાંચ ડ્રાઈવર. મનોજ શાંતિથી ઘરના મોભાદાર વડીલ તરીકે જીવે છે. હા,આજે મીતા હોત તો?

એ પ્રશ્નનો ઉત્તર પામવા અસમર્થ છે.જેવી ઈશ્વરની ઈચ્છા!    બાકી લીલીવાડી જોઈને સમતા ધારણ કરી પ્યાર આપી જીવન વિતાવે છે.

પ્રવીણા કડકીયા

આ આખા પ્રકરણ નો મૂળ હેતૂ એ જ છે કે ક્યારેક ભાભો પોતાની જાતે એમ સમજે કે મારાથી ભૂલ થઇ શકે અને માન પૂર્વક તે સ્વિકારી લે અથવા તારો અભિપ્રાય સાચો અને મારો પણ અભિપ્રાય સાચો એ પ્રસંગ જોવાની દ્રષ્ટીનો ભેદ હોઇ શકે તેટલું જે સ્વિકારે છે તે મહદ અંશે સુખદ પરિસ્થિતિમાં હોય છે. લતાબેને સાસુ તરીકે તે કથન સ્વિકાર્યુ જ્યારે અમિએ એજ કથન વહુ તરીકે સ્વિકાર્યુ…

This entry was posted in નિવૃત્તિ વિજ્ઞાન. Bookmark the permalink.

3 Responses to ભાભો ભારમાં તો વહુ મા લાજમાં

 1. Pingback: » ભાભો ભારમાં તો વહુ મા લાજમાં » GujaratiLinks.com

 2. આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
  ૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના

  આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
  બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.

  સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)

 3. દરેક વ્યક્તિ અલગ છે તે સત્ય બુધ્ધિથી પણ સમજનારો વર્ગ ઓછો એટલે લાગણીના સંબંધોમાં તો એવી અપેક્ષા ન કરવી જોઇએ.
  અને જો એમ થયું હોત તો જગતને કંઇ કેટલાય રસપ્રદ કિસ્સાઓથી અને તેનાં ગહન વિશ્લેષણોથીવંચિત રહેવું પડ્યું હોત. અને બીચારાં એકતાબેન કપુરને તો દુકાન માંડવાના દિવસો જ જોવા ન મળ્યા હોત!

Comments are closed.