જોડણીના નિયમો (3)

(૪) નીચેના શબ્દોમાં દીર્ઘ ‘ઈ’ આવે છે.
ઈક્ષ – પરીક્ષક, પરીક્ષણ, પરીક્ષા,, સમીક્ષા, સમીક્ષક
અપવાદ – શિક્ષક, શિક્ષા, ભિક્ષુક
ઈન્દ્ર – રવીન્દ્ર, હરીન્દ્ર, અવનીન્દ્ર, યોગીન્દ્ર
ઈશ – જગદીશ, રજનીશ, ન્યાયાધીશ, સત્તાધીશ, દ્વારકાધીશ
અપવાદ – અહર્નિશ
અતીત – કાલાતીત, કલ્પનાતીત
વતી/મતી – કલાવતી, સરસ્વતી, ભગવતી, ચારુમતી, રૂપમતી

(૫) શબ્દના છેડે ભૂતકૃદંત તરીકે આવતા ‘ઈત’માં હ્રસ્વ ‘ઈ’ છે. દા.ત.
તારાંકિત, આજ્ઞાંકિત, પૃષ્ઠાંકિત, અંકિત, લિખિત, સંચિત, નિર્ધારિત, સિંચિત, પતિત, કલ્પિત, સંચાલિત.
પરંતુ ગૃહીત, ઉપવીતમાં અપવાદરૂપે ‘ઈ’ દીર્ઘ છે. શબ્દના છેડે તીત, નીત, ણીત, હોય ત્યાં ‘ઈ’ દીર્ઘ હોય છે. દા.ત.
અતીત, પ્રતીત, વિનીત, નિર્ણીત.

(૬) શબ્દમાં આવતા ઈક્ષમાં દીર્ઘ ‘ઈ’ છે. નિરીક્ષક, પરીક્ષક, અધીક્ષક, સમીક્ષક, પરીક્ષણ.
નોંધ : શિક્ષક, શિક્ષણ, ભિક્ષુ વગેરેમાં આવતાં ‘ઈક્ષ’માંનો ‘ઇ’ હ્રસ્વ છે.

(૭) નામ પરથી વિશેષણ થતાં હોય ત્યાં ‘ઇક’ પ્રત્યયમાં હ્રસ્વ ‘ઇ’ આવે છે.
માનસિક, વાર્ષિક, પ્રાથમિક, માધ્યમિક, નાગરિક, નૈતિક, સ્થાનિક, ઐતિહાસિક, સામાજિક, આર્થિક, તાર્કિક, ભૌગોલિક, સાહિત્યિક, આધુનિક, સાહસિક, મૌખિક, મૌલિક, સૈનિક, લૌકિક, ક્રમિક, ધનિક, પથિક, સામયિક, લાક્ષણિક, આધ્યાત્મિક, પ્રાસંગિક, વાસ્તવિક.

(૮) ‘ઈકા’ પ્રત્યયમાં હ્રસ્વ ઇ આવે છે.
અનુક્રમણિકા, આજીવિકા, માર્ગદર્શિકા, નાસિકા, લેખિકા, શિક્ષિકા, નગરપાલિકા, ગાયિકા, અંબિકા, પુસ્તિકા, નવલિકા.
વધુ આવતા અંકે

This entry was posted in ગુજરાતી વ્યાકરણ પરિચય. Bookmark the permalink.