ગુજરાતીઓ માટે અનોખી ‘પુસ્તક પરબ’ ભાષા-સાહિત્ય- સંગીતને જીવંત રાખવા પ્રયાસ

– પ્રેમ એટલે પ્રેમ… બે એરિયામાં ગુજરાતી ભાષાના પ્રેમીઓની બેઠક…

– ‘મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને…’ કવિતા-લઘુવાર્તાઓનું પઠન, ગુજરાતીઓ ઉમટયા

 

(રાજેશ શાહ દ્વારા) બે એરિયા, તા. ૧૦ ભારતમાં અને અમેરિકામાં ઘેર ઘેર પુસ્તકાલયના અનોખા ક્રાંતિકારી વિચારને અમલમાં મુકી ખુબ સુંદર અભિયાન જગાવનાર પુસ્તક પ્રેમી પ્રતાપભાઈ પંડયાએ બે એરિયા, કેલિફોર્નિયામાં ૨૦૧૨ના વર્ષમા મિલપિટા નગર ખાતેની સુપ્રસિદ્ધ ઇન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરમાં અમુલ્ય પુસ્તકો સમાજને અર્પણ કરી પુસ્તક પરબની શરૃઆત કરેલ. આ ઉમદા કાર્યને આગળ ધપાવવા અને આ શુભ પ્રવૃત્તિઓને વિસ્તૃત ફલક ઉપર મુકવા બે એરિયાના સેવા ભાવી, ભાષાપ્રેમી, કાર્યકર પ્રજ્ઞાાબેન દાદભાવાલા અને તેમના સાથી ભાઈઓ-બહેનો એ ગુજરાતી ‘ભાષા- સાહિત્ય સંગીતને જીવંત રાખવા ઉભરતા કવિઓ- લેખકો અને જે ગુજરાતી ભાષા પ્રેમીઓએ કયારેય સ્ટેજ ઉપર ઉભા થઇ તેઓના વિચાર-લાગણીઓ મંતવ્યો રજૂ નથી કર્યા અથવા તેવી તક તેમને આપવામાં આવી નથી. તેઓને અને તેઓમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનું બીડુ ‘બેઠક’ના સર્વે ભાષાપ્રેમીઓએ ઝડપી લીધું છે. તે પ્રશંસનીય અને આવકારદાયક છે. ‘બેઠક’ના સૌ પ્રથમ કાર્યક્રમ ‘તો સારૃં’ ખુબ સફળ રહ્યો. આ કાર્યક્રમ બાદ ‘બેઠકે’ સૌ ગુજરાતી ભાષા પ્રેમીઓને તેના પછીના કાર્યક્રમ ‘પ્રેમ એટલે પ્રેમ…’ વિષય ઉપર પોતાના વિચારો સાહિત્યના કોઈપણ પ્રકારે રજૂ કરવા આમંત્રણ આપતા સર્વે આનંદિત થઇ ઉઠયા હતા. ‘પ્રેમ એટલે કે પ્રેમ…’ કાર્યક્રમનું સુંદર આયોજન ઇન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરના હોલમાં શુક્રવાર તા. ૨૮ ફેબુ્ર. ૨૦૧૪ના રોજ થયું હતું.

નેશનલ વેધર સર્વિસ, સાન ડિયાગોએ શુક્રવાર, ૨૮ ફેબુ્રઆરી એ વ્હેલી સવારથી હવામાન ખાતાની આગાહી પ્રમાણે ફલેશ ફલ્ડ અને વિનાશક પૂરની ચેતવણી રેડિયા ઉપર, વેબ સાઇટ અને મોબાઇલ ફોન ઉપર ઇમરજન્સી એલર્ટ આપવાં છતાંય સાંજે રાખેલા કાર્યક્રમમાં ખુબ સુંદર હાજરી રહી અને દરેકે મન મુકીને કાર્યક્રમને માણ્યો. કાર્યક્રમ સ્થળની નજીકની સાન મરીયો, શન્તાક્લેરા, શાંતાક્રૂઝ વિ. કાઉન્ટીના રહીશોને ઇમરજન્સી એલર્ટ સિસ્ટમ લાગુ પડે છે તેવી જાહેરાત છતાં તે કાઉન્ટીમાંથી પણ ભાષાપ્રેમીઓ આયા તે બતાવે છે કે તેઓનો ગુજરાતી કાર્યક્રમ માટે કેટલો પ્રેમ છે.

‘તો સારૃં’ પુસ્તિકાના વિમોચનનો કાર્યક્રમ યોજાયો ‘તો સારૃં’ વિષય ઉપર આયોજાયેલા ‘બેઠક’ના ફળ સ્વરૃપે આ વિષય પર રજૂ થયેલ સુંદર અભિવ્યકિતઓનું સંકલન કરી એક સુંદર પુસ્તિકા Creat Space ISBN સાથે બનાવીને ‘એમેઝોન’ ઉપર પબ્લીશ કરેલ છે તેનું વિમોચન કનુભાઈ શાહ જેઓએ ભારતમાં અનેક દૈનિકોમાં તેમની સેવાઓ આપી છે અને આ પુસ્તિકાના પ્રુફ રિડીંગમાં સેવાઓ આપી છે તેના વરદ હસ્તે થયું હતું. તેઓના પત્ની, પ્રજ્ઞાબેન શાહ, સાહિત્યપ્રેમી મેઘલત્તાબેન મહેતા, પ્રજ્ઞાબેન દાદભાવાલા, વિજયભાઈ શાહ તથા સાથીઓના સંનિષ્ઠ પ્રયત્નોથી આ પુસ્તિકા તૈયાર કરાઇ છે. તેનો સર્વે ઉપસ્થિતોએ અત્રે આભાર વ્યક્ત કર્યો હતો.

મારૃં અને આપણું થવાની ઘટના, સમય વહેતો અટકી જાય તેવી લાગણી, કશુંજ ના જોઈએ તેવી માંગણી, કુરબાન થઈ જીંદગી સાર્થક થયાની લાગણી હાર્યા છતાંય જીતી જવાની લાગણી… જેટલું લખીએ તેટલું પ્રેમ.. ઉપર ઓછું છે. ગુજરાતી સાહિત્યકારો, કવિઓ, લેખકોએ પ્રેમ ઉપર ઘણું બધું લખ્યું છે, કહ્યું છે આવા રસિક વિષય ઉપર બે એરિયાના ઉગતા કવિઓ-લેખકોએ અને ભાષાપ્રેમીઓએ સહજ અને સરળ પ્રેમની અનુભૂતિને વાચા આપી સુંદર રજૂઆત કરી હતી. ત્યારબાદ જયવંતીબેન પટેલ, ભીખુભાઈ પટેલ, કુંતાબેન શાહ, હસુબેન શેઠ, પદ્મકાન્ત શાહ, એ પ્રેમ વિષય ઉપર પોતાની સુંદર રજૂઆત કરી હતી. તરૃલતાબેન મહેતાએ પ્રેમ વિષયના હાર્દ ને અનુસંધાનમાં તેઓએ લખેલ લઘુવાર્તાની સુંદર રજૂઆત કરી હતી. પી. કે. દાવડા સાહેબે વાતાવરણને હળવું બનાવી પોતાની વિશિષ્ટ શૈલીથી પ્રેમની કવિતામય રજૂઆત કરી હતી. જયાબેન ઉપાધ્યાય એ હેમંતભાઈ ઉપાધ્યાય દર વખતની જેમ આ વખતે પણ મેદાન મારી ગયા હતા. વાસંતીબેનની હાજરી ન હોવા છતાં પ્રવિણાબેને તેમનું પ્રેમ વિષેનું લખાણ વાંચી હાજરી પુરાવી હતી. બે એરિયાના જાણીતા કલાકાર પલકબેન વ્યાસે સરસ્વતી માતાની સ્તુતિ સાથે પ્રેમ ઉપર ગીત ગાઈ વાજીંત્ર વગર વાતાવરણને સંગીતમય બનાવ્યું હતું. નૈમેષ અનારકરે ટેકનોલોજીનો ઉપયોગ કરી SMS ઉપર પ્રેમ આવેલા સંદેશાઓ સંભળાવી સર્વેને હસાવ્યા હતા. પ્રજ્ઞાાબેને તેમના પતિ શરદભાઈ દાદભાવાલાને સંબોધી પ્રેમને કવિતામાં અંકારી જૂનું જાણીતું ગીત ‘મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને’ ગાયું હતું. કલ્પનાબેને તેમના ડોકટર પતિ રઘુભાઈ શાહને સંબોધી મેડિકલ ભાષા વાપરી પ્રેમની રજૂઆત કરી હતી. પિનાકીનભાઈ દલાલે ચંદુભાઈ મટ્ટાણી સ્વરાંકિત, આલાપ અને હેમા દેસાઇએ ગાયેલ કવિ શ્રી કૃષ્ણ દવેનું જાણીતું ગીત ‘વાસંલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ ડોટ કોમ વૃંદાવન આખું’ સુંદર રીતે ગાયું હતું. આજના કાર્યક્રમમાં વિશિષ્ઠ હાજરી આપવા સમસ્ત અમેરિકામાં સિનિયરોના લાડીલા અને મૂક સમાજ સેવક હેરીદાદા તરીકે ઓળખાતા ૯૫ વર્ષે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી કામ કરતા શ્રી હરિકૃષ્ણ મજમુદાર દાદાએ તથા તેમના ધર્મપત્ની કવિયત્રી-લેખીકા- અનુવાદક પ્રેમલતાબેને સર્વે રજૂઆતકર્તાઓને અભિનંદન આપ્યા હતા. જયશ્રીબેન શાહ, જયવંતીબેન, ઉર્મિલાબેન પટેલ વિ. એ સ્વાદિષ્ઠ વાનગીઓ બનાવી લાવી સેવા આપી હતી. દિલીપભાઈ શાહે સાઉન્ડ સિસ્ટમ અને ડૉ. રઘુભાઈ શાહે ફોટોગ્રાફી સંભાળી લઇ અનન્ય સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરનાર પ્રજ્ઞાાબેન દાદભાવાલા, કલ્પનાબેન શાહ, પત્રકાર રાજેશભાઈ શાહે ઇન્ડિયા કોમ્યુનિટિ સેન્ટરે પુરી પાડેલ સગવડો માટે તેના કાર્યકર્તા શરદભાઈ દાદભાવાલાનો આભાર વ્યકત કર્યો હતો.

http://gujaratsamachar.com/index.php/articles/display_article/gujarati-distinctly-book-paraba-language-literature-music-live-trying

This entry was posted in received E mail, received Email, માહિતી. Bookmark the permalink.

2 Responses to ગુજરાતીઓ માટે અનોખી ‘પુસ્તક પરબ’ ભાષા-સાહિત્ય- સંગીતને જીવંત રાખવા પ્રયાસ

  1. M.D.gandhi, U.S.A. says:

    “ગુજરાતી”ભાષાને બચાવવા અને જીવંત રાખવા માટે જેટલાં પણ વધારે પ્રયોગો થાય કે અભિયાનો થતાં રહેશે તો “ગુજરાતી” ભાષા જરૂર જીવતી રહેશેજ……………………

    આવા સુંદર અને સમાજોપયોગી કાર્યક્રમ આપવા માટે સંસ્થાને ખુબ ખુબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ…

  2. sapana53 says:

    સરસ ગુજરાતી ભાષાને રાખવા માટૅ સરસ પ્રયાસ. હું પણ કેલિફોર્નિઆ મુવ થઈ રહી છું મને પણ આ લોકોના કોન્ટૅક્ટ નંબર આપશો

Comments are closed.