સમન્વય વિશે વધુ જાણકારી…નવીન બેંકર -દેવિકા ધ્રુવ

______

સમન્વય વિશે વધુ જાણકારી…નવીન બેંકર -દેવિકા ધ્રુવ

૩૧ મે, ૨૦૧૪ના ‘સમન્વય’ કાર્યક્રમ અંગે કેટલીક વાતો
નવીન બેન્કર
___________________________________________________________

છેલ્લા દસેક વર્ષોથી, ‘ગુજરાત સમાચાર’ અને ‘સમન્વય’ આયોજીત, કાવ્ય-સંગીત સમારોહમાં ખુબ જ મોહક, સુરીલા ગીતો, ભજનો, લોકગીતો, દૂહા,કાવ્યો, રજૂ કરવા માટે, સળંગ પાંચ દિવસનો એક કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. જેમાં વિખ્યાત કવિઓ, ઉંચી કક્ષાના ગાયકો, સ્વરકારો, ભાગ લે છે. એ માટે, પાંચે ય દિવસનો પાસ હોય છે જેની  કિંમત પાંચસો રુપિયા જેવી હોય છે. તમે એક દિવસ આવો કે પાંચ દિવસ…પાંચસો રુપિયા આપી દેવાના. અને..એનું બુકીંગ, ઠાકોરભાઇ દેસાઇ હોલની બુકીંગ ઓફીસ પર નવ વાગ્યે શરુ થવાનું હોય તો આઠ વાગ્યાથી લાઇનો લાગી જાય અને બૂકીંગ શરુ થવાના બે કલાકમાં તો ટીકીટો વેચાઇ જાય. રહી ગયેલાઓને, ટીકીટ મેળવવા માટે લાગવગો લગાડવી પડે.

૨૦૦૮થી હું દર વર્ષે એવી રીતે અમદાવાદનો કાર્યક્રમ ગોઠવું કે ફેબ્રુઆરિમાં યોજાતા આ કાર્યક્રમ વખતે હું ત્યાં જ હોઉં.

આ વર્ષે, ત્રણ માસ પહેલાં, ફેબ્રુઆરિમાં ‘સમન્વ્ય’ કાર્યક્રમમાં ભાગ લેનારા કેટલાક મહાન ગાયકો અને સંગીતકારોના માત્ર હું નામો જ અહીં લખીશ. અને પછી, મે અને જુન માસમાં જે કલાકારો આવવાના છે એ દરેકનો પરિચય તમને વિસ્તારપૂર્વક કરાવીશ. હાં…તો  આવા ધુરંધર, ખ્યાતનામ કલાકારોને સાંભળવાનો, મળવાનો મને મોકો મળેલો. રાજેન્દ્ર શુક્લ, વિનોદ જોશી, ખલીલ ધનતેજવી, ઉદયન ઠક્કર, હર્ષ બ્રહ્મભટ્ટ, ભાગ્યેશ જહા, ભાવેશ ભટ્ટ, ચંદ્રેશ મકવાણા, પાર્થિવ ગોહિલ, પુરુષોત્તમ ઉપાધ્યાય, નયન પંચોલી, અંકિત ત્રિવેદી, ઐશ્વર્યા મજમુદાર, કવિતા કૃષ્ણમૂર્તિ, આલાપ દેસાઇ, નીરજ પાઠક, ભૂમિક શાહ, પ્રહર વોરા,હિમાલી વ્યાસ, રુપકુમાર રાઠોડ, અભેસિંહ રાઠોડ, દમયંતિ બરડાઇ, નયનેશ જાની, મનહર ઉધાસ, ગાર્ગી વોરા, વિભા દેસાઇ, હરિહરન, અલકા યાજ્ઞીક, રઇસ મનીઆર, પ્લેબેક સીંગર સાધના સરગમ, ભીખુદાન ગઢવી, દિવ્યાંગ અંજારિયા…વગેરે..વગેરે…

આપણે ત્યાં ૩૧ મે ના રોજ, જૂના સ્ટેફોર્ડ સીવીક સેન્ટર ખાતે કલાકુંજ દ્વારા જે કાર્યક્રમ રજૂ થવાનો છે તેમાં જે કલાકારો આવવાના છે એમાંના કેટલાક મુખ્ય ગાયકો અને સ્વરકારોની આપણે વાત કરીએ-

(૧)  પાર્થિવ ગોહિલ-  કોઇ મહાન વિવેચકે આ ગાયક માટે કહ્યું છે કે-‘ પાર્થિવ જ્યારે સૂર અને શબ્દના એલીમેન્ટમાં હોય છે ત્યારે કોઇ સેલેસ્ટીયલ ફીનોમીના સર્જાય છે.’  કવિશ્રી.સ્વ. રાવજી પટેલનું કાવ્ય ‘આંખે કંકુના સુરજ આથમ્યા’ તો ઘણાં ગાયકો ગાય છે પણ જ્યારે પાર્થિવ ગોહિલ આ કાવ્યને શીવરંજનીના સ્વરોમાં ગુંથીને રજૂ કરે છે ત્યારે રાવજી પટેલની સંવેદનાની અનુભૂતિ ભાવકને થાય છે. મને યાદ છે ત્યાં સુધી વર્ષો પહેલાં પાર્થિવ આપણા હ્યુસ્ટનમાં, ‘પ્રથમ’ના કોઇ કાર્યક્રમમાં આવેલો અને સુગરલેન્ડની સુગર ફેક્ટરી સામેના કોઇ નાનકડા હોલમાં તેનો કાર્યક્રમ રાખેલો. તે પછી પણ બે-ત્રણ વખત એ આવી ગયો છે. કોઇપણ રચનાને એવી સુંદર રીતે રજૂ કરે છે કે ગાયકીને આપોઆપ ઉંચાઇ મળે. એના શબ્દ અને સ્વરની ગહનતા શ્રોતાઓને સ્પર્શી જાય છે.

(૨)  ગૌરાંગ વ્યાસ- ૭૫ વર્ષની ઉંમરના આ સ્વરકાર એટલે આપણા સૌના જાણીતા અને માનીતા અવિનાશ વ્યાસના દીકરા. પિતાના સંગીતના વારસાને એમણે દીપાવ્યો છે. કોઇપણ સંગીતપ્રેમી ગુજરાતી માણસ એમને ન જાણતો હોય તો એ સંગીતપ્રેમી નથી અને આ ‘સમન્વય’ કાર્યક્રમ તેને માટે નથી. ગૌરાંગભાઇ જ્યારે ‘હુતુતુતુ જામી રમતની ઋતુ ‘ હાર્મોનિયમના સ્વરો સાથે ગાય છે ત્યારે શ્રોતાઓ વન્સમોર, વન્સમોરના પોકારો પાડી ઉઠે છે.

(૩)  ગાર્ગી વોરા- ગુજરાતની આ નાગર ગાયિકાના એક આલ્બમ ‘તારે રે દરબાર’નું વિમોચન હાલમાં જ થયું છે. એમના મુખે, ગુજરાતના ભાતીગળ ઇતિહાસની કંડીકાઓ સાંભળવા મળે એ પણ એક લહાવો છે. ગરબાઓ પણ હાઇ સ્કેલમાં રજૂ કરવાની તેમની શૈલિ વિશિષ્ટ છે. હ્યુસ્ટનની નાગર કોમ માં ગાર્ગી વોરા પ્રખ્યાત છે.

(૪) દિવ્યાંગ અંજારિયા-  નામ પરથી આ પણ કોઇ નાગર છે એ જણાઇ આવે છે. અવિનાશભાઇની રચના ‘હું એવું રે પંખી’, મન્નાડેનું ‘પંખીઓએ  કલશોર કર્યો ભાઇ’ જેવા ગીતો મેં એમના કંઠે ગવાયેલા સાંભળ્યા છે. અચ્છા સુરીલા ગાયક છે.

(૫)  અંકિત ત્રિવેદી- હ્યુસ્ટનમાં બે એક વખત આવી ગયેલા અંકિત ત્રિવેદીને સાહિત્ય સરિતા અને કલાકુંજના સભ્યો અને અન્ય સંગીતપ્રેમીઓ ઓળખે છે જ. ગુજરાત સમાચારમાં આ યુવાન ખુબસુરત કવિની કોલમો ‘ઓફબીટ’ અને ‘જીવનના હકારની કવિતા’ દર અઠવાડીયે છપાય છે. તેમના ઘણાં પુસ્તકો પણ પ્રસિધ્ધ થયેલા છે. મરીઝ અને શયદા સાહેબના પ્રસંગોની વાતો કરીને આપણને ઘડીભર જુદી જ દુનિયામાં લઈ જવાની કળામાં તે માહીર છે.  ભાઇબહેનના પવિત્ર સંબંધની તેમની રચનાને શ્રી. ગૌરાંગ વ્યાસે સ્વરાંકિત કરી છે.

કોઇપણ પુસ્તકનું વિમોચન હોય કે સાહિત્યનો કોઇ સ્ટેજ પ્રોગ્રામ હોય તો ત્યાં આ અંકિત ત્રિવેદી માસ્ટર ઓફ સેરિમની હોવાના જ. રજૂ કરાતી કૃતિનું એટલું તો સરસ રસદર્શન કરાવે  અને એટલા બધા સંદર્ભો ટાંકે કે એમની વિદ્વતા અને બહુશ્રુતપણા અંગે આપણને માન થયા વગર રહે જ નહીં. અમદાવાદના મારા બે-ત્રણ માસના રોકાણ દરમ્યાન, આવા સાહિત્યના કાર્યક્રમોમાં અંકિતભાઇ અચૂક મળે જ. અને..અન્ય મહાનુભાવો સાથે એમની તસ્વીરો પાડવાનું મને ગમે.

(૬) ભુમિક શાહ અને (૭) અનલ વસાવડા નામના બે ગાયકો પણ આવે છે.

સાથે પાંચ પાંચ મ્યુઝિશ્યનો પણ છે. તેમની તબલા અને વાયોલિનની જુગલબંદી પણ માણવા જેવી હોય છે.

‘તારી આંખનો અફીણી’, ‘નયનને બંધ રાખીને’, ‘હું તો ગઇ’તી મેળે’, ‘રંગાઇ જાને રંગમાં’, ઉંચી મેડી તે મારા સંતની રે’…જેવા ગીતો, લોકગીતો, દુહાઓ, છંદ, ભજનો, ગઝલો…આ બધું તમને ગમતું હોય તો ‘સમન્વય’ તમારે માટે છે. સમન્વયમાં માત્ર કલાકારોને  જ પ્લેટફોર્મ નથી મળતું, પણ ઉત્તમ પ્રેક્ષકો પણ મળે છે. જો તમે સુર, તાલ અને લયની સમજ ધરાવતા હો તો ‘સમન્વય’ તમારે માટે છે.

શબ્દ ભલે કોઇપણ ભાષાનો હોય, પણ સંગીતની ભાષા તો હૈયાની જ ભાષા છે. કાવ્ય પોતે પણ એક સંગીત છે.

‘સમન્વય’ સિધ્ધહસ્ત સ્વરકારોની રચનાઓ, કવિઓની કવિતાઓ અને ગઝલકારોની ગઝલોને ભાવકો સુધી પહોંચાડવાનો એક સ્તુત્ય પ્રયાસ કરે છે. શ્રોતાઓને ભાવસમાધીનો અનુભવ કરાવી શકે એવા બળુકા ગાયકો આપણા હ્યુસ્ટનના આંગણે આવી રહ્યા છે. તમે જો જો..દરેક પ્રસ્તૂતિ વખતે શ્રોતાઓ ‘વન્સમોર..વન્સમોર’ના પોકારો પાડશે.

હ્યુસ્ટનના જાણીતા કવયિત્રી દેવિકા ધ્રુવ કહે છે તેમ-

સમન્વય એટલે….. શબ્દ અને સુરનો સમન્વય…ગીત અને ગઝલનો સમન્વય…પૂર્વ અને પશ્ચિમનો સમન્વય….ગુજરાત અને હ્યુસ્ટનનો સમન્વય…કલાકાર અને પ્રેક્ષકનો સમન્વય…અને….સમન્વય એટલે…કલાની કુંજમાં ઓમકારની ગૂંજનો સમન્વય….

આપણી નવી પેઢીના બાળકો ગુજરાતી ભાષા લખી-વાંચી શકતા નથી એટલે આ કવિતાઓ, ગઝલોને એ માણી નથી શકવાના એ એમનું કમનસીબ છે !

મને લાગે છે કે આ કાર્યક્રમમાં અંકિત ત્રિવેદી લિખિત અને ગૌરાંગ વ્યાસ સ્વરાંકિત રચનાઓ વધુ રજૂ થાય એવું બને !  પોતાના અવાજ અને શ્રુતિઓના સુભગ સમન્વયથી ગાઈને, વાતાવરણને ‘ચાર્જડ’ કરી દેવાની શક્તિ ધરાવતા આ કલાકારોને આપણે માણવા જેવા છે. પુરા પાંચ કલાકનો પ્રોગ્રામ છે એમ આયોજકો જણાવે છે. એન્ડ નો લેક્ચર્સ….ગીત અને સંગીત માત્ર….(ઇઝ ઇટ પોસીબલ ?)

તો…દોસ્તો…સંગીતપ્રેમીઓ… ૩૧ મે ના રોજ, આપણે બધા સ્ટેફોર્ડ સેન્ટરને હાઉસફુલ કરી દઇએ…

સારી સીટો માટે અત્યારથી જ બુકીંગ કરાવવું હિતાવહ છે.

બુકીંગ માટે સંપર્ક-       

Rasesh Dalal      832-646-4996    OR  E-Mail    rasdep@gmail.com

Mukund Gandhi    281-660-2535    OR  E-Mail    m.gandhi@yahoo.com

Uma  Nagarsheth  281-565-1636     OR E-Mail    umahbn@gmail.com

Yogina Patel       832-279-2006    OR E-Mail    pately04@ yahoo.com

photo 1

photo 2

This entry was posted in received E mail. Bookmark the permalink.