સિનીયરનામા – હરનિશ જાની.

harnish_jani_2

                     વરસો પહેલાં મારા બાપુજી ગુરુદત્તની ફિલ્મ “સાહબ બીબી ગુલામ જોઈને આવ્યા. મેં તેમને પૂછયું કે ફિલ્મ કેવી લાગી? ત્યારે તે બોલ્યા,” બહુ સરસ હતી, અને તેમાં નિરૂપારૉયનો રોલ સરસ હતો. મને ગમ્યો.” “સાહેબ બીબી ગુલામ અને નિરૂપારૉય?” મારાથી બોલાય ગયું. મેં આગળ ચલાવ્યું,” ગરુદત્તે બીજું પિક્ચર બનાવ્યું લાગે છે. બાકી એ ફિલ્મમાં તો મીનાકુમારી છે.”. મારા બાપુજી બોલ્યા મને તો બધીઓ સરખી લાગે છે. અને જે હોય તે ,મને તેમાં કાંઈ ફેર લાગતો નથી.” ત્યારે હું વડોદરા કોલેજમાં ભણતો હતો. બાપુજી રિટાયર્ડ થઈને રાજપીપલામાં રહેતા મને અચાનક મારા બાપુજી યાદ આવી ગયા. જ્યારે મેં મારા દીકરા સંદિપને કહ્યું કે રામલીલા ” ફિલ્મમાં ઐશ્વર્યા રાયના ગરબા બહુ જ સરસ લાગે છે. જાણે કોઈ ગુજરાતણ ન કરતી હોય?” સંદિપકુમાર કહે ” ડૅડ,એ તો દિપીકા હતી.ઐશ્વર્યાનો ઢોલી તારો ઢોલ બાજે ગરબો તો “હમ દિલ દે ચૂકે સનમ”માં છે.” મેં કહ્યું કે “મને તો બધી સરખી લાગે છે. અને મને કોઈનામાં કાંઈ ફેર લાગતો નથી.” મારો દીકરો કહે કે “ડૅડ,યુ આર નાઉ ઓલ્ડ.” અને મેં હરનિશનો નિયમ બાનાવી દીધો કે જ્યારે સૌદર્યવાન છોકરીઓમાં જેઓને ફેર ન દેખાતો હોય તેને સિનીયર કહેવાય. અને તેમણે છોકરીઓ જોવાના શોખને તિલાંજલી આપી દેવી જોઈએ. દુખની વાત એ છે કે તેમ કરવાનું હવે ગમે છે્  ડોસાઓને પત્ની કરતાં ચશ્માની જરૂર વધુ હોય છે. તેમ છતાં આપણને ડોસા શબ્દ કરતાં સિનીયર શબ્દ વધારે ગમે છે. નામ જે હોય તે હાડકાં બન્નેના દુખે છે અને મગજ  બન્નેના જલ્દી થાકી જાય છે. અમેરિકામાં ઓલ્ડ થઈએ તે તુરત નથી સમજાતું . ઈન્ડિયામાં તો જયારથી અજાણ્યા છોકરાં આપણને કાકા –કાકા કરે ત્યારથી માની લેવાનું કે હવે આપણને ગમે કે ન ગમે પણ જુવાન નથી રહ્યા  . 

હવે સિનીયર કાંઈ એમને એમ નથી થવાતું. સિનીયરનું તો એક પેકેજ હોય છે. હવે જીવન જીવવાની ફિલસુફી શીખી લીધી છે. હવે રોજ દાઢી કરવી જોઈએ એવું કાંઈ નથી. કપડાંને ઈસ્ત્રી હોવી જ જોઈએ એવું જરૂરી નથી.અરે! પેન્ટની ઝિપર બંધ થાય પણ ખરી અને ન પણ થાય.એવી કોઈ મોટાઈ નહીં. મને ડાયા બિટીસ છે. એટલે ઘણી વખતે રાતે સૂતી વખતે પગમાં બળતરા થાય છે. એટલે ડોક્ટરે મને ગેબેનોપેન્ટીન નામની દવા આપી છે. ડોકટર કહેવાનું ભૂલી ગયા કે પગની બળતરા તો જશે પણ સાથે સાથે યાદ શક્તિ પણ જશે. કેટલા ય જાણીતા ચ્હેરા તુરત ઓળખાતા નથી. જો કે તેનો વાંધો નથી. પણ જેને કદી મળ્યો નથી. તે મને ઓળખીતા લાગે છે. અને એમને ખોટું ન લાગે એટલેથી તેમને સામેથી બોલાવું છું. મઝાની વાત તો તે છે કે એ વ્યક્તિ ગુચવાઈને મને કહેશે,” કેમછો? સોરી તમારું નામ ભૂલી ગયો છું”.  ગયા અઠવાડિયે ક્રેકર બ્રિજ મૉલમાં ગયો હતો. મેં સિયર્સના સ્ટોર પાસે મારી કાર પાર્ક કરી અને હું અંદર ગયો. કલાક પછી એક શર્ટ ખરીદીને બહાર નિકળ્યો. બહાર આવીને જોયું તો મારી કાર ન મળે.  ખૂબ ફાંફાં માર્યા. મને એવો પણ વિચાર આવ્યો કે મેં મારી કાર મેસીઝ પાસે પાર્ક કરી હોય અને મગજમાં સિયર્સ ઘુસી ગયું. એટલે મેસિઝ સામે પણ ચેક કર્યું પછી. સિક્યુરીટી ગાર્ડને મળ્યો અને કમ્પ્લેઈનટ નોંધાવી. પછી ઘેર પત્નીજીને ફોન કર્યો.કે,”મારી કાર ચોરાઈ ગઈ છે.મને આવીને લઈ જા.” પત્નીજીએ જવાબ આપ્યો, કે “તારી કાર અહીં ઘેર ડ્રાઈવ વે માં પડી છે. તું મારી કાર લઈને ગયો છે. મારી કાર શોધ.”  યાદ શક્તિ ઓછી થાય એનું સૌથી મોટું દુખ એ છે   કે આપણે હમેશાં સાચું બોલવું પડે અને ખોટા બહાનાઓ બનાવવાના છોડી દેવા પડે.

હવે હું ઘણી બધી વસ્તુઓ ભૂલી જાઉં છું. ઘરના સૌ જાણે છે. તેમાં મારી દીકરીને હું જો કોઈ વચન આપું છું તો તે લખાવી લે છે. જ્યારે પત્ની ફેબ્રુઆરીમાં આવતા વેલેન્ટાઈન ડેની ગિફ્ટ તો ડિસેમ્બરમાં ક્રિસમસ ટાણે જ લઈ લે છે. તે પણ હું ખરીદીને આપું તે પહેલાં પોતે મારા કાર્ડ પર મારા તરફથી ખરીદી લે છે. મારું સૌથી મોટું દુ;ખ એ છે કે ઘણી વખતે એ લોકો મને બનાવે છે. મેં કશું ન કહ્યું હોય તો ય મને કહેશે કે “તમે જ તો તેમ કરવાનું

કહ્યું હતું. તમને યાદ રહ્યું નથી.”  હમણાંનો મને એવો વ્હેમ ઘુસાડવામાં આવ્યો છે કે મને બરાબર સંભળાતું નથી. કારણકે મારા પત્ની થોડી થોડી વારે બૂમ પાડશે કે “આટ આટલી રીંગ થાય છે ને તું ફોન ઉપાડતો નથી. પછી મને લાગવા માંડ્યું કે આપણામાં કાંઈ ગરબળ છે. પરંતુ ડોકટરે કહ્યું કે ” તમારામાં નહીં પણ બ્હેનના કાનમાં રિંગીંગ ઈફેકટ થાય છે. એને માટે કાંઈ કરવું પડશે.”

અમેરિકામાં જેટલા કાર એક્સિડન્ટ થાય છે .તેમાં મોટા ભાગના એક્સિડન્ટમાં સિનીયર સિટીઝન સંડોવાયલા હોય છે. એટલે

મારા પત્નીએ મારા ડ્રાઈવિંગને સ્હેલુ બનાવવા મને પૂછ્યા સિવાય નિયમ બનાવ્યો છે. “તારે ડ્રાઈવ કરવાનું અને હું રોડ પર નજર રાખીશ.” અને તેને માટે પાછા હાથના સિગ્નલ બનાવ્યા છે. કોઈને આશિર્વાદ આપતો જમણો હાથ ઊંચો થાય એટલે “સ્પિડ ઓછી કર.”  ઘઉંમાંથી કાંકરા  દૂર કરતી હોય એ રીતે હાથ હાલે તો મારે માની જવાનું કે કાર બીજી બાજુ જાય છે. “એને સેન્ટરમાં લાવ.” ” જો આગળ લાલ લાઈટ છે.””ચાલ હવે ગ્રીન થઈ.” મેં કહ્યું કે “આના કરતાં તો તું જ ડ્રાઈવ કરી લે ને!” તો તે બોલી ગાડી ચલાવવાની મઝા અહીં બેઠા બેઠા વધારે આવે છે. ત્યાં બેસું તો  ખોટો એક્સીડન્ટ થઈ જાય.” હું સિનીયર થયો છું. જ્યારે રિટાયર્ડ થયો ત્યારે મને દિવસ કશું ય કર્યા સિવાય પસાર કરવો અઘરો લાગતો. ત્યારે મેં મારાથી સિનીયર મિત્રને પૂછયું કે મારો સમય પસાર થતો નથી. તો તે કહે કે “રોજ બપોરે ત્રણ કલાક સુઈ જાવ. સમયની પછી ચિંતા જ નહીં .ઉઠશો. ડિનર લેશો કે પાછો સુવાનો ટાઈમ થઈ જશે.”મેં જોયું કે જેઓ બપોરે ઊંઘતા નથી તેઓ ટી.વી.ની સામે ચ્હોંટી જાય છે. એટલે નોકરિયાતને ખબર નહીં હોય પણ બપોરે આ ડોસાઓ માટે બધાં રોગોની દવાઓની કમર્શિયલ બધી  ચેનલો પર આવે છે. એ લોકો

જેટલા રોગોના સિમ્પ્ટમ્સ બતાવશે એટલા બધાં જ મને બંધ બેસતા થાય છે. મને મારામાં એ બધાં રોગ દેખાય છે.વાયગ્રા સિવાય બધી મેડિસીનના ઓર્ડર આપવાનું મન થાય છે. બીજું તો કાંઈ નહીં પણ મજેદાર મારા દાદા વાપરતા હતા અવી લાકડી પણ મંગાવી છે.આ લાકડીથી મારો વટ પડે તે કરતાં લોકો મને મદદ કરવા કાયમ તૈયાર રહે છે.સ્ટોરના બારણાં ખોલી દે છે.અને મારા હાથમાંની થેલી પણ માંગીને ઊંચકી લે છે. મારી દીકરીને તે લાકડી નથી ગમતી. તેનું કહેવું છે કે લાકડી મને વધારે ડોસો બનાવી દે છે.અને પોતાની સાથે બાબા રામદેવના યોગાસનોનો  પ્રોગ્રામ જોવા બેસાડી દે છે. હવે જ્યાં સુધી છાતી ફુલાવવાની વાત આવે છે તેટલું મને માન્ય છે. તેમાં પણ તે કહેશે. “છાતી ફુલાવવાની છે. પેટ નહીં. તમે તો પેટ ફુલાવો છો.”  ઊંડા શ્વાસ  લેવાની વાતો માન્ય છે. પરંતુ બાબા તેમના ટાંટિયા ઉંચા નીચા કરે છે તે જોઈને જ મને હાંફ ચઢે છે.અને પરસેવો વળે છે. એટલું ખરું કે આટલું કર્યા પછી ભૂખ લાગે છે.

મારો એક નિયમ છે કે કોઈપણ સિનીયરને તેની તબિયતના સમાચાર નહીં પૂછવા. દસમાંથી નવ જણને કાંઈકને કાંઈક દુ;ખ હશે. અને જો પૂછવાની ભૂલ કરો તો  તે જુવાનીમાં કેટલા સ્ટ્રોંગ હતા અને પચીસ રોટલી  ખાતા હતા. ત્યાંથી ચાલુ કરશે, તે આજ સુધીમાં કેટલા ઓપરેશનો થયા ત્યાં સુધીનું રામાયણ કહેશે. અને તે લોકોને એની વાતો કરવાની ખૂબ ગમશે. કારણકે એમના રોગની કોઈને પડી નથી હોતી. જ્યારે ચાર પાંચ ડોસાઓને સાથે વાતો કરતાં જુઓ તો માની લેવું કે તે એક બીજાના રોગોની વાતો કરતાં હશે. એટલું જ નહીં પણ પોતે અજમાવેલા ઉપાય પણ સુચવશે. પોતાને તે ઉપાયથી ફાયદો થયો હતો કે નહીં તે ભગવાન જાણે. અમેરિકન પ્રેસીડન્ટ લિન્ડન જ્હોનસને પ્રેસ કોન્ફરન્સમાં શર્ટ ખોલીને તેમના એપેન્ડિક્સના ઓપરેશનનો કાપ બતાવ્યો હતો. પ્રેસીડન્ટ હોય એટલે શું થયું તે ડોસા તો હતા જ ને!.એ બધી વાતોથી બચવા સિનીયરોના દુખડાં સાભળવા ન પડે તેથી સિનીયર સેન્ટરમાં જતો નથી. અને હમેશાં યાદ  રાખું છું કે “સર પે બઢાપા હૈ મગર દિલ તો જવાં હૈ”

આ બધી વાતનો નિષ્કર્ષ  એટલો જ  કે દરેક સિનીયર પાસે જીવન આખાના અનુભવ હોય છે. તેમ છતાં, દરેક નવી પેઢી પોતાની જ ભૂલોથી. નવા પાઠ ભણશે. અને નવું ડહાપણ શિખશે. નવી પેઢીને સિનીયરોની સલાહની કે એમના અનુભવની જરૂર નથી. બાકીનું જીવન નિજાનંદમાં જીવો. મરીઝ સાહેબની જેમ

“જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી.

જે ખૂશી આવી જીવનમાં આખરી સમજી લીધી.”

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

27th April 2014

Harnish Jani.

4, Pleasant Drive,

Yardville, NJ08620.

harnishjani5@gmail.com

1-609-585-0861

 

This entry was posted in received E mail. Bookmark the permalink.

One Response to સિનીયરનામા – હરનિશ જાની.

  1. વાંચવાની ખુબ જ મઝા આવી. હરનીશભાઈ હસતા હસતા સામે બેસીને બોલતા હોય અને સૌને ખડખડાટ હસાવતા હોય તેમ લાગ્યું….
    છેલ્લી લાઈનોમાં સંદેશ પણ સુંદર આપી દીધો….લેખનની એ જ સાચી કલા…

Comments are closed.