શ્રધ્ધાંજલી-કલ્પના રઘુ

Premlataba

‘બા’ના હુલામણા સંબોધનથી અમેરીકાના કૅલીફોર્નિયા સ્ટેટમાં જાણીતા શ્રીમતિ પ્રેમલતા મજમુંદાર, તેમની પાછળ દાદા, એક પુત્ર અને બે પુત્રીના પરિવારને મૂકીને માગશર સુદ પુનમની રાત્રે, ડીસેમ્બર ૨૫, ૨૦૧૫ના રોજ ૯૬ વર્ષની વયે પ્રભુપ્યારા થઇ ગયાં છે. સ્નેહ, સૌજન્ય અને સરળતા, જેમના જીવનમાં વણાયેલી હતી, એવા શાંત અને નમ્ર સ્વભાવ, પ્રેમાળ હ્રદય અને હંમેશા હસતો ચહેરો ધરાવતા પ્રેમલતાબેનનો જન્મ વડોદરા નિવાસી પ્રસન્નકુમાર દેસાઇને ત્યાં થયો હતો. તેઓ વડોદરા-નિવાસી જયકરલાલ મજમુંદારના પુત્ર હરિકૃષ્ણ મજમુંદારની સાથે સને ૧૯૪૬માં લગ્નગ્રંથીથી જોડાયાં હતાં.

એ જમાનામાં નાગર કોમમાં તેમનો B. A. (Hons), M. Ed., અને ‘સાહિત્યરત્ન’નો અભ્યાસ નારી-જાત માટે ગૌરવની વાત ગણાય. તેઓને સ્વ. સયાજીરાવ ગાયકવાડને હસ્તે ‘Good Conduct’નો ગોલ્ડ મેડલ મળ્યો હતો. સન ૧૯૮૩થી દિકરીએ સ્પોન્સર કરી બોલાવ્યા એટલે છેલ્લા ૩૨ વર્ષથી અમેરીકામાં રહ્યાં. અમેરીકામાં ભારતીય સીનીયર સેન્ટરમાં ‘ક્રિએટીવ રાઇટીંગ’ની ‘છજ્જુકા ચૌબારા’ નામની પ્રવૃત્તિ શરૂ થતાં, તે થોડો વખત તેના પ્રેસીડન્ટ તરીકે રહ્યા. સાન ફ્રાંસીસ્કોના ‘ચિન્મય મિશન’માં દસેક વર્ષ ભારતીય બાળકોને હિન્દી તથા ગુજરાતી ભાષા શીખવી. ઇમીગ્રન્ટસને ના સમજાતી અંગ્રેજી ભાષામાંથી હિન્દી અને ગુજરાતીમાં તેઓને લગતાં નિયમોનું ભાષાન્તર કરવાનુ કામ ત્યાંની ‘લેંગ્વેજ બેન્ક’ નામનાં વિભાગે તેમને સોંપ્યું હતું. તેઓ ગવર્મેન્ટ તરફથી ઓફીશીયલ ટ્રાન્સલેટર તરીકે નીમાયા હતા. એક સફળ શિક્ષિકા તરીકે કારકીર્દીની શરૂઆત કરી હતી અને એક સફળ લેખીકા તરીકે જીવન વિતાવ્યું. તેમેનાં લખેલા પુસ્તકો, ‘ઇટ્યો’, ‘રણમાં અટ્ટહાસ્ય’ અને ‘મેટસેન્સ્કની લેડી મૅકબેથ’ સાહીત્ય જગતને યાદગાર ભેટ છે.

શ્રી હરિકૃષ્ણ મજમુંદાર એટલેકે ‘દાદા’ના કહેવા પ્રમાણે તેઓ સતત સામાજીક કાર્યોમાં જોડાયેલા રહેતા. અનેક સ્ત્રીઓની સામાજીક મુશ્કેલીઓને સમજીને તેમને મદદ કરવા માટે તેઓ સદાય તત્પર રહેતાં. ગૃહજીવન, દાંપત્યજીવન અને સામાજીક બાબતોની ગૂંચ ઉકેલવા માટેની આંતરિક સૂઝ, દ્રઢ મનોબળ અને સહનશીલતાની તેઓ સાક્ષાત મૂર્તિ હતાં. દાદાનાં સોશીયલ વર્ક માટે બા તેઓની પ્રેરણામૂર્તિ હતા. તેઓના અંગત જીવનના ભોગે પતિ અને કુટુંબ માટે હંમેશા તૈયાર રહેતાં. તેઓ વ્યક્તિ સ્વાતંત્ર્યમાં માનતા. પોતાને સાચુ લાગે તે કરતાં. તેમના સામાજીક કાર્ય કરવાના સ્વભાવને કારણે સમગ્ર કુટુંબ તેમની સાથે જોડાયેલું રહેતું. આમ ‘વસુધૈવ કુટુમ્બકમ્‍’ની ભાવના અને ‘જીન્દગી મજાથી કેવી રીતે જીવવી’ એ સંસ્કાર-વારસો તેઓએ બાળકોને તેમના શૈશવકાળથી આપ્યો હતો.

આજે સાહિત્ય જગતને, અનેક સંસ્થાઓને, તેમજ સમગ્ર હરિકૃષ્ણ મજમુંદાર પરિવારને આ નારી શક્તિની ખોટ પડશે. આ જગ્યા પૂરાય તેવી નથી. સદ્‍ગતનો આત્મા પરમાત્મામાં ભળી જાય, એજ ઇશ્વરને પ્રાર્થના.

 

This entry was posted in received E mail. Bookmark the permalink.