ગઝલ – અનિલ ચાવડા

આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,
જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં.

રૂપિયા ખૂટી જશે-ની સ્હેજ પણ પરવા નથી,
ખૂટવી ના જોઈએ હિમ્મત હૃદયના પર્સમાં.

એક પણ સંકલ્પ નૈં એવોય ક્યાં સંકલ્પ લઉં !
હું મને શું કામ બાંધું કોઈ પણ આદર્શમાં ?

માત્ર સુખને શું કરું બચકાં ભરું ? પપ્પી કરું ?
જોઈએ પીડાય મારે આખરી નિષ્કર્ષમાં.

પાતળી પળની હથેળીઓ વચાળે જીવવું,
દિ-મહિના-વર્ષ લઈને કાળના સંસ્પર્શમાં.

– અનિલ ચાવડા

હળવાફૂલકા બાંધાવાળી પણ ગંજાવર ગઝલ સાથે લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રો ને ખ્રિસ્તી નવું વર્ષ મુબારક…

This entry was posted in કાવ્ય, કાવ્ય રસાસ્વાદ. Bookmark the permalink.