નવું વર્ષ

નવું વર્ષ
__________

નવા વર્ષને આવકારવા,
હું હવા ભરેલા ફુગ્ગાઓ નહીં છોડું.
પણ આ શિતળ હવાની પાંખે,
પ્રેમના સંદેશાઓ વહેતા કરીશ.

હું ધૂમ ધડાકાવાળા ફટાકડા નહીં ફોડું,
પણ આ બોમ્બ-બંદૂકના ભડાકા,
સદૈવ બંધ થાય એવી પ્રાર્થના કરીશ.

હું ઘોંઘાટિયાં ગીત-સંગીતમાં નહીં રાચું,
પણ થોડી પળો મૌન રાખીને,
વિશ્વશાંતિના સૂરો ગૂંજતા કરીશ.

હું જોરશોરથી તાળીઓ નહીં પાડું,
પણ ભાવથી બે હાથ જોડીને,
તારી પાસે ક્ષમા ગુણની યાચના કરીશ.

હું દારૂના નશામાં મસ્ત બની નહીં નાચું,
પણ તારી કરૂણાના અમૃતનું પાન કરી,
ડગમગતા કદમો સ્થિર કરવા ખેવના કરીશ.

હું નવા વર્ષને હર્ષપૂર્વક વધાવીશ.
ને વિતેલા વર્ષને અશ્રુભીની વિદાય આપીશ.

                     રોહિત કાપડિયા 
This entry was posted in received Email, અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, કવિતા, કાવ્ય, પ્રાર્થના, માહિતી, સાહિત્ય જગત. Bookmark the permalink.