વેલેંટાઇન ડે- રોહિત કાપડિયા

કલા સૌજન્ય રેખા શુકલ (શીકાગો)

બા,

         નાનો હતો ત્યારે કોઈ પણ જાતની અપેક્ષા વગર તું તારા હાથ લંબાવીને હમેંશા કહેતી” આવતો રે, મારાં રાજા બેટા,મારાં ગુલાબના ગોટા “અને પછી મને છાતી સરસો ચાંપી,ગળે વળગાડેલો રાખતી.તારું વહાલ મારાં સમસ્ત દેહ પર ચુંબનોની વર્ષા રૂપે વરસતું અને હું મહેંકી ઉઠતો.તે કંઈ કેટલાં યે ટેડી મને અપાવ્યાં હશે.તેમાં પણ તારાં જૂના સાડલાના ગાભામાંથી બનેલું પેલું ગોટા જેવું ટેડી તો મને ખૂબ જ ગમતું.આખું ગ્લાસ દૂધ પી જઈશ કે પછી ખાવાનું પૂરું કરીશ તો ચોકલેટ આપવાનું પ્રોમિસ કરતી અને આપતી પણ ખરી.હું તારો હતો અને તેથી તારે ક્યારે પણ તારો હક જ્તાવવો પડ્યો નથી.તારો પ્રેમ સદાયે નિર્મળ ગંગાની જેમ વહેતો જ રહેતો.તારા બારે માસ વહેતાં પ્રેમને ક્યારે ય રોઝ ડે,પ્રોપોસ ડે,ચોકલેટ ડે,ટેડી ડે,પ્રોમિસ ડે,હ્ગ ડે,કિસ ડે ની જરૂરત પડી નથી.તારે પ્રેમ વ્યક્ત કરવો પડતો નહીં, તે સહજ રીતે થઈ જતો.

આ બધું યાદ આવતાં મારી આંખ આંસુઓથી ભરાઈ ગઈ.મેં દિલથી બે હાથ જોડીને તારા ફોટા સામે મસ્તક ઝૂકાવ્યું અને ત્યાં જ તારા ફોટા પર મુકેલું ફૂલ મારાં મસ્તક પર પડ્યું,જાણે કે તે આશિર્વાદ આપ્યાં.સાચે જ બા તું તો સદાયે આપવામાં જ માને છે.

This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, વાર્તા, સાહિત્ય જગત. Bookmark the permalink.

Thanks for Inspiring me by your gracefull visit