નદી ફેરવે વહેણ-

 મારી વહાલી દીકરી

ચિન્મયી અને અને પૌત્ર જયને

“ગુજરાત દર્પણ”

 નાં સંસ્થાપકો સુભાષ શાહ

અને સંચાલક કલ્પેશ શાહનો કે જેમણે

મારામાં શ્રધ્ધા રાખી

Nadi_ferave_vahen_Cover_for_Kindle

પ્રકરણ ૧

પરોપજીવી

શીકાગો સેન્ટ્રલ કોર્ટમાં જજનાં આવવાની રાહ જોવાઇ રહી હતી. પુરા દોઢ વર્ષ અને ત્રણ વાર સમન્સ મોકલ્યા પછી સંભવ કોર્ટમાં વકીલને લીધા વિના હાજર થયો હતો. વકીલ જુડી પેટ સાથે જીઆ પણ હાજર થયેલી હતી. મધ્યસ્થીએ બે વાર પ્રયત્નો કર્યા પણ સંભવ તો લઢી લેવાનાં મૂડ સાથે આવ્યો હતો તેથી જજનાં આદેશ થી હીયરીંગ શરુ થયુ.

સામાન્ય સૌ કાર્યવાહી પત્યા પછી જુડીએ જીઆ પાસે કેસનાં મુદ્દાઓ રજુ કરતા પ્રશ્નો પુછ્યા..જેમાં જીઆ બે વાત સ્પષ્ટ બોલી લગ્ન જીવનમાં બંને સરખા ભાગીદાર છે..માન સાચવવામાટે અને માન આપવા માટે.. કમાવા માટે અને ઘર ચલાવવા માટે..સંભવ એને પગની જુતીજ ગણતો હતો. અને બધુ હાથમાં આપવાનું અને ક્યારેક આગળ પાછળ થાય તો થાળી છુટ્ટી મારવા સુધીની હિંસાથી ઉબાઇ જઇને તેણે છુટા છેડા માંગ્યા છે. આ દરેક ઝઘડાઓની ટેપ તેણે જજ અને જ્યુરીને સંભળાવવાની અનુમતિ પણ માંગી. કોર્ટે તેની જરુર નથી કહી સંભવને તેના પોતાના વકીલ તરીકે ઉલટ તપાસ લેવાની પરવાનગી આપી.

સંભવ જીઆની ઉલટ તપાસમાં આક્ષેપોનું લાંબુ લીસ્ટ લાવ્યો હતો. લગ્ન પહેલા જીઆનાં ઘણા બોય ફ્રેંડ હતા

જુડીએ ઓબ્જેક્શન લઇને કહ્યુ.. લગ્ન પહેલાની વાતો આજની કાનૂની કાર્યવાહી માટે લાવવી યોગ્ય નથી. લગ્ન પછી કોઇ જ અનુચિત વ્યવહાર હોય તેની સાબિતિઓ આપો.. જબાની વાતો થકી થુંક ના ઉડાડશો કારણ કે દરેક છૂટાછેડામાં કોઇક ત્રીજી વ્યક્તિ હોય તે કાલ્પનીક વાતોનો આધાર લઇ કોર્ટ કાર્યવાહી કરતી નથી.

સંભવ પોતાની દલીલને આગળ વધારતા બોલ્યો “જીઆ તો સ્લર્ટ છે..તેના તો રોજના નવા મુરતીયા હોય છે”.

જુડી એ ફરી વાંધો લીધો અને પુછ્યુ “ તો આ લગ્ન જીવન આટલા વર્ષો કેમ ચાલ્યુ? છુટા થવાની અરજી તમારે મુકવી જોઇતી હતીને? જીઆએ કેમ મુકી?”

સંભવ જુડીને સાંભળ્યા વિના આગળ રજુઆત કરવા જતો હતો ત્યારે જજે તેને રોકીને કહ્યુ..”સંભવ તમને તમારો કેસ રજુ કરવા નો સમય અપાશે. હાલ તો તમે તમારા વકીલ તરીકે ઉલટ તપાસ લઇને તમારો કેસ રજુ કરો. તમે જે આરોપ લગાવો છો તેને સમર્થીત કરતા પુરાવાઓ આપો..જેમકે તે રોજ બહાર જતી હતી તો જુદા જુદા માણસો સાથે કઢંગી દશામાં ફોટા છે? કોર્ટને વાતો નહીં, પુરાવા જોઇએ છે..

જજની વાત સાંભળ્યા પછી પણ તે પોતાની રીતે જ જીઆને બદનામ કરતી વાતો કર્યા કરતો હતો તેથી જજે કંટાળીને “કંટેમ્પ્ટ ઓફ કોર્ટ્નો” વટ હુકમ છોડ્યો ત્યારે તે શાંત થયો.

જૂડીનો હવે વારો હતો તેણે સંભવને પહેલો જ પ્રશ્ન પુછ્યો  “તમારા છેલ્લા પાંચ વર્ષના આવક્વેરાના રીટર્ન બતાવે છે કે તમે આવકો ન હોવાને કારણે ટેક્ષ ભરતા નથી તો શું આપ કામ કરતા નથી?”

સંભવ કહે “હું તો શેર બજારમાં લે વેચ કરુ છુ અને મારા બધા રોકાણો ક્વોલીફાઈડ એકાઉંટમાં હોવાને કારણે મારી આવકો દેખાતી નથી.”

જુડી કહે જીઆનાં એકાઉંટમાં નોકરીની આવકો છે તેથી તેના પૈસે ઘર ચાલે છે ને?

“ ના એવું તો નથી પણ હું મારી જવાબદારી જેટલા પૈસા હું શેરબજારમાં થી કમાઇને આપુ છુ.”

“તમે શું ભણ્યા છો?”

“હું તો એમ ડી છું.”

“ તો શેર બજાર કેમ ફુલટાઇમ કરો છો?”

“ મારા સસ્પેન્શન ને લીધે મને નોકરી નથી મળતી”

જુડી જોરથી બોલી “ શું કહ્યું? સસ્પેન્શન? તો તો તમને નોકરી ક્યારેય નહીં મળે ખરુંને?

“નારે ના મને કન્સલ્ટન્સીનાં જોબ મળે છે અને તે હું કરી લઉ છું”

“તમારા આવક્વેરાના રીટર્નમાં તો તમે તે બતાવ્યુ નથી”

“ હાલ તો હું વેકેશન ઉપર છું”

“છેલ્લા કેટલા વર્ષોથી વેકેશન ચાલે છે?”

“ લગ્ન થયા ત્યારથી..”

“એટલે કેટલા સમયથી?”

“ છ વર્ષથી” જજે જવાબ સાંભળીને ડોકુ ધુણાવ્યુ..આ વેકેશન નથી..કામ ન કરવાનું બહાનુ છે.

જુડી એ વાતને આગળ વધારતા પુછ્યુ “સોનીનાં જન્મ સમયે પણ તમને લાગ્યું નહીંકે તમારે કામ કરવુ જોઇએ?”

“મારે કામ ન કરવાનું એક બીજુ કારણ છે અને તે મારુ ઇનહેરીટન્સ..મને જરુર પડે તેટલા પૈસા મને મારા મા બાપ મોકલી આપે છે. મને ક્યારેય નાણાકીય તકલીફ પડી નથી..અને પડશે પણ નહીં.”

જૂડીએ મકાનની લોન વિશે પુછ્યુ તો તે મકાન ના હપ્તા જીઆનાં પગારમાં થી ભરાતા હતા

જુડીએ છેલ્લો પ્રશ્ન સંભવને પુછ્યો “સોની તમને શા માટે જોઇએ છે?તે એક જવાબદારી છે તે તમે સમજો છો ને?

” સોની તો મારી દિકરી છે અને તે મારી પાસે હોય તો જીઆ પણ તેની સાથે આવેને?”

“ એટલે?”જુડીએ મોટા અવાજે પુછ્યુ

“ સીધો હિસાબ છે સોની મને મળે તો જીઆ મારી પાસે બાય વન એન્ડ ગેટ વન ફ્રી ની જેમ આવે ને?”

“ તમે સોની નાં બાપ તરીકે તેના ભવિષ્યનાં ભણ્તર માટે શું કર્યુ?”

“ મારે કશુ કરવાનું જ નથી મારા વારસાને ઘટાડીને મારા પિતાજીએ તેને માટે કોલેજ ફંડ ખોલ્યુ છે.”

“ઇનહેરીટન્સ તો ઘરડા માબાપ નહીં હોય ત્યારે મળશેને?” જુડી એ કડકાઇ થી પુછ્યુ.

“ હવે કેટલા વર્ષ? તેઓ ૭૨ના તો થયા છે..”

જીઆથી અરેરાટી નીકળી ગઇ.

પણ જુડી તેનો મુદ્દો સાબિત કરી ગઇ. સંભવ પરોપજીવી છે.

વકીલનાં પૈસા બચાવવા જતા સંભવ જાતેજ પગ ઉપર કુહાડો મારી ચુક્યો હતો.

ચુકાદો ૪૫ મીનીટમાં આવી ગયો.

બેદરકાર અને નકામા ધણી સાથે ઉંમર વિતાવવી બીન જરુરી છે. મકાન સંભવે ૩ મહીનામાં વેચી દેવાનુ  અથવા જીઆ પાસેથી ખરીદી લેવાનુ અને તેમા થતા નુકસાનમાં જીઆએ કશું આપવાનું નહીં. સોની જીઆ સાથે શીકાગોમાં રહેશે અને તે ૧૮ વર્ષની થાય ત્યાં સુધી દર મહીને ભરણ પોષણ આપવાનુ…ઇન્હેરીટન્સ જ્યારે પણ સંભવને મળે ત્યારે સોની અને જીઆને પણ સરખે ભાગે મળે તેવી જોગવાઇ કરી જજે જીઆને નિર્દોષ જાહેર કરી. અને સંભવને આગલી કોર્ટમાં જવાની છૂટ નથી કહીને ચુકાદો સંપન્ન કર્યો.

સંભવ ની પીન હજી “મારી છોકરી લઇને તુ ભાગી રહી છું જીઆ.” ઉપર અટકેલી હતી.

જુડી અને જજ આ પરોપજીવી એમ. ડી. ને જોઇ રહ્યા

 

 

 

 

 

 

 

પ્રકરણ ૨

જીઆ. તારી ચાહતનો દુરુપયોગ  થાય છે

જીઆ કોર્ટમાંથી પાછી ફરી રહી હતી. તેને સમજતુ નહોંતુ કે તે જે જોવા માંગે છે તે કેમ તેને જોવા નથી મળતુ. તે ઇચ્છે છે તે બધુ આજે તેને મળી ગયુ હતુ..સંભવને આટલી ખરાબ હાર મળી છતા તે ઉદાસ થઇ ગઈ. સંભવને ખોવાનું તેને કેમ ગમતુ નહોંતુ.. જોકે તે તેને મળ્યો જ ક્યાં હતો..તેને મેળવવાનાં બધા પ્રયત્નો તેને હલકી ચીતરતા હતા..તે ગમાર હતી? ના ગળા ડુબ પ્રેમ માં દિવાની થઇને રહેતી હતી અને પ્રેમ પણ સાવ એક તરફી..સંભવ તારી ચાહત નો દુરુપયોગ કરેછે તે શબ્દો જ્યારે મમ્મી બોલી ત્યારે તો તે ચીઢાઇ ગઇ હતી પણ આજનો સંભવ જે ઝેર ઓકતો હતો તે જોયા અને સાંભળ્યા  પછી તેને અંદરથી ઉબકા આવતા હતા.

કેટલો જંગલી..અને કેટલો બુધ્ધી હીન..પ્રભુ મારી સાથેજ આ બધુ કેમ થાય છે?

પપ્પાને ફોન ઉપર જણાવ્યું કે ચુકાદો આવી ગયો અને સોની મારી પાસે જ રહેશે ત્યારે..

પપ્પા એક જ વાક્ય બોલ્યા “અભિનંદન બેટા.. હવે ભુતકાળને ભૂતકાલીન બનાવી નવેસરથી જિંદગી શરુ કરો બેટા!”

કાર જ્યારે સબડીવીઝનમાં દાખલ થઇ ત્યારે સોની ને સ્કુલમાં થી લઇને પપ્પા આવી ગયા હતા. એને નવા જીવન થી હવે થોડોક ભય લાગતો હતો..કોણ જાણે કેમ હાશ હવે એક વાત પુરી થઇ તે રાહતનો શ્વાસ તેનાથી લેવાતો નહોંતો. તેને “સ્લર્ટ” પુરવાર કરવા મથતા સંભવનું શબ્દ ઝેર તેને ગુસ્સો અને ધીક્કાર જન્માવતું હતું.

સોની ગાઢા ભુરા અને આસમાની રંગનાં યુનિફોર્મ માં શોભતી હતી. મમ્મીને આવતી જોઇને બે હાથ ઉંચા કરીને તેનો આનંદ વ્યક્ત કરતી અને આ દ્ર્શ્ય જોઇ જરા હળવી થઇને ઘરમાં દાખલ થઈ.

મમ્મીએ કહ્યુ..અભિનંદન બેટા..એક ભુલ સુધરી ગઇ…

બહુ સમયથી ખાળેલો ડૂમો એકદમ આંસુઓનો ધોધ બની ને વહી નીકળ્યો..મમ્મી હવે મારું શું થશે?

થોડોક સમય રડતી દીકરીને બાથમાં લઇ રીટાએ કહ્યું “ બેટા જે થશે તે હવે સારુ જ થશે. કોર્ટમાં પણ તારુ ધાર્યુ જ થયુને? સોની તારી પાસે છે ને? હવે સંભવ આવીને બેધડક રીતે તેને લઇ નહીં જઈ શકે ને?…

જીઆનાં આંસુ સમાતા નહોંતા..સોની પણ મમ્મી ને રડતી જોઇ સંવાદ પાસે આવીને બોલી “મમ્મી કેમ રડે છે?”

કાલી ભાષામાં સંવાદે કહ્યું “ તુ જેમ તને ગમતુ રમકડુ ના મળે અને રડે ને તેમ જ.. મમ્મીનું રમકડુ ખોવાઇ ગયુ છે..જા એને પાણી આપ અને કહે..મમ્મી રડ ના આપણે બીજુ રમક્ડુ લૈ આવશુ..”

તેની ગમતી ઢિંગલી અને પાણીનો પ્યાલો લઇને સોની રડતી જીઆ પાસે ગઇ અને બોલી.. “મમ્મી ના રડ લે આ મારી લ્યુસી ડોલ અને પાણી પીને ચુપ થઇ જા” બરાબર જીઆ જેવોજ ટહુકો અને વહાલ ભરેલી નજર જોઇ જીઆ એકદમ સોની ને વળગી પડી. મમ્મી પણ હસી પડી..અને બોલી..”બેટા પ્રભુએ તો આ ઢીંગલી આપીને તને બહુ જ આશિર્વાદ આપ્યા છે. અને તેને સજા.. તારા જેવો નખ શીખ શુધ્ધ પ્રેમ તેને ના સમજાયો અને અનુચિત રીતે તને દાબમાં રાખવા જતો હતો…

“પણ મમ્મી મને હજીય લાગે છે કે તેની મમ્મી મને સંભવની ગુલામ બનાવવા માંગતી હતી” “હા અને તુ તેની ગુલામ બની ને પણ રહેતે જો તેણે તને સાચા હ્રદયથી ચાહી હોત તો..”

“ હા મમ્મી મને સંભવ ખુબ જ ગમતો હતો..તેના હાસ્યને પામવા હું કલાકો રસોડામાં અનેક વ્યંજનો બનાવતી..એ હસતો ત્યારે તેના ગાલમાં પડતા ખંજનો જોતી અને હું મલકાતી. મને શરુ શરુમાં થતુ કે હું તેને મારો બનાવી લઇશ..અરે તે કામ નહોંતો કરતો તો મને તેની પરવા પણ નહોંતી કારણ કે હું ઘણું જ કમાતી હતી..

“બેટા આજ ભોળપણ મારામાં પણ ઠાંસી ઠાંસીને ભર્યુ છે..પણ મને તારા પપ્પાએ કદી ઉંચા અવાજે વાત નથી કરી..દિવસે ભરાયેલ સંયુક્ત કુટુંબનાં મનદુઃખોને વહાલભરી ચુમીથી ક્ષણમાં મને પીયાકા ઘરની રાણી બનાવી દેતા. અને કાયમ કહેતા શું કામ ડરે છે. ઘરનું મૂળિયુ તારા હાથમાં છે ને ડાળા પાંદડા તો સમય પ્રમાણે વિખરાઇ જશે.”

“મમ્મી એ વાતથી તો વિશ્વાસે તેમના જુલમ સહેતી હતીને?”

“ પણ બેટા તુ ખોટી હતી કારણ કે મૂળીયુ જ તારું નહોંતુ..સંભવ જ તને નોકરાણી બનાવવા બેઠો હતો. સોની નાં જન્મ પહેલા અને જન્મ પછી વાત કેટલી ત્વરીત રીતે બદલાઇ ગઇ.. સોનીનાં જન્મ પહેલા તને લલચાવવા હું તો એમ.ડી. છું..તારે તો ઘરમાં ભારતની જેમ ૨૪ કલાક્ની મેડ હશે..અને સોનીનાં જન્મ પછી..તારી ભાવનાથી જુદી રીતે હવે ક્યાં જવાની છે?ની વાતો આવી ગઇ?

“હા મમ્મી જે મહીને પગાર ના મળ્યો તે મહીને તો કાર અને ઘર બંને નું ભાડુ માંગતા તેને લાજ સુધ્ધા ના આવી.”

બેટા.. જાગ્યા ત્યારથી સવાર..તારી ચાહતનો બહુ દુરુપયોગ કર્યો. હવે ખમ્મા!

“ મમ્મી અમેરિકન વે થી તને થેંક યુ.. મને ઘર, હુંફ અને સંસ્કારો ફરી આપવા બદલ..”

“ બેટા પેટે સમાણી છો તો ઘરે તું નહી સમાય? ભારતિય રીતે તો આ તારું જ ઘર છે ને? અને દરેક ઘટનામાં જાગ્યા ત્યાંથી સવાર..સડતા અંગનો સડો રોકવો અને ના રોકાય તો તે અંગ કાઢી નાખવુ. રડતી જીઆને તે કહેતી અરે બેટા પ્રેમ એક તરફી ના ચાલે. તુ સાસરે (સેંટ લુઇ )ગઇ છે તને સુયોગ્ય માન અને આદર ના મળે તે તો ના જ ચાલે

*-*

સંભવ આમ તો જાણતો જ હતો કે તેને કોર્ટમાં સફળતા તો મળવાની જ નહોંતી અને તેથી જ તો વકીલ રાખ્યો નહોંતો..પણ મનમાં એક ઝનુન હતુ કે જે થાય તે પણ જીઆને એક વખત ખરાબ રીતે ચીતરું કે જેથી ચરિત્રનાં આધારે તેને ભરણ પોષણ ના આપવુ પડે. અને સમય આવે જો સોની મળી જાય તો તેનું ભરણ પોષણ જીઆ ને ભરવુ પડે.

શીલામમ્મી સોની ને રાખવાનાં જ છે તો મને બધુ જ મળે.

પણ ધાર્યુ ના થયુ..

આમ તો નકારાત્મક દરેક કાર્યોને પોતાના ધાર્યા પ્રમાણે ફેરવનારો.. કદાચ કાયદાકીય વાતોમાં ધાર્યુ ન કરાવી શક્યો..વળી જુડી ખુબ જ માહીતિ સભર હતી. અને જજ સ્ત્રી હતી..જીઆનાં ડર અને સત્યને પામી ગઇ હતી તે જીઆએ ખરાબ કર્યુ હોય તેવી તેની કોઇ વાત ઉભી ના થઇ શકી..

તેનું ગણિત તેને કહેતુ હતુ કે જીઆ પાસેથી પાંચ વર્ષમાં આવેલા બધ્ધા પૈસા મકાનની ખોટ ખાઇ જશે. અને તેને પાછુ એપાર્ટમેંટમાં રહેવા જવું પડશે. આજ કારણે તે લગ્ન નું રજીસ્ટ્રેશન નહોંતો કરાવતો..પણ રીટા મમ્મી જીવ ખાઇ ગઇ.અને એણે રજિસ્ટ્રેશન કરાવી નાખ્યુ.

જો તે લગ્ન રજીસ્ટર જ ના કરાવ્યુ હોત તો આ આખો કોર્ટ કેસ થયો જ નહોત…

ફોનની ઘંટડી વાગી ..પપ્પા ફોન ઉપર હતા ચુકાદો સંભળ્યો અને મોટો નિઃસાસો નાખ્યો.. આ તારી જાત ઉપર કુહાડો તેં જાતે જ માર્યો છે.. બધી મહેનત માથે પડી અને બાર તેર વર્ષ સુધી પૈસા ભરવાના.. કોઇ વકીલને સાથે રાખ્યો હોત તો તારી આ બધી ભુલો સંતાડી શકતને..

શીલા મમ્મી કહેતી હતી કે મારો બધ્ધો દાગીનો તેની પાસે રહી ગયો…તે તો કઢાવી આપવો હતો…

“ મમ્મી તુ દાગીના ને રડેછે?  મારે તો ઘરમાં કેટલો બધો માર ખાવાનો છે તે તને ખબર છે? .તારા દાગીના તો માંડ ૭૦૦૦નાં હશે. ટુંકમાં ખોવાનું એકલુ સંભવને હતુ અને તે લાંબા ગાળાનું.

 

 

 

પ્રકરણ ૩

હનીમૂન નો મૂન અમાસનો

લગ્ન પહેલાની વાત આમ તો સાવ સાદી અને સરળ હતી..એક્દમ જીઆ જીઆ કરતા સંભવ અને સંભવનાં ઘરવાળા પાછળ જ પડી ગયા હતા.અને એમ ડી નું લેબલ કંઈ નાનુ તો ના કહેવાય..રીટાએ સંભવ અને શીલાને બે વખત પુછ્યુ પણ ખરુ.. તમારા કુટૂંબમાં બધા જ ડોક્ટર અને જીઆ તો ડોક્ટર નહીં તો તે તમને કેમ પસંદ પડી?

સંભવ કહે મારી મમ્મી ડોક્ટર નથી.. અને મને પણ ઘરમાં બંને ડોક્ટર જોઇતા નથી.

શીલા કહે..જીઆ તો સંભવની પસંદગી છે. અમને તો આનંદ છે કે જીઆ અમારા ઘરમાં આવે છે.

રીટાએ કહ્યુ “ મારી જીઆ તો બહુ લાડકોડમાં ઉછરી છે તેણે કદી રસોડુ કે ઘર કામ નથી કર્યુ.. હા તે ધારશે તો  બહુ જલ્દીથી શીખી જશે.

શીલા અને સુર પટ્ટણીએ પણ સંભવનાં ડ્રામામાં પુરો સહકાર આપ્યો અને જીઆને કેટલોય વિશ્વાસ આપી દીધો કે તેને લગ્ન પછી કામ નથી કરવાનુ..મહેલ જેવા ઘરમાં રાણી બની ને રહેવાનુ છે..

અને તે દિવસે ૭૦૦૦ ડોલરની હીરાની વીંટી પહેરાવીને વીલ યુ મેરી મી કહીને સંભવ ઉભો રહ્યો ત્યારે જીઆને વહાલ અને સુખનો જબરો ઉમળકો આવ્યો..તેની આંખમાં સંભવ..તેના લખાણો માં સંભવ..તેના વર્તનમાં સંભવ હીલોળા લેવા માંડ્યો હતો..

સંવાદ અને રીટા તેમની દીકરીનું આટલુ બધુ ઉજળુ ભાવી છે ત જોઇને ક્યારેક રાજી થતા તો ક્યારેક ભણતર અને પૈસાની મોટી ખાઇ જોઇ ને વિચારમાં પણ પડી જતા. જ્યારે ડો. પટ્ટણી  તેમનો દાવ સીધો પડી ગયોછે તેમ જણાતા હીરાનો હાર, મોંઘી સાડી આપી શીકાગોની મોટી મોટી હોટેલો જોવા માંડ્યા. અને રોજ રાત્રે ફોન ઉપર હવે લગ્ન ક્યારે લો છો વાળી વાતો આવવા માંડી..

કહે છે ને બહુ સુખ ક્યારેક આંસુઓનો સમુદ્ર લઇને આવે છે.

જેને તે સંભવનો પ્રેમ માની બેઠી હતી તે તો ધોખો જ હતો.લગ્ન ના પહેલા દિવસ પછી સંભવ બોલવા લાગ્યો.. ભલે લગ્ન કર્યા પણ આપણે તો ભાઇ બહેન ની જેમ જ રહેવાનું છે. જીઆ કહે “કેમ?”

સંભવ કહે હું હમણા વેકેશનમાં છુ.. મને ભણતરનો બહુજ થાક લાગ્યો છે.

આખુ જીવન પડ્યુ છે તેમ માની ને જીઆ સહેમી ગઇ..હનીમૂન નો મૂન અમાસનો હતો.. અને ચંચળ ઉછળતી કુદતી જીઆએ પહેલી વખત ડાયરીમાં લખ્યુ..

કેવો પ્રભુ તારો ન્યાય?

મનગમતો સાથી મળ્યો પણ તે રહે છે ઉદાસ.

હું ગમે તેટલી મથુ, તેનું મૌન મને ના સમજાય.

એણે ચાહીને મને માંગી પણ કેમ હવે તે ઉદાસ?

સંભવ સાથે સમય જતા તેને સમજાઇ રહ્યુ હતુ કે તેણે લગ્ન શીલાનાં કહેવાથી કર્યા હતા. નાની મોટી દરેક વાતો તે શીલાને પુછીને કરતો. જીઆને તો બહુ જ નવાઇ લાગતી કે નાનામાં નાની ઘરની વાત શીલાને ખબર અને શીલા જ ફીનીક્ષથી જીઆ ને સમજાવે કે પતિને રાજી રાખવો હોય તો તે રસ્તો રસોડામાં બનેલા ભોજન થી શરુ થાય.

એક દિવસતો ખીજવાઇને સંભવને કહી બેઠી આ શું બધુ મમ્મી ની પુછીને કરો છો. તમારે કંઇક ખાવુ હોય તો મને સીધુ કહોને મમ્મી પાસે શું કામ બોલાવો છો? ક્યારેક મમ્મી તો ક્યારેક પપ્પા અને ક્યારેક મોટી બેન..મને તો પહેલા અને છેલ્લા તમે જ જોઇએ છે..આપણો અ સોનેરી સમય છે. મને કોઇ ડાળા પાંદડા આપણાં લગ્ન જીવનમાં જોઇતા નથી. સમજ્યા?

કોઇ પણ જવાબ આપ્યા વિના તે બીજા રુમમાં જતો રહ્યો…અને પંદરેક મીનીટમાં ફીનીક્ષ થી ફોન રણક્યો.

“ કેમ અલી તું તો બહુ ભારે..હજી પરણી ને આવ્યે બે મહીના થયા છે અને સંભવને અમારા થી દુર કરી દેવો છે? થરથરતી જાંઘે મેં જનમ આપ્યો છે સમજી? તે તારો તો કદી નહીં થાય..”

“ મમ્મી વાતનું વતેસર ના કરો..તમારો તો તે અત્યાર સુધી હતો જને? હવે લગન કર્યા એટલે થોડોક તો મને મારો ભાગ મળવો જોઇએને?”

“ અમને એવા અમારા ભાગ મળતા વરસો થયા’તા.”

“ એટલે?”

“ એટલે નવી નવી નવ દિવસ હવે વાસ્તવિક દુનિયામાં આવ.”

“વાસ્તવિક દુનિયાની જ વાત કરું છું ને. ધણી મારો ને મારી સાથે વાત કરવા મારે તમારા દ્વારા જવાનું ?”

ફોન ઉપર તું તું મેં મેં ચાલ્યુ અને અડધા કલાકે જીઆ સમજી કે આ ધણી કાં તો બાયલો છે કાંતો માવડીયો છે. આ સંસાર કેમ ચાલશે? તેની આંખો ભરાઇ આવી..તે વધુ છલકાય તે પહેલા તેને ઉબકો આવ્યો. ઉલટી થઇ..અને દિવાનુ મન દિવાનગી તરફ વળી ગયુ. સંભવ ઉપર તેણે કરેલી દાદાગીરી રંગ લાવી રહી હતી..નાનો જીવ ઉદરે આવી રહ્યો હતો..બીજી બાજુ તેનુ મન કહેતુ હતુ જીવન ચક્ર ચાલતુ જ રહેવાનું.. ક્યારેક તો તેને મારા ઉપર પ્રેમ જાગશેને?

સુર પાપા કાયમ જ એમ ઈચ્છતા કે જીઆએ જોબ કરવી જોઇએ..અને જીઆનું ભુસ્તરીય એન્જીનીયરીંગ (જીઓલોજી)માં સારુ નામ તેથી તેને ક્યારેય નોકરીની તકલીફ પડતી નહીં. સેંટ લુઇમાં તેણે કામ શરુ કરી દીધુ..સંભવ દિવસ દરમ્યાન ક્યારેક સ્કોટ ટ્રેડમાં તો ક્યારેક ફીડાલીટીમાં લે વેચ કરતો અને બાકીનો સમય ટીવી ઉપર બજાર જોતો કે ઇ બે ઉપર ડીલ શોધી સસ્તા ભાવે ખરીદેલી વસ્તુઓ ઉંચા ભાવે વેચતો. એમ ડી ડોક્ટરની આવકો જેટલી આવકો તો થતી નહોંતી પણ તેને મનમાં એક શાંતિ થઇ ગઇ કે જીઆને નોકરી મળી ગઇ એટલે હવે સવારના ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી શાંતિ..

રીટાએ જાણ્યુ કે જીઆ બે જીવાતી છે ત્યારે તેનો જીવ બહુ જ બળતો હતો..પણ સંવાદ તેને સમજાવતો.. દીકરી પરણી અને તેનો ઘરસંસાર સંભાળે તેના જેવું સુખ માબાપ માટે કોઇ જ નહીં.

સુર પટ્ટણીને બીજી હાશ થઇ..તે શીલાને  કહેતા કે હવે તેમને થોડોક સમય તેમની જિંદગી જીવવા દે. રોજે રોજ ફોન કરી સંભવને શું ખાધુ અને શું કર્યુ જેવા ક્ષુલ્લ્ક પ્રશ્નો પુછીને હલકી ના થઇશ. જીઆને ના ગમતુ કરી કરી તું શું કામ માન ગુમાવે છે? સંભવ તો તારો દીકરો છે. હવે તેને જીઆનો વર બનવા દે.

ચાર છ મહિના છમકલા વિના નીકળી ગયા અને તેનુ કારણ જીઆ એ તેનું મન તેના સંતાન તરફ વાળી લીધેલુ. નોકરી પરથી છુટીને ગમતુ ખાવાનું લૈ ને તે ઘરે જતી. સંભવને ગમે તેવી ગોઠવણ કરતી..વળી શેરબજાર પણ સારુ ચાલતુ હતુ તેથી જે દિવસે પૈસા બન્યા હોય ત્યારે સંભવ થોડી વાતો કરતો..પગાર બધો સંભવ અને જીઆના ભેગા ખાતામાં જમા થતો અને અન્ય સૌ બીલો ભરવાની જવાબદારી કૌવતે પોતાના હસ્તે રાખી હતી.

ડાયરીનાં પાના ભરાતા હતા. અને જીઆ ને ખબર હતી કે ડાયરી સંભવ વાંચે છે તેથી તેનો પ્રેમ તેમા છલોછલ છલકાવતી હતી. આજે તેણે તેને ગમેલુ કેયુર પાઠક્નું કાવ્ય લખ્યુ.

યાદોનું એક રણ, આપી શકે તો આપ.
ભીની-ભીની ક્ષણ, આપી શકે તો આપ.
મેં કદી ક્યાં ચાહ્યું, નખશીખ પામવું?
દૂરનું ય સગપણ, આપી શકે તો આપ.

-કેયુર પાઠક ‘ચિરાગ’

 

 

 

 

 

 

 

પ્રકરણ ૪

શીલાની જોહુકમી

આઠમે મહીને રીટાને જવાનું નક્કી થતુ હતું ત્યાં શીલા પહોંચી ગઇ. જીઆને તે બીલકુલ જ ગમતુ નહોંતુ..પણ આ કૌટુંબીક રાજકરણ તેને ના સમજાયુ. એક્વીસમી સદીમાં અઢારમી સદીની વાતો કરી તે જીઆનું શારિરીક શોષણ જ કરવા માંગતી હતી રીટાએ મોકલેલા ઘી અને વસાણા ની મિઠાઇ તારાથી ના ખવાય કરીને છેલ્લ મહીનાઓમાં અપાર દુઃખ આપવાનાં પ્રયત્નો કરી બરોબર લલીતા પવારનો રોલ ભજવ્યો.. અને જરુર હોય કે ના હોય..તારા ઘર વાળા ભુખડ અને તુ કશું ના લાવી.. હવે આ બાળક્નું જીઆણું કેવું કરે છે વાળી વાતો થી જીઆને સંભળાવ્યા કરતી હતી..સંભવ જાણતો તો હતો જ કે દીકરી છે તેથી

શીલા દ્વારા કરાતી કનડગતને તે માણતો.

જીઆ હબકી તો ગઇ જ હતી..પણ સંતાન આવશે અને કંઇક સારા દિવસો તે લાવશે  તેવી આશામાં દિવસો કાઢતી હતી.. શીલા રીંગણનું શાક અને રોટલોજ આપતી..કોઇ વિચિત્ર આશંકાઓમાં આવનારા બાળકને એક મહિના સુધી સારા કપડા ના પહેરાવાય જેવી કેટલીયે વાતો કરીને છેલ્લી મીનીટે તેને સહાય કરવાને બદલે મા અને દીકરો મુવી જોવા જતા રહ્યા..

જીઆ મનથી થાકી ગઇ હતી..તે વિચારતી કે શીલા મમ્મી આમ કરીને શું કરવા માંગતી હશે.. પણ જ્યારે સંભવ સાથે વાતો કરતા સાંભળ્યુ કે મમ્મી તેને સાવ ગુલામ બનાવી દે મારો અવાજ પડે ને તે થથરવી જોઇએ.ત્યારે તેને પાકો અહેસાસ થઇ ગયો કે જો તેનુ ધાર્યુ નહીં કરુ તો આ કસાઇઓ મને કોઇક ઘાણ ઘાલી દેશે..જોકે તેણે આ સહેવુ ના જોઇએ તેવું તે માનતી હતી તેથી શીલા ગમે તે રાંધે તેનું ભાવતુ તો તે બનાવી લેતી અને શીલા સાથે લો લાવો અને પડતુ મુકો થી વધારે વાત ન કરતી…

એનું અંતર મન તો પ્રફુલ્લિત હતુ..તેની ડાયરીઓમાં હવે આશાવાદ છલકતો હતો. જિંદગી આટલુ બધુ તપાવીને  તેને કેળવી રહી હતી..પણ તે ખોટી હતી. ડાઘિયાઓ સાથે રહીને તે પીલાતી હતી.

૯૧૧ને ફોન કરી હોસ્પીટલ જ્યાર જીઆ પહોંચી ત્યારે તેને સખત દુઃખાવો થતો હતો..પીક્ચર પતાવીને જ્યારે ઘરમાં જીઆને ના જોઇ ત્યારે શીલાએ આનંદની કીકીયારી કરી..

તેણે આ પ્રપંચ આદરવો હતો તેથી તો રીટાને આવવા નહોંતી દીધી. તે સ્પષ્ટ પણે માનતી કે વહુઆરુનું કામ તો પતિની સેવા કરવાનુ હોય..ભલેને પતિ કામનો હોય કે ના હોય. અને સ્ત્રીની જાતને તો વળી કહેવાનું જ શું હોય..તેની તબિયત સારી હોય કે ના હોય..ધણી માંગે ત્યારે બધુ હાજર કરવું તે જ તો કામ છે. સંભવ શીલાનો જ્યારે જરુર પડે ત્યારે પોતાની ફેવરમાં ઉપયોગ કરતો.

સેંટ લુઇમાં તે વખતે ભારે બરફ પડી રહ્યો હતો. તેથી હોસ્પીટલ સવારે જઇશુની વાત કરી મા દીકરો બંને સુઇ ગયા..તે રાત આમેય તોફાની હતી..ગર્ભસ્થ સંતાન બહાર આવવા કટી બધ્ધ બન્યુ હતુ પણ તેનાથી કુદરતી રીતે જેમ સરકવાનુ હતુ તેમ સરકાતુ નહોંતુ અને તેના ધમ્પછાડા સાથે જીઆ પણ બુમો પાડ્તી હતી..રીટા સતત સંપર્કમાં હતી.. ડોક્ટરે સીઝેરીઅન કરી રાતના બે વાગે છુટી કરી ત્યારે પીડાની મારી જીઆ અને એને પડતા દુઃખની કલ્પનાઓની મારી રીટા લગભગ બેશુધ્ધ થઇ ગયા હતા.

બીજે દિવસે ટ્રાફીક છુટો થયો ત્યારે શીલા અને સંભવ આવ્યા ત્યારે જીઆની આંખ માંડ માંડ મળી હતી અને નાનકડી જીઆની પ્રતિકૃતિ ધીમું ધીમું કણસતી હતી.

સંભવની આંખ બાપનાં વહાલથી ભરાતી જોઇ શીલા પાછી ભડકી..” સંભવ આ તારુ લોહી છે તેમ ના માનતો.. આ તો ૭૫ટકા માનુ લોહી..”  અને બાપા એટલે બાનાં લોહીનું ૨૫ ટકા જ બાપનું લોહી

ભલે તુ કહે તો તેમ પણ મને તો સોનીને કણસતી જોઇને પણ વહાલ આવે છે..જીઆ જાગી ગઇ..તેને અપેક્ષા તો નહોંતી કે સંભવ આવશે..પણ સંભવને સોનીને રમાડતો જોઇ આંખ ઠરી તેને આમેય શીલા પાસેથી કોઇ આશા તો નહોંતી જ અને તે પ્રસુતિ સમયે હાજર નહોંતી તે છાના પ્રભુના આશિર્વાદ જ હતા.

“સંભવ! સોની તારા જેવી છે કે મારા જેવી?”

શીલા ભડકી..”તે વળી પાંચ કલાક્ની છોકરી તો કલાકે કલાકે રુપ બદલે.. અત્યારે તો અસ્સલ સંભવ જેવી જ છે.. હા હસે છે ત્યારે તો અદ્દલ સંભવ જ જોઇ લો…”

બે દિવસે રજા અપાઇ ત્યારે શનીવારનાં ગરાજ સેલમાંથી લાવેલા હલકા ચાર જોડને આપતા તે બોલી “ જો પટ્ટણી કુટુંબનું પહેલું સંતાન છે એટલે પહેલો મહીનો કોઇની નજર ના લાગે માટે તેને મેશ નહી લગાડવાની. સોની ને બહુ નહી સજાવવાની અને બહુ વખાણ નહી કરવાના કારણ કે સૌથી મીઠી નજર મા બાપની હોય..જીઆએ શીલા સામે જોઇને નિઃસાસો નાખતા મનમાં બોલી..આ લોકો તેમની ગામડાની વહુને સતાવવાની પ્રવૃત્તિમાંથી ક્યારે બહાર આવશે. તેને ખબર હતી કે કાજળ લગાવવાથી આંખો તેજ થતી હોય છે અને નજર બજર વહેમ છે..પણ ક્યાં અહીં લાંબો સમય છે.. આવતી કાલે તો રીટા મમ્મી આવશે અને શીલા મમ્મીનો બધો જ ખેલ પુરો થઇ જશે.

શીલા સંભવને પુછ પુછ કરતી હતી કે તારે જરુર હોય તો રોકાઇ જઉ પણ પપ્પા આવશે તેની સાથે તારી ટીકીટો છે તો તારે જતુ રહેવુ જોઇએનો સંભવનો ઇશારો પુરતો હતો..ફીનીક્ષ થી પપ્પા આવ્યા..સોનીને માથે હાથ લગાડી વહાલ્થી આશિર્વાદ આપ્યા. સુરે તેનો ૫૨૯ એકાઉંટ ખોલાવી દર વર્ષે ૧૦૦૦ જમા કરાવી ૧૮૦૦૦ સુધીનું રોકાણ કોલેજ ફંડ માટે કરશે ..જો કે સંભવ ઇચ્છતો હતો કે વધારે કરાવે..પણ તેમ કરે તો તેનું જ ઇન્હેરીટન્સ ઘટે અને એવી ઇચ્છાપણ ખરી કે જોઇએ જીઆનાં પપ્પા શું કરે છે?

જીઆએ તો ચોખ્ખી ના પાડી દીધી  “તેમણે કરવા જેવુ બધુ તેઓએ કર્યુ છે અને જીઆણું અમારા કુટુંબમા જે રિવાજ હશે તે પ્રમાણે કરશે પણ તુ જરા લાજ લગ્ન પહેલા તું જ બોલતો હતોને કે કંકુ અને કન્યામાં હું તો રાજી છુ.મને તો જીઆ એકલી જ જોઇએ છે..”

“અમને તો એમ કે કશું માંગવું જ નહીં પડે..સમજીને તારા માબાપ બધુ કરશે… ડોક્ટરને પરણી છે“

“ સસ્પેંડેડ ડોક્ટરને..જરા જમીન ઉપર આવો…છેતરીને લગ્ન કર્યા છે અને છેતરાઇ છું છતા હું નિભાવુ છું તેટલો ગનીમત જાણ.”

બહાર શીલા આ વાતો સાંભળતી હતી અને તેને વધુ વધુ ઝનુન આવતુ હતુ. ફરી બાંયો ચઢાવી “ જીઆ ડોક્ટર થતા તેને નવ નેજા થયા છે અને અમે પણ ખુબ જ ખર્ચ્યુ છે એની પાછળ..”

“ બધુ ખોળ પાછળ ખાતર ખરુંને?”

“ ના રે ના દસ વરસ પતશે અને સસ્પેન્શન ઉઠી જશે..”

“ શીલા મમ્મી મને તો ના છેતરો.. મને ખબર છે કે આ બધી વાતો છે..પણ મને નથી પડી..મેં એને ચાહ્યો છે..તે મારી સોની નો બાપ છે.. પણ તેનો કોઇ મતલબ એવો ના કાઢશો કે મારા ઉપર દાદાગીરી કરીને તે જીવી જશે.”

સંભવ ઘાંટો પાડીને બોલ્યો.. “મમ્મી તુ એને નહી જીતી શકે..તુ ચુપ થઇ જા”

શીલા કંઇ વધુ બોલે તે પહેલા સંભવ તેને બહાર લઇ ગયો.

પછી રુમમાં એકલા જ ડુસકા હતા..અને સોનીનાં કણસાટ સાથે જીઆ વિચારતી રહી .

આ કેવો પ્રેમ છે?

ખબર છે કે શોષણ થઇ રહ્યું છે.

છતા કાલે દિવસ બદલાશે

સાથીને ક્યારેક તો સમજાશે

ની આશમાં. આજને વેઠ્યા કરુ

આજને વેઠ્યા કરુ

 

 

 

 

 

પ્રકરણ ૫

કઠપુતલી ખેલ

રીટા મમ્મી આવી અને પહેલી જ નજરે બોલી “આતો અદ્દલ સંભવ જેવી જ છે.” વહાલ્થી સહેલાવી અને જાણે કેમ તેને સમજણ પડતી હોય કે આ નાની મા છે તેમ ચુપચાપ માણતી રહી..જો કે શીલાનાં હાથમાં જ્યારે જતી ત્યારે દસેક સેકંડમાં જ રડવા માંડતી. કદાચ સમજતી હશે કે દાદીમા તેને જીઆની છોકરી સમજે છે અને નાની મા એને પોતાની છોકરી સમજી વહાલ કરે છે.

સંભવ આવીને હેલો કહી ને પાછો તેના રુમમાં  ગયો..જીઆને તે ના ગમ્યું તેને હતું કે તે રીટા મમ્મીને પગે લાગે.. પણ આ જ તો ઉછેરનો ફેર હતોને..થોડીક ક્ષણો એમને એમ વહી પછી તેણે જીઆણાની બેગ ખોલી પગનાં કલ્લા, હાથની પોંચી ગળાનો નાનકડો હાર ચાંદીનાં ઘરેણા. કપડા રમકડા અને કેટલાય ગરમાટાનાં વસાણા, હીરાબોર અને સુંઠની રાબ બનાવવા માટેનાં લાડુનાં ડબ્બા કાઢ્યા અને વાત્સલ્યનાં ભર્યા ભર્યા ઉમળકાથી બંને છોકરીઓને ભરી દીધી..જીઆ અને સોની બંને નાની મા ને માણતા હતા.

રસોડામાં ખીચડી જોઇને સહેજ ખમચાઇ.. “અરે જીઆ! તારી સાસુ તને કોરી ખીચડી ખવડાવતી હતી? પહેલી પ્રસુતિમાં તો એકલુ ઘી પીવાનું હોય..”

“મમ્મી..વહુ અને દીકરી સાથેનાં વહેવારમાં ફેર તો હોય જ ને?”

“ ના રે ડોક્ટર લોકોને એવું હોયકે શરીર વધી જશે..પણ પ્રસુતિનું દરદ તેં જે ખાધુ છે ને તેની પૂર્તિ તો થાળી ભરી શીરો અને હીરા બોર છે..આ પેટે પડેલા ડાઘા પણ પંદર દિવસમાં સાફ કરાવી દઇશ. આ લાડુ ઓગાળી તને ગરમા ગરમ રાબ બનાવી આપુ છુ તે પી અને આ કોરી ધાકડ ખીચડી ફેંકી દે..”

“ મા સોની માટે ધાવણ તો પુરતુ આવતુ નથી. હું શું કરુ?”

“તારે કશું કરવાનું નથી. હું સુવા અને વસાણા લાવી છું તે તેજ કામ કરશે..”

“ મમ્મી!..હવે મને શાંતિ છે.મારી સોનીને હવે કંઇ જ નહીં થાય..”

“બેટા સોની અને જીઆ બંને ને કશું નહીં થાય”

મમ્મીએ રસોડામાં જતા જતા કહ્યુ…”તારા પપ્પાએ સોનીનો સોશીઅલ સીક્યોરીટી નંબર મંગાવ્યો છે.. તેના સ્કુલ ફંડીગ માટે ખાતુ ખોલાવ્યુ છે. અને ઇન્સ્યોરંસ પણ લેવાના છે.”

“મમ્મી આ બેગ ભરીને તો તું લાવી છે હવે બીજા ખર્ચા ના કરીશ.”

“બેટા અમને આ ખર્ચો કરવાનો આનંદ છે ભારણ નહીં..તારે તો લીધાજ કરવાનુ..શું સમજી?”

“પણ મમ્મી?”

“પણ અને બણ મુક બાજુમાં અને આ તાજી તાજી રાબ પી તેમાં તારું મનગમતુ લીલા નારીએળનું છીણ પણ છે.”

સંભવ ઉપરનાં તેના રુમમાં થી માદીકરીનાં સંવાદો સાંભળતો હતો..અને મલક્તો હતો શીલાએ આડકતરી વાતો કરી કરીને બીજુ ૨૫ તોલા સોનુ કઢાવ્યુ અને ૫૨૯ માટે પૈસા મુકાવ્યા. બુડથલો હવે તો મારી પાસે એક નહીં બે દીકરીઓ છે તમારી. વાર આવશે તહેવાર આવશે.. ભર્યા જ કરજો મને…એના મોં ઉપર કુટીલ હાસ્ય હતુ..

જીઆ જાણતી હતી અને તેથી તે બોલી “મમ્મી આ જીઆણુ જેમને જોવું હતુ તે શીલા મમ્મી તો નથી અને મને કે સંભવને કંઇ પડી નથી.. વળી અહીં મેં બેંક્માં લોકર ખોલાવ્યુ નથી તેથી કપડા અને વસાણા સિવાયનું બધું તું ઘરે લઇ જજે.”

“બેટા તારે માટે લવાયુ છે તે તારું જ છે તુ કહીશ તેમ કરીશ પણ મને તે તું ના રાખે તો ના ગમે”

“મમ્મી મને ખબર છે પણ એક વાત સમજ તે અહીં રહેશે તો સંવાદ જુનુ છે કહીને વેચી નાખશે અને ઘડાનાં કળશીયા કરશે અને મારે મન તે સોનીનાં આશિર્વાદ છે જેની ઘણી કિંમત છે સમજી? તે તારે ત્યાં તારા લોકરમાં રહેશે તો તે સલામત છે.”

“ પણ..સંવાદને કેવું લાગે? શીલાબેન ને કેવું લાગે? તેમને એક વખત બતાવીને મને પાછુ આપજે.”

બહુ વિચારને અંતે જીઆ એમ જ બોલી “એક કામ કરીયે કાલે તૈયાર કરીને બધા જુદા જુદા કપડામાં તેના ફોટા પાડીએ..તેના નાના પગલા કંકુમાં પાડીયે ત્યારે બધો દાગીનો પહેરાવી દૈશું કે જેથી તેમને તે ઇ મેલમાં ફીનીક્ષ મોકલીએ.“

“ભલે હવે કેમેરો ચાલુ કર તારા પપ્પા પણ સોની નો કલશોર સાંભળે અને તેને જુએ અને આશિર્વાદ આપે..

મમ્મી સાંજે કરીશુ હજી તો ત્યાં ૪ વાગ્યા હશે. ત્યાં ફીનીક્ષથી ફોન આવ્યો..શીલા બહેન હતા. થોડીક વાતો કરી અને રીટા બેન ને પટ્ટાણી પરિવારનાં નિયમો સમજાવવા બેઠા.

રીટા બહેને સ્પષ્ટ વાક્યોમાં કહી દીધુ “તે બધુ દેશમાં ચાલે.. અહીં તો ડોક્ટરો અને નર્સો કહેશે તે બધું કરવાનુ..દેશ તેવો વેશ કરવાનો. મારી દીકરી ને અનુકુળ આવે તેવું બધું ૧૫ દિવસ હું કરીશ અને સુરભાઇની સાથે તેમણે વાત કરી છે અને તેમનું માનવું પણ એજ છે કે જે પણ રીતે શરીર સચવાય તે રીતે સાચવવુ અને માન્યતાઓનાં નામે મત મતાંતર નહીં કરવાના.. હા જરુર લાગશે તો તમને પુછતા સંકોચ નહીં અનુભવીએ…”

શીલા બહેન સમજી ગયા કે જીઆમાં જે સ્પષ્ટ વક્તાપણું છે તે ક્યાંથી આવ્યુ છે. તેથી તેમણે ફરી ફેરવી તોળ્યુ  “હા તમારી વાત તમારી રીતે સાચી છે પણ આ તો મારી ફરજ કહેવાની એટલે કહું છું..”

રીટા ફરીથી કહે છે “ હા શીલા બહેન તમે તમારી ફરજ કેવી બજાવી તે તો જીઆ ને છેલ્લે તમે હોસ્પીટલ ના લઇ ગયા અને તેણે જાતે જવું પડ્યું તેનાથી સમજાઇ ગયું છે.”

પછી પાછુ સુગર કોટીંગ કરતા કોથળામાં પાંચશેરી મુકીને મારતા બોલી “પણ બરફનું તોફાન આવ્યું તેથી તમે પણ શું કરી શકો?”

સંવાદ ફોન ઉપર સાંભળી રહ્યો હતો અને જોઇ શક્તો હતો કે મમ્મીનો દાવ ખોટો પડ્યો હતો. વાત આગળ ચાલે તે પહેલા સુર પટ્ટણી એ ફોન ઉપર આદર સન્માન ની વાતો કરી અને ફોન મુક્યો.

રીટા સમજતી હતી અને કહેવા માંગતી હતીકે દુશ્મન હોય તો પણ બે જીવાતીનું પેટ કોઇ પણ ના બાળે એને ભુખ્યા ના રાખે પણ તમે તો હદ જ કરી છે..બે બાજુનું બોલતા જાવ છો અને કરવાનું નથી કરતા જ્યારે ના કરવાનું કરતા જાવ છો!

જીઆ તેમને ઓળખી ગઇ હતી અને સમજી ગઇ હતી કે આ વારસાની આવક બતાડી બતાડીને સંભવને અંગુઠા નીચે દબાવ દબાવ કરે છે. કમનશીબી એ હતી કે તે વાતની સમજ લગ્ન પછી પડી..સંવાદ તેમનું રમકડુ હતુ અને તેના ઉપરની કોઇ પણ હક્ક જતાવે તે તેમને ગમતુ નહોંતુ તેથી તો જીઆને પસંદ કરી..જો કે આ બાબત થી સંભવ વાકેફ નહોંતો તેવું પણ નહોંતુ પણ તેનાથી તેને આનંદ થતો હતો..જ્યારે જરુર પડે ત્યારે મમ્મી પાસે સહેજ રોવાનું કે ડીપ્રેસ હોવાનું નાટક થાય અને મમ્મી પપ્પા પાસે ચેક મોકલાવી દે.

જીઆ અને શીલા વચ્ચે જ્યારે જ્યારે સંભવ આવે ત્યારે સંભવ મરજી મુજબનું પરિણામ મમ્મી દ્વારા મેળવી લેતો.

જીઆ આ કઠપુતલી ખેલની સામે પડી હતી. તેને હતુ કે તે વહાલ્થી અને પ્રેમથી તેને વાળી લેશે.. અને આ સોની જેવી સંભવને ગમવા માંડે એટલે ધીમે ધીમે સંભવને કામે ચઢાવીને વારસા લાલચમાં થી બહાર કાઢીને કઠ પુતલી વિચારધારામાંથી બહાર કાઢી શકશે.

રસોડામાં થી ગરમ ગરમ શાક કઠૉળ અને રસ પુરીનું જમણ તૈયાર કરીને રીટાએ જીઆને કહ્યું “સંભવને બોલાવી લે એટલે આપણે જમી લઇએ.ત્યાં સુધી હું સલાડ માટે આ કાકડી ટમેટા અને બીજા શાક સમારવા સંભવને આપી દઉ?”

જીઆ બોલી..” મમ્મી એ શું બોલી? સંભવ અને સલાડ સમારશે?”

“કેમ એમાં શું છે? રસોડમાં આવું નાનુ મોટુ કામ કરે તો વ્હાલ વધે.”

“સંભવને વહાલ વધારવામાં રસ નથી.. મને આપી દે હું સમારી નાખુ છુ.”

“દીકરી..મને ખબર છે સંભવને છાવરીને તુ પણ તેની માની જેમ બગાડી રહી છું.”

“ મમ્મી તુ સાચી હોઇશ પણ મને તેને રસોડામાં દાખલ કરીને ઘરનું કામ નથી કરાવવુ.”

“ હા પણ જે કામ હું તેને કરાવવા માંગઉ છું તે પણ તે નથી કરવા માંગતો..તેથી હમણા તો મારી અને એની વચ્ચે દરેક ઠેકાણે તું તું અને હું હૂં નાં મીઠા ઝઘડા છે. તે મને તેની માના જેવી ગોલણ બનાવવા જાય છે તે હું બનવાની નથી અને હું તેને હોસ્પીટલમાં કામ કરાવવા માંગુ છું તેવી જોબ ભાઇ સાહેબ ને ક્યારે મળશે તેની રાહ જોવામાં મા તો બની ગઇ”..

“કેમ એવું કહે છે?”

“ એને ડોક્ટર ક્યારેય બનવુ નહોંતુ પણ શીલા મમ્મીને સુર પટ્ટણીની પ્રેક્ટીસ સંભાળે તેવો પુત્ર બનાવવો હતો…ધક્કા મારી મારીને ડોક્ટર તો બનાવ્યો પણ આ આખી પધ્ધતિમાં એક જગ્યાએ ભુલ થઇ ગઇ..સુર પટ્ટણીનાં ખાતામાં વીસ મીલીયન મ્યુચ્યુઅલ ફંડનાં પૈસા તે જોઇ ગયો..એટલે શેર બજાર ચાલુ થઇ ગયુ અને ડોક્ટરી ભુલાવા માંડી.

ડો સુર બહુ ગાંઠતા નહીં પણ શીલા શેરબજારમાં છમકલા કરતી તેથી તેની સાથે તે રમવા માંડ્યો.. નફો થાય તો ભાગ અને નુકસાન થાય તો લાંબા ગાળાનું રોકાણ કહી પૈસા સમેટવાનું શીખી ગયો.

“ શું ચાલે છે?” કહેતો સંભવ નીચે ઉતર્યો ત્યારે રીટા બોલી “જમાઇ રાજા તમારું વેકેશન તો બહુ ચાલ્યુ?”

“હા હજી થોડુ લંબાશે..સોનીનું બચપણ પણ માણુંને?”

થાળી પીરસાઇ ગઇ હતી..જીઆને દવાઓ અપાઇ અને સોનીને મમ્મીનું થાનલુ અપાયુ..સૌ જમ્યા. સંભવ આખા જમણવાર દરમ્યાન ચુપ ચાપ ખાતો રહ્યો..રીટાએ રસ પીરસવાનો આગ્રહ કર્યો તો “ મને પ્રોસેસ્ડ રસ ભાવતો નથી કહી નવો રસ ના લીધો.

સવારનું લંચ પતી ગયુ અને રીટા વાસણો કરવા બેઠી મશીનમાં થી વાસણો ગોઠવતી હતી ત્યારે સંભવે આવીને કહ્યું “ આપ વાસણો હું કહું તેવી રીતે ગોઠવો”

શીલા કહે “ સંભવ હવે ૧૫ દિવસ રસો્ડામાં હું રહેવાની છું. હું મારી રીતે ગોઠવીશ.”

“ પણ મમ્મી ના કહે છે.”

“સંભવ મારે તારી મમ્મીની રીતે ફીનીક્ષ સુચનો ની જરુર નથી.. મને રસોઇ કરતા જે રીતે મને અનુકુળ પડે તેમ હું બધું ગોઠવીશ.”

તેના ચહેરા ઉપર ગુસ્સો દેખાતો હતો..” પણ મમ્મી જે રીતે કહે તે રીતે ચાલવુ જરુરી છે”

“સંભવ..તમને કેટલા વર્ષો થયા?”

“બત્રીસ.”

“અને એક દીકરીનાં બાપ પણ થયા ખરુંને?”

“હા. એટલે હવે મમ્મીનો પાલવ છોડો અને જીઆનો હાથ પકડો.. બરોબર.?”

તેના ચહેરા ઉપર વાત અસ્વિકારની લહેરો સાફ દેખાતી હતી. “જીઆ” તેણે બુમ પાડી.. જીઆએ પ્રત્યુત્તર ના આપ્યો એટલે ફીનીક્ષ ફોન જોડાયો..શીલા મમ્મીને વાતો કરતો સંભવ બાયલો લાગ્યો.

“ આ સંસાર કેમ ચાલશે?” એમ વિચારતા વિચારતા રીટા એ શીલાને ફોન જોડ્યો..ફોન બીજા બે કલાક સુધી બીઝી હતો…

સંભવ બધી વાતો પુરી કરી પાછો આવ્યો ત્યારે રીટા બપોરની વામકૂક્ષી કરી રહી હતી. તેથી જીઆ ને જગાડી. વાસણો શીલા મમ્મી કહે તે રીતે ગોઠવવા રીટા મમ્મીને કહે.

જીઆને સંભવ  કે જેની દોર તેની મમ્મીનાં હાથમાં હોય તેવી કઠપુતલી લાગ્યો..

 

 

 

 

 

 

પ્રકરણ ૬ રીટાનું જ્ઞાન

જીઆ મમ્મીના ગયા પછી ડાયરીમાં લખવા બેઠી.

મમ્મી બે વાત સહજ રીતે સમજાવી ગઇ.

 • કોઇ તમારું શોષણ ત્યારેજ કરી શકે જ્યારે તમે તે થવા દો.
 • ડર-કશુંક ખોવાનો માણસને ડરપોક બનાવે છે.

સંભવ શીલા મમ્મીને એટલા માટે માને છે કારણ કે તેને ભવિષ્યમાં વારસો ન મળે તે ડર છે. સંભવ જાતે કમાતો થાય તો જેટલી સંપતિ સુરપાપાએ પેદા કરીછે તેથી વધુ તે પેદા કરી શકે છે. તેની પાસે બધીજ તાલિમ છે આવડત છે . પછી એને કામ કરવાની જરુરત નથીનું ઓસડીયુ કેમ પીવાનું?

ક્યારે સંભવ પોતાના નિર્ણયો જાતે લેતા થશે?

પેન તો જાણે આગળ લખતા અટકી ગઇ પણ પ્રશ્નાર્થ ચિન્હનાં એકડા નીચેનું મીંડુ સંભવ બનીને જીઆને ડંખતુ હતુ..નાનો ૩૨ વર્ષનો બાબો જાણે મમ્મી મમ્મી કરીને માનો સાડીનો છેડલો પકડીને ઘુમતો ના હોય?

જીઆ પાછી તંદ્રામાં જઇને સંભવને સાંભળતી હતી..”જીઆ તારે તો કામ જ ક્યાં કરવાનું છે? હું કમાઇશ એટલે તારે તો મારી મુડીને સાચવ વાપર કે ઉડાવ.. મને ખબર છે હોંશિયાર પત્ની એ છે કે જે બે હાથે ખર્ચી શકે અને હોંશિયાર પતિ એ છે કે જે પત્ની ઉડાવી શકે તેના કરતા વધુ કમાતો હોય…”

મુગ્ધ ભાવે તે સંભવ્ને જોઇ રહેતી.

એક નિઃસાશા સાથે તેણે તંદ્રામાંથી ઉઠી..ક્યારે આવશે એ દિવસ.. અરે આવશે ય ખરો કે?

આ વેકેશન..તો મારો જીવ લેશે…

સોની પથારીમાં તેનું પડખુ ફેરવી રહી હતી તે સળવળાટે જીઆને નકારાત્મક વિચારધારામાંથી બહાર લાવી..આઠ મહીનાની જીઆ હવે હસતી મલકતી અને જુદા જુદા ભાવો પણ સ્પષ્ટ રીતે વ્યક્ત કરતી..જ્યારે તે સંભવ જેવી લાગતી ત્યારે જીઆને તો બહુ જ વહાલ આવતુ પણ સંભવને જ્યારે તે જીઆ જેવી દેખાતી ત્યારે તકલીફ થતી. સોની દિવસે દિવસે ઉજળી થતી હતી.

સુર પપ્પા બેબીસીટીંગ અને ડે કેર માટે હજાર ડોલર દર મહીને મોકલતા અને તેથી સંભવ હંમેશા ઇચ્છતો કે જોબ ઉપર જતા સોનીને લઇને જીઆ જાય અને પાછી વળતા તેને સાથે લાવે. તે દિવસે જીઆ જોબ ઉપર જવામાં મોડી પડતી હતી તેથી તેણે સંભવને કહ્યું “સોની જાગે ત્યારે તૈયાર કરીને મુકી આવીશ?”

તે વખતે ફોન ની ઘંટડી વાગી..” મમ્મી..હું તને થોડીવાર રહીને ફોન કરું છું” પણ તે વખતે સંભવે બીજા રુમ માં થી ઘાંટો પાડ્યો..”હું બેબીકેરમાં મુકવા નથી જવાનો.”.અને તે ઘાંટા થી સોની ઝબકીને જાગી ગઇ અને રડવા માંડી આ બંને ઘટના ફોન દ્વારા શીકાગોમાં રીટા મમ્મીને ખબર પડી.

દસેક મીનીટ પછી જોબ પર જતા જતા જીઆ સોનીને મુકીતો આવી પણ.. મમ્મીના સ્વભાવને જાણતી જીઆ ચિંતાતુર મમ્મીને જવાબ આપવા ફોન કર્યો…પહેલી ઘંટડીએ જ એજ અપેક્ષિત ચિંતાતુઅર મમ્મી બોલી” બેટા આટલી નાની સોની ને ડે કેરમાં મુકે છે?”

“ મમ્મી બંને નોકરી કરતા હોત તો મુકતે જને? એમા આટલી ચિંતા ના કર.”

“ પણ સંભવ ઘાંટા કેમ પાડતા હતા?”

“ મમ્મી પપ્પા પણ કદીક ઘાંટા પાડેછે ને?”

“ હા કોઇક ગેરસમજ થૈ હોય તો.”

“ બસ એવું જ માન હું મોડી ઉઠી હતી અને મેં સંભવને વિનંતી કરી કે તે ડે કેરમાં સોની ને મુકી આવે.”

“અને તેણે તને ના પાડી? એવા તે કયા ઘોડા નાસી જતા હતા કે તે ના જઇ શકે?”

“ મમ્મી! મેં કહ્યું ને હું મોડી ઉઠી તે વાત નો ગુસ્સો હતો.”

“ નબળા ઢોરને બગાઇ ઘણી..અને આ ડે કેર નાં પૈસા તુ ભરે છે?”

“ મમ્મી હવે તે બધી ચીકાશ ના કર.. આ મારી એક્ષીટ આવી ગઇ હું ફોન મુકુ છુ.. “ અને ફોન કપાઇ ગયો.

રીટા સમસમીને રહી ગઈ..

સંવાદને કહ્યુ તો તેને પણ જીઆ ની ચિંતા તો થઇ જ. અને તેથી ફીનીક્ષ ફોન લગાડ્યો..

સામાન્યરીતે શીલા જ ફોન ઉપાડે અને રીટા એ પહેલો પ્રશ્ન પુછ્યો “સંવાદ બુમ બરાડા કેમ કરે છે?ક્યારેક કોઇક સોનીનું કામ કરવુ પડે તો ના થાય?” નાની છોકરી ઉંઘમાંથી જાગી જાય તે કેમ ચાલે?”

શીલા પહેલાતો હેબતાઇ ગઇ પછી શાંતિ થી પુછ્યુ શું થયુ છે? તો રીટાએ વેવાણ ને કહ્યું જરા સુર પટ્ટણી જી ને પણ ફોન ઉપર લેશો? સંવાદ મારી સાથે છે.

બંને વેવાઇ અને વેવાણો ફોન પર હતા અને સવારે થયેલી ઘટના કહી. રીટા તો સંવાદ બેબીને રાખતો નથી અને તેને ડે કેરમાં મુકી તે વાત ઉપર ખુબ જ અકળાયેલી હતી તેથી સંવાદે વાતની શરુઆત કરતા કહ્યું..”જો સોની સંવાદથી સચવાતી ન હોય તો જીઆએ નોકરી કરવાની શું જરુરત છે?”

“ જુઓ સંવાદભાઇ તમારી વાત તો સાચી છે પણ બંને ઘરમાં બેસી રહે તો ઘર કેમ ચાલે?”

“ હા તમારી વાત સાચી છે પણ ઘર ચલાવવાની જવાબદારી તો સંવાદની છે ને? તેમનું વેકેશન તો પુરુ થતુ જ નથી.

શીલાબેને ફોન ઉપર જ કહ્યું જુઓ એને જોબ મળશે તો તે કરશે પણ હું માનુ છું કે તેને જોબ કરવાની કોઇ જરુરત જ નથી.”

રીટા કહે “એટલે તમે તેમનું ઘર ચલાવો છો?”

સુર પટ્ટણી કહે” ના એમ તો સાવ નહીં પણ એને જોઇએ તેટલા પૈસા અમે આપતા હોઇએ છે.

સંવાદ કહે પણ ચાલો કોઇક કારણસર જીઆની નોકરી છુટી જાય તો?

શીલા બહુ ગર્વથી બોલી “ સંવાદ તો અમારો એકનો એક છે અમારુ બધું એનું જ છે ને?”

રીટા કહે “ અત્યારે સોની નાની છે ત્યારે એ સ્કુલમાં જતી થાય ત્યાં સુધી સારી જાળવણી અને પોષણ થાય તે જરુરી છે .

શીલા કહે “ “એટલે જ સોનીને ડે કેર માં મુકી છે ને?”

રીટા કહે “આ ઉંમરે ડે કેરમાં તેનો ઉછેર કેવી રીતે થશે..”

શીલા ફરી ગર્વથી બોલી “એટલે તો એને મોંઘા ડે કેરમાં મુકી છે જ્યાં તેનું જતન થાય”

સંવાદે ફોન ઉપર સીધ્ધો સુરને પ્રશ્ન પુછ્યો “ સુરભાઇ હવે ઘણી બધી વાતૂ બદલાયેલી દેખાય છે. લગ્ન પહેલા તો એવી વાતો હતી કે તેને માટે ઘરમાં ૨૪ કલાક્ની બાઇ હશે.. અને તેણે કામ જ નહીં કરવુ પડે..સંભવ હાફ મીલીયન કમાશે.તેને બદલે તો એવું લાગે છે કે તમારા દ્વારા અને જીઆ દ્વારા તેનું ઘર ચાલે છે. આવું હોય તો છોકરીનાં માબાપ તરીકે અમને ચિંતા થાય.”

શીલાએ ફરીથી વાતચીત દોર એના હાથમાં લેતા બોલી “ જુઓ તમે લગ્ન પછી અને એક સંતાન થયા પછીની વાત સમજો. જ્યારે અમે લગ્નની વાતો કરવા આવ્યા ત્યારે અમારે સંભવને પરણાવવો હતો. તે વખતે તમારી દરેક વાતોમાં અમે હા એ હા કરી. હવે લગ્ન થઇ ગયા, છોકરુ થઇ ગયુ.. હવે જીઆ ક્યાં જવાની? સો વાતની એક વાત.. જીઆ કમાશે અને તેના પગારમાં સંભવ જીવશે. આ લગ્ન પછીનું સત્ય તમે જેટલા જલ્દી સમજી જાવ તેટલુ સારુ છે.

સંવાદ અને રીટાનાં કાનમાં જાણે ધગ ધગતુ શીશુ ઉમેરાતુ હતુ…

સંવાદ એક જ શબ્દ બોલ્યો “સુરભાઇ તમે શીલાબેન સાથે સહમત લાગો છો.”

ત્યારે દબાતે અવાજે સુર બોલ્યો “ શું કરું મારે છોકરાને ઠેકાણે પાડવાનો હતો.”

સંવાદ ફરી બોલ્યો..” આ અમેરિકા છે આવી દાદાગીરી અહીં નહીં ચાલે સમજ્યા તમે?”

શીલા “ જીઆ એક જ રીતે અમારે ત્યાં રહી શકશે.. અને તે અમારી રીતે..ખબરદાર જો દાદાગીરી કરી તો?’

રીટા “ દાદાગીરી તો તમે કરો છો શીલાબહેન.”

અને ફોન કપાઇ ગયો

રીટા નું મન બહું જ ભરાઇ ગયુ..”આ છોકરી દબાઇને જિંદગી કેમ કાઢશે?”

સંવાદે વકીલોમાં પુછ પરછ શરુ કરી..તેની નજરો સુર પટ્ટણીને પહેલેથી જ ઓળખી ગઇ હતી પણ જીઆનું મન સંવાદને ઝંખતુ હતું તેથી તે ઘણી બધી ચોખવટો કર્યા પછી તૈયાર થયો હતો. અને તેઓની હા એ હા થી તે છેતરાઇ ગયો.

જીઆને ફોન કરી બધી વાતોથી વાકેફ કરી ત્યારે પહેલી વખત મમ્મી પાસે છુટા મોંએ રડી.

લગ્ન પહેલા એક તબક્કો એવો હતો કે જ્યારે સુરભાઇનો ફોન રોજ આવતો લગ્નથી ગયા તેજ દિવસથી તે બંધ. અત્યારે પણ જે કંઈ કહેવડાવવુ હોય તે શીલા દ્વારા બોલાવાય છે..ખરેખર મીંઢો અને ગણતરી બાજ છે આ સુર.

જો કે જીઆ તો એવું માનતી કે સુર પપ્પા ઘણા સારા છે શીલા મમ્મી ખરાબ છે.

સંવાદે પહેલી વખત જીઆને કહ્યું “શીલા તો ભડભડીયુ મશીન છે..લુચ્ચું શીયાળ તો સુર છે.. સાવધ રહેજે…”

ત્યારે જીઆ ફરી થી રડી “ પપ્પા મારું શું થશે?”

રીટા કહે “ બેટા છેતરનારા લોકો સાથે પનારો પડ્યો છે. આપણો હાથ પથ્થર નીચે છે..ધીમે ધીમે કાઢશું તો ઓછુ વાગશે..વધુ તો શું કહું?”

“ પણ મમ્મી હવે તો તે લોકો વધુ સક્રિય થશેને?”

“ તો ભલેને થતા. આપણે હવે એવું જ કરવું કે જેથી આપણને તે લોકો કોઇ પણ નુકસાન પહોંચાડવા જાય તો ના પહોંચે. અને આપણી નબળી કડી છે તારો પગાર અને સોની.”

“ ના મમ્મી પગાર તો સબળી કડી છે. હું નોકરી ચાલુ રાખીશ તો કોઇ ચું કે ચા નહીં થાય.”

તે દિવસે રાત્રે ઘરે આવીને રસોઇ ના બનાવી પીઝા ઓર્ડર કર્યો. સોની ને રમાડી..સુવડાવી અને ડાયરી ખોલી જુઠુ લખ્યુ…જુઠા લોકો સાથે સત્યથી તો જીતાય જ નહીંને?

તેને સંવાદ બહુ ગમે છે..તેને નોકરી મળશે કે નહીં મળે તેનો કોઇજ ફેર પડતો નથી.પણ તેને નોકરીમાં બહુ જ તકલીફ પડે છે જો લે ઓફ મળી જશે તો શું કરશેની ચિંતાઓ લખી તેને ખબર જ હતી કે તેની ડાયરી સંભવ નિયમિત રીતે વાંચતો હતો.

થોડાક દિવસો તો જાણે કશું જ બન્યુ નથી તેમ ગયા.

શીલા મમ્મીથી તે નારાજ હતો પણ જે નહોંતુ કહેવાનુ તે કહેવાઇ ગયુ હતુ..તેનું પરિણામ શું આવશે તે જોવા માંગતો હતો. તેણે એક વસ્તુ નોંધી હતી..જીઆ શાંત હતી..તેનું ક્રેડીટ કાર્ડ તેનો પગાર બધું નિયંત્રણમાં હતુ.

અને તે દિવસે જીઆએ તેના ખાતામાં થી તેની એજ્યુકેશન લોન નો હ્પ્તો  ભર્યો ત્યારે સંભવ ઉંચો નીચો થયો. તેના હિસાબે આ પૈસા સંવાદે ભરવા જોઇએ.ત્યારે જીઆ કહે મારા ભણતરની લોન મારેજ ભરવાની હોય.

જીઆએ બીજા બે દિવસમાં તેની આખી લોન ભરી દીધી ત્યારે સંભવ ખુબ જ ભડક્યો..” મને પુછ્યા વિના પૈસા તુ કાઢ નહીં. જીઆ કહે પૈસા કંઈ મોજ મસ્તી કરવા નથી કાઢ્યા મારું દેવુ દુર કરવા જ આ વખતનું બોનસ મેં વાપર્યુ છે. અને હા આજે બેંકમાં મને કહેતા હતાકે લગ્ન પછી પહેલુ કામ એ કરવાનું હોય કે બેનીફીશીયરી તરીકે સ્પાઉઝ્નું નામ ઉમેરાવુ જોઇએ તે ડહાપણ અને કાયદાકીય ગુંચો દુર કરતુ અગત્યનું કામ છે. મેં તો મારા ૪૦૧કે માં સુધરાવી લીધુ..તારા એકાઉંટમાં તુ કરાવી દેજે.

“એ બેંકો વાળાને કંઇ કામધંધો નહી એટલે નવા તૂત કાઢ્યા કરે.”

“ સંવાદ મને તો બેંક વાળાએ કહ્યુ અને મેં તને કહ્યુ. ખાસ કરીને ઇન્સ્યોરંસ અને રીટાયર્મેંટ ખાતાઓમાં તો બદલી નાખવા જોઇએ”.

“ નાણા ખાતામાં તારા કરતા વધુ મને ખબર છે બધુ એક ફેમીલી ફંડ જ છે. “

“એ તબ્ક્કામાં જોઇંટ એકાઉંટ કરી નાખીયે તો?”

“ભલે કરીશુ..”

એ વાતને મહીનો થયો હશે જીઆને ફેમીલી ફંડના કેટલાંક એકાઉંટમાં થી એક્સેસ બંધ થઇ ગયું

પંદરેક દિવસ પછી રીટાએ શીલાને ફોન ઉપર પુછ્યુ “સંભવને કામ મળે છે પણ તે કન્સલ્ટીંગ જ કરવા માંગે છે  એમ કેમ?” શીલા બેને ફોન ઉપર જ કહી દીધું “સંભવને કામ કરવાની જરુર જ શી છે? એના બાપાનો વારસો એનો જ છે ને?” શીલાની વાતો માની ને સંભવ ત્યારે તો ખુશ થતો હતો કારણ કે શીલા તેને તેના અનુભવ પ્રમાણે જીઆને કેળવવા જતી હતી. અને તેનો અનુભવ હતો કે ભણેલી ગણેલી હોય તો પણ તે પતિ થી ઉતરતી અને પતિ કહે તેમ જીવવાનુ.. એનો તો પતિ સફળ બીઝ્નેસ મેન હતો જ્યારે સંભવ અસફળ બગડેલ સંતાન હતો.. જેને બગાડ્યા પછી તે જ પૈસાનાં જોરે જીઆ પર દાદાગીરી થતી હતી.

જીઆએ લગ્ન પહેલા આ બધી ચોખવટ કરી હતી..આપ્ણો સંસાર આપણો છે તેમાં મને કોઇ નો હસ્તક્ષેપ નથી જોઇતો..પણ આળસુ સંભવને માબાપ્ને પૈસે જીવવું હતુ તેથી તેને દરેક વાતમાં મમ્મીની સલાહ તો જોઇએ જ…

તેથી દરેક વાતોનો અંત શીલા લાવે

બે એક  વરસ આ બધુ ચાલ્યુ..એક દિવસ માને ગંધ આવી ગઇ રીટા અને શીલા પછી સીધા જ ફોન ઉપર બાખડ્યા.

મારી છોકરીને તમારે ત્યાં નોકરડી બનાવવા નથી મોકલી. ભણેલી છે કમાતી છે અને તેનું હીત શેમાં છે તે સમજે છે. સંભવને આળસુ અને એદી બનાવી તમે બેસાડી રાખ્યોછે તે ખોટુ છે.

ના રે ના તે એદી નથી..પણ તેને કમાવાની જરુર નથી.

રીટા એ જીઆને આ બધી વાતો કહી અને છેલ્લે એક વાક્ય ઉમેર્યુ “ જો બેટા જે જોડા પહેરતુ હોય તેને ખબર પડે કે તે તેને ક્યાં નડે છે.”

“મમ્મી મને તો એ નથી સમજાતુ કે તમારું લગ્ન જીવન આટલુ સરળ કેવી રીતે રહે છે?”

“બેટા લગ્ન જીવન ક્યારેય એક તરફી ના ચાલે અને સૌથી અગત્યની વાત એક મેક્નાં મનમાં આવેલો વિચાર.. શંકા અને ભાવના તરત વ્યક્ત થવી જોઇએ..મન દુઃખ નો ખુલાસો થવો જોઇએ..રાત પડે અને એક મેક્ને બાઝીને અમે જે દિવસે સુતા ના હોઇએ ત્યારે કોઇને ઉંઘ ના આવે.”

“ પણ તેવું થતા તો વરસો લાગેને?”

“ હા. પણ બેટા તારા કેસમાં તેવું કદાપી થવાનું નથી કારણ કે આદર્શ દાંપત્ય જીવનની ખુબ અગત્યની વાત છે એક મેક પ્રત્યે પ્રેમ અને આદરની સન્માન યુક્ત ભાવનાઓ. જેનો વરસાદ તુ ભલેને અનરાધાર કરે.. પણ માલીકીની ભાવનાઓ થી ભરેલો સંભવ પથ્થર છે,,તે ઓગળે અને માટી થાય અને તારી ભાવનાઓને સમજે તેવો તો એક અંશ મને તો નથી દેખાતો. પણ બેટા સાથે સાથે એક વાત એ પણ સમજજે વિધાતાએ દરેક્નાં લેખ જુદા લખ્યા છે તેથી દરેક કહાણી જુદી હોય છે તેથી અન્યની કહાણી સાથે તારી કહાણીનું તરણ તારણ કે સંભવિત અનુમાન ના કરીશ. ભુલી પડીશ.”

થોડી વાર ફોન પર શાંતિ રહી અને એક ડુસ્કું વછુટી ગયુ..અને એજ ધ્રુવ પંક્તિ ફરી જીઆ બોલી “ મમ્મી મારું શું થશે?”

“ જો સમજ હવે આપણે કોઇ બાબતે અણજાણ નથી. આપણે શિકાર બની ગયા છે ત્યારે સૌથી પહેલું કામ એ કરવાનું કે ચોક્કસ થઇને આપણી નબળી બાબતો કે જેના ઉપર આપણું શોષણ થાય છે તેને મજ્બુત બનાવવા માંડો.નોકરી ઉપર સ્થિરતા લાવવા જે કરવુ પડે તે બધુ કરો અને આ પોચકા મુકવાના તો તદ્દન બંધ કરી દેવાના.. સમજી!

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૭

સમજ તો સંભવમાં હોવી જોઇએને?

જીઆ તટસ્થતાથી વિચારતી રહી. મમ્મીની વાત સાથે તેનુ મન સહમત નહોંતુ થતુ..પણ એટલી સૌમ્યતાથી રીટાએ તેને માર્ગદર્શન પણ આપ્યુ અને તેના કથન ને ખંડીત પણ કર્યુ. વિધાતાનાં વિધાનો જુદા છે. દરેક જણાનો જન્મ સમય જુદો, બુધ્ધી શક્તિ જુદી, વિકાસનું સ્તર અલગ અને પરિસ્થિતિ જુદી એ વાત તો તેને સમજાઇ પણ આ ઘટના શીલાને કોણ સમજાવે? તેમણે તેમના શરુઆતમાં વેઠેલી દરેક વાતો મારે વેઠવીજ જોઇએ તેવુ તેમનું માનવુ ખોટુ છે. સુર પપ્પા એ તેમને યોગ્ય રીતે ના જાળવ્યા એટલે સંભવે પણ એમ જ વર્તવાનુ એ વાત કેટલી અયોગ્ય છે?

એની વિચારધારા આગળ ચાલી.

પણ આ સમજ તો સંભવમાં હોવી જોઇએને? તે શીલાનું પ્યાદુ કેમ બને છે? ડોલરની ભુખ જે વારસાનાં રુપે તેને લોલીપોપ બતાવી બતાવીને શીલા તેને નિયંત્રણમાં રાખે છે…જીઆ વિચાર આજ લોલીપોપ તું તેને બતાવી શકે છે..આખી જિંદગી તું કમાવાની છે. તેના બાપાના વારસા કરતા કદાચ વધુ. પણ તે આ જોઇ નથી શકતો.. તે દેખાડવા કંઈક કરવુ પડશે..

મને ફરી ઉથલો માર્યો… છટ..હું તો મારું સુખ લેવા એની પાસે આવી છું..એને ખબર પણ નથી કે મારી ચાહત નો હકારાત્મક ઉપયોગ કરીને તે મારા પૈસા ઉપરાંત ઘણું બધુ પામી શકે તેમ છે. પણ ના. શીલા મમ્મી કહે તે રીતે રહે તો તેની નાણાકિય બાજુ સ્થિર રહે. જ્યારે હું તો હજુ ભવિષ્યમાં નિવડું તો વાળી સોનાની ખાણ છું. જ્યારે શીલા મમ્મી તો આજની સોનાની ખાણ છે.

દીકરાઓ માટે આ પ્રકારનાં માલીકી હક્ક થી પીડાતી માતા શીલા મમ્મી અને દીકરી માટે જ્ઞાન નો અને અનુભવનો પટારો ખોલનારી રીટા મમ્મી વચ્ચે અજાણતા જ સરખામણી થઇ ગઇ અને તે બોલી મારી સોનીને પણ હું જ્ઞાનથી વધાવીશ.

તેના આ જ્ઞાનપિપાસાયુક્ત હ્રદયે આવે વખતે એક ટકોર કરી..કુતરુ કરડવા આવે તો તેને કરડવા ના જવાય પણ લાકડી તો જરુર મરાય. તે જાણતી હતી શીલા મમ્મી ખોંખારા ખાય એટલું જ..બાકી તો સુર પપ્પા મને નોકરી કરવાનું કહ્યા કરે છે તેની પાછળ એક શક્ય કારણ એ પણ હોય કે સંભવનાં ખર્ચા હવે તેમને ન ગમતા હોય..

તેના મને આ હકીકત સાચી છે  કે ખોટી તે નક્કી કરવા એક પ્રયોગ કરવાનું નક્કી કર્યુ..તેનો પગાર જે સંયુક્ત ખાતામાં આવતો હતો તેને બદલે જુદા તેની એકલીનાં ખાતામાં આવે તેમ કરી નાખ્યુ.. હવે તેને રાહ જોવાની હતી પહેલા અઠવાડીયાની.

ત્રણ અઠવાડીયા સુધી કશું થયુ નહીં તેથી જીઆ નવાઇ તો પામતી જ હતી..બે પખવાડીક પગાર ખાતામાં જમા થયા નહોંતા અને સંભવ ત્રસ્ત દેખાતો નહોંતો. પણ આજે શીલા મમ્મીને તે કહેતો હતો..” મમ્મી આ તારી દેશી વહુ તેનો પગાર બતાવતી નથી..તેણે તેની લોન ભરીને મારા ખાતાને કાણું કરી નાખ્યુ અને તેનો પગાર બીજે ફેરવવા માંડ્યો”

શીલા કહે “ હમણા ખમી જા.. મને વાત કરવા દે.”

સંભવ કહે “ મમ્મી હું આ ચાલવા નહીં દઉ.

સુર કહે “ તને જે પૈસા ખુટે તે કહેને હું મોકલી દઇશ.”

શીલા કહે “ ના પણ તેણે તેના પૈસા તો આપવા જ પડે.”

સુરની અનિચ્છા છતા શીલાએ સંભવને કહ્યું હવે આંગળી વાંકી કરવી જ પડશે.

પછી ફોન ઉપર શીલા બોલતી રહી અને તે પ્રમાણે સંભવ તૈયાર થૈ ગયો. જીઆને તેના બળવાનો જવાબ આપવા તૈયાર થૈ ગયો.

સુર હજી થોડોક સમય માંગતો હતો..તેને શીલા ઉપર ભરોંસો ઓછો હતો..એને જીઆ સાથે વાત કરીને સાચુ કારણ જાણવુ હતુ..શક્ય છે કે તે જીઆને સમજાવી જાય.

 

અને તે રાત્રે નક્કી કર્યા પ્રમાણે સંભવે સાંજે તેને ઘરમાં આવવા ના દીધી..બહારનું વાતાવરણ ઠંડુ હતુ..હીમ પડી રહ્યું હતું સોનીને તે દિવસે ડે કેરમાં મોકલી નહોંતી. ફોન ઉપર જીઆ સાથે એક જ વાત હતીકે નવા એકાઉંટનો એક્સેસ આપ. ત્યાર પછી જ તેને ઘરમાં આવવા દેશે.

જીઆ આ પરિસ્થિતિ માટે તૈયાર તો નહોંતી પણ “તેણે તેને એક જ પ્રશ્ન કર્યો એટલે કે તુ તારા બધા એકાઉંટ્માં મારુ નામ દાખલ કરીશને?”

“ વિચારીશ” કહીને સંભવે મોંઘમ જવાબ આપ્યો.

“ ભલે ત્યારે તુ જ્યારે વિચારી લે પછી હું તને મારો નંબર આપીશ”

જીઆ તુ આ સારુ નથી કરતી હં!”

જીઆ કહે “ સંભવ તું સારુ નથી કરતો.. તારુ તારું એ તારું અને મારુ એ પણ તારુ?”

“ હા જરા વિચાર તો કર આટલા મોટા મકાનમાં તુ રહે છે તેનું ભાડુ કેટલુ થાય તે વિચાર્યુ છે? આ ગાડી તુ ચલાવે છે તેનો હપ્તો કેટલો આવે.. તને ઘરમાં મળતી હીટ લાઈટ અને ગ્રોસરી એ બધાનો સરવાળો કર.”

“ સંભવ તું મારો ધણી છે.. આ બધુ મારે વિચારવાનું જ ના હોય.. મારું કામ તને સંતાન આપવાનું છે જે મેં તને સોની આપીને પુરુ કર્યુ છે.”

“ જો એક વાત સમજ મારું મારું તે મારું જ. અને તારુ  તે પણ મારુ.. આ તોફાની રાતમાં તુ ભટક કે મને પગાર જે બેંકમાં જમા થાય છે તેનો પાસ વર્ડ આપ તો ઘરમાં તને દાખલ કરીશ સમજી?

જીઆ એ સુર પાપાને થાકીને ફોન કર્યો..જવાબ તો પહેલે થી નક્કી જ હતો. આપી દેને પાસ વર્ડ ત્યાં સોનીનો મોટેથી રડવાનો અવાજ આવ્યો અને સુર પપ્પા ફરી બોલ્યા જો સોની રડે છે. તેને સંભાળ અને ઉપર જઇને પાછો પાસ વર્ડ બદલી નાખજે..એનો દબાવ કામ કરી ગયો..બેંકમાંથી બે મહીનાનો પગાર તેણે ટ્રાન્સ્ફર કરી લીધો તેનુ નામ દાખલ કરાવ્યું. જીઆ તેના રુમમાં થર થરતી બેઠી હતી. સોનીને ગળે વળગાડી તેણે બેગ તૈયાર કરી.. તેના બે ચાર જોડી કપડા, સોની નાં કપડા અને તેના પાસપોર્ટ સાથે બીજે દિવસે વહેલી સવારે ટેક્ષી કરીને એર પોર્ટ ભેગી થૈ ગઈ.. ઘરમાં થી કશું લીધા વિના હેંડ બેગ લૈને શીકાગો જવા નીકળી. સોની સાથે તે સવારે ૬ અને પંચાવને ઓ હેર એરપોર્ટ  ઉપર ઉતરી. રીટા અને સંવાદ તેને લેવા આવ્યા હતા. મમ્મીને જોઇને તે દોડી..

રીટા બોલી ” બેટા તું ક્યારેય એકલી નથી..અમે બંને બેઠા છીએ..તારા સુખે સુખી અને દુઃખે દુઃખી થવા માટે.”

સંભવે ફોન કરીને સુર પટ્ટણી ને જણાવ્યુ કે જીઆ મહીના માટે આવી છે.અને આગળ વાત કર્યા વીના ફોન મુક્યો.

સૅંટ લુઇ ફોન ની ઘંટડી વાગી અને ઉંઘતા અવાજે સંભવે ફોન ઉપાડ્યો ત્યારે શીલા કીકીયારી કરતી હતી..કરી નાખીને સીધી દોર. ત્યાં સુર પટ્ટણી બોલ્યા તે તો શીકાગો પહોંચી ગઈ છે.

સંભવ અને શીલા બંને બોલ્યા “ હેં? ક્યારે કેવી રીતે?”

“હમણા સંવાદનો ફોન હતો અને તેમ્ણે જાણ કરી કે સોની અને જીઆ શીકાગો મહીના માટે આવ્યા છે સંભવ એ નીકળી ત્યારે સુતો હતો…”

સંવાદને આ પરિણામ ની આશા નહોંતી તેથી ચિંતાતુર અવાજ્માં બોલ્યો “ મમ્મી હવે શું?”

હવે કશું નહીં..બે ચાર દિવસે પાછો ફોન કરજે ને..લોઢુ શાંત પડ્યુ હોય તો ફરી પાછી એવીજ કોઇ ચાલ અને તે તારા ઘરમાં પાછી.

સુર કહે “શીલા આ વખતે તેં ઉતાવળ કરી છે એ પાછી નહીં આવે.”

શીલા કહે “પાછી શું ના આવે સોનીને લઇ ને જતી રહી છે વાળી વાત ચાલશે જ…

સંભવ બોલ્યો ડે કેર વાળીને હમણા જ પૈસા પૈસા આપ્યા થોડુંક વહેલુ આ કર્યુ હોત તો તે પૈસા તો ના ભરત.

“ ચાલો હવે એક મહીનાની શાંતિ..તારે ફીનીક્ષ આવવુ હોય તો આવ.”

 

જીઆ અને રીટાનું થોડું રોવુ ધોવુ પત્યા પછી રીટાએ તેને બે કામ કરવાનાં કહ્યાં નજીકની મોંટેસરી સ્કુલમાં દાખલ કરાવવાની અને તેની નોકરી શીકાગો ટ્રાન્સ્ફર કરવવાની. અને બંને કામ ફોન ઉપર થઇ ગયા.

મોંટેસરી સ્કુલમાં સોની ભણતી થઇ તેનો સૌથી મોટો આનંદ જીઆને હતો.. તે ઇચ્છતી હતી કે સોની ધર્મનાં સંસ્કાર લે માતૃભાષા શીખે અને શક્ય તેટલો સમય વડીલો પાસે રહી ગુણીયલ બને. તેને હતું કે સુર પાપા એને કેળવશે.. પણ જ્યાં દરેક જગ્યા એ મારું મારું ત્યાં કોને સમય છે નાની સોનીને માટે કશુંય કરવાનું? જ્યારે સંવાદ અને રીટા તો સોનીને જોઇ ને અડધા અડધા થઇ જતા હતા.

મહિનો કોઇ પણ ઘટના વિના પતી ગયો..

શીલા ને ચટપટી થતી હતી એટલે તેનો ફોન આવ્યો..એ જ નવાબી અવાજમાં.. “જીઆએ સેંટ લુઇની ટીકીટ કઢાવી?”

સંવાદે ટાઢા અવાજમાં કહ્યુ..”હજી તેની તબિયત સારી નથી એટલે હજી ટીકીટ કરાવી નથી.”

“ સોની કેમ છે?”

“મઝામાં”

ફોન મુકાઇ ગયો. શીલા એમ તો ગાંઠે તેમ નહોંતી એટલે ફરી ફોન લગાડ્યો.

સંભવે ફરી ફોન ઉપાડ્યો. “હેલો”

શીલા જરા ઉગ્ર અવાજે બોલી “તમે વાત પુરી થયા પહેલા ફોન કેમ મુકી દો છો?”

“ વાત કરવા જેવું તમે ક્યાં રાખ્યું જ છે.”

શીલા કહે “એટલે?”

“ તમારે ક્યાં સંભવની ઘર વાળી જોઇએ છે? તમારે તો તેની નોકરાણી જોઇએ છે ને?”

શીલા વાતમાં મોણ નાખતા બોલી “ હવે ગુસ્સો થુંકી નાંખો..લગ્ન થયા છે તેથી સાથે તો રહેવાનું જ છે ને.”

“ તમારા ખોટા સિક્કાને ખરો થવા દો પછી વિચારીશુ”

“ એટલે તેમનું વેકેશન પતે.. સારી અડધા મીલીયન ડોલરવાળી નોકરી મળે પછી વાત કરશું.”

“ મને તમારી વાત ના સમજાઇ.”

“સમજાશે પણ નહીં છોકરાની મા છો ને? છોકરીની માને પુછો તમારા જુઠાણાની પ્રતિક્રિયા” રીટા એ ફોન હાથમાં લેતા કહ્યુ.

“રીટા બહેન એ વિચારીને તો મેં ફોન કર્યો.”

“ કેવા નફ્ફટ અને નઘરોળ છો તમે? થપ્પડ મારીને હવે ગાલ પંપાળવા આવ્યા છો?” રીટા એ ખુબ જ સૌમ્ય અવાજ્માં કહ્યું.અને ઉમેર્યુ “ તમારા નકારા દિકરા માટે મારી સમજુ અને લાયક દીકરીને પાછી હું એ નરકમાં મોકલીશ..તેવું વિચારી પણ તમે શકો છો તે વાતની મને નવાઇ લાગે છે.”

શીલાને ખબર તો હતી જ કે આ વાતચીત સરળ તો નહોંતી. પણ સંભવ માટે તે બધું કરવા મથતી હતી. તેથી તે બોલી “તમે હજી ગુસ્સામાં છો..જરા સમજો થોડી ઉંચનીચ થઇ હોય તો વચલો રસ્તો આપણે કાઢી તે બેને ભેગા કરવવા પડેને?”

“સંવાદે તમને તેજ કહ્યું ને સંભવને સારી નોકરી મળે પછી વિચારીશુ”

“ પણ તેને મળતા સમય લાગેને?’

“ અમારી છોકરીનો અમને કોઇ જ ભાર નથી પડતો…પેટે સમાણી તો ભાણે પણ સમાશે અને હા છોકરીને તેનું હીત શામાં છે અને ક્યાં છે તે અમારે સમજાવવાની જરુર નથી.. આ તેનો નિર્ણય છે અને અમે તેના નિર્ણ્યમાં સાથ આપીયે છે. આ ગામડાની ગમાર કે અસહાય છોકરી ને તમે નથી લાવ્યા કે જે તમારા ઇશારા ઉપર રહેશે…”

“ મને જીઆ સાથે વાત કરવી છે તેને ફોન આપશો?”

“જરુર! પણ એ ઘરે નથી બહાર ગઇ છે.”

“ ક્યાં ગઇ છે? એનો સેલ ફોન બંધ આવે છે તેથી પુછું છું.”

“ હા એ ઘરે ભુલીને ગઇ છે. હવે હું ફોન મુકું છું..મહેરબાની કરી સંભવને ઢંગની નોકરી મળે પછી જ ( જ ઉપર વધુ ભાર મુકતા) ફોન કરજો.

શીલા થોડીક વિનમ્ર બની ને બોલી “ રીટા બહેન તમે તો જે તંત પકડ્યો તે છોડતા જ નથી.. હું આટલી નમીને વાત કરું છું જ્યારે તમે ઉપરજ ચઢતા જાવ છો”

“ તમારી નમવાની વાત પેલી કાગડાનાં મોં માંથી પુરી પડાવવા શીયાળ જે સિફતથી કાગડાને ગાવા ફુલાવતા લુચ્ચા શિયાળ જેવી વાણી છે. પહેલાના જમાનાનો કાગડો હું નથી. પહેલા પુરી મારા પગ નીચે મુકીને પણ હું કા કા નથી કરવાની સમજ્યા.”

શીલા એકદમ સ્તબ્ધ થઇ ગઇ…આટલી ખુલ્લી રીતે તેને ઉઘાડી તેમની જિંદગીમાં કોઇએ પાડી નહોંતી.

પાછળ સંવાદ રીટાની વાત સાંભળી હસતો હોય તેવું શીલાને લાગ્યુ.

શીલાને પહેલી વખત લાગ્યુ કે ખોટો રુપિયો વટાવાઇ તો ગયો છે પણ હવે સાપે છછુંદર ગળ્યા  જેવું બન્યુ છે. સંભવ રીસાઇને બેસી ગયો છે મમ્મી હવે કંઇ પણ કર પણ સોની ને ઘરે લાવ.

તેણે વાતને સાંભળી ના સાંભળી કરીને એક ગુગલી દડો નાખ્યો.

“ જુઓ રીટા બહેન હું સમજી શકું છું કે આપણે વડીલોએ અંદર પડી પડીને બંને છોકરાઓની જિંદગી બગાડવાની શરુ કરી છે.. ચાલો અમેરિકન પધ્ધતિએ તે બંને ને વાત કરવા દો.”

“ શીલા બહેન આપણે નહીં. તમે.. તમે અંદર પડી રોજે રોજની વાર્તાઓ કરતા હતા.. જીઆ તો તમારા થી હ્જાર માઇલ દુર હતી છતા..આ કર અને તે કર કરી કરીને માથુ ખાતા હતા.. તમારી લાગણીઓ ને જીઆ સમજે છે પણ હવે તે લાગણીઓ અહં અને જીદમાં બદલાઇ ગઇ છે. તમે જ્યાં અને ત્યાં તમારા વારસાનાં પૈસાનો ચાંદ બતાવવાનું દુર કરો અને જ્યાં એંટી બાયોટીકની જરુર છે ત્યાં વિટામીન નાં ઢગલાં ના ખડકો. ભાભો ભારમાં રહે તો જ વહુમા લાજમાં રહે સમજ્યા.. આપ વડીલ છો મને આપનું માન રખાવવાનુ ગમે છે પણ આપ તો કોઇ પણ હિસાબે પાછા વળતા જ નથી.”

“ સારુ તો તમે જ કહો શું કરવુ જોઇએ?”

“ સંભવને આ ઇબે અને ડે ટ્રેડીંગમાંથી બહાર કાઢી ઢંગની નોકરી લેવડાવો.. અને જીઆ સાથે તું તું મેં મેં કરવાને બદલે સરખી રીતે રહેતા શીખવાડો. જીઆ જ એની ડુબતી નાવ બહાર કાઢશે.. તેને નોકરાણી નહીં પત્ની તરીકે માનથી રાખી તો જુઓ..આ શું વેખલા જુઠાણા અને દંભનાં દેખાડાઓ… સૌથી અગત્યની અને મોટી વાત એ કે જે ૧૯૭૫ અને ૮૦માં તમે જે જીવન જીવ્યા તે આજે ૨૦૧૨માં છોકરાઓ જીવી જશે તે માનવું જ ભુલ ભરેલુ છે. તેમની પાસે ઇંટરનેટ, ગુગલ જેવી ઘણી સવલતો છે.. એમને તમારા ડહાપણ ની જરુરિયાત ત્યારે જ છે જ્યારે તે લોકો તમને પુછે..બાકી તમે જ્યારે તમારા સમયની દુહાઇ દો ત્યારે તેઓ તમારી વાત તમારુ માન રાખવા કદીક કરશે.. પણ કાયમજ તમને માનશે અને તમારુ કહ્યુ કરશે તે વાત જ ના મનાય..”

“ શીલાએ સાંભળી લીધુ અને તેને જોઇતી દરેક માહીતિ રીટા પાસેથી તેને મળી ગઇ હતી” તેના મોં ઉપર જીઆને ફરી પાછી મેળવવાની કુટીલ કડી મળી ગઇ હતી.

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૮

સંભવ રમકડુ નથી કે જે ખોવાઇ ગયુ હતુ

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

– કૈલાસ પંડિત

છ મહીના બાદ સેંટ લુઇ થી ઇ મેલ આવ્યો. સંભવ નો બે લીટી નો સંદેશો.. તેને સેંટ લુઇમાં જોબ મળી ગઈ છે.. વાર્ષિક પગાર ૪ લાખ છે. હવે તે સોનીને લેવા આવી રહ્યો છે. રીટા અને સંવાદ તો આ ઇ મેલ જોઇને ખડખડાટ હસ્યા..જીઆને જોકે પપ્પા મમ્મી કેમ હસે છે તે ના સમજાયુ એટલે પુછ્યુ “ કેમ આટલુ બધુ હસવુ આવ્યુ?” ત્યારે રીટા કહે “કૌઆ ચલા હંસ બનકે”

“ મમ્મી જરા સમજાય તેવું તો બોલ!”

“ જો બેટા! હવે શીલા ને બદલે સંભવ ખેલમાં ઉતર્યો છે.”

“ એટલે?”

“જો તું એક દુઝણી ગાય છે એની પાસેથી તે ખુંચવાઇ ગઈ છે.”

પપ્પા એ વાતને ઉપાડતા કહ્યું “ શીલાને મેં કહ્યું હતુ ને કે તમારા ખોટા સીક્કાને ખરો થવા દો. એટલે આ સીક્કાને ખરો કરી રહ્યા છે. કૌઆ ને હંસની ખાલ પહેરાવીને તારી પાસે મોકલે છે.”

જીઆ થોડુંક વિચાર્યા બાદ બોલે છે “હા એ જ્યારે કામે લાગે છે ત્યારે પૈસા તો સારા લાવે છે.”

“બેટા, જિંદગી તારી છે પણ એક વાત સમજી લે. જે માણસો જુઠા સાબિત થયેલા હોય તેમને તક આપવી એટલે આપણી મુર્ખતા..”

“ પણ પપ્પા ક્યારેક માણસને પોતાની ભુલ પણ સમજાય કે નહીં?”

“હા. પણ તે માણસ હોય તો.. આતો એકલુ ઝેર છે તેના પારખા કરવા જવામાં જાન જાય.” સંભવ બોલ્યો “અને તેણે બીજી પણ વાત કરી સોનીને લેવા આવે છે. જીઆને નહીં કે તારો ઉલ્લેખ સુધ્ધા નહીં. આ પુરુષ મગજ હું જ વાંચી શકીશ હવે તો તેના ફુંફાડા વધશે તને સાચી રીતે ગુલામ બનાવશે. પહેલા તો તે સાપોલીયુ હતુ હવે નોકરીનાં ઘમંડમાં ફુંફાડા મારતો નાગ બની જશે.”

“ પપ્પા!.. એ કમાતો થયો હોય તો મારે તો આમેય નોકરી ક્યાં કરવી છે?”

રીટા કહે “એટલે એને નોકરી મળી એટલે તેણે કરેલા તારા અન્યાયો તારે ભુલી જવાનાં?”

“ હા મમ્મી તમારા સમાધાનો ટુંકા ગાળાનાં હતા..મારા કદાચ લાંબા ગાળાના.. પણ મને તો આ થોડોક સમય દુઃસ્વપ્ન ગણીને ભુલી જઇશ. મને તો તેના ચહેરામાં પડતા ખંજન બહુ યાદ આવે છે.”

રીટા દીકરીની સામે કરુણાથી જોઇ રહી..શીલા તેનો કુટીલ દાવ ચાલી રહી હતી..તે જોઇ શકતી હતી ૪ લાખના પગારની વાત જીઆને ઝણઝણાવી રહી હતી. રીટા જીઆની આંખમાં કોળતી આશાની કળીઓ જોઇ રહી હતી..બીચારી આખું લગ્ન જીવન ખોટી આશામાં જીવી હતી..અને હવે એ દિવસો આવી રહ્યા હતા.જ્યાં તેને આશા બંધાતી હતી..

રીટાએ જીઆને ઝંઝોટતા કહ્યુ..”સંભવ રમકડુ નથી કે જે ખોવાઇ ગયુ હતુ અને તને પાછુ મળે છે. હજી તેલ જુઓ..તેલની ધાર જુઓ જીઆ મને સૌથી ખોટી વાત દેખાય છે તે છે સોની ને લઇ જવાની વાત. સોની પહેલા તું છે.. તને લઇ જવા કેમ નથી આવતો?

જીઆ રીટાની વાત સમજતી હતી.તેથી તેણે વિચાર્યુ કે અગાઉની બધી વાતો મૌખીક હતી..આ વખતે તેને લેખીત બનાવીને રાખીશ.

તેના હ્રદયે ફરી એક વખત એજ કહ્યું જે મમ્મી કહેતી હતી..એના વચનોની શું કિંમત? ફરી ફરી નહીં જાય તેની કોઇ ખાતરી ખરી? લેખીત વાતોને તો એમ પણ કહીને ઉભો રહે કે .

તેં બળ જબરી કરી સોનીને બાનમાં રાખી ને કરાવ્યુ…પહેલી વખત એને એવું લાગ્યુ કે તેણે ઉતાવળ કરી..થોડુંક સહી લીધુ હોત તો સારુ હતુ.

એનું મન દ્વીધામાં તો હતું જ..સોની નાં ફોટા અને વીડીયો ચેટીંગ દરમ્યાન સોનીની વધતી ઉંમર જોઇને બાપનું હ્રદય પણ પીગળતું હોયને.. આખરે તો તે માણસ છે.

તેણે ડાયરીમાં લખ્યુ

સંભવ.

તેં મને અત્યાર સુધી ભલે કંઈ ના આપ્યુ.. અને ના સાંભળ્યુ પણ હું આટલુ તો જરુર જ કહીશ

 • મને વિના કારણ ગાળો નહીં દેવાની
 • નોકરી એ જતા પહેલા અને પાછા આવીને પ્રેમ થી વર્તવાનું ઘરવાળા ની જેમ..બૉસની જેમ ઘાંટા ઘુંટી નહીં કરવાની ખબર છે ને સોની ને આપણે કેળવવાની છે.
 • હું હવે નોકરી નહીં કરુ.. ઘરની બધી જવાબદારી સંભાળીશ..સોની હવે સ્કુલે જશે..તેને ઉછેરવાની.. ભણાવવાની અને જાળવણીનું કામ મારું.
 • તું શીલા મમ્મીને આપણી વચ્ચે વચ્ચે નહીં લાવે. અને ખાસ તો તેમના પૈસા ઉપર રમવાનું છોડ.. જો કે હવે તો તને એવો સમય મળવાનો જ નથી..ખરુંને?
 • તુ મને સામે પુછ કે આટલુ તને મળે તો મને તું શું આપીશ? મારું આખું જીવન તારું છે. મને તો આપણા બે વચ્ચે હવા પણ જોઇતી નહોંતી અને તું ક્યાં આ મમ્મીનો પલ્લુ પકડીને બેસી રહ્યો છે.ગ્રો અપ મેન..

આટલુ લખ્યા પછી પેન અટકી ગઇ વિચારોએ બીજી દિશા પકડી.. મારે આ બધું માંગવાનું હોય? આતો લગ્ન સાથે મળેલા અધિકારો છે સપ્તપદીનાં ફેરામાં આ બધુ ગોર મહારાજ બોલતા હતા.

તુ ખુબ ભોળી છે તેવું મમ્મી મને વારંવાર કહે છે.પણ હું દુરગામી જોઉં છું તેણે જે બધુ કર્યું તેમાં શક્ય છે હું ભુલો પણ કરતી હૌ અને તે સુધારવા મને તે ઘાંટા પાડી પાડી સમજાવતો કે શીલા મમ્મી પાસે મને ઠપકો આપી ને કરાવતો.

મનની વિચારધારાને અટકાવતા મક્કમતા થી તે બોલી

ના એ હરગીઝ નહીં ચાલે. આપણી વાતો આપણી કહાણીઓનો રીમોટ કંટ્રોલ પણ આપણી પાસે જ હોય. સમજ્યો.. જ્યારે કંઇક કહેવુ હોય , કરવુ હોય ત્યારે આપણે બંને સાથે બેસીને એકબીજાનાં વિચારો જાણીને સમજીને નિર્ણય લેવો જોઇએને? બે પુખ્ત માણસો ની જેમ…

અને હા સોનીને લઇ જવા આવી શકે પણ મારો તો ક્યાંય ઉલ્લેખ જ નહીં..પહેલા હું છું તેથી સોની છે…સગવડીયા ભરથાર આવોતો ખરા? મનમાં અને મનમાં મલકતી એ ક્યારે સુઇ ગઇ તેની તેને ખબર પણ નાપડી.

બીજા રુમ માં સંવાદ અને રીટા વિચારતા હતા આ નવો ગાળીયો જીઆ ના પહેરે તો સારુ.

સંવાદ કહેતો કે “ યુવાન લોહી છે જીઆનું એટલે તું શાંતિ થી વાત કરજે પણ મને તો આ નવું છટ્કું જ લાગે છે.”

રીટા કહે “ ફરીથી કોંટ્રાક્ટ જોયો? તે લોકોએ લખ્યુ છે તમારી કારકીર્દી તપાસ થૈ નથી. તેમાં કોઇ વિઘ્ન હશે તો તમને મુક્ત કરવામાં આવશે.”

સંવાદ કહે “ હા પણ તે તો કાનુની ભાષા છે દરેક કોંટ્રાક્ટમાં હોય જ છે.

રીટા કહે “ પણ તે થશે ત્યારે શું?”

“ જીઆને ફરી થી એકડો માંડવાનો”

“ એટલે તું એમ માને છે કે આપણે જીઆને ફરીથી તે નરકમાં મોકલવાની છે?”

“ના અને હા.”

એટલે મારું ચાલે તો ના અને જીઆ જીદ પકડે અને જવા ઇચ્છે તો હું સમજાવીશ અને ના સમજે તો “ કલ્યાણ થાવ” કહીને મોકલવાની

રીટા કહે “ સંવાદ ના અને ના જ. કાગડો ગમે તેટલો રીયાઝ કરે  તે કોયલ કંઠ ના જ પામે…”

“રીટા આ વાતમાં આપણે નિર્ણાયક નથી આપણે સહાયક છીએ..આપણે તેને સમજાવી શકીયે..પણ તે સંભવનાં ગળાડુબ પ્રેમ માં છે..આપણું કહ્યુ ના માને તેવું પણ બને.”

“હા ત્યાં જતો આપણે માતા પિતા બનવાનું છે. અને ખાડામાં પડવા જતી દીકરીને ખાડામાં ના પડે તેવો રસ્તો કાઢવાનો છે.”

“ભલે માતા પિતા બનીશું પણ એટલા બધા ભાવનામાં ના વહી જઇએ કે શીલા જેમ કરે છે તેમ આપણે પણ કરવા લાગીયે..”

સંવાદની વાત લાલ બત્તી ની જેમ રીટાની સામે ઝબકવા લાગી. “ હા. સંવાદ તમે સાચા છો. આપણે તો ખાલી એટલું જ જોવાનું કે જીઆ દુઃખી નથીને? જો તેના પ્રશ્નો જો આમ ઉકેલાતા હોય તો આપણે તો રાજી રાજી..”

 

 

 નિર્ધારીત દિવસે સંભવ આવ્યો…સોની માટે બાર્બી ડોલ અને બેગ ભરીને રમકડા લઇને આવ્યો હતો. થોડુંક વહાલ કરીને તેણે સંવાદ તરફ નજર રાખીને જીઆને પુછ્યું “ જીઆ હવે તો તું રાજીને?”

જીઆ ઓગળી રહી હતી તેની આંખોમાં થી શ્રાવણ ભાદરવો વહેતો હતો..તેણે ધાર્યુ નહોંતુ કે સંભવ તેને આમ વહાલથી જોશે અને વાત કરશે..તેના મનમાં પહેલી વખત થયું કે સંભવ તેને ચાહે છે.

 બીજી જ ક્ષણે સંભવનો વિકૃત ચહેરો દેખાયો કે જે કહેતો હતો કે “ પાસ વર્ડ આપ નહીં તો રખડ્યા કર આખી રાત બહાર”

તરત તે ઉભી થઇ અને બાથરુમમાં જૈ તેણે આંખો સાફ કરી. મનને હુકમ કર્યો કે પોચકા મુકવાનો આ સમય નથી..પુખ્તતાથી ખોંખારો ખાઇને બહાર નીકળી..હર્ષનાં આ આંસુઓ ક્યારે દગો દૈ જાય તેની ખબર નહીં.

“સંભવ કઇ વાતે મારે રાજી થવાનું?”

“ મને નોકરી મળી ગઇ તે વાતે રાજી થવાનું.”

“ સંભવ આપણી વચ્ચે નોકરી ના હોવાને કારણે મન દુઃખ નથી થયુ..તારી મારી સાથેની વર્તણુંકનો મને વાંધો હતો..તને તો તે ખબર છે જ.”

“જીઆ! એ નઠારા વર્તન અને કડવી વાણીનો મને અફસોસ છે.ચાલ હવે આપણી જિંદગીને માટે ફરી એક વખત સપ્તપદીનાં ફેરા ફરીએ.. અને એક મેકને વહાલ કરીયે. રીટા જોઇ રહી હતી કે કાચીંડો રંગ બદલી રહ્યો છે.

ચા નાસ્તો કરતા કરતા બટરનાં અનેકાનેક ડબ્બા ઠલવાઇ ચુક્યા. એક રંગમંચનાં અનુભવી સંવેદનશીલ કલાકારની જેમ કેટલીયે વખત એની આંખમાં થી આંસુ પણ પાડ્યા અને સોનીનું બચપણ ગુમાવતો હોય તેવા વિલંબ નિઃસાસા પણ નાખ્યા.. સોગંદો ખાધી.

જીઆને તેની સાથે રડવું હતું પણ તે આંખમાંનાં દરિયાને સુકાવી બેઠી હતી.

અભિનયનો એક અંક પુરો થયો અને જીઆ એ પ્રશ્ન પુછ્યો” લગ્નની સપ્તપદી પર ગોર મહારાજ બોલ્યા હતા તે વચનો આપણે લેખીત કરીયે?

રીટા અને સંવાદ માટે આ એક બોંબ હતો

તેઓ સમજી ચુક્યા હતા કે જીઆ પલળી ચુકી છે અને સંભવ જેવો કુટીલ ખેલાડી હવે કોઇ વાતને ના કહે જ નહીં

જીઆ એ પેન અને પેપર સંભવને આપ્યા અને કહ્યુ લખો

 • આપણા લગ્નજીવનમાં, રસોડામાં, અને આપણા સહ્જીવનમાં આપણે એક બીજાનું માન રાખશું. સંભવે લખ્યુ અને જીઆ એ સહીં કરવાનું કહ્યું. સંભવે સહીં કરી
 • હું એટલુ કમાઇશ કે જીઆને કામ કરવું જ ના પડે. અને સંભવે સહી કરી
 • શીલા મમ્મી કે રીટા મમ્મી કોઇ જ આપણી મરજી વિરુધ્ધ આપણને કરવા કહે તો નહીં કરવાનું કારણ કે આપણી જિંદગી તે આપણી છે..આપણે સાથે બેસીને દરેક પ્રશ્ન નો હલ કાઢીશું સંભવે લખ્યુ અને સહીં કરી.
 •  આપણ ને જ્યાં ગુંચવણ લાગે ત્યારે પપ્પા મમ્મીની સલાહ લેવાની..તેમનો રસ્તો માનવો કે નહીં તે બંને એકમત થઇ નક્કી કરવુ. સંભવે સહીં કરી.
 • ઘરમાં અને વનમાં..૨૪ કલાક્નાં સહયોગમાં કોઇને ઘાંટા કોઇએ પાડવા નહીં અને નીચે ઉતારી પાડવાનાં નહી.
 • દાંપત્ય જીવન ઉભ્યપક્ષની દૈહિક જરુરિયાતો પુરી પાડવા સાચા મનથી અને આનંદથી વર્તવુ. સંભવે સહી કરી.
 • પૈસાનો વહીવટ પહેલા બે વરસ સંભવે કર્યો હવેના બે વરસ જીઆ કરશે. સંભવે સહીં કરી..

તે દિવસે સાંજે જીઆ એ લાપશી રાંધી. રીટા અને સંવાદને જીઆ સાથે વાતો કરવાની તકના મળે એટલે સંભવ જીઆ ની આજુબાજુ જ રહેતો હતો. તેના દાવની પૂર્તિ માટ એ ખુબ જ જરૂરી હતુ.. તે જીઆનાં ભોળપણ ને સારી રીતે જાણતો હતો.

જીઆ માનતી હતીકે ભુલ આ રીતે સુધરી રહી છે…લેખીત કાગળીયા મમ્મીને આપીને બીજે દિવસે સવારે સેંટ લુઇ જવા નીકળવાની હતી ત્યારે પપ્પાએ એક જ વાક્ય કહ્યુ..” બેટા અમે તો અમારા અનુભવો કહ્યા..પણ તે તમને યોગ્ય ના લાગ્યા તે સમયે ફક્ત એટલું જ કહીશ. તુ સુખમાં હોઇશ તો અમને બમણું સુખ થશે અને દુઃખમાં હોઇશ તો અમર્યાદ દુઃખ થશે. આ ઘર અને આ મા બાપ તમારે માટે સદા સુખ આપવા બેઠા છે.

પ્લેનમાં સોની સંભવ સાથે સુઇ ગઈ હતી

સેંટ લુઇ આવીને કાચીંડો પાછો અસલી રંગમાં આવી ગયો.. જુઠુ બોલનારાઓને અને તેમનાજ જુઠાણામાં તેઓ તરત પકડાતા હોય છે. બરોબર જ એમ બન્યું. પંદરેક દિવસમાં શીલા મમ્મી સાથે વાતો શરુ કરી અને જીઆને ધમકાવતા શીલા મમ્મી બોલ્યા..”ડોલર દેખ્યાને પુંછડી પટ પટીને?”

જીઆ કહે “મમ્મી તમને ખબર છે ને હું પરાણે તમારા ઘરમાં ઘુસીને નથી આવી. તમે જાન કાઢીને આવ્યા હતા. વાજતે ગાજતે સપ્તપદીનાં ફેરા ફરીને આવી છું.”

શીલા મમ્મીને ખાલી ખખડાવતો હોય તેમ બોલ્યો “મમ્મી અમારી જિંદગીમાં માથુ મારશો નહીં.” અને કૂટીલ હસ્યો..

સામેથી તેજ પ્રકારનું હાસ્ય શીલાનું પણ સંભળાયુ. જીઆ ધણીને પોતાના વગો કરવા વર્ષો નાં વર્ષો જોઇએ..જે તમને તરત જોઇએ? કૂટીલ હાસ્ય ફોનમાં થી સ્ફુટતું રહ્યુ..

જીઆ નાં પેટમાં તેલ રેડાયુ..

“મારી છોકરીને લઇને તુ ભાગી ગઈ હતીને? હવે જો બહું ચું ચૂં કરીશને તો આ એસીડ થી તારી સોનીને દઝાડીશ સમજી? ચુપ ચાપ જેમ ગુલામડી થઇને આગળ રહેતી હતીને તેમ રહે સમજી?”

 સંભવનાં બદલાયેલા વર્તનથી હેબતાઇ ગયેલી જીઆ તરત તો કશું ના બોલી પણ તેની આંખમાં મોટો પ્રશ્ન હતો..”સોની તારી પણ છોકરી છે ભૂંડા!”

જીઆ સમજી ચુકી હતી કે તે કેદ થઇ ગઇ છે.

તેને અફસોસ તો બહુ થયો મમ્મીની વાત ના માનીને.પણ હવે શું કરવાનું?

૯૧૧ ઉપર ફોન કરું? મમ્મીને ફોન કરુ? પછી અંદર એક મા જીઆ ઉભી થવા લાગી. મારી સોનીને બાનમાં રહેવા નહીં દઉં.

ગાડી લૈને વોલમાર્ટમાંથી એક નાનુ પણ પાવરફુલ ટેપ રેકોર્ડર લૈ આવી અને દરેક વાતો.. જોકે દરેક વાતો તો ઝઘડા અને ગાલી ગલોચ જ હોય અને ક્યારેક શીલા મમ્મી એ બહુ કાન ભર્યા હોય તો ગાલી ગલોચ અને ઘાંટા સાથે સાથે વાસ્ણો તોડવાનો પ્રોગ્રામ ચાલે. પૈસા તો સુર પટ્ટણીનાં જ ઘટતા હતા.

નોકરી શીકાગોથી અહી લૈ આવ મને પૈસા આપ..ની બ્રોકન રેકોર્ડ ચાલતી હતી.

અને એવો એક ઝઘડો થયો કે જેમાં બાજુનાં રુમમાં ઘાંટા પાડતા સંવાદનું આખું જુઠ રેકોર્ડ થઇ ગયુ..તેણે કેવી રીતે જુઠુ બોલીને તેને ફરીથી ફસાવી અને બહુ બબાલ કરશે તો સોની ઉપર તેજાબ નાખવાનો પ્રયોગ તારી ઉપર હું કરીશ.

જીઆ આની જ રાહ જોતી હતી.

ટેપ રેકોર્ડર, સોનીનાં કપડા, જીઆનાં કપડા બોક્ષમાં ભરીને શીકાગો પોષ્ટ કરી દીધા. વહેલી સવારે સોનીને લૈને ફરી શીકાગોની રાહ પકડી..૨૮ દિવસ તો જાણે ૨૮ વર્ષની જેલ કાપી હોય તેવા માનસિક જુલ્મો સહીને જીઆ શીકાગો પહોંચી.

પપ્પા અને મમ્મી એરર્પોર્ટ ઉપર હતા. સોની ખોળામાં ઉંઘતી હતી. તે વિચારતી હતી કે જો તેજાબ મારા ઉપર નાખવાની વાત કરી હોત તો તરત ત જેલ બેગો કર્યો હોત. પણ સોનીને ધાકમાં રાખી હતી તેથી જ જીઆ મજબુતાઇ સાથે નીકળી. આખરે મા હતીને? મમ્મીને જોઇને તે ફરી રડી..” મમ્મી મારું શું થશે?” ‘સૌ સારુ થશે બેટા”

પ્રકરણ ૯ રુપાળો દગો

સંવાદે ફીનીક્ષ ફોન કરીને સુર પટ્ટણી ને જણાવ્યુ અને કહ્યું સંભવે આખરે પોતાની જાત બતાવી દીધી. હવે જીઆની કે સોની ની નજદીક ૫૦૦ ફીટ સુધી તમારામાં થી કોઇ દેખાશે તો રીસ્ટ્રૈન ઓર્ડર મુજબ જેલમાં જવાની તૈયારી રાખજો. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે.

સુર એજ દબાયેલા અવાજે બોલ્યો.. “હું શું કરુ?શીલા અને સંભવ મને સાંભળતા નથી”

સંવાદ મોટા અવાજે ફરી બોલ્યો..એના ઇબે પર અને શેર બજારનાં બધા ફ્રોડ મને ખબર છે. મને તો એક જ ફોન કરીશ અને તેને જેલમાં બેસાડી દઇશ તે કહેજો અને ભુલે ચુકે પણ સોની ને મળવા કે ઇમોશન્લ બ્લેક મૈલીંગ કરવા આવે નહી તેમ કહી દેજો.

જીઆ આ વખતે રડતી નહોંતી તે સારી નિશાની હતી પણ તેની આંખોમાં છેતરાયા હોવાની ભાવના બળૂકી બની ને ડોકાતી હતી. તેને વારંવાર થતુ હતુ એકના એક ઝેરનાં પારખા કેટલી વખત કરીશ જીઆ? સંભવ પરની પ્રીત એ રુપાળો દગો છે.સોની ઉપર તેજાબ નાખીશ.. તારા ઉપર તેજાબ નાખીશ..

આટલી હદ સુધી જે માણસ જતો રહી શકે તેની સાથે ભવિષ્યનાં ઉજળા સ્વપ્ન કેવી રીતે જોઇ શકે છે? તેના ગાલમાં પડતા ખંજનોને જોઇ જોઇને આખી જિંદગી જીવી જઇશ વાળી વાતો બીન વહેવારીક છે અને હવે તો સોની પણ છે. તે પણ દિવસે દિવસે મોટી થશે.અને પ્રશ્નો પણ પુછશે. મમ્મી પપ્પા સાથે કેમ નથી રહેતા?

એણે કેસેટ ચાલુ કરી..સંભવનાં ઘાંટા અને તેના પ્રત્યુત્તરો સાંભળ્યા કર્યા. તેને આ વખતે તો સ્પષ્ટતાથી સમજાઇ ગયેલ કે સંભવ સાથે ના રહેવાય..બહુ કાચા કાન નો માણસ છે. તેને બદલાતા વાર નથી લાગતી. આવો જુઠા અને લબાડ માણસ ઉપર આખા ભવનો ભરોંસો કેમ મુકાય?

ડાયરી ખોલી અને તેણે નોંધ મુકી

ઓ પ્રભુ કેમ કરી શમે આ જલન પ્રેમની

દીપક છે સાવ ઝાંખોને મેઘ ચોતરફ છવાયો

બીજે દિવસે રીટા એ કહ્યું પારુલબેન બેંકર ને બોલાવીએ અને થોડીક વાતો પુછી લઇએ.. ખાસ તો વકીલની બાબતે તેમનો અનુભવ કેવો છે. કારણ કે હવે તે ઝનુને ભરાશે..

સંવાદ કહે એ ભલે ઝનુને ભરાય પણ આપણે ચુડીઓ પહેરીને નથી બેઠા..કુતરુ કરડવા આવે તો સામે કરડવા ભલેને ના જવાય..લાકડી તો મરાય જ..

રીટા કહે તેમના વકીલને આપ્ણે રાખીશું

તે દિવસે સાંજે પારુલબહેન આવ્યા. સંભવે થોડી ઘણી વાત તો કરેલી હતી તેથી તેમણે તો આવતાની સાથે જીયાને અભિનંદન આપ્યા. અને બોલ્યા “ જીઆ તને મારી વાત તો હું શું કરું? ૫૮ વર્ષની વયે ૩ પરણવા લાયક છોકરાઓ સાથે મેં પરેશને કહ્યું- “બસ હવે બહુ થયુ..મને તારો આ સંસાર નથી સંભાળવો..કે નથી લેવો કોઇ પણ તારા થકીનો સંતાપ…”

લગ્ન થયાનાં સમયથી બહુ મનમેળ નહીં. પરેશ એન્જીનીયર.. તેથી પોતાની જાતે કહે હું સીમેંટ અને હથોડાનો માણસ.. મને તારી કલ્પનાઓ માં ઋજુ અને મૃદુલ તુ કલ્પે અને તેના જેવોજ હું થઇ જાઉ તે આશા જ ના રાખતી. હું તો જે છું તે આ છુ. બરડ લાકડુ.

લગ્ન કરીને અમેરિકા આવી.એક પછી એક બાળકો થયા..સમય જતો ગયો અને મારી કવિતા, લાગણીઓ અને પ્રેમનું જળ તેને કદી ન સ્પર્શયુ હું મારા એકાંતોમાં તેને ઝંખતી તો કદીક મારા ભાગ્યને દોષ દેતી..ક્યાં આ લાગણી હીન અને શુષ્ક માણસ સાથે મારો પનારો પડ્યો.

મારા સાસુ આ બધુ સમજતા અને કહેતા પારુલ પરેશનું ઘર માંડીને રહી છુ તે આ ત્રણ બાળકોનું તકદીર છે.. તેઓને આ ધરતી પરનું અવતરણ તારા થકી છે. તે બદલાવા ચહે છે પણ તેને ફાવતુ નથી. તેથી તારી સાથે લો લાવો અને પડતુ મુકો વાળો વહેવાર છે.

મારી આંખમાં થી સરતા આંસુઓને તે લુંછતા અને કહેતા..તુ સાચી છે. એવો એક દિવસ આવશે જ્યારે તને તે સમજશે. એ દિવસની આશામાં જિંદગીનાં ત્રીસ વર્ષો નીકળી ગયા. હવે તો બાળકો મોટા થઇ ગયા છે.તેઓએ જ અમારા માનસિક કજોડાને છુટવા માટે બળ આપ્યુ અને આજે હું મારી રીતે એકલી મારી જિંદગી જીવી રહી છું. ફક્ત એક અફસોસ સાથે કે આ કામ વહેલા કેમ ન કર્યુ…

જીઆએ કહ્યુ..”મારા દુઃખનો પ્રકાર થોડો જુદો છે એને હું નહીં મારા પૈસા જોઇએ છે મને તે આપવાનો વાંધો નથી પણ મને ગુલામડીથી વધારે કંઇ તે ગણતો નથી..અને તેની ચાવી જાણે શીલા મમ્મી..તે જેટલુ કહે તેટલું જ પાણી પીવાય.”

પારુલબેન કહે “ મેં તને અભિનંદન એ વાતનાં જ આપ્યા કે તુ લગ્નજીવન ના શરુઆતનાં તબક્કે જાગી ગઈ છુ. મારી જેમ ૩૦ વર્ષ જેટલી રાહ નથી જોઇ. સોનીનો જન્મ થવાનો હતો એટલે તમે મળ્યા..આખુ જુઠાણાનું પ્રકરણ રચાયુ..હવે તારા નસીબને કે સોની ના નસીબને દોષ દૈ બાકીની જિંદગી અફસોસ ન કરીશ… સો વર્ષની આયુમાં બે પાંચ વર્ષ ક્યાંય નહીં દેખાય.”

જીઆ કંઇક અસંમજસમાં અને દ્વીધામાં માથુ હલાવતા બોલી “ પણ આંટી મેં તો સંભવને ચાહ્યો છે હ્રદયનાં ઉંડાણોમાં થી અને તેથી એક ભવમાં બે ભવ નથી કરવા.”

પારુલબહેન કહે “ તુ ડરે છે તેનાથી અને તેથી તેનો તારા તરફનો દુર્વ્યવહાર ચલાવી લેવા માંગે છે કાંતો તને એવું છે કે બીજો પણ કોઇ આવો નહીં મળે તેની શું ખાતરી ખરુને?”

રીટા કહે “ એને તો ખબર જ નથી કે પ્રેમ બેતરફી હોય તો જ તે આખો ભવ ચાલે.. એક તરફી પ્રેમનાં અંજામ હંમેશા આંસુ અને નુકસાન હોય છે.”

પારુલ કહે “ રીટા સાચુ કહે છે જે હું ૩૦ વર્ષ લગ્નજીવનમાં તન મન અને ધન નો ભોગ આપીને કહી શકીશ. અને હા આ એકતરફા પ્રેમને ચાંદ અને ચકોરી કે સુરજ અને સુરજમુખી જેવું ઉર્મિશીલ માણસો કહે પણ તે બીન વહેવારિક છે.અને તેથીજ જ્યારે સમજાય કે સુરજ અને ચાંદ ક્યારેય મળવાનાં નથી ત્યારે ભારે ભગ્નતા આવે છે.

“ આંટી મારી સોની ને બાપનાં પ્રેમથી વિમુખ રાખીને હું તેને અન્યાય નથી કરતી?”“

બસ આવું જ વિચારીને મેં મારી જિંદગીની ધુળ ધાણી કરી. સંતાન જ્યાંસુધી સમજણું ના થયું ત્યાં સુધી જ મા બાપની જવાબદારી..ત્યાર પછીનો લગાવ એટલે કાં ભારણ અથવા મનદુઃખ અથવા બંને.. “

સંવાદ હવે બોલ્યો “બેટા! સોની તો તેને મન ગાયનું વાછરડૂ છે કે જે લઇ લે તો ગાય પાછળ એમને એમ ચાલી આવે. આજે નહીં ને કાલે તે કમાશે અને તારા દિવસ બદલાશે તે માન્યતા પાણી વલોવીને દહીં કાઢવા જેવી બોદી છે. તુ સ્વિકારી લે બેટા કે સંભવ એ ભૂલ છે જેને તારા વિચારોમાં થી જેટલી જલ્દી તુ કાઢે તેટલુ સારુ છે.”

થોડીક વારમાં ગરમાગરમ દાળઢોકળી પીરસાઇ અને જમવાનાં ટેબલ ઉપર ચર્ચા આગળ ચાલી.. જીઆ કહે “હું માનું છું કે મારે મારી દરેક કાર્યવાહીનો જવાબ મારી સોનીને આપવાનોછે જ્યારે તે સમજણી થશે ત્યારે તેથી કોઇ પણ નિર્ણય લેતા પહેલા ચારે બાજુથી વિચારીને આગળ ચાલવાનુ છે.”

પારુલબહેન થોડા વિચારમાં પડ્યા અને બોલ્યા. “આજની પેઢીની વિચારસરણી કેટલી પાકટ છે? તારી ઉંમરે મને તો આવો વિચાર પણ નહોંતો આવ્યો..પણ હા આવા વિચારને મારા જેટલો બહુ બધો સમય ના આપીશ કારણ કે મનનાં અશ્વો ખાલી સંકેતની જ રાહ જોતા હોય છે..મનને માટે લાભ નુકસાન હોતા નથી.માલ મળે કે માર સહન તો તારેજ કરવાનુ છે.”

દાળમાં ઢોકળી એ રીટા અને સંવાદનું ભાવતુ ભોજન એટલે રીટાએ પારુલબહેન ને પુછ્યું “આપને ઢોકળી ભાવી કે બીજું કંઇ ખાવાનુ આપુ?”

પારુલબહેન કહે” ના રે ના બહુ સ્વાદીષ્ટ છે ઢોકળી..લવિંગ ખારેક અને ખજુર માપસર છે તેથી મઝા આવે છે..ગોળ અને ખાંડ કરતા ખજુરની મીઠાશ સરસ છે. હું તો હજી બીજી વાર લઇશ.”

“ભલે..પારુલબહેન આપનો વકીલ કોણ હતો અને અંદાજે શું ખર્ચો આવેલો?”

“ મારી મોટી નો વર જ વકીલ છે તેથી અમે તો ખર્ચો નથી કર્યો. અન્યોન્યની સંમતિ થી અમે ડ્રાફ્ટીંગ કર્યુ અને કોર્ટમાં રજીસ્ટર કરાવી દીધું અને કોર્ટ ફી ભરી દીધી.બીજે દિવસે જજની હાજરીમાં સહીઓ કરી અને તે દિવસથી છુટા.. પણ તમારા કેસમાં કદાચ લાંબુ ચાલે અને વકીલોને પેટભરી નાણા આપવા પડે તેવું બને ખરું.

“તમારા જમાઇને આ બાબતે વાત કરાય ખરી?”

“ હા પણ તેઓ ન્યુ જર્સીમાં પ્રેક્ટીસ કરે છે.તમે અહીંના કોઇક શીકાગોમાં જાણીતા વકીલની મદદ લેવાય તો લો ને?”

રીસ્ટ્રૈન ઓર્ડર જેમના થકી લેવાયો હતો તે વકીલ દ્વારા જુડીનો સંપર્ક થયો અને ત્રણ મુદ્દા ઉપર એટેક હતો..

 • સોનીનું પઝેશન
 • શીકાગો રહેવાનું
 • મકાનમાંથી નામ કઢાવવાનું

કલાકોનાં કલાકો જશે અને વકીલનું મીટર વધતુ જશે તેવી ખબર હોવા છતા તે દિશાએ ચઢવાનું કારણ હતુ સંભવનો વિચિત્ર વહેવાર.. કોઇનાથી તે બીતો નહોંતો અને ચીક્કાર પૈસાનું પીઠબળ. જ્યારે જીઆ તેની સામે સ્થિર આવકોથી સુરક્ષીત હતી. તેને સોનીનાં ભણતર અને તબિયતની ચિંતા હતી અને સાથે સાથે ગમે ત્યારે સોનીને લઇ જઇ શકે તે લટકતી તલવારને કાયમી રીતે દુર કરવા તે જુડીની સાથે કટીબધ્ધ થઇ.

બે અઠવાડીયા બાદ સંભવ સોની ને મળવા આવ્યો ત્યારે જીઆ તૈયાર નહોંતી..પણ જુડીને માટે આ સોનેરી મોકો હતો. તેણે બેલીફને મોકલાવી સમન્સ સર્વ કરાવ્યો તેથી સંભવ હચમચી ગયો. જીઆ જોબ ઉપર હતી અને તેણે ફોન ઉપર ભાંડવાનું શરુ કર્યુ ત્યારે સંભવે તેને કહ્યું “જો તું ગાળાગાળી કરી તો હું ૯૧૧ને ફોન કરીશ. ચુપ ચાપ અમારી હાજરીમાં સોની સાથે સમય ગાળીને જતો રહે.”

પહેલી વખત સંભવ ખચકાયો,, અને તેને લાગ્યુ તે માનતો હતો તેટલા સરળ સાસરીયાતા નથી. સીમા મમ્મી કહે સોની સાથે તને સમય ગાળવા દીધો તે ગનીમત માન, જોડે જોડે ટકોર પણ થઈ કે તું જે કામ માટે શીકાગો ગયો છે તે કામ પતાવ. વકીલ રાખ્યો?

“હા મમ્મી  પણ કલાકનાં ૩૦૦ ડોલર ચાર્જ કરે છે અને એને કોઇ જ આશા નથી કે આપણ ને કોઇ પણ ફાયદો થાય”.

સુર પપ્પા ફોન ઉપર બોલ્યા તુ જલ્દી શીકાગો છોડી ઘર ભેગો થા. પૂરતા ડખા કર્યા છે તમે બંને જણાએ અને ભુલે ચુકે જીઆની આસપાસ ફટક્યો છે ને તો સંવાદ તને જેલ ભેગો કરીને રહેશે.

પપ્પા તેની વકીલે મને બેલીફ દ્વારા સમન્સ તો સર્વ કર્યુ છે.

શીલાનાં મોંમાથી “હેં!” નીકળી ગયુ..

સુર બોલ્યા “તમે બંને જડની જેમ વળગ્યા હતાને? જીઆ ને સીધી કરવા..એણે આપણ ને સીધા કરી નાખ્યા.”

શીલા બોલી “વકીલ કરીને આવજે.. હજી તો મકાન નાં હપ્તા તેની પાસે ભરાવવાના છે અને સોની જો આપણી પાસે આવશે તો દર મહીને બેઠો હપ્તો શું સમજ્યો?”

સુર કહે “અને વકીલ કહે તેમ કરજે એને તારી બુધ્ધી બહુ ના આપીશ. કાયદાથી જરા બી ને ચાલજે.”

સંભવ કહે “ વકીલનાં કહ્યા મુજબ ચાલીયે તો જીતી રહ્યા..”

શીલા સામે જોતા સુર બોલ્યો “ તમારા પ્રમાણે ચાલ્યા તેથી તો આ સુતેલા સંવાદને છંછેડ્યો અને જીઆ જે ઘર ભરવાની મુર્ખતા કરી રહી હતી તે આવકો જતી રહી. હવે તેનો વકિલ આપણા ઘરમાં ખાતર ના પાડે તે જોજો.”

બીજે છેડે “ પપ્પા તમે તો સાવ જ પાણીમાં બેસી ગયા..”

“ હવે ચુપ ચાપ કહું તેમ કરને..તમારા લોકોમાં ગુગલીયા જ્ઞાન છે..કોર્ટ અને જજ તેમના ભણતર અને અનુભવનાં આધારે ચુકાદાઓ આપે છે..

“ પપ્પા તમારા મ્યુચ્યલ ફંડનાં રોકાણો મેં જોયા છે.ઘડાના કળશ્યા કરો છો અને પેલા બબુચક બ્રોકર કહે તેમ પૈસા રોક્યા કરો છો.”

“તને સમન્સ સર્વ કર્યોછે એટલે હવે કોર્ટ કાગળ આવશે. તારે તારી રીતે ચાલવુ હોય તો ચાલ..” થોડાક મૌન પછી તે ફરી બોલ્યો” મને તે બબુચક બ્રોકરે ચાર મીલીયન નાં વીસ મીલીયન કરીને આપ્યા છે ત્યારે તેં શીલાનાં મીલીયનનું શું કર્યુ છે તે મને ખબર છે. મને સ્ટેટ્મેંટ જોતા આવડે છે.”

શીલાને સુર જ્યારે સંભવને ખખડાવે ત્યારે તેને અંદરથી લાગતું કે સુર તેના નામે શીલાને ખખડાવે છે. તે કંઇ બોલવા જતી હતી ત્યાં બીજે છેડે સંભવ બોલ્યો “ક્યારેક કશુ મેળવવા ગુમાવવુ પણ પડે..આ તો માર્કેટ છે”

“ તો ગુમાવને તારા પૈસામાંથી..શીલાને શું કામ ભરમાવીને તેના પૈસા ઘટાડે છે? નફામાં ભાગ લે છે તો નુકશાનમાં ભાગ આપને”

સુરનાં અવાજની કડકાઇ જોઇ શીલાએ સંભવને કહ્યું “ વકીલ તો રાખીને જ આવજે હજી મારો દાગીનો જીઆ પાસે પડ્યો છે તે લેવાનો છે.”

“ પણ મમ્મી કલાકનાં ૩૦૦ ડોલર? મારી પાસે ટંકશાળ નથી.”

સુર પપ્પા બોલ્યા “તો સમજીને છુટા પડો”

“ નારે એ જીઆડીને તો ખબર પાડી દેવી જ છે..તે સંભવ સામે પડી છે.”

“ સંભવ સામે પડી છે ના ચાળા પાડતા સુર બોલ્યો..તું તે કયા ઝાડનો મોર છે કે તારી સામે ના પડાય? આતો એકનો એક છે અને આડોડાઈએ ચઢ્યોછે તેથી હું ઝેલુ છુ. બતાવને અત્યાર સુધી હું ના હોઉ અને તારી જાતે તેં કયુ મોટુ કામ કર્યુ છે? મારી સાથેનાં બધા ડોક્ટરોનાં ઘરે પૌત્ર અને પૌત્રી કોલેજમાં જવા લાયક થઇ ગયા પણ તું ઢાંઢા જેવો.. એક છોકરીને પણ સાચવી ના શક્યો? ડોક્ટર બનાવીને લાયકાત અપાવી ત્યારે પ્રોફેસર સામે બાઝ્યો અને સસ્પેંડ થયો. ઉંધા ચત્તા કામો કરી હોસ્પીટલમાં લાગ્યો ત્યાંયે લાટ સાહેબ બૉસ સાથે બાઝ્યો..અને ફાયર થયો. ડીગ્રી બતાવી બતાવી છોકરીને બેવકૂફ બનાવી ત્યાંય મા દીકરો તેને કામવાળી બનાવવા ગયા. જરા ઝંપોને મંદ બુધ્ધીઓ..જ્યાં હોય ત્યાં (ચાળા પાડતા અવાજે ) સંભવની સામે પડી છે?”

શીલા આવે વખતે શાંત ના રહે..સંભવને બચાવવા સુર ઉપર હુમલો કરે પણ તે શાંત રહી તેને ખબર હતી સુર આટલો ગુસ્સે થાય પછી સંભવનો સંભવીત દરેક ખર્ચો તેના માથે લઇ લેતો હતો..તેથી તે માનતી હતી કે વકીલની જવાબદારી સુર લૈ લેશે.પણ ફાટી ગયેલા સંભવને વધુ ફટકારવા સુરે ફોન પછાડ્યો.

શીલા સુરની સામે જોઇ રહી.સુરની આંખમાં હારેલા સિપાહીની વ્ય્ગ્રતા હતી..તેને સંભવની ચિંતા હતી અને તે સમજી ચુક્યો હતો કે તેના પૈસા જ સંભવને બગાડવા માટે જવાબદાર હતા. તેને હતુ કે જીઆ સંભવના જીવનમાં રહી હોત તો તે નિરાંતે મરી શકવાનો હતો.

શીલા એને છોડી બીજા રુમમાં ગઇ અને સંભવને ફોન કરીને બોલી “ હમણા જે કામે ગયોછે તે પુરુ કર. સુર ખુબ જ ગુસ્સે છે તેથી કંઇ પણ બોલ્યો તો તારી ખૈર નથી.”

“ પણ મોમ જીઆડીને તો હું ધુળ ચાટતી કરી જ દઈશ.”

“ સુર પપ્પાનાં સાથ વિના તું કંઇજ ના કરતો.તેમના નાણાકીય એકડા વગર આપણે બધા મીંડા છીએ સમજ્યો? આજે તેં અભિમાન કર્યુ અને તે બરોબર છંછેડાયા છે.

બીજા રૂમમાંથી જોરથી બૂમ સંભળાઇ “શીલા..એમ્બ્યુલન્સ બોલાવ” સુરનો ડાબો હાથ ભુરો થઇ ગયો હતો છાતી પર હાથ દાબીને તે બેઠા હતા આખા મોં પર પરસેવો પરસેવો થઇ ગયો હતો..હાર્ટ એટેક આવી ગયો હતો…

પ્રકરણ ૧૦ કે જે પૂરક બળ હતુ તેને તે પ્રતિસ્પર્ધક કેમ માનતો હતો.?

સેંટ લુઇ થી ફીનીક્ષ જ્યારે સંભવ ફ્લાય કરતો હતો ત્યારે તેને પહેલી વખત લાગ્યુ કે પપ્પા તેને બહુ ચાહે છે અને તેના પરાક્રમોથી વારંવાર દુઃખી થાય છે. તેને ફરિયાદ હતી કે પપ્પા જીઆની વાત વધુ માને છે અને તેથી શીલા મારો સંભવ કહીને પક્ષ લેતી હોય છે. તેની વિચાર ધારાએ વહેણ બદલ્યુ

આ ઉંમરે તેની સાથેના બધા કુટુંબ અને કામમાં સ્થિર થઇ ગયા હતા અને તે અસ્થિર આવકોમાં જીવતો હતો.  તેનામાં રહેલ પુરુષ અહંમ જાગી ગયેલો હતો અને તેથી તે જુદા જુદા સ્તરે તેનુ ધાર્યુ કરતો પણ મમ્મીને કહેતો હું તું કહે છે તેમ કરુ છું

તે મહદ અંશે ગુગલ જ્ઞાન ઉપર વધુ માનતો અને તેથી જ ગુગલ જ્ઞાનનાં એક અમેરિકન કેસ ઉપર કે જેમા પતિએ પત્ની ને ચરિત્રહીન ચીતરીને સંતાન મેળવ્યુ ચાઇલ્ડ સપોર્ટ મેળવ્યો વાળી કહાણી આત્મ સાત કરી (અને સુર પપ્પા પણ હવે પૈસા આપતા નહોંતા તેથી) વકીલ જાતે બની કેસ તૈયાર કરતો હતો.

જૂડી એ પેપરો મંગાવ્યા તે મોકલવાને બદલે જીઆ નાં પેપરો મંગાવ્યા અને તે જોયા ત્યારે તો તેનો જીવ જ બળી ગયો..શીકાગોમાં તેનો પગાર વાર્ષિક ૬ આંકડામાં હતો. મકાન નાં હપ્તા હવે તેને ભરવા પડતા હતા તેથી ડોક્ટરનાં રોફ મારવા લીધેલ મકાન હવે પહોંચ બહાર લાગતુ હતુ.

સ્ટોક માર્કેટ પણ અથડાતુ રહેતુ હતુ તેથી હવે કોઇ એવી તકો મળતી નહોતી કે જે મોટા ગાળાનાં નફા આપે વળી બે ત્રણ તેના સોદા પણ ખોટા પડ્યા એટલે કેપીટલ ખુબ ઘસાઇ ગઇ. સંભવ વિચારતો કે હું મારી પોતાની જાતને બહુજ હોંશિયાર માનતો હતો પણ જેનું કામ જે કરે..તે ડે ટ્રેડીંગ કરતો પણ હવે મોટી એસેટ રહી નહોંતી.. પપ્પાએ જીઆનું બન્યા પછી તેમના એકાઉંટ્નો એક્સેસ લઇ લીધો હતો. કશું સીધુ પડતુ નહોંતુ તેથી બધા નકારાત્મક વિચારોનું કારણ જીઆ અને શીલા મમ્મી બનતા…હવે જીઆ તો સાંભળતી નહીં અને મમ્મી હવે ધીમે ધીમે બુઠ્ઠુ શસ્ત્ર બની રહ્યુ હતુ.અને હોસ્પીટલ અને દવાનાં ઘેરામાં ઘેરાયેલી મમ્મી સાથે વાત કરે તો શું કરે..કોર્ટની તારીખો નજીક આવી રહી હતી.

ફીનીક્ષ એરપોર્ટ ઉપર મમ્મી આવી હતી. ઉદાસ અને સાવ નંખાઇ ગયેલી દેખાતી હતી. મમ્મી પણ હવે તેને તે ગુનેગાર હોય તેમ જોતી હતી..

હોસ્પીટલ પહોંચ્યા સુધી બેમાં થી એકે કશું ના બોલ્યા. ઓપરેશન હજી ચાલુ હતુ.. સંભવને જો પપ્પા બોલાવે તો જ તેમની પાસે જવું તેમ કહી આદત મુજબ શીલા એ નિઃસાસો નાખ્યો. જ્યારે આવો જીવ લેણ  હુમલો આવે ત્યારે ભાન પડે કે પૈસા અહીંના અહીં રહેવાના છે.

તેને રડવુ આવતુ હતુ.. પપ્પાએ તો એમની સમજણ પ્રમાણે ડોક્ટર બનાવ્યો અને હું ડે ટ્રેડીંગ કરીને તેમના પૈસા ઘટાડવામાં પડ્યો છું..હોસ્પીટલનાં વેઇટીંગ રુમમાં મા દીકરો ઓપરેશન પતે તેની રાહ જોઇ રહ્યા હતા. તેની વિચાર ધારા તેને વારંવાર ભૂતકાળમાં લઇ જતી હતી

વકીલ સસ્તો શોધ્યો પણ તેને લાગ્યુ કે વકીલ જોઇ ગયો હતો કે કેસમાં કંઇ દમ નથી તેથી તેણે જુડીની પહેલી સમાધાનની વાત ના સ્વિકારી. તેને તો બસ લઢવું જ હતુ. ફીનીક્ષ પપ્પાજીએ દોષનાં ઘણા ટોપલા તેને માથે ઓઢાડ્યા. શીલા મમ્મી હવે ખપ પુરતુ બોલતી અને પેલો પુરુષ અહમ શીલા પાસે પહેલા જેવા રીસાવાનાં ત્રાગા કરતા  તેને રોકતો..જીઆ શીકાગો ગયા બાદ દોઢ વર્ષે ત્રીજા સમન્સે તે શીકાગો કોર્ટમાં આવ્યો.

વકીલ તરીકે ગુગલ દેવનાં જ્ઞાનનાં આધારે ૨૨ આક્ષેપોમાંથી એક પણ આક્ષેપ તે પ્રુવ ના કરી શક્યો. છુટાછેડા થઇ ગયા પણ ધાર્યુ કશું જ ના થયુ. એટલો સંતોષ હતો કે જીઆને બદનામ કરી તેને વકિલનો મોટો ખર્ચો કરાવ્યો અને સોનીને મળવાનો વીઝીટેશન રાઇટ મેળવ્યો. અને ન ગમતો એક વધુ નાણાકીય બોજો ચાઇલ્ડ સપોર્ટ્નો લાગ્યો.. જે કદાચ સમાધાન ની વાત સ્વિકારી હોત તો ના આવત.અને મકાન જે હવે તેને જોઇતુ નહોંતુ તે જીઆની ક્રેડીટ બગાડવા હરાજીમાં મુક્યુ..અને જેટલા પૈસા તેને ચુસીને ભેગા કર્યા હતા તે બધા ખોઇને એપાર્ટ્મેંટમાં રહેવા જતો રહ્યો.

હવે કામ કરે તો જ છુટકો થાય તેમ હતુ..વેકેશન આખી જિંદગી ચાલવાનું નહોંતુ..

સોની એક માત્ર રાહત હતી શીલા મમ્મી આવે ત્યારે એક અઠવાડીયા માટે પહેલી વખત સોની સેંટ લુઇ આવી.

સોની તેની દરેક વાતો ધ્યાનથી સાંભળતી..સમજતી પણ ચાર વર્ષની સોની શું સમજે કે તેના પપ્પા કેમ શીકાગો તેની મમ્મી સાથે નથી..સુતેલી સોની ઉપર તેન બહુ જ વહાલ આવતુ.

શીલા તેને બીજા લગ્ન ભારત જઇને કરીયે તે માટે મથતી પણ સંવાદ જાણતો હતો કે તે શક્ય નથી અને તે તૈયાર પણ નથી.

સોની પાસેથી જીઆની સક્રિયતા જાણતો અને તેને વારંવાર શરમ આવતી કે જે પૂરક બળ હતુ તેને તે પ્રતિસ્પર્ધક કેમ માનતો હતો.?તે ઘરે જ્યારે મિત્રોને બોલાવતી ત્યારે તે સખીઓના વરો સાથે મૈત્રી તે કરી શકતો નહોંતો. તે સુપીરીયારીટી કોમ્પ્લેક્ષ થી પીડાતો હતો અને જીઆ તેને વહેવારીક બનાવવા મથતી હતી

હોસ્પીટલમાંથી નર્સ બહાર આવી..ઓપરેશન પતવા આવ્યુ છે તેઓ સ્ટીચીઝ લે છે હજી હોંશમાં આવતા બે કલાક થશે. શીલાની બહેનો અને બનેવી આવી પહોંચ્યા હતા. શીલા હજી સંભવને જોઇને નિઃસાસા નાખતી હતી. ભારે હૈયે તે વેઇટીંગ રુમથી દુર જતો રહ્યો..હવે માસીઓ અને મમ્મીની રડારોળ ચાલશે અને ઘોંચ પરોણામાં સંભવ અને જીઆ પણ ચગશે. તેના રોતલ ચહેરા ઉપર પાણી છાંટ્યુ સહેજ ફ્રેશ થઇને તે બહાર નીકળ્યો

સોની ની પહેલી વર્ષગાંઠે ઘર સરસ આનંદોલ્લાસ્થી મહેંકતુ હતુ ત્યારે ઘરની ભીંતો બગડી જશે કહીને બધા ટાબરીયાને ઘરની બહાર ઠંડીમાં રમવા જવાનો આગ્રહ કરતો સંભવ હવે જીઆને વામણો લાગતો હતો. સંભવનું મન જે સ્વિકારી નહોંતુ શકતુ તે વાત હવે હ્ર્દય જોર જોર થી કહેતુ હતુ..જીઆ અને સોની તેની જિંદગીની સ્વર્ણ ઘડીઓ હતી. તેને ધાકમાં રાખવાની જરુર નહોંતી તેને વહાલથી સીંચવાની જરુર હતી.

તે તો કહેતી જ હતીકે તને નોકરી ના મળે તો કોઇક ધંધો કર..આ કોમ્પ્યુટર ઉપર મગજ ના બગાડ. ત્યારે મગજ્માં રાઇ ભરેલી કે તને શું સમજ પડે? ઇબે ઉપર સ્વીચો દબાવું એટલે ડોલરનો વરસાદ પડે છે..શેર બજારમાં માર્જીન ઉપર રમીને ખુબ જ નફો થાય ત્યારે મારે ડોક્ટરી કરીને શું કામ? જીઆ કહેતી તેં ૧૪ વર્ષ તાલિમ લીધી તે તાલિમનો ઉપયોગ તને કોઇ પણ જોખમ વિના પૈસા આપે છે.

સંવાદ નું અભિમાન ત્યારેય ફેણ ફુલાવીને બેઠેલા નાગ ની જેમ ડોલતુ અને કહે હું બીલો ડિગ્નીટી કામ નહીં કરુ. હું એમ ડી છું…

જીઆ તેને સમજાવવા મથતી કે વાસ્ત્વીકતામાં આવ. પણ સંભવ જેનું નામ.. તને શું સમજણ પડે? આખી જિંદગીથી આ ચાલતુ આવ્યુ છે અને ચાલશે.. હું જાણું છું અને સમજુ પણ છુ.. મને સમજાવવા નો પ્રયત્ન ના કર. તારી કોલેજ ડૉગ્રી અને મારી કોલેજ ડીગ્રીનાં વજનો જુદા છે. જીઆ કહેતી કે હા હું સમજુ છુ પણ તેનો ઉપયોગ કર.. આ ઇબે અને શેરબજાર આડ આવકો છે તેને મુખ્ય આવક્નો સ્ત્રોત  ના કર. પણ હું સંભવ.. મને બધી સમજણ પડેનું “હું” પદ એટલું તીવ્ર કે સોની નાં જન્મ પછી જીઆએ કહેવાનુ છોડી દીધુ.

સેંટ લુઇની ઇંડીયન કોમ્યુનીટી ગાઢી અને શીકાગોમાં કોઇ પ્રોગ્રામ આવે તેની અસરો સેંટ લૂઇ પર પડેજ.. અને તેવી એક ઘટના બની કે જેમાં ઈંડીયન ડાંસ સ્ટેજ પર થવાનાં હતા. તેની પ્રેક્ટીસ માટે તે જ્યારે જોડાઇ ત્યારે સંભવ સોની ને ના સાચવવી પડે તે માટે પહેલાતો નકારત્મક રીતે બહુ ઝઝુમ્યો..જીઆ તેના નકારાત્મક વલણ ને સમજતી પણ તેનો ભય ખોટો છે તે સાબિત કરવા  સોનીને ડેકેરમાં બે કલાક વધારે રાખી જતી ત્યારે સંકુચીત મનોદશાનાં પતિદેવ ચોકી પહેરા માટે પ્રેક્ટીસ સ્થળે પહોંચી જતા. જીઆ મનોમન મલકાતી કે તેને મારી કેટલી કાળજી છે પણ જીઆ ત્યાંય ખોટી હતી.. માલીકીપણું કામ કરતુ હતુ. કાળજી નહીં.

શીલા મમ્મીનો માઉથપીસ તરીકે ઉપયોગ કરીને તે જીઆને દાબમાં રાખવા મથતો હતો. જીઆ કહેતી પણ ખરી સંભવ ખુલ્લા મને વાત કરો..આપણું દાંપત્ય છે તેમાં મમ્મી દ્વારા તમારા વિચારો આવે તે તમારી માનસીક સંકુચીતતા દર્શાવે છે.

રોજે રોજ ફોન ઉપર કોઇની સાથે લઢવાનુ અને મફતમાં કંઇક પડાવવાનુ એ રોજનું કામ. કાંતો ફ્રી એર માઇલ લેવાના ઈંટરનેટ  ઉપર ડીલ શોધવાની અને ફ્રી ફૂડ ક્યાંછે તેવી જગ્યાઓએ જઇ ફ્રી ફુડ ખાવામાં દિવસ પસાર કરવાનો. અને સમય હોય તો બાઇકીંગ અને હાઇકીંગ પર જવાનું મુખ્ય કામ.જીઆ ને પણ બીઝી રાખવા બાઇક લાવી આપી કે જેથી શની કે રવિવારે થીયેટર કે હોટેલ નહીં પણ હાઇકિંગ અને બાઇકીંગ કરી શરીર ફીટ રાખવા કરવાનુ.

જીઆ સાથે લઢતો સંભવ બે વાતે ખુબ જ સ્પષ્ટ હતો એક નોકરી ના આઠ કલાક પછીના ૧૬ કલાક જીઆએ સંભવનું કહ્યું માનવાનુ અને કરવાનુ. જીઆ કહે એ સોળ કલાક્માં સોની અને તેને માટે થોડો સમય હોવો જોઇએને? વળી નોકરી કરીએ એટલે થોડુંક સોસીયલ રહેવુ જોઇએને?

સોનીનાં જન્મ પછી બે જણા જુદા રુમમાં રહેતા.. સુતા.. જ્યારે બાપ તરીકેનું હેત ઉભરાય ત્યારે એક બે કલાક બંને સાથે હોય..ત્યારેય જીઆની આંખો કહેતી આ સુખ પણ તારે તો ક્યાં જોઇતુ હતુ? મેં તારી પાસેથી બળજબરીથી લીધુ છે. અને જો એ બળજબરી ના કરી હોત તો તુ તો હજી પણ… આભાર માન કે મેં તને સોની આપી. અને હું સામે ક્યાં તારી પાસે દુનિયા માંગુ છુ? સહેજ તારી એકલતાની દુનિયામાં મને જગ્યા આપ! પત્ની તરીકે સ્થાન આપ .

છટ! એને હું મંદ બુધ્ધી માનતો હતો ખરેખર તો હું એ જોઇ જ નહોંતો શક્યો કે તે મંદ બુધ્ધી નહી વહેવાર બુધ્ધી હતી..અને હું મારી તેજ બુધ્ધી થકી તેને મંદ બુધ્ધી સમજ્યો તે વહેવાર બુધ્ધી પ્રમાણે ભુલ હતી.

સુરને હોંશ આવી ગયા પછી શીલા સંભવને અંદર લઇ ગઈ. પપ્પાની આંખો બંધ હતી.સંભવ પપ્પાની આ દશા જોઇ ના શક્યો. નાના બાળક્ની જેમતે ફુટ ફુટ રડી પડ્યો.

પપ્પાએ આંખ ખોલીને શીલા સામે જોયુ અને પછી સંભવ સામે જોયુ. એમની આંખોમાં ગુસ્સો અને હારી ગયાની લાગણીઓ સ્પષ્ટ દેખાતી હતી.સંભવે પપ્પાની સામે જોયુ પણ આંસુ ભરેલી આંખો ધુંધળા ચહેરા સિવાય કંઇ ના જોઇ શકી. સુરે તેનું માથુ બીજી તરફે ફેરવીને શીલાને ધીમે અવાજે કહ્યું “ આ અહીં કેમ છે? મને પૂરો જ કરી નાખવોછે?”

સંભવ “ પપ્પા” કહીને પગે પડી ગયો. શીલાની બહેનો ને બનેવીની વર્તણુંક વિચિત્ર લાગી. શીલાએ ગાડીની ચાવી સંભવને આપીને કહ્યું ઘરે જતો રહે..

“ પણ મોમ!”

“ જો તું અહીં રહીશ તો તેમને ફરીથી તકલીફ થશે. અને માસીઓને પણ સાથે લઇ જજે.”

“પણ મોમ!”

“ તને કહ્યુને હમણા તું જતો રહે બસ..પણ કે બણ કશું નહીં”

માસીઓને લઇને તે ઘરે પાછો જઇ રહ્યો હતો ત્યારે તેની અપેક્ષા વિરુધ્ધ માસીઓએ શીલાની  ચિંતાઓજ કરી..આ ઉંમરે આટલો ભારે હાર્ટ એટેક.. શીલાનાં નસીબે બચી ગયા..વિગેરે વિગેરે.

બે એક કલાકે સાંજે સાડા સાતે શીલાનો ફોન આવ્યો..સુરની તબિયત ફરી બગડી છે.પણ ત્યાં ભીડ નથી કરવાની એટલે સુર પપ્પાએ તને બોલાવ્યો નથી. તેમનો વિમા એજંટ, બ્રોકર અને વકીલ સાથે વાતો કરીને તારો અને મારો ભાગ ધર્માદા કરી દેવાનું કહે છે.

“હેં?”

“હા. હું મથું છું પણ હજી મને પુરે પુરુ કળાયુ નથી”

“ પણ મમ્મી મારે પપ્પાને મળીને માફી માંગવી છે”

“ એ તો તને દેખશે તો વધુ ભડકશે એટલે અહીં આવવાની વાત તો કરીશ જ ના. હું તને બધી માહિતી આપતી રહીશ.”

“પણ મમ્મી અહીં એકલા ઘરે બેસી રહીશ તો હું ગાંડો થઇ જઇશ”

“ તને કહ્યુને હું ફોન કરીને માહિતી આપતી રહીશ.”

“ પણ પપ્પા આવું કેવી રીતે કરી શકે?”

“ એમના ઉપાર્જીત પૈસા છે. તે બધું જ કરી શકે. તે તેમનો અધિકાર છે.” ફોન મુકાઇ ગયો.

પહેલી વખત સંભવ ધ્રુજી ગયો…બાપા મરે અને વારસો મળે તેની રાહ જોયા કરી હતી.. બાપાને મારે માટે બહુ પ્રેમ છે અને આ અચાનક શું થયુ? બાપા તો બધો પૈસો ધર્માદા કરવાનું કહે છે..હું હવે કેવી રીતે જીવીશ?

તેને પહેલી વખત પોતે નિઃસહાય હોવાની લાગણી થઇ. શીલા મમ્મીને બહુ બનાવી..હવે આ મોટી ઉંમરે નોકરી કોણ આપશે? મમ્મીનો બે વાર ફોન આવ્યો. એજ રુખી સુકી વાતો અને હવે આપણું શું થશેની ચિંતાઓ..

તે રાતે તે મોડે સુધી સુઇ ના શક્યો..તેને ચિત્ર વિચિત્ર સ્વપ્નાઓ આવતા હતા. એ રણમાં નિઃસહાય દોડતો હતો..દોડતા દોડતા થાકી ગયો ત્યારે તેને દુર એક ઇજીપ્તનો પીરામીડ દેખાયો જેમાં સુર પપ્પાનો ચહેરો છે..તેની બીજી દિશામાં ગાઢા લીલા રંગનો દરિયો લહેરાય છે રણ ધીમે ધીમે લીલા દરિયાથી છલકાવા માંડ્યુ અને તે તેમાં ડુબતો જાય છે..પપ્પા પપ્પા કરતો તે બુમો મારેછે અને તેના વાળ ધોળા થતા જાય છે એ જેટલી ચીસો પાડે છે તેટલો પીરામીડ ઉંચો થતો જાય છે અને સુર પપ્પાનો ચહેરો ઝાંખો થતો જાય છે.

એક તબક્કે  તે ચહેરામાંથી અંગારા નીકળવા માંડે છે અને તે ડરી જાય છે. પપ્પા આ ફટાકડા અને કોઠીનાં અંગારા છે દુર રાખો મને દઝાય છે. તે ઉઠવા જાય છે પણ લીલો દરીયો જાણે ગુંદરનો બન્યો હોય તેમ તેનાથી હલાતુ નથી ચલતુ નથી અને અંગારાનો મારો પપ્પા જાણી જોઇને તેના ઉપર ચલાવતા હોય તેને તેમ લાગ્યુ.

તેણે મમ્મીને બુમો મારી..તે જાણે આકાશમાંથી આવી પાંખ ફેલાવી તેના અંગારા રોકતી હોય તેવું તેને લાગ્યુ. થોડાક સમય પછી મમ્મી પણ મરી ગઇ અને પેલો ઇજીપ્તનાં પીરામીડ ઉપરનો ચહેરો પણ રાખ થઇ ધીમે ધીમે ઓગળી રહ્યો હતો..તેનાથી રડાતુ નહોંતુ પણ નજર સામે પપ્પા અને મમ્મી બંને જતા રહ્યા…

અડધી રાતે તે ઝબકીને જાગી ગયો…આખુ શરીર પરસેવે રેબઝેબ હતું.

તેને પહેલી વખત પપ્પા મમ્મીની જરુર સમજાઇ.

પપ્પાની ચિંતા સમજાઇ.તેના વિચારો તેને ખોખરો કરતા જ રહ્યા..તે પડખા બદલતો જ રહ્યો.. તેને પોતાની જાત ઉપર શરમ આવતી હતી.

તેણે મનથી નિર્ણય કરી લીધો કે પપ્પા સાથે તેમની પ્રેક્ટીસ સંભાળીશ અને જેટલો સમય છે તેટલો બાપાને સાચા મનથી ચાહીશ અને નહી સતાવુ..તેના મનની શાખ પુરતો હોય તેમ સવારનો પહોર ખુલ્યો

નીચે મમ્મીએ તેમને ગમતુ ભજન મુક્યુ હતુ..મેરે તો ગીરધર ગોપાલ ઓર ન દુજા કોઇ..એની આંખ ફરી ક્યારે મીંચાઇ ગઇ તેને પણ ના સમજાયુ

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૧૧

સંભવને એન્ટી બાયોટીકની જરુર હતી

વિટામીન ની નહી.

સંવાદ ને સમાચાર મળ્યા કે સુર પટ્ટણી ને હાર્ટ એટેક આવ્યો ત્યારે ખબર પુછવા ફોન કર્યો. શીલાએ ફોન લીધો અને આદત વશ તે બધુ બોલવા બેસી ગઇ..જીઆને કારણે તેમને એટેક આવ્યો અને ઠંડા અવાજે સંવાદે કહ્યું હજીયે જીઆને દોષ દો છો? તમારા સુપુત્રના કરતૂતને ક્યાં સુધી છાવર્યા કરશો?

અને શીલા એકદમ છુટ્ટા મોઢે રડી પડી.

થોડાંક ડુસકાં વહી ગયા પછી રીટાએ ફોન લીધો.” તમારે તો આ સમયે મજબુત થવાનુ છે.. તમે ઢીલા પડો તે ના ચાલે”.

અને શીલા બોલી” તેમણે ઓપરેશન પહેલા તેમનો સમગ્ર કમાણીનો વહીવટ ટ્રસ્ટને સોંપી દીધો તેને રડુ છુ. તે નહીં હોય ત્યારે હું અને સંભવ રોડ ઉપર હશે.”

રીટા એ મૌન રાખ્યુ..અને જીઆ ને ફોન આપ્યો.

જીઆ એ ફોન હાથમાં લીધો અને શીલા બોલી “ જીઆ મને માફ કરી દે બેટા..મેં તને બહુ દુભવી છે. મને મારી કરણીની સજા મળી રહી છે. જીઆ ને શું બોલવુ તે સમજાતુ નહોંતુ.

” મમ્મીજી તમે ચિંતા ના કરો ઓપરેશન સફળ થયુ છે એટલે પપ્પાજી નવજીવન પામ્યા છે”

ફોન મુકાયો.. રીટા શાંત હતી જ્યારે જીઆ બોલી “કશુંક સંવાદ અને પપ્પા વચ્ચે થયુ છે. પપ્પા આટલુ જલદ પગલુ ના લે.”

“ આ પગલુ તો સંવાદ જ્યારે સસ્પેંડ થયો ત્યારે લેવુ જોઇતુ હતુ.”

“ખૈર આપણે શું?”કહી રીટાએ ઠંડુ પાણી રેડ્યુ.

સંવાદ મુછોમાં મલક્યો એ જોઇને જીઆએ ફરી પુછ્યુ “ પપ્પા શું વિચારો છો?”

“ કશુ નહીં બેટા હવે તખ્તો બરોબર ગોઠવાયો છે “

“એટલે?”

“ ત્રણેય એક કડી થઇને વિચારતા હતા તેમાં હવે તડ પડી છે. અને સૌથી વધારે નુકસાન સંભવને થવાનું છે.”

“ મને સમજાયુ નહીં.”

“૭૨નાં સુર પટ્ટણીને ખબર છે કે દીકરો પૈસા ભાળી ગયો છે..તે સુર પટ્ટણીની નબળી કડીને સુર પટ્ટણી એ સબળ કરી નાખી છે. શીલા અને સંભવ જે ભેગા થઇને મન માન્યુ કરાવતા હતા તે બંધ થઇ જશે. શીલા આને તો રડતી હતી. બધા પૈસા ટ્રષ્ટમાં નાખી સંભવ અને શીલાનાં કાંડા કાપી નાખ્યા.”

“તમને આ બધુ કોણે કહ્યું?” રીટાએ પ્રશ્ન પુછ્યો.. અને એ જ પ્રશ્ન જીઆની આંખમાં પણ હતો.”

“ શીલા ફોન ઉપર રડતા રડતા પહેલી બે મીનીટમાં આ બધુ બોલી ગઇ કદાચ એને એમ હશે કે જીઆ તેમને સમજાવી શકે. પણ મારી પહેલી પ્રતિક્રિયા રીટા જેવીજ હતી હવે એમાં અમારે શું?”

“ તો પછી તેમની માઠી તબિયત માટે તમે ફોન કેમ કર્યો? જીઆ એ ધુંધવાઇને પુછ્યુ.

“ બેટા સોની હજી આપણી સાથે છે તેથી વહેવારમાંથી ના જવાય સમજી?”

*-*

બીજે દિવસે સવારે સંભવ શીલાનો પુછ્યા વીના હોસ્પીટલ પહોંચી ગયો. પપ્પા હજી સુતા હતા. તેની આંખો ભરાઇ આવી..કેટલા હેરાન કરતો હતો..અહી અમેરિકામાં તો આવા પપ્પા પાંચેય આંગળીએ ભગવાન ને પુજ્યા હોય તો ના મળે. બસ એક જ વાત..હું તો ઘણી લીલી સુકી વેઠીને ડોક્ટર થયો હતો પણ તારે તે નહીં વેઠવાની. સોળ વર્ષે જ્યારે તે તેની સ્કુલમાં ગ્રેજ્યુએશન વખતે શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે બોલતો હતો ત્યારે કેટલા ભાવાવેશમાં હતા.. મારો સંભવ તો દુનિયાની આઠમી અજાયબી છે.

બાપની આંખો કેટલાય સ્વપ્નો જોતી હતી..પછી શરુ થયુ કોલેજ ભણતર..તેને મેડીકલમાં નહોંતુ જવુ તેથી મરીન બાયોલોજી ભણવા ફ્લોરીડા ગયો. ત્યારે પણ ખીજવાયા એટલે તેમનું મન રાખવા મેડીકલનું પણ ભણ્યો..ખુબ ખીજવાતો જ્યારે ૩૬ કલાક્ની રેસીડન્સી કરતો..પણ બાપાને હતુકે.. આ બધુ પુરુ થઇ ગયા પછી એક સમજ પૂર્વક્ની સુખી જિંદગી વીતાવીશ.. એળે કે બેળે તેને ભણાવ્યો ઉંમર વધતી જતી હતી. સ્વભાવની અવળ ચંડાઇને કારણે એની જિંદગીમાં આવી અને જતી રહી. ત્યારે આજ બાપા તેના કરતા વધુ રડ્યા હતા..

રેસીડંસીમાં સસ્પેંડ થયો.સાવ નજીવા કારણે ઇન્ચાર્જ સાથે ઝઘડી બેઠો..ત્યારે પણ આ બાપા રડ્યા હતા..તેમનુ એક પણ સ્વપ્ન સંભવ પુરુ કરવાનું સમજ્યો જ નહોંતો.

તેને ડોક્ટરી તો કરવી જ નહોંતી. છોને બાપાએ તે ડીગ્રી પાછળ પાંચ લાખ ડોલર ખર્ચ્યા.

સ્વપ્નીલ સંભવ એમ જ કહેતો મારે મારી જિંદગી તમારી રીતે જીવવી જ નથી. હું તો મારું ફોડી લઇશ..ફ્લોરીડા થી સેંટ લુઇ આવ્યો.

ફ્લોરીડાનાં પહેલા મકાનનાં રોકાણમાં બે વર્ષે અઢીલાખ ડોલરનો નફો કર્યો ત્યારથી મગજમા રાઇ ભરાઇ ગઇ કે તે જ્યાં રોકાણ કરે તેને તેમાંથી પૈસા મળે જ છે બસ તે દિવસથી “ બાપા મને તમારી જેમ ૨૪ કલાકની જોબ નથી કરવી. હું મારી રીતે મારુ ફોડી લઇશ”

કેટલો ખોટો હતો હું?’તેની આંખ આંસુથી ભરાતી હતી.

સુર પાપા હજી સુતા હતા. તેના મગજમાં વિચારો ધાણીની જેમ ફુટતા હતા. હા. આ ઘડી હતી તેને તેના બધા ગુનાઓ સ્વિકારવાની કે મા બાપને શરણે થવાની..આમેય તેમના પ્રેમને જન્મ જાત જાગીર માની લીધી હતી. પણ આજે તેને લાગી રહ્યુ હતુ કે તેણે હવે તે મેળવવા મથવુ પડશે.

તેણે સુતેલા પપ્પાનાં પગ ધીમે ધીમે દબાવવાના શરુ કર્યા.સાચા હ્રદય્થી માફી માંગતો હોય તેમ તેની આંખમાંથી આંસુ સરતા હતા.શીલા આ દ્રશ્ય જોઇ રહી હતી તેને સમજાતુ નહોંતુ કે સંભવ સુર પાપાની તબિયતને રડે છે કે ટ્રસ્ટને..

સુરને માટે પણ આ દ્રશ્ય અકલ્પનીય હતુ. કાયમ રડાવતો દીકરો આજે રડી રહ્યો હતો. થોડીક ક્ષણો એમને એમ જ વીતી ગઈ. નર્સ દવા આપવા આવી ત્યારે સુરે આંખ ખોલી.

શીલાની સામે જોઇને કહ્યુ.. “આ નપાવટ અહીં કેમ છે?”

શીલા થોડીક ધ્રુજી ગઇ. પણ મૌન રહેવુ ઉચિત લાગ્યુ એટલે તે કંઇ ના બોલી.

“પપ્પા. આઇ એમ સોરી. “

“ શાને માટે સોરી?”

“બસ હવે તમે કહેશો તેમ જ થશે..”

“શીલા તેં એને કહ્યું કે હું રીટાયર થયો અને મારી પ્રેક્ટીસ વેચી નાખી.”

“ હેં” શીલા અને સંભવનાં મોં માંથી એક સાથે નીકળ્યુ.”

“ હું હવે જે છે તે સાચવીને બાકીની ઉંમર બચતો ઉપર કાઢવા માંગુ છુ. મેં કંઇ ઠેકો નથી લીધો કે ત્મને આખી જિંદગી વેંઢાર્યા કરુ.”

“…” બંને મૌન રહ્યા અને તેઓ જાણતા હતા કે જ્યારે સુર પપ્પા આવુ પગલુ લે ત્યારે કોઇ દલીલ નહીં.

“ફીનીક્ષનું ઘર વેચવા મુક્યુ છે. તે વેચાઇ જાય પછી હું તો ભારત પાછો જતો રહુ છુ.. કોઇક તીર્થમાં રહેવાનુ અને પ્રભુ ધ્યાનમાં દિવસો કાઢવાના..સાચવજે શીલાને તારી રીતે. તેને આમેય તારી બહુ લ્હાય છે..તે રોજ રસોઇ બનાવશે.”

“ પપ્પા. મેં કહ્યું ને મને માફ કરો.”

“હવે કશું થાય તેવું નથી..”

“પપ્પા! મારુ શું થશે?”

“તું તો તારુ ફોડી લેવાનો છે ને?તે ફોડી લે. મેં તો તારા નામનું  નાહી નાખ્યુ છે.’

શીલા બાપ દીકરાનાં સંવાદો સાંભળતી હતી અને ચુપ ચાપ રડતી હતી.

સુરને આ પરિસ્થિતિ ગમતી હતી.. તેના બંને બે લગામ અશ્વો કાબુમાં આવતા હતા. પૈસા તેના અને બંને કાયમ દાદાગીરી કરીને રહેતા. આમેય સમય ઓછો અને માથુ ચઢાવવુ તેને ગમતુ નહીં. એની સમજણ ને આ માને દીકરો કાયમ તેમની ફેવરમાં ફેરવતા.

“ પણ પપ્પા મમ્મી મને કહેતી હતી કે હું કંઇ કામ નહીં કરું તો પણ આ બધુ તમે જે ભેગુ કર્યુ છે તે મારે માટે જ છે ને?”

“ તે તારી મમ્મીને પુછ. તારી જેમજ એણે પણ બહુ મારા ઉપર તાગડ ધીન્ના કર્યા.. હવે તો મારા મનમાં તમે બંને મારા ઉપર જીવતા પરોપજીવી છો..મેં તમને લોકોને પેલી જળોને ઉખેડી નાખે ને તેમ ઉખેડી નાખ્યા છે. હવે તો એક જ રસ્તો છે અને તે તુ તારુ ફોડી લે અને તારી માને પણ તારી સાથે લઇ જા. શું સમજ્યો નાલાયક!.”

સુરનો શ્વાસ ભારે થતો હતો એ જોઇને સંભવ સમજી ગયો કે હવે બહુ વાતો કરવાનો અર્થ નથી.. દુધમાં મોળવણ પડી ગયુ હતુ હવે દુધ સમય જશે તેમ દુધ રહેવાનું નહોંતુ બદલાયેલી પરિસ્થિતિમાં હવે વેકેશન નો અંત લાવવો જ રહ્યો. નોકરી શોધવી જ રહી.

સુર વિચારી રહ્યો હતો કે સંવાદે કહેલા શબ્દો સાચા પડી રહ્યા હતા સંભવને એન્ટી બાયોટીકની જરુર હતી વિટામીન ની નહી.

નર્સે આવીને શીલા અને સંભવને પેશંટને આરામ કરવા દો કહીને રુમની બહાર જવા ઇશારો કર્યો ત્યારે સંભવ વિચારી રહ્યો હતો..જીઆ મારો બીજો સહારો હતો.તેને મેં રોળવી નાખ્યો મમ્મીનાં કહેવાથી. તે તો બાઘી હતી..સહેજ પ્રેમથી અને વહાલથી રાખી હોત તો આખી જિંદગી મને રાખત.. આ મમ્મી મને પપ્પાનો વારસો બતાવીને ભરમાવી ગઇ..અને હવે એને પણ મારે સાચવવાની…

શીલા હજી હાર માને તેવી નહોંતી. તેથી તેણે સંભવને રુમમાંથી બહાર નીકળીને કહ્યું..આ બધુ થ્તા પહેલા આપણી પાસે સમય છે.ઘરે ચાલ શાંતિ થી વિચારીશું.

ઘરે પહોંચ્યા ત્યારે પહેલો ઝાટકો વાગ્યો..મકાન ઉપર સેલ નું પાટીયુ મુકાઇ ગયુ હતુ. માસીઓ ચિંતાતુર હતી. સંભવ અને શીલા નાં ઉતરેલા મોં જોઇ તેઓ તો રડવા જ લાગી.

સંભવ જરા આકરો થઇને બોલ્યો “ માસી તમે કેમ રડો છો હું હજી મમ્મીની સંભાળ રાખવા બેઠો છુ.”

“ પણ આ બધુ ધર્માદા કરીને દેશમાં પાછા જવાની વાત બીલકુલ સારી નથી.” મોટી માસી રડતા રડતા આગળ બોલી. “શીલાનું શું થશે એ ચિંતા મને મારી ખાય છે.”

“ એમને સારા થઇ ને ઘરે આવવા દો એટલે તેમને ફેર વિચાર કરવા કહીશુ.” સંભવ બોલ્યો.

નાની માસી બોલી “સુર પટ્ટણી..બહુ વિચારીને કામ કરે અને કર્યા પછી તે તેમનો નિર્ણય બદલે તે વાતમાં કોઇ માલ નહીં”

મોટી માસી કહે “ પણ શીલા તેં કોઇ કાગળીયા ઉપર શી કરીને આપેલા? મકાન તો તમારી સહિયારી મિલકત તારી સહી વિના તે વેચી ના શકે.”

“ હા. હમણા જ મેં પાવર ઓફ એટોર્ની તેમને આપ્યો હતો..”

“ મમ્મી મને તો તેં કહ્યું જ નથી કે તેં પાવર ઓફ એટોર્ની પપ્પાને આપેલો છે.”

“ હવે મને ક્યાં તું બધુ કહેતો હતો કે હું તને કહું અને ૪૨ વર્ષનાં લગ્ન જીવન પછી આવા કેટલાયે કાગળીયા ઉપર મેં સહી કરી હોય..આટલો ઝડપથી આવો જલદ નિર્ણય લેશે તે તો મને ખબર જ નહોંતી.

સંભવ પગ પછાડતો તેના રુમમાં ગયો અને બંને બહેનો રડ્તી રડતી ન્યુ જર્સી ગઈ.

ગોગલ ઉપર સર્ચ કરીને અ પરિસ્થિતિનો કાય્દાકીય હલ શોધવા મથ્યો. મમ્મીએ કાંડા કાપી આપ્યા હતા..

“ મોમ મને સહેજ વાત કરી હોત તો કશુંક કરી શક્યો હોત..”

“જો સંભવ મને ખબર છે આ લઢવાનો સમય નથી પણ મને ખબર જ્યારે પડી કે તુ મને કહેતો હતો કે મોમ હું તારું કહ્યુ કરું છુ અને તુ તે પ્રમાણે જીઆને કહેતો નહોંતો…ડોક્ટર જે ડોઝ કહે તેમા દર્દી જો પોતાની રીત વધ ઘટ કરે તો રોગ કાબુમાં ના આવે. જીઆને તું બીલકુલ જ રાખતો નહોંતો..અરે ગલુડીયાને પાલતુ બનાવવા એક કે બે વખત પુચકારવુ પડે..તુ તો તેને હડે હડે જ કરતો હતો અને તે વાત જીઆ એ તારા પપ્પાને કરી હતી ત્યારે પણ તે બહુ ગુસ્સે થયા હતા.”

“ મમ્મી એટલે બધો મારો જ વાંક?”

“ હા જીઆ કમાતુ ધન હતુ “

“ હા પણ તેને દાબમાં રાખવાનું તો તુંજ કહેતીહતીને મમ્મી?”

“ હા પણ હું તો તેની સાથે એક આંખે હસાવે અને બીજી આંખે રડાવે તેવો કડપ રાખવાનું કહેતી હતી જ્યારે તુ તો બંને આંખે તેને રડાવતો જ હતો”

“ મોમ પ્લીઝ મને મારા વાંક એકલા ના દેખાડ. તેં કહ્યું ત્યારે સોની આવીને?”

“ ના રે સોની તો જીઆની જબર જસ્તી હતી.”

“ ના રે સંભવ, સુરનાં કેટલાક લક્ષણો તો તારામાં છે તેથી તો અત્યારે આઘા જઇને પાછુ આવવુ પડે છે.

“મોમ જીઆ ને સીધી કરવાનો તમારો આઇડીયા જ ખોટૉ હતો. તેમ કરવા જવામા હું સીધો થઇ ગયો છુ ખબર છે તને?’

“એટલે?”

“શીકાગોની તેની નોકરી છ આંકડાની છે. જેની ડીગ્રીની હું મજાક કરતો હતો તે તો સોના ની ખાણ નીકળી.”

“હવે તો તારાથી કશું થાય તેમ નથી..”

“નારે  તે બાઘી હજી પણ મને કહે છે આપણે સોની ને લીધે મિત્રોની જેમ રહી શકીયે..”

“તેનાથી તને કોઇ લાભ ના થાય હવે તો તારે બીજી મોટી ઉંમર વાળી કોઇ બીજી છોકરી દેશમાંથી લાવવી પડે.”

“ મોમ હવે તે વાત જ જવાદે. એક જીઆએ જિંદગીનાં ચાર વર્ષ બગાડ્યા અને દેવાનાં ચક્કરમાં નાખી દીધો”

“પણ બેટા જિંદગી તો ઘણી લાંબી છે.”

“ મોમ તુ પપ્પા સાથે ભારત જઇને રહી શકેને?”

શીલાની આંખો પહોળી થઇ ગઇ “ એટલે?”

“ મોમ થોડોક સમયજ. ”

“ દીકરા હું સમજી ગઈ.. હવે હું ચુસાઇ ગયેલી કેરીનો ગોટલો ખરુંને?”.

“મમ્મી! આમ વાંકુ ના બોલ.”

“ તારે માટે હું આખી જિંદગી તેમની સાથે આખડી અને આજે તુ જ મને કહે છે તેમની સાથે જઇને રહે.”

“ બીજો આવક્નો સ્ત્રોત ઉભો થાય ત્યાં સુધીની વાત છે મમ્મી..”

“ મારું પેટ છે ને .તને જન્મથી જાણું છું.”

પ્રકરણ ૧૨ બદલાતા નદીનાં વહેણ ને…

સુર પટ્ટણી ને આટલા ગુસ્સામાં સંબધે કદી જોયો નહોતા તેથી સંભવ અને શીલા એ ચુપકીદી પકડી લીધી. મકાન વેચાયુ અને તરત જ ભારત જવાની ટીકીટ લેવાવાની તૈયારી થઇ ત્યારે શીલા અને સંભવની પણ ટીકીટ થઇ. અમદાવાદ ખાતે મકાન લેવાયુ અને ગાયનેકોલોજીની પ્રેક્ટીસ માટે અને હોસ્પીટલ માટે પણ જગ્યા લેવાઇ.

અમદાવાદ જવામાં શીલાને કોઇ વાંધો નહોંતો પણ તેનું આખુ પીયર અમેરિકામાં હતુ અને સુર નું આખુ કુટુંબ અમદાવાદમાં હતુ. તેના સ્કુલ ટાઇમનાં મિત્રો માં ઘણા ડોક્ટર હતા.. સૌ રાજી હતા. સંભવને ગોઠવવામાં જરા પણ વાર નહીં લાગે નહીં એવા કેટલાય ભરોંસા લઇને આવ્યો હતો.

હા વરસે પાંચ લાખ ડોલર સંભવ નહી કમાય..પણ સુરને આનંદ હતો કે તે હવે ડોક્ટરી કરવાનો છે. ઘર ચલાવવાનો છે. પપ્પાના કહ્યા મુજબ ચાલવાનો તેદિવસે એણે પપ્પાને વાયદો કર્યો હતો. સાથે સાથે તેણે મમ્મીને વાયદો કર્યો હતો તે બધા આડધંધા બંધ કરી દેશે.

નવા શહેર.. નવો દેશ અને નવી કાર્ય પધ્ધતિ સામે સંભવને વિચારીને ઉબકા ઘણા આવતા હતા..પણ પપ્પાને પ્રોમીસ આપ્યુ હતુ તેથી પપ્પાએ અમદાવાદ ૬ મહીના રોકાવાનો નિર્ણય લીધો હતો. પપ્પાની સામે જ્યારે જ્યારે તે આવતો ત્યારે ગુનાભાવથી તેનું મન ભરાઇ જતુ હતુ. કદાચ આ છેલ્લો ચાન્સ હતો પપ્પાને તેમની લાગણીઓનુ મુલ્ય ચુકવવાનું.

સીજી રોડ જેવા ભરચક વિસ્તારમાં હોસ્પીટલ માટેની જગ્યા અને બધાજ જુના મશીનો કાઢીને નવી આધુનિક પધ્ધતિનાં મશીનો વસાવાયા હતા. મશીનોનાં મેન્યુઅલો વાંચવાના અને સાથે સાથે ગાયનેકોલોજીનાં માર્કેટમાં નામ જમાવાનું સરળ તો નહોંતુ જ પણ તે પડકાર હતો અને તે પપ્પાનું મન રાખવા કટી બધ્ધ થયો હતો.

તે હોસ્પીટલથી બે કીલોમીટર દુર નવરંગપુરામાં ઘર હતુ. હોસ્પીટલની ઓપનિંગમાં સુર ખુબ જ સક્રિય હતો તેના બી જે મેડીકલનાં મિત્રોએ રંગ રાખ્યો હતો. ડોક્ટરોમાં ફેલાયેલી કમીશન પધ્ધતિ અને વધેલા ભાવો સામે સંભવે ખુલ્લો બળવો કર્યો. અને સારુ અને સચોટ નિદાન કીફાયતી ભાવે કરી તેની જાતને બદલવા માંડ્યો.

સવારે સાતથી સાંજનાં સાત સુધી તે કામ કરતો.જાણે અમેરિકાનો સંભવ અને અમદાવાદનો સંભવ બે જુદાજ સંભવ હતા.

તેનું મન વિદ્રોહ કરતુ હતુ પણ સુરને આનંદી જોતો હતો અને તે વિદ્રોહ હવા થઇ જતો હતો. કદીક સોનીને જોવા અને વાતો કરવાનું મન થતુ હતુ..પણ જીઆને કરેલા અન્યાયો યાદ આવતા અને મન ગ્લાની થી ભરાઇ જતુ. તે સાચા મન્થી ઇચ્છતો કે જીઆ ક્યાંક બીજે લગ્ન કરીલે અને સુખી રહે..પોતના મનની વાતો કરવા તે ઇ મેલ લખતો પણ મોક્લવાનું બટન કદી ન દબાવતો. તેના ચહેરા ઉપર પુખ્તતા આવી ગઇ હતી. તેના જીવનમાં જીઆનું સ્થાન કદી કોઇએ લીધુ નહીં..તે પણ હવે સમજતો થૈ ગયો હતો કે આટલા ધીક્કાર પછી પણ જીઆ તેના હ્રદય્માં થી ગઈ નથી તે તેનો પ્રેમ જ છે ને?

પ્રસંગો ઘટ્યા પણ પડઘાયા નહીં. અમદાવાદમાં ગાયનેકોલોજીમાં તેનું નામ સ્થિર થઇ રહ્યુ હતુ. દાયકો કોઇ પણ પ્રકારના નોંધ પાત્ર પ્રસંગો વિના પુરો થઇ ગયો હતો.

એક દિવસે જીયાનો ઇ મેલ આવ્યો.સથે સોની નાં ઘણા બધા યુટ્યુબ પર મુકાયેલા વીડીયો અને તેની વિકાસની ગાથા વર્ણવતો લાંબો ઇ મેલ આવ્યો અને તેની સાથે તેના ગ્રેજ્યુએશન નું આમંત્રણ આવ્યુ.

સંવાદને તો હસવું કે રડવુ સમજ ન પડી..પણ તે ખુબ જ ખુશ હતો.શીલા અને સુર પણ આ પત્ર વાંચી ખુશ થયા અને પુખ્ત થયેલો સંભવ પહેલી વખત મલક્યો.. ચૌદ વર્ષનો વનવાસ જાણે પુરો થયો હોય તેમ તેણે અનુભવ્યુ..

તેણે સોની નો અવાજ સાંભળવા અને સોની ને જોવા ગુગલ હેંગાઉટ પર ચેટ શરુ કરી.

જીઆ તો સંભવને જોઇને સ્તબ્ધ જ થઇ ગઇ..” માફ કરજે જીઆ હું પપ્પાની સાથે વન વાસે હતો.”

“ પણ સંભવ!.. આ કેવી કાયા પલટ? તુ તો વનમાં આવીને બીલકુલ પપ્પા જેવો દેખાય છે. “

“ પપ્પાનો દીકરો છે તે પપ્પા જેવોજ દેખાયને?” જી મેલનાં પડદે સુર પપ્પા દેખાયા

“ નમસ્તે પપ્પાજી..”જીઆનાં ચહેરાની હસી આજે પણ તેવીજ હતી પણ હવે ચહેરા ઉપર વાળમાં ચાંદી દેખાતી હતી

“ જીઆ સોની ક્યાં?” સંભવ ઉતાવળો થતો હતો

“ પહેલા જીઆની સાથે વાત તો પુરી કર સંભવ..”પાછળથી શીલા મમ્મી એ ટહુકો કરતા કહ્યુ..અને જીઆ હસી પડી..નમસ્તે મમ્મીજી..”

જીમેલ નાં પડદે દેખાતી જીઆ એ ધીમે રહીને માથા પરની સફેદી દુર કરી અવાજ થોડો બદલાયો અને તે સોની સ્વરુપે પ્રગટ થઇ. “ એ તો હું સોની પપ્પા..પ્રણામ દાદાજી અને દાદી મા.” અને પાછળ ફરીને બુમ પાડી “ મમ્મી!…જો આ રહ્યુ તારુ સરપ્રાઇઝ.. પપ્પા બા અને દાદાજી..”

જીઆ અને સોની બે બહેનો વધારે જણાતી હતી રીટા અને સંવાદ નાં ચહેરા પણ જાજ્વલ્યમાન હતા સોનીએ બંને વિખુટા પડેલા કુટુંબને ફરીથી ભેગા કર્યા. કોણ જાણે કેમ સોની સિવાય સૌની આંખોમાં આંસુ હતા..  પશ્ચાતાપનાં અને સ્વિકારનાં.

સોની થોડુક ખીજવાતી બોલી “ એ હવે રોવાનું આજે નથી..આજે તો મારા ગ્રેજ્યુએશ્નમા તમારે બધાએ આવવાની તૈયારી કરવાની છે શું?” ટહુકો બરોબર સંભવની સ્ટાઇલનો હતો એટલે ફરી બધા હસી પડ્યા.

*_*

સોનીનું ગ્રેજ્યુએશન ચાલી રહ્યુ હતુ. સ્કુલમાં તે વેલીડેક્ટોરીયન સ્પીચ આપવાની હતી.જીઆની બીલકુલ પ્રતિકૃતિ હતી. સંભવ, સુર અને શીલા પટ્ટણી ભારતથી આ પ્રસંગ માટે આવ્યા હતા. સંવાદ જીઆ રીટા પણ હોલમાં હતા.

સોની જ્યારે સ્પીચ આપવા ઉભી થઇ ત્યારે તેનો અવાજ કોઇ પણ પ્રકારની ધ્રુજારી વિના સ્પષ્ટ અને અમેરિકન ઉચ્ચારો થી સભર હતો. તેણે પહેલો આભાર મમ્મીનો અને નાની અને નાના નો માન્યો. પછી શિક્ષકોનો, મિત્રોનો અને અંતે તેના પિતા અને દાદા દાદીનો માન્યો. પછી તેને મળેલી સ્કોલરશીપ અને આઇવી લીગ કોલેજમાં દાદાનું સ્વપ્ન જે પિતા પુરુ ના કરી શક્યા તે સ્વપ્ન પુરુ કરવા તબીબી સંશોધનમાં દાખલ થઇ રહી છે તે વાત બહુ ગરવથી કહી અને કહ્યું તેની સફળતાનું કારણ તેના પપ્પા અને મમ્મી છે તેઓ કાય્દાકીય રીતે જુદા રહે છે પણ મને ક્યારેય લાગ્યુ નથી કે તેઓ જુદા છે. મારો જ્યાં જ્યાં પ્રશ્ન હોય ત્યાંત્યાં તેઓએ એકમત રહીને મને અને મારા ભણતરને જ આગળ કર્યુ છે.

સંભવ સમજી રહ્યો હતો કે સુર પપ્પાને જે આનંદ તેણે તેના બચપણ માં આપેલો તેજ આનંદ જીઆને અને મને આજે સોની આપી રહી છે.

ગ્રેજ્યુએશન પુરુ થયુ સુર પટ્ટણી સંવાદ અને શીલા સાથે સંવાદ, રીટા અને જીઆ પાસે આવ્યા. સોની સૌને પગે લાગી આશિર્વાદો સાથે ભેટો માણતી તે બોલી દાદા.. મને ખબર છે. તમારુ સ્વપ્ન મારે પુરુ કરવાનુ છે.અને કરીશ પણ. આજે મને એક ભેટ તમારી સૌની પાસેથી જોઇએ છે.

સંભવ અને જીઆ બંને સોની ને એક ટસે જોઇ રહ્યા હતા. સુર પટ્ટણી ૮૯ના અને સંવાદ ૮૫નાં હતા. તે ધીમે રહીને બોલી મારે નદીનું વહેણ બદલવું છે.

રીટાને કે શીલાને આછુ આછુ સમજાય તે પહેલા તે બોલી “ પપ્પા તમે ખુબ જ ખોટા હતા. મારી મમ્મી સ્લર્ટ નહોંતી. સુરદાદાએ તમારી જિંદગીને સાચે રસ્તે વાળવા આપેલી બહુ મોટી અને મોંઘેરી ભેટ હતી. પણ તમે તે ખોઇ દીધી. મને ને મમ્મીને કોઇ પણ કારણ વગર સજા કરી. તેણે તો તમને ચાહ્યા જ હતા..તમને સાચે રસ્તે લઇ જવા મથતી હતી. પણ તેની આરાધના જે તમારે માટે હતી તે બદલાઇને મારા ભણતરે આવી. મને દુનીયાને ઇર્ષા આવે તેવી સુંદર કાબેલ બનાવી. હવે તેની સજા તમારે ભોગવવાની છે.

હું ભણીને જ્યાં રહીશ ત્યાં તમારે મમ્મી સાથે રહેવા આવવુ પડશે..નદી દરિયામાં નહી મલે દરિયાએ નદીને ત્યાં આવવુ પડશે. તેને સાચો પ્રેમ કરવો પડશે અને બાકીની જિંદગી  મારા મા બાપ થઇને રહેવુ પડશે.

જીઆની આંખો સુકી અને ભાવ હીન હતી. એના ચહેરા ઉપર મક્કમતા હતી અને તેણે સોની ને કહ્યું “ બેટા! એકવીસમી સદીમાં વીસમી સદીની વાત ન કર… સ્ત્રી દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરે છે મને તારી મમ્મી હોવાનું ગર્વ છે પણ સંભવ પટ્ટણીની પત્ની થવામાં રસ નથી. મૈત્રી પણ નહી કે નહી કોઇ અનુસંધાન. જરુરી નથી કે દરેક નદી સાગરે જઇ ને સમાય… પપ્પા અને મમ્મીની સાથે હું રહીને મારી આગવી ઓળખ ઉભી કરી ચુકી છુ.. મને તે ઓળખ સાથે જ રહેવુ છે..જીઆ ભટ્નાગર…મારી કારકીર્દી અને મારું જીવન. દરિયાની ઓળખાણ ને આશ્રિત નથી…

શીલા, જીઆ  અને રીટા જોઇ રહ્યા હતા બદલાતા નદીનાં વહેણ ને… અને સ્વપ્નોનાં સંભવનાં ગાલોનાં ખંજનોને જીઆ ઓગાળી ચુકી હતી…

“ગુજરાત દર્પણ”માં પ્રસિધ્ધ થયેલી નવલકથા

 

 

 

 

Thanks for Inspiring me by your gracefull visit