માં

માં

સાખી-ઉદરમાં ભાર વેઠીને, સહી પીડા પ્રસવ કેરી.

        કરાવ્યું પાન અમ્રુતનું, બનીને પંડની વેરી.

જેનો જગમાં જડે નહિ જોટો..

ઉપકાર કર્યો બહુ મોટો, કેવી મીઠડી માં તેં બનાવી….

નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો

લીધો ઉર ક્ષુધાતુર જાણ્યો….કેવી…

મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજ ને બચાવી

જીવનની રાહ બતાવી….કેવી..

જ્યાં હું આવું રોતો રોતો, થોડો સાચો થોડો ખોટો

ત્યાં તો આવે દેતી દોટો..કેવી…

જ્યારે યૌવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું

પ્યારી ટપલી મારી ટપાર્યો…કેવી…

ભલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિ તોટો

તો એ માને મન ઘાણી ખોટો…કેવી..

પ્રભુ ” કેદાર ” કરુણા તારી, બસ એક જ અરજી મારી

ભવે ભવ હું બનું એનો બેટો…કેવી..

 

ભાવાર્થ:- જ્યારે સૃષ્ટિની ઉત્પતી થઈ અને માનવ જન્મ પામ્યો ત્યારે કોઈ ભાષા ન હતી, પણ બાળક જનમ્યા પછી પહેલો શબ્દ બોલ્યો તે હતો “મા”  આમ આ શબ્દ દરેક ભાષાનો પહેલો શબ્દ બન્યો, ત્યાર બાદ બાકીની ભાષા બની, પણ “મા” શબ્દ કોઈ પણ ભાષાની જનની બની રહ્યો.

વિશ્વનો કોઈ પણ મહા માનવ હોય પણ “મા” શબ્દ સાંભળતા એક બાળક બની જાય છે, પછી ભલે તે સાક્ષાત્ ઈશ્વર હોય, કવિ શ્રી “કાગ”ની પંક્તિ અહિં યાદ આવે છે. 

“મોઢે બોલું ’મા’ ત્યાં સાચેજ બચપણ સાંભરે. 

પછી મોટપની મજા,મને કડવી લાગે કાગડા” 

અને મારી કલમે પણ લખ્યું છે–

“આવે જ્યાં યાદ યશોદાની, નયનો ના નીર ન રોકી શકે

ગીતાનો ગાનારો ગોવિંદો, મોહન આયાથી દૂર નથી.”  

આ તાકાત,વહાલ, પ્રેમ અને……શું લખું ? શબ્દો ટૂંકા પડે છે.

 

આખા જગતમાં જેની કોઈ તુલના તો ન થઈ શકે, પણ તુલના માટે કોઈ પર્યાય પણ ન મળે, એવી મા આપીને દરેક જીવ માટે ઈશ્વરે જે ઉપકાર કર્યો છે તેના માટે આભાર માનવા માટે કોઈ પણ શબ્દ પર્યાપ્ત નથી.

કોઇ પણ વ્યક્તિ કેટલી પણ તાકાતવાન હોય, પણ તેને ૫ કિલો વજન ઉપાડીને ચાલવું પડે ત્યારે તેની મર્યાદા હોય છે, અમુક અંતરે જતાં તે થાકી જાય અને વિશ્રામ કરવા રોકાય જાય. પણ “મા” પોતાના ઉદરમાં નવ નવ માસ સુધી સતત ભાર ઉપાડીને, અને પાછી આનંદ સાથે જતન કરતી હોય, અસહ્ય પીડા ભોગવીને બાળકને જન્મ આપી પોતાની ગોદમાં વહાલ સાથે પોતાના શરીરનો ખ્યાલ રાખ્યા વિના સ્તન પાન ફક્ત એક માં જ કરાવી શકે. 

બાળક થોડું મોટું થાય ત્યારે તેને પા પા પગલી ભરાવીને ચાલતા શિખાડતી મા, ત્યારથીજ જાણે આ જગતમાં ચાલવાની રીત શિખાડે છે, અને જીવનમાં આવતા અવરોધો માંથી કેમ પાર ઊતરવું તે સમજાવે છે.  

બાળક ચાલતા ચાલતા ક્યારેક પડી જાય કે કંઈ વાગી જાય, ત્યારે તેને જે પીડા થાય, તેના કરતાં તે અનેક ગણી પ્રતિક્રિયા આપતો હોય છે, કારણ કે તેને ખબર છે મા મને રડતો જોઈને એટલો તો વહાલ કરશે કે તેને હેત ના દરિયામાં ડુબાવી દેશે.

જ્યારે બાળક બાળક મટીને યુવાન બનવા લાગે, આ સંસારના રંગે રંગાવા લાગે, ત્યારે મા મીઠી ટકોર કરીને યોગ્ય માર્ગ બતાવતી રહે કે બેટા તારે આ માયાવી જગત સાથે જીવન ગાળવાનું છે, માટે તારે કેવી રીતે રહેવું જોઈએ, અને શું ન કરવું જોઈએ.

એ એક વખતનો બાળક મોટો થાય, માતાના માર્ગદર્શનથી જગતમાં નામ કમાય, ધન-દોલત મેળવે, છતાં માની નજરમાં હંમેશા પુત્ર માટે હજુ કંઈક ખૂટે છે એવીજ ભાવના રહે છે. કારણ કે તે “મા” છે, અને મા સદા માટે પોતાના પુત્ર કે પુત્રીને આગળ વધતા જોવા ઇચ્છતી હોય છે, અને તેથી તેને સદા માટે હજુ કંઈક ખૂટતું નજર આવે તે સહજ છે.

હે ઈશ્વર, તેં મને “મા” ની મમતા ની સમજ પડે તેવી “મા” આપી મારા પર જે ઉપકાર કર્યો છે તે હું કોઈ પણ શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી, પણ મારા પર એક દયા કરજે, જ્યારે જ્યારે પણ મને આ સંસારમાં જન્મ મળે ત્યારે ત્યારે મને આજ મા ના ઉદરમાં સ્થાન મળે અને હું જીવન ભર મારી માની સેવા કરતો રહું એવો સ્વભાવ મળે, એટલી મારી અરજી જરૂર સ્વિકારજે.

:રચયિતા :

કેદારસિંહજી મે. જાડેજા

ગાંધીધામ. કચ્છ.

Email:-kedarsinhjim@gmail.com 

WhatApp. ૯૪૨૬૧૪૦૩૬૫

Posted in કવિતા, કાવ્ય, કાવ્ય રસાસ્વાદ | Comments Off on માં

ચાલવાના ફાયદા -ડૉ. સુબોધ નાણાવટી

 

 બહુ દંડબેઠક કરો છો? બહુ કસરત? કે દંડબેઠક પછી શરીર કળવા માંડે છે; દોડવાથી પગની નસ ખેંચાય છે; તરવાની મઝા નથી આવતી, આખા પલળી જઈએ એવાં બહાનાં?  ચાલો છો? અં…અં…અં… ચાલતો તો નથી. પણ, હા, કંઈ એમાં નુકસાન નથી, એય ખરું !

હા,  કબૂલ કરવું પડ્યું ને? તો હવે કહો, ચાલવાનો ફાયદો શો?

ચાલવાના ફાયદા 1મોટો ફાયદો તો એ કે એ વ્યાયામ તમને ઘરની બહાર લાવશે, એટલું જ નહીં, હાલમાં જ થયેલા એક સંશોધન પ્રમાણે તમારું મન ઘાણીના બળદની જેમ ફરતું હશે તો એ એના ચક્કરમાંથી બહાર આવશે અને તમને શારીરિક રીતે સારું ન લાગતું હોય તો પણ ચાલવાથી સારું લાગવા માંડશે. એ વાત સાચી કે ચાલવામાં બહુ વટ ન  પડે. કોઈ વળી એમ પણ કહે કે આમાં વ્યાયામ જેવું શું છે? આમ છતાં, ઘણા લોકોને ચાલવાનો શોખ પણ હોય છે.

કૅલીફૉર્નિયાની લૉરેન્સ બર્કલી નૅશનલ લૅબોરેટરીના વૈજ્ઞાનિક પોલ વિલિયમ્સ કહે છે કે ચાલવું એ દવા છે, જેના માટે પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર પડતી નથી. આમાં જરા પણ અતિશયોક્તિ નથી. ચાલવાથી શરીર સમતોલ રહે છે, બસ પકડવા દોડવું પડે તો હાંફી ન જાઓ! પરંતુ આટલું જ નથી. હાલનાં સંશોધનો દેખાડે છે કે ચાલવાના ઘણા ફાયદા છે.

૧) વજન વધવાનો દર ધીમો રહે છે.

 ધીમે પણ એકધારી ઝડપે ચાલનાર બહુ ઝડપે પણ અનિયમિત ગતિએ ચાલનાર સામે જીતી જાય છે, એનો પુરાવો મળ્યો છે. ઑસ્ટ્રેલિયામાં ૮૨૨ વ્યક્તિઓને ચાર વર્ષ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી. તે  પછી ૨૦૧૩માં તારણો કાઢતાં જણાયું કે સરેરાશ દરેકનું વજન દોઢ કિલો જેટલું વધ્યું, પરંતુ જે લોકો ચાલીને પોતાના નોકરીના સ્થળે પહોંચતા હતા એમનું વજન, કારમાં જનારા કરતાં, લગભગ એક કિલો જેટલું ઓછું વધ્યું. કારમાં જનારાઓ પણ બીજી રીતે બધી શારીરિક હિલચાલોમાં ચપળ હતા, પણ માત્ર ચાલતા નહોતા એટલે એમનું વજન વધારે ઊંચા દરે વધ્યું.

 ૨) શક્તિમાં ઓચિંતો ઘટાડો થવાનું ટાળી શકાય છે.

ભારે ભોજન કર્યા પછી લોહીમાં સાકરનું પ્રમાણ વધી જાય છે, પરિણામે તમને સુસ્તી લાગે છે. પરંતુ ચાલવાનું રાખ્યું હોય તો એવું ન થાય. ૨૦૧૩માં ‘ડાયાબિટીસ કેર’ દ્વારા કરાયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ રાતે જમ્યા પછી પંદર મિનિટ ચાલવાથી લોહીમાં સાકરનું પ્રમાણ વધતું નથી. એની સરખામણીમાં વહેલી સવારે કે સાંજે પોણો કલાક ચાલવામાં એટલો મોટો ફાયદો નથી થતો.

૩) મૂડ સારો રહે છે.

Calm Energy: How People Regulate Mood With Food and Exercise ($25, amazon.com)પુસ્તકના લેખક રૉબર્ટ થૅયર કહે છે કે ધારો કે તમે કોઈને મળવાના હો, પણ એમાં મોડું થઈ ગયું હોય તો કેવા ઉતાવળે ચાલો? બસ, એ જ રીતે દસ મિનિટ ઝડપ્થી ચાલો. તે પછી જોશો કે બે કલાક સુધી તમારો મૂડ સારો રહે છે.  ૧૯૮૪માં એમણે એક બહુ મહત્ત્વનો અભ્યાસ કર્યો. એમણે કેટલાક સ્વયંસેવકોને અભ્યાસમાં સામેલ કર્યા અને એમને કહ્યું કે તમારા જીવનમાં કોઈ ખાસ ચિંતા હોય એવી બાબતનો વિચાર કરો; દાખલા તરીકે, દીકરીનાં લગ્નની ચિંતા હોય, પત્ની સાથે અણબનાવ રહેતો હોય, વજન વધતું હોય વગેરે. તે પછી એમણે સ્વયંસેવકોને દસ મિનિટ માટે બહાર આંટો મારવા મોકલ્યા. દસ મિનિટ પછી જ્યારે એ લોકો પાછા આવ્યા ત્યારે એમણે ફરીથી એમની ચિંતાઓ વિશે પૂછ્યું તો જણાયું કે હવે આટલું ચાલ્યા પછી એમને સમસ્યા બહુ ગંભીર નહોતી લાગતી!

 ૪) યાદશક્તિ સતેજ બને છે.

અમેરિકાની રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમીએ ૨૦૧૧માં એક અભ્યાસનાં તારણો જાહેર કર્યાં એના પરથી જણાયું કે ચાલનારાઓનાં મગજનો હિપોકૅમ્પસ વિભાગ સરેરાશ બે ટકા વધ્યો. બીજી બાજુ શારીરિક વ્યાયામ કરનારાના હિપોકૅમ્પસની સાઇઝ ૧.૪ ટકા ઘટી! હિપોકૅમ્પસ આપણી યાદશક્તિ અને લાગણીઓનું નિયંત્રણ કરે છે. આવું થવાનું કારણ જાણવા નથી મળ્યું, પણ અભ્યાસના સૂત્રધાર કર્ક એરિકસન માને છે કે લોહીનો વધારે સારી રીતે સંચાર થતાં કોશો વધારે પુષ્ટ બન્યા હોય એ બનવાજોગ છે.

૫) હૃદયરોગના જોખમ સામે રક્ષણ આપે છે.

હૃદયના ધબકારા વધે એવી કોઈ પણ પ્રવૃત્તિ સારી ગણાય. દોડવા કે ચાલવાથી હૃદયના ધબકારા વધી જાય છે. જે લોકો દોડતા હતા કે ઝડપભેર ચાલતા હતા, તેઓ પોતાના બ્લડ પ્રેશરમાં ૪.૨ ટકાનો ઘટાડો કરી શક્યા.  એમની સામે હૃદયરોગના હુમલાનું જોખમ પણ ૪.૫ ટકા જેટલું ઘટ્યું. પરંતુ એમાં  વિકલ્પ રૂપે સ્પીડ નહીં પણ તમે કેટલું લાંબું અંતર ચાલો છો તે પણ અગત્યનું છે. ચાલનારાઓ દોડનાર કરતાં દોઢગણા અંતર સુધી ચાલતા હતા.

૬) અમુક કૅન્સરોની સંભાવના પણ ઘટે છે.

કોઈ પણ પ્રકારની શારીરિક હિલચાલથી ચયાપચયની ક્રિયામાં સુધારો થાય છે, હૉર્મોનનું સ્તર નિયંત્રણમાં      રહે છે. ૨૦૦૫માં કરાયેલા સંશોધન પ્રમાણે આંતરડા અને ગુદાદ્વારના કૅન્સરના દરદીઓ હળવી કસરત કરે અથવા અઠવાડિયામાં ૬ કલાક કે તેનાથી વધારે ચાલતા હોય તો કૅન્સરને કારણે મૃત્યુ થવાની શક્યતા ૬૦ ટકા ઓછી થઈ જાય છે. હાલમાં જ અમેરિકાન કૅન્સર સોસાયટીએ જણાવ્યું છે કે  કોઈ સ્ત્રી દરરોજ એક કલાક ચાલતી હોય તો સ્તનના કૅન્સરની શક્યતા ૧૪ ટકા ઘટી જાય છે. આ બાબતમાં હજી વધારે અભ્યાસની જરૂર છે, પણ ડૉક્ટરોને  બહુ ઘણી આશા છે.

ચાલવા માટે જુદાં જુદાં ઘણાં કારણો અને તે મુજબની જુદી જુદી રીતો છેઃ

ચાલવાના ફાયદા 2

(ક) હૃદયની તંદુરસ્તીઃ

કુલ સમયઃ ૩૦ મિનિટ.

તમારે એકધારી મધ્યમ ગતિએ ચાલવું જોઇએ. એનાથી હૃદય વધારે તંદુરસ્ત બનશે. પરંતુ, વચ્ચેથી ચાલવાનું અટકાવીને બીજી શારીરિક ક્રિયાઓ કરો તો તરત લાભ મળે છે.

પહેલી પાંચ મિનિટ લટાર મારવા નીકળ્યા હો તેમ ચાલો.  તે પછીની પાંચ મિનિટ ઝડપભેર ચાલો. તે પછીની અર્ધી મિનિટ  વધારેમાં વધારે ઝડપે ચાલો. તે પછી ફરી ઝડપ ઘટાડીને બે મિનિટ ચાલો. આમ કુલ ચાર વાર, અથવા તો દસ મિનિટ માટે કરો.  તે પછી ફરી લટાર મારતા હો તેમ પાંચ મિનિટ ચાલો.

ખ) વજન ઘટાડવા માટે

કુલ સમય  ૪૦થી ૪૫ મિનિટ.

શરૂઆત કરો ત્યારે બે મિનિટ માટે ખૂબ ઝડપથી ચાલો. તે પછી દર ૩૦ સેકંડે ગતિ વધારો.  તે પછી  દસ મિનિટ બહુ ઝડપથી ચાલો, પણ ‘જૉગિંગ’ ન કરશો.  દોડવા કરતાં ઝડપભેર ચાલવાનો લાભ એ છે કે દોડવાનું રોકવાના પ્રયત્નમાં વધારે કૅલરી વપરાઈ જાય છે. હવે  ચાલવાનું બંધ કરીને તમારી કરોડરજ્જુ અને કૂલા સીધી લાઇનમાં હોય તેમ ઊભા રહો અને પછી દસ પુશ-અપ કરો. એના પછી બન્ને પગ વારાફરતી સામી બાજુએ વીસ વખત ઉછાળો. હવે ફરીથી ઝડપથી દસ મિનિટ ચાલો. ફરી નીચે બેસી જાઓ અને દસ પુશ-અપ કરો. ફરી દસ મિનિટ ચાલો.

(ખાસ નોંધઃ અહીં  સ્થળ સંકોચને કારણે ચાલવાની રીતો વિશે અછડતી માહિતી આપી છે, એટલે આ રીતોને બરાબર સમજવા માટે લેખકનો ઇ-મેઇલ દ્વારા સંપર્ક કરવા વિનંતિ છે. રસ્તા કે બાગમાં ચાલવાની અને ઘરમાં ટ્રેડ્મિલ પર ચાલવાના માપદંડ પણ જુદા છે. ભારતમાં ઘરમાં એક્સરસાઇઅઝનાં ઉપકરણો વસાવવાનું મધ્યમ વર્ગ માટે સામાન્ય નથી એટલે એને લગતી વિગતોનો સમાવેશ નથી કર્યો.  – સંપાદક)

ચાલવાનું આયોજન કરો

દરેક ડગલું ગણો. તમે નિયમિતપણે ન ચાલતા હો તો શરૂઆતમાં સીધા રસ્તે દસથી પંદર મિનિટ ચાલો. ઘરની બહાર, રેતીમાં કે બાગમાં ફરવાનું વધારે સારું છે, કારણ કે રેતાળ કે ઘાસવાળી જગ્યા પૂરેપૂરી સમતળ નથી હોતી એટલે એમાં વધારે પ્રયત્નની જરૂર પડે છે. લગભગ ૨,૦૦૦ ડગલાં ચાલવાનું રાખો. ધીમે ધીમે તમારે દસ-બાર મિનિટમાં એક કિલોમીટર સુધી ગતિ વધારવાની છે.

ચાલતી વખતે ગરદન, પીઠનો ઉપરનો ભાગ, ખભા વગેરે ઢીલાં રાખો. સ્વાભાવિકપણે કમરનો નીચેનો ભાગ જેટલો બહાર નીકળે તેટલો જ રહેવા દો, પ્રયત્નપૂર્વક છાતી કાઢીને ચાલશો નહીં. પેડૂના સ્નાયુઓ હલનચલન કરવા લાગે તે જોશો. દસ-પંદર મિનિટથી શરૂ કર્યા પછી દર અઠવાડિયે પાંચ-પાંચ મિનિટ ઉમેરતા જાઓ. આમ, ત્રણ અઠવાડિયા પછી ૩૦ મિનિટ સુધી પહોંચો. હવે તમે સીધા રસ્તાને બદલે ઊંચીનીચી જગ્યાએ ચાલવાનું શરૂ કરી શકો છો. ૩૦ મિનિટ ચાલવાનું નિયમિત થઈ જાય તે પછી તમે ગતિ અને અંતર વધારી શકો છો. ચાલતા હો ત્યારે ચુસ્ત કપડાં ન પહેરશો. શિયાળામાં પણ બહુ કપડાં શરીર પર ન લાદશો. વજન ઊંચકીને ન ચાલશો. એ રીતે ફાયદા કરતાં નુકસાન થવાની શક્યતા વધારે છે.

ગર્ભાવસ્થામાં ચાલવું

ગર્ભાવસ્થા દરમિયાન ચાલવું એ સારો વ્યાયામ છે. ચાલવાથી તમે આવતા નવ મહિના સુધી ચુસ્ત-દુરસ્ત રહેશો. તમને પહેલેથી જ ચાલવાની ટેવ હશે તો ગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહિના દરમિયાન ચાલવાની રીતમાં કંઈ ફેરફાર નહીં કરવો પડે. બહુ તડકો હોય તો માથું ઢાંકવાનું ભૂલશો નહીં બને ત્યાં સુધી વહેલી સવારે કે સાંજે સૂરજ આથમ્યા પછી ચાલવાનું રાખવું. ગર્ભાવસ્થાથી પહેલાં ચાલવાની ટેવ ન હોય તો  શરૂઆતમાં ધીમે ધીમે ચાલવું. બહુ મહેનત ન કરવી, કારાણ કે તમે રાતોરાત ઍથલીટ બની જવાનાં નથી. તમારું લક્ષ્ય ૩૦ મિનિટ નિયમિત ચાલવાનું હોવું જોઇએ. વળી, ચાલવાનું શરૂ કરતાં પહેલાં સારાએવા પ્રમાણમાં પાણી કે બીજું પ્રવાહી પી લેશો જેથી પરસેવાને કારણે  શરીરમાં પાણીની ખેંચ ઊભી ન થાય. જો કે આ વાત સૌને લાગુ પડે છે, માત્ર સગર્ભા સ્ત્રીઓને નહીં.

ગર્ભાવસ્થાના બીજા ત્રણ મહિનાના ગાળામાં પણ તમે આ જ રીતે ચાલી શકો છો. છેલ્લા ત્રણ મહિનામાં ને ખાસ કરીને પ્રસૂતિની તારીખ નજીક હોય ત્યારે બનતાં સુધી ઘરની નજીક રહેવું, જેથી કંઈ તકલીફ થાય તો તરત ઘરે પહોંચી શકાય. આખી ગર્ભાવસ્થા દરમિયાન એક વાતનું ખાસ ધ્યાન રાખવુઃ  તમને જરા પણ થાક ન લાગવો જોઇએ.

અંતમાં, “ચાલ્યા વગર તો ચાલે જ નહીં” એમ તો કહેવું જ પડે !!!


ડૉ. સુબોધ નાણાવટીનાં સંપર્કસૂત્રઃ

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, ગમતાનો ગુલાલ, નિવૃત્તિ ની પ્રવૃત્, માહિતી, વેબગુર્જરી | Comments Off on ચાલવાના ફાયદા -ડૉ. સુબોધ નાણાવટી

સ્વભાવનું મૅનેજમેન્ટ: કેટલીક ટિપ્સ – ગુડ મૉર્નિંગ -સૌરભ શાહ

 

સ્વભાવ એટલે આપણે જેને માણસનો નેચર કહીએ છીએ તે અને સ્વભાવ એટલે માણસની પર્સનાલિટી, એનું વ્યક્તિત્વ. બ્રાહ્ય નહીં, આંતરિક વ્યક્તિત્વ. કોઈ દેખાવડી વ્યક્તિને જોઈને એની પર્સનાલિટી બહુ સરસ છે એવું કહીએ એ અર્થમાં વ્યક્તિત્વ નહીં, પણ કોઈનો સ્વભાવ તમને ન ગમતો હોય ને તમે કહો કે મને એની પર્સનાલિટી નથી ગમતી તે અર્થમાં.

સ્વ-ભાવ એટલે તમે અંદરથી જે છો તે. તમારે જો સમજવું હોય કે અંદરથી તમે કેવા છો તો એ સમજવાની બે રીત છે: ૧. તમારી અંદર ઊતરીને જોવું અને ૨. તમારામાંથી જે બહાર આવે છે એનું નિરીક્ષણ કરવું. તમારી આ બેઉ બાબતોને તમે ફાઈન ટ્યૂન કરી શકો છો. તમને તમારામાં જે ન ગમતું હોય તેનું પ્રમાણ ઘટાડી શકો છો. તમને તમારામાં જે વધારે ગમતું હોય તેનું પ્રમાણ હજુ વધારી શકો એમ છો. તમે તમારા સ્વભાવનું મૅનેજમેન્ટ કરી શકો છો.

કેવી રીતે?

થોડીક બહુ જ સરળ ટિપ્સ છે.

કોઈ તમને વાતવાતમાં ઉતારી પાડવાની કોશિશ કરતું હોય, તમારી સાથે દલીલબાજી કર્યા જ કરતું હોય તો એને રિસ્પોન્સ નહીં આપવાનો.

બીજાઓ તમારા વિશે શું વિચારે છે તેની દરકાર નહીં રાખવાની.

બીજાઓને ખુશ કરવાની જવાબદારી તમારી નથી, તમારી પહેલવહેલી જવાબદારી તમને ખુશ કરવાની છે એવું દૃઢપણે માનવાનું.

જેના ને તેના પર આવેશમાં કે લાગણીથી દોરવાઈને વિશ્ર્વાસ મૂકી દેવાની ટેવ ખોટી.

વગર કારણે (કે ઈવન કારણ હોય તો પણ) કોઈનીય સાથે તોછડાઈથી વર્તવાની જરૂર નથી. એવું કરવાથી તમે વધારે ડિસ્ટર્બ થાઓ છો.

સામેની વ્યક્તિને તમારી માપપટ્ટીથી માપવાનું બંધ કરી દેવાનું. એ ભલી, એની દુનિયા ભલી. તમારે શું કામ એની હર કોઈ વાત વિશે ન્યાય તોળવાનો. તમે તમારું કામ કરો. એને એનું કરવા દો.

ભવિષ્યમાં તમારી જિંદગીમાં આવું જ બનવું જોઈએ ને આવું નહીં એવી આશા ભલે રાખો, આગ્રહ નહીં, જીદ નહીં. જીદ પૂરી કરવા માટેના ધમપછાડામાં સફળતા મળે તોય ઝૂંટવીને લીધેલાં એ પરિણામોનો સ્વાદ ફિક્કો બની જાય છે.

બધાની સાથે એકસરખું વર્તન રાખવાની જરૂર નથી. હા, જરૂર નથી. તમે જેવા છો એવા દેખાવાની જરૂર બધે નથી હોતી. સામેવાળી વ્યક્તિ કોણ છે અને અત્યારે કેવા સંજોગો છે તે પ્રમાણે તમારા વર્તનમાં તમે ફેરફાર કરો તેને કારણે કંઈ તમે દંભી નથી થઈ જતા. દંભ આખી જુદી જ વાત છે.

બીજાઓ પાસેથી ઉષ્માભરી લાગણી કે પોતાનાં વખાણ મેળવવાની સતત ભૂખને કારણે તમારું વ્યક્તિત્વ આળું અને અન્ય પર આધાર રાખનારું થઈ જશે. વખત જતાં તમારું સમગ્ર લાગણીતંત્ર તમે બીજાના હાથમાં સોંપી દેશો અને પસ્તાશો, બધા મારા વિશે સારું સારું જ બોલે એવી મેન્ટાલિટી છોડી દેવાની.

તમે ચિંતામાં હો તે છતાં પ્રસન્નતામાં ગળાડૂબ રહી શકો છો એવું અનુભવે સમજાતું હોય છે. બહારનાં કોઈ પણ પરિબળો તમારી અંદરની મધુરતાને ખલેલ પહોંચાડતાં અટકી જાય એવી અવસ્થાને ખરી મૅચ્યોરિટી કહેવાય જે માત્ર ઉંમર વધવાની સાથે ન આવે.

સતત ભૂતકાળના અને ભવિષ્યના વિચારોમાં હીંચકા ખાધા કરતા માણસ પાસે વર્તમાન જેવું કશું બચતું નથી અને વર્તમાન રહેતો નથી એટલે એના ભૂતકાળમાં કશું ઉમેરાતું નથી, એના ભવિષ્યમાં કશું ઉમેરવું નથી. એની સમૃદ્ધિ ધીમે ધીમે ઘસાવા આવે છે. પોતાના વર્તમાનને જે વ્યક્તિ સમૃદ્ધ નથી કરી શકતી તેની આ જ હાલત થવાની. લોકો તમને સાચા અને સારા દેખાવા માટે પ્રોત્સાહન આપતા હોય છે, સાચા અને સારા હોવા માટે નહીં. લોકોની મોહજાળમાં ફસાવાનું નહીં.

શરદી દૂર કરવાના ઈલાજો વિશેનો કોઈ વૈદરાજનો લેખ છાપામાં વાંચી લેવાથી તમારી શરદી ગાયબ થઈ જતી નથી. પૉઝિટિવ થિન્કિંગનાં પુસ્તકો, છૂટક લેખો, નિયમિત કૉલમો વાંચીને કે પછી મોટિવેશનલ પ્રવચનો સાંભળીને ‘ખૂબ શીખવા મળ્યું’ એવું કહી દેવાથી માણસનો સ્વભાવ બદલાઈ જતો નથી.

સારા વિચારોનો તૈયાર છોડ ઉછીનો લાવીને મનમાં રોપી દેવાથી કોઈ અર્થ સરતો નથી. એ છોડ એના પોતાનામાં ગમે એટલો ઉત્તમ હોય, ઘટાદાર વૃક્ષ બનવાની ખાતરી આપનારો હોય, છતાં એને તમારી ભૂમિ – એ ગમે એટલી ફળદ્રુપ હોય તો પણ – માફક ન આવે એ શક્ય છે. તૈયાર છોડ લાવીને રોપી દેવાને બદલે સારા વિચારોનાં બીજ શોધી શોધીને વાવવાં જોઈએ અને રોજ એની કાળજી લેવી જોઈએ. આ રીતે ઉગેલા કોઈ પણ છોડનાં મૂળિયાંની જમીન પરની પકડ મજબૂત રહેવાની. મામૂલી ઝંઝાવાતો સામે તો એ સહેલાઈથી ટકી શકશે જ, જબરદસ્ત આંધી વખતે પણ એ ઊખડી નહીં પડે. આપણે પોતે ઉછેરેલા વિચારોનો સૌથી મોટો ફાયદો એ કે એ વિચારો મુજબનું વર્તન કરવાના પ્રયત્નોમાં નિષ્ઠા આપોઆપ આવી જાય. એ વિચારો મુજબનું આચરણ કરવાના પ્રયત્નોમાં દિલચોરી કરવાનું મન ન થાય.

વાત વાતમાં ફરિયાદ કરવાથી પોતે સંપૂર્ણતાનો કરેલો આગ્રહ રાખે છે એવું સ્થપાઈ જશે એ પ્રકારનો વહેમ ઘણા લોકોને હોય છે. વાત વાતમાં વાંકું પાડવું કે સ્વભાવે જ વાંકદેખા હોવું આ બધાં લક્ષણોના મૂળમાં વારંવાર ફરિયાદ કરવાની આદત રહેલી છે. આપણે કૅટેગરીમાં ન મુકાવું.

મન થાય એ બધું જ કરવું કે મેળવી લેવું જરૂરી નથી હોતું જીવનમાં. કઈ ઈચ્છાને કાચના શોકેસમાં ગોઠવાયેલી કોઈ આકર્ષક ચીજની માફક દૂરથી જ નિહાળીને આગળ નીકળી જવું અને કઈ ઈચ્છાને પ્રયત્નપૂર્વક, સમજાવી પટાવીને પાછી વાળવી અને ન માને તો એની ધૂમક્રિયા કરી નાખવી એ સમજી લેવું જરૂરી છે. જે કઈ મેળવવાની ઈચ્છા પ્રગટે એ બધું જ પ્રાપ્ત કરી લેવું જરૂરી નથી. અત્યાર સુધી જન્મેલી અને સંતોષાઈ ચૂકેલી અડધો અડધ ઈચ્છાઓ અત્યારે એના પરિણામ સામે તમારા મનના ભંડકિયામાં ધૂળ ખાતી પડી છે. એને પૂરી કરવામાં તમારો ઘણો અમૂલ્ય સમય ખર્ચાઈ ગયો, શક્તિઓ નીચોવાઈ ગઈ અને બદલામાં મળ્યું શું? ટોટલ વેસ્ટેજ.

તમારા વ્યવસાયના ક્ષેત્રમાં તમારો અસલ સ્વભાવ કે તમારું અસલ વ્યક્તિત્વ પ્રગટ થાય તે જરૂરી નથી. વ્યક્તિનો વ્યવસાય એના અંગત જીવન પર પહેરાયેલો બુરખો હોય છે. અસલ ચહેરાની ખામીઓ છુપાવવા માટેનો નહીં, અસલ ચહેરાની કુમાશને જાળવી રાખવા માટેનો. અંદરનું એકાંત ક્યાંક ઢોળાઈ ન જાય એ માટેનો.
જિંદગીની તેજીમાં સડસડાટ ચાલતો કાફલો કાળની થપાટ સમી મંદીની આંધીમાં વેરવિખેર થઈ જાય ત્યારે શાણો માણસ આગળ વધવાને બદલે બે ડગલાં પાછળ જવામાં ડહાપણ સમજે. ભાવિ વિશેની ગણતરી ખોટી પડી રહી છે તેવું લાગે ત્યારે આખેઆખો દાખલો ખોટો પડે ત્યાં સુધી રાહ જોવાને બદલે પાછા જઈને નવેસરથી દાખલો માંડવાનો હોય. આગળ વધવાના વધુ રસ્તાઓ ખૂલે એ માટે ક્યારેક પીછેહઠ કરવી જરૂરી.

પછડાટો અને પીછેહઠો નામોશીભરી નથી. જેઓ સાહસિક છે, તમન્નાવાળા છે એમના જ જીવનમાં એ આવે.

લાઈફ મૅનેજ કરતાં શીખવું હોય તો સૌપ્રથમ સ્વભાવને મૅનેજ કરતાં શીખવું પડે. થોડીક વધુ ટિપ્સ.

જે ક્ષેત્રમાં હજુ સુધી કોઈએ પગ નથી મૂક્યો અથવા તો બહુ ઓછાએ એમાં પ્રવેશવાની હિંમત કરી હોય એવા ક્ષેત્રમાં કદમ માંડવાનું જોખમ લેનારાઓની નિષ્ફળતા પણ આદરથી જોવાય છે. નિષ્ફળતાનો ડર માણસને સફળતાથી દૂર લઈ જાય છે.

કોઈ એક કામમાં સતત નિષ્ફળ જતી વ્યક્તિએ થોડું આત્મપરીક્ષણ કરી લેવું જોઈએ. નસીબનો, વાતાવરણનો, સંજોગોનો કે બીજી વ્યક્તિઓનો દોષ કાઢવાને બદલે દર્પણમાં જોઈ લેવું જોઈએ. પોતાનો દોષ જોઈ ન શકતી વ્યક્તિ સતત નિષ્ફળ થતી રહે એવી શક્યતા વધારે.
કાયમી નિષ્ફળતામાં અને કામચલાઉ હારમાં ઘણો ફરક છે. જિંદગીનાં વીતેલાં વર્ષોને અને એ વર્ષો દરમિયાન અનુભવેલી નિષ્ફળતાઓને યાદ કરીએ તો લાગશે કે કામચલાઉ હાર વખતે ઝૂકી ગયા અને હાથ જોડીને બેસી રહ્યા એટલે જ એ હાર નિષ્ફળતામાં પલટાઈ ગઈ.

ટોચનો ક્રિકેટર પણ દરેક બૉલમાં સિક્સર ન ફટકારી શકે અને દરેક ઈનિંગમાં સેન્ચ્યુરી ન કરી શકે. એક વખત સફળતા મળ્યા પછી લોકોની તમારા માટેની અપેક્ષા ગેરવાજબી રીતે અનેકગણી વધી જતી હોય છે. તમારે તમારા કામને એ અપેક્ષાના બોજ તળે કચડી નાખવાની જરૂર નથી. સાતત્ય પરિણામનું હોય કે ન હોય, સાતત્ય કામનું હોવું જોઈએ. પરિણામનું સાતત્ય હોવું જોઈએ એવો આગ્રહ રાખવામાં જોખમ છે. કામનું સાતત્ય હશે તો જ ખબર પડશે કે સફળતા મળે છે કે નહીં. કામના સાતત્ય પછી પણ નિષ્ફળતા મળે તો સફળતાનો આનંદ મળે કે ન મળે, કામ કરવાનો, સફળતા પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયત્નો કરી છૂટી છૂટવાનો સંતોષ તો મળવાનો જ છે.
આત્માના અવાજમાં અત્યાર સુધીના આપણા સંચિત અનુભવોનો સૂર ભળેલો હોય છે. કોઠાસૂઝથી લેવાતો નિર્ણય વધુ સાચો ઠરે છે. રોજિંદા જીવનમાં મનમાં આશંકા જાગે કે કશુંક અમંગળ બનવાનું છે એવી ભાવના થાય ત્યારે તર્ક કે બુદ્ધિ ગમે તે કહે, આપણે આપણું ધાર્યું જ કરવાનું હોય. વિનોબા ભાવેએ ‘ગીતા પ્રવચનો’ના આરંભે જ કહ્યું હતું: ‘તર્કને છોડી શ્રદ્ધા અને પ્રયોગની બે પાંખોથી ગીતાના આકાશમાં મારાથી જવાય તેટલું ઊંચે હું ઊડું છું.’
ગમે એટલી જિનિયસ વ્યક્તિ પણ એક સમયે એક કરતાં વધારે કામ શ્રેષ્ઠ રીતે કરી શકતી નથી. ‘શ્રેષ્ઠ રીતે’ શબ્દ અગત્યના છે. એક જ કામ હાથમાં લઈને બધું ધ્યાન એને પૂરું કરવામાં વાપરવામાં આવે ત્યારે એ કામનું શ્રેષ્ઠ પરિણામ આવે એવી શક્યતા ઊભી થાય. એ કામ પૂરું થયા પછી બીજું કામ હાથમાં લેવાય તે વખતે ફરી એવી શક્યતા ઊભી થાય. એવું જ એ પછીનાં બધાં જ કામની બાબતમાં બને, પણ એકસાથે બધાં કામ હાથમાં લઈ જલતરંગ વગાડતા હોઈએ એ રીતે દરેક કામના પાણી ભરેલા વાટકા પર થોડી થોડી વારે લાકડી ફટકારતા જઈએ તો એમાંથી સંગીત સર્જાવાને બદલે બેસૂરા બનતા જતા જીવનનો રાગ ધમાલ પ્રગટે.

દરેક વ્યક્તિએ પોતાના માટે જિંદગીનો હેતુ શું છે એ પોતાની રીતે જ નક્કી કરી લેવું પડે. બીજાની મદદ એમાં ન લેવાય. કેવી રીતે નક્કી થાય! ત્રણ સવાલ પૂછીને:
૧. આ જ રીતે મારી જિંદગી ચાલ્યા કરશે તો દસ વરસ પછી હું ક્યાં હોઈશ? જીવનમાં આગામી દસ વર્ષ પણ વીતેલા દાયકા જેવાં જ જોઈએ છે? ૨. અત્યારે જે કંઈ મેળવ્યું છે અથવા તો જે કંઈ મળ્યું છે તેના આધારે હવે પછીની જિંદગી જીવવી છે કે પછી જૂનું તોડીને, નવું બાંધીને આગળ વધવું છે? ૩. જિંદગી પાસેથી મારે જે કંઈ જોઈએ છે તે મેળવવા હું જિંદગીને શું કિંમત આપવા તૈયાર છું? મારી પાસે એવું શું છે જેના બદલામાં હું જિંદગી પાસેથી નિશ્ર્ચિત અપેક્ષા રાખું છું?

પાત્રતા વિના કશુંય પામી શકાતું નથી, ભૂલેચૂકેય મળી જાય તો એ લાંબું ટકતું નથી.

જીવનમાં કશુંક જોઈતું મળી જતું હોય ત્યારે મનમાં પ્રશ્ર્ન નહીં કરવાનો કે મેં આ માટે કેટલી મોટી કિંમત ચૂકવી. જિંદગીમાં જોઈતું મેળવવા માટે ચૂકવવી પડતી કોઈ પણ કિંમત વાજબી હોવાની.

જિંદગીમાં જીતી જનારા અનેક લોકો પોતાની લાયકાતને કારણે નહીં, બીજાઓની ગેરલાયકાતને લીધે જીતી ગયેલા હોય છે. કોઈ પણ ભોગે જીતી જનારા લોકોની જીત કરતાં, કોઈનોય ભોગ ન લેવામાં માનતા લોકોની હાર વધુ આદરપાત્ર છે.

કેટલીક લાગણીઓ માણસમાં એવી છે જેની અભિવ્યક્તિ એ ધારે તોય પ્રગટપણે ન કરી શકે. ગુસ્સો, દુ:ખ, કાળજી, સંતોષ વગેરે પ્રગટ કરી શકો, પણ ઈર્ષ્યાને તમે ધારો તોય પ્રગટ ન કરી શકો. ઈર્ષ્યાની સીધી અભિવ્યક્તિ શક્ય નથી એટલે જ એ અવારનવાર કૂથલીરૂપે બહાર આવ્યા કરતી હોય છે.

જેને પડકારવા માટે આપણે ખૂબ વામણા હોઈએ એની જ નિંદા આપણે કરતાં હોઈએ છીએ.

બીજાઓએ તમારા માટે સર્જેલી તકલીફો દૂર કરવા બીજું કોઈ આવવાનું નથી. એ કામ તમારે જ કરવું પડશે. વાંક બીજાનો હોય કે પોતાનો, જિંદગી તો બીજાની નથી. એને આગળ વધારવાની, સમૃદ્ધ કરવાની કે તકલીફમાંથી બહાર લાવવાની જવાબદારી પણ એની જ છે જેના નામે આ જિંદગી લખાયેલી છે.

કોઈનું વર્તન તમને અયોગ્ય લાગે ત્યારે ગુસ્સે થવાનો તમને હક્ક છે, પણ આવું વર્તન કરવા પાછળનાં એનાં કારણો વિશેની પૂરતી માહિતી કે હકીકતો તમારી પાસે તે ક્ષણે ન હોય એ શક્ય છે. તમે ગુસ્સે થઈને, ઘાંટા પાડીને, દલીલો કરીને એ કારણો જાણવાની કોશિશ કરો છો ત્યારે એ વ્યક્તિ તમને પૂરતી માહિતી આપવા માટે કે યોગ્ય સંદર્ભો સમજાવવા માટે અસમર્થ બની જાય.

ધાર્યું કરવામાં જેટલી મક્કમતાની જરૂર પડે છે એટલી જ મક્કમતા જતું કરવામાં વપરાય છે. જતું કરવું એ કોઈ નિર્બળતાની નિશાની નથી. છેવટ સુધીના પ્રયત્નો કરી છૂટ્યા પછી જતું કરી દેવાથી કઈ દિશા બંધ છે એની ખાતરી થઈ જાય છે અને એવી ખાતરી મળ્યા પછી નવી દિશાઓ તરફ જોવાની દૃષ્ટિ મળે છે.

કોઈક કશું કહે છે કે તમે કશુંક વાંચો છો, જુઓ છો કે સાંભળો છો ત્યારે મન એનો તાત્કાલિક પ્રતિભાવ આપે છે. તત્કાળ પ્રતિભાવ હંમેશાં સાચો જ હોય એ જરૂરી નથી. ‘હું તો મનમાં આવ્યું તે ફટાક દઈને કહી દઉં’ એવું કહેનારા લોકો બીજાને દૂભવીને પસ્તાતા હોય છે. એમને સમજાય છે કે મનમાં જે ઊગ્યું તે તરત જ કહી દીધું ન હોત તો ફેરવિચારની તક મળી હોત, સેક્ધડ રિએક્શનની તક મળી હોત. મેડિસિન ક્ષેત્રે સેક્ધડ ઓપિનિયનનું મહત્ત્વ સ્વીકારાયું છે. એ જ રીતે લોકો સાથેના વ્યવહારમાં સેક્ધડ રિએક્શનનું મહત્ત્વ સમજાવું જોઈએ. સેક્ધડ રિઍક્શન એટલે તીર છૂટી ગયા પછી એને અડધે રસ્તેથી પાછું વાળી લેવાની કળા.

હાર્ટ ખોટકાય તો એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડે કે બાયપાસ કરાવવી પડે. સ્વભાવમાં ખામી હોય તો સ્વભાવનું નવેસરથી મૅનેજમેન્ટ કરવું પડે. છેલ્લા બે દિવસથી અને આજે જે કંઈ ટિપ્સ અહીં આપી છે તે ‘ગુડ મૉર્નિંગ’ની ફર્સ્ટ સિજનથી શરૂ કરીને અત્યાર સુધી આ વિશે લખેલા મારા લેખોનો નિચોડ છે. આ લેખોને મઠારીને પુસ્તક આકાર અપાઈ રહ્યો હતો ત્યારે થયું કે જે વાનગી બની રહી છે એ તમને ચખાડું. આ બધું આખેઆખું એક જ બેઠકે પૂરું કરી નાખવાની લાલચ થશે, રોકી રાખજો.

મહિનામાં જ તમારું બૉડી બની જશે કે ફિગર સરખું થઈ જશે એવું માનીને જિમમાં જઈ રોજ આઠ-આઠ કલાક કસરત કરવાથી ઊલટાનું શરીરને નુકસાન થશે.

બિલિમોરાના એક ડૉકટરે મારા પ્રવચન પછી શ્રોતાઓને કહ્યું હતું: ‘સૌરભ શાહને વાંચવાથી આપણું ડીપ્રેશન દૂર થઈ જાય છે.’ મેં એમને કહ્યું: ‘હકીકત એ છે કે લખવાથી મારું દૂર થઈ જાય છે!’

વર્ષોથી આ બધું લખતો આવ્યો છું. વર્ષો પછી પણ નવી નવી પરિસ્થિતિઓ અને નવા નવા સંજોગો દરમિયાન મને આ બધા વિચારો કામ લાગી રહ્યા છે.

મારા માટે લખેલું આ બધું જ હવે તમારું છે:
માણસ જીવે છે ત્યાં સુધી ક્યારેય એનું આખું જગત તૂટી પડતું નથી. ક્યારેક એનો એક અંશ કે એકથી વધુ અંશ ખરી પડે ત્યારે તમને એવું લાગે ખરું કે તમારું જગત આખું તૂટી પડી રહ્યું છે. માથે આભ તૂટી પડવું અને એવા બધા રૂઢિપ્રયોગો અલંકારિક ભાષામાં બયાન કરતી વખતે ઠીક લાગે, પરંતુ હકીકતમાં એવું બનતું નથી. માત્ર તે ઘડીએ આપણને એવું લાગતું હોય છે. ક્યારેક આપણી આસપાસનાને પણ લાગતું હોય છે.

તમે જે વિચારો કરવા નથી માગતા એ વિચારો સૌથી જુલમી વ્યક્તિ પણ તમારી પાસે નથી કરાવી શકતી. તમારી ઈચ્છા વિરુદ્ધનું વર્તન તમારી પાસે કદાચ કરાવી શકશે, પણ ઈચ્છા વિરુદ્ધના વિચારો તમારી પાસે કોઈ નહીં કરાવી શકે. માણસમાં બીજાના કહ્યા મુજબના વિચારો ન કરવાની શક્તિ હોય એનો અર્થ એ થયો કે એનામાં પોતાના ધારવા મુજબના વિચારો કરવાની શક્તિ હોવી જ જોઈએ. આપણું મન કયા વિચારો કરે અને કયા ન કરે એના પર આપણું સો ટકા નિયંત્રણ શક્ય છે. મન પર કાબૂ રાખવો શક્ય છે. પણ આ શક્તિને ઓળખવાની ક્યારેય મહેનત જ નથી કરી, કેટલાકને તો મનની આવી શક્તિ વિશે જ શંકા હોય છે. એક વખત માણસ સ્વીકારતો થઈ જાય કે મનની એવી શક્તિ છે, તો એ આ શક્તિનો ક્યાં, કેટલો, કેવો ઉપયોગ કરવો એ શીખી શકે.
જીવનમાં કશું જ નથી હોતું ત્યારે સપનાંઓ હોય છે. જીવનમાંથી બધું જ જતું રહે ત્યારે પણ કેટલાંક સપનાંઓ બચી જતાં હોય છે. ખુલ્લી આંખે જોયેલાં કેટલાક ખ્વાબ દરેક વ્યક્તિની અંગત મૂડી છે. સપનાંઓ સીધાસાદા ન હોય. સપનાંઓ બહુરંગી અને બહુઢંગી હોવા જોઈએ: મલ્ટિ કલર્ડ અને મલ્ટિ ડાયમેન્શનલ. સપનાંઓ અશક્યવત્ હોવા જોઈએ. સપનાં સેવવામાં બહાદુરી જોઈએ. તમામ વિઘ્નો વચ્ચે, દરેક અનિશ્ર્ચિતતાઓનો સામનો કરીને પણ જે સપનાં જોઈ શકે તે જ જીવી શકે.
પણ કઈ સાઈઝનાં સપનાં જોવા અને કેટલી સંખ્યામાં? સપનું જોવાની સાથે એને સાકાર કરવા માટે કરવી પડતી મહેનત થઈ શકે એટલી લાયકાત ઊભી કરતાં જવું પડે. લાયકાત મેળવ્યા વગર સપનું સાકાર પણ થઈ ગયું તોય એનો સ્વાદ લાંબા સમય સુધી તમે નથી લઈ શકવાના. તમને મળેલું વહેલુંમોડું છીનવાઈ જ જવાનું.

સાચા માણસો પારદર્શક હોય. એમની આરપાર બધું જ જોઈ શકાય. એમના જળમાં પડેલું નાનકડા તણખલા જેટલું કચરું પણ તરત જ દેખાઈ જાય. લોકો એ કચરું બિલોરી કાચ તળે મૂકીને જુએ અને બીજાને દેખાડતા ફરે. બિલોરી કાચવાળા લોકો સમજતા નથી હોતા કે પેલાનું જળ નીતર્યું છે એટલે આ કચરું દેખાયું. જ્યારે પોતાનું તો સાવ ડહોળું – કાદવિયું પાણી છે. એમાં પડેલા ઢેર સારા કચરાનું શું?

જે લોકો પોતાને એકસ્ટ્રા ઑર્ડિનરી માને છે કે જેઓ એકસ્ટ્રા ઑર્ડિનરી બનવા માગે છે તેઓ કુદરતના ક્રમથી વિરુદ્ધ એવું અસ્તિત્વ મેળવવાની છટપટાહટ કરતા રહે છે. જે સાધારણ માણસ છે, ઑર્ડિનરી મૅન, એ કુદરતનો જ એક ભાગ છે. એનું અસ્તિત્વ સ્વાભાવિક છે, સાહજિક છે. કુદરત પોતે ક્યારેય સ્પેશિયલ કે વિશેષ માણસો પેદા નથી કરતી. કુદરત યુનિક અથવા આગવા અથવા નોખા માણસો પેદા કરે છે, સ્પેશિયલ નહીં. દરેક માણસ પોતાની રીતે આગવો હોય, નોખો હોય. સાધારણ માણસની આ જ મઝા છે કે એને ક્યારેય પોતે એકસ્ટ્રા ઑર્ડિનરી છે એવો ભ્રમ સતાવતો નથી. એવો ભ્રમ સાચવવા માટે કરવી પડતી ચોવીસ કલાકની દંભી રીતિ-નીતિઓમાંથી એ ઊગરી જાય છે. એ જાણે છે કે દેવદારના વૃક્ષ અને ગુલાબના છોડની સરખામણી ન હોય. પરસ્પરની સ્પર્ધા વિના બેઉનું સાહજિક, નૈસર્ગિક સહઅસ્તિત્વ શક્ય છે. એ બેઉ વચ્ચે કોણ સૌથી ઊંચું એવી શરત લાગતી નથી કે કોણ સૌથી સુગંધી એવી શરત પણ તેઓ લગાવતાં નથી. બેઉએ એકબીજાના આગવાપણાને સ્વીકારેલું હોય છે. એમનું પોતપોતાનાપણું, નોખાપણું એકમેક સામે હરીફાઈમાં નથી ઊતરતું. જે પોતાને સાધારણ માને છે એ જ હકીકતમાં અસાધારણ અથવા તો એકસ્ટ્રા ઑર્ડિનરી હોય છે અને જેઓ પોતાને બીજા કરતાં ઊંચા માને છે, એકસ્ટ્રા ઑર્ડિનરી માને છે તેઓ હકીકતમાં મીડિયોકર હોય છે.
જિંદગીમાં શું શું નથી કરવું એની યાદી તૈયાર કરી લેવાથી શું શું કરવું એ વિશેની સ્પષ્ટતા થઈ શકે છે. અનેક દિશાઓમાં ખૂબ બધું કામ થઈ શકે છે એવા ખ્વાબમાં રાચી ન શકાય. વિકલ્પો ઓછા કરી નાખવાથી જ નક્કર પ્રગતિ થાય.

માણસ પાસે જિંદગીને આપવા જેવું ઘણું છે. આંખમાં નકાર ભરીને જોવાની ટેવ છોડી દીધા પછી જ સમજાય કે જિંદગીને શું શું આપી શકીએ છીએ. નકારની દૃષ્ટિ છોડી દીધા પછી મળેલા જિંદગીના અનુભવો, વિચારો ઈત્યાદિનો સરવાળો જ તમારા જીવનની સૌથી મોટી અને ખરી મૂડી છે.

By Dr Janak Shah Courtesy Face book

Posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, ગમતાનો ગુલાલ, ચિંતન લેખ, પ્રેરણાદાયી લેખ્ | Comments Off on સ્વભાવનું મૅનેજમેન્ટ: કેટલીક ટિપ્સ – ગુડ મૉર્નિંગ -સૌરભ શાહ

વિદાય-વિજય શાહ

વહેલી સવારે નાનીમા મમ્મીને ઉઠાડતા કહેતી હતી “અલી સોનલ! તારા પપ્પા કંઈ બોલતા નથી જરા ઉઠાડને તેમને..સોનલ ઉંઘમાંજ હતી પણ મમ્મીનાં અવાજે ઝબકીને પપ્પાનાં રુમમાં પહોંચી..પપ્પા સુતા હતા…અને મમ્મી નું રડવાનું ચાલુ થઈ ગયુ હતુ… સહેજ ખીજવાઇને તે બોલી

“મમ્મી! તને ઉંઘ નહીં આવી હોય.. પણ પપ્પા તો શાંતિથી સુતા છે..ચાલ હવે એમને સુવાદે!”

પણ મમ્મી ના માની…” બેટા આટલો પણ અવાજ થાય તો તે તો ઝબકીને જાગી જાય. માન કે ના માન કંઇક થયુ છે…તારા પપ્પા હવે આપણી સાથે રહ્યા નથી.”

હવે સોનલ ભડકી “ શું વાત કરે છે મમ્મી? પપ્પાને તો નખમાં ય રોગ નથી.”

ફરી લાઈટ કરીને સોનલે “પપ્પા પપ્પા “કર્યુ અને સહેજ ઢંઢોળ્યા તેને પણ ધ્રાસકો પડ્યો અને બોલી

“ મોમ ! ૯૧૧ ને ફોન કરું?”

પાંચ વર્ષની ગ્રીષ્મા ઘરમાં થતી રડારોળ સમજવા મથતી હતી.. ૯૧૧માંથી પેરામેડીકલ માણસો સ્ટ્રેચર લઇને ઉપલે માળે જઈ રહ્યા હતા. બાની પાસે બેસીને મમ્મી પણ રડતી હતી.નાનાની તબિયત બગડી હતી

સ્ટ્રેચર ઉપર નાનાને લઈને ચાર પેરામેડીકલ ઓફીસર ઝડપથી નીચે ઉતર્યા..”.કદાચ સુગર ખુટી ગઈ હશે” નાડી પકડાતી નહોંતી એટલે તેમની વર્તણુંકમાં ઝડપ હતી…

સાયરનો નાં અવાજે આખી શેરી જાગી ગઈ હતી અને સબવીઝનમાં લાઈટો થવા માંડી હતી વહેલી સવારનાં ચાર વાગ્યા હશે. એમ્બ્યુલન્સ જતી રહી હતી પાછળ એક પોલીસ વિગતો ભરી રહ્યો હતો જેમાં ઇન્સ્યોરન્સ કાર્ડ અને આઈડૅન્ટીટીકાર્ડ અને હેલ્થ વિશેની વાતો મુખ્ય હતી પણ મંદાબેન નો જીવ પડીકે બંધાયો હતો..

સીપીઆર ટેસ્ટ આપનાર નાં પડી ગયેલ મોં અને દેહને જલદી લઈ જવાની ઉતાવળ ને ૮૪ વર્ષની પત્ની સમજી ન શકે તેવું તો નહોંતું. હા એ વાત અલગ હતીકે તેને સ્વિકારવાનું કાઠું પડતું હતું.

સોનલ મમ્મીને અને નાની ગ્રીષ્માને તૈયાર કરીને હોસ્પીટલ પહોંચી ત્યારે પ્રાથમિક સારવારો અપાઇ ગઈ હતી..સોનલ સાથે ડોક્ટર દેસાઇ પણ હતા તેથી તેમને રીપોર્ટ આપતા ત્યાંનાં ડોક્ટરે કહ્યું “ માસીવ હાર્ટ એટેક હતો.. ઉંઘમાં જ ખલાસ થઈ ગયા છે.તમારે જે સગા વહાલાને ફોન કરવો હોય તે કરીદો…”

મંદાબેનને માનવું નહોંતુ ૫૫ વર્ષનું લગ્નજીવન અને કાયમ એમજ વિચારાતું કે મંદાબેનની ની તબિયત સારી નથી અને અચાનક જ “એ” મને મુકીને એમ  ચાલી નીકળ્યા?

નાની ગ્રીષમાને સમજાતુ નહોંતું કે પોલિસ શું કહેતી હતી પણ મમ્મી અને નાનીમાને ઉદાસ જોઇને તેને પણ રડવું આવતું હતું.

મમ્મી સાથે ઘરે જતા ગ્રીષ્માએ પહેલો પ્રશ્ન કર્યો “ નાનાને સારું તો થઈ જશેને?”

મંદાબેને છલકતી આંખે કહ્યું “ બેટા નાનાને હવે કદી સારુ નહીં થાય…”

“ નાનીમા એવું કેમ કહો છો.. તમે તો કાયમ સાજા થઇને આવો છો ને?”

“ હા પણ નાના હવે કદી સાજા નહીં થાય.”

“ કેમ ? નાની કેમ?”

‘તેમને પ્રભુ તેડી ગયા.”

“ એટલે?”

“ એટલે તે ભગવાન ને ત્યાં પહોંચી ગયા જ્યાંથી કોઇ પાછુ નથી આવતુ.”

“ પણ ભગવાન ને નાનાની શી જરૂર પડી?”

મા દીકરી અને પૌત્રી ત્રણેય શાંત હતા અને અચાનક સોનલ ચાલુ ગાડીએ રડવા માંડી..મંદા બેનને પણ રડવું હતું..ગ્રીષ્માને સમજાતુ નહોંતું કે મમ્મી કેમ રડે છે.પાંચેક મીનીટ રહીને ઘરે પહોંચ્યાં. ત્યારે મંદાબેને સોનલનાં બરડે હાથ મુકીને કહ્યું.

.”એ તો ગયા.. આપણાથી થોડું તેમની પાછળ જવાય છે? રડ ના પાણી પી અને એમની સંસ્મૃતિઓને યાદ કર.”

“બા. તને હું હવે અહીં એકલી નહીં રહેવા દઉં .મારી સાથે મારે ઘરે તને લઇ જઈશ.”

“ હા પણ હવે  થોડી સ્વસ્થ થા અને ફોન ની ડાયરી ખોલ અને રાજુભાઇ અને વિનોદ્કાકાને ફોન કરી આ માઠા સમાચારો આપવાના છે અને કહેવાનું છે કે જે નાનાને ઓળખતા હોય તેમને સંદેશો આપવાનોછે.”

“ બા તું રડને ? મારી જેમ… તને પણ આ દુઃખનો અનુભવ તો થાય છે ને? તો પછી તું પણ રડતી કેમ નથી?

“ જો મારે રડવું તો છે પણ તારા પપ્પાએ આ મૃત્યુનો મને મહિમા સમજાવતા કહ્યું હતું કે જે જનમ્યો તે તો જન્મતાની સાથે મૃત્યુની ટક ટક કરતી ઘડીયાળ લઈને આવ્યો હોય છે તે ટકટક જ્યારે શાંત થઈ જાય ત્યારે તેમણે કહ્યું હતું

જીવન નદી જ્યારે ભળે, પુનિત તવ સિંધુ જળમાં

તો સજન શાને  સારે અશ્રુ આવી પૂનિત પળમાં!

મને તે વાત હજી હમણાં જ સમજાઇ કે તેઓ શું કહેવા માંગતા હતાં. તેઓ જાણતા હતા કે  જન્મ પછી મૃત્યુ પણ નિશ્ચિંત છે.

નાની ગીષ્માને હજી નાનાની ચિંતા હતી તેથી તે ફરી બોલી “ મને તો નાના વિના નહીં ગમે. એ કેમ પ્રભુને ત્યાં મને મુકીને જતા રહ્યા? મને ભગવાન નો ટેલીફોન નંબર આપો હું ભગવાન સાથે વાત કરી નાનાને પાછા બોલાવી લઉં. મારું સ્કુલે જવાનું, મારું હોમવર્ક કરાવવાનું અને સ્કુલે જતા ઉઠાડવાનું કામ એમના સિવાય બીજું કોણ કરશે?

મંદાબેન નાનકડી ગ્રીષ્માને સમ્જાવવા કટી બધ્ધ થયા. સોનલને તો હજી સમજાવવાનું બાકી હતું ત્યાં ગ્રીષ્મા વ્યગ્રતા વધારતી હતી.તેમણે નાની ગ્રીષ્માને હાથમાં તેડીને કહ્યું

“ બેટા તારા પપ્પા તને બોલાવે તો રમતી રમતી પણ તું ઉભી થઈને જાયને?”

“ હા બા એ તો જવું જ પડેને?”

“ બસ તેમજ નાનાને તેમનાં પ્રભ પિતાએ બોલાવ્યા તો તેમને જવું પડેને?”

“ નાની પણ આ મમ્મી કેમ રડ્યા કરેછે? મને પણ રડવું આવે છે.”

“બેટા નાના એ  મમ્મીનાં પપ્પાને? તે પણ જતા રહ્યા છે ને?”

“ મને આપોને ટેલીફોન નંબર હું તેમને પાછા બોલાવી લઉં છું” આ વખત હળવે અવાજે તેણીએ ડુસકું નાખ્યું.” મંદાબેને બંને દીકરીઓને પાણી આપ્યું અને તેમને ગમતી ભજનો ની કેસેટ શરુ કરી…

જુનુ તો થયં રે દેવળ જુનું તો થયું

મારો હંસલો નાનો ને દેવળ જુનુ તો થયું

સોનલે પપ્પાનાં ફોટા પાસે દીવો પેટાવ્યો અગર બત્તી કરી અને તેમને ગમતા મોગરાનાં પુષ્પો મુક્યાં અને ગ્રીષ્માને કહ્યું “નાના સુખીયા હતા કે ના કોઇની ચાકરી લીધી કે ના પીડાયા..તેઓ ચોક્કસ જ પ્રભુધામમાં છે. તેમને વંદન કરીને કહો કે  ભલે આપણા અન્નજળ પુરા થયા આપના આત્માને શંતિ મળે.. ઑમ શાંતિ

સોનલ ગ્રીષ્મા અને મંદાબેન સૌએ પગે લાગતા ઓમ શાંતિ નો અવાજ કર્યો  ઘરમાં લાઇટૉ થયેલી જોઇને  પડોશીઓ એક પછી એક આવતા હતા અને મનોમન સોનલ અને મંદાબેનની સમજને બહુ માનથી જોતા હતા. અને સમજતા પણ હતા કે સહજતાથી સ્વિકારાતુ મૃત્યુ એ તો ઉજવણું છે

પ્રભુનો ન્યાય છે.તેને કૉર્ટમાં ના પડકારાય કે તેની પાછળ રોદણાનાં દેખાડા કે ધમપછાડા ના થાય. પ્રભુનો આ ન્યાય એવોછેકે જેમાં મુદ્દલ પણ જાય અને મુદ્દલનું વ્યાજ પણ જાય.. જે કામો તેમના બાકી રહી ગયા હોય તે કરવાના હોય. ગ્રીષ્મા સમજી જ નહોંતી શકતી કે નાનાએ શા માટે જવું પડે અને ભગવાન ને ત્યાંથી તેઓ પાછા કેમ ન આવી શકે?

મંદાબેન તેને સમજાવતા હતા હવે તેજ વાત સોનલ તેને સમજાવતી હતી.પ્રભુપિતાને ત્યાં તેમની વધારે જરૂર છે તેથી તો તે ગયા.. તને કે મને આવજો પણ ના કહ્યું. હવે જો આપણે વધું રડીયે તો તે આત્માને દુઃખ થાય..અને પહેલા તું સમજ તેઓ પ્રભુ પિતાનું સંતાન એટલે તેમનાથી આનાકાની ના થાય.

હવે કંઇ ના ચાલ્યુ એટલે તેણે પણ ભેકડો તાણ્યો.. “નાના તમે ક્યાં છો”…

”એને છાની રાખતા બંને માની આંખો ફરીથી છલકાઇ અને ખરખરે આવનાર પડોશીઓ પણ અશ્રુ શ્રધ્ધાંજલી આપતા હતા

Posted in પ્રસંગ કથા, લઘુ કથા, વાર્તા | Comments Off on વિદાય-વિજય શાહ

ૠણાનુંબંધ -પ્રભુલાલ ટાટારીઆ

Authored by Prabhulal Tataria Dhufarઇ, Authored by Pravina Kadakia, Authored by Bhumi Machi, Authored by Rekha Patel “vinodoni”, Authored by Vijay Shah, Authored by Rashmi Jagirdar, Authored by Hemaben Patel

List Price: $11.00
6″ x 9″ (15.24 x 22.86 cm)
Black & White on White paper
176 pages
ISBN-13: 978-1542951029 (CreateSpace-Assigned)
ISBN-10: 154295102X
BISAC: Fiction / General

RunanubaMdh is a Story of writer poet and an actor who has lost faith on his own son.

Posted in માહિતી, સમાચાર, સહિયારી નવલકથા, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on ૠણાનુંબંધ -પ્રભુલાલ ટાટારીઆ

Patangiyu: Sahiyaru Sarjan

Authored by Vijay Shah, Authored by Niranjan Mehta, Authored by Neeta Kotecha, Authored by Falguni Parikh, Authored by Swati Shah, Authored by Rashami Jagirdar, Authored by Pravina Kadakia, Authored by Rajul Kaushik, Authored by Kirit Bhakta, Authored by Nira Shah, Authored by Bhumi Machi

List Price: $10.00
6″ x 9″ (15.24 x 22.86 cm)
Black & White on White paper
132 pages
ISBN-13: 978-1545468340 (CreateSpace-Assigned)
ISBN-10: 1545468346
BISAC: Fiction / General

Ankit is opportunist..trying to have flirt with many co workers..Darshana being strong wife take bold challenge to correct him…and

CreateSpace eStore: https://www.createspace.com/7104941

Posted in sahiyaaru sarjan, સહિયારી નવલકથા, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on Patangiyu: Sahiyaru Sarjan

Vrudhdhatvno svikaar: Saahiyaru sarjan

Authored by Vijay Shah, Authored by Pravina Kadakiya, Authored by Vijay Shah, Authored by Rajul Kaushik, Authored by Rohit Kapadia, Authored by Swati Shah, Authored by Niranjan Mehta, Authored by Alpabne Vasa, Authored by Jitendra Padh, Authored by Hemaben Patel, Authored by Dhiraj Chauhan, Authored by Rashmi Jagirdar, Authored by Rddhi Pandya

List Price: $30.00

5″ x 8″ (12.7 x 20.32 cm)
Full Color on White paper
118 pages

ISBN-13: 978-1545406533 (CreateSpace-Assigned)
ISBN-10: 1545406537
BISAC: Education / Educational Psychology

Vrudhdhatv is a journey —accept the change and you will enjoy it.
It is believed that Old age is change of many things. Once you accept it as it is than there is no frictions of past and future

CreateSpace eStore: https://www.createspace.com/7063039

Posted in sahiyaaru sarjan, બહુલેખકો દ્વારા લખાયેલ નવલકથા, માહિતી, સાહિત્ય જગત, સાહિત્ય સમાચાર | Comments Off on Vrudhdhatvno svikaar: Saahiyaru sarjan