સપ્તપદીની પ્રતિજ્ઞાઓ

સપ્તપદીની પ્રતિજ્ઞાઓ

-વિજય શાહ

 

પ્રકરણ ૧

અમદાવાદનાં બે ઘરમાં આજે હલચલ હતી..પહેલું ઘર… એટલે પરભુબાપા અને ધીરી બાનું ઘર જીવરાજ પાર્ક ૪૫૨ નંબર.મુખ્ય રોડ ઉપરનું ઘર. જેમાં પરભુબાપા સોસાયટી સેક્રેટરી અને આખી સોસાયટી જાણે કે ધીરી બાનો સ્વભાવ માયાળુ એટલે પરભુ બાપાની કોહાડા જબાન સચવાઈ જાય..ધીરીબા જેવા મીઠા બોલ વદતી ઉજળી સુશીલા મોટી અને પરભુબાપા જેવી કછારી જબાન વાળી વંદના બીજા નંબરે..સુશીલા કોલેજનાં છેલ્લા વર્ષમાં અને વંદના બીજા વર્ષમાં. પ્રકાશ બારમામાં અને ઉર્મિ દસમામાં સુશીલા સિવાય ત્રણે ત્રણ ઘઉંવર્ણા પર મોર્છા બધાની ધીરી બા જેવી.. જાણે એક તાકાનાં ચાર કટ પીસના હોય!. પરભુ બાપા વિમા કંપની માં કામ કરે અને ખબર આખા ગામની રાખે.

બીજુ ઘર વકીલ નગીનભાઇનું  અને જીવકોરબેનનું.. શિવરંજની ચારરસ્તા પાસે આવેલી મુગુટ સોસાયટીનું ૧૧૧ નંબરનું.. નગીનભાઇ ને બે સંતાન શશી અને શ્યામા બંને અમેરિકામાં.શ્યામાએ ભાઇ શશીને તેમના સ્ટોરમાં હેલ્પ માટે તેડાવ્યો અને ધીમે ધીમે શ્યામાની રાહબરી હેઠળ બે સ્ટોર નો માલિક બન્યો.  બંને ઘર આમ તો છ ગામનાં પટેલોનું…ને તેથી સામાન્ય સંપર્ક સુત્ર રહેતા ધીરીબાનાં પિતરાઇ ચંપક ભાઇ.

ચંપક ભાઇ સમાચાર લાવ્યા કે નગીનભાઇ નાં નિધન પછી તેમનો યુ એસ એ સ્થિત સીટીઝન છોકરો શશી પરણવા અમદાવાદ આવવાનો છે. અને પરભુ બાપાની છઠ્ઠી સેન્સ ખુલી ગઈ. જો શશી નું સુશીલા સાથે લગ્ન ગોઠવાય તો અમેરિકા જવા માટે પાછળનાં સંતાનો નો રસ્તો ખુલી જાય.

આજે શશી પરભુ બાપાને ત્યાં સુશીલાને જોવા આવવાનો હતો.

ચંપકભાઇ આ વાત જ્યારે લાવ્યા ત્યારે ધીરીબાને તો માનવામાં આવતું નહતું કે સુશીલાનું ભાગ્ય આટલું ખુલી જઇ શકે ..ચંપકભાઇ કહેતા હતા નગીનભાઇએ વકીલાત દરમ્યાન પૈસા સારા બનાવેલા શ્યામાનાં લગ્ન હ્યુસ્ટન થયા પછી તેમને પહેલો હાર્ટએટેક આવ્યો ત્યાર પછી પ્રેક્ટીસ લગભગ બંધ જ કરી દીધી અને શશીનાં અમેરિકા ગયા પછી ડોલર નાં રૂપિયા આવતા ગયા..અને ઘર ચાલતું રહેતું..શ્યામા અને શશી તો બંને ને બોલાવતો પણ હજી તારા બાપાને સારુ થાય પછી આવશુંનું વાયદા પ્રકરણ ચાલતું..અને એક દિવસ નગીનભાઇ બીજા ભારે હ્રદય રોગનાં હુમલામાં બચી ના શક્યા.ત્યારે શશી અને શ્યામા અઠવાડીયા માટે આવ્યા અને બા ને બહુ સમજાવ્યા પણ વાયદા પ્રકરણ ચાલુ હતું હવે નવો વાયદો હતો શશી તારા લગ્ન પછી  વહુનાં હાથનો રોટલો ખાવા આવીશ.

શશી નગીનદાસભાઇ જેવોજ ઘાટે અને રંગે ઉજળો..એટલે એને કોઇ ના કહે તેવું બનવાની શક્યતા નહોંતી હા એ જેને હા કહેશે તેનું ભાગ્ય જરુર બની જશે તેવું ચંપકભાઇ જરૂર થી માનતા તેથી ધીરી બેન અને સુશીલાને લઇને પરભુબાપા શશી આવતા પહેલા જીવકોર બાને મળી આવ્યા હતા.. કહોને કે સુશીલાને બતાવી આવ્યા હતા…અને કહી પણ આવ્યા હતા કે જે માંગશો તે દહેજ પણ આપીશું…છોડી છેલ્લ વરસમાં છે એટલે ભણી રહેને પરણાવવાની બાબતે વિલંબ એમને ગમતો નહીં.

બરોબર સાડા આઠનાં ટકોરે પરભુબાપાનાં ઘરે સુશીલાને જોવા શશી અને જીવકોર બા પહોંચ્યા.

“ આવો આવો” કહીને ધીરી બાએ માન અને આદર સાથે ઘરમાં બેસાડ્યા.

અમેરિકન કથ્થાઇ પેંટ અને ગોલ્ડન યેલો કલરની જર્સીમાં શશી આવ્યો હતો. આમ સાવ સામાન્ય દેખાતા શર્ટની પાછળ ફોરેન રીટર્નનું લેબલ આગવી આભા પુરતું હતું. સુશીલાએ ફોટો જોયો હતો પણ રુબરુમાં શશીને જોયો ત્યારે તેના મનનો રાજકુમાર સહેજ વામણો લાગ્યો…અંદરથી ધડક ધડક થતા હૈયે તેને ટકોરી..- લગ્ન એ આખી જિંદગીનો કરાર છે પહેલી નજરે ગમવું એ નસીબની વાત છે.અને તું ક્યાં કોઇ સ્વર્ગની અપ્સરા છે ?

ધીરીબા મહેમાનગતિમાં વ્યસ્ત હતા તે સમયે ચંપક્ભાઇએ અને પરભુ ભાઇએ સુશીલા અંગ્રેજી સાથે કોલેજનાં છેલ્લા વર્ષમાં છે..સીવણ ગુંથણ અને પાક કળામાં નિષ્ણાંત છે જેવી અનેક બાબતો થી મા દીકરાને વાકેફ કર્યા.. અને નસ્તો લઇને વંદના આવી ચા લઇને સુશીલા આવી.

જીવકોર બા કહે “શશી! સુશીલા વંદના પ્રકાશ અને ઉર્મિ ચારેય ધીરીબાની બીબાઢાળ પ્રતિકૃતિ છે. મને સુશીલા તારા માટે યોગ્ય લાગી છે.”

શશી જોઇ શકતો હતો કે સુશીલા નિઃશંક શ્રેષ્ઠ છે. જીવકોરબાનું મંતવ્ય સાચુ છે તેણે સુશીલા સામે જોયું તો તે ચા હાથમાં આપી જવા જતી હતી ત્યારે જીવકોર બાએ કહ્યું બેસ બેટા..ચા નાસ્તો પતે પછી તમે થોડીક એક બીજાની જાણકારી તમારી રીતે લો અને પછી જણાવો.કે તમારી પસંદ શું છે?

સુશીલા ધીરીબાની બાજુમાં જઇને બેઠી.

વંદના ગરમ ગરમ ઉપમા પીરસી રહી હતી ત્યારે શશી એ જોયું તો ફક્ત રંગનો ફર્ક ન હોત તો ઓળખવી ભારે પડી જાય તેવું ગજબનું સામ્ય બંને બેનો માં હતું. ઉપમામાં કાજુ અને ડ્રાયફ્રુટ હતું તેની તેને નવાઇ લાગી.ખાસ તો તુટીફ્રુટી અને ચેરી ઉપમાને ઉપમા બનેલી રહેવા દેતી નહોંતી.પણ મીઠું વ્યંજન જરુર બનાવી દેતું હતું.

ચા નાસ્તો પુરા થયા અને ધીરીબાએ કહ્યું સુશીલા ઉપરનાં રૂમ માં તમે જાવ અને કંઇક વાત ચીત્ત કરવી હોય તો કરો અને વંદના ઝડપભેર ઉપર જતી રહી રુમ સરખો કરવા તેની પાછળ સુશીલા ઉભી થઇ અને જીવકોરબાની આંખોએ આદેશ આપ્યો ત્યારે શશી ઉપર જવા ઉભો થયો.

ઉપરનાં રુમ માં બે ખુરશી આમને સામને મુકી હતી. શશીનાં આવ્યા પછી વંદના નીચે જતી રહી.

બેચેની અનુભવતી સુશીલાને સંકોચાતી જોઇ વાતાવરણ હળવું કરવા શશી બોલ્યો “ તમારે મારા વિશે કશુંક જાણવુ હોય તો તમે પુછો. મને તો ચંપક મામાએ જાણવા જેવું બધું જ જણાવી દીધું છે..”

સુશીલા સહેજ હળવાશ અનુભવતા બોલી..

“તમારું ભણતર કેટલું?”

મેં અહીં એલ ડી એન્જીનીયરિંગમાં બી ઈ કર્યુ છે.પણ અમેરિકાને તેનો ખપ નહોંતો એટલે શ્યામાદી’નો સ્ટોર ચલાવતા શિખ્યો અને આજે બે કન્વીનીયંટ સ્ટોર છે મારા. એન્જીનીયર કરતા વધુ ડોલર રળુ છું.” એના અવાજ્માં સ્વમાન નો રણકો હતો કે ગુમાન નો તે સુશીલા નક્કી ન કરી શકી.

“અમેરિકા આવીને સ્ટોરમાં મારી સાથે દિવસનાં ૧૮ કલાક કામ કરવાની તૈયારી છે ને?”

સુશીલા ચમકી અને વિચારમાં પડી..શશી તો જાણે મારી હા હોય તેમજ વાત કરે છે…તેણે ધીમે રહીને કહ્યું “અમને અમારા માવતરે એવું શીખવાડ્યુ છે કે સાસરીમાં  જેવુ વાસણ તેવો ઘાટ થઈ જવાનું એટલે જેવી જરુરિયાત તેવું વર્તન અમને બચપણથી આવડે છે.”

“ વાહ!” તે બોલી ઉઠ્યો. થોડોક સમય વિચારીને તે બોલ્યો

“જીવકોરબા ની હા છે એટલે મારી પણ હા જ છે.અને હું એટલું સમજું છુ..સારો જીવન સાથી શોધવાને બદલે સારો જીવન સાથી બનવું મને ગમે છે.હા.એક વાત કહી દઉં મને બીન જરુરી સલાહ સુચન કોઇ આપ્યા કરે તે ગમતું નથી. અને હા મેં મારો અભિપ્રાય તો આપ્યો પણ તું શું કહે છે તે તો કહે.”

સુશીલાને આ તુંકારો ગમ્યો. તે કહે “ મા બાપે તો અન્ય પરિબળો જોઇ યોગ્ય મુરતિયો બતાવ્યો હોય ત્યાં વિચારવાનું હોય જ નહીં ને?”

“એટલે તારી પણ હા છે ને?”

“ હા અને તેથી તો અત્યારનો તુંકારો ગમ્યો.”

“ જો બીજી એક વાત..હું હથોડા છાપ માણસ અને તું અંગ્રેજી અને સાય્કોલોજી જેવા વિષય સાથે ગ્રેજ્યુએટ થવાની તેથી કહી દઉં ધારણા ન ધારીશ…મનમાં જે હોય તે સ્પષ્ટ કહેજે..તારા મનમાં શું ચાલતું હોય તેની મને તું નહીં કહે તો મને સમજણ પડી જશે તેવું ધારી ના લઇશ.”

સુશીલા મીઠુ હસી.

વંદના તે વખતે રૂમમાં આવતી હતી. તે શશીની નજરોથી સમજી ગઈ કે વાત હકારે  જઇ રહી છે.સુશીલા શરમાઇને રુમ બહાર જવા તૈયાર થઇ ત્યારે વંદનાને બોલાવતા શશી બોલ્યો..”સાળી થવા તૈયાર છે ને? ખબર છે ને સાળી એટલે અર્ધી….”

“ઘરવાળી” બોલતા બોલતા તેણે તાળીઓ પાડી.

નીચે બધા તાળિઓનાં અવાજ્થી પ્રસન્ન થતા હતા.

શશીએ નીચે આવીને જીવકોર બા ને કહ્યું “શ્યામાદી’ ને જણાવી દો અમારા બંનેની હા છે.”

ચંપક્મામા જીવકોરબાની સામે જોઇ રહ્યા…જીવકોરબા એ મસ્તક હલાવીને કહ્યું “હા…મારા છોકરાને હજી અમેરિકન હવા લાગી નથી. તે હજી માબાપનું કહ્યું માને છે.

-*

આમેય અમેરિકનો પાસે સમય ઓછો હોય તેથી એક વખત નક્કી થયા પછી ચટ મંગની અને પટ્ટ બ્યાહ્માં તેઓ માન્તા હોય છે અટવાડીયામાં શ્યામાદી અને દેવેન  અવી ગયા. અને લગ્ન તારીખ નક્કી થઇ ગઈ

સુશીલાને ફાઇનલ પરિક્ષા આપવાની હતી તેથી તે આ લગ્ન ની જલ્દી નક્કી થયેલી તારીખથી તાણ અનુભવતી હતી.અને વડીલોનાં મતે સારુ સાસરુ મળી ગયુ હવે નહી ભણો તો ચાલશે વાળી વાતો તેને ગમતી નહોંતી તેથી ધીરી બાએ જીવકોર બાને આ મુંઝવણ કહી ત્યારે શશી કહે હા. તેની વાત સાચી છે.. તેને સાસરે આવવાની બાબતે કોઇ રીવાજોનાં નામે તાણ નહીં થાય…

સુશીલાને આ વહેવાર ગમ્યો. પરિક્ષાઓ પતી અને બીજે અઠવાડીયે લગ્ન હતા. શ્યામાદિ’ આવ્યા તે દિવસે આખો દિવસ તે મુગટ સોસાયટીમાં રહી. શશી સાથે અલપ ઝલપ આંખ મિંચોલી થતી રહી એક દિવસમાં લગન ની સાડીઓ પલ્લાનાં દાગીના લેવાયા અને ધર્મ સ્થાનોમાં કંકોત્રી અને મિઠાઇ પહોંચાડાઇ

ધીરી બા રહી રહીને દ્રવતા હતા…આમ તો સુશીલા અંગ્રેજી ભણેલ છે પણ ૧૦૦૦૦ માઇલ દુર દીકરી જવાની જ્યાં ન કોઇ ઓળખાન ન કોઇ સાથી સંગી.. કેમની કાઢશે ત્યાંનાં દિવસો ત્યારે પરભુ બાપા ખુશ હતા હવે વંદના પ્રકાશ અને ઉર્મિનાં અમેરિકા જવાનાં દરવાજા ખુલી ગયા…તે દિવસે સુશીલાએ ધીરીબા ને કહ્યું બહું ચિંતા થતી હોય તો ના પાડી દઈએ…ધીરીબાએ સુશીલા સામે જોયું અને કહે “બેટા તું તારા અન્નજળ તેની સાથે લખાવીને આવી છે તેથી હવે કરી પણ શું શકાય…? આતો તું પહેલી એટલે થોડી ઓછી ઘડાઇ..તારી જગ્યાએ વંદના હોય તો ચિંતા જરાય ના હોત…”

“ભલે તો મારા બદલે વંદનાનું ગોઠવી દઇએ?”

“શુભ શુભ બોલ..સુશીલા..એનું ભાવી એ લખાવીને આવી હશે.. પણ આ માનો જીવ એટલે નબળા સંતાનો વિશે વધારે ચિંતિત રહેને?”

લગ્ન નાં આગલે દિવસે જીવકોર બેન અને શ્યામાદી’ ને લગ્ન પડવો આપવા જતી વખતે ધીરીબા ફરી રડ્યા…ત્યારે જીવકોર બા બોલ્યા.. હા થાય  મનમાં વિષાદ થાય પણ એક વાત સમજો દીકરી તો હંમેશા પારકી થાપણ..તમે એને ઘરમાં ક્યારે રાખી શક્યા છો?વળી એ એકલી ક્યાં છે? દેવેન અને શ્યામા પણ ત્યાંજ છે ને?ચિંતા ના કરશો…”

લગન પડો આપતા રીવાજ્ની વાત નીકળી ત્યારે જીવકોરબા બોલ્યા..વેવાઇ અમને તો કોઇ અપેક્ષા નથી વળી તમે જે આપશો તે તમારી દીકરી પાસે જ રહેવાનું છે તેથી નિશ્ચીંત રહેજો”

“ હું તો નિસ્ચિંત જ છું પણ આ ધણી ધણિયાણી એકલા રહેવાના તેથી થતું હતું કે શરુઆતનો થોડો સમય તમે પણ તેમની સાથે ગયા હોત તો…”

“ ના ભાઇ ના.. એમનો સંસાર એમની રીતે શરુ કરવા દો. કંઇક જરૂર હશે તો શ્યામા તો છેને?”

“ભલે પૈઠણ અને લગન પડો આપીને ધીરીબા અને પરભુ બાપા જવાની તૈયારી કરતા હતા ત્યારે નરભેશંકર ગોર બાપાએ મંત્રોચ્ચાર કર્યા .. વિધિ સહ ભેટો અને પૈઠણ લીધી અને સાસરીનું પાનેતર આપ્યુ.

બીજે દિવસે પીઠી ચોળવાની વિધિ પહેલા શશીની થવાની હતી સુશીલાને ત્યાં તૈયારી થઈ રહી હતી…મોસાળીયા અને પિતરાઇઓથી ઘર ખીલ ખીલાટ હતું ગોર મહારાજ શશીને ત્યાંથી ૯ વાગે આવી ગયા હતા..

પીઠી ચોળતા ચોળતા ધીરીબાની આંખો ફરી દ્રવતી હતી…દીકરી ચાલી પરદેશ…વંદના અને ઉર્મિ પણ આ જોઇને રડતી હતી. ગોર મહારાજ કહે કન્યાદાન માટે તૈયાર કરાતી દીકરીને જોઇ રડાય ના,. ચંદન અને હલદીનો લેપ લગાડતા આશિર્વચન આપો કે દીકરી બંને ઘરનો દીવો બને…પરભુ બાપા પણ દીકરીનાં ખીલેલા રૂપને જોઇ રહ્યા હતા…પોતાનું લોહી હતુંને…કુટુંબીઓએ મંડપ મુહર્તની થાંભલીઓ રોપી..સખીઓએ ગીત ગાયા.

ઘડીયાળ ઝડપથી ફરતી હતી તૈયાર થઈને જ્યારે સુશીલા બહાર આવી ત્યારે જાન આવી ગઈ હતી. ભારે સુરવાલ પહેરીને આવેલ  શશીકાંત સાચે જ વરરાજા તરીકે શોભતો હતો. માથે તિલક, જરકસી સાફો અને જાનૈયાઓમાં ઠંડુ પીણુ અપાતુ હતુ..સુરજ માથે ચઢતો હતો.. એર કંડીશન હૉલમાં પણ તેને માથેથી પરસેવો ટપકતો હતો.

નરભેશંકર મૉટા અવાજે દેવોને આહવાહન આપતા હતા…અને બોલ્યા “કન્યા પધરાવો સાવધાન..” ધીરીબાનાં નાનાભાઇ..યશવંત સુશીલાને બે હાથમાં ઉંચકીને મંડપમાં લાવ્યા ત્યારે દુલ્હન સ્વરૂપમાં સુશીલાને જોઇને સૌએ આનંદર્થી તેને વધાવી

વર રાજા અને કન્યાનાં પગ ધોઇ માત પિતા કહે છે મારી પારકી થાપણ! આજે સમય આવ્યો છે

તને વળાવીને અમે ઋણ મુક્ત થઈએ અને કન્યા દાન નું પૂન્ય પામીએ અને વર જેવો પૂત્ર પામીને “વરદાન” પામીએ.

નરભેરામ ગોર તેમનો પાઠ બરોબર ભજવતા હતા પણ ધુણી થી શશીની આંખમાં જલન થતી હતી અને ભારેખમ શેરવાની થી પરસેવે રેબ ઝેબ થતા હતા તેથી તેમને માટે ઉભા પંખાની વ્ય્વસ્થા કરાવી.પ્રકાશ અને ઉર્મિનાં મિત્રો બૂટ ઉપાડવામાં સફળ નીવડ્યા..લગ્ન ની ધમાચકડી ચાલુ હતી ત્યારે સપ્તપદીનાં સાત ફેરા ફરવાની પ્રથા શરુ કરી

શીવ અને પાર્વતી જેવા વરઘોડીયાને લગ્ન પ્રથાનાં મૂળમાં રહેલી શરતો સમજાવવાની શરુ કરી.

પહેલા ફેરામાં પતિ અને પત્ની એક મેકની ક્ષુધા સમગ્ર જીવન દરમ્યાન તૃપ્ત કરશે…અગ્નીમાંચોખાની આહુતિ આપી ત્યારે અજાણ્યો શશી ઓચિંતો સુશીલાનાં મનનો માણિગર બન્યો.

બીજા ફેરામાં સંસારે સાથે રહીને વિકાસ પામવાની વાત હતી. તન  અને મન થી સંપન્ન થવાની પ્રતિજ્ઞા હતી.

ત્રીજો ફેરો સંપતિનો હતો મારું અને તારુ કરવાની વાતને ત્યજી જે કંઇ છે તે આપણું છે તેને સમજથી વધારવાની પ્રતિજ્ઞા લેવાઈ..નરભેશંકર ગોરની વાતો અમેરિકન તરીકે શશીને પછાત લાગતી હતી.. તેને ગરમી લાગતી હતી અને ગોર મહારાજ્ને જલ્દી પતાવવા ઇશારો થતો હતો

ચોથે ફેરે..સુખ અને દુઃખ બંનેનું સમભાગે છે તેની પ્રતિજ્ઞા અપાતી હતી..સુખમાં અને દુઃખમાં સાથ ન છોડવાની સલાહ અપાતી હતી

પાંચમો ફેરો વંશને જાળવવા સંતાનો અને માવતરને સાચવવાની વાત આવી.નરભેશંકર મહારાજ સામે જલદી પતાવોની હિમાયત શ્યામા બેને કરી તેથી શ્રવણ અને રામનાં ઉદાહરણો ટુંકા ગયા

છઠ્ઠો ફેરો એમ સુચવતો હતો કે ગમે તે પરિસ્થિત હોય બંને એ સાથે જ રહેવાનું છે.એક મેકનું માન જાળવવાનું છે

સાતમે ફેરે સુશીલાને આગળ કરી અને કહ્યું આ ફેરો અગ્ની ની સામે લીધેલી પ્રતિજ્ઞાનો છેલ્લો ફેરો છે જે મુજબ સંસારમાં કોઇ પણ મન દુઃખ આવે છતા તે સાથે રહીને મિત્રની જેમ સંસાર નિભાવવાનો છે

શશી તેનો ભારે ડ્રેસ ઉતારી ને પંખા સામે ઉભો રહી ગયો,,,

બીજી બાજુ ભોજન શરુ થઇ ગયુ હતુ એટલે નજીકના સગા સિવાય સૌ વહાલાઓ ટેબલ ઉપર ગોઠવાઇ ગયા હતા. જીવકોર બા જોઇ રહ્યા હતા નગીન બરોબર આવાંજ હતા.. તાપ બીલકુલ ના જીરવાય.

દસેક મીનીટ નાં વિરામ પછી ડ્રેસ પહેરીને વડીલોને પગે લાગવાનું અને ગણપતિનાં સ્થાનકે પગે લાગવાની વીધી પતી. શશીને ભારે રમૂજ થતી હતી અખંડ સૌભાગ્ય વતી કહેવાનું અને વેવાઇ અને વેવાણને  મિઠાઇ ખવડાવવાની વિધિ…લગ્ન બ્રાહ્મ મુહુર્તે પુરુ થયુ..સેંથામાં સિંદુર પુરાયુ અને વરઘોડીયુ જમવા બેઠું…મસ્તી મજાક્નો દોર પત્યો અને વિદાયનો પ્રસંગ આવ્યો.. આમ જુઓ તો એક ઘરેથી નીકળીને બીજા ઘરે જવાની જ વાત છે. પણ મનથી જાણે માની નાળેથી છુટા પડતા બાળક જેટલું રડે અને ્જે વેદના થાય તે વેદના કન્યા વેઠતી હોય છે તેથી કહે છે.

“ મા તારા આંગણમાં મારું બાળપણ છોડીને જઉં છું. પણ મા તને મારા ચિત્તમાં સાથે લઈ જઉં છું..બાપુ! તારો સ્નેહ અને દુલાર મારી ઝોળીમાં લઈ જઉં છું અને મારા હાથનાં થાપા થકી કહી જઉં છું મારો કોઇ હક્ક દાવો હોય તો તે તમારો દુલાર ઉપર છે..અને આ થાપા ઝાંખા ભલે પડે પણ આપનો દુલાર ના ઘટે તેવી પ્રાર્થના કરતી જાઉં છું

અને જાનૈયા પક્ષે ઉત્સાહ ઘણો હતો તેથી ગાતા હતા

અમે ઈડરીયો ગઢ જીત્યા રે આનંદ ભયો….

સાંજે રીસેપ્શન હતું

છગામનાં કોઇ ઘર બાકી નહીં હોય જે લોકો વર્ઘોડીયાને આશિર્વાદ દેવા ના આવ્યું હોય…શશીને આ ખરચા ગમતા નહોંતા પણ જીવકોર બાની એક જ વાત હતી આપણે વહેવાર કર્યા હોય તે પાછા લેવાનો આ સમય છે..વળી કહેનાર કહી પણ જાય કે અમારે ઘેર આવીને ખાઇ ગયા હવે તમારે ત્યાં પ્રસંગ છે ઢીક ખાઇને ઢીંક મારવાની છે.

રીસેપ્શનમાં ન જાણે કેટલાય જણે આવીને શુભેચ્છાઓ આપી અને સગાઇ બતાવી..પણ હસતું મોં અને શોકેસનાં પૂતળા ની જેમ ફોટો પડાવાતા રહ્યાં.

રીસેપ્શન પત્યા પછી હનીમૂન રૂમ માં જ્યારે શશી આવ્યો ત્યારે શરાબમાં ધુત્ત હતો શશીનાં આ સ્વરૂપે સુશીલા પહેલી રાત કોસતી રહી…ચંપક મામાને અને બાપાને.. આ કેવો મુરતિયો છે જે મુરતમાં જ ભાન ખોઇ બેઠો.

પરભુ બાપાનાં સપના.. પૈઠણ અને લગ્ન નાં સપ્તપદીનાં ફેરા તેને સખત આંચકો લાગ્યો હતો. તેની પરણિત જીવન નો  પહેલો દિવસ હા અને ના માં અથડાતો રહ્યો…તેનું મ્ન તેને ના પાડતુ હતુ પણ હૈયામાં ઉંડે ઉંડે આશ હતી…તે જરુર શશીની સાથે નિભાવી લેશે….

ત્યાં ઓ ઓ કરીને શશીએ ઉલટી કરી.. રૂમ આખો ગંધાઇ ઉઠ્યો..પણ તેની નશાભરેલી આંખો ના જાગી.

સાયકોલોજી ભણેલ સુશીલા બેઉ બાજુ ઝોલા ખાતી હતી..” હા આજે આનંદમાં બહુ પી લીધી હશે…”

ધીમે રહીને તેણે શશીનાં મોજા અને બૂટ કાઢ્યા..ઉલ્ટીની ગંધાતી ચાદર દુર કરી..તેનાં કપડા બદલયા..

તેને આ બધી સાફ સફાઇ કરતા ઉબકા આવતા હતા. ત્યાં ફરીથી શશીને ઉબકો આવ્યો..તેનો અવાજ સાંભળીને શ્યામા બેને રુમ ખખડાવ્યું..

રૂમ ખોલતી વખતે શક્ય સ્વસ્થ ચએરો રાખીને ફરિયાદ કરી..” જુઓને તમારા ભાઇ.. આજે પણ આટલું પીને આવ્યા?”

દેવેને શશીને ઉંચકી ને ખુરસીમાં બેસાડ્યો કે જેથી ફરી કરેલી ઉલટી સાફ કરી શકાય.

શ્યામા માફી માંગતી હોય તેવા અવાજે બોલી “ સુશીલા માફ કરજે એને..પણ એણે આવું ન કરવું જોઇતું હતું.”

“શ્યામા બહેન! સવારનાં નરભેરામ કાકા ની સપ્તપદી પ્રતીજ્ઞાઓ રજે રજ યાદ છે તેથી આ આઘાત જીરવી શકાય છે. લગ્ન ની પહેલી રાતની આ ભેટ આખી જિંદગી ભુલાય તેવી નથી.”

દેવેને સુશીલાને કહ્યું “તમે બીજા રૂમ માં સુઈ જાવ.. તમને આ ગંધ પજવશે.”

ત્યાં જીવકોર બા અગરબત્તી લઇને આવ્યા.. શશી સામે જોયું ત્યારે તેમની આંખોમાંથી સખત ગુસ્સો ટપકતો હતો

“ ચાલ સુશીલા તું નીચે સુઇ જજે..આજનાં દિવસે આ કમભાગીયાને માફ કરી દેજે. મને  તો તારી સાથે વાત કરતાય લાજ આવે છે.”

“ બા.હવે મને શરમમાં ના નાખો. તમે બધા સુઇ જાવ અગરબત્તી છે એટલે દુર્ગંધ નહીં રહે.હું અહી જ રહીશ ફરી ઉલટી થાય કે તબિયત બગડે તેથી હું અહીંજ આ સોફા ઉપર સુઈ જઇશ.

દેવેન અને શ્યામા સુશીલાની વર્તણુંકને માનભરી રીતે જોતા હતા.

“રાતનાં બે વાગ્યા છે સવારની ફ્લાઈટ પકડવાની છે એટલે તમે થોડીક ઉંઘ કાઢી લો” સુશીલાએ બહું વિવેક પૂર્વક કહ્યું.

“ ફ્લાય તો તારે પણ થવાનુંજ છે ને ભભલડી…” શ્યામા બહેને ટહુકો કર્યો

“ નાની ભાભી તો નાની બેન છે તમે ભાભી નહીં કહો તો ચાલશે દી’.”

શશી ઉંઘરેટા અવાજમાં બોલ્યો “આઈ એમ સોરી સુશી..”

જીવકોરબા તાડુકીને બોલ્યા.. “ અલ્યા શશીયા તને શરમ ના આવી આજને દિવસે સુશીલા સાથે આવું કરતા?”

“માથુ ચક્કર ચક્કર થાય છે છતા જરા ઠીક લાગ્યું તો પહેલા તેની જ માફી માંગીને?”

“અમારા બધાની માફી માંગ..”દેવેને ટીખળ કરતા કહ્યું અધરાતે ઓ ઓ કરી બધાને ઉઠાડી દીધા…

સુશીલા નીચે જઈને બધા માટે કડક કૉફી લઇને આવી અને શ્યામા શશી માટે  લીંબુનું પાણી.

ઘડીયાળ નો કાંટૉ આગળ વધતો હતો.

પહેલા લીંબૂ પાણી અને પછી કોફી પીધા પછી શશીનાં ચક્ક્કર ઘટયા દેવેન તેને બાથરૂમમાં લઈ જઈને સાવર નીચે મુકી આવ્યો ત્યારે ઘડીયાળ ૪નો કાંટો બતાવતો હતો. આમેય સવરની ફ્લાઇટ પકડવા સાડા ચારે તેઓને નીકળવાનું હતું

સુશીલા નહાવા ગઈ ત્યારે શ્યામા  જીવકોરબાને  શશીની હાજરીમાં કહેતા હતા..”છોકરી ખુબજ ગુણીયલ અને સમજુ છે તેથી આવી બેજવાબદાર વર્તણૂંકને સહી ગઈ છે. બાકી  છોકરીનું આ અપમાન કહેવાય અને તે પણ આખી જીદગી ના ભુલાય તેવું..હું હોઉં તો રોક કકળ અકરીને ઘર ભેગી થઈ જઉં. જીવકોરબાએ પણ સંમતિમાં માથુ હલાવ્યું

પાંચનાં ટકોરે ડ્રાઇવર આવી ગયો હતો અને મોટી મોટી બેગો ટાટા સુમો માં મુકાવા માંડી હતી.ધીરીબા અને પરભુ બાપા શુકન કરાવા આવી પહોંચ્યા હતા. આજે મુંબઈ એમ્બસીમાં લગ્ન રજીસ્ટર કરાવવાનાં હતા.જે કરાવીને રાતની ફ્લાઈટમાં શશી દેવેન અને શ્યામા અમેરિકા જવાના હતા અને જીવકોર બા ને સુશીલા પાછા આવવાના હતા.

જમાઇ બાબુને ઢીલાં જોઇ ધીરીબા ચિંતામાં પડ્યા..” કેમ તબિયત સારી નથી?”

સુશીલા કહે..” ના બધુ સારુ છે.”. તેનું મન તેને કહેતું હતું કે શશી માનતો હતોને કે લગ્ન જીવનમાં સારો સાથી શોધવા કરતા સારો સાથી બનવું અગત્યનું છે. અને હવે તે તેનો જીવન સાથી છે.અને સપ્તપદીની શરતો મુજબ આજથી જ જીવવાનું શરું થયું છે.

મિઠાઇનાં બોક્ષ હાર તોરા અને કવર સૌને આપીને દહીં ખવડાવી હેપી બૉન્વૉયેજની શુભેચ્છાઓ આપી તેઓની કારમાં સુશીલાને લઈને નીકળ્યા..ટાટ સુમો પાછળ આવતી હતી.

ધીરીબાની ગોદમાં માથુ મૂકીને સુશીલા રડી અને બોલી “બા! કોઇકે તો પાયાનાં પથ્થર બનવું પડેને?”

“બેટા? કેમ આમ બોલે છે?”

“ બા મને પરદેશ જવાની વાતની ધાસ્તિ નથી પણ કશુંક અમંગળ થતી હોવાની લાગણી વારે વારે લાગે છે.”

“ નવું નવું હોય ત્યારે આવું થાય તેમાં કશું અજુગતું નથી”..પરભુ બાપા એમની ગાડી ચલાવતા ચલાવતા બોલ્યા.

“ હા બેટા પપ્પાની વાત સાચી છે.પણ જેમ જેમ દિવસો જતા થશેને તેમ તેમ એ બદલાવનો ડર પરિચિતતામાં બદલાઇ જશે.”ધીરીબા એ ધરપત આપી

 

પ્રકરણ ૨

 

એર પોર્ટ ઉપર પહોચ્યા ત્યારે બૉર્ડીંગ શરુ થઈ ગયું હતું. બેગો સીધી હ્યુસ્ટન બુક થવાની હતી..એક નાનકડી બેગમાં જીવકોર બા અને સુશીલાનાં બે દિવસનાં કપડા હતા જે સાથે લઈ લેવાની હતી.પ્લેનમાં બેસતા પહેલા અને ખાસ તો ધીરી બાને આવજો કહેતા સુશીલાની આંખો છલકાતી જોઇને શશી બોલ્યો..”અમેરિકામાં આવા પોચકા મુક્યા કરીશને તો તકલીફ થઈ જશે.”. એક કડક નજર સાથે શશીની સામે જોઇને તેણે આંસુ લુંછી નાખ્યા.. તેની કડક નજરો શ્યામાએ અને જીવકોરબાએ જોઇ. શ્યામાદી’ બોલ્યા “ શશી સંવેદન શીલ હોવું એ સદગુણ છે. અને હજી તે ભારતિય છે તેને અમેરિકન થતા પહેલા ના વખોડ.”

છણકો કરતા શશી બોલ્યો..” મારે એની સાથે રહેવાનું છે જિંદગીભર..સહેજ સુચન આપ્યું ત્યાં તમે તુટી પડ્યા…’

જીવકોરબા એ શ્યામાનો પક્ષ લેતા લેતા એજ કહ્યું કે “સુશીલાને તારો પરિચય અત્યારે ને અત્યારે આપવાની જરૂર નથી” એને ખબર છે તારુ અસલી રૂપ..”

“એટલે ?”

“એટલે પહેલે દિવસે જ ઑકીને ઘર બગાડ્યુ..રાત બગાડી.’શ્યામાએ લગભગ ઉધડો જ લીધો.

“દી” સુશીલાની હાજરીમાં તો મને ના ખખડાવો.”

“કેમ પરણ્યો એટલે કંઈ માથે શીંગડા ઉગ્યા?” જીવકોરબા બોલ્યા…

પેલા બેડાઘીયા કુતરા વચ્ચે નાનક્ડું પપી ગુંગળાય તેમ શશીએ બે પગ વચ્ચે પુંછ દાબી દઈને શાંત્ થઈ ગયો. આવી દશા ઘની વખત પ્રકાશની બે બેનો કરતી હતી તે યાદ આવ્યુ અને સુશીલા સહેજ મલકી.

“હવે બા તેમને બહું ના ખખડાવો..પછી મારો કંઇ કહેવાનો વારો જ નહી આવે… “

“ એટલે?” પપીએ ડાઘીયો બનવાનો પ્રયત્ન કર્યો.

“ઍટલે રાત આખી ઉંઘવા નથી દીધી હવે આ કલાક હું તમને ઉંઘવા નથી દેવાની..”  દેવેન અને ષ્યામા બંને ખડ્ખડાટ હસ્યા..શશી કહે “આતો હું ઉલામાંથી ચુલામાં પડ્યો.”

“ તે ભૂલ કરો તો સજા પણ ભોગવવી પડેને?’

“સજા? શેની સજા અને કેવી ભુલ?”

“શેમ્પેન પીવાનાં દિવસે સંતરાનો કન્ટ્રી દારુ ઓછો પીવાય?” દેવેને આંખ મારીને શ્યામા સામે જોતા કહ્યું..

પ્લેન સરદાર વલ્લભભાઇ એરપોર્ટ છોડી ચુક્યું હતું.થોડોક સમય ગયો હશે અને સરસ ગરમ બ્રેક્ફાસ્ટ અને ચા કૉફી અપાવા માંડી હતી  ત્યારે શશીએ પુછ્યુ..” યાર તું તો મારી પાર્ટીમાં છે ને તું મને ક્લીન બૉલ્ડ કેમ થવા દે છે?”

“ કંઇ સોરી કહેવાથી મારી મધુરજનીની ક્ષણ પાછી થોડી આવવાની હતી? અને તે ગંધથી તો બધાનું માથુ ફાટ ફાટ થતુ હતુ.”

પેલું પપી પાછુ બે પગ વચ્ચે પુંછડી દબાવીને હાર માનવા જતુ હતું ત્યારે સુશીલાએ બહુ વહાલથી જેમ પ્રકાશને માથે હાથ ફેરવે તેમ હાથ ફેરવીને યુધ્ધ સમાપ્તિ જાહેર કરી દીધી.જીવકોરબા બાજુમાં જ બેઠા હતા. તેમણે સંતોષ વ્યક્ત કર્યો અને શશીને કહ્યું..સંભાળજે પરવાળા જેવી સુશીલાને..તેને શીખવાડવાની કોઇ જરૂર જ નથી તું હવે તેને સંભળીશ તો તુ ખુદ સંભાળાઇ જશે.

શશીને સુશીલા દરેક પગલે તેને હંફાવતી હોય અને હરાવતી હોય તેમ લાગ્યું.તેનું મોં પડી ગયુ ત્યારે તે ફરી થી બોલી “ વરજી આપણે સ્પર્ધક નથી. એક મેકનાં પૂરક છીએ..આપણી વચ્ચે હાર અને જીત નથી. આપણે તો એક મેકની એબ ઢાંકવા અને એક્મેકને સુખી કરવા જન્મ્યા છીએ…”પપીનું અહમ થોડીક્ષણ દબાયુ તેથી તેને સહેલાવતા ફરી મીઠા બોલે તે બોલી..આતો ખાલી ખાલી ગમ્મત…વરજી…”

શશીને સારુ તો લાગ્યુ પણ તેને મન પત્ની એટલે ઉતરતી જાત..તેણે તો વરનું કહ્યું માનવાનું..ઉપરી તરીકે સ્વિકારવાનું…અને એણે  કહેલું બધું જ કરવાનું..આમેય ભલે અમેરિકામાં આઠ વર્ષ રહ્યો પ્ણ હજી પુરુષ પ્રધાન સ્વભાવ નહોંતો બદલયો…તેથી મનમાં ચુપ ચુપ કર્યા કરતો હતો.

ગરમાગરમ બ્રેક્ફાસ્ટ પુરો કરીને સહેજ આંખ મળી કે ના મળી ને સાંટાક્રુઝ એરપોર્ટ પર ઉતરાણ ની જાહેરાત થઈ. ઘડીયાળ સાડા છ બતાવતી હતી…

દેવેનનો ભાઈ જીતેન ગાડી લઇને આવ્યો…અંધેરીમાં તેના એપાર્ટ્મેંટમાં હંગામી મુકામ હતો.

બરોબર નવનાં ટકોરે બ્રીજકેંડી હોસ્પીટલની બાજુમાં આવેલી અમેરિકન કોન્સ્યુલેટની ઓફીસમાં પહોંચ્યા જો કે  ખાસી લાઇન હતી.જોકે મેરેજ નોંધવાની બારી ઉપર ભીડ ઓછી હતી પણ નંબરતો બરોબર સાડા અગીયારે આવ્યો. લગ્ન નું સર્ટીફીકેટ, અમેરિકન અને ભારતિય પાસપોર્ટ અને કંકોત્રી આપી.

અંદર કોઇક ગોરી મેડમ હતી તેણે પુછ્યુ માથે ચાંદલો કેસિંદુર કેમ નથી?

શશીએ તોછડો જવાબ આપ્યો “ અમેરિકામાં તેની જરૂર નથી તેથી તેને મેં ના કહી હતી. તેણે સિંદુરની ડબલી અંદરથી આપતા કહ્યું “ અત્યારે તો તે ભારતમાં છે ને? તેમને ચાંદલો કરવા કહો અને સેંથીમાં સિંદુર ભરવા કહો.”

શશી બબડવા જતો હતો પણ સુશીલાએ તેને ટોક્યો અને કહે “એ અધિકારી છે જેમ કહે છે તેમ કરોને?”

“ પણ આ તો અજબ કહેવાય..”

“ હું મનોવિજ્ઞાન ભણેલી છું મને ખબર છે આ એક ટેસ્ટ છે જો તમે ખચકાઓ તો તેનો અર્થ કંઇક દાળમાં કાળૂ છે અને પછી વધારે પ્રશ્નો પુછશે”

શશી કહે “આ તો મારા અંગત ગમા અને અણગમાનો પ્રશ્ન છે “

“ આ ભારત છે અહીંથી અમેરિકા જવા કેટલાય લોકો લગ્ન નાં ઓઠા હેઠળ ફ્રોડ કરે છે..એમ કરતા સિંદુરની ડબલી માં આંગળી બોળી શશીનાં ભાલે ચાંદ્લો સુશીલાએ કર્યો અને તેમજ શશીને પણ કરવાનું ભાર પૂર્વક સુશીલાએ કહ્યું એટલે કચવાતા મને તેમ કર્યુ. એણે બારીમાંથી કેમેરા ઉપર બંનેનો સાથે ફોટો પાડ્યો.

પેલી લેડી એ ફરી પુછ્યુ “લગ્ન હજી કાલે જ થયા છે?”

“ હા મેમ.”

“સાક્ષીમાં કોણ છે?”

મારી મોટી બેન અને બનેવી..”

“તે લોકોને તેમની ઓળખ સાથે બોલાવો.”

શ્યામા અને દેવેન તેમના પાસપોર્ટ સાથે આવ્યા.

“ તમે શશીનાં શું થાવ?”

“ એ મારો નાનો ભાઇ છે અને આ મારી ભાભી.”

“તમે સીટીઝન છોને?”

“હા અને શશી પણ સીટીઝન છે “

“તમને ખબર છે ને કે અમેરિકામાં કાયદાને બહુ માન છે ..કશું ક ગેરકાયદે પકડાશે તો આ ગુનામાં ભાગીદારી કર્યાની સજા પણ તમને થઈ શકે છે.”

“ શ્યામએ માથુ હલાવ્યુ અને કહ્યુ હું આ બંને જણની ઓળખ પણ આપુછૂ અને બાંહેધરી પણ લઉં છું આ આખી ઘટના ગઈ કાલે બનેલી છે. તેના ફોટા અને કંકોત્રી સાચી છે.

લાંબુ ફોર્મ ભરાવ્યુ અને અરજી ફાઇલ થઈ.

સાડા બાર વાગે નીકળતા હતા ત્યારે તે લેડી એ મોટું લેક્ચર આપ્યુ અને શશીને કહ્યું “તમારા પત્ની ને લીધે આજે અરજી લઉં છુ બાકી તમે તો ફ્રોડ હોવાની પાકી શંકા જન્માવી ચુક્યા હતા”

બહાર નીકળતા શ્યામા કહે “ શું થયુ હતું?”

શશી કહે “કંઈ નહીં”

શ્યામા કહે “ ભાભલડી તું કહે શું બન્યુ હતું?”

“સ્ટાફની છોકરી એ પુછ્યું સિંદુર કેમ નથી? અને તમારા  ભાઇને તે ના ગમયુ.. તેમને લાગ્યું કે તે તેમની અંગત ગમા અણગમાની વાત છે. ભારતમાં કોઇ અપર્ણિત સ્ત્રી કે સેથીમાં સિંદુર ના ભરે તેથી તેમની આ એક કસોટી હતી.. અને તમારા ભાઇ જાણે હું તેમની કોઇ ના હોય તેમ વર્તતા હતા…”

“કેમ અલ્યા શશી કાલની હજી ઉતરી નથી કે શું?” દેવેને પુછ્યું

“ના. ગઈ કાલનો ગુનો એમનો અને રૂઠ્યા છે એ..સમજાતુ નથી.. ખૈર એમણે સિંદુર ના ભર્યુ તો મેં એમેની પાસે ભરાવડાવ્યું…અગ્નીફેરા વખતે જે પ્રતિજ્ઞાઓ કરેલી તે મુજબ મેં એમના પર બળજબરી કરી ને ધાર્યુ કરાવી લીધું “

“સારુ કર્યું” શ્યામા દીએ હકાર ભણ્યો,, જે શશીને ના ગમ્યુ…દીદી તમે પણ એનો જ સાથ આપો છો.સુશીલાને એક બાજુ બીક લાગતી હતી અને બીજી બાજુ શ્યામા દિ’ સાથે છે તેથી થોડીક ટીખળ કરી લેવાની હિંમત વધતી હતી..તેથી બોલી  “વરજી..ભારતમાં તો તમને તકલીફ નહિં પડવા દઉં સમજ્યા?’કહી માથામાં હાથ ફેરવવા ગઇ તો શશી એ તેનો હાથ ઝટકાવી દીધો. અને સહું ખડખડાટ હસી પડ્યા…શશી ધુંધવાઇને બોલ્યો “ હું પંકજ નથી…સમજી?”

અંધેરી પાછા જતા રસ્તામાં સારી ગુજરાતી હોટેલ પૂરોહિતમાં જમવા રોકાયા અને જીવકોર બાને જીતેન નાં વાઇફ આરતી લઈને આવ્યા.જમ્યા અને ઘરે પહોંચ્યા ત્યારે ત્રણ વાગી ગયા હતા. રાતનૂ ફ્લાઇટ સહારા એરર્પોર્ટ્થી અગીયાર વાગે હતું તેથી થોડોક આરામ કરવાનો સ્મય હતો.

પિયામિલન ની ફરી એક તક મળશે તેમ માની ને હરખાતી હરખાતી સુશીલા રૂમમાં ગઈ..થોડી ફ્રેશ થવા બાથરૂમમાં ગઇ.તેને શશીનાં વર્તનથી દુઃખ થતું હતું..સાવરમાં થોડુંક રડી લીધું પછી તેને શશીનાં કહેલા શબ્દો યાદ આવ્યા

“ જો બીજી એક વાત..હું હથોડા છાપ માણસ અને તું અંગ્રેજી અને સાય્કોલોજી જેવા વિષય સાથે ગ્રેજ્યુએટ થવાની તેથી કહી દઉં ધારણા ન ધારીશ…મનમાં જે હોય તે સ્પષ્ટ કહેજે..તારા મનમાં શું ચાલતું હોય તેની મને તું નહીં કહે અને મને સમજણ પડી જશે તેવું ધારી ના લઇશ.” આ શબ્દોએ તેના ઘાયલ અપેક્ષાગ્રસ્ત મનને શાંતિ આપી.

.દસેક મીનીટમાં તૈયાર થઇને બહાર આવી ત્યારે હળવા અત્તરથી મહેંકતી હતી. માથે મોટો ચાંદલો અને સેંથીમાં સિંદુર સરખી રીતે ભરેલું હતું અને આછા લીલા રંગનો રેશમી ગાઉન પહેરેલો હતો સ્નાન ને લીધે થોડીક હળવાશ આવી હતી

શશી જેવો બેડ રૂમમાં આવ્યો તેવોજ ઉંઘી ગયો હતો…

તેને ઉંઘતો જોઇને તેના મોં માંથી સોલ્જર શબ્દ નીકળી ગયો..હા એ ખરેખર હથોડા છાપ જ છે તેને ક્ષ્સ્ણ ભર તો થયું કે નીચે જઈને શ્યામા દિ’ને વાત કરું પછી થયું કે આખી જિંદગી પડી છે આ અનાડી સૈયાંને ખિલાડી બનાવવામાં..તેણે બારણું બંધ કર્યુ અને ધીમે ધીમે તેના પગ દબાવવાઅ શરુ કર્યા.મોંમાં મીટ હતી.શશીની ઉંઘ ઘેરી થતી જતી હતી અને તેથી તેનું  મ્ન ગાતું હતું “ બેદર્દી બાલમા તુજે મેરા મન યાદ કરતા હૈ”

પંદરેક મીનીટ પછી કોઇ પણ પ્રયતન કર્યા વિના તે પણ સુઈ ગઈ. જ્યારે તે જાગી ત્યારે શશી બાથરૂમમાં નહાતો હતો સાડા છ થયા હતા અને સાત વાગે નીકળવાની વાત હતી તેથી તેણે ગાઉન બદલી નાખ્યો.સાડી પહેરીને સજ્જ થતો હતો ત્યારે શશી બહાર નીકળ્યો.ત્યારે બેડ ઉપર તેના કપડા, હાથરુમાલ કાંસ્કો અને પલંગ નીચે જુતા અને મોજા તૈયાર હતા.

“ જો સુશીલા આ બધું મને તું હાથમાં આપે તે ગમતું નથી હુંતો મારી રીતે જીવવા ટેવાયેલો છું.”

“ ભલે વરજી પણ તે ગઇ કાલની વાત હતી..આજથી હવે પત્નીજી સાથે હોય ત્યારે આ બધા લાડકોડ થી ટેવાવું પડશે. ચા નાસ્તો હાથમાં મળશે  ગરમ ગરમ જમણ હશે અને રાતનાં શૈયા સંગિનિ પણ હુંફાળી મળશે સમજ્યાં?

એ સહેજ હસ્યો..સુશીલાની સ્ટાઇલ ફની હતી તેથી.. તે બોલ્યો આ “વરજી” અને “પત્નીજી” ને તિલાંજલી આપીને “હબી” અને “સ્વીટી”ને આપણી વાતોમાં લાવીયે?”

“ભલે જેવો હુકમ! સ્વીટી..સુશીલાએ ચાળો કર્યો

“.તું મારી સ્વીટી અને હું તારો હબી.”

સહેજ હાથે ચૂટલી ખણી સુશીલા એ પાકું કર્યુ એ સ્વપ્ન તો નથી જોતીને?”

શ્યામાદિ’નું હાસ્ય પાછલથી સંભળાયું

“તો દિ; આ તમારી શીખ હતી?” સરસ નામકરણ કર્યું.

“જો ભાઇ જેમ તારો પંકજ તેમ મારો શશી..હેતું તો એક જ છે ને..મેળ મેળાપ વધેને..?”

“ જો ભાઇ તમને માંડ માંડ તક મળીને મારો બુધ્ધુ રામ ભાઇ ઘસ ઘસાટ ઉંઘી ગયો પણ હવે ચોક્કસ તું અમેરિકા આવીશ ત્યાં સુધીમાં તે પ્રેઝંટેબલ થઇ જશે.

“દિ’ માનવામાં નથી આવતું કે અમેરિકા જેવી ખુલ્લી સોસાયટીમાં રહેલ યુવાન ને આ બધી સમજણ ના હોય.”

શશી બંનેની વાતો સાંભળતો હતો…તે હળવેથી બોલ્યો “ મને સંવેદન શીલ પત્ની સાથે વાતો કરતા જરા પણ ફાવતુ નથી.વળી વાતે વાતે સપ્તપદીની શરતો તો બીલકુલ જ સમજાતા નથી. એક સીધા સાદામાણસ સાથે સીધી સાદી વાતો ના કરાય..વૉટ ઇસ ધીસ વરજી અને પત્ની જી?”.

શ્યામા અને સુશીલા પેટ ભરીને હસ્યા…

સુશીલાને બદલે શ્યામાએ એના માથા ઉપર હાથ ફેરવ્યો ત્યારે શશી ખુબ જ ગુસ્સે થયો….

દિ’ મારી મજાક ના ઉડાવો મને સમજાવો કે હું કેવી રીતે આ પત્ની બલા નામે સુશીલાથી મેળ કરું?”

“પહેલા દારુંનાં નશામાં સોરી કહેલું તે સોરી બે વાર કહે.”

“બે વાર? કેમ દિ”?

“ જો સમજ! લગ્ન પછી બે વખત તને આ બધી વાતો અને સમજાવટ કરવાની તક મળી પણ તે બંને વખત ગુમાવી. તેમાં સુશીલાને તેં દુભાવી.”

“બે વખત?”

હા..જ્યારે મધુ રજની હતી ત્યારે દારુ પીને ધુત્ત થયો અને આજે ફરીથી બપોરે એકાંત મળ્યુ ત્યારે ગઈ કાલની બાકી ઉંઘ પુરી કરવામાં તું ચુક્યો.

“પણ દિ’ મેં તેને આગળ પણ કહ્યું છે કે મનમાં ને મનમાં નહીં રાખવાનું આજે તે મને ઉઠાડી શકતી હતીને?” .

“રાજા ભૈયા.. બે વખત “સોરી” કહી દે ને એટલે વાત પતે…”

“દિ” આ એવા ગુનાની મને સજા મળે છે જે અજાણતા થયો છે.”

“ માની લેને ભૈયા રાજા ગુનો તો થયો છે ને?”

સુશીલા હવે વચ્ચે પડીને બોલી” દિ’ મારે એવી કંઇ માફી નથી જોઇતી અને એમણે તો પહેલેથી જ કહ્યું છે ને. જે જોઇતું હોય તે બોલવું.. સમજી જશે એમ નહીં ધારવું”

“ ભાભલડી..એવી સમજણ શું કામની જ્યાં સગુ દુભાય અને જમણ પણ જાય?”

“હા. તે વાત તો સાચી છે પણ આવા રુઠવાને મનાવવાનાં પ્રસંગો તો આખી જિંદગી આવવાના છે.”

“ હા. તે તો આવશેજ.. પણ મને જે ખાટલે ખોટ દેખાય છે તેી છે કે તે પતિ છે તારા કરતા એનું મહત્વ વધારે છે..તે પુરુષ ઇગો ભારત્માં શું અમેરિકામાં પણ ભુલ ભરેલો છે.બંને એક મેકનાં પૂરક છે કોઇ ઉંચું નથી કોઇ નીચું નથી…તેને ટપારવા જ હું આજે તેની પાસે સોરી બોલાવડાવું છું…સમજ્યા મારા નવા વરઘોડીયા?”.

નીચેથી જીવકોરબાએ બધાને નીચા આવવા બુમ પાડી.

આરતીએ બધાને દહીં ખવડાવ્યુ..ભગવાન નાં મંદિરમાં દીવો કર્યો અને જીવકોરબાને અમેરિકા જતા બધા પગે લાગ્યા.સુશીલા બધાને પગે લાગી ત્યારે શ્યામા કહે “ ભાભલડી જેવા વીઝા મળે ને તરત જ આવી જજે..હવે મારા ભાઇને જાતે ખાવાનું બનાવીને ખાવાનું દુઃખ જતું જ રહેવું જોઇએ..સેંડવીચો ખાઇને ક્યાં સુધી દહાડા કાઢશે?

જીતેને બધાને હેપી બૉન વૉયેજ કહ્યા અને કાર એરપોર્ટ જવા રવાન થઈ.

બૉર્ડીંગ શરુ થઇ ચુક્યુ હતું. અને જીવકોર બા અને સુશીલાની આંખો ભરાતી જતી હતી.

શશીને આમેય પોચકા મુકતી સુશીલા જચતી નહોંતી તેથી તે બોલ્યો “ પત્નીજી રડતા રડતા નહી હસતા હસ્તા વિદાય આપો..સમજ્યા સ્વીટીજી!”

સુશીલા સહેજ મલકી..આજુબાજુ જોયુંતો જીવકોરબા એમનથી થોડા આઘા હતા તેથી હિંમત કરીને થોડુંક શશીને વળગી લીધું..અને કાનમાં ગણ ગણી  “ હબીજી આઇ લવ યુ” શશી પણ બોલ્યો “લવ્યુ ટૂ સ્વીટીજી!”

પ્લેનમાં બેસવા જતા શશીને જોઇ શકાય ત્યાં સુધી જોવાનો પ્રયત્ન કર્યા બાદ..જીવકોરબા અને સુશીલા દેવેન સાથે ઘરે પાછા આવ્યા ત્યારે રાતનાં ૮ વાગ્યા હતા. ભોજન નાં ટેબલ ઉપર ઉદાસ સુશીલાને જોઇને આરતી ભાભી બોલ્યા..” ભભી હવે તો વીઝા આવે ત્યાં સુધીની ઉદાસી છે પછી તો હ્યુસ્ટન ખાતે સઈંયાજી સાથે જિંદગી મઝેથી જીવાવાની છે.” કોણ જાણે કેમ સુશીલાની આંખોમાં આંસુ ઝળુંબી ગયા ત્યારે જીવકોરબા બોલ્યા “આ ગાળો જ એવો છે ને કે એકલું ગમે નહી  શ્યામાની હાલત પણ આવી જ હતી. એક તો નવો દેશ..નવો નવો સજન સાથે નોં સહવાસ અને શની રવી સિવાય કોઇ મળે નહીં…ખૈર એ બધી પરિસ્થિત નવી નવી હોય ત્યાં સુધીનો અજંપો હોય.. સૌ સારા વાન થૈ જશે…”

બીજે દિવસે સવારે સાત વાગ્યે તો અમદાવાદમાં હતા. પરભુકાકા અને ધીરી બા લેવા આવ્યા હતા અને સાથે ગરમા ગરમ ઢોકળા અને લીલી ચટણી પણ લાવ્યા હતા.ધીરી બા બોલ્યા “ આ નાસ્તાને ન્યાય આપો અને ઘરે જવાને બદલે અમારી સાથે રહેવા આવો.

“ના. ના. હમણા તો સુશીલાને લઈને આપણે ઘરે જ જઈએ તેના પગફેરાની વિધિ હજી બાકી છે  તેથી છોકરાને મોકલજો અને તમે બધા પણ સાથે આવજો..અને છોકરાઓ પહોંચી ગયાનાં સમાચાર આવે પછી સુશીલાને લઈ જજો.”

“હા ભાઇ હા અમે તો છોકરી વળાવી દીધી એટલે એ હવે તમારે ત્યાં શોભે-“ પરભુ બાપા બોલ્યા

ગાડી મુગુટ સોસાયટી પહોંચી. વેવાણ અને દીકરી સાથે ઘરમાં આવીને ઝટ્પટ ચા મુકી અને ગરમા ગરમ ઢોકળા અને લીલી લસણ ની ચટણી સાથે સૌ ખાવા બેઠા….

દસ સાડા દસે રસોઇઆ મહારાજ આવી ગયા તેમને જીવકોર બા એ કહ્યું “આજે સુશીલાનો પગ ફેરો છે એટલે તેમનું ઘર આખુ જમશે..લાપશીનાં આંધણ મુકજો વંશ આગળ વધારનારી વધુને આજે ઘરમાં વહાલે વધાવવાની છે.”

“ બા અમારી સુશીલા નસીબની બળીયણ છે કે જેથી શશીને તમે ગમાડી.”

“ હા ભાઇ સરતા સંસારે સરતા રહેવું હોય તો ખો આપ્યા કરવાનો..જેમ જેમ સમય આવતો જાય તેમ તેમ ખો અપાતી જાય તો ગામતરે હળવા થઈને જવાય. અને અરે ધીરીબેન હું તમારી બા ક્યાંથી થઈ આપણે તો વેવાણો એટલે બેન નો સબંધ સારો.”

ભલે જીવકોર બેન કહીશ પણ અમારી સુશીલા બા કહે એટલે મને પણ માનાર્થે બોલાવવું ગમે અને આમેય તમે તો મારાથી સાત વર્ષે મોટા..અને જમાઇની મા એટલે માન તો હોય જને?”

ત્યાં ફોન ની ઘંટડી વાગી ફોન લંડનથી હતો શ્યામાની નણંદનો..તે લોકો હ્યુસ્ટનની ફ્લાઇટમાં બેસી ગયા છે મઝામાં છે

ધીરી બા ને હાશ થઇ અડધે પહોંચી ગયા. મોડી રાત્રે હ્યુસ્ટન સુખરૂપ પહોંચી ગયાના સમાચાર પાણ આવી ગયા..બધાને શાંતિ થઇ. ૯૯.૯૯ ટકા કશું થતું નથી પણ નવા સંબંધોમાં આ ચોક્ક્સાઇ ગમે છે.

“લવ યુ સ્વીટી જી” તેનાં કાનમાં પડઘાતું રહ્યું…

૧૫ દિવસમાં વિઝા… કૉલ આવી ગયા અને ૨૦મે દિવસે ઉડવાની ટીકીટ પણ આવી ગઈ!

સાસરીમાંથી પિયર બહું અવાતું નહોંતું સાસુમા ખુબ જ ભાવથી અને ચાવથી સુશિલાને માણતા હતા..અને ધીરી બા પરભુ બાપા અલપ ઝલપ ખબર લઈ જતા હતા.

વંદના અને ઉર્મિ પણ મુગુટ સોસાયટી આવતા અને જીવકોરબાને ખાલી ખાલી ઘર ભરેલું લાગતુ…

અને એ દિવસ આવી ગયો જ્યારે સાસરેથી પિયુદ્વાર જવા થનગનતા હૈયાની ધડકનો ને  કરાર મળવાનો હતો.લગ્ન નાં ફોટાનું આલ્બમ આવી ગયુ હતુ બેગો ભરાઇ ચુકી હતી અને પ્લેનમાં અમદાવાદ અને ત્યાંથી હ્યુસ્ટન ની ફ્લાઇટ હતી.જીવકોર બા ધીરી બા અને પરભુ બાપા મુકવા જવાનાં હતા.

રાત્રે પ્લેન ઉડવાના સમયે ધીરીબા એકલાજ આર્દ્ર હતા.તેમને લાગતુ હતુ કે થૉડીક ઉતાવળ થઈ ગઈ છે. .

પ્લેન તેના સમયે સુશીલાને લઈને રવાના થયું આવજો જજો કરતા તેને આશા હતી કે શશી સાથે વાત થશે.. પણ તે અપેક્ષા ના ફળી..શ્યામા બેન એર પોર્ટ આવવાના હતા.. એક અજબ ઉલઝન તેના મનને કોરવા લાગી હતી..શું શશીને હું ગમતી નહીં હોઉં..પણ “પત્નીજી રડતા રડતા નહી હસતા હસ્તા વિદાય આપો..સમજ્યા સ્વીટીજી!” શબ્દો તેનાં હૈયાને સાંત્વના આપતા હતા… અને ક્યાં તે કુરુપ છે કે પતિ ને ના ગમે?

પ્લેનમાં તે આમ તો એકલી હતી..પણ પેસેન્જરોથી ભરપૂર બંને વખતે તેની બાજુમાં તેનાં જેવુંજ કોઇ ભટકાતું હતુ..જે પહેલી વખત પરદેશ જતું હોય…અને વિરહ જીરવાતો ના હોય.. તેમને જોઇ જોઇ તે થોડીક હિંમત મેળવી લેતી હતી.

તેનું મન કહેતું હતું કે શશી તો સોલ્જર છે બહું અપેક્ષા ના બાંધ..વાંઢાનું ઘર કેવું હોય? ધીરી બા કહેતા હતા કે પતિને ખુબ વહાલ સમજ અને ધીરજથી વાળવાનું.પહેલા ફરજ બજાવવાની પછી હક્ક મળશે તેવી આશા પણ નહીં રાખવાની સમજી? એના ચહેરા સમક્ષ શશીનાં બે ચહેરા ઉપસ્યા.. એક હસતો અને બીજો તેને અમેરિકન ખખડાવતો ચહેરો…તે ધ્રુજી તો ગઈ પણ પાછું પેલું સ્વીટીજીનું વહાલ્ભરેલું વાક્ય સંભાળાયુ અને બાજુનાં બેન સહેજ ગણ ગણ્યાં

धीरे धीरे मचल ए दिल कोइ आता है

युं मचल्मचलके ना शरमा कोइ आता है

સુશીલા તે બેન સામે જોઇને મલકી અને કહ્યું બહુત અચ્છા ગાના હૈ..

સહેજ મલકી ને તે બેને કહ્યું “હાં મેરા ફેવરાઈટ હૈ”

૧૪ કલાક્ની સફર અને ૮ કલાક એર્પોર્ટ ઉપર લાઇનમાં ઉભા રહેવામાં થયા ત્યારે ઇંટર્નેશન્લેર પોર્ટ જ્યોર્જ બુશ એર્પોર્ટમાં ઉતરાણ થયું

બે કલાક્ની લાઇનો અને ચેકીંગ પતાવીને બહાર નીકળી ત્યારે શ્યામા બેન એકલા નહોંતા.”.હબીજી” મલકતા હતા… લાલચટ્ટક ગુલાબનો બુકે અને ચોકલેટ નું પેકેટ લઈને “વેલકમ સ્વીટીજી” બોલ્યા..

સહેજ શરમમાં સુશીલા ઉભી ત્યાં તો હબીજી એને બાંહોમાં ભરી લીધી..અને કહે આપણ ને તો મેરિકન અને બીન્દાસ્ત સ્ટાઇલ ગમે છે..

સુશીલા કહે “ પણા હબીજી ..શ્યામા દિ’ છેને?”

“બોલ દિ”ને પુછીને ફરી થી તને ભેટું?”

ત્યાં શ્યામાદિ’ કહે હવે જરા આઘો ખસ મારી ભાભલડીને હગ કરવાદે…”

“કેવું ભભલડી પ્રવાસ કેવો ગયો?”

“કેવો હોય દિ’ ઝુરી ઝુરીને જતો?”

“હવે તે દિવસો પુરા થયા..”

બેગો ગોઠવાઈ અને નીસાન અલ્ટીમામાં ગોઠવાયા. ગાડી શ્યામાદિ’ ચલાવતી હતી અને પ્રેમી પંખી ડા પાછળ કસીને ભેગા થયા….

“ બે દિવસ નહાઇ નથીકે શું? જરા ફ્રેશ થઈને આવવું હતુંને?”

સુશીલાને પહેલો ઝાટકો લાગ્યો..શરીરથી ભલે તેઓ નજીક હતા પણ એક ટકોરે તેને ગાઉ દુર છેટા કરી નાખ્યા.

“ઘરે જઇને એ કામ પહેલા કરવાનું છે.”

શશી બોલ્યો “ આપણે અહિંની બધી એટીકેટ શીખવી પડશે તેમાંની પહેલી જરુરિયાત શરીરમાંથી ઓડર તો ના આવવી જોઇએ…

સુશીલાએ તે વાતને ઉડાડવા કહ્યું “વરજી એ બધું તો થઈ જશે. હમણાં તો મને આ ચોકલેટ અને ગુલાબને માણવા દો..

પ્રકરણ ૩

શ્યામાબેન ઘરે સાથે આવ્યા પણ ઘરમાં સુશીલાના આવતા પહેલા તે  ઘરે ગયા માર્થા પહેલા પહોંચી ગઈ હતી..ઘર આંગણે કંકુની થાળી અને બીજી થાળી માં ફુલો ચોખા અને આંગણામાં ચોખાનો કળશ મુક્યો અને વરઘોડીયાને “ હળવે રે પધારો મારા ભભી સાહેબ” જેવું ગણ ગણી અને કહ્યું આ ચોખાનો કળશ પગથી નીચો પાડો પછી આ કંકુની થાળીમાં બંને પગ ઝબોળીને આ સફેદ ચાદર ઉપર અગીયાર પગલા ચાલીને આવો.

માર્થા દેવેન અને શ્યામા બેને સુશીલા ચાલતી હતી ત્યારે તેની ઉપર ચોખા અને ગુલાબની પાંદડીઓ વેરી..શશીને રમુજ થતી હતી પણ દેવેન ફોટા પાડતો હતો તેથી શશી એ પણ તેની સાથેજ ૧૧ પગલા ચાલવાનું  હતું .ત્યાંથી ભગવાનનાં ગોખલે ગણપતિ અને માતાજી ની છબીને પગે લાગવાનું હતું. દીવો કર્યો અને થાળી વગાડીને સુશીલાને કહ્યું ભાભી હવે તમારે રસોડામાં જઇને કંસાર રાંધવાનો છે એક મસાલા ભરેલો ડબ્બો, સીધુ સામાન અને ટીફીન આપતા બોલી “ભાભી આ ટીફીન છે બધા ભુખ લાગે ત્યારે ખાશું.”..

સુશીલાને તો આશાજ નહોંતી પણ આટલું સુંદર સન્માન પામીને તે તો ધન્ય ધન્ય થઈ ગઈ.

“કંસાર રાંધતા પહેલા ભાભી હું નહાઇ લઉં?”

“હા ચાલ તને તારાજ ઘરમાં બધું બતાવી દઉં  જો એક વાત સમજ જે અહીં આપણા ભારતની સરખામણી માં બધુજ ઉંધુ..લાઇટની સ્વીચ ઉંધી, નળ નાં આંટા ઉધા અને અમારા ભાઇનાં પણ તેવર પણ ખોટા…”

“એટલે?”

“એટલે તું નવી નવી છે એટલે એવું કહ્યા કરશે કે “આટલુંય આવડતું નથી?” તો ખોટું નહીં લગાડવાનું પણ હા અમેરિકામાં હૂં નવી છુંને કહી થોડોક સમય તેને રાજાપાઠમાં રહેવા દેજે.”

“શ્યામાદિ’ સાચું કહું મને ગાડીમાં ખખડાવી તે ના ગમ્યું પણ હવે એવું બહું લાંબુ હું ચાલવા નહીં  દઉં હં કે !”

મને ખબર છે તેથી તો કહું છું કે તેનો રાજાપાઠ થોડો સમય ચાલવા દેજે… ખબર છે ને નવો મુલ્લો નવ વખત નમાજ પઢે?”

તે વખતે બહારનાં રૂમમાં બેગો ઉતારીને શશી આવ્યો અને કહે “દિ’ હું સ્ટોર બંધ કરીને આવું પછી જમવા બેસીયે..”

સુશીલાથી ના રહેવાયુ તેથી તે બોલી હબીજી સ્ટોર “બંધ ના” કરાય પણ “વધાવીને” આવું છુ એમ કહો…”

“ વાત તો એકજ છે ને?” શશી જરા છંછેડાઇને બોલ્યો

“ ના વધાવવાનો મતલબ કાલે ફરી આ દુકાન ખુલશે જ્યારે બંધ કરીને આવું છું તેનો એક અર્થ એ પણ થાય હવે કદાચ ખુલશે નહીં.. હબીજી…”

શશીનાં મોં ઉપર એક ભજનીયું આવતું જોઇને શ્યામાદિ’ એ કહ્યું “શશી તું નીકળ અને જલ્દી પાછો આવ.. અમારે સુગરલેંડ પહોંચવાનું છે.” અભિ અને અમી ઘરે રાહ જોશે

“ પણ દિ’ જુઓને …”

“ હા. હું જોઉં જ છું પણ તને ખબર છે ને નવું જુતું પહેલા થોડું ક ડંખે પણ ખરું.”

“ પણ આ તો બૈરું છે જુતું ઓછુ છે?”

“ હવે જાને મારા ભાઈ!” બે હાથ જોડીને શ્યામાએ શશીને કહ્યું

સુશીલા તો જાણે કાપો તો લોહી ના નીકળે..”શ્યામા દિ”…”

“હા! બેન તારી વાત સાચી છે આપણા છ ગામનાં પટેલીઆઓ તો આવાજ… પણ પટલાણીઓ બધાને પહોંચી વળે…”

રસોડામાં જઇને કંસારનાં આંધણ મુકાયા શ્યામાદિ’એ કાચનાં ચાઇના કેબીનેટમાંથી ચાર પ્લેટ અને કટોરીઓ કાઢી અને સાથે સાથે ટીફીનમાંથી શાક અને દાળ ગરમ કરવા બે કાચનાં વાસણોમાં શાક અમે દાળ કાઢ્યા.

પંદરેક મીનીટ્માં દેવેન અને શશી પાછા આવ્યા.

શ્યામાદિ’નો પહેલોજ પ્રશ્ન હતો “ માર્થા ક્યાં?”

“તે કહે પહેલે દિવસે કબાબમાં હડ્ડી નથી બનવું કહીને તે તેને ઘરે ગઈ.”માઇક્રોવેવમાં ખાવાનું ગરમ થઇ રહ્યું એટલે સુશીલાએ ચારે ચાર પ્લેટો પીરસીને બધા ટેબલ ઉપર ગોઠવાયા.

શશી કહે “ સુશીલા તુ નવી છે એટલે કહું છું હું મારું ખાવાનું જાતે લેવામાં માનુ છું”

“પણ એ હું નહોંતી ત્યારની ટેવ છે જે હવે મારા આવવાથી બદલાશે”

“શ્યામા કહે ”સુશીલા એ સારૂ ટેવ છે એને તું બગાડના.”

“ પણ મને તો તે ગમે છે.અને મારા મા કહેતા હતા કે પતિને સારું ભોજન એ તો સપ્તપદિની પહેલી જરુરિયાત છે.”

દેવેન કહે “શ્યામા એ બે જણ પુખ્ત છે સમજી જશે તેમની રીતે…તારું ખાવાનું પતે એટલે આપણે પણ નીકળીએ.”

“ હા. ભલે ..સુશી..કંસાર સરસ છે થોડો છોકરાઓ માટે હું લઇ જઉંને?”

“ વધારે એટલા માટેજ બનાવ્યો છે કે તમે લઇ જઇ શકો..”

શશીને દિ’નાં હાથનું ખાવાનું ભાવતું હતું તેથી તે બોલ્યો દિ’ સુશીલાને તમારા જેવું રાંધતા શીખવાડી દેજો હં કે!”

“ હબીજી…અઠવાડીયું તો વીતવા દો..પછી કહેજો દિ’ જેવું ખાવાનું બને છે કે નહીં…”

“ સ્વીટીજી..દિ’ જેવું ખાવાનુ બનાવતા તને સાત ભવ લાગશે…’

“ ભલે હું નવી છું મને તમને ભાવે તેવું બનાવવા તો દો. . અને હા. મારી અને દિ’ વચ્ચે તો સ્પર્ધા હોય જ નહીં. કેમ દિ’?”

“ સાચી વાત કહી દિ’ મોંઘમ હસ્યા…”

દેવેને પાછળથી બૂમ મારી “ શ્યામા ચાલો મોડુ થાય છે.”

સુશીલા દિ’ને પગે લાગી “ હવે એક મેક્ને ગમાડજો પણ ઝઘડશો ના આજથી તમારી વાસ્ત્વિક જિંદગી શરું થાય છે…હેપી મેરેજ લાઇફ..કહી બંને ને માથે હાથ ફેરવીને દિ’ ગયા ત્યારે જીવકોર બા આશિર્વાદ આપતા હોય તેવો આભાસ થયો.

ટીવી ઉપર ગેમ ચાલુ કરીને શશી બીયરનું કેન લઇને બેઠો ત્યારે સુશીલા બોલી..હવે હું આવી ગઈ છું ને? તેથી નો ગેમ નો બીયર.”

“ જો સ્વીટી મેં તને પહેલા પણ કહ્યું છેને અત્યારે ફરીથી કહું છું. અહીં તું નવી છે.અને પાછી પત્ની છે એટલે મારું કહ્યું તારે સાંભળવાનું અને કરવાનું. હું પતિ છું. મારે તારા કહ્યા પ્રમાણે અનુકુળ નથી થવાનું પણ તારે મારા કહેવા પ્રમાણે મને અનુકુળ થવાનું છે. સમજી?”

“ હા અને ના.”

“એટલે તમે  મારા પતિ તે સાચુ પણ અનુકુલન આપણા બેઉનું સરખુ… જેમ તમારા માટે હું નવી તેમજ મારા માટે તમે નવા છો… આજની રાતે આપણે થોડીક વાતો કરીશું ખાસ તો એક મેક્નાં ગમા અને અણગમાની…”

“હું જો તને નહી ગમતું હોય તો સ્વીટી નહીં કહું પણ અનુકુલન તો બધું જ તારે કરવાનું છે કારણ કે સાસરે તું આવી છે હું નહીં.

“પણ હું કંઈ એમને એમ નથી આવી ગઈ તમે બેંડ વાજા સાથે મને સાજન મહાજન અને જાનૈયાઓ લઇને પરણવા આવ્યા હતા..બરોબર?”

“હા. પણ હવે તું અહીં એકલી છે..અને મારે પનારે પડી છે તેથી માનવુ તો તારેજ પડશે” સહેજ ચીઢાતા અવાજે શશી બોલ્યો. માનસશાસ્ત્ર ભણેલી સુશીલા સમજી ગઈ કે “સુપીરીયારીટી કોમ્લેક્ષ” ઘણોજ મજબુત છે તેથી તેણે વાત બદલતા કહ્યું ક્રીકેટમેચ ચાલુ કરોને! આપણે બંને સમજીશું અને સાથ માણવાની શરુઆત કરીયે.

ચેનલ બદલાઇ અને ભારત ઓસ્ટ્રેલીઆ મેચ ચાલુ થઇ.અને બીયરનું બીજું કેન ખુલ્યુ ત્યારે સુશીલા એ કહ્યું હું પણ મારું કેન લાવું?

“ બીયર બૈરા પીએ ને તો તેમને માટે સારું નહીં..અને પાછી તું તો ગાંધીજી નાં ગામમાં એટલે ત્યાંતો બીયર મળતોજ નહીં હોય ખરું ને?””

“ અમે પીતા તો નથીજ પણ પતિને કંપની આપવા કરવા જેવું બધું જ કરવાની શીખામણ આપેલી છે.”

“એટલે દારુ પીવાની પણ છૂટ છે.?”

“ હા અને દારુ પીધા પછી ઑકવાની પણ છૂટ છે.ને?”

શશીને ઝાટકો તો લાગ્યો પણ જરા ખમી જઇને બોલ્યો “ ના.તેની તને છૂટ નથી સમજી?”એટલું કહીને બીજું કેન તેણે પુરુ કર્યુ.અને ક્રીકેટની ચેનલ બદલીને સોકરની ગેમ જોવાની શરુ કરી.

“અરે પણ હું ક્રીકેટ જોઉં છું ને? “

“આ ગેમ પતી જાય પછી જોજે..” જાણે માંખ ઉડાડતો હોય તેમ આછકલો અને ઉધ્ધત જવાબ હતો…”

બીજા દિવસથી સ્ટોર ઉપર જવાનું હતું તેને થોડાક કમકમીયા આવ્યા.. પણ જેટ લેગને દુર કરવા ઉંઘવાનો પ્રયતન કરવો જરુરી હતો.સવારે નાસ્તામાં શું કરવું એ શશીને પુછવાનું માંડી વાળ્યુ..અને બેડરૂમમાં જતાં. તેણે શશીને કહ્યું “મને ઉંઘ આવે છે હું સુઇ જઉં?”

તેની ગેમમાં રસભંગ થતો જોઇ કંટાળા જનક રીતે તેણે તેને હા પાડી.અને  બીયરનું ત્રીજું કેન હાથમાં લીધું…

કદાચ હજી વધુ તપશ્ચર્યા છે નસીબમાં સાજન ને રંગભર કરવા માટેનો એક ભારે નિઃસાશો નાખીને તે શયન ખંડમાં ગઈ.

અમેરિકા પહોંચી ત્યારે સુશીલાનાં ભણતરની કસોટી જાણે શરુ થઇ..અંગ્રેજી બોલે તો સામેનાને ના સમજાય અને સામે વાળો બોલે ત્યારે તેને ના સમજાય..શીડ્યુઅલ અને સ્કેજ્યુઅલ માં ગરબડ થાય અને મેક્સીકન સાથે જો વાત કરવાની થાય તો૯૦% સંજ્ઞાઓમાં જ વાત થાય. કન્વીનીયંટ સ્ટોર ઉપર બીજા જ દિવસથી બેસવાનું નક્કી હતું તેથી અમેરિકન માળામાં લાંબા હનીમુનની કલ્પના નકામી હતી તે જાણતી હતી અને સમજતી પણ હતી કે તે પાયાનો પથ્થર બનવાની હતી મંદીરનું કળશ બનવાનું તેનું ભાગ્ય નહોંતુ પણ શશીકાંત નો સ્ટોર પરનો સાથ તેને ગમતો… શશીકાંત મોટેભાગે સ્ટોર ભરવાનું અને સ્ટોકીંગનું ભારે કામ બુધવારે કરતો. તે દિવસે મેક્ષીકન માઇક અને તેની રુપાળી ગર્લ ફ્રેંડ લોલા આવતી. અને શશીકાંત પાણ તે દિવસે ખીલતો..

માઇકે તે દિવસે સુશીલાને કહ્યું..”હવે તમે આવી ગયા છો તો આશા રાખું કે શશી સીધો ચાલે તો સારુ.”

“એટલે પહેલા સીધા નહોંતા ચાલતા?”

“ ચાલે તો સીધા છે પણ લોલાને જે રીતે હલકી લાલચુ નજરે જુએ છે તે મને બીલકુલ નથી ગમતું. લોલા મારી ગર્લ ફ્રેંડ છે. અઠવાડીયે એક દિવસ છે તેથી આંખ આડા કાન કરુ છુ પણ આ નોકરી મારી કે લોલાની મજબુરી નથી.”

સુશીલા આ સુચક નિશાની  ચુકી ગઈ અને એ દિવસ આવી ગયો જ્યારે લોલા એ શશીકાંતને સુશીલાની સામે જ લાફો માર્યો. તે વખતે તો જાણે ધરતીકંપ થયો હોય તેવો તેને આંચકો લાગ્યો..અને લાગે જ ને કારણ કે ભારતમાં  એણે કદી કોઇ સ્ત્રીએ તેના બૉસને લાફો માર્યો હોય તેવું જોયું પણ નહોંતુ કે સાંભળ્યુ પણ નહોતું. કદાચ અમેરિકન જગતનો બહું અગત્યનો નિયમ તે શીખી રહી હતી અને તે વ્યક્તિ સ્વાતંત્ર્યનો, સ્ત્રી પુરુષ સમાનાધિકારનો.

લોલા ગુસ્સામાં ઘણું બોલતી હતી પણ તેની સ્પેનીશ મિશ્રીત અંગ્રેજીમાં તેને બે શબ્દો જ સમજાયા.. “પરવર્ટ” અને “માય વીલીંગનેસ”.. શશીકાંતનો હાથ ગાલ ઉપર ના ચચરાટને સમાવવા મથતો હતો અને તે સમયે લોલા સીગરેટનાં ખોખા ઉતારીને ટ્રક લઈને જતી રહી.

તે ધીમે રહી શશીકાંત પાસે જઇને બોલી..”કેમ તમે શું કર્યુ હતું કે તે તમને લાફો મારીને બબડતી ગઈ.”

“હવે તું તારું કામ કરને..ગલ્લો સંભાળ.માલ ઓછો લાવી હતી તે તેને કહ્યું તો કહે તું અમને ચોર માને છે?”

“ શશી! તેં એને છેડી હતી.”

“શું?”

“ હા. ભારતમાં સ્ત્રી ત્યારે જ આવું ઉગ્ર વલણ બતાવે જ્યારે તેની મરજી વિરુધ્ધ કોઇ પુરુષ અજુગતુ કરે..સમજ્યા? મને ભલે સ્પેનીશ નથી આવડતુ પણ તેમાં બોલાયેલા અંગ્રેજી શબ્દો મને ઘટના સમજાવી જાય છે.” તેણે ઠંડા અને મક્કમ અવાજે કહ્યું.

કંઇક અકળાઇને શશીકાંત બોલ્યો “ જો સુશીલા..તુ હજી શીખે છે.. આ નઠારા લોકો ને આપણે નબળા છે તેવું ના બતાવાય તેથી મેં તેને ચોર કહી હતી અને તે હતી તેથી તે ભડકી”

“ પણ તેમાં લાફો મારે?” ખુલાસો કરે..માઇકની વાતો સુશીલાનાં મનમાં ભમતી હતી.. પછી એકદમ તેના મનમાં વિચાર્યુ કે મારે શકનો લાભ આપવો રહ્યો..શક્ય છે શશીકાંત સાચુ પણ બોલતો હોય.

બરોબર ૩૦ મીનીટે માઇક આવીને બાકીની બે પેટી માલ આપી ગયો.. અને ઘોઘરા આવાજે બોલ્યો.. “શશીકાંત એપોલોજાઇઝ લોલા”

સુશીલા એ તેઓની વાતમાં વચ્ચે પડીને કહ્યું “વ્હાય? શી ઇઝ અ થીફ . શી ડીડ નોટ બ્રિન્ગ ધીઝ ટુ બોક્ક્ષીઝ  સો શશી ટોલ્ડ હર થીફ.”

માઇક બોલ્યો “ ના તેણે લોલા પાસે અજુગતી માંગણી કરી હતી.”

સુશીલા કહે “ ધેટ ઇસ નોટ પોસીબલ.. આઇ વૉઝ હીઅર”

“ બટ યુ ડુ નોટ નો સ્પેનીસ.”

“શશીકાંત વોઝ ઓન્લી ટૉકિંગ”.

માઇક નો ગુસ્સો સાતમા આસમાને જતો હતો ત્યારે શશીકાંતે આવીને કહ્યું

” માઇક નેવર બ્રીંગ લોલા ઇન માય ઓફીસ..શી ઇસ થીફ એંડ આઇ કૉટ હેર સ્ટીલીંગ અને તેથી જ તે ખોટી વાત કરે છે.પછી તરત જ સ્પેનીશમાં બોલ્યો જા ભાઇ મારી ભુલ થયેલી માફ કર પણ અહીં થી જા અને હવે તું પણ અહીં ના આવતો.”

સુશીલાને શશીકાંત સ્પેનીશમાં શું બોલ્યો તે ના સમજાયુ પણ તે દિવસે વાત શાંત પડી ગઈ.

લંચ નાં સમયે બંનેએ સેંડવીચ ખાધી.

સુશીલાએ ફરી વાત કાઢી.. “બહું રુપાળી છે ને લોલા?”

“તારા જેટલી નહીં.”

“નવોઢાને પોતાના આવા વખાણ થાય તે ગમે જ..”

“….”થોડા મૌન પછી પાછી તે બોલી

“ હા પણ હવે તમને પુરતું શરીર સુખ મળે તેમ છે ત્યારે નો લોલા એન્ડ લીલા”

“સુશીલા તને મેં કહ્યુ ને તારી બુધ્ધી દરેક ઠેકાણે ના ચલાવ. અને સ્ટોરમાં તો ખાસ જ નહીં.”

કેમેરા ચાલુ કરીને સુશીલાએ નહીં નહિં ને પાંચ વખત જોયું તો શશીકાંત બે ત્રણ વખત સ્પેનીશમાં કંઇ બોલ્યો હતો અને લોલા ખુબ જ ભડકી ગઈ હતી.

બીજે દિવસે સ્ટોરમાં કામ કરતી મેક્ષીકન માર્થાને પુછ્યુ મને સ્પેનીશ શીખવાડીશ?”

શશીકાંત માલ લેવા ગયો હતો ત્યારે વીડીયો મુકીને માર્થાને પુછ્યુ.. આ શું વાત ચાલે છે?

માર્થા લજવાતા બોલી “શશી ઇઝ આસ્કીંગ લોલા ટુ પ્લીઝ હીમ.”

સુશીલાતો સડક જ થઈ ગઈ…તેને હવે સમજાઇ રહ્યુ હતુ.. લોલા તેને લંપટ કહેતી હતી..અને તેની ઇચ્છા વિરુધ્ધ વર્તવાની વાતે લાફો રશીદ થયો હતો માર્થા જતા જતા બોલી “શશી હાર્ડ વર્કીંગ માણસ છે તેને સંભાળી લેજે..કેટલાક પુરુષો ભમરા જેવા હોય છે.. પણ તેમણે સમજવુ રહ્યું કે જે સ્ત્રી ના કહે તેને અડ્વું નહીં અને હા કહે તેને છોડવી નહીં.”

સુશીલા તો માની જ શકતી નહોંતી કે શશીકાંત આવો હશે.. સાથે સાથે સમજાતો ગયો અમેરિકન મુક્ત સંસ્કૃતિનો અર્થ પણ. જ્યાં ત્યાં માથુ મારતા ભમરાને પતિ માનીને કેવી રીતે સોંપાય આખી જિંદગી નો ભરોંસો? શરીર સુખ એ જેમ એક મીઠાની એક ચપટી ભોજન માં જોઇએ તેટલી જરુરિયાત છે પણ કંઇ મીઠાનું ભોજન ના હોય.

તેને પિતાનાં શબ્દો અને સપના યાદ આવ્યા. પગનું જોડુ . કનડે તો તેને વારંવાર પહેરીને પગને અનુરુપ કરવાનું બસ અમેરિકામાં તને કોઇ અજુગતી વાત નડે તો વારંવાર પહેરીને અનુકુલન કરજે. ત્યાં તને મોકલવાનો હેતૂ ભાઇ ભાંડુરા માટે રસ્તો ખોલવાનો પ્રયત્ન છે. અને ગજા ઉપર દાયજો આપીને જોખમ લીધુ છે.

તેને ખુબ જ રડવું હતું તેનો પતિ લંપટ છે તે જાણ્યા પછી બાપાની વાતે તેના પગમાં બેડીઓ નાખી દીધી હતી.તેને આવા આંધળુકીયા  વાત ખટકતી હતી. માર્થાની વાત સાચી હશે પણ બાપાનો દાયજો અને ભાઇ ભાંડુરાનો અમેરિકા આવવાનો તે રસ્તો બની છે  બોલવું કે લઢવું કે પાછા જવુંની વાતો મનનાં ત્રિભેટે આવીને ઉભી રહી ગઈ હતી તે મૌન બની ગઈ. તેના હોઠ ઉપર જાણે સ્ટેપલરની પીનો લાગી ગઈ

તે સાંજે શશી બહુ બોલ્યો નહીં અને સુશીલાને છંછેડી પણ નહીં હજી તો અઠવાડીયુ જ થયુ છે.લોલાનો પ્રસંગ તેને પણ ચચરતો હતો પણ હતો અમેરિકન તેથી તુ નહી તો ઓર સહીમાં જીવતો..જો કે ૧૮ કલાક ર સ્ટોર પર કામ કરીને આવે એટલે ખાધુ નથી અને બીયરનું કેન લઇ ને ટીવી જોતા ક્યારે સુઈ જાય તેની તેને સમજ પણ નહોંતી..હા તેને પણ પરણે હજી અઠવાડીયુ જ થયુ હતુને? અને તેની જરુરિયાત તો બે વખત ખાવાનું બનાવે અને રાત્રે શરીર સુખથી વધારે પત્નીની નહોંતી અને એવો સ્વભાવ કે ઘેલછા પણ નહોંતી કે તેને ભરોંસે આવેલી સુશીલાનાં પોતાના પણ સ્વપ્ના હોઇ શકે!

સુશીલા પડખુ ફરીને તેના સ્વપ્નાઓનું માતમ મનાવતી રહી..આંખમાં આંસુ ખુટ્યા ત્યાર બાદ સ્વસ્થ મને વિચાર્યુ..તેમનો ભૂતકાળ ગમે તે હોય પણ જો મારે મારો સંસાર ટકાવવો હોય તો તે સમજી જશે વાળી વાત ખોટી. મારે કહેવું જ પડશે કે તે જુદી સંસ્કૃતિમાં થી આવી છે અને તેમાં પતિ અને પત્નિ એકમેક ને વફાદાર હોય છે.તેમણે સપ્તપદીની પ્રતિજ્ઞાઓ સમજવી પડશે. હવે પરણિતા સાથે નું જીવન મુક્ત જીવન નથી. હું અભણ નથી બાઘી નથી અને મને મારી ફરજો અને અધિકારો બંને ખબર છે.તે હું પાળીશ અને સાથે તમને પણ પળાવીશ.

બીજાદિવસની સવારે જ્યારે એલાર્મ વાગ્યું ત્યારે શશીકાંત જોઇ રહ્યો હતો કે સુશીલા ગરમ બટાટા પૌઆ અને ચાનાં નાસ્તા સાથે સ્ટોર ઉપર આવવા તૈયાર થઇ ગઈ હતી.તે દસ મીનીટમાં તૈયાર થઇને આવ્યો અને નવી ખરીદેલી નીસાન અલ્ટીમા લઇને સ્ટોર તરફ જવા રવાના થયા.તેના મનમાં પરભુબાપાનાં શબ્દો ગુંજતા હતા પગનું જોડુ . કનડે તો તેને વારંવાર પહેરીને પગને અનુરુપ કરવાનું બસ અમેરિકામાં તને કોઇ અજુગતી વાત નડે તો વારંવાર પહેરીને અનુકુલન કરજે. અને આજે તે પ્રયત્ન તે ફરી વાર કરવાની હતી

“ શશી તું જેમ લોલાને જુએ છે તેમ હું કોઇ બાંકા યુવાનને ગમી જાઉં તો મને તેને પ્લીઝ કરવાની છુટને?”

“ જબાન સંભાળીને બોલ સુશીલા આપણા તે સંસ્કાર નથી.”

“ તો સાંભળો તમારો ભૂતકાળ આજ દિન સુધી મારો નહોંતો પણ લગ્ન પછી આપણે બંનેની આજ અને આવતી કાલમાં સાથે જીવવાના છીએ. બંને માટે સપ્તપદીની પ્રતિજ્ઞાઓ સરખી શું સમજ્યા? જો હું તેમ ન કરું તેમ ઇચ્છતા હો તો તમારે પણ તેમ નહી કરવાનું…છેલ્લાં શબ્દો તમારે પણ નહીં કરવાનુ ઉપર ભાર મુકતા સુશીલા બોલી

શશીકાંતે સાંભળ્યુ પણ ના સાંભળ્યુ કરી નાખ્યુ ત્યારે સુશીલા ફરી બોલી “ જુઓ એમ ના સમજશો નવી નવી છે તેથી ભોળવી જઈશ. હું બોલું છું તે કરું છુ. તમારા તન મન અને ધન,  ઉપર ફક્ત મારો અને મારો જ અધિકાર છે સમજ્યા? સપ્તપદીની બધી જ શરતો મને કડકડાટ યાદ છે ..પહેલી ભુલ માફ છે પણ ત્યાર પછીની દરેક ભુલની પાકી સજા મળશે હં કે…”

પેલુ નાનું છોકરડું રીઢા ગુનેગારને પોલીસની બીક બતાવતું હોય તેમ વિચારીને શશીકાંત જરા હસ્યો.. પછી કહે “ હજી તો મગ પાણીમાં પલળે છે તે પહેલા પગ નીકાળવા માંડ્યા?”

સુશીલા થોડીક ધ્રૂજી તો ખરી પણ બોલી “ પહેલા વહાલ થી વાળીશ અને નહીં વળો તો..”

સ્ટોર નજીક આવી ગયો હતો અને શશીકાંતે વળતું ઘુરકીયું કર્યુ “ તો? તો શું કરી લઇશ?”

સુશીલા ખરેખર તો ડરી ગઇ હતી પણ બોલી “મને આવડે છે બધું શામ દામ દંડ ભેદ અને …!”

સ્ટોર ની સામે ગાડી ઉભી રહી. શશીકાંતે  સાંભળ્યુ અને ફટાક દઇને ગાલ ઉપર ધોલ રશીદ કરી.

“ જો મારી સાથે જીભાજોડી નહીં. હું કહું તે તારે કરવાનું. મારે નહીં અને તારી સપ્તપદીની તો ઐસી કી તૈસી..સમજી.” એક ગંદી ગાળ દઈને તે થુંક્યો….

ચચરતા ગાલે અને ફાટી નજરે તે શશીકાંતને જોઈ રહી..

શશીકાંત સ્ટોર ખોલી રહ્યો ત્યારે મેક્ષીકન માર્થા આવી ગઇ હતી. તેણે ડરેલી સુશીલાને જોઇને પુછ્યુ “ હાઇ સુશી.. આર યુ ઑલ રાઈટ?”

ગાલ પર પડેલી ધૉલને કારણે ગાલ ઉપર છાપ ઉભરી આવી હતી.

“ નો હી હર્ટ મી..”

“ તારો કંઇ વાંક ગુનો?”

“ નો”

“ધેન ગો એન્ડ હીટ હિમ બેક…”

“નો હી વિલ હીટ મી હાર્ડ અગેન.”

ધેન કૉલ પોલીસ. આઇ વીલ વીટ્નેસ .. કહેતા એણે ૯ ૧ ૧ને ફોન કર્યો

પોલીસની સાયરનો વાગી અને શશી એ ઘાંટો પાડ્યો.. સ્ટોરમાં આવે છે કે બીજી ધોલ ખાવી છે.?

ત્યાં પોલીસ કાર માં લેડી સાર્જંટ અને પોલીસ નીચે ઉતરીને સુશીલા પાસે જતા જોઇ ત્યારે શશીકાંતને પહેલી વખત ધાસ્તી પડી.. ક્યાં આ વાતનું વતેસર થઇ ગયું?

માર્થા પોલીસ સાથે વાત શરુ કરતી હતી ત્યારે સુશીલાએ ફરી કડક નજરે શશીકાંત તરફ જોયુ.. તેના હોંશ હવાસ ઉડી ગયેલા દેખાયા..સુશીલાને ત્યાં બાપા નજર સામે દેખાયા..તેમનું ભવિષ્યનું પ્લાનીંગ નજર સામે દેખાવા માંડ્યુ.તેની આંખો આંસુ થી ભરાયેલી હતી અને ગાલ ઉપરનાં રતુંબડા પંજાનાં નિશાન બધુ સ્પષ્ટ કહેતા હતા.

પ્રકરણ ૪

લેડી સાર્જંટ સુશીલાને પુછતી હતી..” મેમ..લેટ મી નો ઇફ યુ વોન્ટ ટુ એરેસ્ટ હીમ..ઓર ટેક એની એક્શન.”

થોડાક હીબકા પછી તે બોલી “ જસ્ટ સ્કોલ્ડ હીમ એંડ ટીચ હીમ રીસ્પેક્ટીંગ આ વેડેડ વાઇફ..”

માર્થા ત્યારે બોલી “ ધેય આર જસ્ટ મેરીડ..બટ આઈ ડોંટ નો હી ઇઝ સચ અ વાયોલંટ.”

લેડી સાર્જંટ અને પોલીસ બંનેએ દુકાનમાં જઈને શશીકાંતને દસેક મીનીટ સીવીક બીહેવિયર વિશે લેક્ચર આપ્યુ અને જતા જતા વૉર્નીંગ પણ આપી કે ફરીથી જો આવું કરશે તો સીધા જેલમાં જ નાખશે.. તારી પત્ની તારી વિરુધ્ધ અમને ફરિયાદ નથી કરી તેથી તુ અત્યારે તો બચી ગયો છે…

સવારનો ટ્રાફીક ચાલુ થઇ ગયો હતો પોલીસની કારર્ની કન્વીનીયંટ સ્ટોર ઉપર કંઇ નવાઇ નથી હોતી પણ તાજો કૉફી પૉટ બનાવી સુશીલા ડૉનટ સાથે તે બંનેને આપવા આવી.

લેડી સાર્જંટે ફરી થી એક ભજનીયું ચોપડતા કહ્યું તેની જગ્યાએ હું હોત તો મારી મારીને તારા છોતરા કાઢી નાખ્યા હોત અને પોલીસ આવે ત્યારે બેડીઓ પણ પહેરાવી હોય…આભાર માન કે હજી તેને અમેરિકાનો રંગ નથી લાગ્યો.

શશીકાંત બાજુની શૉપમાં ગયો જ્યાં બ્રેક્ફાસ્ટ, ડોનૉટ બેગલ અને કૉફી હતી.. માર્થા કન્વીનીયંટ સ્ટોરનું કાઉંટર સંભાળતી હતી. પેટ્રોલ પંપ અને કન્વીનીયંટ સ્ટોરનું કાઉંટર સુશીલા અને માર્થા સાથે સંભાળવાના હતા

ચચરાટ તો શમી ગયો હતો પરંતુ રહી રહીને તેનું મન ખાટુ થઇ ગયું હતું.. માર્થાએ ફોન ના કર્યો હોત તો સારુ.. પણ હવે તો ઉજવાઇ ગયુ છે ત્યાં પોલીસને જોઇને તેના ચહેરા પર જે વ્યથા અને ચિંતા દેખાતી હતી તે વિશે તેને સારુ લાગતુ હતું.

થોડોક સમય ગયા પછી ઘરની બનાવેલી આદુ ઇલાયચી વાળી ચા કપમાં કાઢી અને બટક પૌઆ માઇક્રોવેવમાં ગરમ કરી ટેબલ પર મુક્યા અને હળવેથી કહ્યું “ભુખ લાગી છે ને? ખાઇ લો પછી મને આપવી હોય તેટલી ગાળો આપજો”

સૉલ્જર શશીકાંત થોડુંક મલકી ને બોલ્યો. “ થેંક્યુ.”

“શાંના થેંક્યુ?”

“ મારી અન્નપૂર્ણા…મારી ભુખ અને મારી ગેરસમજ બંને ને પહેલે ધડાકે જ દુર કરી નાખી.”

“ ભુખ તો જાણે સમજ્યા પણ કઇ ગેર સમજ?”

“ ભારતથી આવી છે તેથી દાબમાં રાખવા ધોલ મારી હતી.. પણ તું ય જબરી..તેં ધોલ મને સામે એવી મારી કે હવે એવો પ્રસંગ આવે ને સાર્જંટ લેડી પોલીસ દેખાશે…

“મને તો એમ હતું કે હું અમેરિકા જઇશ ત્યારે હું પછાત દેખાઇશ પણ મારા કરતાય તું તો પછાત નીકળ્યો..એક્વીસમી સદીમાં તું ઓગણીસમી સદીની વાતો કરે છે….”

માર્થાને નવાઇ લાગતી હતી..બંનેને શાંતિથી વાતો કરતા જોઇને. થૉડોક સવારનો ટ્રાફીક ઘટ્યો હતો તેથી તેણે સુશીલાએ તેને માટે મુકેલી પ્લેટ લીધી અને બટાકા પૌઆ ખાવા લાગી. તેને ચામાં પણ મઝા આવી.

નાસ્તો કરીને સુશીલા પાછી આવી ત્યારે માર્થા કહે “તારી જગ્યાએ હું હોઉં તો આટલી જલદી ના પીગળું.. તને તેણે લાફો માર્યો અને તું તેને ખાવાનું આપે છે?”

સુશીલા સહેજ મલકતા બોલી “ હું તારી જગ્યાએ નથીને? હું મારી જગ્યાએ છું. અને આપવો હતો તેટલો ડોઝ અપાઇ ગયો છે પછી વાતને વધારે ચોળવાની શી જરુર?


રાત્રે ભારત થી ધીરીબાનો ફોન આવ્યો ત્યારે કેમ છો? સાંભળતા જ ડુસકું મુકાઇ ગયુ..ધીરીબા એ તેને રડવા દીધી.. હજી તો ગણતરીનાં જ દિવસ થયા છે ને? પિયરીયુ તો યાદ આવે જ ને? પાછળ બાપા પણ સંભળાતા હતા..”વાત કરને? ફોન માં મીનીટો ચઢે છે”

“ બા બાપા હું મઝામં છું તમે મારી જરાય ચિંતા ના કરશો.” છતા ગળામાં થી ડુસકું તો વછુટી જ ગયુ…

ધીરીબા હવે કહે “બેટા! જમાઇ સાથે બનત તો છે ને?’પાછળથી પરભુ બાપા બોલ્યા હવે આવું બધુ નહીં પુછવાનું અને સુશીલા પગ ટકાવીને રહેવાનું.. શું સમજી? એ જે છે તે તારું કર્મ છે. અને ઘરે આવવાનું થાય તો રડતા રડતા આવશો તો ઘરનાં બારણા બંધ છે સમજ્યા?

ધીરીબા બોલ્ય “ હવે જરા ઝંપો વાત તો સાંભળો”

“ અમેરિકામાં પોચકા મુકવાની વાત ચાલે જ નહીં..”

“ બા હું સાંજે ફોન કરીશ…એ ઘરે હશે ત્યારે..જયશ્રી કૃષ્ણ” કહી ફોન મુક્યો.

આમેય ધીરીબાનાં જેવી ઢીલી અને સહેજ વાતમાં ડરી જાય તેવી તે હતી જ…અને આજનો પોલિસ પ્રસંગ એને મિશ્ર ભાવો જગાડતા હતા.

બીયરનો છેલ્લો ઘુંટ પીને શશી તો સુઇ ગયો. પણ સુશીલાને આ બધુ પચાવતા તકલીફ પડી રહી હતી. સુશીલાને હતું કે તે વાત કરશે..પણ દસ મીનીટમાં તો નસકોરા વાગવા માંડ્યા.

.ટીવી ઉપર બહુ સરસ ગીત આવતુ હતુ..

પીયા એસે તો જીયામે શમાગયો રે..

કે મેં તન મન કી સુધ બુધ ગંવા બેઠી”

ગીતની વાત જાણે તેના મન ની વાત હોય તેમ તે ઝુમી તો ખરી પણ શશીનાં નસકોરાએ તેને વાસ્તવિકતામાં લાવી દીધી. ભારત ફોન કરવાને બદલે કાગળ પેન હાથમાં લીધા..ફોન કરવો હજી પરવડે તેવો નહોંતો  મીનીટનાં ૩ ડોલરનો ભાવ… તે વિચારી શકતી હતી પુછ્યા સિવાય હિંમત કરવી નહોંતી..લંપટ પતિ અને આજનો લાફો –પોલિસ અને ઘણું બધું એક સાથે થયું હતું મન તો ખાલી કરવું જરુરી હતુ.

પેન કાગળ ઉપર શબ્દો એ રીતે ચીતરતી હતી કે આજની આખી ઘટના ભેંકાર ભવિષ્યની શાખ ન પુરતી હોય

પુ બા….

તમે તો મને શીખવ્યું હતું ને કે લગ્ન જીવનમાં જીવન સાથી ને

આપવું આપવું અને આપવું

પહેલું માન પછી વહાલ

વિશ્વાસ અને જીદનો અભાવ

તન મન અને ધનથી એક થઇને

પામીશ શાશ્વત સુખની ધાર.

પણ આ અમેરિકા છે. અહીં બધું જ ઉંધું છે.. દરેક્ને પામવુ છે પણ આપવું કોઇને નથી. ધાકમાં રાખવા છે સૌને..ને ડૉલરની માયા સૌને છે.. જરા જરા વાતમાં “થેંક્યુ” અને “સૉરી” બોલાય છે જાણે એક માત્ર અભિનય. લાગણી તો ક્યાંય ના દેખાય, દેખાય ડૉલરનાં જ માત્ર અભિનય.

પૂ.બાપા

તમને જે દેખાય છે તેવા સુખની એક આભા હજી સુધી મને જોવા નથી મળી. મળી છે તો માત્ર ધૉલ અને ઘાંટા અને પોલિસની સાયરન..નવો દેશ નવો વેશ અને તેઓ ઇચ્છે કે હું ભણેલી તેથી મને બધુંજ આવડે.પણ અમેરિકાનું અંગ્રેજી જુદુ..જેથી વાતો ના સમજાય.. કાઉંટર ઉપર ખાલી હસતા આવડે એટલે કંઇ બધું જ આવડી ગયું તેમ ઓછું કહેવાય?

ક્ષણ અટકીને પાછી લોરાની વાત કેવી રીતે કહેવી એમ વિચારતા લેડી સાર્જંટે કહેલ વાત યાદ આવી..સમાનતા બધે જ છે..તેથી આમ તો લગ્ન નાં દિવસે બધું જ અડધું અડધું થઇ ગયું તો મારે તેની ભારત ફોન કરવા અનુમતિ કેમ લેવાની?

હ્રદય જરા ધડક્યુ. પેન અને કાગળ હેઠા મુકીને ભારત ફોન જોડ્યો.

ફોન ઉપર વંદના હતી..તેને દીદી સાથે વાતો કરવી હતી પણ સુશીલાને ધીરીબા સાથે જ વાત કરવી હતી તેથી બોલી “ બાને પહેલા આપ વંદના ત્રણ ડોલરે એક મીનીટ નો ભાવ છે  ત્યાંનાં સો રુપિયા થાય..”

“ભલે સો રુપિયા હોય તારી બેન સો રુપિયા કરતા ઘણી વધારે છે.”

“ હા છે પણ હજી હું કમાતી નથી થઈ..શશી ને ખોટા ખર્ચા ગમતા નથી.”

વંદના બોલી “ બેન આ ખોટા ખર્ચા નથી પણ બા આવે ત્યાં સુધી ત્યાંની વાત કરોને”

“ જો બેન તમને લોકોને અહી લાવવાના છે તેથી હું ચુપ છું બાકી શશી સાથે રહેવાનું એટલે લોઢાનાં ચણા ચાવવાના છે” એક ભારે નિઃસાસા સાથે તેણે વાતની શરુઆત કરી”…

“ અરે બેના..રાતની અને જીજાજીની વાત કરને?”

“ રાતની શું વાત કરું? ૧૮ કલાક કામ કરે અને જમી લીધા પછી બીયર પુરો કરે  ત્યાં ઢબી જાય..દસ દિવસ થયા તન મિલન જરુર થયાં પણ.. મને તો લાગે છે હું પત્ની નથી.. હા કામવાળી જરૂર છું જેનું કામ તનની ભુખ ભાંગવા સિવાય વધુ કંઇ નથી..વિના પૈસાની કામ વાળી છું કે જેને ચું કે ચા કરવાનો અધિકાર નથી. .”

“ લે ધીરીબા આવી..વાત કર..”

“ બા! તમારા લોકોની બહું યાદ આવે છે.!”

“ તે આવે જ ને.. હજી ગણતરીનાં જ દિવસો તો થયા છે ને?”

“ બા આ મારી વાતોને મનનાં ઉભરા કાઢવાની કથા છે તેથી મને વહેવારીક સલાહ આપજે..”

“ શું થયું બેટા વાત તો કર…આખી રાત ચિંતા કરતી હતી.”

“ જો બા જેના પાપ ફુટ્યા હોય તેને આવો શરાબી અને લંપટ પતિ મળે..” કહેતા કહેતા એક ડુસકું વછુટી ગયું..”

“હેં? શરાબી તો સમજ્યા લંપટ પણ?”

“ હા બા.. અને લોરાએ મારેલી ધોલ અને બીજે દિવસે તે જ ધોલ ધપાટ મને પણ કરી પોલિસ પણ આવીને..જિંદગીમાં ન જોયેલી ઘણી બધી વિકટ પરિસ્થિતિઓ આ બે અઠવાડીયામાં જોઇ લીધી.”

“ તારા બાપા પણ બીજા ફોન ઉપર તને સાંભળે છે.”

પ્રભુલાલ સહેજ ગળગળા અવાજે બોલ્યા..” અરરર.. મારાથી આ કેવી મોટી ભુલ થઈ ગઈ.?”

થોડુંક રડી લીધા પછી સુશીલા બોલી ..”બાપા હું શું કરું?..તમે કહો છો તેમ ટકવાનાં પ્રયત્ન કરું તો કુચાઈ મરું છું અને ઉધ્ધત થઈને રહુ તો તમારા પૈસા દાવે લાગે છે.”

“ મને જીવકોરમાને વાત કરવા દે…”

“ બા. ના એના કરતા જીવકોર બા ને અહીં વહુનાં હાથનાં રોટલા ખાવા આવવા રાજી કરો અને જરૂર લાગે તો તમે બંને પણ સાથે આવો કે જેથી ખુલાસે બંધ વાત થાય.”

પાછળથી ઉંઘરેટા અવાજ માંતેણે બૂમ મારી “સુશી..”અને સુશીલાએ ફોન ઝટ્પટ મુકી દીધો

રુમમાં દાખલ થઈ ત્યારે બીજો ફોન તેના હાથમાં હતો.” હજી દસ દિ” નથી થ્યા અને ફરિયાદો ચાલુ..”

“ હા.. તમે કામ એવા કર્યા હોય તે જણાવવું તો પડે જને…”

“ તે તારો બાપ મને કઈ ફાંસી એ ચઢાવવાનો છે? એમ કહેતા ગંદી ગાળ બોલવા જતો હતો ત્યાં સુશીલા બોલી “ છોકરી દીધી છે. તે કંઇ ગુનો નથી કર્યો.. અને માંગતું પૈઠણ પણ પુરુ આપ્યું છે.”

“ ઉભી રે કમબખ્ત..કહેતા તેને મારવા તે ઉઠ્યો.. પણ બીયર ચઢેલો હતો અને ઝડપથી ઉઠવા જતા પગ લંઘાયો અને તે નીચે પડ્યો…તેણે તેને પડેલો રાખીને કહ્યું “એવી ભુલ બીજી વાર નહીં કરતા પેલી લેડી સાર્જંટને બોલાવીને ફરિયાદ કરીશ તો જેલમાં જવું પડશે…”

“જો માથે ચઢવાની વાત ના કરીશ મને તને માથેથી ઉતારતા પણ આવડે છે.”

“ સારું ઉતારજો પણ હમણા તો આ બીયર તમારે માથે ચઢેલી છે તેથી ચુપ ચાપ છાના માના ઉભા થાવ અને બૅડ ઉપર સુઈ જાવ…”

થોડા બાખોડીયા માર્યા પણ ઉભુ ના થવાતા સુશીલાએ ટેકો કર્યો અને બૅડ ઉપર સુવડાવી દીધો.સુશીલાને હસવુ આવતુ હતુ.. અને મનમાં એજ જાહેરાત ચાલતી હતી દારુડીયો દારુ શું પીવાનો..દારુંજ દારુડીયાને પી જતો હોય છે.

કોણ જાણે કેમ તેને તેની આ પરિસ્થિતિમાં બગડેલા દીકરાને જોતી મા નું વહાલ કેમ આવતુ હતુ?

જે બન્યું તે બન્યું પણ લાંબો સમય સુધી આ નહીં ચાલે.તેના મગજે તાળો બેસાડવા માંડ્યો..૬ વરસમાં બે ધીકતા સ્ટોર કર્યા તેય જાણે સિધ્ધિ છે જ… પણ આ જ્યાં ત્યાં ડાફોળીયા મારવાની કુટેવ છોડાવવી જ રહી…પતિ આમ તો પહેલું સંતાન જ છે ને? એ જ્યારે જે માંગે તે આપવું તે શીસ્ત દરેક ઠેકાણે ચાલે તેમ નથી. પહેલા તો એમન મગજમાં આ પુરુષાહમ ને ઘટાડવો પડશે. અને નાણાકીય નિર્ણયો મારે હાથ રાખવા પડશે.

તેનું હૈયુ નકારાત્મકતામાં થી પાછુ વળવા માંડ્યુ હતુ.. કદાચ આ નવા લગ્ન જીવન નાં પડકારો સમજતી તે તેનાં જ બોલ ઉપર “ પહેલા વહાલથી વાળીશ વાળી વાત ઉપર સ્થિર થતું ગયુ…

આ સોલ્જર શશી? તેને વહાલથી વાળવાની વાત કરે છે સુશીલા? છંછેડાયેલું મન છણકો કરીને પુછી બેઠું…

“ હા..તેનાં નગુણાપણામાં પણ ક્યાંક હું પોતાપણા નાં વહાલની અને સ્નેહની સરવાણી ભરીશ..મને લાગે છે બાજારુ સ્ત્રી સંગતે તેનામાં રુક્ષતા ભરી છે. તે કાઢવી જ રહી.હ્રદયે હળવી ટકોર કરી.

જોકે મન આ વાત સ્વિકારવા તૈયાર જ નહોંતુ..અને યાદ કરાવ્યા કરતું હતું કે સહેજ તેની વાત ના માની અને ધડ દઈને ધોલ મારે તે સોલ્જર સામે વહાલ અને હેતની વાત કરવી એટલે નરી મુર્ખતા..ધોલ મારે તેને જવાબ ધોલથી જ અપાય…

હ્રદય પાસે જે દલીલ હતી કે કુતરુ કરડવા આવે એટલે તેને કરડવા ના જવાય..પણ લાકડી ફટકારાય….

નસકોરા વ્યવસ્થિત વાગવા માંડ્યા ત્યારે સુશીલા તેને સાચા મનથી વહાલ કરવા તેના માથે હાથ ફેરવ્યો.. તેનું કોઇજ પરિણામ આવવાનું નહોંતુ તે તો તેને ખબર જ હતી…પણ અહીં દસ હજાર માઇલ દુર તેનું કોઇ હતું પણ ક્યાં? જે હતો તે આ શશી જ હતોને? પણ જરા મૉળો થાય તો ઠીક પડે…તેને ખબર હતીકે પતિને પોતાનું કહ્યું માનતો કરવા માટે થોડી તપસ્યા તો કરવી જ પડશે અને તેને માટે તે તૈયાર હતી…પણ ઘાંટા અને ગાળો કારણ વીના ખાવાની તેની તૈયારી નહોંતી.

અડધી રાત સુધી અવઢવ તો રહી જ.

પણ મન ને ડારતા હ્રદયે કહી દીધું કે પ્રિય જન ને પ્રિય થવા તેની જરુરિયાતોને પુરી કરવા મથવું જ રહ્યું..અને તેની બે જ જરુરિયાત અત્યારે છે જે તેની તન અને મનની ક્ષુધા સમાવવાની પથારીમાં  થોડી જગ્યા હતી શશીની ઉંઘ ના બગડે તેવી રીતે તે તેની પડખે જઈને સુઈ ગઈ. સખત ઉંઘમાં હતો પણ શશીએ તેને પાસામાં લીધી સુશીલાને હ્રદયનાં નિર્ણયને માન્યો તેનું ઘણું સારું લાગ્યુ…અને સપ્તપદીનો સાત પદમાં તો આ પહેલું પદ હતું ને…પતિ ને સમયસર ભોજન તો આપવાનું જને…

શશીનાં ગાલે હળવે હળવે હાથ ફેરવતા સુશીલા ક્યારે સુઈ ગઈ તેની તેને પણ ખબર રહી નહોંતી.

પણ આ વહાલે શશીકાંતનાં ગુલાબી નશાને ઘણો જ વધારી દીધો હતો.

બીજા દિવસની સવાર જીવકોરબા નાં ફોન થી પડી.

શશીનાં મોં પર જોઇ શકાતું હતું તેને ગમતું ન હતું છતા હા હા કર્યા કરતો હતો થોડી વારે “ બા સ્ટોર નો સમય થઇ ગયો છે હું સાંજે ટીકીટો લઇને વિગતે જણાવું.. સામે ફોન મુકાયો નહોંતો ફરી થી તે બોલ્યો હા તમારી અને તેમની બધાની ટીકીટ કરાવું છું.

પાસા બધા પોબર પડતા હતા. જીવકોર બા અને ધીરી બા અને બાપા સાથે આવે છે તે જાણી ને તે હરખ પદુડી તો થઈ..પણ શશીનાં ચઢી ગયેલા ચહેરાથી થોડોક ડર પણ લાગ્યો..શશી નહાવા ગયો તે સમય દરમ્યાન ફટા ફટ ઉઠીને તેણે ચા બનાવી અને નાસ્તામાં ઉપમા બનાવી ટીફીન તૈયાર કરી નાખ્યુ..સાડા ચારમાં હજી થોડી વાર હતી એટલે કપમાં ચા કાઢીને ટેબલ ઉપર મુકી અને બીજા બાથરુમમાં નહાવા જતી રહી.

રાતની ઉંઘ પુરી નહોંતી થઈ પણ નહાઇને શશી તૈયાર થાય ને ચા પીએ ત્યાં સુધીમાં તે તૈયાર થઈને આવી ગઈ.નીસાન અલ્ટીમા કાર શરુ થઇ ત્યારે સોલ્જર શશી બોલ્યો “ તું મોડી આવત તો ચાલતે!”

“ અરે વાહ! સોલ્જરને મારી કદર તો છે..” તે ટહુકી

“ સોલ્જર શાંનો? ધણી કહે ધણી…”

“ પણ કાલે તો મને સપ્તપદીની શરતો તારે માટે છે મારે માટે નહીં તેમ કહેતો હતોને આ ધણી”

“ હા પણ પાછો મને રાતે રીઝવ્યોને?”

“ જો શશી હું ખરાબ નથી. હું માનું છું કે આપણે બે અજાણ્યા મલકનાં બે રાહી લગ્ન ગાંઠે બંધાયા પછી એક મેક્ને કાબુ માં કરવાનાં પ્રયત્નો કરવાને બદલે એક મેકને અનુકૂળ થવા મથીયે તો કેવું સારું?”

“ જો મારે માટે એ શક્ય નથી.. હું તો મારી રીતે રહેવા જ ટેવાયેલો છું  વળી સાસરે તું આવી છે હું નહીં તેથી અનુકૂલ તારે મને થવાનું છે મારે નહીં સમજી? અને કોઇ મને ટકોર કર્યા કરે તે મારે માટે અસહ્ય વાત છે.”

“ પણ તમે પુરુષ એટલે સ્ત્રીની તકલીફ તમે કેવી રીતે સમજો? અને જેટલી સ્ત્રીઓ સાથે રહ્યા તેમાંની કોઇ પૈસા વિના તમારી સાથે રહી છે? કોઇએ ઘરર્ની જેમ ખાવાનું કરીને ખવડાવ્યું છે? જ્યારે હું એ બજારુ સ્ત્રી નથી હું તેનાથી ઘણે જ ઉંચે છું.. તમારી પત્ની છું તેથી તમારે પણ તમારું વર્તન બદલવું રહ્યું.”

નિસાન અલ્ટીમા એજ જગ્યા એ ઉભી હતી જ્યાં તેને ગઈ કાલે ધોલ પડી હતી.

શશી કહે “ હા. તું ઘરવાળી છે અને તે બધી બહાર વાળી હતી તે તો સમજાય છે પણ આ સપ્તપદીની ભાષા મને સમજાતી નથી. મને સમજાય તેવી વાત કર…”

“ જો તારી તન અને મનની ભુખ ભાંગવાનું કામ મારું છે. હું તારી રંભા અને અન્નપૂર્ણા બંને છું. પણ તેની સામે તારે આ ગાળો બોલવાનું અને ગુસ્સો કરવાનું છોડવું પડશે… અત્યારે તો ઠીક છે આપણે એકલા છીયે પણ કાલે ઉઠી ને બાળ બચ્ચા સામે ગાળ બોલ્યા છે ને તો હું તો…..”

“ તો શું કરી લઈશ?” સોલ્જર શશી ફરીથી ભડક્યો હતો.. પણ હાથ નહોંતો ઉઠાવ્યો.ગાડી ખોલીને સ્ટોર તરફ ચાલવા માંડ્યો હતો.. કૉફીની ઘરાકી ચાલુ થઈ જાય તે પહેલા તેણે શૉપ ખોલી નાખી.

તેની પાછળ જ માર્થા આવી.

ચા અને નાસ્તો લઈને બીજે દરવાજે થી સુશીલા પણ ઉતરી.

માર્થા એ કહ્યું “ ગૂડ મોર્નીંગ સુશી એન્ડ શશી…”

ગુડ મોર્નીંગ કહી શશી આગળ વધ્યો અને સુશીલા એ પાસે આવીને બહુ મોટા સ્મિત સાથે કહયું હાઇ માર્થા.. વેરી ગુડ મોર્નીંગ…”

સુશીલા ખુબ જ ખુશ હતી તે પારખતા માર્થાને વાર ન લાગી…

માર્થા કહે “ બહુ રાજી રાજી દેખાય છે ને કંઇ!”

સુશીલા કહે “ હા આજે હું બહું ખુશ છું”.

માર્થા સહેજ હસી અને જાણે તેની ખુશી સમજતી હોય તેમ મલકીને બોલી “ગોડ બ્લેસ યુ બોથ”…

પછી વરઘોડીયાં રાજી હોય તે તન અને મનનાં મિલનની વાત કંઇ કોઇ જાહેર કરતું હશે? અને કોઇ પુછે પણ ખરુ? તે કૉફીનાં પૉટ ભરવા એક પછી એક મશીનો ભરવા માંડી.. છ પૉટ અને દરેક પૉટ કૉફી, ડીકેફ કોફી અને ગરમ પાણી નાં હતા…સુશીલા પેપર કપ લાવી ત્યારે કેશ કાઉંટરનું મશીન  ટીંગ ટીંગ અવાજો કરતું ચાલુ થઈ ગયું હતું.

તે મનમાં ને મનમાં ગણ ગણતી હતી

મોરા ગોરા રંગ લઈ લે મોહે સાંવલા રંગ દઈ દે

છુપ જાઉંગી રાતભર મેં મોહે પી કા સંગ દઈ દે

શરીરથી તે થાકી હતી અને સંવનન ધાર્યા કરતા ઘણું ઘણું લાંબુ ચાલ્યું હતું. પણ તે રાજી હતી અને તે મુશ્કાન તેના ચહેરા ઉપર વારં વાર ડોકાતી હતી. શશી પણ સ્વર્ગમાં વિહરતો હતો..અને ઘરવાળી અને બહારવાળીનો અનુભવ ભેદ તેને સમજાતો હતો.

સાડા આઠ ની આસપાસ ટ્રાફીક ઓછો થયો ઍટલે ઉપમા અને ચા ગરમ કરીને શશી અને માર્થાને આપ્યા. તે પણ તેની પ્લેટ લઈને બેઠી ત્યારે શશી તેને જોયા કરતો હતો…તેની નજર સંતૃપ્ત હતી.

બે આંખ મળી ત્યારે શશીએ આંખ મારી..માર્થાની હાજરીમાં થોડુંક સંકોચાતા તે હસી.


સુરજ દાદા આકાશ મધ્યે થતા હતા ત્યારે શશી ટ્રાવેલ એજંટ સાથે ૩ મહીનામાટે ૩ ટીકીટ કઢાવતો હતો. તેનો અણગમો ચોખ્ખો વાતોમાં દેખાતો હતો પણ ડીલ સારી મળી હતી તેથી થોડુંક હસતા બોલ્યો..” હવે મારું ટેલીફોન બીલ નહીં વધે..”પછી જરા ખમચાઈને બોલ્યો “એટલું બીલ તો આ ટીકીટો લીધી તેમાં થઈ જવાનું જ છે.”

પાછા ઘરે જતી વખતે ટ્રાવેલ એજન્સીમાં થી ૩ ટીકીટો લઇને મેલ કરાવી દીધી..બસ ૪ અઠવાડીયામાં સાસુ અને પપ્પા મમ્મી આવવાનાં હોય ત્યારે આનંદથી તે ઝુમતી રહી. શશી બપોરે સુશીલાને લઈ ઘરે આવ્યો ત્યારે માર્થા એ સાંકેતિક ભાષામાં લવ બર્ડ ને હેવ ફન કહ્યું હતું…

અમદાવાદ જીવરાજ પાર્કમાં આનંદની લહેરખી વહી ગઈ જ્યારે જીવકોર બાએ ફોન કરીને કહ્યું આપણે ત્રણે જણા ૩ મહીના માટે અમેરિકા જઇએ છે પાસ પોર્ટ અને વીઝા નાં કાગળો તૈયાર કરવા આચાર્ય ટ્રાવેલ્સ માં ફોટા આપવા જવાનું છે. પરભુ કાકા કહે ભલે. ફોન મુક્યા પછી ધીરીબા ફરી બોલ્યા “ આ છોડી નો ફોન આવી જાય તો સારુ… એક તો પરદેશ છે અને ભંરોંસાની ભેંસે પાડો જણ્યો છે…”

ત્યાં જ ફોન ની ઘંટડી વાગી.

સુશીલા ફોન ઉપર હતી અને ખુબ જ રાજી હતી.

ધીરીબા.. “તમારા વર્તન દ્વારા તમે શીખવ્યુ હતુ બસ તેમ જ કર્યુ અને ગઇ કાલ જાણે સાવ જુદોજ શશી હતો.તેણે ગુસ્સો કર્યો પણ તેનો જીવ અંદરથી બળતો હતો..ઘરે જઈને કોઇ પણ જાતનાં અવાજ કર્યા વીના તેને પેટ ભરીને જમાડ્યો.. એણે બીયર પીધો તેને ઉંઘ આવતી હતી..તે સુઇ ગયો પણ મને કોણ જાણે કેમ એના ઉપર બગડેલા છોકરા ઉપર મા ને વહાલ આવે તેમ વહાલ આવતું હતું તે કર્યુ.. જ્યારે બીયરનું કેન પીધુ હોય ત્યારે તેની કડવાશ બધી બીયર ઓગાળી નાખે છે અને તેના તે ગુલાબી નશામાં અમે મળ્યા… બા આજે તમને નવાઇ લાગશે પણ મને આજ નો શશી ખુબ જ ગમ્યો છે.પતિનાં હ્રદયમાં જવાનો રસ્તો આજે મને મળી ગયો..પત્ની નું કામ પતિની ભુખ ભાંગવાનું પહેલા છે.

ધીરી બા “ ચાલ મને આજે શાંતિ થઈ.. હવે ત્યાં આવવાની જરૂર છે?”

સામા છેડે થોડીક શાંતિ હતી..એટલે ધીરી બા ફરી બોલ્યા.. “સુશીલા… મને તેં જવાબ ના આપ્યો.”

“ બા હમણા તમે અને જીવકોર બા ભલે આવો પણ જો કંઇ નવાજુની થઇ હશે તો લાંબુ રોકાવાની તૈયારી સાથે આવશો.”

“તો પછી અમે નથી આવતા. જીવકોર બા એકલા ભલે આવતા.”

“ટીકીટો કઢાવી છે એટલે આવો “શશી બીજા ફોન ઉપરથી બોલ્યો. સોલ્જર નાં આ શબ્દો નહોંતા ભાવ અને આદર સન્માન હતા.

પ્રકરણ ૫

“ ભલે કહીને ફોન મુકાયો.”

શશી એ સુશીલાની સામે જોયુ અને બોલ્યો “ શું કહે છે કઈ નવા જુની ની વાત કરે છે?”

“કાલની રાતના તમારા નશામાં જે પરાક્રમ કર્યુ છે તેની અસર મહીના પછી ખબર પડશે તે નવા જુની ની વાત કરુ છુ.”

શશી આ સમાચાર સાંભળી ઉછળી પડ્યો…ત્યારે સુશીલા ફરી થી બોલી “આ તો ધારણા છે..કાલનો યોગ સંપૂર્ણ હતો તેથી તે શક્ય છે.”

ઑહ માય ગોડ.!..શશી સુશીલાને ઉપાડીને બે ત્રણ ચક્કર ફેરવી રહ્યો…ખુશીનાં પુષ્પો ખીલી ગયા અને નાના બાળકની કીલકીલિયારી તે સાંભળી રહ્યો.

ગાડી માં બેસતા તે બોલ્યો “ હવે તને સુશીલા નહીં કહું  “ મૉમ “ કહીશ..

“હવે લાજે જરા.. હું કંઇ જીવકોર બા નથી તે તમે મૉમ કહો અને તેટલી ઘરડી પણ હું નથી.”

“બાબલાની મોમ કહું તના કરતા એકલી મોંમ કહું તો ચાલે ને?”

સુશીલાને કાલા કાઢતા શશીની વાતોમાં મઝા પડી. તે કહે “ અરે હજી તો બીજ વવાયુ છે અને નક્કી પણ કરી લીધું કે બાબલો છે.. ? બાબલી પણ હોય..”

“ગમે તે હોય પણ હું પોપ અને તું મોમ તો થવાની ને?’

“ હા ભાઇ હા તે વાત તો સાચી પણ આ એક લાંબી સફર છે અને હું બીન અનુભવી મા છું. કોણ જાણે ક્યારે શું થાય?”

“કશું જ નહીં થાય..” તે ગાડી ચલાવતો રહ્યો…

સ્ટોર આવી ગયો હતો. હલકે થી સુશીલાને તેની પાસે ખેંચી ચુમી લેતા બોલ્યો “ વેલ્કમ મૉમ!”

સુશીલા જોઇ શકતી હતી શશી_ સુશીલાને પત્ની તરીકે સ્વિકારતા કદાચ પુરુષ અહમ આડે આવતુ હતુ પણ સંતાનની માતા તરીકે બહું જ આદર અને માન થી તે તેને જોતો હતો..”

માર્થા તેની કારમાંથી આ દ્રશ્ય જોતી હતી.. તે મનોમન બબડી આ જોડૂ સુખી થઇને રહે પ્રભુ તેવી મારી પ્રાર્થના.

માર્થા સ્પેનીશ હતી. આખાબોલી હતી અને સાચાને સાચુ કહેવાની ટેવને કારણે તેના પતિ આર્થર સાથે લાંબુ લગ્ન જીવન ના ચાલ્યુ,સુશીલામાં તે તેનો ભૂતકાળ જોતી હતી..સુશીલાને તેણે તેજ કહ્યુ હતું જે તે માનતી હતી. પણ સુશીલાએ કોઇ એક્ષન ના લીધું અને તેણે તે એક્ષન લીધું હતું.

આર્થરનો દ્રોહ તે જીરવી ન શકી અને પોલિસ એક્ષન લેવાઇ ગયુ જે અંતે છુટા છેડામાં પરિણમ્યું

શશી તેને ગમતો હતો પણ તે એક નાના ભાઇની જેમ તેને જોતી હતૉ. તેણે સ્ટોર ચાલુ કર્યો ત્યારથી માર્થા તેની સાથે હતી. તેની કામથી કામ રાખવાની નીતિ શશીને ગમતી હતી.તેનાથી સાત વર્ષે મોટી હતી તેથી ક્યારેક સલાહ આપી બેસતી જે સવિનય તે નકારતો અને તેણે ધાર્યુ હોય તેમ જ વર્તતો. હાથની ચોખ્ખી તેથી શશી તેને મોટી બેન કહી ને સાચવતો.

માર્થા જ્યારે સ્ટોરમાં કામ કરતી હતી ત્યારે જ આર્થર સાથે ડાઇવોર્સનો કેસ ચાલતો હતો.શશીએ એક વખત સ્ટોર ઉપર આર્થરને ધમકાવી નાખ્યો હતો અને આવેગમાં બોલી ગયો હતો.સ્ટોર ઉપર આવી ને ગરબડ કરીને તો મારા જેવો કોઈ.ભૂંડો નથી.

આર્થર કહે “પણ માર્થા મારી પત્ની છે. અને કયા પતિ પત્ની વચ્ચે ઝઘડા નથી થતા?”

શશી કહે “ મારી તે મોટી બહેન પહેલા છે.. એમ્પ્લોયી પછી છે તેથી તને હાલ તો સમજાવું છું પણ બીજી વખત તેની કોઇ ફરિયાદ આવી તો હું તને પહેલા ઝુડીશ અને પછી ચોરીનાં આળ સાથે જેલ કરાવીશ.. એમ ના સમજતો કે માર્થાનું કોઇ નથી. તે દિવસ અને આજદિન સુધી આર્થર માર્થાને મળવા આવ્યો નહોંતો.

આમ તો વાત નાની હતી પણ માર્થા તેનો ઉપકાર માનતી હતી.

દિવસો જતા હતા..જીવરાજ પાર્કમાંથી ધીરી બા જીવકોર બા અને પર્ભુ બાપા આવવાનાં દિવસો ગણાતા થયા હતા..શશી સાત પ્રતિજ્ઞાઓ સમજી ગયો હતો અને તેની ડાફોળીયા મારતી નજર હવે ડાફોળીયા તો મારતી જ હતી પણ તે સુશીલાને શોધવા જ વ્યાકુળ રહેતી. અને આખરે તે દિવસ પણ આવી ગયો જ્યાર બે મા અને પરભુબાપા છોકરીને ત્યાં આવી પહોંચ્યા.

સુશીલા અને શશી બંને તેમની અલ્ટીમા લઈને એરર્પોર્ટ ઉપર રાહ જોતા હતા પ્લેન તો બે વાગે આવી ગયુ હતુ પણ બહાર નીકળતા તેમને ચાર વાગી ગયા હતા.૬ બેગો અને મુવીંગ ચેરમાં જીવકોર બા સાથે પરભુબાપા અને ધીરી બા સાથે જ્યારે બહાર નીકળ્યા ત્યારે હ્યુસ્ટનનું વિશાળ પ્લેટ્ફોર્મ જોઇને આશ્ચર્ય ચકીત હતા.

છ વર્ષથી કાળી મજુરી કરતા શશીને ખાસ એરર્પોર્ટ પર જવાનું થતું નહીં..તેથી માર્થા પણ સાથે હતી બે ગાડી હોય તો સામાન લાવવાની તકલીફ ના પડે. પાસપોર્ટ ઉપર પ્રવેશનાં સિક્કા મારી સામાન લઈને બહાર આવ્યા અને સુશીલાને જોઇ ત્યારે ધીરી બાને હાશ થઈ.દોડીને આવતી    સુશીલા ધીરી બાને ભેટી પડી..  બંને ની આંખમાં હરખનાં આંસુ હતા. પાછળ ચેરમાં આવતા જીવકોરબાને સુશીલા અને શશી બંને પગે લાગ્યા. પરભુ બાપા છેલ્લા હતા. માર્થા આગળ આવીને પરભુ બાપા પાસેથી સામાનની ટ્રોલી લીધી અને “હાઇ ઓલ્ડ મેન!” કહી હાથ મીલાવ્યા. શશી સાથે હતો તેથી તેણે પરભુ બાપાની ઓળખાણ કરાવી.. “આ મારી અહીં ની મોટી બેન માર્થા” શશીનો વિનય યુક્ત વર્તાવ જોઇને સૌ રાજી હતા.

સુશીલાનોં ચહેરો આનંદથી પૂર્ણ ચંદ્રમા સમ ખીલેલો હતો..કારમાં બેસતા જીવકોરર્બા બોલ્યા “ સુશી વહું સાસરે ફાવે છેને?”

“ બા અહીંતો સાસરા જેવું કંઇ હતું જ નહીં તમે આવ્યા એટલે હવે સાસરા જેવું લાગશે”

“તારી બા અને બાપાને સાથે એટલા માટે લીધા કે  મારો પણ દિ’ જાય”

“બા! એ તો બહુ સારુ કર્યુ. ઘરમાં હવે વસ્તી લાગશે બાકી તો અમે બે જ હોઇએ. ઘરે આવે એટલે એ તો ખાઇને સુઈ જવાની જ વાત!” આ મહીનો તો કાઢ્યો પણ નવું ભણવામાં થી ઉંચા જ ના અવાય.”

“ અલી છોડી તારે વળી શાંનું ભણવાનું?”

શશી કહે “ સ્ટોર ઉપર કેશીયરનું કામ કરવાનું એટલે કેશ બોક્ષ ચલાવતા અને ઘરાકો સાથે વાતો કરતા શીખવાનું ને?”

“ તે તો ભણેલી છે તેને શું શીખવાનું? પરભુ બાપા બોલ્યા

શશી સહેજ મુંછોમાં હસ્યો એટલે સુશીલા એ વાત નો દોર પકડ્યો. “ બાપા ભારતનું અગ્રેજી અને અહીં નું અગ્રેજી કેવી રીતે જુદુ પડે તે સમજાવ્યુ..આપણા ભારતનાં ઉચ્ચારો બ્રીટીશ અંગ્રેજી જ્યારે અમેરિકન અંગ્રેજી તેનાથી દરેક રીતે જુદા..તેથી શરુઆતમાં સમજતા અને બોલતા તકલીફ પડે..

માર્થા ની ગાડીમાં બધો સામાન મુકાયો અને શશી સાથે ભારતનાં મહેમાનો અને સુશી બેઠા. એર પોર્ટ થી બહાર નીકળતા શશી માર્થા ને ફોલો કરતો હતો ૬૧૦ ના લૂપથીતે છુટો પડી ગયો તેને ૪૫ પકડીને એરપોર્ટ બુલેવર્ડ જવાનો રસ્તો ખબર હતો અને માર્થા સીધી સ્ટોર ઉપર જવાની હતી તેને જોહનને છોડાવવાનો હતો…

અમેરિકન જિંદગીમાં શશી અને સુશીલા ત્રણે વડીલોને ધીમે ધીમે લાવી રહયા હતા

ઘરમાં દાખલ થતાની સાથે શશીએ કહ્યું “તમે લોકો ચા નાસ્તો કરો ત્યાં સુધીમાં હું સ્ટોર ઉપરથી માર્થાની ગાડીમાં થી બેગો લઈ આવુ છુ”

સુશીલા એ બાથરુમ માં નહાવાનું પાણી મુકી દીધું અને ગરમ ગરમ દાળવડા તળવા માંડી

ઘરમાં વડીલ હોય તો યુવા પેઢી એક અજબ શાંતિ અનુભવવા માંડે છે. ધીરી બા અને જીવકોર બાની હાજરીથી એવી ઠંડક તે અનુભવવા માંડી.

શશી બેગો લઈને આવ્યો ત્યારે તેને ઘરમાં દાખલ થતા ખાડાનાં દાળવડા જેવી સુગંધ આવવા માંડી ત્યારે તે પ્રસન્ન થઈ ગયો..સાંજનાં ૫ વાગ્યા હતા અને સરસ આદુ અને એલચી વાળી ચા. તળેલા અને કાપેલા મીઠાવાળા મરચા સાથે દાળવડાની પ્લેટ સાથે સૌ નાસ્તો કરવા બેઠા ત્યારે સાસુમા નું પહેલું સર્ટી ફીકેટ મળ્યુ..અલી છોડી ગરમા ગરમ તારા આ નાસ્તાએ મન અને પેટને તરબતર કરી નાખ્યુ. ચાલ! મને શાંતિ થઇ મારો શશી ખાવાનું તો સારુ પામે છે. ધીરીબેન તમે છોડીને સારી કેળવી છે.

મા અને દીકરી પ્રસન્નતથી જીવકોરબાને જોઇ રહ્યાં ત્યાં શશી બોલ્યો..”બા આતો હજી શરુઆત છે પણ સવારનો દરેક નાસ્તો અમદાવાદનો નાસ્તો હોય છે.ક્યારેક ચંદ્રવિલાસ્ના ફાફડા તો અગ્રવાલની  જલેબી ને રાયપુરનાં ભજીયા ખાવા મળશે.

પરભુબાપા અને ધીરીબા પ્રસન્ન હતા. -સુશીલા નામ ઉજાળી રહી હતી.

પરભુબાપ બોલ્યા “સુશીલા થોડીક ભરાઈ છે નહીં?”

“સાસરવાસી છોકરી પતિનાં પ્રેમને પામે એટલે શરીરે  ભરાય જ.” જીવકોર બા પ્રસન્નતાથી પરભુબાપાની વાતને સંમતિ આપી ત્રણે માબાપે ઠરેલા દિલે આશિષો આપી.

બીજે દિવસે સવારે મોર્નીંગ સીકનેસ વધારે હતી..ધીરીબા એ સુંઠ અને ગંઠોડાની રાબ બનાવી આપી હતી અને ડોક્ટરની ઉબકા બેસાડવાની દવા પણ ચાલુ હતી

જરા સારુ લાગ્યું ત્યારે જીવકોર બા બોલ્યા “તારે આજે સ્ટોર ઉપર જવાનું નથી.”

“ બા જવું તો પડશે આજે માલ ભરવાનો દિવસ છે એમને હું જઈશ તો માલ ભરવામાં રાહત થશે.”

“તને ઉલટીઓ થતી હતી તેથી શશી જ ના પાડીને ગયો છે સમજી!”

ત્યાં ફોનની ઘંટડી વાગી અને જીવકોર બા બોલ્યા “ હું ફોન લઉં છું તારે પથારીમાંથી ઉઠવાનું નથી.”

ફોન લેતા એ બોલ્યા “ હલો!”

ફોન ઉપર શશી હતો “ કેવી છે સુશીલાની તબિયત?”

જીવકોર બાને તેમના દિવસો યાદ આવતા હતા.. શશીનાં બાપુજી પણ આવી જ રીતે ચિંતીત રહેતા હતા.

કહે છે માબાપની ઠરેલી આંતરડીએ આપેલા આશિર્વચનો સંતાનોની મોટી મૂડી થતી હોય છે. જો કે માબાપની તો ગાળો પણ ઘીની નાળો હોય છે.તો પછી આ આશિષો ખાલી થોડા જાય?

પંદરેક દિવસમાં એ સમાચાર આવી ગયા જેની સૌને ઇંતજારી હતી.. મૉર્નીંગ સીકનેસ ની નિશાની ઓ ઉલટી અને શરીરમાં અસુખ દેખાવા માંડ્યુ.. ડોક્ટરે સુશીલા સગર્ભા હોવાની અને દવાઓ આપી અને અંદાજીત ડીલીવરી ડેટ પણ આપી દીધી.

ઘરમાં નાનો મહેમાન વાજતે ને ગાજતે આવી રહેવાનાં સમાચારે જીવકોર બાને ઘેલા કર્યા અને ધીરી બાને ચિંતાતુર..શશી પણ હજી તૈયાર નહોંતો પણ ૨૮ તો થયા વાળા જીવકોરબાની દલીલ સામે ઝુકી પડ્યો.. પરભુબાપા  માનતા હતા કે સુશીલા હજી કાચી છે તેને ભોળવવી એ સહજ  વાત છે. અને વળી બહાર ફરતા માણસ.પર .ભરોંસો કેવી રીતે મુકાય? અને બે મહીનામાં તો ભારે પગી થઈ એટલે હવે તો પગ બંધાઈ જ ગયા.

ધીરીબા પરભુબાપાનાં સ્વભાવથી વાકેફ હતા તેથી કહેતા “ એકલો શક ન કર્યા કરતા છોકરી કેટલી ખુશ છે તે ઘટના પણ જોતા રહેજો..અઠવાડીયુ પણ થયું નહોંતુ અને પરભુબાપા એ સ્ટોર ઉપર જઈને બેસવાની વાત કરી ત્યારે જીવકોરબા અને શશી બંને ચમક્યા.

જીવકોર બા કહે “વેવાઈ હજી હમણાં તો આવ્યા છો જરા થાક ખાવ!”

પરભુબાપા કહે “ મને ઘરમાં બેસી રહેવું ના ફાવે..હું તો બજારનો માણસ.. ફરતો જ સારો.”

શશીએ સુશીલા સામે જોયું અને સુશીલા બોલી “બાપા કાલ સવારે આપણે સાથે જઇશું ગમે તો બેસજો નહીંતર આપણે પાછા આવી જઇશું.”

બીજે દિવસે સ્ટોર ઉપર જઇને પ્રભાવીત તો થયા પણ કેટલું કમાય છે અને કેવી રીતે કમાય છે તે જાણવા પ્રશ્નો પુછવાનું ચાલુ કર્યુ.

શશી એ ગુજરાતીમાં જ જવાબ આપ્યો વડીલ કેટલું કમાઉં છું તે જાણવા આવા પ્રશ્નો અહી લોકો પુછતા નથી પણ એક વાત કહી દઉં છ વરસમાં બે સ્ટોર કર્યા વર્ષે દહાડે બે લાખ તો કમાઉ છું

“પરભુબાપા ને છક્ક કરવાનો સરસ અને ફાંકડો પ્રયત્ન છે પણ મને તમે કહોછો એટલી ઘરાકી દેખાતી નથી”.

કેટલા પંપ છે તે જુઓ અને આખાદિવસનો ટ્રાફીક જુઓ એટલે લીટર નાં ૧૫ સેંટ પ્રમાણે ગણશો તો પંપનો મારો વકરો મહીને દહાડે ૪૦૦૦૦ છે વળી જુનો માલ ભરેલો હોય અને ભાવ વધારો આવે ત્યારે બૉનસ પણ મળી જાય.

“એમ?” જરા નવાઇ બતાવતા પરભુબાપા બોલ્યા “જેટલું કમાઓ છો તેટલુ ઘરમાં રાચ રચીલું તો દેખાતુ નથી”

આ કોફી પૉટ અને સેંડવીચમાં તો મજુરી એકલી જ છે એમાં શું મળે?

સવારનાં ૨૦ પૉટ્મા ખર્ચો ૫ ડૉલર અને કપ ભરાય ૨૦.  એટલે જરા હિસાબ કરો ૧૦૦ ડોલરનાં ખર્ચા સામે ૪૦૦ ડોલર આવે.. આમ રોકડી કમાણી ૨૫૦ની..૫૦ જેટલા કપો મફતમાં જાય.કૉફી પોટમાં ૫ કલાકનાં કામ સામે ૨૫૦ ડોલર મળે. વળી કૉફી સાથે ડોનટ, ક્રેસંટ અને બેગલ ખપે તે નેવું ટકાનો ધંધો એટલે મારો પોટ અને બ્રેકફાસ્ટ નો ધંધો ૮૦૦થી હજાર રોજનાં આપે.દસ વાગ્યા પછી સેંડવીચ વેફલ, ફ્રુટ્સ આઇસ્ક્રીમ અને પોટેટો ચીપ્સ ચાલે.

હવે શશીમાં તેમને હીર દેખાવા માંડ્યુ..૪૦૦૦૦નાં વકરામાંથી  પગાર, યુટીલીટી અને ભાડા ખર્ચો કાઢતા મહીને ૩૦૦૦૦ ડોલર કમાતા આ જમાઇની ૩૫ રૂપિયે ગુણતા લાખ રુપિયા ઉપરની આવક છે. સુશીલા આ તાલ જોતી હતી. “ બાપા ઘરે જવું છે કે હજી ઉલટ તપાસ ચાલુ છે?”

“ મને તો શશીકાંતની વાત ત્યારે સમજાતી નહોંતી હવે સમજાઇ ગયું કે મજુરીની વાત કામ કરનારા માણસો માટે છે માલીકો માટે તો જલસા જ છે…નૉટૉ છાપવાની ટંકશાળ ચાલતી હોય ત્યારે તેને છોડીને કોઇ શાને માટે જાય?

જેટલા ઘરાકો આવે તે હસતા હસતા આવે અને હાય શશી કહેતા જાય અને મશીન ટણીંગ ટણીંગ અવાજ કરતુ જાય અને રોકડ કે ક્રેડીટ કાર્ડ માંથી ડોલર ભેગા થતા જાય..

સાડા અગીયારે બ્રંચ ખાઇને કેશ લઈને બેંક માં તે જમા કરવા જાય પાછા આવીને સપ્લાય કરતી બધી એજન્સીનાં ચેક લખાઇ જાય.. અને બીજે દિવસે નવો માલ આવે.તેને ચેક અપાય અને સાંજ સુધીમાં બધો માલ સ્ટિકર લગાડીને ગોઠવાઇ જાય

વચ્ચેના સમયે ચોપડા લખાઇ જાય અને સિલક મેળવાઇ જાય અને નફાની ખતવણી થઈ જાય આમ સવારનાં પાંચથી રાતનાં૧૦ વાગ્યા સુધીનો સમયસર કામ થઈ જાય.

પરભુબાપા પોતાના માટે જાણે કામ ના શોધતા હોય એમ આખા દિવસનાં વિગતે વિગત ૫ દિવસ સુધી નિરિક્ષણ કરી પોતાની વાત રજુ કરી.જુઓ શશીકાંત મને દીકરીને ત્યાં મફતનું ખાવાનું ના પરવડે.. તમારી દુકાન માં હું બપોરનાં સમયે તમે આરામ કરો તેવું ઇચ્છું છું અને તે સમ્ય દરમ્યાન તમારી આવક અને જાવક્નો હિસાબ હું કરી આપીશ.

શશીકાંત જાણતો હતો કે આવું કંઇક વાગતુ વાગતુ આવશેજ તેથી તેમની પાસે જવાબ પણ તૈયાર હતો.

મુરબ્બી! તમારે મારે ત્યાં કામ કરવાની જરુર નથી. મેં તમારા ચારે ચારની ટીકિટ બુક કરાવી છે તમે હ્યુસ્ટન થી જતી ક્રુઝમાં મેક્સીકો ફરવા જાવ છો.

ત્યારે માર્થા કહે શશી એ એક અઠવાડિયુ હું અને જહોન સ્ટોર સંભાળી લઈશું પણ તમે પણ મહેમાનો સાથે જાવ..જેથી તમારો સ્ટોર ટાઇમ સુશી અને તમારા ફેમીલી સાથે કાઢો અને હા એક બીજુ પણ સુચન છે ભલે તમે જુગાર ના રમતા હો પણ ક્રુઝ્નાં કેસીનોમાં ફરી આવો.

“ કેમ તેમાં એવું તો શું છે કે તેને જોયા વીના ના ચાલે?”

“તક્દીરમાં માનતા નહીં હોય તો માનતા થઈ જશો.. અને માનતા હશો તો નહીં માનતા થઇ જશો.”

“ માર્થા તકદીર જેવું કંઇ છે તે તો હું આ સુશીલા મળી પછી માનતો થયો.. બાકી તો અપના હાથ જગન્નાથ જેવી એકલવાયી ફક્કડ જિંદગી હતી.”

પરભુ બાપા અને સુશીલા બંન્ને સાથે મલક્યા.”.જબાને તો મધ ભર્યુ છેન્ર જમાઇ રાજ!”

“વેપારી ની સફળતા એમાં જ છે ને?.” સુશીલાએ માખણ નો જવાબ માખણ થી પાછો આપ્યો.. અને બધા પ્રસન્ન હતા.

સાંજે પાંચેક વાગ્યાની આસપાસ માં પરભુકાકા સાથે સુશીલા પાછી આવી ત્યારે શશી એ બી સી ટ્રાવેલ્સ વાળા વિનોદભાઇને મેક્ષીકોની ક્રુઝ વિશે વિગતો સમજતો હતો.

વિનોદભાઇએ ચારે એક ટીકીટ ફ્રી આપવાનું કહ્યું ત્યારે ટીકીટનાં પૈસા આપીને ૫ ટીકીટ લઈને શશી ઘરે આવ્યો. ત્યારે જાણે એટમ બોંબ પડ્યો હોય તેવો સન્નાટો છવાઇ ગયો.

પહેલો જ પ્રશ્ન આટલો બધો ખર્ચો?

સ્ટોર કોણ સંભળશે?

પાણીમાં ના ફાવ્યુ તો?

સાજા માંદા પડ્યા તો?

ખર્ચો? શશીએ શાંતિ થી પ્રશ્નો ના જવાબ આપવા માંડ્યો

“એક અઠવાડીયાની આખી ટ્રીપનાં આઠ હજાર ડોલર …એટલે વ્યક્તિ દીઠ ૨૦૦ ડોલર પર ડે.. તેમાં સરસ ફાઇવ સ્ટાર હોટેલમાં રહેવાનું અને ઇચ્છા થાય તેવું અને તેટ્લું ખાવાનું અને પીવાનું…”

પરભુ કાકા તરત જ ૩૨ વડે ગુણી ને બોલ્યા આટલા બધા રુપિયા મારાથી તો ના અપાય…શશી કહે “તમારે તો કશું આપવાનું જ નથી તમારી ટીકીટ તો ફ્રી છે.”

“ હેં” પરભુ બાપા અને સુશીલા બંને સાથે બોલ્યા.

“ હા.” ચાર ટીકીટે એક ટીકીટ ફ્રી છે.”

“પણ સ્ટોરનું શું થશે?” પરભુ બાપા બોલ્યા

“ માર્થા સંભાળશે ને?”

“એ તો પગારદાર માણસ  તેને ગલ્લો કેવી રીતે સોંપાય?” પરભુ બાપા બોલ્યા

“ છ વર્ષથી તે સ્ટોર ઉપર છે ભરોંસા પાત્ર છે. હાથની ચોખ્ખી છે અને મારી મોટી બેન જેવી છે..”

“પણ મને તો પાણી ની ઘાત છે” ધીરી બા એ ગુગલી બૉલ નાખ્યો કે જેથી દીકરી જમાઇ આટલા મોટા ખર્ચામાંથી બચી જાય. વળી દીકરી જમાઇનાં પૈસે તો કંઇ ફરાતું હશે?

“ હવે તો ટીકીટ ખરીદાઇ ગઈ છે નહીં આવો તો મારા પૈસા જશે…વળી આ બત્રીસે ગુણવાનું તો તમે ભુલી જ જાવ…”

“ પણ વહેવારે તો જે થતુ હોય તે કરવું પડેને?” પરભુબાપા જાણતા હતા તેમની દલીલ પાંગળી હતી.

જીવકોર બા હજી સુધી શાંત હતા તેમણે ચર્ચાનું સુકાન હાથમાં લીધુ.“ જુઓ વેવાઇ અમેરિકામાં તો બધાજ સરખા..છોકરીનો બાપ એટલે નીચો અને છોકરીનાં ઘરે રહીયે તે બધુ વાળવુ પડે તે બધા રીવાજો અમદાવાદનાં એરપોર્ટ પર મુકીને જ આપણે આવ્યા છીએ તે તો ખરુંને?”

“ હા. પણ..”

“ હવે પણ અને બણ મુકો..છોકરો તમને અમેરિકા બતાવે છે તો શાંતિ થી જુઓને!.”

“પણ પેલું સી સીકનેસ જેવું કંઇ થાય છે ને તે થયું તો?”ધીરીબા એ ગતકડું કર્યુ..

“ જુઓ તમે ભારતથી આવ્યા છો અને પ્રવાસી વીમો સાથે છે એટલે એવું કંઇ થશે તો સારવાર તો મળી જ જશે.”

શશીનાં અવાજમાં થોડી નારાજગી દેખાતા સુશીલા એ ઇશારો કરીને ધીરીબાને ચુપ રહેવા જણાવ્યું..

“ટ્રાવેલ એજંટે આપેલી સુચનાઓ હવે હું આપું? કે હજી કોઇ પ્રશ્ન બાકી છે?”

જીવકોર બા બોલ્યા “ શશી અમે બધા તારા કરતા ઉમરમાં મોટા છીએ એટલે તારો આ અમેરિકન તોછડો વાત કરવાનો પ્રકાર બદલ. અમે આખી જિંદગી ભારતમાં કાઢી એટલે આવા પ્રશ્નો થાય.”

“ બા. તમારી વાત સાચી પણ આટલા બધા પ્રશ્નો કરીને મારો મૂડ બગાડી નાખ્યો. હવે તમે કહો છો તે વાતનું ધ્યાન રાખીશ. પણ મારા વિશે શંકા કરવાને બદલે હું પણ તેમના છોકરા જેવો છું એટલી નાની વાત સ્વિકારાય તો સમય ના બગડેને?’

સુશીલાએ વિનમ્રતાથી કહ્યું “ ચાલો હવે એમના વતીની હું માફી માંગી લઉ અને ટ્રાવેલ એજંટની સુચનાઓ તમે આપો.

“જુઓ સાત દિવસમાં થી ત્રણ દિવસ આપણે જહાજ છોડીને જે તે દેશમાં જવાના છીએ બાકીનાં ચર દિવસ આપણે જહાજ ઉપર છીએ, તેમાંનાં ત્રણ દિવસ સાંજનું ખાવાનું ફોર્મલ ડ્રેસ કોડ છે અને એક દિવસ આપણે કેપ્ટન સાથે કાઢીશું” અને તે વખતે શુટ ટાઇ પહેરવાના છે.”.

પરભુ બાપા સામે જોતા તે બોલ્યો.

“આ જહાજ માં ૩ થીયેટર છે જેમાં સતત ફીલ્મો અને વિવિધ શો જોવા મળે છે અને જુદ જુદા એશો આરામનાં સાધનો રમતો જેવું ઘણું બધું મળે છે. જ્યાં ખુબ ભીડ જોવા મળશે તેવો કેસીનો પાંચમા માળે છે અને ગરમ પાણીનાં નહાવાનાં હોજ તથા ૨૪ કલાક ખાવાનું નવમાં માળે છે.

હવે અઘરું કામ… સાડી પહેરવાની ત્યાં સલાહ નથી. તેનો અર્થ એવો નથી કે ન પહેરાય.. પણ બીચ ડ્રેસ પહેરાય તે આવકારનીય છે.

“હેં!” બધાનાં મોંમાથી એક વધુ હાયકારો નીકળ્યો

“ વધુમાં ભારતિય ચંપલોને બદલે જોગીંગ શુ પણ લેવાના થશે કે જેથી બીચ ઉપર સરળતા થી ચલાય.”

સુશીલા શશીની સામે જોતા બોલી “ આ તો કે-માર્ટ ખાતે કે સીયર્સ ખાતે કલાકોની સજા ફરમાવી હોય તેમ લાગે છે.”

“ના. સૌને અમેરિકન બનાવવાનો અભિયાન લેવાઇ રહ્યો છે. જરા અમેરિકામાં છો તો અમેરિકન બનીને તો જુઓ.. ફક્ત સાતેક દિવસ…’ શશી મુસ્કાઇ રહ્યો હતો..અને ધીરીમા તેની મુશ્કાન જોઇને બોલ્યા…” જીઓ મેરે જમાઇ રાજા!..” પરભુકાકા તેના ઉપર લદાતા નવાપણા થી મુંઝાતા હતા.

સુશીલા બાપાની મુંઝવણ સમજતી હતી..પણ ઘણી વાતો તો તેના માટે પણ નવી હતી અને તેનો ભરોંસો હવે ધીમે ધીમે વધતો હતો.. આખરે તેને લીધે જ મા અને બાપા અમેરિકામાં હતાને?

તેનું ક્રેડીટ કાર્ડ સુશીલાને આપી તેણે બીજા દિવસે સીયર્સ અને વેંચરસ જેવા સ્ટોરમાં જઇને ખરીદી કરવા શરુ કરવાનું નક્કી કર્યુ અને તેમાં માર્થા સાથે રહેશે તેમ જણાવ્યું

જીવકોર બા કહે માર્થા નહીં તારે સાથે આવવાનું વેવાઇને સારુ લાગે.

સહેજ ખમચાઇને તે બોલ્યો લૅડીઝ ને કપડા અપાવવામાં માર્થા બરોબર રહેશો..પરભુબાપાને હું કપડા અપાવીશ.

બીજા દિવસની સવારે આખુ ઘર વહેલી સવારથી તૈયાર થઇ ગયું ત્યારે શશી ખુબ જ હસ્યો.. હસતા હસતા જરા કળ વળી ત્યારે કહે સવારનાં સાત વાગ્યે કોણે કહ્યું કે આપને સ્ટોર ઉપર જઇશું? સ્ટોર તો દસ વાગે ખુલે..એટલે બાર વાગે હું અને સુશી આવીશું અને તમને બધાને લઈ જઇશું.”

જીવકોરબા ફરી શશી ઉપર બગડ્યા..” શશી! કાલે તેં સમય નહોંતો આપ્યો તેથી વેવાણ ને મેં જ કહ્યું હતું કે ઠંડકમાં જઇશું”

“ બા..હા તે તો મારી જ ભુલ થઈ.સોરી.. બધાને.”.કહી કાન પકડ્યા ત્યારે વડીલ વૃંદ થોડુંક હળવું થયું…”

ગાડીમાં બેસતા તેનાં ચઢી ચહેરાને ઠીક કરવા સુશી બોલી..” પોપ! આ ટેણીયું તમને હાય કરે છે.”

શશીનો ચહેરો પૂર્ણ ચંદ્રમાની જેમ ખીલી ગયો…સુશીલાની સામે જોઇને કહે…” મોમ આજેતો ભારે રુપાળા લાગો છો ને?”.

“ મને હાય કરો પોપ! મોમને નહીં..પેટ તરફ હાથ કરતા સુશીલા એ ચાળો કર્યો અને પ્રસન્ન  મને બંને હસી રહ્યા…સ્ટોર પાસે ઉભેલી માર્થા આ જોડાને હસતી જોતી અને આશિષ આપતી. ગોડ બ્લેસ યુ…માય લીટલ બ્રો…”

 

પ્રકરણ ૬

સવારનાં સ્ટોરનું નિત્યક્રમ પરવારીને બંને સ્સથે સાડા સગીયારે ઘરે પહોંચ્યા. ત્યારે થાળી તૈયાર થઈ રહી હતી.સાદુ બ્રંચ લઇને બધા કે–માર્ટ પહોંચ્યા સેલનાં ભુરી લાઇટ્ઝબકતી હતી ત્યાં સુશીલા બણે માને લૈને ગઈ જ્યારે પરભુ બાપા સાથે શશી જેંટ્સ નાં વિભાગમાં ગયો…

શશી કહે “તમારે ફક્ત રંગ પસંદ કરવાના છે ભાવ નથી જોવાનો કે લંબાઇ ટુંકાઈ નથી જોવાનો.”

“એટલે ?”

“એટલે જે વિભાગમાં આપણે જઈશું તે વિભાગમાં તમારી સાઇઝ નક્કી કરવાની છે”

“ મને મારી સાઇઝ ખબર છે.”

“ અહીં ભારતનાં કપડાની સાઇઝ અને અમેરિકન કપડાની સાઇઝમાં આભ જમીન નો ફેર હોય છે”

શશી એ હાફ ચડ્ડીનં ત્રણ પીસ લીધા સ્મોલ, મીડલ અને લાર્જ  અને કહ્યું હવે આ ત્રણ જોગર ટ્રંક પહેરીને પ્રયતેન કરી જુઓ.”

“ અહિં? કેવી રીતે? અને આ ચડ્ડીઓ હું પહેરવાનો નથી હંકે?”

પરભુ બાપાને ચિંતા હતી કે આ પહેરશે તો જીવકોર વેવાણની સામે આબરુ જશે…

“ટ્રાયલ રૂમમાં જાવ અને પહેરી જુઓ કઈ માપની છે?”

“બરોબર માપની તો આ લાર્જ લાગે છે ..પણ ટ્રાયલ રહેવાદો શશીકાંત.”

એમ માને તે શશીકાંત થોડો?

“ ચાલો તમને શરમ આવે તો હું તમને પહેરાવું કાં ધીરી બાને બોલાવું?”

“અંદર પહેરેલા કપડાનું શું કરીશ.?”

“ટ્રાયલ રૂમ માં જાવ ત્યાં અરિસો પણ હશે અને કપડા લટકાવવા હેંગર પણ હશે.શું સાવ નાના બાળકો જેવી જીદ કરો છો?”

દસેક મિનિટ પછી બહાર આવ્યા ત્યારે મીડલ સાઇઝ બરોબર છે ની વાત સાથે બહાર આવ્યા.

“હવે આ ત્રણ પેંટ પણ પહેરી જુઓ અને આ ત્રણ જર્સી પણ…

પેંટની લંબાઇ ૩૬ અને જર્સી પણ મીડલ એવું નક્કી કરી શશીકાંતે કપડાં નક્કી કરી લીધા.

હવે ચાલો જુતાનાં વિભાગમાં જોગર શુઝ અને ફ્લીપ ફ્લોપ (સ્લીપર) પણ તેમના માપની ખરીદાઇ ગઈ. સી સીકનેસની દવા લેવાઈ અને કલાકમાં પરભુ બાપા બોલતા જ રહ્યાં અને શોપીંગ પુરુ કરી નાખ્યુ.

આ બાજુ સુશીલા અને બે માતાઓ માર્થા સાથે હજી શરુ પણ નહોંતા થયા તેથી પરભુ બાપાને લઇને સ્ટોરમાં આવી ગયા.

ધીરીબા અને જીવકોરબાને ફક્ત ગમતા રંગો નક્કી કરવાનાં હતા.. મેક્ષી કે મીડી, હાફ પેંટ એ બધુ નક્કી કરવાનો હક્ક ખાલી સુશીલા પાસે જ હતો બણે માટે સાત જોડી કપડા લેવાનાં હતા.

ડ્રેસીંગ રૂમમાં થી કપડા પહેરીને બહાર આવવામાં જ શરમ આવે તો તે સંઘ કાશી એ ક્યારે પહોંચે? વળી દરેક ડોલરને ૩૫ ગુણાય તો આટલા મોંઘા આપણ થી કેવી રીતે પહેરાય નો આલાપ તો ચાલું જ…સુશીલા પણ એ ગીત ગાતી તો ખરીજ.. પણ માર્થા એ સરસ રસ્તો સુઝાડ્યો.. હમણાતો તમને ગમે તે તો લઈ જ લો.. નહીં ગમે અને પહેર્યુ નહી હોય તો પાછા આવીને પરત કરીશું કહેતા સુશીલા સામે આંખ મારી…પછી તો ક્યાં કોઇ વિલંબ હતો

નવા કપડાં..નવા સ્લીપર, નવા જોગર બૂટ અને સ્વીમીંગ સ્યુટ સાથે માર્થા બધાને સ્ટોર ઉપર લાવી ત્યારે શશી ચમત્કાર થયો હોય તેટલી નવાઇ પામતો જણાયો..અને માર્થાએ રહ્સ્યોદઘાટન કર્યુ.. “નહી ગમે તો પાછાની શરતે લેવાયુ છે હં કે!.. કોઇને અમેરિકન નથી થવું “

બે દિવસ વચમાં હતા.. અને ધીરી બા નાસ્તા બનાવવા મંડી પડ્યા ત્યારે શશી ફરી ખીજવાયો…    ” આપણે આ બધી છુટ્ટી મળે એટલે તો જઈએ છે.” કોઇએ કશું જ નહીં કરવાનું ખાઇ પીને મઝા જ કરવાની છે.”

“ પણ ! જમાઇ બાબુ તમારા સસરાને તો અમેરિકન કશું ખાવાનું ભાવતું જ નથી.”

“ભલે તમને તમારુ બધું જ ખાવાનું મળશે સાથે સાથે છપ્પન ભોગ જેવી કેટલીય મીઠાઈ ફળ ફળાદી અને આઇસ ક્રીમ મળશે.. અહીંથી કશું જ ખાવાનું કે પીવાનું લઈ જવાની મનાઇ છે પાણી ની ખાલી બોટલ લેવાની છે.”

જીવકોર બા કહે “ શશી કહે તે બધું જ સાચુ.. આપણે તો આપણી બુધ્ધી મુંબઈ છોડ્યુ ત્યાર્થી મુંબઇમાં મુકીને આવ્યા છીએ…

જવાનાં દિવસે બધાની બેગમાં તેમના કપડા.. દવા અને જુતા જ હતા.પેરલેંડથી ગેલ્વેસ્ટન ૪૫ મીનીટમાં પહોંચી ગયા.. માર્થા કૉફી પોટની કૉફી આપી અને રવાના થઈ…મોટું ૧ગીયાર માળનાં જહાજ્માં દાખલ થતા બંને માજી બોલ્યા..સ્વર્ગ જેવો જહાજી મહેલ છે.

શશી કહે “હા અને આપણી સરભરા પણ સ્વર્ગ જેવી જ થવાની છે…”

બે ઓસન વ્યુ રુમ હતી જેમાં એકમાં સુશીલા અને શશી હતાં અને બીજા રૂમ માં વડીલો હતા તે રુમ મોટો હતો અને બંને રૂમો એક મેકથી ખાસી દુર હતી એકમાં બારી પૂર્વ દિશામાં હતી અને બીજાની બારી પશ્ચિમે હતી.

બારામાંથી શીપ નીકળી ગયા પછી સુર્યાસ્ત જોઇને જીવકોરબા સ્વગત બોલ્યા ઢળતી સંધ્યા એટલે આપણી જિંદગી..કાલે ઉઠીને અસ્ત આવશે તે નક્કી છે.જીંદગી ની આ ક્ષણભંગુરતા આપણે ભુલી ના જઈએ એટલે જતો આ સંદેશ પ્રભુએ આપણને આપ્યો છે.

સુશીલા જીવકોરબાનાં ચહેરા ઉપર સુર્યાસ્તનાં રંગો રંગોળી કરતા હતા તે જોઇ રહી. તેમના રૂમ તરફ જતા તે બોલી શશી” મને કેમ એવું લાગે છે કે જાણે આપણે આપણા હનીમૂન માટે નીકળ્યા ના હોઇએ?”

“ ગાંડી છે તું તો.. આપણ મિલન નાં પ્રતિક સમું સંતાન સાથે આપણે આ ક્રુઝમાં છીએ..ત્યારે હનીમૂન કેવું અને વાત કેવી?”રૂમનું બારણું ખોલતા તે બોલ્યો.

“ ટબમાં થોડુંક હુંફાળુ સહસ્નાન કરીને.આપણે તૈયાર થઈએ ૮.૦૦ વાગ્યે ખાવા જવા આપણે પાંચમે માળે જવાનું છે..” અને કેસીનો પણ ત્યાંજ છે.”

“ કેસીનો? ના બાપા ના.. મારે પૈસા ખોવા નથી.”

“અરે ના ખોતી પહેલા ૨૦ ડોલર રમવા માટે તને ફ્રી આપ્યા છે કમાય તો આગળ રમજે નહીંતર લોકોને રમતા જોઇ મઝા કરીને આવશું.”

“ એ મારું બેટું જબરું તમને રમવા ફ્રી પૈસા આઅપે..” અમદાવાદી સુશીલાનાં મગજમાં એ વાત ઉતરતી નહોંતી

એટલે શશીએ અમદાવાદી ઢબમાં જ જવાબ આપ્યો.

જો પૈસા આપે તો કોઇ રમવાની શરુઆત કરે..ભલેને એક સેંટની રમત રમે..પણ જીતે તો આગળ વધે અને હારે તો તીરે ઉભા રહીને બીજાનો તમાસો જોવાનો…”

ટબ ધીમે ધીમે ભરાતુ જતું હતું અને શશીની નજરો મદથી ભરાતી જતી હતી. સહસ્નાન નું જોખમ સમજતી સુશીલા પાણીમાં છબછબીયા કરીને કામદેવને રતી બાણથી ઘાયલ કરી રહી હતી.શશી ટબમાં દાખલ થયો ત્યારે ટબ છલકાયું..

પુરા અડધા કલાકે બંને પતિપત્ની બહાર નીકળ્યા ત્યારે માઇકમાં એનાઉન્સમેંટ થઈ રહ્યું હતુ ડીનર માટે પાંચમો ફ્લોર પંદર મીનીટમાં ખુલશે. અને રીંગ વાગી..જીવકોરબા ફોન ઉપર હતા. “ અરે શશી જલ્દી આવ અમારો રૂમ પાણી થી છલકાય છે.”

“ હા આવુ છું બા” કહીને શશી તરત ટુવાલ લપેટી ને બહાર નીકળ્યો.ઝટપટ કપડા પહેરીને સુશીલાને કહ્યું તું તારી રીતે તૈયાર થઇને આવ. બાનાં રુમમાં નળ લીક થયો છે તેથી હું ત્યાં જઉ છુ. તુ આવ…”

“ભલે મને તૈયાર થતા થોડી વાર લાગશે.”

બાથટબનાં સ્નાન ની મઝા જ કંઇ ઓર છે..અને મ્દમસ્ત મનપસંદ સાથીનો સહવાસ.. ખરેખર સ્વર્ગ અહીંજ છે…તે ગણ ગણી ઉઠી

ન જાઓ સંઇયા બઈયા છુડા કે

કસમ તુમ્હારી મેં રો પડુંગી રો પડુંગી

બહાર નીકળીને જોયું તો ફોર્મલ કપડા પહેરીને શશી તો નીકળી ગયો. તેણે બરગંડી સ્કર્ટ ઉપર પીંક ફુલો વાળી આછા પીળા રંગનું શર્ટ પહેર્યુ..ઝડપ્થી માથાનાં વાળ સુકવ્યા અને નાની એડી વાળા સેંડલ પહેરીને મેક અપ કરવા બેઠી. દસેક મીનીટ થઇ હશે અને શશી બબડતોઆવી પહોંચ્યો…નળ ચાલુ કરતા આવડ્યો પણ બંધ કરતા નહોંતુ આવડતુ તેથી ટબ ઉભરાયુ.. અને તેની નજર સુશીલાનાં ડ્રેસ ઉપર પડી…

વાઉ! સુશી તું તો જામે છે ને?

“ તે તો જામું જને મારા પતિનાં વટમા ચાર ચાંદ લગાડવાનાં છે ને?”

પુષ્પો કંઇ બાગમાંજ ઓછા ખીલે? નયનોમાં ખીલે. હોઠોમાં ખીલે અને ચહેરા ઉપર પણ ખીલે..

સુશીને વહાલથી ચુમતી શશીની નજરો ગર્વાન્વીત હતી.. હોઠ ઉપર વિજેતાનું હાસ્ય હતું.

રૂમ બંધ કરી પાંચમા માળ તરફ પ્રયાણ કર્યુ ત્યારે લીફ્ટ પાસે અમેરિકન વેશભૂષામાં તેમના માતા પિતા  પણ હતા.

કહેવાની ભાગ્યેજ જરૂર પડે કે ભોજન સ્વાદીષ્ટ હતું નવતર હતું અને તૃપ્ત કરનારુ હતું મઝાની વાત એ પણ હતી કે ૩૦૦૦ માણસોને ખાવાનું પીરસવા ૩૦૦ વેઇટર અને વેઈટ્રેસ હતા. અને ભોજન બાદ તે સૌએ મનોરંજન પણ પિરસવા નૃત્ય પણ કર્યુ. પરભુ બાપાને આ નૃત્ય એક નવું નઝરાણુ હતું…

તે દિવસે  ૩ થીયેટરમાં ફીલ્મ , નાટક અને સ્ટેંડીંગ કોમેડી શૉ હતા પણ વડીલોને કંઇ મઝા પડે તેવું નહોંતુ તેથી પાંચમા માળ પરનો કેસીનો જવાનું નક્કી થયુ. ત્યાં જતા રસ્તામાં ઘણા ફોટોગ્રાફરો ફોટો પડાવવા આકર્ષતા હતા…એક મરાઠી ફોટો ગ્રાફરે નમસ્તે કહીને જીવકોર બાનું ધ્યાન ખેંચ્યું…મુંબઇની હતી એ રીટા અને ભાગ્યુ તુટ્યુ ગુજરાતી જાણતી હતી  તેથી પરભુબાપાનાં પ્રશ્નોનાં જવાબ આપ્યા જેમાંના એક જવાબે બધાનો સંકોચ છુટી ગયો. તસવીરો જેટલી પડાવવી હોય તેટલી પડાવો બીજે દિવસે ગમે તેટલાં જ ફોટા ખરીદવાના બાકીનાં ત્મારી નજર સામેજ ફાડી નાખવાના…

જુદા જુદા બેકગ્રાઉંડમાં એક કલાક જેટલું શુટીંગ ચાલ્યુ સો એક ફોટા પડાવીને આખુ ટોળુ બહાર નીકળ્યુ ત્યારે કોઇકે શશી અને સુશીલાનાં વખાણ કરતા કહ્યું મેડ ફોર ઇચ અધર…ત્યારે સુશીલાને બહું જ સારુ લાગ્યુ..તેના અને સૌના ડ્રેસનાં પૈસા આજે વસુલ થઇ ગયા હતા.

કેમેરાની લોબીની બરાબર સામે જ વિશાળ કેસીનો હતો…શશી જાણતો હતો તેથી તેણે સૌને કહ્યું આપણે પેની અને નીકલમાં જ રમીશું અને તે પણ કેસીનો વાળા આપે તેટલા જ પૈસાનું…..કેસીનો વાળા વીસ ડોલર આપે અને વહેલની જેમ રમવા જાઓ તો પાંચ જ મિનિટમાં ખેલ ખતમ…”

પરભુબાપા કહે “વહેલ એટલે?”

“વહેલ એટલે ટેબલ ઉપર બેસે ત્યારે જ ૫૦૦૦ ડોલર લઇ ને બેસે અને ઉઠે ત્યારે ૧૦૦૦૦ કાર્ડ ઉપર ચઢાવીને ઉઠે.”

“એવા લોકો હોય છે?”પરભુબાપા ને આશ્ચર્ય થતુ હતુ

“હા. તેવા લોકો પૈસાને નહીં ફન ને મહત્વ આપે છે.”

“ અને આપણે?”પરભુ બાપા હવે શશીને શબ્દ જાળમાંહોય તેમ બોલ્યા..

શશી કહે આપણે વેપારી માણસ.. બંને ને છુટા રાખવાનું જાણીયે. મઝા મફત થતી હોય તો માણવાની અને જાણવાની પણ આપણે પૈસે કેસીનો વાળાને માલદાર ના બનાવાય.”

પરભુ બાપા કહે “એટલે આટલા બધા લોકો મુરખા?”

સુશીલાને હવે બોલવુ નહોંતુ તો પણ બોલાઇ ગયુ “ બાપા! આપણે અહીં વેપાર નથી કરવો કે કેસીનો વાળાને કમાવી નથી આપવુ એટલે શશી કહે તેમ લક્ષ્મણ રેખાથી આગળ આપણા પૈસે જવાનું નહીં.”

શશી સુશીલાને જોઇ રહ્યો…પછી ધીમે રહીને બોલ્યો “ હા પોતાના પૈસે રમવાની છૂટ બધાજ વડીલોને છે. મને અને સુશીલાને તો તમને ખુશ કરવા છે”

“ મારો જમાઇ તો પાકો છે..અમદાવાદી સાસરીયાઓ જે દરેક ડોલર્ન ગુણ્યા તેંત્રીસ કરે તેઓ તો શું રમવાના?”

“ હા કેસીનો તમને વીસ ડોલર આપે છે ને તેથી તેટલું તો રમો.. અને મઝ કરો..”

જીવકોર બા અને ધીરીબા તો પ્રેક્ષક બની ને રહ્યા.બે ત્રણ મશીનોમાં પૈસા બગાડીને છેલ્લે ક્વાર્ટર્નાં પુશર મશીન ઉપર સુશીલાનું મન ઠર્યુ

સાતેક કોઇન જાય ત્યારે એકાદ બેવખતે ક્યારેક પાંચ તો ક્યારેક બે ક્વાર્ટર પડતા. હિસાબ સીધો હતો કેસીનો તેણે આપેલા પૈસા પાછુ લેતુ હતુ.તે કંટાળીને ઉઠવા જતી હતી ત્યાં ખન ખન કરતા ૧૫ સિક્કા સાથે પડ્યા…

ચાલો બધા ગયેલા પૈસા આવીગયા કહી ઉભી થવા જતી સુશીલાને ૨૫ ડોલરનુ પડુ પડૂ થતુ એક ડોલરનું બંડલ બતાવતા શશીએ વધુ રમવા તેને પ્રેરી..જો કે તેને મઝા તો આવતી જ હતી અને વળી શશીએ દારુ પાયો…દોઢેક કલાકમાં પૈસા ખાસા ગયા પણ બંડલ આવ્યું ત્યારે ચીચીયારીઓ સાથે બધા ઉભા થયા.

કોઇન ગણ્યા ત્યારે સમજાયુ કે ખાલી રુપાંતર થયુ છે હજી મુકાયેલા પૈસા નથી આવ્યા.

શશી કહે આ ચીચીયરી તે આ રમતની મઝા

સુશીલા રડવા જેવી થઈ ગઈ “ હવે?”

“હવે કંઈ નહીં ઘરનાં પૈસા ગયા નથી ત્યાં સુધી સબ સલામત છે..”

પર્ભુ બાપા કહે “ઘરનાં પૈસા તો ગયા જ છે ને?”

“કેમ? કેવી રીતે?”

“તમે અહીં નહોતા ત્યારે કોઇન ખુટ ગયા હતા તેથી દસ ડોલર્નાં લીધા હતા…”

ત્યાં અચાનક જ મશીનમાં થી કોઇન પડવા લાગયા અને પાંચ ડોલર્નો વીસ કોઇન નો રોલ પડ્યો..

સુશીલા ટપો ટપ ભરવા માંડી..કદાચ જહાજ હલ્યુ હશે  માની ને

થોડીક ક્ષણો બાદ ખબર પડી ધક્કો બાજુનો ખેલાડી મારતો હતો અને પૈસા પડતા હતા તે બબડતો હતો “આ મશીને મારા પૈસા લઈ લીધા..” બાજુમાં મેક્ષીકન ગીત પુર બહારમાં ચાલતુ હતુ અને મેક્ષીકન કપલ ઝુમતુ હતુ

શશીએ તર્ત સુચના કરી કે ચાલો હવે અહીંથી નીકળી જાવ આમેય કેમેરો ચાલુ છે તેની સાથે તમે પણ સપડાશો.”

સુશીલાને હજી બેસવુ હતુ પણ શશી પાસે ક્યાં કોઇનું ચાલ્યુ છે?

કોઇન લઇને તેમનૂ નીકળવુ અને કેસીનો કોપ આવી ગયા

સુશીલા સહેજ ધ્રુજી ગઈ પણ તે વાંકમાં નહોંતી અને શશીનાં કહ્યે માની ને તે ઉઠી ગઈ તેના કારણે બચી ગઈ હતી.

પેલો મેક્ષીકન શાંતિ થી એની પત્ની પાસે ઉભો રહ્યો.. જાણે કશું જ ના બન્યુ હોય તેમ

પેલા કેસીનો પોલીસે કહ્યું. તમે મશીન સાથે છેડ છાડ કરી છે.એની પત્ની મેક્ષીકનમાં પોલીસને સમજાવતી રહી કે એવું કશું નથી અને કેસીનો કોપ જતા રહ્યા.

રાતનાં મોડૂ થઈ ગયુ હતુ તેથી વડીલોને તેમના રૂમ માં મુકીને શશી તેને સાડા દસે શરુ થતુ મુવી જોવા લઇ ગયો.

જરુર કરતા વધુ નગ્ન દ્રશ્યો જોઇને સુશીલાને સુગ થતી હતી અને પેલા ગુલાંટ મારતા વાંદરાની જેમ વળી વળી ને તેનું મન કેસીનો તરફ જતું હતું હજી તે કમાઇ નહોંતી અને કમાવું તેને મન જરુરી હતું કારણ કે તે હવે સિક્કો ક્યાં અને કેવી રીતે નાખવાથી કામ થાય તે બાબતે પારંગત થઇ ગઈ હતી..વળી થીયેટર અને કેસીનો એક જ ફ્લોર પર હતા તેથી તે બહાર નીકળી દોઢેક કલાક હજી કેસીનો બંધ થાવાનો બાકી હતો તેથી શશીને જણાવ્યા વીના પાંચ ડોલરનો રોલ લઈને તે કેસીનો પહોંચી.

દસેક મિનિટ કરતા વધુઅ સમય થયો એટલે શશી નીકળ્યો.બાથરૂમ માં કોઇ અવાજ ના આવ્યો એટલે રૂમ ઉપર ગયો..ત્યાંપણ સુશીલાને ના ભાળી એટલે જરાક ચિંતા થઇ..પાછો થીયેટરમાં જતા તેણે વિચાર્યુ કે કેસીનોમાં તો નહીં ગઈ હોય? ભુતનો વાસો પીપળો એ અટકળે તે કેસીનોમાં પહોંચ્યો ત્યારે કેસીનો કોપે તેને પકડી હતી..પેલો મેક્ષીકન અને તેની વાઇફ પણ ત્યાંજ હતી. આ વખતે કેસીનો કોપ પાસે મોટી અને લાંબી વીડીઓની ક્લીપ હતી જેમાં ધક્કો મારતો અને બબડતો મેક્ષીકન હતો પૈસા ભેગી કરતી સુશીલા પણ હતી અને શશી નો સંવાદ પણ હતો. હા કે ના કર્યા સિવાય ભેગા થયેલા સિક્કાઓ સાથે કેસીનો મેનેજર નિ કેબીનમાં ચારે જણાને લઇ ગયા.

મેનેજર કેસેટ જોઇને મેક્ષીકન ભાષામાં બોલ્યો “ તમને લાગે છે કે અમે કોઇ છેતરામણી કરી છે?”

મેક્ષીકન કહે “હા અને તેથી જ હું ગુસ્સે થયો હતો.”

શશી કહે “મારા વાઇફ ને પણ લાગતુ હતુ કે અહીં કંઇક છેતરામણી કે ચાલ છે. પૈસા ધાર ઉપર આવ્યા હોવા છતા પડતાનથી એટલે કે ગુરુત્વાકર્ષણનાં નિયમ વિરુધ્ધ કશુંક ચાલી રહ્યું છે.”

મેનેજરે કહ્યું અત્યારે જહાજ કોઇ દેશની સીમામાં નથી તેથી કોઇ દેશનો નિયમ લાગુ ના પાડી શકાય પણ આપ સાબિત કરો કે અમે કોઇ છેતરામણી કરી છે.”

પેલો મેક્ષીકન બોલ્યો “ જો હું તમારી ટ્રીક પકડી પાડુ તો?”

પેલો મેનેજર તેટલાં જ ઝનુનથી બોલ્યો..”અને ટ્રીક ન પકડી શક્યા તો?”

મેક્ષીકન સહેજ પણ ઢીલો પડ્યા વીના બોલ્યો “તો તમે જે કહેશો તે સજા મંજુર. અને હા હું સાચો પડું તો મશીનમાં જેટલી રકમ છે તે અમારી બરોબર?

સુશીલા કહે “મેં તો મારા ખાનામાં પડેલા પૈસા જ લીધા છે મેં કશું જ નથી કર્યુ”

મેનેજર કહે “ ના તમે કશું જ નથી કર્યુ તેમ ના કહેવાય કારણ કે આ ગુનામાં મૌન રહીને ઉત્તેજન આપ્યુ છે આપ બંને ગુના નાં ભાગીદાર તો છો જ.. હાલ તો તમે ચારેય  ૧૨ વાગ્યા સુધી નજર કેદમાં છો અને કેસીનો બંધ થાય ત્યારે મશીન પાસે જઈને સાબિત કરજો કે અમે કોઇ ટ્રીક કરીએ છે.એટલુ કહીને તે અન્ય કામે લાગ્યો.

શશી મેક્ષીકન સામે જોઇ રહ્યો..તેને સામે જોતા જોઇને મેક્ષીકન બોલ્યો.. મેં આવા મશીનો સાથે બહું જ કામ કર્યુ છે મને ખબર છે અહીંયા છેતરામ્ણી થાય છે.”

મેક્ષીકન સાથે મેક્ષીકનમાં જવાબ આપતા શશી બોલ્યો.. બાઉંટી કેટલાની હશે ?

“લગ્ભગ ૪૦૦ ડોલર હશે.”

“તુ ખોટો પડે તો મેનેજર શું સજા કરે?”

“ બડી! ચિંતા ના કર હું ખોટો પડવાનો જ નથી.”

શશીએ વિચારી લીધું કે વધુમાં વધુ જોખમ અહીંથી કાઢી મુકે કે દંડ કરે.. જે બંને શક્ય નહોંતા કારણ અકે આમેય કેસીનોમાં લોકો ફન કરવા આવે છે ત્યારે આવી માથાકુટમાં કોઇ ઉતરતુ હોતુ નથી.

નરોબર રાત્રે બાર વાગે કેસીનો બંધ થયો અને મેનેજર કેસીનો નાં મશીન પાસે તેમને લઈને આવ્યો અને કહે સાબિત કરો કે અમારી કોઇક ટ્રીક છે.

“ મશીનમાં રહેલું મેગ્નેટીક ફીલ્ડ વિવાદાસ્પદ છે તે જરુર કરતા વધુ કોઇન હોલ્ડ કરે છે.”

હવે ચમકવાનો વારો મેનેજર નો હતો.

પેલો મેક્ષીકન આગળ બોલતો હતો કે ૨૦ રાઉંડ પર મીનીટને બદલે તે ૨૨.૫ રાઉંડ પર મીનીટ ચાલે છે તેથી ગુરુત્વા કર્ષણ ની અસર ઓછી થાય છે કહીને યુ ચીટર ની ગાળ દીધી.

મશીન ખોલાવી ૨૦ રાઉંડ પર મીનીટ ની સ્પીડે મશીન ચાલતુ કર્યુ તો મેગ્નેટીક ફીલ્ડ ઘટ્યુ અને બધા ખાનામાં થી કોઇન પડવાના શરુ થઇ ગયા.અને અખતરો વધુ મજબુત કરવા તેની સ્પીડ વધારીને ૨૫ રાઉંડ પર મીનીટ કરી તો સિક્કા પડવાના બીલકુલ જ બંધ થઈ ગયા.

મેનેજરે મશીનનું મેન્યુઅલ મંગાવ્યુ અને તપાસ કરી તો મેક્ષીકન એકદમ સાચો હતો મશીન દ્વારા ચીટીંગ થઇ રહ્યુ હતુ

રાતનાં દોઢ વાગે જ્યારે આ કસરતો પુરી થઇ ત્યારે મશીન નાં બધા સિક્કા બે ભાગે વહેંચી ને મેનેજરે out of order નું પાટીયુ લગાવીને તાકીદ કરી કે આપ બંને હવે આ ક્રુઝનાં સમય કેસીનો માં આવશો નહીં…

બાઉંટીનાં સિક્કા ગણીને અડધે ભાગે બેઉ ને અપાયા. થેંકયુ કહેવું કે આભાર વાળી વાત મેનેજર નાં મોંઢેથી ગુંચ્વણ ભરી રીતે નિકળી..

સુશીલા ખુશ હતી અને પેલા મેક્ષીકન ની વાઇફ પણ ખુશ હતી

પેલો મેક્ષીકન ફરીથી બોલ્યો “આ લુચ્ચાઓ રોલ અને ૨૫ ડોલર ની થોકડી મુકીને લલચાવે પણ વાર્તવિકતામાં તેઓ વજન મુકીને રમનારાને નુકસાન કરાવતા હોય છે.”

આ વાત જ્યારે શશીએ સુશીલાને ગુજરાતીમાં કહી ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ. સાચ્ચેજ લોભિયા હોય ત્યાં ઠગારાઓ જ ફાવે…

 

બીજે દિવસે સવાર થોડી મોડી પડી..લગભગ નવ વાગ્યા હશે

સવારે ચાલવા જનારો શશી સુશીલા સાથે તેની જેમ જ પડ્યો રહ્યો.

પરભુ બાપા અને વડીલોનું ટોળુ રૂમ ઉપર આવ્યુ ત્યારે સુશીલા ઝટપટ ઉઠીને બાથરૂમમાં ઘુસી ગઈ.રૂમ ખોલીને શશીએ વડીલોને માન ભેર રૂમ માં બેસાડ્યા.

જીવકોરબા કહે “અલ્યા છોકરાઓ તમે એકલા જ આ શીપમાં ઉંઘો છો.”

“હા બા અને આ શીપમાં અમે એકલાંજ હતા જે ગઈ કાલે રાતના ત્રણ વાગ્યા સુધી જાગતા હતા.” બાથરુમ માં થી સુશીલાએ ટહુકો કર્યો..

“ કેમ શું થયુ હતું?” ધીરીબા એ થોડાક ગભરાતા પુછ્યુ

શશી જે વાતને દાબવા માંગતો હતો તેથી બોલ્યો “ આ તમારી દીકરીને રાત્રે આઇસ્ક્રીમ ખાવો હતો તેથી દુધ ઠારતા હતા.” અને બધા હસી પડ્યા..

પરભુ બાપા બોલ્યા “આજે આપણી ફીલમ જોવા જવાનું છે .”

શશીને સમજ ના પડી એટલે સુશીલા કહે ગઇ કાલે જે ફોટા પડાવ્યા છે ને તે જોવા જવાનું છેને…ચોથા માળે

“ પણ હજી તો સાડાનવ થયા છે એ તો અગીયાર વાગે આવવાના છે” ધીરીબા એ હળવેક થી કહ્યું

“તો પછી ચાલો નવમે માળ તમે ચા પાણી પીધા કે નહીં” સુશીલા એ વિવેક કર્યો અને પાંચેય જણા લીફ્ટ તરફ વળ્યા..નવમો માળ એટલે ૨૪ કલાક ની ખુલ્લી ખાવાની સવલતો.. જે ખાવું હોય તે ખાવ.. અમર્યાદ ખાવ.તો પણ કોઇ રો ક કે ટૉક નહીં.

પરભુ બાપાને તો સવારે થેપલુ કે ભાખરી જોઇએ જે અહીં ક્યાંથી મળે પણ ધીરીબા નો ડબ્બો અત્યારે જ ખુલે અને થેપલા સાથે અથાણુ સોઢાય.તે સોઢમને માણતા માણ્તા શશિ અને સુશીલાએ પણ કટકો કર્યો.

બધાને શશીએ તાકીદ કરી કે આપણે દસમે માળે મોટા ટબમાં બધા બેસવાના છીએ અમેરિકન બનવું હોય તો તે દ્રેસમાં અને ના બનવુ હોય તો તમે જે પહેરીને આવ્યા છો તેમાં બેસજો.પર્ભુ બાપાની હાજરીમાં જીવકોર બા અને ધીરી બા તેમના સુશીલા એ લેવડાવેલા કપદા પહેરવાનાં નહોંતા..જો ક્ર પર્ભુ બાપાને કોઇ વાંધો નહોંતો…

દસમા અને અગીયારમાં માળની વચ્ચે ત્રણ આવા મોટા બાથ ટબ હતા અને દસમાં માળમાં મોટો હોજ હતો જેમાં ઘણા સુર્ય અને સ્નાન નો આનંદ મેળવતા હતા.

પ્રકરણ ૭

પરભુ બાપા કહે વેવાણ અહી આપણ ને કોણ ઓળખે છે કે આપણે છોછ રાખવાનો.. હું અને શશી આ ઉપરનાં ટબમાં જઈએ છે અને તમારુ બૈરા મંડળ અહીં દસમે માળ રહો.દસ પંદર મીનીટ પાણીમાં છબછબીયા કરીને સુશીલા અગીયારમે માળે ટુવાલ ઓઢી ને આવી ત્યારે શશીએ પુછ્યુ.. “કેમ ટુવાલ ઓઢીને ?”

સુશીલા કહે “બાપા સામે બેઠા છે ખબર છે ને?”

શશી કહે “બાપા છે સસરા નથી..ખરું ને પરભુ બાપા?”

પરભુ બાપા એ જવાબ આપવાનું ટાળ્યુ

સુશીલા કહે આ ફરતી અને સર્પાકારે વળતી બે માળ ઉંચી નિસરણી પર સરીયે તો કેવું?

બારમા માળનાં આ ટબ પાસેથી નિસરણી અગાસીથી શરુ થતી હતી અને દસમા માળનાં હોજમા જતી હતી. એ રમત શરુ થઇ અને તેના સર્વ સભ્યોને ત્યાં રહેલ ગાર્ડ સુચના આપતો હતો “ આ લપસણી ની મઝા ઝડપ છે અને સજા પણ ઝડપ છે તેથી પગ , માથુ અને હાથ્કે પગેમાં આ બે મીનીટની સફરમાં સહેજ પણ હલાવ્શો નહીં નહિંતર ઢાળ સાથે વહેતું પાણી તમને ઉછાળીને નીચે ફેંકી દેશે. જે બીકણ હોય અને ઉંચેથી નીચે જતા ચક્કર આવતા હોય તેમનું આ કામ નથી કારણ કે અગીયારમાં માળેથી પહોંચતા ઝડપ બમણી થઇ જશે…અને દસમા માળે કુંડમાં ફેંકાશો ત્યારે પાણીમાં મોટો ધબાકો થશે…

શશી કહે “સુશી બહાદુર થવું છે કે બીકણ?”

“આગળના બે ચાર જણાને જોઇએ પછી કહું”

“ એટલે બીક લાગી ખરુંને?”

“ ના પણ મારે બે જીવનું વિચારવાનું ને?”

“ ભલે તું જેમ કહે તેમ.”

“ શશી તું શું કહે છે?”

“ હું તો તને વિચારીને જજે તેમ કહીશ તો તું મને બીકણ કહેશે..બાકી હું તો જવાનો જ છું પાણીમાં ધબક દઈને  પછાડાવું મને તો ગમે છે. તારી વાત જુદી છે બે જીવાતી છે તે ગાર્ડને પુછી ને પછી વિચારીએ.’

“ તો તું જવાનો ખરું?’

“ હા.હું તો આમેય તારી પાસે બહાદુર છું નું લેબલ લઈશને?’

ભલે તો ચાલ કહી બંને અગીયારમાં માળની અગાસીએ પહોંચ્યા. તેમની આગળ એક શ્યામ ભારે શરીરી નારી હતી અને એક મેક્સીકન ૧૮ વર્ષનો છોકરો હતો.

ગાર્ડે ભારે શરીરી નારીને કહ્યું બે મીનીટ્ણી આ રાઈડ છે અને એક્દમ સ્ટીફ શરીર બનાવીને લપસજો. અને હલન ચલન ની બીલકુલ મનાઈ છે.

પેલા બહેન કહે “પણ ચીસા ચીસ તો થાયને?”

ગાર્ડ હસતાં હસતાં બોલ્યો “ તમે ઝડપને માણજો…આંખ બંધ રાખજો અને ચીસા ચીસ તમારી મરજી થાય તેટલી પાડજો.”

શશીકાંત મેક્સીકન છોકરા પછી જવાનો હતો. તેથી ફરી પ્રશ્નાર્થની મુદ્રામાં પુછ્યુ જઈશને? ત્યાં પેલા સ્થુળ શરીરી બેન ની ચીસાચીસ સંભળાઇ અને ધબાકો પણ.. મેક્સીકન છોકરો નાનું સાપોલીયું સરકે તેમ નીચે સરકી ગયો.

શશીકાંત લપસણી નાં મોં પાસે ગોઠવાયો ત્યાં પરભુકાકાનો અવાજ આવ્યો..” અલા શશી અને સુશી તો ત્યાં છે.પેલી મોટી લપસણી પાસે. અને ત્યાંતો શશી સરકી ગયો..મેક્સીકન છોકરો હોજમાં ઉભોથયઓ ને તેની પાછળ શશી ધબાક દઇને પાણીમાં પછડાયો.

ધીરી બા બુમો પાડતા હતા “અલી સુશી તું ના લપસ..”

પણ સુશી સરકવા માંડી હતી તે ધીરી બાની બુમથી જરા ધ્યાન ભંગ થઇ અને એ તર્ફ જોવા જરા હલી ત્યાં બહું જોરથી તે લ્પસણી પરથી નીચે ગબડી..બીજી નિસર્ણી ઉપર માથુ અથડાયુ અને છેલ્લી નિસરણી ઉપર કમ્મર જબર જસ્ત રીતે અથડાઇ અને ગોઠીમડું ખાઇને નીચેનાં આછા પાણીનાં હોજમાં પડી ત્યારે માથુ અને કમ્મર ભાંગી ગઈ હતી.

ધીરીબા અને જીવકોર બા તે તરફ દોડ્યા પરભુ બાપા ફર્સ્ટ એઈડ લાવવા ગયા અને ઉપરનો ગાર્ડ સીસોટી વગાડવા માંડ્યો. સુશીલાનાં ઉંહકારા ફેલાવા માંડ્યા હતા અને શશીએ દોટ મુકીને નીચેનાં હોજ્માં ઝંપલાવ્યું અને સુશીલાને પકડી લીધી.

તેને ઉંચકીને બહાર કાઢી ત્યારે ઓન ડ્યુટી ડોક્ટર અને નર્સ સ્ટ્રેચર લઇને આવી ગયા હતા. લોહી નીકળતું હતું તે બધી જગ્યાએ પ્રાથમિક સારવાર આપી અને એક્ષરે કઢાવવા નાના દવાખાનામાં લઈ ગયા.

ધીરી બા તો રડવા માંડ્યા હતા. ડોક્ટર એક્ષરે કાઢીને કહ્યું હમણા ને હમણા એમને હોસ્પીટલ લઇ જવા પડશે તેમનાં મણકા તુટ્યા છે..પણ તેમના ગર્ભને કોઇ માઠી અસર નથી

હેલીકોપ્ટર ડોક્ટરે મંગાવી લીધુ હતુ અને તાબડ તોબ બધાને હ્યુસ્ટન રવાના કરવાના હતા

શશીની સામે જોતા પરભુ કાકા બોલ્યા.. આ કેવી નજર લાગી ગઈ મારી છોડીને? આ શશી અને સુશીલા સામે તો જોવાતું પણ નથી..

તાબડતોબ રૂમ માં થી બેગો બંધાઇ અને કણસતી સુશીલા સાથે હ્યુસ્ટન તરફ હેલીકોપ્ટર રવાના થયું હેલીકોપ્ટરમાં ડોક્ટર સતત મોનીટર કરતા હતા. બધાનાં મોં ઉપર અકસ્માતનો ધક્કો દેખાતો હતો પગમાં ફ્ર્ક્ચર હતું અને કમ્મરમાં પીડા અસહ્ય હતી..ધીમે ધીમે દવાની અસર થતી હતી અને સુશી બેભાન થઇ ત્યારે હ્યુસ્ટન દેખાવા માંડ્યુ હતું ગેલ્વેસ્ટન ની મેમોરીયલ હોસ્પીટલમાં હેલીકોપ્ટર ઉતર્યુ ત્યારે ઓર્થો પેડીક સર્જન અને અનેસ્થેસીયન હાજર હતા અને તાબડ તોડ ઓપરેશન થીયેટરમાં દાખલ કરી દીધી.. આ બધુ યુધ્ધનાં ધોરણે થતુ જોઇ પરભુ બાપા તો આશ્ચર્ય ચકીત હતા.

આ અમેરિકા હતુ. શશી કાગળીયા ઉપર સહીં કરતો હતો અને ઇન્સ્યોરંસ કંપની ને ક્લેમ કરતો હતો. ધીરી બા અજંપ હતા “ મુઈ! મેં બૂમ ના પાડી હોત તો? જીવકોર બા કહે “હવે બનવા કાળ બન્યુ છે ચિંતા ના કરો.. સારી વાત જુઓ બાળક પરથી ઘાત ગઈ..તેને વાગ્યુ નથી.

અકસ્માતને મહીનો વીતી ગયો હતો રીકવરી તો હતી પણ પલંગ પરથી ઉઠાય જ ના તેવી ડોક્ટરની તાકીદને કારણે હવે સુશીલા કંટાળી હતી..પણ ટાંકા તુટી ન જાય માટેની આ બધી સાવધાની હતી..ભારત પાછા જવાનો સમય આવી રહ્યો હતો. પરભુબાપાને હવે ઘર અને ગામ યાદ આવ્યું  હતુ.પેટે ચોથો મહીનો હવે દેખાતો હતો.અને ધીરી બાની અવઢવ શરુ થઇ ગઈ હતી. પરભુબાપા કહે “જીવકોર બેન અહીં રહેશે પણ આપણે તો હવે જવું જોઇએ.”

ધીરી બા જાણતા કે પરભુ બાપા એમ વળે નહી અને જુનવાણીણી માનસ પણ કામ કરતુ..છોકરીને ત્યાં ઝાઝુ ના રહેવાય…અને જમાઇ ખાટલે થી પાટલે અને પાટલેથી ખાટલે સિવાય કોઇજ કામ આપતો નહોંતો તેથી હવે તેમને ચટપટી થતી હતી.

આખરે તે દિવસ આવી ગયો જ્યારે ત્રણેય વડીલો ભારત પાછા વળવાની તૈયારી કરવા લાગ્યા.જવાના આગલા દિવસે સુશીલા હીબકે ચઢી..સાસુને હાથ પકડી પકડીને કહ્યું “બા તમે ના જાવ. તમારે અમદાવાદ કોને જોવાનાં છે? તમે અહીં રહો તો એમનું તો ધ્યાન રહેને?”

જીવકોરબા કહે એને કંઇ હવે મારે કોળીયા નથી દેવાનાં અને છેલ્લ છ વર્ષથી તે તો રહીતો જ હતો ને? તારી તબિયત સારી થાય અને તારું ધ્યાન રહે તેથી તારા બેન ભાઇમાં થી કોઇને અહી મોકલીશ.”

“ એ લોકો ના ચાલે તેમને વીઝા મળવા અઘરા” શશી બોલ્યો.

તાત્કાલીક તો આપણા ઘરમાં રહે અને બધું કામ કરે તેવા બેન ની જરુર છે.

“માર્થાની બહેન ડાયેના નર્સીંગ ભણેલી છે થોડોક સમય કાઢી જશે” શશી બોલ્યો

ધીરીબા બોલ્યા “ મને તો જવું જ નથી આ છોડીને આમ રઝળતી મેલીને…”

“એટલે તું મને એમ કહે છે તમ તમારે જાવ.હં?”

“ ના. હું કહું છુ સુશીલાને સારુ થાય અને  જાતે હાલતી ચાલતી થાય ત્યાં સુધી તમે પણ અહીં ગમાડો!”

“જો મને આ ખાટલે થી પાટલે રહેવું ગમતુ નથી અને જમાઇ રાજ મને ચોપડો અડવા દેતા નથી.મને તો આમ ખાલી બેસી રહેવાનું ગમતું નથી.વહેવારી વાત એ છે કે જીવકોર બા ભલે સુશીલા છુટી થાય ત્યાં સુધી રહે અમે નાના બચ્ચાની કાળજી કરવા આવશુંને?

“ ના ભાઇ ના..અહીં એકલા રહેવુ પાલવે તેવું નથી.. આ તો ઘર ભરેલું છે તો રહેવાય છે. બાકી સુશીલાની તકલીફો જોઇને દુ;ખી જ થવાય.

સુશી સામે આંખ મારતા શશી બોલ્યો “તમારી ટીકીટો તો રીન્યુ થઈ ગઈ છે તમે ક્રીસ્ટમસ પછી જવાના છો.”

પરભુબાપા આવાક થઇ ગયા…તેમને ગુસ્સો આવતો હતો અને ગમ ખાવા સિવાય છુટકો પણ ન્હોંતો. ટીકીટો એક્ષ્ટેંડ થઈ વાળી વાતથી ધીરીબા અને જીવકોર બા તો રાજી થયા હતા.પણ પરભુ બાપા ફુંગરાયા હતા. તેથી સુશીલા બોલી “ શશી બાપાને દુકાને બેસવા દો અને શક્ય હોય તો તેમને ગમતું કામ કરવા દો.ને?”

“ પણ બાપાને કામ આપતા પહેલા અહિં નાં લાયસંસો જોઇએ.. પરમીટ જોઇએ હવે આ ઉંમરે તેમને ભણવાનું મારાથી કેમ કહેવાય?”

‘પણ નામુ તો લખાયને?”

“ ના ત્યાંની દેશી પધ્ધતિ અહીં ના ચાલે…અહીં રોજનો તાળો મળવો જરુરી છે.એટલે ડબલ એન્ટ્રી સીસ્ટમ છે.”

“ તો તે સીસ્ટમ મને શીખાવાડશો તો તે પણ શીખી જઈશ.પણ ઘરમાં એકલા બૈરામંડળ સાથે માથુ ચઢાવવા કરતા બજારે બેસવું મને ગમશે”

“ ભલે પણ તમારે જે કંઇ કહવું હોય કે સુચવવું હોય તો તે મને જ કહેવાનું સ્ટાફ સાથે તમારી વાતોની પધ્ધતિ એવી છે જે અહીં ચાલે નહીં.”

“ એટલે ?”

“ તમે માલિક ભલે હો પણ ઘરાક પહેલો અને તે પછી કામ કરતો કર્મચારી. માલિક તો સાવ છેલ્લો.. અહીં નાના મોટા સૌને સર કે મેડમ કહેવું પડે.ભલેને તે ચોરી કરતા તમે રંગે હાથે પકડ્યો કેમ ન હોય….”

“ મને ના સમજાયુ.”

“એટલે તો કહુ છુ ચાલુ ધંધે ક્યાંક તમારાથી અમેરિકન એટી કેટ પ્રમાણે ના ચલાયુ તો નુકસાન તો મારું જ થાય ને?”

“જરા સમજાય તેવું બોલો જમાઇ રાજા!”

“ તમારી ઉમર થઈ ૬૫ એટલે મારે તમને સીનીયરનાં બધા બેનીફીટ આપવા પડે.તમારો મેડીકેર અને એમ્પ્લોયર ટેક્ષ ભરવો પડે. અને તમે વીઝીટર વીસા ઉપર છો તમારો સોસીયલ સીક્યોરીટી નંબર નથી… ક્યાંક પોલીસ ઇન્ક્વાયરી આવે તો મારું તો આવી જ બને.”

“ હા મેં કહ્યું તેમ બાપાથી સ્ટોર ઉપર કામ ના થવાના આ  બધા અમેરિકન કારણો તેમના મગજમાં ઉતરવાના નથી અને તેમના બ્રીટીશ એક્સેંટ અહીં લોકોને ના સમજાય વાળી વાતનાં પીષ્ટ પેષણમાં તેમને તો જુદુંજ દેખાવાનું.”

સુશીલા આ બધા કારણો સમજતી કારણ કે આ બધું જ લેક્ચર તેણે શરુઆતમાં સાંભળેલુ. તેથી બાપાને સમજાવવા એક વાત કહેવાની શરુઆત કરી.” બાપા. તમે માનશો કે નહીં પણ અમેરિકન લાયસંસ મને લેવડાવ્યા અને ઇંગ્લીશ એઝ અ સેકંડ લેગ્વેજ્માં ત્યાંનાં શિક્ષકે કહેલી વાત કહું  એક વખત તેણ વર્ગનાં બ્લેક બોર્ડ ઉપર ચોક્થી વચ્ચે એક સફેદ ટપકુ કર્યુ અને ક્લાસ ને તેના વિષે લખવા કહ્યું કોઇકે એ ટપકાની સાઇક્ઝ લખી કોઇકે એ ટપકુ પૂર્ણ વિરામ છે તેવું કહ્યું.. કોઇકે તે ટપકુ બરોબર મધ્યમાં છે તેવું કહ્યું તો કોઇકે એ ટપકા ઉપર નાનકડું કાવ્ય લખ્યુ.

શિક્ષક કહે આ આપણા મન ની મર્યાદા છે સૌએ ટપકા વિશે લખ્યુ પણ કોઇએ બ્લેક્બોર્ડ વિશે ઉલ્લેખ ન કર્યો.

અમેરિકન કાયદો આ બંને નો ઉલ્લેખ કરે છે.. બાપા તમારા કેસમાં પણ શશી બ્લેક્બૉર્ડ અને ટપકુ બંને નો ઉલ્લેખ કરે છે જ્યારે બાપા ફક્ત ટપકાનો જ વિચાર કરે છે. હા તેમને સજા લાગતી હોય તો ભલે લાગે પણ મને પણ લાગે છે બાપાએ બૈરામંડળનો છોછ રાખવો જોઇએ નહીં અને જે વેકેશન તેમણે ત્યાં તેમની પ્રવૃત્તિમય જીવનમાં બોગવ્યુ નથી તે તેમણે અહીં ભોગવવુ જોઇએ.”

સુશીલાની વાત કહેવાની પધ્ધતિ એટલી સચોટ હતી કે ધીરી બા વહાલથી દીકરી ને જોઇ જ રહ્યા.

શશી એ ઘરનાં વિડીઓ પર મહાભારતની ૫૨ કેસેટોમાંની પહેલી કેસેટ મુકી અને બાપાને કહ્યુ આ ૫૨ વીડીયો કેસેટ આ અઠવાડીયામાં જોઇ નાખો કે જેથી સમય નથી જતોનાં માનસિક કીડાનો સળવળાટ ઓછો થાય.. અને બૈરા મંડળ પણ તમને નહીં નડે કારણ કે તેઓ પણ તેને માણતા હશે.. અને આવતા અઠવાડીયે કહેશો તો મહાભારત કે હમલોગ ની વીડીયો લાવી આપીશ.

 


માર્થાની  બહેનપણી ડાયેના સુશીલાથી થોડીક મોટી હતી.ઘાટીલી હતી અને માર્થાને લીધે શશીને ઓળખતી પણ હતી.એક્સીડેંટ પછી સુશીલાને ઘણી સલાહો આપવા આવી પણ હતી. તેનો બૉય ફ્રેંડ એબી (એબ્રાહીમ) બહુ કમાતો નહોંતો એટલે હજી લગ્ન નહોંતા કર્યા.જ્યારે કલાક્નાં ૬ ડોલરનો એવેરેજ પગાર હતો ત્યારે તે ૧૫ કમાતી હતી અને જોઇએ તેટલો ઓવરટાઇમ મળતો હતો તેથી તેના તોર તરીકા જુદા હતા..આખાબોલી અને કોઇના બાપની પણ સાડાબારી રાખે તેવી તે નહોંતી. હા એબી વારંવાર ગમ ખાઇ જતો હતો તેથી નભતું હતુ…માર્થાને તે માનતી હતી પણ તેના બ્રેકપનું કારણ પણ ડાયેના જ હતી.

તે દિવસે સ્ટોર પર માર્થાને વાત કરતા કરતા ડાયેનાને ઘરે સુશીલાની સારવાર માટે હૉઝ્પીસ બેનીફીટ લેવા તપાસ કરવા કહ્યુ.સુશીલાને અકસ્માત વીમા સાથે મેડિકેર બેનીફીટ મળ્યો હતો વળી તેની સારવાર લાંબાગાળાની હતી જેમાં સગર્ભા અવસ્થા વિઘ્નરૂપ હતી તેથી એક ટ્રૈન્ડ નર્સ તેને મળી શકે તેમ હતી.ધિરીબા ઇચ્છતા હતા કે તેઓની હાજરીમાં કોઇક આવી નર્સ મળે તો સુખેથી ઘરે જાય તેથી જીવકોરબા એ ડાયેના ને ઘરે બોલાવડાવી.

વિમાકંપની તેનો ખર્ચો આપવાની હતી છતા ગરજ ભાળી જઈને શશી ને છોલવાનું નક્કી કર્યુ.દિવસનાં વધારાના ૧૮ કલાક્નાં ૨૦ ડોલર લેખે હોસ્પીટલનાં કપાતા પગારની અવેજી માંગી. માર્થાને પણ નવાઇ લાગી..

“ આતો ઉઘાડી લૂંટ છે ડાયેના..વિમા કંપની તો તને પગાર ચુકવવાની છે ..જરા લોભ  ઉપર થોફ રાખ,”

“જો માર્થા આતો તું છે એટલે વાત કરું છું પણ આ ખુબ જ જોખમી કેસ છે કમ્મરનાં ત્રણ મણકા ભાંગલા છે અને પ્રેગ્નન્સીનાં ચાઇલ્ડ નો ભાર તેણે લેવાનો છે. મને તો કલ્પના જ નથી થતી કે પ્રેગ્નન્સી દરમ્યાન આ છોકરી દર્દ કેવી રીતે ખાશે?”

“ આ લોકોની વાત સાંભળતા પરભુ બાપાને ધીરી બાની ચિંતા પહેલી વખત સમજાણી.”

માર્થા કહે “ તે બધુ બરોબર છે પણ આ દિવસનાં ૩૬૦ ડોલર?”

“ જો માર્થા હું તો સમજુ છું પણ ઘડીયાળનાં કાંટા સાથે ફીઝીકલ હાજરી પણ જરુરી છે ખરુંને? રાતનાં વેળા કવેળાએ કશુંક થાય ત્યારે મારા તો કલાકનાં ૨૦ ડોલર ક્યાંય અવળા નીકળી જાય. ચાલ મને રાતની મુક્તિ અપાવ અને સવારે ૮થી સાંજે ૮ સુધીનો સમય રાખ કે જેથી ૨૦૦ ડોલર માં કામ પતી જાય.”

ડાયેના-“ જો માર્થા એક વાત સમજ આ ૨૪ કલાક્ની નોકરી છે અને પેશંટ ક્રીટીકલ અવસ્થામાં છે.”

માર્થા કહે એટલે તો તને રાખવાની વાત આવે છેને? બાકી તેને સાચવનારા ૩ જણા ઘરમાં છે.”

ડાયેના કહે “ તે લોકોને સમજાવવાના અને સાચવવાના જ આ વધારાના પૈસા છે કારણ કે તેઓ પણ તેમની લાગણીઓને લીધે મારા કહ્યા પ્રમાણે ના કરે અને કેસ બગડે તે સહજ છે. આને પેશંટ મેનેજ્મેંટ પણ કહેવાય કારણ કે આ કેસમાં સહેજ શરતચુક એટલે દોષ નો ટોપલો ૨૪ કલાક હાજર રહેતી નર્સ ઉપર ઢોળાતા મીનીટ્ની વાર ના લાગે

શશી અત્યાર સુધી આ ચર્ચા સાંભળતો હતો. તેને થયું કે ડાયેના ઓળખાણમાં છે બીજી કોઇ નર્સની વાત આવશે તો તેના પણ ત્રાગા આના જેવા નહીં હોય એવું નથી. તેણે માર્થાને ઇશારો કર્યો અને કહ્યું કે તે આ ભાવે આવતી હોય તો ભલે આવે પણ ૨૪ કલાક્માં કોઇ પણ ખાડા પાડશે તો પગાર કાપી પણ લઈશ કહીને ડાયેના ને રાખી લીધી.

ડાયેના “ થેન્ક્યુ કહીને તેની ફરજો સમજાવવા બેઠી સવારે સ્પંજ અને જરુર પડે ત્યારે તેને નવરાવવાની , જરૂર પડે પૉટી આપવાની, તેને સાફ કરવાની, સમય સર દવા આપવાની અને સંતાન સાથે વખતો વખત માલીસ કરાવવવાનું અને સગર્ભાવસ્થાની દરેક કવાયતો કરાવવાની.

રાત્રિનાં વખતે નજીકનાં રૂમ માં રહેવાનું અને આ બધા રીપોર્ટ સમયસર ડોક્ટર ને પહોંચાડવાના.

સાથે સાથે એક કડક શરત તેની સુશ્રુષા અને સારવારમાં તે ડોક્ટર સિવાય કોઇનું કશું નહીં સાંભળે.

ભારતનાં વડીલોને જ્યારે આ બધી વાત થઈ ત્યારે થોડીક ચણભણ તો થઈ પણ ઇન્સ્યોરન્સ કંપની ની શરતોને આધિન તે શમી ગઈ.

મહીનો તો બરોબર ચાલ્યુ. પણ નહાતા નહાતા ટબમાં પગ સરક્યો..ડાયેનાએ ઝાલી તો લીધી હતી પણ કમરમાં ધીમો ધીમો દુખાવો ચાલુ થઇ ગયો હતો. તાબડતોબ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પીટલ ચેકિંગ માટે લઇ ગયા.. એક્ષરે પડાવ્યા અને ગાયનેકોલોજીસ્ટને પણ બતાવ્યું..રાતનાં દુખાવો વધતા ડૉક્ટરની સલાહ મુજબ કમ્મર ઉપર સહેજ પણ વજન ના આવે તે રીતે એક બાજુ પર તેને સુવાડી.

શશી રાતનાં બીયરનાં નશામાં હતો બાકી બધા જાગી ગયા હતા.સુશીલાથી સહન નહોંતું થતુ તેથી તે  રડતી હતી..કણસતી હતી..દેશી ઉપાયો ધીરીબા કરવા માંગતા હતા તેથી શેક કરવાની કોથળી આપી.ડાયેના તેવું કશું કરવાના મતની નહોંતી. તે તો ડોક્ટરનાં કહ્યા મુજબ દુખાવાની ગોળી આપી.સમય વીતતો જતો હતો અને ડાયેના ની સહેજ આંખ મિંચાઇ હશે ત્યારે કમરમાં શેકની કોથળી મુકી..થોડોક સમય તેને રાહત થઇ.અને ડાયેનાની આંખ ખુલી જાય તે પહેલા શેકની કોથળી કાઢી લીધી.

બીજા દિવસે સવારે તો કમર ઉપર સોજો આવી ગયો હતો.

ડાયેના આ જોઇને પહેલા તો વિચારમાં પડી પછી પુછ્યું “ શેક કોણે કર્યો?”

સુશીલા બોલી “બહુ દુખતુ હતુ અને તમે સુતા હતા તેથી દેશી વૈદુ સમજીને કર્યુ”

ડાયેનાએ ફરીથી તાબડતોબ એમ્બ્યુલંસ બોલાવી અને હોસ્પિટલમાં દાખલ કરી. દુખાવો કદાચ હંગામી મટ્યો હતો પણ મણકામાં પરુ થઇ ગયુ હતુ.

શશી સાથે લગભગ લઢવાનાં મૂડમાં જ તે બોલી..”.બહુ રસોઇઆ રસોઇ બગાડે તેવા ઘાટ છે.હું ઉંઘતી હતી એટલે જગાડાય ના? અને આ દેશી ઉપચારોની ઘસીને ના આજ કારણે પાડી હતી.”

શશી કશું જ ના બોલ્યો ધીરીબાને કારણે આ તકલીફ થઈ હતી

ડાયેના ફરીથી બોલી” જો પેશંટ કહ્યું ના માને અને અમારી ના ઉપર જાતે ઉપચાર કરે તો તે તબક્કામાં પેશંટ ની પીડા વધે અને અમારા ઉપચાર માં નિયંત્રણો વધે.સાતમો મહીનો બેસવાનો છે બાળક્નો વિકાસ એક સમસ્યા છે અને આ કમરના મણકા રુઝાય ના તો સીઝેરીયન ઓપરેશન સિવાય છુટકો નહી રહે. અને પેશંટ પછી ચાલતી થશે કે કેમ તે પણ એક પ્રશ્ન બનશે.

ધીરીબાની આંખોમાં ઝળ્ઝળીયા હતા..પ્રભુને પ્રાર્થના કરતા હતા કે આ છોડીને સારુ થઇ જાય. પણ જેટલી પીડા ભોગવવાની છે તેટલી ભોગવવાની જ છે.

ગાયનેક અને સર્જન બંને એ ભેગા થઇને તારણ કાઢ્યુ પેશંટને આઇ સી યુ માં મુકવો અને સોજો ના ઉતરે ત્યાં સુધી કડક દેખરેખમાં રાખવી. ડાયેનાનાં ઓવરટાઇમ ગયા પણ હોસ્પટલનું બીલ નાં આંકડા વધવા માંડ્યા. છતું સુવાય નહીં અને બાળક સાથે પડખાભેર સુવામાં શરીર ખુબ જ દુઃખી જાય. મહદ અંશે સીડેતીવ આપવામાં જોખમ હતું કે ઉંઘમાં હોય અને બાળકનાં હલન્ચલનમાં મણકા ઉપર દબાણ કે પગ વાગે તો તકલીફ થઈ જાય.

ધીરીબા કશું કરી ના શકવાને કારણે પોતાની જાતને ગુનેગાર સમજતા હતા… આ છોડીને મેં ઉપાધીનાં ખાડામાં નાખી દીધી…

સ્ટોર હોસ્પીટલ અને ઘર વચ્ચે શશી અને શ્યામા આંટા ફેરા કરતા રહ્યા.સુશીલાને કસરતો નથવાને કારણે શરીર ભારે થવા લાગ્યું..અને તે પણ કંટાળતી પરભુ બાપા કંટાળતા અને ધીરીબા પણ હતાશાની ગર્તામાં દાખલ થતા જતા હતા.તેમને અમદાવાદમાં તેમના સંતાનોની અને અત્રે સુશીલાની ચીંતા રહેતી જો કે પરભુબાપા સંકટ સમયે ગજબનૂં ધૈર્ય દેખાડતા અને બંને પક્ષે સમજ્ની રાહતનો લેપ લગાડતા રહેતા અને કહેતા કે ડોક્ટર જે કરી શકાય છે તે બધું કરે છે. આપણે ધીરજ જ ધરવી રહી. ધીરી બા લગભગ સુન્ન થઈને બેસી રહેતા.

નવમે મહીને ડૉક્ટર નાં કહેવા મુજબ સીઝેરીઅન ઓપરેશન કરવાનું નક્કી થયું. શશી સુશીલા સાથે ઝાઝો સમય કાઢી નહોંતો શકતો પણ તેને સુશીલાની તકલીફો ખુંચતી તો હતી જાને તેનાથી શક્ય બધું જ કરતો હતો.ઇન્સ્યોરંસ કંપની સાથે માથાકુટો એક બીજું તેને માટે શીરદર્દ બની ગયું હતું.

શ્યામાનાં બંને સંતાનો અમિ અને અભિજીત મામીની ખબર કાઢવા અવાર નવાર આવતા..અમિ ૪ વર્શની અને અભિજીત ૬ વર્ષનો. અભિજીતને સુશીલા જોતી અને કહેતી આતો બીલકુલ શશીની જ પ્રતિકૃતિ.

તેને જ્યાર સાતમા મહિને જાતિ પરિક્ષણ પરથી ખબર પડી કે બાબો છે ત્યારથી તે અભિજીત માં પોતાના સંતાન ની પ્રતિકૃતિ જોતી..શશીએ તો તેને સૉન કહેવાનું શરુ કરી દીધું હતું.

જે દિવસે ઇન્સ્યોરન્સ કંપની ની અનુમતિ આવી તેને બીજે દિવસે સીઝેરીઅન ઑપરેશન કરી શૉનને જન્મ આપવનું નક્કી થયું તે દિવસે ધીરી બાને હાશ થઇ.સુશીલાને માથે હાથ ફેરવતા બોલ્યા.. “હાશ બેટા હવે તું પીડા મુક્ત થઈશ.”

સુશીલાએ ધીરીબાનો હાથ માથે મુકીને કહ્યું..મા એટલે જ તો મહાન છે..નાના સંતાન નાં હસતા ચહેરાને જોવા કેટલી પીડા તે સહે છે. “ હા બેટા શૉન ને જોવા તું પણ કેટલી પીડાઈ છે.”બંન્ને માની આંખોમાં આંસુ હતા..જીવકોર બા પણાનંદમાં હતા..તેઓ દાદીમા બનવાના હતા.

ગાયનેક અને સર્જનની સહિયારી પાંચ કલાક્ની જહેમતને અંતે શૉન જન્મ્યો અને રડ્યો ત્યારે સુશીલા ઘેનમાં  હતી. હવે તેના મણકા સંધાવાનાં હતા.તેનૂ ઓપરેશન શરું થયા પછી બરોબર અડધા કલાકે શૉનને નવડાવીને કેડમાં ઘાલીને નર્સ બહાર આવી ત્યારે ૮ પાઉંડનો શૉન મલકતો હતોજીવકોર્બા એ પોતાના પૂત્રને માથે હથ ફેરવીને આશિર્વાદ આપયા..ધીરીબાએ પણ તેને વહાલ અને દુલારથી ભરી દીધો

શશી અને પરભુ બાપા પણ આનંદીત હતા છતા ચીંતા હવે સુશીલાની હતી..તેનૂ ઑપરેશન જોખમી હતું…કરોડ રજ્જુ ને સાચવતા મણકા ભાંગ્યા હતા.અને દબાયેલી કરોડરજ્જુ સાજી થૈ શકે છે જે નહીં તે જટીલ પ્રશ્ન નો જવાબ અત્યારે મળવાનો હતો.ડૉક્ટરે જ્યારે ઓપરેશન ની પ્રક્રિયા સમજાવી હતી ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે મલ્ટીપલ ઓપરેશનમાં ત્રણ મુખ્ય કામ છે

  • ડીલીવરી સફળતાથી કરી બાળકને જીવન આપવું
  • મણકાની સર્જરી કરી પેશંટને ઉભું કરવું
  • બંને જીવોને બચાવવા.

આ ત્રીજુ કામ સૌથી અટપટુ અને નાજુક છે કારણ કે અકસ્માત એવી રીતે થયો છે કે મોટાજીવને બચાવવામાં કદાચ જિંદગીભરની ખોટ પણ રહી જાય..એ સર્જરી ઉપર નિર્ભર છે.

શૉન ને નર્સ પાછી લઈ ગઈ ત્યારે જીવકોર બાને હજી પોતાની પાસેથી છોડવો નહોંતો..સુશીલાની સર્જરી ચાલુ થઈ ગઈ હતી.દર અડધા કલાકે તેનો અહેવાલ આપવા નર્સ આવતી હતી..પણ હજી સુખાકારીનો રણકો સંભળાતો નહોંતો.

ઓપરેશન કલાક ચાલવાનું હતું પુરા ત્રણ કલાકે જ્યારે ડૉક્ટર બહાર આવ્યા ત્યારે શશીને પુછ્યુ..મોટો જીવ બચશે તો ખરો પણ ખુબ જ વેદના અને પરાવલંબી જીવન જીવશે..કદાચ સતત પથારી વશ રહેશે.મણકાને પુનઃજીવીત કરવાના પ્રયત્નો અને એમનું મનોબળ તેમને પીડામાં થિ મુક્ત કરી શકશે પણ આવી પર્વશતામાં ખુબજ શક્યતા છે કે પેશંટ હતાશામાં જતું રહે. છેલ્લી વાત નાનું બાળક છે તેથી જીજીવિષા કંઇ નવા ચમત્કાર કરી પણ જાય.પણ આવા ચમત્કારો નાણાકિય દ્રષ્ટિએ ખુંવાર કરી નાખતા હોય છે.

પરભુ બાપાએ પુછ્યુ.. ડોક્ટર સાહેબ સુશીલાની જગ્યાએ તમારી દીકરી હોય તો તમે જે કરો તે કરો.

ડોક્ટર કહે શશી આપની જવાબદારી છે આપ તેને સારવાર અપાવો કે ભગવાન ભરોંસે મુકીદો. ડોક્ટર તરીકે અમે બધુ બળ અજમાવી ચુક્યા છીએ..અને અસ્ફળ છીએ.નાજુક મજ્જા તંતુ ખુલ્લા છે તે જો છુટા પડે તો મૃત્યુ અથવા કોઇ શારિરિક નબળાઇઓ જેવી કે લકવો કે અસહ્ય પીડા જ છે.

શશી જીવકોર બા સામે જોઇને બોલ્યો.. “બા આ ડૉક્ટર કહે છે સુશી ભગવાન નાં સહારે છે. ઓપરેશન આમ તો નિષ્ફળ જ છે. મારે તેને જીવાડવી હોય તો પૈસે ખુવાર થવાનું અને ભગવાન ભરોંસે એ ક્યારે દેહ છોડે તેની રાહ જોવાની..તે પોક મુકીને  રડ્યો…” સર્જને ટાંકા લીધા અને પેશંટને આઇ સીયુ માં ખસેડાઈ

પ્રકરણ ૮

પ્રકરણ ૮

ઓપરેશનની નિષ્ફળતાનાં સમાચાર ચિંતાઓનો ઢગલા ખડકવા માંડ્યા.

સહેજ પણ ઉભુ ના રહી શકે તે મા બાળક્ને કેવી રીતે ઉછેરશે?

કમ્મરનાં બે કટકા એટલે તો જાણે આજીવન પથારી ઉપર કાઢવાની સજા.

સજા એકલી સુશીલાને નહીં શશીને પણ મળી છે.

તેના પેટની અને શરીરની ભુખ કેવી રીતે શમશે ?

બાળકને સ્તન પાન તો કરાવશે પણ તેને ઉછેર કોણ કરશે?

અરે ભલા સુશીલાને કોણ સાચવશે?

શશી તો સ્ટોર સાચવશે ..કમાશે કે હોસ્પીટલનાં ધક્કા ખાશે?

નકારાત્મક વિચારોનું તો એવુંજ છે..તે ધીમે ધીમે અંતિમે ચઢે..

એના કરતા તો મરી ગઈ હોતતો સારુ થતે..એની જગ્યાએ કોઇ બીજી આવતે તો આ બધી તકલીફો શમી જાત ..

મહીનો બે મહીના રડી લેત..પણ આખી જિંદગી તો અપંગની સાથે કાઢવી ના પડે.

પરભુબાપાને દીકરી સાથે અમેરિકા નું પત્તુ પણ કપાતુ દેખાતુ….

ધીરી બા એકલી જ દીકરીને રડતા હતા.. અને વિચારતા હતા  અણી ચુક્યો સો વરસ જીવે. સૌ સારા વાના થશે.પછી વળી ફફડતો નિઃસાસો નાખતા મને વળી શું સુજ્યુ કે બેજીવાતી દીકરીને ટોકી અને આ અકસ્માત થયો..

શ્યામાદિ’ અને જીવકોર બા બીજી વાત લાવ્યા જો સુશીલાને સારી સારવારા આપવી હોય તો વંદના ને ફેરા ફેરવીને આણે લાવો..તે સગ્ગુ લોહી છે એટલે શૉન ને પણ સાચવશે અને શશીને પણ…વળી બહેનો છે એટલે ઈર્ષા પણ નહીં થાય.

ધીરીબાથી તો આ વાત જીરવાઇજ નહીં પણ પરભુબાપાને હૈયામાં ટાઢક થઈ ચાલો એક પલ્લામાં બે બહેનો મંડાઇ જશે

ધીરીબા કહે “તમે લાજો જરા..દીકરી જીવતી છે અને તેના સુહાગને ઓળવાની વાત કરતા શરમ નથી આવતી?એક ડોક્ટર કહે છે તેની વાત જાણે તે બ્રહ્મા હોય તેમ સાચી કેમ માની લીધી? પટ્ટો પહેરશે દવા કરશે અને કંઇક નિરાકરણ આવશે બીજા ડોક્ટરને બતાવશું..નકારાત્મક વિચારોને ભગાડો.આ શૉન તેનું નસીબ લઇને આવ્યો છે.ક્ષણભરમાં નકારાત્મક વાતાવરણ હલકું થઇ ગયું.

હવે વિચારો એ કે બંને જુવાનીયાઓને શૉન તરફે વાળીને તેમનું જીવન રાહ ઉપર કેમ ચઢાવીશું..આપણે અહીંથી જઇએ તે પહેલા તે બંનેને સહ્જ બનાવવા જે કરવું પડે તે કેવી રીતે કરશું?

રાત્રે હોસ્પીટલથી આવ્યા પછી પહેલા તમે શશીને વાત કરી લેજો અને અમે સુશીલા સાથે વાત કરી લઈશું.

પરભુ બાપા કહે “વાત તો આપણે પહેલા નક્કી કરીને છોકરાઓને સમજાવવાનાં છે.”

.શ્યામાદિ’ થેપલા લઈને આવી પણ સાંજે કોઇને અન્ન ગળે ના ઉતર્યુ..ખબર જ કંઇ એવી હતીને કે ભુખ મરી જાય. અભિજીતને સાથે લાવી હતી કે જેથી તેનું હોમ વર્ક કરાય. દેવેન આવે ત્યાં સુધી તે રહેવાની હતી..આમેય તેને સુગરલેંડ જતા ટ્રાફીક નડતો નહોંતો.વળી સુશીલાને તો આખીરાત ઉંઘની અસર રહેવાની હતી.

ધીરીબાએ શ્યામાને પુછ્યુ “આ હોસ્પીટલ સિવાય બીજી હોસ્પીટલમાં સેકંડ ઓપીનીયન લેવો છે તે થઈ શકે?”

“ હા હું ડોક્ટરનો ટાઇમ લઈ લઈશ પણ તેને રીકવર થવા થોડો સમય તો આપવો પડશેને?”

“આ ડોક્ટર મને ઠીક ના લાગ્યો.” જીવકોર બાએ ટીપ્પણી કરી.

શ્યામાદિ’ કહે “ બા અહીં કાયદા બહુંજ કડક હોય તેથી ડોક્ટર પોતે જે માનતો હૌય તે સ્પષ્ટ કહે અને રીપોર્ટમાં લખે પણ…”

જીવકોરબા તો શૉન કોના જેવો છે તે વિચારતા હતા તેમને નાનો શશીજ શૉન માં દેખાતો હતો જ્યારે ધીરીબા તો મકકમતાથી માનતા હતા કે ત સુશીલા જેવોજ હતો.. મતલબકે મોર્છા બધી ધીરી બા જેવી હતી. પરભુબાપા કહે અત્યારથી આ બધુ ના વિચારો.. છોકરું તો હજી કેટલાય મહોરા બદલશે…

પહેલા સંતાન નાં જન્મ ની ખુશી અને સુશીલાનાં ઓપરેશનની નિષ્ફળતા બે વિરોધાભાસી સમાચારો સુશીલાને કેવી રીતે આપવા તે વિચારતા હતા.

બીજે દિવસે સવારે ત્રણે વડીલો શશી સાથે જવા તૈયાર થઇ ગયા..શશી કહે તમારે આટલુ વહેલું જવાની જરૂર નથી. શ્યામા નવ વાગે આવીને તમને લઈ જશે.

શૉન ને ૨૪ કલાક થઈ ગયા હતા અને તેને જોવા સૌ ઉતાવળા થયા હતા.પણ શશીએ ટાઢું પાણી રેડ્યું. ત્યારે ધીરીબા બોલ્યા “આઈસીયુ નાં કાયદા જુદા હશે તું ખાલી હોસ્પીટલમાં મુકીને જા. અમને નહીં જવા દે તો અમે ત્યાં જ રાહ જોઇશું.જીવકોર બા ની હાલત પણ એ જ હતી..શ્યામાનાં બંને છોકરા હતા પણ શૉન તો વંશજ હતો તેથી તેમણે ધીરી બાની વાતને ઝીલતા કહ્યું “ હા શશી ભાઇ અમને તો આજે વહેલું જવું જ છે.”

“ ભલે ચાલો..ત્યાં બહાર બેસવાની તૈયારી રાખજો.” કહી શશીએ ગાડીમાં સૌને બેસાડ્યા.

સ્ટોર ખોલી માર્થાને ચાર્જ સોંપી શશી ત્રણેય વડીલોને લઇ હોસ્પીટલમાં આવ્યો. બેબી કેર વિભાગમાં નાના નાના ભુલકાઓનો રડવાનો અવાજ આવતો હતો.શશી આઈસીયુમાં સુશીલાને જોવા જતો હતો ત્યારે જીવકોરબા ને શૉન પાસે જવું હતું. અનુમતિ મેળવીને આઇ સી યુ માં પહેલા સુશીલાને જોવા શશી અને ધીરી બા ગયા ત્યારે જીવકોરબા અને પરભુ બાપા શૉન ને જોવા ગયા…દસ મીનીટે બે ય ગૃપ ધોયેલા મૂળાની જેમ પાછા આવ્યા. સુશીલા હજી ઘેનમાં હતી અને શૉન ઉંઘતો હતો,,પણ ત્રણેય વડીલો પોતાના સંતાનો ને જોઇ ને રાજી હતા.બંને ટોળકીનું સ્થળ બદલાયુ અને શશી સાથે બધા સ્ટોર પર પાછા જવા નીકળ્યા.પાછા જતા ક્ષણ ભર મલકી લીધા પછી એજ ગઈકાલની ચિંતા ત્રણેયને સતાવવા લાગી,

સ્ટોર ઉપર શશી તો કામે ચઢી ગયો..ધીરીબા અને જીવકોરબા ટ્રાફીક જોતા હતા. પરભુબાપાએ આ ગીર્દી પહેલી વખત જોઇ હતી કૉફીનાં પૉટ દર પાંચ મીનીટે બદલાતા હતા. સવારનો ટ્રાફીક લગભગ ૮ વાગ્યા સુધી ચાલ્યો.

નવનાં ટકોરે શ્યામા આવી અને ત્રણેય વડીલોને લઇ ને હોસ્પીટલ પ્રયાણ કર્યુ.

ધીરીબાએ પહેલો જ પ્રશ્ન પુછ્યો.. “કોઇ બીજા ડોક્ટરની એપોઈંટમેંટ મળી?” હા પણ એક મહિના પછી ની તારિખ છે અને તેમને એક્ષ રે મોકલવાના છે.દેવેન નાં સગામાં છે તેમની સાથે વાત કરી તો કહે કયા મણકા ઉપર ઈજા થઈ છે તે તેમને જાણવામાં રસ છે..”

“પણ તેમને તમે પુછ્યુ પેલા ડોક્ટર કહે છે તેમ જાનનું જોખમ છે?”પરભુબાપાએ અધીરા થઇને પ્રશ્ન પુછ્યો”.

“ હા પુછ્યો હતો અને તેમણે એક્ષરે જોયા પછી જવાબ આપવાનું કહ્યું છે”.

ત્રણેય વડીલોની આંખો એક થઇ અને નક્કી થયું કે રોગની ભયંકરતાની વાત હમણા સુશીલાને જણાવવી નથી.. ફક્ત શૉન અને શૉન જ ઉજવશું. શ્યામા પણ તેમજ માનતી હતી.

શ્યામાએ તે ડોક્ટરે કહેલ વાત યાદ કરતા જણાવ્યું કે આ બીમારી કાળજી રાખો તો ડાયાબીટીસ જેવી ગૌણ છે..પણ શરત ચૂક થાય તો દર્દીની જાન પણ જઇ શકે છે.

હોસ્પીટલ આવી ગઈ હતી.

સુશીલા હજી ભાનમાં આવી નહોંતી પણ તેના થાનલે થી દુધ વહેતું હતું.

પરભુ બાપા બોલ્યા છે ને પ્રભુની અસ્સલ કૃપા..બાળકનાં જન્મ સાથે જ તેનું ભરણ પોષણની પણ વ્યવસ્થા થઇ જાય.

નર્સ કહે છે આ  સારી નિશાની છે પેશંટ હવે ભાનમાં આવી રહી છે.

પરભુ બાપા બહાર જઈને બેઠા..શૉન ને લઇને નર્સ આવી ત્યારે તે ઝીણું ઝીણું રડતો હતો…

નર્સે સુશીલાનાં થાનકો સાફ કરીને શૉન ને તેની નજીક મુક્યો.. સહેજ હલન ચલન કરી શૉન થાનલે વળગીને ધાવવા મંડ્યો અને સુશીલા એ ઉંહકારો ભર્યો..

નર્સે સહેજ ઉંચો કરીને તેને થાનલાની નજીક રાખ્યો કે જેથી સુશીલાને કમરે વજન ના આવે. બંને મા અને નર્સ જોઇ રહ્યા હતા..અને સુશીલાએ આંખ ખોલી..શૉન ને જોઇને તેણે તેન બુચકાર્યો.. જાણે તે સાંભળતો હોય તેમ તેણે હુંકારો ભર્યો. થાનલું છોડ્યુ અને માની સામે જોઇને મલક્યો…

નર્સે “ વજન ના લેશો” કહી સંતાન ને થોડું નજીક કર્યુ..વહાલનો ઉછાળો આવતો હતો પણ ધીરીબા અને જીવકોર બા તેને કહી રહ્યા હતા..”તારો આ નવો જન્મ છે મોટા ઓપરેશનમાં થી તું હજી બહાર આવી રહી છે..તારો પુત્ર બહું જ સરસ અને રુપાળો છે પણ હજી ડોક્ટરે તને મર્યાદીત હલન ચલન ની છુટ આપી છે તેથી વહાલથી સ્તન પાન કરાવ. પણ હજી ધીરી બાપુડીયા છે .

શ્યામા ધીરીબા અને જીવકોરબા ચિંતિંત હતા અને સાથે સાથે કુદરતનાં ચમત્કારોને જોઇ રહ્યા હતા.. આટલા નાના સંતાન ને ભુખ લાગે ત્યારે ખાવાનું ક્યાંથી મળશે અને કેવી રીતે મળશે તે કોઇએ શીખવાડ્યું નહોંતુ છતા મા દીકરાનાં દુગ્ધ પાન અને દાન નાં ચમત્કાર જોઇ રહ્યા હતા ચારેય માની આંખો ખુશી મિશ્રિત સંતોષથી છલકતી હતી.

નર્સે બીજા થાનલાને પણ આજ રીતે બહુ સાવધાની થી શૉન પાસે લેવડાવ્યું. એક પૂર્ણ સંતોષ સાથે મા અને દીકરો એ પૂનિત પળોને માણી રહ્યા.

કમરમાં સણકા હવે વધુ જોર પકડી રહ્યા હતા તેથી નર્સે ગ્લુકોઝનાં બાટલામાં એનાલ્જીનનું ઈંજેક્ષન આપીને કહ્યું હવે દુઃખાવો મટશે પણ કમર પર સુવાની મનાઈ છે. પડખાભેર હજી સુવાની ટેવ ચાલુ રાખવાની છે. સુશીલાની આંખોમાં ઉદાસીનતા ઉભરાઇ આવી…

જીવકોરબા ને ઉદ્દેશી ને તે બોલી “બા! તમને મારા હાથનું જમાડવા બોલાવ્યા અને નસીબ તો જુઓ મને હલવાની પણ છૂટ નથી.. મને માફ કરજો બા!”

“ અરે બેટા! આટલી મોટી ઘાતમાંથી તું ઉભી થઇ છે તે વાતનો ઉપકાર માન.અને આ તારા દીકરાએ તને નવી જિંદગી આપી છે તેમ માન.અને અમારી ચિંતા તું ના કર.. તારેતો તારી જાતને સંભાળવાની છે.”

“ પણ બા…” બોલતા જ તેની આંખો ઢળી ગઈ ઇંજેક્ષન ની દવા તેની અસર કરતી હતી.અને શૉન ને માનાં દુધની અસર થતી હતી..બેઉં મા અને દીકરો સુઈ ગયા ત્યારે નર્સે જવાનો ઇશારો કરીને બહાર નીકળવા કહ્યું.પરભુ બાપાએ અંદર આવીને મા અને દીકરાને મીઠી નિંદરે સુતેલા જોઇને દુરથી જા આશિર્વાદ આપ્યા..ઘણું જીવો.

પાછા વળતા શ્યામાએ ફરી એજ વાત કાઢતા કહ્યું “ ધીરી બા! આ બીમારી સામે ઝઝુમવાનું તમારી અને જીવકોર બા એ બંનેની પહોંચ બહારનું છે. વંદના ને અત્યારે બોલાવી લો.એ સુશીલાની સાથે રહીને શૉન ને મોટો કરશે.અને ઘરનાં રોટલા ટીપશે. અહીં મેડીકલ ખર્ચા ખુબ જ મોંઘા છે ”

“ હજી અમે અહીંયા છીએ ત્યાં સુધી તો એ પ્રશ્ન નથીને?”

“ હા પણ ત્યાર પછી શું? તમારી મહીનામાં તો જવાની તૈયારી થશેને?”

“ હા એ ચિંતા તો અમને કોરે છે.. આ ખાટલો તો આખા વરસનો છે.”

પરભુબાપા બોલ્યા “પેલા ડોક્ટર શું કહે છે તે જાણી લઈએ પછી વાત..તમે તેમને એક્ષ રે જલ્દી માં જલ્દી પહોંચાડો.”

જીવકોર બા ધીરી બાનો ખચકાટ સમજી શકતા નહોંતા અને આ નિરાકરણ બધાના હિતમાં હતું.

ધીરીબા બોલ્યા “ શ્યામાબેન આ ખાટ્લો આખી જિંદગીનો છે. તમે એમ માની લીધું છે કે સુશીલા બહુ બહુ તો વરસ જ જીવશે અને તેથી શૉન માથે સાવકી મા લાવવાને બદલે માસી લાવવી એ વહેવારીક વાત છે. પણ મને એવું લાગતું નથી મને તો એમ જ છે કે તે જીવવાની જ છે. તે તબક્કામાં આપણે તેને અન્યાય નથી કરતા? તેનો સુહાગ નાં ભાગલા પાડીને?

જીવકોરબા ધીરીબાનાં મનની વાત જાણીને બોલ્યા” ધીરજ બેન આપણે ઇચ્છીએકે સુશીલા ઉભી થાય તો તે તબક્કામાં સુહાગ વહેંચાતો નથી.. બે દીકરીઓ સોભાગ્ય વંતી બને છે. અને આપણે તો આજનું જ વિચારવાનું ને? કાલે ઉઠીને કંઇક ભુંડુ થશે તેમ કેવી રીતે વિચારાય?તમે જે રીતે વિચારો છો તેજ રીતે વિચારીને શ્યામા કહે છે વંદના હશે તો શૉન સારી રીતે ઉછેરશે અને સુશીલા પણ પક્ષઘાત જેવા આઘાતોમાંથી બચશે.”

ઘર આવી ગયું હતું

ધીરીબા હજી પીગળ્યા નહોંતા તેથી ઘરમાં જતા જતા શ્યામાએ નવો મુદ્દો રજુ કર્યો.આપણે ડોક્ટરની તારીખોની રાહ જોવાની જરૂર નથી હું તેમને લઇ ને હોસ્પીટલ લઇ આવું છું અને જરૂર હશે તો મુખ્ય અહીંનાં ડોક્ટર સાથે વાત કરાવીને રોગની ગંભિરતા કેટલી છે તે સમજી લઈએ તો કેવું?”

“ ભલે” ધીરીબા બોલ્યા.તેમની આંખો છલકાતી હતી.

તેઓ જાણતા હતા કે વંદના અને સુશીલાની સરખામણી ના થાય તે ચોક્કસ જ સુશીલા અને શૉન ને ત્રાસ આપીને શશીને ઑળવી પાડે તેવી હતી. પંડની છોકરીને સારી રીતે જાણે તેથી ઝઝુમતા હતા કે બકરુ કાઢતા ઊંટ ના પેસી જાય.

બીજે દિવસે સર્જન ડૉ.પટેલ રીચમંડથી દેવેન સાથે આવ્યા ત્યારે શશી સહિત સૌ ત્યાં હાજર હતા.

એક્ષ રે રીપોર્ટ અને ઓપરેશન કરેલું તે સર્જન પણ ત્યાં હાજર હતા

ધીરીબા ઇચ્છતા હતા કે આ મીટીંગ સુશીલાથી છાની થાય પણ તે શક્ય ના બન્યું. સેકંડ ઓપિનિયન પેશંટની હાજરીમાં કરવો પડે તેથી તે જાગૃત હતી અને તેની હાજરીમાં સર્જને તે બધી જ વાત ડૉ પટેલને કહી. ડૉક્ટર પટેલે રીપોર્ટ અને એક્ષરે વાંચીને એટલું જ કહ્યું પેશંટ અકસ્માતેજ બચી શકે..તેમની જાળવણી ખુબ જ જરૂરી છે. નાનો સરર્ખો ધક્કો પણ જો મજ્જા તંતુ પર વાગેને તો કાં પેરેલીસીસ કાં મૃત્યુ લાવી શકે છે. જો કે પેશંટની જીજીવિષા આ બધા ભયજનક કથનો ને ખોટા પાડી શકે છે.શશીની આંખોમાં છલકતા આંસુઓ જોઇને સુશીલા પણ રડી અને પછીતો સૌ રડ્યા

ડૉ પટેલે પણ સત્ય જ કહ્યું તેમની ભાષા શિષ્ટ હતી પણ ક્યાંય ખોટો આશાવાદ નહોંતો. સુશીલા પહેલી વખત સત્ય સાંભળીને ડરી.મારા વિના શશીનું ધ્યાન કોણ રાખશે અને શૉન નું શું? એ બે વેદના મોટી હતી.

તે આ નવા સત્યોની ભયાનકતા સહજ રીતે સમજવા મથતી હતી પણ જેમ વિચારતી જતી હતી તેમ તેની હામ બેસતી જતી હતી. કમરનું ઓપરેશન નિષ્ફળ ગયું છે તે સમાચાર શૉન ના જન્મની ખુશીને પાંગળી કરી દીધી..તેનું મન હવે શું? ની ભયાનક શક્યતાઓમાં ઘેરાતુ ગયુ. તેને શૉકમાં જોઇને જીવકોર બા બોલ્યા “ માણસ ચાંદ પર પહોંચ્યો વિજ્ઞાન ઉપર અને પરમ કૃપાળુ પરમાત્મા પર ભરોંસો રાખવો રહ્યો.” “અને અમે બધા છીએ ને તને તકલીફ નહીં પડવા દઈએ” ધીરીબાએ તેને હળવી કરવા કહ્યું

ડૉ પટેલને સુશીલાએ સીધ્ધુજ પુછ્યુ મારુ ઓપરેશન નિષ્ફળ ગયું છે તેનૂં કારણ મારે નથી જાણવુ..પણ તે બેચાર મહીને ફરી સફળ કરવા મથી શકાય?

ડો પટેલ કહે “જો બેન આપણા શરીરમાં ઘણી બધી સર્જનાત્મક શક્તિઓ છે પણ વિજ્ઞાન મજ્જા તંતુ રીજનરેશન્માં નિષ્ફળ રહ્યું છે તેનો અર્થ એવો નથી કે પ્રયોગો બંધ છે.હું તને આશાઓ  હજાર આપી શકીશ પણ જે સત્ય છે તે ડૉક્ટર ની ફરજ પ્રમાણે કહીને છુટે છે.

ઍક સમતૂલા સમજવાની જરૂરી છે કરોડરજ્જુ ની સાર સંભાળ હલનચલન બંધી માંગે છે જ્યારે આપણું જીવન એવું છે કે હલન ચલન સતત રહે છે. કરોડ રજ્જુ નાના ઝટકા સહજતાથી સહી લેછે જ્યારે બેન તારા કેસમાંતે એટલુ સહજ નથી કારણ કે રજ્જુ ખુલ્લી છે મણકો૯૦% ભાંગી ગયોછે.અને જે ૧૦% બાકીછે તેને આખો મણકો સર્જતા ઘણા દિવસો લાગી શકે છે…એટલા બધા દિવસો તારા માટે હલન ચલન રહીત રહેવાનું લગભગ અશક્ય છે.કારણ કે તું મા છે અને તારે માથે જવાબદારી છે.”

“પણ એ મણકો જલ્દી સર્જન થાય તેવી કસરતો કે દવાઓ હશેને?”

“છે ને બેના..પણ જે સમતુલાની વાતો કરું છું તે સમતુલા સાચવવી કે સચવાવી બહુંજ કઠીન છે.૧૦૦૦ પેશંટે એક નો રેશીઓ કહી શકાય.” બધા પેશંટ એટલી બધી ધીરજ ધરાવતા હોતા નથી.”

“ ઍટલે ધીમું મોત એમ જ ને?”

“ જો બેના પીડા અગત્યની વાત છે અને તે સહેવાની તાકાત દરેકમાં સરખી હોતી નથી. દવાઓ બહું બહું તો થૉડા સમયની રાહતો આપે. પણ સંપૂર્ણ સાજા થવા માટેની દડમજલ બહું લાંબી હોય છે.”

“ ડોક્ટર સાહેબ આ તો જાણે એવું થયું કે આગળ કુવો અને પાછળ ખાઇ.”

“ હા બહેન વાત તો તમારી સાચી છે હું સદભાગ્યે હજારે એક પેશંટ તરીકે તમને જોઇ રહ્યો છું અને તેના બે કારણૉ છે એક તો તમારું સંતાન અને બીજું તમારું મનોબળ. દુન્યવી પરિબળો ગમે તે આવે પણ સંતાન માટે માતા ગમે તેવા ભયો સામે ઝઝુમે છે. તમારો મોટૉ ભય છે શરીરની સર્જન શક્તિ ઓછી અને તેને રુંધતા પરિબળો ઘણા છે.”

ધીરીબા બોલ્યા “ પટેલ સાહેબ તમારી છોડી આવી તકલીફોમાં હોય તો તમે શું કરો એ અમને સમજાવો કે જેથી આ છોડી હેમ ખેમ ખાટલે થી ઉભી થાય.”

ડોક્ટર સાહેબે ક્ષણિક મૌન રહીને ગુજરાતીમાં કહ્યું. આ રોગની દવા શારિરિક તો છે જ પણ તેનાથી વધુ માનસિક છે. જેમકે સુશીલા બેને માનવું જ રહ્યું કે શૉન એ એમની જવાબ દારી છે તેથી તબિયત સાચવવાની સાથે સાથે તેમના મન ને સતત કહેતા રહેવું પડશે કે તે હજારોમાંની એક છે . તે બચવાની છે તેથી જ તો અત્યારે સગર્ભાવસ્થા પુરી કરીને માતૃપદ પાંમી છે આ બધામાં પ્રભુનો સુચિત સંકેત છે કે શૉન ને અત્યારે જાળવવાનો છે.

દેવેન અને શશી આ સંવાદ સાંભળી રહ્યા  હતા ત્યારે તેમના મનમાં પ્રશ્ન થયો કે આ સર્જન છેકે મનો ચિકિત્સક.?

છઠ્ઠીનાં દિવએ શ્યામા ફોઇ એ નામ પાડ્યુ સોનમ હોસ્પીટલમાં તો જન્મ પહેલા નામ અપાઇ ગયુ હતુ તેથી શૉન કે સોનમ નામાભીધાન ની વિધિ વખતે તે મલકતો હતો જાણે તેને બધીજ સમજ ના પડતી હોય.. માથે હાથ ફેરવીને કહ્યું ડાહ્યો થજે અને મા બાપની સેવા કરજે.અને ફરીથી તે મલકી પડ્યો બીલકુલ શશી જેવો.લાગતો હતો

દસેક દિવસ પછી રી હેબ માં ટ્રાન્સ્ફર થઈ.દવાની અસર સારી હતી તેથી કમરને તકલીફ આપ્યા વિના જીવતા શીખવાડવાની તાલિમ અપાવાની હતી.બેલ્ટ પહેરાવવાનો હતો અને ખાસ તો પડખુ બદલવાનું શીખવાનું હતું

આ તાલિમ દરમ્યાન એક શીફ્ટ ડાયેના ની પણ હતી.

તેની કડકાઇથી તો આખુ કુટુંબ વાકેફ હતુ..પણ તેજ કારણે તે ત્યાં હતી..પણ ઇન્સ્યોરન્સ કંપની ચુકવવાની હતી અને ઓવર ટાઈમ નહોંતો આપવાનો. નાના શૉન સાથે ત્યાં રહેવાની પરવાનગી હતી…પરાધિન અવસ્થા અને સ્વમાન ભારોભાર પછી હતાશાને આવતા કંઇ વાર લાગે?” પણ શૉન એની સામે જ્યારે જોતો ત્યારે ડૉ પટેલનાં શબ્દો તેને યાદ આવતા..પ્રભુએ તેને જીવાડી છે કારણ કે શૉનની તે જરુરિયાત છે.

તેને કદીક તો મરવાના વિચારો તો કદીક શશીનાં વિચારો આવતા. કદીક સપ્ત્પદીનાં નિયમો ગુંગળાવતા…મેડી કેર મળી ગયુ હતુ તેથી નાણાકિય રીતે શશી ખુંવાર થતો બચ્યો હતો. શૉન દિવસે દિવસે મોટો થતો હતો તેની જરુરીયાતો વધતી હતી.અને સુશીલાનો અપંગપણા નો અહેસાસ પણ વધતો હતો.તેને ઝાડો પેશાબ સ્નાન દરેક ઠેકાણે નર્સો પર આધારીત રહેવાનું હતું ધીરીબા કહેતા રહેતા હતા સુશીલા હકારાત્મક રહેજે…રીહેબની કસરતો અને આવી સારવાર અમેરિકામાં જ શક્ય છે..

સુશીલા સમજતી હતી પણ તે શશી માટે તદ્દન નકામી થઈ ગઈ હતી. .ન તેના પેટની ભુખ શમાવી શકતી હતી કે ન શરીરની ભુખ શમાવી શકતી હતી.હા શૉન જ્યારે તેની નજદીક હોય અને જ્યારે તેને તે રમાડતી કે જમાડતી ત્યારે તે સ્વર્ગમાં હોય તેમ તેને લાગતું..

આ વખતે એક્ષ્ટેન્શન શક્ય નહોંતું એટલે ભારત જ્વું જ પડે તેમ હોવાથી ત્રણેય વડીલ દુખતા હૈયે તૈયાર થતા હતા.ઘરે આવીને રોજ એની એજ વાતો થતી હતી રીહેબમાં સારી સારવાર થાય છે પણ તે ક્યાં સુધી?

પરભુબાપા અને ધીરી બા વચ્ચે કાયમ વિવાદો થવા માંડ્યા હતા. ધીરી બા વંદનાને અહીં લાવવાની વાતને જ અયોગ્ય માનતા હતા..તેથી તેણે ફોન ઉપર વંદનાને કહ્યું જો બેટા તારા બાપા અહીં તને સુશીનાં સુહાગ ઉપર લાવવા માંગે છે..તેનું કારણ તેઓ ડોક્ટર્નું કહ્યું સાચુ છે એમ માની ને સ્વિકારી લીધું છે કે સુશીલા લાંબુ નહીં જીવે તેથી તને અહીં બેસાડીને અમેરિકાની બારી ખુલ્લી રાખવા માંગે છે. મને કોણ જાણે કેમ એવું નથી લાગતું.મને લાગેછે કે જે રીતે તે આટલો ગંભીર અકસ્માત થી બચી છે અને ત્યાર પછી સુવાવડ ની ઘાત પણ ઝેલી ગઈ છે તે ઉપરથી મને એવું લાગે છે તે જીવશે જ.હવે ૫૦ટકા ની આ શક્યતાઓને સંભાળવા તારા બાપા અને શ્યામા બેન મને સમજાવવા મથે છે કે તું સુશીલાની હયાતીમાં તેના બાળકોને ઉછેરવા બીજવર સાથે લગ્ન કરવાની વાત કરે છે. કાલે ઉઠીને વિજ્ઞાન ચમત્કાર કરે અને તે સાજી થઈ જાય તો? મારી બંને છોડીઓનું જીવન બગડેને?

સામે છેડે મૌન હતું

ધીરીબા એ વાત આગળ વધારતા કહ્યું.” આ અમારા વિચારોની સુશીલાને હજી જાણ નથી કે નથી શશીને કશું પુછ્યુ.. પણ મને આ સહેજે ય ગમતું નથી. કારણ કે પુરુષ માટે તારો ઉપયોગ ભુખ પુરી કરવા માટે છે પણ તારું પોતાનું જીવન પહેલે દિવસ્થી જ શૉન અને સુશીલાને સંભાળવાથી શરુ થાય છે..મને તો આ ખાડો જ લાગે છે. એક સાથે મારી બે છોડીઓને ભરખી ખાવની વાત જ લાગે છે.

વંદનાએ ફોન ઉપર જ પુછ્યુ..”બાપાને આપોને”

પર્ભુ બાપાએ ફોન લીધો અને પુછ્યુ “ બેટા વેવાઇ વરતમાંથી આવેલી વાતને ઝિલી સમજવાનો મારો પ્રયત્ન છે.જે તારી બા જુદી રીતે લે છે.અમેરિકાનું તબિબી વિજ્ઞાન જ્યારે ના કહી દે ત્યારે સામાન્ય માણસો ૯૦ ટ્કા સ્વિકારી જ લે છે. પણ તારી બા તે વાત માનતી નથી અને તેને એમ લાગે છે કે સુશીલા બચી જશે.હું તો એવું માનુંછું કે વહેવારીક રીતે હલન ચલન કર્યા સિવાય રહેવું તે ખુબ જ અઘરી વાત છે. અહી કહે છે હજારે એક જણ બચે છે અને તે જે દર્દ સહી શકે છે..કદાચ કાલે ઉઠીને તેવું બન્યું અને સુશીલા ના હોય ત્યારે શૉન ને સાચવવાનું કામ પારકી મા કરે તેના કરતા બેન કરે તો તે સારું જ છે ને તે દલીલને હું વધારે માનું છું અને એક બીજી વાત શશી તને હા પાડશે કે નહીં તે પણ હજી પ્રશ્ન ઉભો જ છે.”

જીવકોર બેને ફોન હાથમાં લીધો અને કહ્યું “ જુઓ તમે લોકો ભણેલા વધું તેથી અમારા જેવાની વાત કદાચ ના સમજાય પણ હું તો એવું માનું છું કે ક્યારેક શૉન ને સાચવવા થોડોક ભોગ આપવો પડે તો આપવો જોઇએ..ધીરીબા આ ઘટનાને સુશીલાનું સુહાગ છીન્યુ કહે છે જ્યારે હું એવું પણ બને છે કે બે દીકરીઓ સૌભાગ્ય વંતી બને છે જેમ ગણપતિને રિધિ અને સિધ્ધિ હતા.જો બેન મને તો મારા વંશજની ચિંતા છે

“ માફ કરજો ધીરીબાને આપશો?” વંદનાનાં મનમાં કોણ જાણે કેમ ફટાકડા ફુટતા હતા.. અમેરિકા અને આટલું ઝડપે?

“હલો” ધીરીબાએ હળવેથી કહ્યું

“ બા. મને લાગે છે કે બાપા સાચા છે..શશીજીને વાંધો ના હોય તો અમેરિકા મને આવવુ છે.. કોઇ પણ ભોગે…”

.ફોન મુકાયો ત્યારે પરભુ બાપાને એક પંથ દો કાજ જેવું લાગ્યુ વળી શ્યામળી વંદના ને શશી જેવું પાત્ર ક્યાં મળવાનું હતું

કહે છે ને કે દુઃખનું ઑસડ દહાડા…૯૦ દિવસ રી હેબ નાં પણ પુરા થયા અને ઘરે આવી ત્યારે શૉન ચાર મહીના નો થઈ ગયો હતો અને વંદના શશીની જિંદગીમાં આવી ગઈ હતી.પરભુ બાપા અને શ્યામા દિ’ સામે ધીરીબા નું કંઇ ના ચાલ્યુ. અને સુશીલાને પુછવું કોઈને જરૂરી ના લાગ્યુ. તેઓ એ તો માની જ લીધું હતું કે સુશીલા હવે થોડા દિવસની મહેમાન છે.સપ્તપદિનાં નિયમો ફક્ત સુશીલા માટે જ હતા શશી માટે આખી જિંદગી હતી.. અને ભાંગેલી સુશીલા નો સાથ ક્યાં આખી જિંદગી રહેવાનો હતો?

પછીની વાત લાંબી નહોંતી. ત્રણેય વડીલો સાથે શશી પણ ભારત આવ્યો. કોર્ટ રાહે લગ્ન કરીને વંદનાનાં કાગળો કર્યા.અને સુશીલા રીહેબમાંથી આવવાની તારીખ પહેલા વંદના ઘરમાં હાજ્ર હતી

શશીની બેવફાઇ કે વંદના જ શૉક્ય બની તે વાત તેને હતાશા તરફ ઘસડતી રહી હવે શૉન જ્યારે તેને થાનલે વળગતો ત્યારે તેને ખુબ જ સંતાપ થતો.તેનું વાત્સલ્ય સુકાતું જતુ હતુ.

શશી જ્યારે તેની નજીક આવતો અને તેના વાળને પ્રસારતો ત્યારે સુશીલા તેને “ બે વફા” કહીને ધુત્કારતી પછી કહેતી પણ કે “તેં પણ માની જ લીધુને કે હું થોડા સમયની મહેમાન છું?”

શશી ઉઠીને જતો રહેતો અને જતા જતા કહેતો પણ ખરો “ હા. સુશી હું તારો દોષી છું પણ…”

સુશીલા બરાડતી.” પણ શું?”

એ શું નો જવાબ એક દિવસ શ્યામા દિ’ એ આપ્યો

“ તું જતી રહે અને શૉન ને મોટો કરવાનો આવે ત્યારે ત્રાહિત સ્ત્રી કરતા બેન જ કરે તો તે લોહી તો ખરુંને?

અચાનક સુશીલા ખડખડાટ  હસવા માંડી…અને બોલી “મારું બધું છીનવી લીધું”

તેનાં હાસ્યમાં પરભુ બાપા પ્રત્યે આક્રોશ હતો..વંદના માટેની નફરત હતી.. શ્યામાદિ માટે પણ ભારો ભાર તિરસ્કાર હતો..શશીનાં દારુ માટે કરૂણા હતી. તેના હસતા શરીરનાં ઉછાળાઓમાં આત્મ ગ્લાની ભરેલી હતી..ક્યાંય સુધી સુશીલા હસતી રહી.

શૉન ને લઇને શ્યામાદિ’એ તેને હાથમાં આપ્યો. ત્યારે તેનું હાસ્ય પહેલી વાર રૂદનમાં ફેરવાયું

તેને રડવા દીધી.

શૉન અને શશી સાથે તેને એકલો મુકીને વંદના અને શ્યામાદિ’ બહાર નીકળી ગયા..

જિંદગી નવો વણાંક લઇ ચુકી હતી.. શશી એક વધુ જવાબદારીમાં બંધાઇ ચુક્યો હતો..ગાંડી સુશીલા સાથે તે સપ્તપદીનાં નિયમો સાચવતો હતો

દવા અને તાલિમનાં કારણે સુશીલા વેદનાને અને વંદનાને ઝેલતી તો થઈ ગઈ. પણ ઘણીવાર શૉન ને શશી સમજીને હડસેલતી..કાયમ ગણગણતી

તેં ના પાળી સપ્તપદીની  પ્રતિજ્ઞા સજનનવા

હું તો કુવો ભરીને રોઈ મારા બેવફા સજનવા

આ બાજુ વંદના સાથે કૉર્ટ લગ્ન અને તેની સાથે હનીમૂન જેવી ઘટનાઓ માં શશી સુશીલાને ભુલી તો શક્યો નહોંતો પણ દિમાગ અને દીલની લડાઇમાં તે સતત ઘવાતો અને લોહીલુહાણ થતો હતો.ગાંડી સુશીલાનાં દરેક હાસ્યો તેને ખુબ રડાવતા.. એક દિવસ એવો આવ્યો કે જ્યારે શૉન ને પકડીને જાળવવા જતા તેનૂ બેલેન્સ ચુકી ગયું અને ખાટલેથી નીચે પડતી સુશીલાનાં વજન હેઠળ શૉન દબાયો. સુશીલાની મજ્જા તંતુ છુટી પડી અને બંને ઘડીમાં હતા ના હતા થઇ ગયા.

ધીરીબા ને તો આ સમાચારની કોઇજ નવાઇ ન હતી..એક દિવસ તો આ થવાનું જ હતું. થઈને રહી ગયું