સેતુ -વિજય શાહ

સેતુ

પ્રકરણ ૧

બાપ અને બેટા વચ્ચે બનત હોવાની શક્યતા ત્યારે જ હોય જ્યારે બંનેનું દ્રષ્ટી બિંદુ એક હોય… પણ ૨૫ થી ૩૦ વર્ષનો ગાળો દ્રષ્ટી બિંદુને એક કરવા માટે બહું ઉંચી સમજ જોઇએ કારણ કે વૈજ્ઞાનીક રીતે જોઇએ તો બાપનું દ્રષ્ટી બિંદુ  ૬૦ વર્ષનું અને દીકરાનું દ્રશ્ટીબિંદુ ૩૦નું ..બંને એક થાય તેવું તો ત્યારેજ બને જ્યારે બાપ ભૂલકણો થાય કાં દીકરો શ્રધ્ધેય.. એક્વીસમી સદીમાં બંનેય અશક્ય…

ડો. કીર્તિ પુજારા આમતો હ્યુસ્ટન નાં ખ્યાત નામ રેડીયોલોજીસ્ટ અને એમ ડી એંડર્સનમાં સારી જગ્યાએ તેથી પૈસા અને સમૃધ્ધિ પુરતી.તેથી દીકરા માટેનાં સ્વપ્નો પણ ખુબ જ ઉંચા.. ક્યારેક જોવું તો જોઇએ કે દીકરા ઉપર શમણા બાંધવા સરળ પણ દીકરાના શમણા સાથે તે મેચ થાય છે કે નહીં તે જોવાનું જરુરી છે કે નહીં?

કાર્તિક તેના પપ્પાનો એક્નો એક દીકરો વળી નાનો અને ચપળ અને હોંશિયાર..વળી આ વખતે સ્કુલ ગ્રેજ્યુએશન વખતે વેલેડૅક્ટોરીયન સ્પીચ પણ આપવાનો તેથી કીર્તિ અને સાધના બહુજ ખુશ ખુશાલ હતા. જો કે બધી જ કેળવણી નો જશ સાધના ને હતો કીર્તિ તો ડોલર રળવામાં અને ઇમેજીઝ વાંચવામાંથી ઉંચો નહોંતો આવતો હા જ્યારે તેના નિદાન થી બચેલો દર્દી કેન્સર હોસ્પીટલનું પગથીયુ છોડતો તે દિવસ તેને માટે ખુશીનો દિવસ હતો.કિર્તિની બે દીકરીઓ.. બંને કાર્તિકથી મોટી અને બંને બેનો ને ભઈલો ખુબ જ વહાલો.. જે સાસરવાસી થયા પછી ફોન ઉપર જ વહાલ છલકાવતી. ગ્રેજ્યુએશન ઉપર નો બંને બેનો આવી હતી. બંને જીજાજી આવી શક્યા નહોંતા પણ શુભેચ્છાઓનં ભારેખમ કવરો મોકલ્યા હતા.મોટી રાગીણી અને નાની રોમા બંને તે વખતે શીકાગો હતી.

મોટા ઑડીટોરીયમ માં નેવી બ્લુ કલરનો ગાઉન અને રાણી કલરનો સ્કાર્ફ  પહેરેલા બધા વિદ્યાર્થીઓ માથા પરની બ્લુ કલરની કેપ ઉડાડવા તત્પર હતા.ત્યાં સેલ ફોન રણક્યો કાર્તિકે જોયું તો ભારત થી પ્રહલાદ દાદાજી નો ફોન હતો…અભિનંદન સાથે કલ્યાણ થાવનાં આશિર્વચનો પછી કીર્તિની  દાદી સુમતા બા એ પુછ્યું “હવે ક્યાં ભણવા જવાનો?”

કાર્તિક કહે “બા એડમીશન તો ઘણા છે પણ હું તો હ્યુસ્ટન ની ફાર્મસી કોલેજ જોઇન કરવાનો છું. મને ખબર છે પપ્પાને નથી ગમવાનું પણ સોળે સાન આવેને તેમ જ હવે જાતે નિર્ણયો લેવાનું શરુ કરીશ. બા આશિર્વચનો માટે આભાર… હવે આ ભાષણ બાજી  પુરી થશે પછી મારે મારા ભવિષ્યના પ્લાન વિશે બોલવાનું છે… બા- પપ્પાજીને આજે હું કહી દઇશ હું તો ફાર્મસીમાં જવાનો છું રેડીયોલોજીનો તેમનો વારસો મને નહીં જોઇએ..

‘દાદાજીએ હસતા હસતા કહ્યું સારું ભણીને અમદાવાદ આવી જજે આપણી ફાર્મસીમાં મારી ખુરશી તારી રાહ જુએ છે…

ભલે દાદાજી તમે ફોન ચલુ રાખો હવે મારો બોલવાનો વારો છે અને માઇક ઉપર થી કાર્તિક પૂજારાનું નામ બોલાયુ…

વેલીડ્ક્ટોરીયન સ્પીચ બહું સરસ રીતે આપવા તેણે માઇક ની નજીક જઇ અને ઓડીયન્સનું અભિવાદન કર્યુ અને જોર થી બોલ્યો.. મારા સાથી મિત્રો.. આજે હવે આપણે સાચા દેશનાણ નાગરિક બનશું અને સમજ પૂર્વક આપણ ને વોટીંગ અધિકાર મળશે.. મારા વર્ગ શિક્ષક મીસ નેન્સી.. વિજ્ઞાન શિક્ષક મિસ્ટર હંફ્રીમેન  અને મારા પપ્પા ડૉ કિર્તી  અને મમ્મી સાધના પુજારા, મારા ગ્રાંડ પા અને ગ્રંડ મા  જેઓ અત્યારે ભારતથી સાથે મારા ફોન ઉપર છે તે સર્વનો આભાર માની ને  અને વંદન કરીને મારી વાત શરુ કરુ છુ.

મને મેડીકલમાં અને ફાર્મસી ની સર્વ શ્રેષ્ઠ સ્કુલોમાં સારી સ્કોલરશીપ સાથે એડમીશન મળ્યુ હોવા છતા હું તો અહીં જ યુનીવર્સીટી ઓફ હ્યુસ્ટનમાં જ ભણીશ. તમને નવાઇ લાગશે.. પણ ડીગ્રી તો પહેલી જોબ માટેજ મહત્વ ધરાવે છે અને હું એવું માનુ છું કે કામ કરનાર ને કામ મળ્યા પછી વિકાસની મબલખ તકો મળે છે.

મારે ફાર્મસીમાં રીસર્ચ કરી માનવજાતનાં ઉત્થાન માટે દવાશોધવી છે અને એવી દવા કે જેનાથી દર્દ ઘટે, આયુષ્ય વધે અને તંદુરસ્ત જીવન રહે અને તે કિફાયતી ભાવે મળે. મને કેન્સર કે તેના જેવા રોગોના ઇલાજ ને બદલે જે દવાઓ સામાન્ય જન જીવનમાં વ્યાપ્ત  ડાયાબીટીસ,  ફ્લુ અને ખાંસીને નેસ્ત નાબુદ કરે તેવું કંઇક શોધવુ છે.

છેલ્લે દરેક વિદ્યાર્થીઓ જેમ જાણે છે તેમ જે કોલેજ કાળમાં ભણે છે તે આખી જિંદગી આનંદથી જીવે છે અને જે કોલેજ કાળમાં અધીરા થઇ ને જીવન માણવા બેસી જાય છે તે સૌને એટલું જ કહેવાનું  કુદરતે સૌનાં માટે યોગ્ય જીવન સાથી ઘડ્યો જ છે અને તે તેની યોગ્ય સમયે જીવનમાં આવે જ છે તેથી એક જ વાત..પહેલા કારકીર્દી પછી સ્થિરતા અને લગ્ન જીવન તો ૨૮ પહેલા નહી અને નહીં જ..

કદાચ હું નાના મોઢે ડાહી વાતો કરતો હોઉ તો ભલે પણ સોળે સાન લાવવી હોય તો ભણતર એક જ કામ આ ઉંમરે આપણે સૌ કરીયે.

શ્રોતાઓના અદભુત સ્ટેંડીંગ ઓવેશન સાથે જ્યારે કારિકે વક્તવ્ય પુરુ કર્યુ ત્યારે સૌ પ્રસન્ન હતા.

બહાર નીકળ્યા ત્યારે કીર્તિ કાર્તિક માટે લેક્ષસ ગાડી અને તેની ચાવી લાવ્યો હતો. સાધનાએ વહાલથી ભેટી ને દીકરાને કહ્યું આ કાર કોલેજ સમય સર પહોંચવા માટે છે તારી કેયાને રાઇડ આપવા માટે છે બાકી તને કહેવાની કોઇ જરુર નથી. પણ દીકરા મારો જીવ તો પડીકે બંધાયો છે. યુવા ઉન્માદ અને ઉકળતા લોહી થી અકસ્માત જલદી થતા હોય છે.

દાદાને પાછો ફોન લગાડીને કાર્તિક કહે “દાદાજી.. જુઓને મમ્મી પાછા પોચકા મુકવા માંડી.. પપ્પા એ લેક્ષસ અપાવી છે પણ હજી ચલાવું તે પહેલાતો મમ્મી અકસ્માત ની વાત કરે છે.

દાદા કહે “બેટા મમ્મી એટલે આવી જ હોય..તેને સાંભળવાની અને કહેવાનું હા મમ્મી હું ધ્યાન રાખી ને ચલાવીશ. એટલે તે ખુશ.. આ સંસ્કાર છે સમજ્યો?”

“ હા દાદ્જી.. સોરી તમને ઉંઘમાં થી ઉઠાડ્યા?”

નારે ના બેટા તારો પપ્પો પણ આવો જ હતો.’

“ આવો એટલે?”

“ તારા જેવો જ…ઉત્સાહનો ફુવારો.. તમારા આ ઉત્સાહને કારણે જ તો અમ બુઢીયાઓને નવું જીવન મળે છે.. ચાલ બેટા એન્જોય કરો.”

કેયા એટલે કાર્તિકની સ્વીટ હાર્ટ. પડોશમાં રહેતા ડૉ રાકેશ ઠક્કરની દીકરી..અને સાધના ની સહેલી માધવીની બીજી દીકરી.. કાર્તિક અને કેયા બાળપણ નાં મિત્રો.

લેક્ષાસ માં બેસતાની સાથે જ એકાંત મળ્યુ નથી ને કેયા કાર્તિક્ને ખખડાવવા માંડી “ કેમ અલ્યા આખી સ્કુલની વચ્ચે ચતરો બનતો હતો? હવે તો આઝાદી મળવાની છે સોળે સાન આવે છે નવું શીખવા અને મઝા કરવા અને તું ૨૮ પહેલા તો કુટૂંબ શરુ ના કરાય કહેવા વાળો કોણ?”

નવી લેક્ષસ સુગરલેંડ તરફ જતા ૫૯ સાઉથ ઉપર પાણી નાં રેલાની જેમ સરતી હતી અને કાર્તિક કેયાની વાત સાંભળતો સાંભળતો મલકતો હતો. કેયા જરા શ્વાસ ખાવા રોકાઇ અને બોલ્યો “ કેયા પેલી કહેવત ખબર છે ને? પોથીમાં નાં રીંગણા જુદા અને ખાવાનાં રીંગણા જુદા…. અને ભડકેલી કેયા મલકી પડી મીઠુ મધ જેવું…

મદ્રાસ પેવેલીયનમાં ગ્રેજ્યુએશન પાર્ટી હતી તેથી ત્યાં પહોંચતા પહેલા કાર્તિકે માર્બલ આઇસ્ક્રીમ પાર્લર પર ગાડી રોકી અને પ્રેમી પંખીડા આઇસક્રીમ ખવા લાગ્યા.

“ચાલ કેયા આપણે નહીં પહોંચીયે તો મમ્મી ચિંતા કરીને મારો અકસ્માત થઇ ગયો હશેનાં રુદન થી પપ્પાને ઉંચા નીચા કરી નાખશે.. એટલમાં જ ફોન રણક્યો..કાર્તિકની ધારણ પ્રમાણે મમ્મી જ હતી અને હજી કેમ નથી પહોંચ્યાનું ગાણું હતુ…

“ મમ્મી આઇસ માર્બલમા છું અને આઇસ ક્રીમ ખાઇને આવું છું આમેય મારી પાર્ટી છે ને? મારે સમયસર આવવુ એવું કંઇ જરુરી ઓછું છે?”

“તારી સાથે કેયા છે ને?”

“ તેની મમ્મી માધવી પણ મારી જેમ ચિંતા કરે છે તેથી પુછ્યુ.. આપ એને …”

“ મોમ આ મદ્રાસ પેવેલીયન વાળા ખાંચામાં અમે વળીયે છે.. બસ ૫ મીનીટ ગાડી પાર્ક કરીને આવું છુંં.

હવે તુ મોટો થઇ ગયો દુનિયા માટે.. મારે માટે તુ હજીયે કાર્તુ છે નાનો કાર્તુ.. શું સમજ્યો…”

“મમ્મી” કહીને ફોન ડીસ કનેક્ટ કર્યો ત્યારે સામે મદ્રાસ પેવેલીયન નું બૉર્ડ દેખાતુ હતું આખુ પાર્કીંગ ફુલ હતું અને આખો હોલ પણ…

પ્રકરણ ૨

સામાન્ય રીતે આવી પાર્ટીમાં વડીલો ખવાનું પતાવીને અને અભિનંદન પાઠવીને જતા રહેતા હોય છે અને ખરી ધમાલ તો ત્યાર પછી થતી હોય છે જેમાં મસ્તી અને મજાકો હોય છે.

કીર્તિને ગમ્યું તો નહોંતું જ જ્યારે કર્તિકે જાહેર કર્યુ કે તે ફાર્મસીમાં જવાનો છે ત્યારે તે ઇચ્છતો કે તે ફાર્મસીમાં જવાનો હોય તો ફાર્મસીની શ્રેષ્ઠ કોલેજ્માં જાય પણ સાધનાની એક વાત તેના મનમાં હતી કે પ્રાપ્તે તુ ષોડશે વર્ષે પુત્રં મિત્ર વદાચરેત…અને એણે પણ વાંચેલું કે જેવો પુત્ર સ્કુલ ગ્રેજ્યુએટ થાય એટલે “ Mention it but do not Insist”

અહીંતો કોલેજમાં બંને દીકરીઓએ દર ત્રણ મહીને મેજર અને માઇનોર બદલે છે તેથી જ્યારે ગ્રેજ્યુએટ થાય ત્યારે જ ચિંતા કરવાની….

બાપ તરીકે આ બધુ અઘરુ હતું તેનું મન વારંવાર તેના ભૂતકાળમાં જતું રહેતું હતું.. પ્રહલાદ બાપાની ઇચ્છા વિરુધ્ધ જ તે સ્વીટ્ઝર્લેંડ ગયો હતો..પૈસા નો સતત ટકટકારા વચ્ચે તે ભણ્યો અને રેડીયોલોજીમાં ટોપ થઇ અમેરિકા આવ્યો..ત્યારે બાપાને જે કહેતો હતો તેજ બધી વાતો કાર્તિક કરતો હતો.બાપાનો ફાર્મસીનો ધંધો અને તે ધંધામાં થતી ટાંટિયા ખેંચને કારણે તે કંઇ એવું કરવા માંગતો હતો જ્યાં પેશંટ જરુરિયાતને લીધે આવે અને જે ડોક્ટર બોલે તે જાણે ભગવાન બોલ્યા બરાબર હોય.

કેન્સર રોગનાં નિદાન નો પહેલો આધાર જ રેડીયોલોજીસ્ટનું નિદાન … એટલે જ્યારે ડો કીર્તિ પૂજારાનું નિદાન આવે કે કાર્સીનોજનીક કોષોની હાજરી છે તે નિદાન સાથે જ્ પેશંટનાં જીવન ની ધડકનો વધી જતી.. અને નિદાન આવે કે કાર્સીનોજન ની હાજરી નથી તે સાથે રાહતનાં વંટૉળો આવે.પછી વાતો આવે તબક્કાની… કયો પેશંટ કયા તબકકામાં છે.. ઇન્સ્યોરન્સ કંપની આ તબક્કા પ્રમાણે પૈસા હોસ્પીટલને ચુક્વતી.આમ કેન્સર હોસ્પીટલ અને ડોક્ટરનાં સંબંધો ઇન્સ્યોરન્સ કંપની ને લૂંટતા.

રેડીયોલોજીમાં સમય જેમ વીતતો ગયો તેમ હોદ્દો અને પગાર વધતા ગયા…રાકેશ ઠક્કર એમ ડી એંડરસનમાંજ હતા. પેથોલોજીસ્ટ તરીકે અને મૈત્રી પણ હતી..પણ પ્રોફેશનલી બંને પોત પોતાના કામ માં વ્યસ્ત  પણ વિદેશમાં સંબંધો જીવતા રહેતા હોય છે સાંજની ભોજન પાર્ટીઓને લીધે.. માધવી અને સાધના તો પાછા એક જ ગામના અને એક જ મહોલ્લાનાં તેથી બહું જ પટતી… મદ્રાસ પેવેલીયન ની પાર્ટી પછી જ્યારે બધા છુટા પડતા હતા ત્યારે સાધનાએ કોરીડોરમાં માધવી અને રાકેશ્ભાઇને રોકીને કહ્યું માધવી .મારી રાગીણી ના લગન થવામાં છે ત્યારે કેયાને કાર્તિક માટે હું માંગુ તો તમને વાંધો તો નથીને? એક જ સબડીવીઝનમાં પિયર અને સાસરું?

રાકેશભાઇ કહે જો “મીંયા બીબી રાજી તો આપણે તો ખાલી હાથ ઉઠાવી ને આપવી આશિષ.”

કીર્તિ પણ મલક મલક થઇ રહ્યો હતો  “ચાલો છોકરાઓને ખબર આપીયે?”

માધવી કહે હમણાં જ કાર્તિક બોલ્યો હતો ને લગ્ન તો ૨૮ પછી… તો આ સોળ પછી ૧૨ વર્ષ કેયા તો ઝાલી નહીં રહે…

“ હા આજે આપણે ગોળ ધાણા ખાઇશું પણ ઘરે જઇને અને વિવાહ જાહેર કરીશું રાગીણીનાં લગ્ન સમયે…” “હા ચાલો એવું જ કરીશું”

સાધના કહે “ગોળ ધાણાનું નવું રૂપ આઇસ માર્બલમાં જઇને આઇસ ક્રીમ ખાઇએ?  બે મર્સીડીઝ મદ્રાસ પેવેલીયનમાં થી નીકળી ને આઇસ માર્બલ તરફ વળી.

હેતથી કીર્તિ અને સાધના એ માધવી અને રાકેશને આઇસ ક્રીમ ખવડાવ્યા અને ઘર માટે પાર્સલ પણ લીધા…છુટા પડતી વખતે કીર્તિ બોલ્યો.. રાકેશ કેયાને સમજાવજે કે કાર્તિક હ્યુસ્ટનમાં ના રહે  અને આઇવી કોલેજમાં જાય.. આવી તક બહું ઓછા વિદ્યાર્થીઓને મળે છે.

સાધના કહે હવે ખાલી સુચવવાનું  જ.  તેણે મન બનાવી લીધુ હશે તો તે માનનારો નથી..કીર્તિ સહેજ ખીજવાઇને બોલ્યો.. હજી તે સોળજ વર્ષનો છે કુમળા ઝાડમાં હજી સમજ નામનું સેલ્યુલોઝ હજી દાખલ થવામાં છે.. અને આપણે મા બાપ છીયે તેમના દુશ્મન નથી.

માધવી બોલી “ કેયા સાથે તે બધી વાતો કરે છે હું કેયાને કહીશ..”

કીર્તિ નિઃસાશો નાખતા બોલ્યો મેં તો ધારેલું કે તેની સરસ પ્રેક્ટીસ હશે અને જે હું ના કરી શક્યો તે બધું જ તે કરશે. રાકેશ કીર્તિને તાકી રહ્યો… તેણે થોડી વાર રહીને કહ્યું કદાચ એ હ્યુસ્ટન રહી નવી કોઇ સ્પર્ધામાં ઉતરવા માંગતો નથી.. તે એવું બોલ્યોને યુનિવર્સિટિ તો ફક્ત પહેલી જોબ માટેજ હોય છે..પણ તે પહેલી જોબ ઘણી જ કારકિર્દિની દ્રષ્ટિ એ મહત્વની હોય છે.કીર્તિને થોડીક રાહ્ત થઇ. રાકેશ પણ એમ જ વિચારતો હતો કે કાર્તિકે મળેલી તક છોડવી ના જોઇએ.

સાધના અને માધવી મૌન હતા પણ આ મૌન સંમતિનું સુચન હતુ બધા સાહીઠ ઉપરના હતાને?અને સૌનું દ્રષ્ટિ બીંદુ એક જ હતું અને તે કાર્તિક્નું અને કેયાનું હીત…

આ બાજુ પાર્ટીમાં કાર્તિક્નાં સેલ્ફોન ઉપર પપ્પાનો સંદેશો ફ્લેશ થતો હતો.. એક કવિતા હતી ગુજરાતીમાં થોડીક અજબ ઘટના હતી પણ સ્વામીનારાઅણ મંદીરનાં અભ્યાસ દરમ્યાન તે વાંચી અને લખી શકતો હતો. વળી પ્રહલાદ દાદાનો સતત આગ્રહ હતો.. અમેન અંગ્રેજી આવડેછે પણ ગુજરાતી તમને આવડવું જોઇએ એથી તેમની સાથે તો ગુજરાતીમાં જ વાત કરવાનો આગ્રહ હતો. કેયાને પણ ગુજરાતી આવડતુ હતુ.. તેથી પાર્ટી પત્યા પછી ઘરે જતી વખતે તે કાવ્ય વાંચ્યું કાર્તિક કેયાની સામે જોઇ રહ્યો હતો

સ્મિત

પરિચયનું પ્રથમ સોપન

કમળ ખીલ્યું હાસ્યનું

પરિચિતતાની સોઢમ મહોરી

ચાલ ઘરે-

ના ફરી કોઇ વાર

ચાલને મઝા પડશે

ચાલો

ઘરની દિવાલો હસી ઉઠી

મૈત્રીનાં મોગરા મહેંક્યા

નીકટતાની સીમા નજીક આવી આવો-

હાસ્યો બેવડાયાં-

પડઘાયાં

આતિથ્ય ખીલ્યું!

ચાલો આવજો તમે પણ ઘરે કદીક

નાના પ્રસંગો મોટા સંદર્ભો

નીકટતા વધી ને

સંદર્ભો ઉકેલી નાખ્યા વડીલોએ!

કેયા ગુંચવાતી બોલી કાર્તિક હું જે સમજું છું તેજ તું સમજે છે?

કાર્તિક કહે આ પપ્પા છે બહારથી કડક પણ અંદરથી કોપરાની મલાઇ જેવા નરમ નરમ..મને લેક્ષસ પુરતી ના લાગી એટલે એક વધુ ઈનામ…

“ઇનામ?”

દરેક કાવ્યનો ભાવાર્થ હંમેશા છેલ્લી ચાર પાંચ લીટીમાં આવતો હોય છે  કેયાએ ફરી થી તે ચાર લીટી વાંચી

નાના પ્રસંગો

મોટા સંદર્ભો

નીકટતા વધી ને

સંદર્ભો ઉકેલી નાખ્યા વડીલોએ!

અને મધ મીઠુ મલકતા તે બોલી બંને પપ્પાઓ અને મમ્મીઓએ આજે ગોળધાણા ખાઇને આપણા વિવાહ જાહેર કર્યા છે. વાઊ!… મમ્મીને ફોન કરું?

કરવાનોજ હોયને આટલા સમજુ અને માંગ્યા વગર આપી દે તેવા રુપાળા મા બાપ તો ખુબ સારા પૂણ્ય કર્યા હોય તો મળે…

 

 

પ્રકરણ ૩

બંને પપ્પા મમ્મી ને આપણે આપણો ઉમળકો અને પસંદગી કહેવી જ જોઇએ…એક કામ કર. હું તારા પપ્પા મમ્મીને ફોન કરુ અને તું મારા પપ્પા મમ્મીને….બરોબર? અને હા સ્પીકર ફોન ઓન રાખજે કે જેથી હું પણ સાંભળું

કેયાએ ફોન લગાડ્યો અને કીર્તિભાઇ એ ઉપાડ્યો.

કેયા બહુ વિનય થી બોલી “ હું કેયા, અંકલ હવે પપ્પા કહેવાની અનુમતિ છે ને?”

“ અરે બેટા એ સાંભળવા તો આજે રાકેશભાઇ સાથે  પેટ છુટી વાત કરી. બેટા કલ્યાણ થાવ! કાર્તિક ને આપ.”

“ પપ્પા હું ફોન ઉપર છું જ.. હું ખુબ જ ખુશ છું પપ્પા..તમે બંને મારા જીવન ની મોટી ખુશી છો… પપ્પા યુ આર ગ્રેટ..મામા યુ આર ગ્રેટ….”

રાકેશ્ભાઇ એ વચ્ચે ટહુકો કર્યો..”અને અમે?”

કેયા તરત જ બોલી યસ પપ્પા અને મોમ યુ આર ગ્રેટ ટુ!”

“ યસ બેટા ઘરે  જલદી આવો તમારા ગોળધાણા તમારી રાહ જુએ છે?’

કેયા કહે “ પપ્પાજી ગોળધાણા?  વૉટ ઇઝ ધેટ?”

સાધના એ પાછળથી ટહુકો કર્યો “બેટા તારો પીસ્તા આઇસ ક્રીમ અને રાકેશ્ભાઇ અને મમ્મી રાહ જોઇએ છે ..હવે જલ્દી આવો વરઘોડીયાને પોંખવાનાં છે.”

“ કેયાને આટલુ ઉંચુ ગુજરાતી સમજવા તેને શબ્દકોષ શોધવા જવું પડશે મમ્મી!”

કેયા એ છણકો કર્યો..” ના સાવ એવું નથી વરઘોડીયાનો તો અર્થ ખબર છે પણ પોંખવાનું એટલે શું તે નથી ખબર…”

પાછળથી કેયાની મમ્મી બોલી “તમને લોકોને નવા સ્વરૂપે સ્વાગત અને સ્વિકાર કરવાના.. વેલ્કમ કરવાના..”

ઓહ! તમે બધાય કેટલા સરસ છો..વી આર પ્રાઉડ ટુ બી યોર ચિલ્ડ્રન.”.

છ  હૈયામાં વાગતી મૃદુંગ સૌને સંભળાતી હતી અને હાસ્ય સૌનાં હોઠ પર લાલ ખીલેલા ગુલાબની જેમ ખીલ્તા હતા. અત્યારે વડીલો અને સંતાનો બંને નું દ્રષ્ટિ બિંદુ એક હતુ.. ક્યાંય મારું તારું નહોંતુ અને સુખ એટલે જ આટલું મહોર્યુ હતું

સબડીવીઝનમાં દાખલ થતી લેક્ષસ્ને સાઈડ પર પાર્ક કરી ત્યારે કેયાની નજરનો પ્રશ્નાર્થ ચિન્હ કાર્તિક સમજતો નહોંતો તેવું નથી પણ બહું હેતથી તેણે કેયાને પોતાની પાસે ખેંચી અને બોલ્યો “ વેલ્કમ માય સ્વીટી પાઇ ટુ પુજારા’ઝ હાઉસ.”

કેયા કાર્તિકનાં માન અને આદર યુક્ત સ્નેહને માણતી રહી…જે એના જીવનભરની આગવી મૂડી હતી.. તે બહું જ પ્રસન્ન હતી. એક જ સબડિવીઝનમાં પિયર અને એ જ સબડીવીઝનમાં સાસરું..ત્યાં ફોન ફરી રણક્યો…” કેટલે છો?” સાધના બહેન હતા.

“બસ આ સબડીવીઝનમાં હમણા જ વળ્યા.”.

“જો રાકેશભાઇ અને માધવી બેન ને પગે લાગજે અને થેન્ક યુ કહેજે?”

“ મોમ! સોળે એટલી તો સાન આવી જ ગઈ છે..પણ મોમ થેંક્યુ તો એમણે મને નહીં કહેવાનું?”

“ ના. એમણે એમનું રતન તને આપ્યુ છે..”

“ અને મોમ તમે ?”

“ તું તો મારી પાસે જ રહેવાનો ને?”

ના મોમ સૌથી મોટી વાત એ છે કે જે થાય છે તે વહેવારીક રીતે થાય છે.. સર્વ સંમતિ થાય છે અને બીજી મોટી વાત એ છે કે હજી અમારે ભણવાનું છે….”

માધવી બેન ને કાર્તિકનું આ વાક્ય ગમ્યું..તેમણે કહ્યું” હા ઘરે આવો .. જલ્દી જલદી આવો તમારા મલકાતા મુખનો આનંદ અમારે પણ માણવો છે.” ત્યારે પુજારા હાઉસમાં લેક્ષસ પ્રવેશી રહી હતી  અને રોમા, રાગીણી અને નેહાની કીકીયારી ઓથી ઘર ગુંજતુ હતુ.. નેહા કેયાની નાની બેન તેને આ બધુ બહુ ઝડપથી થતુ લાગતુ હતુ.. પણ કાર્તિક જિજુ ની કલ્પના તેન રોમાંચીત કરતી હતી…

તેને ખબર હતી કેયા તો કાર્તિક ની દીવાની હતી..

પાર્ટી ડ્રેસમાં બંને હતા તેથી કેયા થોડીક મુંઝાતી હતી પણ કાર્તિક કહે ત્યાં બહારનું કોણ છે? તારા અને મારા પપ્પા મમ્મી અને બહેનો.. જેમણે આપણ ને બંને ને દરેક હાલમાં જોયેલા છે.. ચાલ ભવિષ્ય ની વાત છોડ લગ્ન પછીનાં વિચારો પણ છોડ આમાન્યા અને વિનય વિવેક સાથે આપણે આપણા માબાપોને મળીયે છે.

લેક્ષસ પૂજારા મેન્શન્માં દાખલ થઇ ત્યારે રાતનાં અગીયાર વાગ્યા હતા

આખુ પુજારા મેન્શન નવી દુલ્હન ની જેમ લાઇટો થી શણગારેલુ હતું.. જેવા બે જણાએ ઘરમાં પગ મુક્યો અને રાગીણી કંકુની થાળી લાવી હતી અને રાતી કારપેટ ઉપર  સફેદ ચાદર પથરાતી હતી.. ગીતો ગાતી બંને બહેનો અને મમ્મી નવવધુનાં પગલા પાડતા ગાતી હતી “પધારો  ભાભી સાસરીયે.. આવો દેવી લક્ષ્મી મા…”

કેયાને અતડૂં તો લાગતુ હતુ પણ મળતા માન અને આદરથી તે ભીંજાઇ મમ્મીને પગે લાગવા ગઇ તો બહુ ઉમળકાથી સાધના કેયાને ભેટી જ પડી.. નેહા કેમેરા પર આ બહુ કિંમતી ક્ષણો કેદ કરતી હતી.

તેના હાથમાં બહુમુલ્ય કંગન પહેરાવી બોલી.. બેટા પુજારા થતાની સાથે બે વિનંતી અને એક આદેશ.

“ હા મમ્મી.. તમારો તો આદેશ જ હોય વિનંતી નહીં”

“તો સાંભળ બેટા.. મારો આદેશ એજ કે મારો આદેશ માનવાનો નહીં અને મારા દીકરાને ભણવા દેવા લગ્ન તો હમણા નહીં અને તારે પણ ભણવાનું અને કંઇક પહેલા બનવાનું હં કે!”

માધવીબેન અને રાકેશ્ભાઇ તો પ્રસન્ન ચિત્તે દીકરીને મળતુ વહાલ જોઇ રહ્યા

કીર્તિભાઇએ પ્રહલાદ બાપને ફોન લગાડ્યો.. તેઓ પૂજામાં હતા પણ ફોન લીધો તેથી કીર્તિભાઇ બોલ્યા “ બાપા! લ્યો આ કાર્તિકની વહુને આશિર્વાદ આપો…”

“ એ શું બોલ્યો? આપણા કાર્તિક્ની તો હજી ઉંમર જ ક્યાં છે?”

“ બાપા સોળે સાન અને વીસે વાન ખરું?”

“ હા પણ કોની સાથે વિવાહ કર્યા તે તો કહે?’.. અને જવાબ આપવાને બદલે કેયાને ફોન હાથમાં પકડાવી દીધો.

કેયાને આ બધુ બહું ઝડપથી થતુ લાગતુ હતુ તેથી ખચકાતા અવાજે બોલી “ દાદા હું માધ્વીબેન અને રાકેશ ઠક્કરની મોટી દીકરી કેયા..પ્રણામ, વંદન અને પાય લાગણ.”

“સદા સુહાગણ રહે” બોલતા દાદાએ કહ્યું કીર્તિને આપ જરા…

ફોન હાથમાં લેતા બોલ્યા “ બાપા તમે સ્પીકર ફોન ઉપર છો અને આખુ ઘર અત્યાર ભરેલુ છે.”

પ્રહલાદભાઇ એ પોતાનો અવાજ સંયમિત કરતા કહ્યું અલ્યા તમને લોકોને કંઇ ભાન છે આ છોકરો અને છોકરી સત્તરનાં અને કેમ આગ અને ઘીને ભેગા કરો છો? કાર્તિક તો બોલ્યો હતે ૨૮ પહેલા કશું નહી અને આ શું માંડ્યુ છે?”

કાર્તિકે જવાબ આપતા કહ્યુ દાદાજી જેમ તમે પપ્પાને અને મમ્મીને સોળ વર્ષથી સાથે રાખ્યા હતાને છતા એમણે જે સમજણથી એમનો અભ્યાસ પુરો કર્યો હતો ને તેજ ભરોંસાથી અમને અમારું મુક્ત ગગન આપ્યુ છે.. દેહ લગ્ન કરતા સ્નેહલગ્ન નો ઉંચો દરજ્જો સમજાવવા એક કર્યા છે ખાસ તો અમને બે ને બીજા પ્રલોભનોથી દુર રાખવા અને કુળ પરંપરા સાચવવા, સંસ્કાર સાચવવા અને પુજારા વંશને વ્યવસ્થિત રીતે આગળ વધારવા બહુંજ સાચુ અને સમજણ પૂર્વક્નું કદમ લીધું છે દાદાજી આશિર્વાદ આપો અને અમારા ઉપર ભરોંસો રાખો.”

“ બેટા ભરોંસો તો ઘણોજ છે પણ તમારા લોકોની કાચી ઉમર છે અને જીવન જીવવાની ઉતાવળમાં કંઇક અજુગતુ કરી બેસો તોનો ભય અમને સતાવે છે.”

“ દાદા તમે હજી વીસમી સદીમાં રહો છો અમે એક્વીસમી સદીમાં એ બધાને સમજ્થી હટાવી ચુક્યા છીએ…હું અને કેયા ૮ વર્ષનાં હતા અને સમજણાં  થયા ત્યારથી સાથે છીએ… અને આટલી લાંબી સહયાત્રા ચાલી છે એટલા માટે કે હું અને કેયા .. અમે બંને આ બધા તમારા ભયોથી વાકેફ છીએ. અને આવી સરસ તકો મલ્યા પછી તેને છોડી દે તે શક્ય જ નથી.

કેયા બહુ વિનમ્રતાથી બોલી..”” દાદા કાર્તિક ને કોઇ સમજાવી ના શકે અને તેણે કહ્યું છેને કે ૨૮ પહેલા કુટુંબ શરુ કરવાના નથી.. કારણ કે અમને બંને ને ખબર છે કે જ્યારે એક ગરમ તો બીજો નરમ એ સિધ્ધાંત આપનારા મારા માતા પિતા જાણે છે કે આજની અમારી પેઢી અને આપની પેઢી વચ્ચે ૬૦ વર્ષનો ગાળો છે જેથી તમને નહીં સમજાય કે અમારી પેઢી જે કરી શકે છે કદાચ તમને સમજતા બીજા ૨૫ વર્ષ લાગશે.”

કેયાનો ટોન દાદાજી ને ના ગમ્યો પણ જે હતુ તે સત્ય હતું

કેયાની વાતનું અનુસંધાન પકડતા કાર્તિક બોલ્યો “આ જમાનો ગુગલનો છે વડીલોને અજ્ઞાન ફેલાવવાની છુટ નવી પેઢી ક્યાં આપે જ છે?.તેથી લગ્ના પહેલા અને યુવાની નાં ભયોને તેઓ અનુભવી ચુક્યા હોય છે.. હા અને તેઓને તે સમજ પણ હોય છે કે ચલચિત્રો અને નવલકથાઓમાં જે દુનિયા દેખાય છે તે સાચી નથી હોતી…તેથી પ્રેમ અને તેની પાછળ બલિદાન ની વાર્તાઓ એક્વીસમી સદીમાં ક્યાં શક્ય હોય છે? હવે તો સ્વમાન અને કેરીયરની પાછળ યુવાવર્ગ જાગૃત થયો છે.”

ઘરમાં સૌએ કાર્તિકને માનથી નવાજ્યો અને કીર્તિભાઇ બોલ્યા-“ રાકેશ્ભાઇ આપણી ઉંમરમાં અને આપણા દેશમાં આ ઉંમરે આપણે આવું વિચારી પણ શકતા હતા?”

“નારે ના.. પણ આ વ્યક્તિ સ્વાતંત્ર્ય એ આ દેશની ૨૫૦ વર્ષની સ્વતંત્રતાને આભારી છે. આપણું દુર્ભાગ્ય અને છોકરાઓનુ સદભાગ્ય કે તેઓ ખુલ્લી હવામાં જીવે છે.. અને સ્વતંત્રતા અનુભવે છે. પછી બંને છોકરાઓને સાથે બેસાડીને એક સલાહ આપતા રાકેશ્ભાઇ બોલ્યા.. “તમારું પ્રિય પાત્રને આખી જિંદગી પ્રિય થઇને રહેવું હોયતો ઘણી વાતોનું ધ્યાન રાખતા એટલું તો ગાંઠે બાંધી લો કે તમે બે એકમેકનાં પુરક છો. પ્રતિસ્પર્ધી નહીં અને તેની કોઇની સાથે સરખામણી નહીં અને કદી લઢી ઝઘડીને પછી સોરી કહ્યા વીના કે ભેગાથયા સિવાય છુટા પડવાનું નહીં.

માધવી બહેન રાકેશ્ભાઇને જોઇ રહ્યા હતા અને હકારાત્મક ટેકો કરી રહ્યા હતા. કીર્તિભાઇ બોલ્યા “ મને અને સાધનાને પ્રહલાદ દાદાએ ભેગા કર્યા ત્યારે મારી ઉમર પણ ૧૮ની હતી.. પ્રી મેડમાં હતો

સાધના જલગાંવ અને હું કલકત્તા.. બંને ભણતા અને ફોન ઉપર મળતા ત્યારે હું બહુ બોલતો અને સાધના સાંભળતી અને કાયમ કહેતી..કીર્તિ આ ભણવાનું જલ્દી પતાવ અને મને લઇ જા ..હું કહેતો “ધીરજ રાખ સખી!  ધીરજ હશે તો સૌ સારા વાના થશે. આપણ જિંદગીનો તબક્કો છે જ્યાં અંતર છે પણ અંતર મળેલા છે ને તેથી જ્યારે પણ મળીશું ત્યારે એકલું વહાલ અને પ્રેમ્ને જ પામીશું.”

“ પપ્પા સાચું કહું?” કાર્તિકે ટહુકો કર્યો. “ હું તો કેયા સાથે એવી કોઇ દુરી વેઠવાનો નથી. આતો જિંદગીનો શ્રેષ્ઠ તબક્કો છે જ્યાં સાથે મોટા થવાનું અને પુખ્તતા પામવાની.”

કેયા ત્યારે બોલી “ અમે બંને સાથે કોલેજ કરીશું રાઇસમાં અને ફાર્મસી ભણીશું બેલેર કોલેજ્માં. અને અમને ખબર છે કે અમે સ્પર્ધામાં છીયે પ્રતિસ્પર્ધી તરીકે નહીં પણ જીવન સાથી તરીકે…કોણ કોને કેટલો ઉંચે લાવે છે. હકારાત્મક અભિગમ છે.”

સાધના બેને બે હાથે તાળીઓથી કેયાને વધાવી અને આશિર્વાદ આપતા બોલ્યા બહાર ગામ ભણવા જાવ એટલે ભણવા સિવાય ઘણી બધી વાતોમાં પણ નિષ્ણાંત થવાનું જે તમે અહીં હ્યુસ્ટનમાં રહો તેથી ચિંતા જ નહીં.

કિર્તિભાઇનાં પડી ગયેલા મોં ને જોતા રાકેશ્ભાઇ બોલ્યા-“કીર્તિભાઇ.. આપણા સ્વપ્ના મુજબનાં જ આપણાં સંતાનો બને તો સારું નશીબ પણ હું માનું છું એક્વીસમી સદીમાં તો “ mention it but do not insist “ વાળી રીત જ શ્રેષ્ઠ છે. વળી એક બીજી વાત પણ મને કહેવી ગમે છે અને તે “ જો તે ગુંચવાઇને માર્ગદર્શન માંગવા આવેને તોદીલ ખોલીને માર્ગદર્શન આપજો..પણ જો તેને જરુર ના હોય ને તો વણમાંગી મફત સલાહ કેદ્ર ન બનશો.”

વાતાવરણ ભારે બને તે પહેલા માધવીબેને કહ્યું, ચાલો બારના ટકોરા થયા. કેયાબેન હવે ઘરે જઇશું ને?

 

પ્રકરણ ૪

કાર્તિક સાંભળતો નહોંતો તેવું તો નહોંતો.. પણ તેનું દ્રષ્ટિબિંદુ સમજાવવા માંગતો હતો કે બહું બધા હોંશિયારોની વચ્ચે રહે તો હોંશિયારી રોજે રોજ પ્રસ્થાપિત કરવી પડે જ્યારે ઓછા હોંશિયારો વચ્ચે તેમ ન કરવું પડે અને રાઇસ યુનિવર્સિટી પણ અમેરિકાની પાંચમાં નંબરની યુનિવર્સિટી છે.અને હ્યુસ્ટન ની નંબર વન- તેથી તો કોઇ તક ગુમાવે છે તેમ પણ નથી. વળી અહીં હોય એટલે કોઇ પણ પ્રકારની ચિંતા નહીં ખાવા પીવાથી માંડી ક્યાંય કશું નવું નહીં કરવાનું.

કીર્તિ કહેતો તું જે સમજે છે તેમાં તારી એક પ્રકારની બીક કામ કરે છે… અને તે તારે તારી સગવડો નથી છોડવી.પણ તને ખબર છે ભાઇ જે લોકો પોતાના કિનારા નથી છોડતા તેઓ બીજા સમુદ્રો નથી જોઇ શકતા.અને આ તારી ઉંમર એવી છે તેમાં ભણતરની સાથે ગણતરનાં પાઠો પણ શીખવા પડે છે.મા બાપ તે ઘડતર કૉલેજ કાળમાં બહાર મોકલીને આપતા હોય છે.

પ્રહલાદબાપા તો કાયમ જ કહે કે “ “તારા બાપામાં સાહસવૃત્તિઓનો સદંતર અભાવ. નોકરી કરી જાણે… જો જાતે પ્રેકટીસ કરી હોય તો અત્યારે છે તેથી કેટલાય ઢગલા થતે….રેડીયોલોજીસ્ટ્તો વર્ષે લાખોમાં રમે.. જ્યારે નોકરી તો નો_ કરી જ છે.

કીર્તિભાઇને તેમનો ભૂતકાળ યાદ આવતો હતો

પ્રહલાદબાપા કીર્તિને ફાર્માસીસ્ટ બનાવવા માંગતા હતા જે કીર્તિને નહોંતુ થવું તેથી તેમની ઇચ્છાઓ વિરુધ્ધ તેની કારકિર્દી વીલ્સન મેડીકલ કોલેજમાં શરુ કરી અને પછી ત્યાંથી સ્વીટ્ઝર્લેંડ કોપન હેગન અને એ જમાનાનું અત્યંત મોંઘા મશીન ઉપર અભ્યાસ કરી તેનો નિષ્ણાંત બન્યો. અને હયુસ્ટન ખાતે એમ.ડી એંડર્સન કેન્સરમાં પોશ્ટીંગ મળ્યુ.

છેલ્લે એક નિઃશાસો નાખતા તેઓ બોલ્યા.. મેં પણ ક્યાં પ્રહલાદ બાપાનું કહ્યું માન્યું હતું તે આજે મોટી આશાઓ લઇને ચાલુ છું? આખરે તો સૌનું પોતાનું જીવન છે અને સૌનું પોતાનું નશીબ.

સાધના પ્રહલાદ બાપાનો સ્કુલનો મિત્ર રમણીક ઠક્કરની દીકરી હતી અને બહું નાનપણ થી જ પ્રહલાદ બાપાએ કહીં રાખ્યું હતું કે છોકરા મોટા થયા પછી તારી દીકરી સાધના મારા દીકરા કીર્તિ સાથે વિવાહ કરશું. રમણિકને તો કીર્તિનાં ઘરે સાધના જાય તેમાં કોઇ વાંધો હતો જ નહીં તેથી સોળમા વર્ષે સાન આવી અને તેમને વિવાહ બંધનમાં જોડી દીધા હતા. ક્યાં જલગાંવ અને ક્યાં કલકત્તા તેથી તેઓની સમજ પ્રેમ પત્ર અને ફોન વહેવારે ક્રમે ક્રમ વિકસ્યો.

સાધના અને કીર્તિ એક મેક્ને સમજ્ણ પૂર્વક હેતનાં વારિ વરસાવતા. અને વારે તહેવારે હાવરા એક્ષ્પ્રેસમાં કલકતા અને જલગાંવ જતા આવતા.. કીર્તિથી નાનો યશ અને તેનાથી નાની ભાવના.પણ સાક્ષી હતા આ ધીરી પ્રેમ કહાણી નાં…પણ તેમને ખબર નહોંતી કે કીર્તિને ઉગ્ર નક્ષલાઇટ વાચા પણ ગમતી હતી.  વાચા ચેટર્જી.. બંગાલણ હતી  અને ખુબ જ કડવી જબાન પણ જે સાચું લાગે તે ભલભાલાનાં મોં ઉપર સંભળાવી દે તેના નક્ષલાઇટ વિચારો જ્યારે કીર્તિ સમજ્યો ત્યારે બહુ મોડું થઇ ગયું હતું

તે માનતી કે સમાજ્માં એક જ વર્ગ હોવો જોઇએ અને તે જાતે ધાન ઉગાડે જાતે પકાવે અને જાતે ખાય.. શોષણ અને શોષક બંને ખોટા.. પૈસાનો વહેવાર જ ના જોઇએ.. પૈસા કોઇની તાકાત ના હોવી જોઇએ..સમાજવાદમાં સૌનું ભલું છે. ચીનમાં એવું જ છે ને? રશિયામાં પણ એવું જ છેને? આ મૂડી વાદ જ અમિરી અને ગરીબી એમ બે ભાગ પડાવે છે.

એણે કીર્તિને આ ભાષણ આપ્યું પણ તરત જ તેને પ્રશ્ન થયો કે તું ભવાનીપુરાનો બાસીંદો… સાલા તેરા બાપ મૂડી વાદી…કીર્તિને ક્ષણ ભર તો ડર લાગ્યો કારણ કે રીવોલ્વર કાઢી વાચા તેને ઉપાડી જવા કટી બધ્ધ થઇ અને ટેક્ષીમાં તેનું અપહરણ કરીને મુખ્ય અડ્ડે લઇ ગઈ.

કીર્તિ કહે વાચા હું અને તું બંન્ને જિંદગીનાં ભણવાનાં વર્ષો બગાડીયે છે જરા વિચાર તો કર..આપણે તો ડોક્ટર બની ને સેવા કરવાના

બંગાળીમાં ગાળ બોલતા તે બોલી..” મને ખબર છે તુ ગુજ્જુ ડોક્ટર હો કે પૈસા કમાએગા..ગરીબો કો ઓર રુલાએગા…

“ વાચા તું જો સમજ રહી હૈ વો તેરી ભાષા નહીં વો તપન દા કી બાતે હૈ..”

“તો ક્યા? તપન બાબુ ને સમજાયા વો સબ સચ નહીં?”

ગાડીમાં ઘાલીને નક્ષલાઇટ તાલિમનાં ભાગ અનુસાર વાચા બે કલાકે તપન દા પાસે પહોંચી અને બોલી..કીર્તિ ભવાનીપુર કા બાશીંદા હૈ.

કીર્તિનાં હાથ જોઇને કહે “વાચા તુ ભી કીસ લુખ્ખે કો પકડ લાઇ હૈ.. ખાલી હાથ.. ન અંગુઠી ન ઘડી ન ચૈન.. ફેંક દે સાલે કો ઇસ કે ઉપર ગોલી ભી ના ચલાના. ટાકા ( રૂપિયા) બરબાદ હોગા.

પ્રહલાદ બાપા રાહ જોતા હતા ત્યાં કીર્તિ અસ્ત્વ્યસ્ત કપડામાં ઘરે પહોંચ્યો.

હવે પોલીસોનો ત્રાસ શરુ થવાનો હતો તેની કીર્તિને ખબર હતી તેથી તે પોલીસ ચોકીમાં એટલું જ બોલ્યો “ વાચા ચેટર્જી અને મારું અપહરણ થયું હતું પણ પૈસા નહોંતા તેથી હું ફેંકાઇ ગયો..

“અને વાચા?”

મારી નજર સામે તેને ગોળી મારી ઠાર કરી નાખી…મેં જુઠાણું હાક્યું કે જેથી વાચા તકલીફ માં ના આવે.

“તને યાદ છે તેમનાં ચહેરા?”

“ના તે બધ્ધાનાં મોં ઉપર મફલરની બૂકાની હતી”

તેનું આંતર મન વાચાને બચાવી ધન્યતા અનુભવતો હતો પણ તે ક્ષણ બહું જ ટૂંકી હતી.. ખરેખર જ વાચા અને તપન દા.. તે દિવસે સાંજે બોંબ બ્લાસ્ટ્માં ઉડી ગયા હતા…

ડરેલો કીર્તિ કૅટલાય દિવસ સુધી ડીપ્રેશનમાંથી  બહાર ના નીકળ્યો.. બોંબ ધડાકાના અવાજે તે ઝબકી જતો. સાધના જલગાંવ થી આવી ગઇ હતી. કીર્તિને તે ના ગમ્યુ પણ પ્રહલાદ બાપા સામે તેણે અવાજ ના કર્યો. તેનો ડૂમો કાઢવા તેને રડવુ હતું અને તે રડે એટલે સાધના પણ રડે તે તેને ગમતું નહીં.

વાચા ની વાતો તેની ગાળો અને તેનો સીધો સપાટ ચહેરો તેને યાદ આવતો. સાધનાને તેણે તે દિવસે વાત કરી કે વાચા સારી મિત્ર થઇ શકત..જો આ નક્ષલાઇટ વાતોમાં ન પડી હોત તો.. કદાચ હું તેને પાછી લાવી શક્યો હોત…સાધના મનમાં ખીજાતી કે જે જતી રહી તેને માટે તુ ના રડ. અને મને પણ ના રડાવ.

પોલીટીકલ પાર્ટી પાછી નવા ચહેરા સાથે પાવરમાં આવીને નક્ષલાઇટ પ્રવૃત્તિ કાબુમાં આવી

કીર્તિ આ ગાળામાં રીવોલ્વર અને બોંબ ધડાકાથી બીતો. પ્રહલાદ બાપાએ સાધના પાસેથી દીકરાનું મન જાણવા પ્રયત્ન કરતા રહેતા..

સાધના બોલી તેના માથા ઉપર ગન મુકી હતી તે વાતનો અજાણ ભય હજી તેને ડરાવે છે. કોલેજો બંધ હતી તેથી સાધના અને કીર્તિને જલગાંવ કેરીગાળો કરવા મોક્લ્યા જેની પાછળ પ્રહલાદ બાપાનું એક જ ગણીત હતું.. જગ્યા બદલાશે ..વાતાવરણ બદલાશે એટલે ભય આપો આપ જ દુર થઈ જશે.

કીર્તિ જલગાંવ રહેવાને બદલે મુંબઇ પાર્લા તેના કાકાને ત્યાં મહીનો રહ્યો અને સાધનાનું ભણતર ન બગડે તેથી તેને જલગાંવમાં જ રાખી. ફોન ઉપર વાતો કરતી અને કીર્તિ સાથે રડતી.. પણ તે દિવસ આવી જ ગયો જ્યારે કીર્તિ એ કહ્યું બસ હવે બારમુ આવી ગયું…

નો મોર વાચા.. અને નો મોર રડવાનું.. આપણે પણ આપણી જિંદગી આપણી રીતે જીવવાની છે. સાધનાએ મનથી હાશ કરી.. ગમે તેમ તોય વાચા કીર્તિનાં જીવનમાં તેનાથી વહેલી આવી હતી.. મિત્ર હતી.. અને તે કીર્તિને પ્રિય પણ હતી.

વિલ્સન કોલેજ્ને બદલે નવી ટર્મ તેણે અમદાવાદ લીધી કે જેથી ભણવાનું ના બગડે અને એમ બી એ એસ થઇ ગયો.નવા મિત્રોની તો જરુર હતી જ નહીં સાધનાનું ભણવાનું પતી ગયુ હતું પ્રહલાદ બાપાએ ફાર્મસી વેચી દીધી અને વટવા ખાતે ફેક્ટરી નાખી અને ફોર્મ્યુલેશન નું કામ શરુ થઇ ગયુ હતુ.

કીર્તિને સ્વીટ્ઝર્લેંડ જવું હતું રેડીયોલોજીમાં આગળ વધવું હતું પણ પૈસા ક્યાં હતા? પ્રહલાદ બાપા તો કીર્તિ તે દિશામાં આગળ વધે તેવું ઇચ્છતા જ નહોંતા.

સાધના તે દિવસે ફરી ચમત્કાર કરી ગઈ.

કીર્તિનાં જન્મ દિવસે કોપનહેગન ની ૪ મહીનાની ટીકીટ અને ૫૧ ક્રોન રોકડા હાથમાં આપી ચાર મહીના નો વનવાસ કબુલી ગઈ.  સાધનાનાં પપ્પા પણ ઇચ્છતા હતા કે કીર્તી આગળ વધે… સાધના તે વખતે બે જીવી હતી …કીર્તિ બોલ્યો માણસ કદી એકલો હોતો નથી.. કોઇનો તાબેદાર પણ હોતો નથી.

બે વિમાનો બદલી ને તે કોપન હેગન પહોંચ્યો ત્યારે મોડી રાત થઇ ગઈ હતી.

નવું શહેર.. અજાણ્યું શહેર અને ગજવામાં ખાળી ૫૧ ક્રોન હતા.. હોટેલ તો પોષાય જ કેમ પણ જ્યાં એડમીશન લીધુ હતુ તે જગ્યાએ પહોંચ્યો ત્યારે તે બંધ થઇ ગયેલી હતી.બરફ વરસી રહ્યો હતો અને ઝીરો ડીગ્રી ફેરન હાઇટ્ની ઠંડીમાં એક બેગ સાથે ક્યાં જવું ની ચિંતા સાથે બસ સ્ટેશન ઉપર થરથરતો ઉભો હતો ત્યારે મરિયમ આવી. સમજી ગઇ હતી કે કોઇ વિદ્યાર્થી છે અને પાતળા સ્વેટર સાથે ધ્રુજી રહ્યો છે.

ગાડી ઉભી રાખીને બોલી “ ચાલ ગાડીમાં બેસી જા..” સત્તાવાહી અવાજ અને ઠંડીમાં ધ્રુજવા કરતા જે થશે તે જોયુ જશેનાં વિચારે તે ગાડીમાં બેસી ગયો.

મરિયમ રેડીયોલોજી વિભાગની લાઇબ્રેરીયન હતી.

તેનાં ઘરે જઇને પહેલું કામ એ કર્યું કે ગરમા ગરમ ધાબળા આપ્યા અને કોફી પોટ ભર્યો.

હજી ધ્રુજારી ગઇ નહોંતી તેથી કૉફી હાથમાં આપતા બોલી.. કોઇક્ને જાણ તો કરવી હતી?’

કીર્તિ બોલ્યો જાણ તો કરી હતી પણ બુડાપેસ્ટ્થી વિમાન પાંચ કલાક મોડૂ ઉપડ્યું અને બધે તેથી રાત પડી ગઈ.

“ બૉલ શું ખાશે?”

“ ખાવાનું તો મારી પાસે છે પણ આપનો ઘણો આભાર..હું કૉફી સાથે તે ખાઇ લઈશ.”

“ભલે તને જોઇને જહોની- મારો આલ્સેશીયન કુતરો ભસ્યો નહીં એટલે maને ખબર પડી ગઈ છે કે તુ ભરોંસા લાયક માણસ છે.”

“મરિયમ તમને હું મા કહું તો ખોટુ તો નહીં લાગે ને?”

નારે ના.. પણ તારી મમ્મીને પુછી લેજે તેને આ સ્વીડીશ ડોસીની ઇર્ષા નહી થાય્ને? તેનો તૈયાર ડોક્ટર દીકરો પડાવી લઇશ તો…”

કીર્તિ હસ્યો.. આ પ્રસંગ તો ભૂતકાળમાં ઑગળી ગયો પણ તેને પહેલી વખત લાગ્યુ પ્રહલાદ બાપાને મારી આવી જીદોને લીધે આટલું જ દુઃખ થયુ હશેને? જે કાર્તિકને કારણે મને અનુભવાય છે.

તેમની ઇચ્છા વિરુધ્ધ રેડીયોલોજી લીધુ.. પ્રેક્ટીસ ન કરતા વધુ ભણવા સાસરિયાની સહાયે સ્વીડન પહોંચ્યો..તેના મનમાં બાપા માટે માન થતુ હતું અને દીકરા તરફ અનુકંપા..બસ કહેવાનું અને કહ્યા પછી એવી ઇચ્છા નહી રાખવાની કે તેમનું કહ્યું માને. Mention it but do not insist વાળું વાક્ય ઘુમરાયા કરતુ હતુ.

ઉદાસ કીર્તિને પાસા ઘસતો જોતી સાધના બોલી.. કીર્તિ કાલે જોબ પર જવાનું છે.. કાર્તિકને તેં જે કહેવું હતું તે કહી દીધુ હવે તેની ચિંતા ભગવાન ઉપર છોડ અને સુઇ જા.

સાધના મને આજે એ વાત ઉપર બાપા યાદ આવ્યા… તેમનું ઘણું ધારેલું મેં ક્યાં કર્યુ હતુ? કદાચ એ કર્મ જ અત્યારે અસર આપી રહ્યું છે.

સાધના કહે “કીર્તિ.. બીત ગઈ સો બાત ગઈ અબ રૈન બસેરા બાકી હૈ”

 

 

પ્રકરણ ૫

અઠવાડીયા બાદ સવારના પહોરમાં  કેયા ઘરે આવી ત્યારે કાર્તિક ઘરે નહોંતો. સાધના બહેનને કહે “ મમ્મી આજે મને કાર્તિક્નાં રૂમમાં તેની ગેરહાજરીમાં રહેવું છે વાંધો તો નથીને?”

સાધના બહેન કહે “ મને શું વાંધો હોય? અમે તો તમને બંનેને હસતા અને કિલ્લોલતા જ જોવા માંગીયે છે.”

તેના હાથમાં ઢગલો ગીફ્ટબોક્ષ અને ફુલો જોઇને સાધનાબહેન મલક્યા. કારમાં બે વખત જઇને ઢગલો રાતા ગુલાબનાં ગુલદસ્તા લઇને આવીને પછી મમ્મીને કહ્યું કાર્તિકને કહેશો નહીં કે હું રુમમાં છું.”

“ સારુ તારા માટે ચા કે કૉફી કશું મોકલાવું? જમવામાં આજે હાંડવો કરવાની છું તારા માટે કશું કરું?

“ ના મોમ.. હું ભુખ લાગશે ત્યારે કશુંક બનાવી લઇશ.. લવ યુ મોમ!”

કેયા કાર્તિકનાં રુમમાં  જઇને રુમનું બારણું બંધ કરી ગોઠવણમાં લાગી ગઇ હશે તેમ માનીને સાધનાબેન તેમના કામે લાગી ગયા..

બરોબર બારનાં ટકોરે લંચ માટે કાર્તિક ઘરે આવ્યો ત્યારે પહેલો જ પ્રશ્ન કર્યો.. “મમ્મી કેયા ઘરે છે?”

“કેમ?”

“આજે કોલેજમાં નહોંતી અને  ફોન પણ ઉપાડતી નથી અને તેના મમ્મી કહે છે તે તો કોલેજ જવા સવારથી નીકળી ગઈ છે.”

ત્યાં એના રુમમાંથી મ્યુઝીક સંભળાયુ અને કાર્તિક રુમ તરફ ભાગ્યો. તેનું ફેવરાઈટ ગીત વાગતુ હતુ અને કેયા સરસ વસ્ત્રોમાં ફુલોથી આખો રૂમ શણગારીને ભેટોનો વચ્ચોવચ ઢગલો કરીને ઉભી હતી.. કેરિઓકી લગાડેલી હતી અને કેયા તેના ઉપર ઝુમતી સરસ ગીત ગાતી હતી…કાર્તિક્ને કલ્પના પણ નહોંતી કે કેયા આવું કંઇક કરશે… ત્યાં બેલ વાગ્યો અને  બંને કુટુંબો ભેગા થઇને પોટ્લગ પાર્ટીમાં કાર્તિકનાં સરપ્રાઇઝમાં ભાગ લેવા આવી ગયા હતા.

હાંડવો તો હતો જ પણ સાધના બેને અને માધવી બેને સમજીને પુરે પુરુ ભાણું તૈયાર કરી દીધું હતું.. અને બંન્ને પપ્પાઓ જોબ ઉપરથી બ્રેક લઈને હાજર હતા.

કાર્તિકને હજી સમજાતુ નહોંતુ કે આ શું ચાલી રહ્યું છે? તેથી કેયાએ ફોડ પાડ્યો આજે આપણા વિવાહને એક અઠ્વાડીયુ થયુ તેનું ઉજવણું છે…માધવી બહેને વાતને આગળ વધારતા કહ્યુ.. હવે આવી સરપ્રાઇઝ પાર્ટીઓ નિયમિત થશે. ક્યારે થશે અને કેવી રીતે થશે અને કોણ કરશે તે બધુંજ સરપ્રાઇઝ રહેશે… સાધના બહેને બહુ પ્રેમથી કેયાને માથે હાથ મુકીને આશિર્વાદ આપ્યા અને ઓવારણા લીધા… જલ્દી જલ્દી ભણવાનું પુરુ કરો… અને.. કેયાએ નાક પર હાથ મુકઈને ઇશારો કર્યો.. મમ્મી એ વાત ૨૮ પછી ખબર છે ને કાર્તિકનું જાહેરમાં વચન…

આખુ ઘર આનંદમાં ઝુમી રહ્યુ હતુ

ડાઇનીંગ ટેબલ ઉપર ખાવાનું પિરસાયુ..કાર્તિક તો વારી જ ગયો હતો કેયાની ઘરમાં હક્ક કરીને ઘુસી જવાની આવડત ઉપર….હક્ક તો હતો જ .. પણ તેના ઉપર આવું સોનેરી વહાલભર્યુ આમંત્રણ..અહો સુખમ નો અનુભવ કરાવી ગયું

લંચ પુરો થયો મીઠાઇનાં છેલ્લે કોળીયે બંને પપ્પા પરત થયા.. માધ્વી બેને સાધનાબેન સાથે રસોડુ પતાવ્યુ અને કેયા અને કાર્તિક કોલેજ જવા નીકળ્યા…

ગાડીમાં બેસતાની સાથે પોતાની પાસે ખેંચતા કાર્તિક બોલ્યો..” કેયા આવું બધું તને ક્યાંથી સુઝે છે?”

“ જો મેં તને અને તારા ઘરનાંબધાને મારા માન્યા છે.. મારે પણ તે મારા વહેવાર અને વર્તનમાં દેખાડવુ પડેને? અને ભુલી ગયો? આજે વેલેન્ટાઇન ડે હતો…”

“ખરેખર? એતો ફેબ્રુઆરિમાં હોયને?”

જેને હ્રદય્થી ચાહ્તા હોઇએ તેને માટે કશુંક કરવું હોય તો વાર મુહુર્ત અને ચોઘડીયા ઓછા જોવાય? એ તો જ્યારે સ્ફુરે ત્યારે ઉજવવાનું .. વળી આપણે તો આખું આયખું પડ્યું છે ઉજવવાને… તો રાહ શું કામ જોવાની?

રાઇસ યુનિવર્સીટી જતી લેક્ષસને વૉલ્ગ્રીન સ્ટોરમાં ઉભી રાખી કાર્તિક બહાર નીકળ્યો અને મસ મોટું કાર્ડ લઇ આવ્યો જેને બે હાથમાં પહોળું કરી ધીમે રહી ગાડીમાં દાખલ થયો.

કાર્ડમાં લખ્યુ હતું

મારી વહેલી સવારની પહેલી કિરણ

તું છે તો ઉજાસ છે

નહીંતર જીવન ઉદાસ હોત

લવ

કાર્તિક

કેયા વહાલથી જોઇ રહી..

કાર્તિક બોલ્યો “આ મારી પહેલી કવિતા તારે નામ”…

કેયાએ કાર્તિકને અંદર ખેંચતા ગાલ ઉપર વહાલનું ચુંબન ભેટ ધર્યુ.

કાર્તિક કહે – આ શું? જરા જગ્યા તો સાચી પકડ…

કેયા લુચ્ચુ હસી અને કહે લગ્ન પછી તે બધુ…

ખોટો છણકો કરતા કાર્તિક બોલ્યો…”મારૂ આટલું મોટું કાર્ડ અને આટલું બધું વહાલ..પહેલી કવિતા બધુ સાવ  માથે પડ્યું! “

“ માથે નહીં ગાલે પડ્યું..” ચાલ જલ્દી ક્લાસમાં મોડા પડશું.

“કેયાડી..”કહીને કાર્તિકે તેને માથે હાથ ફેરવ્યો વહાલનો અને અનુમતિનો…

”હા કેયા તારે લીધેજ..હું ભણીશ..અને ૨૮ વર્ષની ભીષ્મ પ્રતિજ્ઞા પણ પાળીશ. મને તારો સાથ અને સંસ્કાર ગમે છે”.


પ્રહલાદ બાપાની ફેક્ટરી સ્થિરતા પકડી ચુકી હતી તેવામાં કીર્તિ સ્વીડન ગયો. તેમને તે ગમ્યુ તો નહીં પણ હવે પેટ કરાવે વેઠ.. સાધનાની પહેલી ડીલીવરી તેથી તે જલગાંવ હતી અને અમદાવાદની સૌથી મોટી ફાર્માસ્યુટીકલ કંપની સારાભાઈ કેમીકલ્સનાં વળતા પાણી થતા ફોર્મ્યુલેશન નું ઘણું બધું કામ વહેંચાતુ થયુ પ્રહલાદ બાપાની બેંગાલ ફાર્માનું કામ સારુ તેથી તે કામ ઝડપથી વધવા માંડ્યુ.

પ્રહલાદ બાપાને ઘરનાં માણસો વધુ હોય તો સારુ એવું લાગતુ. લાખો રુપિયાનો વહીવટ ઘરનાં માણસો હોય તો કરોડોમાં પહોંચે તેવી સફળતા તેઓ જોઇ રહ્યા હતા.ફેક્ટરી વિકસાવવી હતી. બાજુની જમીનનો પ્લોટ ખરીદવો હતો.રાગીણી નાં જન્મ દિવસે પ્રહલાદ બાપાને કેડીલા કંપનીમાં થી મોટો ફોર્મ્યુલેશન ઓર્ડર મળ્યો.

“ લક્ષ્મી દેવી પધાર્યા કહી” પ્રહલાદ બાપાએ તો આખા અમદાવાદમાં પેંડા વહેચાવ્યા.આ બાજુ કીર્તી નવી ડેવલપ થતી ડોપલર ટેકનોલોજી નો નિષ્ણાત બની ને ભારત આવવા નીકળ્યો ત્યારે મરિયમ માએ  હ્યુસ્ટન એમ ડી એંડર્સન નો એપોઇન્ટ્મેન્ટ લેટર હાથમાં મુક્યો.

મુંબઈ ઉતરીને સીધો જલગાંવ જવા જતા જતા તેણે અમદાવાદ ફોન કર્યો. પ્રહલાદ બાપા પ્રસન્ન હતા..લક્ષ્મીદેવીનાં પગલે કેડીલાનો વરસનો રેટ કોંટ્રાકટ મળ્યો હતો તેથી હવે રેડીઓલોજી ને મૂક પૂળો અને ફેક્ટરીમાં લાગી જા ની વાત કરી ત્યારે તે ગંભિરતાથી બોલ્યો બાપા યશને તમારો જમણો હાથ બનાવો ..હું તો અમેરિકાનું પોષ્ટીગ લઇને આવું છું..એમ. ડી. એંડર્સન મોટી સંશોધન સંસ્થા છે કેન્સરમાં જે હું ભણીને આવું છું તેની ભારે માંગ છે.

“એટલે?”

એટલે તમે જલગાંવ આવો છોને? ત્યારે વધુ વાત કરીયે.

પ્રહલાદ બાપાને આ મોટો ઝાટકો હતો..તેમણે શું ધાર્યુ હતું ને શું થઇ રહ્યુ હતુ પણ હવે તીર નીકળી ચુક્યુ હતું તેને પાછું વાળવાનું ક ક્યાં તેમના હાથમાં હતું?

મહીને ૧૫૦૦૦ ડોલર નો પગાર ૮ રુપિયાનાં ભાવે કંઇ મોટો નહોંતો પણ તેટલા પૈસા કંઇ પ્રહલાદ બાપા આપવાનાં પણ નહોંતા. કંટ્રોલ ગુમાવવાની વાત પ્રહલાદ બાપા કરે તો તે કેવી રીતે? કારણ કે તેમને તો તે દાક્તરીમાં ગયો ત્યારથી જ ગમતું નહોંતું.

અંદરથી બહું ધુંધવાયા.. આ તો છેતરામણી થતી હતી…પાંખા આવી અને ભુલી ગયા કે તમને પાંખો અપાવતા સુધીની મંઝીલની નીસરણી બાપા હતા.

એમની આંખમાં ઝળઝળીયા આવી ગયા…દીકરી જેમ વિદાય લે અને બાપને રડવુ આવે તે રીતે નહીં પણ હજી દીકરો કમાઇને દે તે પહેલા હાથતાળી દઇને નાસી ગયાની હારને લીધે.

કીર્તિનાં દાદીમા સુમતા બા સારી રીતે સમજતા હતા કે પ્રહલાદ શું વિચારે છે તેથી તેઓ બોલ્યા પણ ખરા… “પ્રહલાદ લોહીનાં સબંધોમાં વેપારની ઘાલ મેલ ના કરાય. કેટલાક વૃક્ષો આપણે ઈચ્છતા હોઇએ ત્યારે ફળ ના પણ આપે…દીકરાને પાંખો આપી છે ને? તો હવે તેને ઉડવા મોકળુ આકાશ પણ આપ! તેઓ તેમનું ભાગ્ય લખાવીને આવ્યા હોય છે તું તેમના ભાગ્યવિધાતા બનવાનું દુઃસાહસ ના કર.

“પણ બા..અત્યારે મને તેની ખુબ જ જરુર છે.”

“ તારી જરુરિયાત સમજાવી જો. તે તેની જરુરિયાત સાથે સરખાવીને સુયોગ્ય નિર્ણય લેશે.”

“ બા. હવે તો તે હ્યુસ્ટન જવાની વાતો કરે છે.. પાંખોતો જાણે મળેલી જ છે પણ હવે અલગ પોતાનો માળો પણ બનાવી રહ્યો છે.”

“ તો રાજી થાને? તું માંગરોળથી કલકતા ગયો હતો ત્યારે તારા બાપૂએ તને રોક્યો હતો?”

“ હા બા. પણ તે વખત જુદો હતો.. બાપાની દુકાન સંભાળવા બે ભાઇઓ હતા અને મેં ફારમસીમાં ભણતર લીધું ત્યારથી નક્કી હતું કે હું માંગરોળ બાપાની દુકાન સાચવવાનો જ નથી.”

“બસ તો હવે સમજ કે તારા બાપા પણ આજ પરિસ્થિતિમાં હતા બસ તેમજ તેણે પણ ડૉક્ટરી લીધી ત્યારથી જ નક્કી હતું કે તારી ફાર્મસી ઉપર તે બેસવાનો જ નથી….પછી તું શું કામ તારી લાગણીઓને તારા હીતમાં જ બોલ્યા કરે છે? મોટા છોકરા થાય ત્યારે તેમને સમજવા અને તેમના દ્રષ્ટિબીંદુ પ્રમાણે ચાલવાની તક આપવાની.  શક્ય છે તેઓ સાચા પણ હોય..”

“ પણ બા…”

“ આ પણ ને બણ છોડી દે..બસ તેઓ માને કે ના માને તારી વાત કહે અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનું છોડી દે.

થોડીક શાંતિ પછી તેઓ બોલ્યા.. “બા મને ખબર નથી અજાણ્યો દેશ.. અજાણ્યા સાથીદારો એ સુખી નહી થાય તો?”

બા પહેલા તો ખુબ જ હસ્યા.. પછી કહે “ગાંડાભાઇ તું કલકતા જતો હતો ત્યારે તારા બાપા પણ આવીજ ચિંતા કરતા હતા.. તું દુઃખી થયો? બંગાલ કેમીકલ્સે તને બે વખતની રોટલી તો આપીને? બસ હવે તેનો ભાગ્ય વિધાતા ના બન. બાપ છે બાપ તરીકે આશિર્વાદ આપ અને સાથે સાથે એટલું પણ કહે કોઇ પણ દુઃખનો પ્રસંગ આવે તો તારી જાતને એકલો ના સમજતો.. આ બાપ બેઠો છે ત્યાં સુધી આ ઘર તને પોષશે અને જાળવશે. અને કહેજે કલ્યાણ થાવ.

પ્રહલાદ બાપા એમના પિતાજીનાં ફોટાનો જોઇ રહે છે અને બાને કહે છે “ હેં બા બાપા મારી ચિંતા કરતા હતા…?

“ એમને તો ધર્મ અને ભગવાન ઉપર બહું શ્રધ્ધા હતી. તું જ્યારે કલકત્તા જવા નીકળ્યો હતો ત્યારથી જ પ્રભુને સોંપી દીધેલો હતો..અને કહેતા “પ્રભુ મારું બાળ તારે હવાલે.”

કીર્તિનાં મમ્મી શકુ બા, સુમતાબા અને પ્રહલાદ બાપાની વાતોમાં મહદ અંશે મૌન જ રહેતા તેમને ખબર પ્રહલાદ બાપા સંવેદનશીલ અને હઠાગ્રહી.. પણ સુમતા બા એકલાજ તેમનાં વિચારો બદલી શકે ખાસતો કીર્તિની બાબતમાં. તેઓ જાણે કે સ્વકેન્દ્રી વલણ બંનેનું સરખુ પણ હઠાગ્રહ.પ્રહલાદ બાપાનો વધુ.

કીર્તિ મોટો એટલે માન રાખે જ્યારે યશ અને ભાવના તો તેમને ગાંઠે જ ના અને તેથી કીર્તિ વધુ ગમે. અને આજકાલ કીર્તિ પાસેથી પણ તેમને શાંત નકારાત્મક વાતો જ મળતી

વળી કીર્તિ સમજી ગયો હતો બાપાનો વેરા આંતરા વાળો વહેવાર.. તેને ખબર હતીકે ડાહ્યો દીકરો તો દેશાવર જ શોભે અને તેથી હ્યુસ્ટન ખાતે પોષ્ટીંગ મળ્યું અને નક્કી કરી લીધું કે રુપિયા કરતા ડોલર એ ડહાપણ નું કામ છે.અને તેથી થોડીક હિંમત કરીને તે બાપાને ના કહેવાનું શીખી ગયો હતો. જો કે તેને તેમ કરવું કદીય ગમ્યુ નહોંતુ  પણ એને લાગતું કે મોટો થયો એટલે શું ગુનો કર્યો?.

કીર્તિ શકુબા ઉપર પડેલો અને યશ પ્રહલાદ બાપા ઉપર તેથી પણ બા સાથે તેને વધુ ફાવતુ અને યશ ભલેને લુચ્ચાઇઓ કરે પણ પ્રહલાદ બાપાને તેના ઉપર હેત આછુ. પણ જબરો સેલ્સમેન..ભલભલાને ગોટે ચઢાવે પણ કીર્તિ ભાઇ સામે બહુ હોંશિયારી ના દેખાડે કારણ કે પરદેશ રહેતો મોટોભાઇ ભાગ ક્યાં પડાવવાનો હતો?

વળી કંપનીમાંથી એવી જ યોજના મુકે તેની જીત થાય અને ઉપલકીયા ઇનામોમાં સારામાં સારુ ઇનામ તેને ઘરે જાય.પગાર ઉપરાંત ભાડુ ભથ્થુ અને ટ્રાવેલ ટીકીટો નાં ફ્લાયીંગ માઇલો તેની મૂડી..

ભાવના પણ જાણે કે કીર્તિભાઇ અને સાધના ભભી અમેરિકામાં બેઠ બેઠા ગીલ્ટ અનુભવે તેનો ભર પેટ લાભ લેવાનું જ સમજે. જ્યારે પણ તક મળે ત્યારે “ અમારી તો તાકાત જ ક્યાં? નાં રોદણા રડે.. પ્રહલાદ બાપા વારે તહેવારે વહેવારો કરાવે પણ ડોલરમાં અને યશ રુપિયામાં કરે.

સાધનાને આ બધું કઠે પણ કીર્તિ કહે આખરે ઘી ઢળ્યું તો ખીચડીમાં.. પણ સાધના કહે બાપા આ બધું ચાલવા દે છે તે ખોટું છે. પણ ડોલરે રૂપિયા સામે ચઢવા માંડ્યુ ત્યારે સાધના પણ ઉદાર બનતી રાગીણી અને રોમાનો  વહેવાર કરાવતી કાર્તિક તો બહું નાનો એટલે સૌને વહાલો પણ હવે યશ અને ભાવના ને ત્યાં પણ સંતાનો થયા કેવીન અને ચાર્મી .એથી ઘસાવાનું તો કીર્તિને જ થતુ.અને નજીક રહે તેથી વારે તહેવારે નાના મોટા ફાયદા યશ અને ભાવનાને થતા. શકુ બ કહે પણ ખરા મારા કીર્તિને બધામાં થી બાકાત ના રાખો પણ પ્રહલાદ બાપા “તે તો ડૉલરમાં કમાય છે.. એને શું પડી છે કહી વેરો આંતરો કરતા જે સાધનાને ના ગમતુ.

તે કહેતી બાપા તે આશિર્વાદ છે અને ભલેને ૨૧ રૂપિયા તો ૨૧ પણ મારા છોકરાઓને ગણવાના… દર બે ત્રણ વરસે થતી ભારતની યાત્રામાં સારી એવી ભેટ સોગાદ લૈને આવતી સાધના ભાવનાનું ઘર કેમ વધુ ભરાય તે જોવાનું ખાસ ધ્યાન રખાય અને સરખામણીમાં મારી દીકરી નું ઘર ઘસાતુ કહીને તેનું ઘર ભરવા પ્રયત્નો થતા.

સાધના કહે પણ ખરી બાપા ડોલર અને રૂપિયાનો ભેદ ના કરાય અમારી પણ બાંધી આવક અને અહીં તમને એક રૂપિયામાં મળતી ચા ત્યાં અમને એક ડોલરમાં જ મળે છે શું તમે ૩૬ રૂપિયાની ચા પીઓ ખરા?

પણ થોડા સમય માટે આવતા હોઇએ ત્યાં ક્યાં મનદુઃખ કરવું કહીને તે શકુબા પાસે બળાપો કાઢી લેતી

કીર્તિ કહે તેમને તો ત્રણ સંતાનો છે પણ મારા તો એક જ મા બાપ છે તેમને સારું લાગતુ  હોય તો મુકને પૂડો આ વહેવાર અને આશિર્વાદ નો. આટલી મોટી ઉંમરે તે બદલાવાનાં નથી અને આપણે તેમને બદલીને કામ શું છે?

સાધના કીર્તિની આ વૃતિને ભાગેડુ વૃતિ કહેતી..જો કે ક્યારેક તે મન પણ વાળી લેતી કારણ કે આખરે તો કીર્તિ પણ તેમનું જ સંતાન હતોને? અને કહેતો પણ ખરો સાધના પાકે કાંઠલે ઘાટ ના ચઢે.. થોડું ક નાણાકીય ઘસાવું પડે છે પણ અહીં તેમની સાથે રહીને તેમની દાદાગીરી યશ સહે છે તે હું ના સહી શક્યો હોત.

સાધના બબડે પણ શકુ બા પાસે જેમનું ક્યારેય પ્રહલાદ બાપા પાસે ચાલ્યુ હતું નહીં અને તેથી તે પણ કીર્તિની જેમ જ કહેતા.. તેઓ ના સુધરે અને તેમનું ધાર્યુ જ કરે.આખરે તો આ બધી સંપતિ તેમની આપ કમાઇ છે ને?

પ્રકરણ ૬

અમદાવાદમાં ધરતી કંપ થયો ત્યારે પ્રહલાદ બાપા અને યશનાં ફ્લેટ્સ ખાસી એવી તકલીફોમાં હતા. સદભાગ્યે તેઓ વીરપુર ગયા હતા તેથી જાત્નું નુકસાન નહોંતુ પણ ફ્લેટ્સ રહેવા લાયક રહ્યા નહોંતા ફેક્ટરી પણ નેસ્ત નાબુદ થઇ ગઇ હતી.કાર્તિક તે વખતે ૮ વર્ષનો હતો અને બંને દીકરીઓ કોલેજમાં.

પ્રહલાદ બાપા ફોન ઉપર ગદ ગદ થઇ હતા. શકુબા કહેતા કે આટલા નિરાશ અને ચુપ ચુપ તારા બાપાને મેં કદી જોયા નથી.. તેમની બધી જ અસ્કયામતો કુદરતની એક લપડાકે નેસ્ત નાબુદ કરી દીધી હતી. ઇન્સ્યોરણ્સ કેટલું આપશે અને બેંકોમાં વહેવાર શરુ કરવા માટે વ્યાજો ભરવા માટે કેટલુ જોઇશે તે વિચારી વિચારીને તેઓ હત પ્રભ થઇ ગયા છે.

હ્યુસ્ટનથી પ્લેન પકડીને કીર્તિ અને સાધના ત્યાં પહોંચ્યા ત્યારે ચિત્ર થોડુંક જુદું હતું  તકલીફો તો હતીજ.. પણ જેવું ફોન ઉપર વાત થઇ હતી તેવું નુકસાન નહોંતુ.. તડો પડી હતી.. રહેવા લાયક ફ્લેટ મહીનામાં થઇ જશે તેવું ફ્લેટનાં અન્ય લોકો માનતા હતા. આંતરિક ભય હજી ફ્લેટ્માં સૌને કંપાવતો હતો.. અને બે એક દિવસ આછા આંચકા ચાલુ હતા.

આખુ ઘર ઉસ્માનપુરામાં આવેલા શફીક મિસ્ત્રીનાં ટેનામેંટમાં ખસી ગયુ હતુ. શફીક મીસ્ત્રી એટલે પ્રહલાદ ઠક્કરનો શાળાનો મિત્ર. માંગરોળ તેમના ઘરો નજીક નજીક હતા યશ અને ભાવના તેમના પરિવારો સાથે તેમના સાસારીયામાં હતા.

શફીક મિસ્ત્રી પ્રહલાદ ઠક્કર નાં વિચારોથી વાકેફ હતો. તેને ખબર હતી કે કીર્તિ તેના સાસરીયા સાથે બેસીને હ્યુસ્ટન જતો રહ્યો તેનું તેને પારાવાર દુઃખ હતુ.પણ તે ભૂતકાળમાં જીવતું અસ્તિત્વ હતું અને દુનિયા કેટલીય આગળ નીકળી ગઇ છે તે વાતો ને કદી ગણકારતા નહીં. શફીક્નાં મકાનમાં તકલીફો તો હતી પણ એપાર્ટ્મેંટ જેવા નુકસાનો તો નહોંતાં જ.

સુમતાબાનાં નિધન પછી આમેય પ્રહલાદ બાપા થોડાક જિદ્દી વધું થયા હતા. અને એક જ જીદ લઇને બેઠા હતા. તું બધું છોડીને પાછો આવી જા. ધંધો જામેલો છે. અને તું અમારા ઘડપણની  લાકડી જેવો છે.

કીર્તિ કહે “ બાપા એ કેવી રીતે બને ? કાર્તિક હજી સ્કુલમાં છે. છોકરૉઓ હજી મંડાઇ નથી. મારી નજરે તો જરા જુઓ.. અને અહીં આવીને હું કરું તો શું કરુ?.”

“ મને તારી પાસે આ જવાબની આશા નહોંતી..તકલીફનાં સમયે બાપ દીકરા પાસે આશા ના કરે તો શું કરે? બધુ ફરી સામાન્ય કરતા કરતા મારી તો જિંદગી જ પુરી થઇ જશે.’

જુઓ બાપા હું તો નોકરિયાત છું અહીંની દ્રષ્ટી એ તમને લાગે કે હું લાખોમાં ખેલું છું પણ ના એવું નથી.. ઘરની લોન ચાલુ છે અને બચતો બધી નિવૃત્તિ ફંડોમાં છે જેમાંથી પૈસા ઉપાડું તો દંડ અને ટેક્ષ લાગે એટલે ઘડાનાં કળશ્યા જ થાય….”

“જલગાંવમાં આ કુદરતી આફત આવી હોત તો તું કેવું વર્તતે મને ખબર છે.”શકુબા અને શફીકભાઇ તો હાયકારો નાખી ગયા.. “પ્રહલાદભાઇ આ તમે શું બોલો છો?”.

કીર્તિ કહે “ બાપા! તેમને પણ આવી પરિસ્થિતિમાં આજ જવાબ આપતે. અને પહેલી વાત તો એ છે કે તેઓ દીકરી પાસે હાથ લાંબો જ ના કરે તમારા તો મિત્ર છે.પણ હાલનાં તબક્કે આ વાત કરવાનો કોઇ અર્થ નથી. અને મને ખબર છે અત્યારે તમો આઘાતમાં છો એટલે આવું વિચારો છો.

“  ના… હૂં ડીપ્રેસનમાં નથી. હું ઇચ્છું કે તમે બધા ત્યાંનું વેચી સાટીને અહીયા અવી જાવ અને અહીં ફરીથી આપણે એક મેક્નાં ટેકે ઉભા થઇએ.’

“ બાપા! તમને અત્યારે ઉભા થવા કેટલા પૈસા જોઇએ છે તે કહોને? હું મારાથી બનતુ બધુ કરવા પ્રયત્ન કરીશ.”

“જો એકડે એક થી ફરી શરુ કરવા ઘણા બધા પૈસા ઉપરાંત ઘરનું માણસ પણ જોઇએ.”

“જુઓ બાપા તમને સાહીઠ તો થયા હું અહીં આવુ તે કરતા બા સાથે તમે જ હ્યુસ્ટન આવો ને?”

“પછી અહીં મારી ફેક્ટરી અને તેના સ્ટાફનું શું થાય?”

“બાપા યશ અને ભાવનાની ચિંતા ના કરો તેઓ તો તેમનું કુટી કાઢશે અને કંઇ તેમનું આખુ જીવન તમે ઓછા ધ્યાન રાખવાના છો?”

“ હવે વાતને આડે પાટે ના ચઢાવ.”

“ બાપા મને તમને ઘડપણ ની ચિંતાથી મુક્ત કરવા છે.”

“ એટલે ચાલો મારી સાથે ત્યાં.. અને ધરમ ધ્યાન કરજો.. તમારા બેનાં રોટલા મને ભારે નહીં પડે.”

“ અમને અમારા મૂળીયાથી દુર કરવાની વાતો કરે છે?”

“ના. પણ જે તમે સમજ્વા નથી માંગતા તે વાત કહું છું કે મારાથી તમને નવા સાહસ માટે પૈસા ધીરી શકાય તેવી તાકાત હોય તો પણ તમને ફેક્ટરીની વળગણ્થી દુર કરવા માંગુ છુ.”

શફીક જોઇ રહ્યો હતો બે અલગ દ્રશ્ટિબિંદુઓ..બાપને આખું જોઇએ છે પણ દીકરાને તે આપવું નથી.. અને તે કેવી રીતે આપે? બેંગાલ કેમીકલ્સ માં ભાગીયા ઘણાં છે જેમાંથી કોઇએ પૈસા કાઢ્યા નથી. અને હવે જ્યારે નવેસરથી પૈસા કાઢવાનાં છે ત્યારે પ્રહલાદ બાપાનાં છાંયડા નીચે બધા સંતાઇને બેઠા છે.

પ્રહલાદ બાપા હવે ગરજ્યા..કીર્તિ હજી હું બેઠોછું બધું સરખુ કરવા માટે આ તો દાણો દાબી જોયો કે મારો વંશજ કટોકટીનાં ટાણે  કેવો ટેકો કરે છે… મને મદદ કરવાને બદલે મને ફેક્ટરીથી જ દુર કરવાની વાતો કરે છે.

કીર્તિને ઘણું ય બોલવું હતું ખાસ તો એની કટોકટીનાં સમયે એમણે મદદ તો કરી નહોંતી પણ રોડા નાખ્યા હતા તેને બધું યાદ હતું. અને જોઇ રહ્યો હતો કે કાચીંડો જેમ પરિસ્થિતિ બદલાયને રંગ બદલે તેમ પ્રહલાદ બાપા રંગ બદલી રહ્યા હતા. પણ તેનામાં શકુબાનાં પણ સંસ્કાર હતા. તે મનોમન બોલ્યો બાપા તમારું જ સંતાન છું ને? તમારી નસે નસથી વાકેફ છું.

“શફીકકાકા તમારી હાજરીમાં બાપા બોલ્યાં છે તેમને રીટાયર નથી થવું અને મારી સાથે અમેરિકા નથી આવવું. તમે સાંભળ્યુંને? દીકરા તરીકેની મેં ફરજ બજાવી.. તેમને તેમની મુશ્કેલીની ક્ષણ તેમની રીતે જ કાઢવી છે. જે મારા માટે શક્ય નથી. હું હવે હ્યુસ્ટનમાં ફેલાઇ ચુક્યો છું જ્યારે તેમને હજી યશ અને ભાવના માટે બેંગાલ કેમીકલ્સ ચાલુ રાખવી છે..મને ખબર છે બીઝનેસમાં તો ફીસ્ટ અને ફાકા બંને હોય અને ફાવ્યો ગધો ડાહ્યો પણ હોય જ્યારે નોકરીમાં અમને ફીસ્ટ નથી હોતી કે નથી ફાકા. અમારી બચતો ધીરે ધીરે વધે.અને તેઓ કહે છે તેમ મારાથી મોટ ભમ ભુસકા ના મરાય…”

“ એટલે તું સાધના ના કહે ત્યાં સુધી એ દિશામાં વિચારવાનો પણ નથી?”

હવે સડક થવાનો વારો બધાનો હતો.સાધના તો આવાક જ થઇ ગઈ.

કીર્તિ કહે “બાપા! સાધનાને વચમાં ના ખેંચો.”

પ્રહલાદબાપા કહે  “ તું લગ્ન પછી બદલાઇ ગયો છે અને તેનું કારણ મને ન સમજાયું હોય તેમ તો ના હોયને?”

કીર્તિ કહે “તે તો હાઉસ વાઇફ છે તેનો પૈસાનાં વહીવટમાં કોઇ અવાજ નથી.. પણ તમે ભુલી જાવ છો કે હવે હું કંઇ ગીગલો નથી કે આ સરખામણીની અને વહાલા દવલાની નીતિ સમજતો ના હોઉં”

પ્રહલાદ બાપા હથિયાર હેંઠા મુકી દેવાનાં મતમાં નહોંતા પણ તેમની ધારી દિશાએ વાત જતી નહોંતી તેથી એક્દમ ઉભા થઇને નીચેનાં રૂમમાં જતા રહ્યા.

શકુબા નિઃસહાય આંખે કીર્તિને જોઇ રહ્યા.. જાણે કહેતા ના હોય કે તેઓ તો આ ઘડપણે નહીં બદલાય..પણ તું જરા કુણો થા ભઈ!

તેમની વાત સમજતો હોય તેમ કીર્તિ બોલ્યો “ બા. તું ચિંતા ના કર.. હું મારે કરવનું બધું જ કરીશ. મારી રીતે.. મને ખબર છે ઘી ઢળશે તો ખીચડીમાં..પણ ડોબું ખોઇને ડફોળ બનવાનું મને હવે પરવડતુ નથી.”

શફીક કાકા જોઇ રહ્યા હતા કીર્તિ હવે પહેલાનો ભોળો કીર્તિ નહોંતો.

તે બોલ્યા “કીર્તિ પ્રહલાદ તો નીચે જતો રહ્યો હવે સાંજે ફરી વાત.”

“ કેટલી અવળ વાણી! જે હું કરવાનો નથી તેજ વાત પહેલા કરે અને અધુરું હોય તેમ સાધના ને વચ્ચે લાવીને મને ડારવાનો પ્રયત્ન કરે…વડીલો કેમ નહીં સમજતા હોય કે સમય બદલાય તેમ બદલાવું જરુરી છે.પૈસા જોઇએ છે તો સીધી રીતે માંગી ન શકાય? અંગુઠો ઉપર રાખીને દબાવવાની વાતથી કંઇ કામ બને?”

ઘરનો ચાકર બપોરની ચા નાસ્તો લઇને આવ્યો. અને વાતાવરણ હળવુ થવા માંડ્યુ. શકુબાની નજરનો વિષાદ હવે સાધનાને પણ સમજાતો હતો.” હું જ સાચો અને મારી વાતજ તમે સમજો “વાળી વાતો  વર્ષોથી સહન કરતા કરતા તે પણ હવે થાકી ગયા હતા.

શકુબા ચા પી લીધા પછી બોલ્યા- કીર્તિ તારા બાપા સાથે જીવન કાઢવું કેટલું અઘરું હતું તે હવે તને સમજાશે… તું જે કંઇ કરે તેનો સાક્ષીકે લખાણ પતર રાખજે.. તારા બાપા સમાન દ્રષ્ટી ખોઇ બેઠા છે અને ભાવનાનાં વરની વાતોમાં આવી જઇને તને અને યશને છોલવા બેઠા છે. અત્યારે તારી વાત એટલા માટે માનતા નથી કે ભાવના અને પુલીન નો પ્રીંટીંગ પ્રેસ બેંગાલ  ફાર્મા પર નભે છે. બેંગાલ અટકે તો મોટો ઘરાક જાયને?.

સાધના શકુબાનાં પૂત્રપ્રેમને મનોમન વંદન કરી રહી.ઓછુ ભણેલા પણ ગણેલાની વાત કેટલી સચોટ હતી?

ઘડીયાળ ચાર વાગ્યાનું બતાવતી હતી અને કીર્તિ નીચે જઇને બાપાને માન આપીને આદર સહિત બોલાવી લાવ્યો.

“બાપા એમ રીસાયા કરશો તો મારો સમય ખુટી જશે અને જે કામ માટે આવ્યો છું તે નહીં થાય.”

બાપા સોફા ઉપર બેસતા બેસતા બોલ્યા- “હવે ભાઇ તું ય મોટો થઇ ગયો. કંઇ મારાથી હવે ધોલ ધપાટીને તારી સાથે ઓછું કામ થાય?”

“જુઓ બાપા હું મારી આગલી પેઢીનાં પૈસા મારી પાછલી પેઢીને આપું તો તેમને જવાબ આપવા તો બંધાયેલોને?”

“એટલે? સમજ પડે તેવું બોલ”

“ બાપા ભીડ પડી એટલે દોઢ હજાર ડોલર ખર્ચીને અમે બંને અહીં આવ્યા અને તમને લઇ જવાની તૈયારી બતાવી તે અમારી ફરજ છે. પણ બેંગાલ કેમીકલ્સમાં રોકાણ કરવું કે અહીં મકાનમાં રોકાણ કરવું તે મારી ફરજનો ભાગ નથી.”

ક્ષણ માટે કીર્તિએ અટકીને કહ્યું “પણ.. કુદરતી આપત્તિ સામે તમારી સાથે સહાય કરવા પ્રયત્નશીલ રહેવુ એ મારી ફરજ્નો ભાગ છે..”

પ્રહલાદ બાપાનાં જીવમાં જીવ આવ્યો.. હવે કીર્તિ ઘાટમાં આવ્યો..

“ જુઓ બાપા આપણો ફ્લૅટ રીપેર કરાવવો જરુરી છે. પછી સારો ભાવ આવે તો કાઢી નાખી એક ટેનમેંટ લેવું જરુરી છે. બેંગાલ કેમિકલ્સને તો વિમાની રકમ મળશે એટલે તેમાં કોઇ નવા રોકાણની હંગામી ધોરણે જરુરી નથી. અને આ બધુ કરવા હું ત્યાંથી લોન લઇને પૈસા મોકલવુ છું.”

“ પણ યશ અને ભાવનાનું શું?”

“કેમ પુલીનકુમાર પાસે બેંકોમા એફ ડી ઓ પડી છે તે ક્યારે કામ આવશે?”

“ તારે લોન લેવી પડે તેમ છે?”

“ હા એટલે તો કહું છું કે આગળની પેઢીનાં પૈસા પાછલી પેઢીને આપુ તો પૈસા પાછા ના આવે ત્યારે તે પેઢી મને પુછે તો ખરીને?”

“ આ જબરું”

હા..અમેરિકાનો વહેવાર એટલે તો સમજવો અઘરો છે અને અમને કંઇ વેચાણ ઉપર ઇન્સેન્ટીવ હોતા નથી.દિવસ્નાં દસ કલાક ની કાળી મજુરી હોય છે અને કંઇ કેટલીયે જવાબદારી વળી માલ્પ્રેક્ટીસ ના વિમાનાં પ્રીમીયમો ભરી ભરી થાકી જતા હોઇએ છે. .બાપા હવે સંકોચાવાનો સમય છે.. આખી જિંદગી તમે કામ કર્યુ કુદરત જ હવે કહે છે કે નિવૃત્ત થાવ અને અમારી સાથે પણ તમે જીવો. યશ અને ભાવના ને તેમની રીતે જીવવા દો.

શકુબા થોડાંક મલક્યાં અને કહે “ કીર્તિ સાચુ કહે છે હવે જેટલું જીવ્યા તેટલું જીવવાના નથી.મને તો હ્યુસ્ટન જવું છે.”

પ્રહલાદ બાપાએ કરડી નજરે જોયું અને કહ્યું “મારે હજી ઘણું કરવું છે.. હમણા તો જરા બે પાંદડે થયો છું બેંગાલ ફાર્માને ગુજરાતમાં મોટી ફાર્માસ્યુટીકલ બનવાની શક્યતા છે.”

“તે તમે યશને કરવા દો ને? તમારે તો હવે માર્ગદર્શન જ આપવાનું ને? તે તો ફોન ઉપર તમે ત્યાંથી પણ આપી શકશો.””

“ તારી બાને લઇ જવી હોય તો લઈ જા. મારાથી તો તારી જેમ હાથ ઉંચા નહીં થાય…”

“ ભલે બા તૈયાર થાવ તમને રજા મળી ગઈ. હવે રહી ખુટતા પૈસાની વાત.. વીમા રકમ પછી ખુટતી રકમો હું શફીક કાકા કહેશે તેમ મોકલતો રહીશ.”

પાછળ રેડીઓ ઉપર મુકેશ નું ગીત  વાગતુ હતુ

हमतो जाते अपने गाम अपनी राम राम राम

न तुम हारे न हम हारे.

પ્રહલાદ બાપા લાલઘુમ ચહેરે કીર્તિને જોતા રહ્યાં.. એક નો એક લાયક દીકરો અને તે પણ તેમના હાથમાં નહીં….

પ્રહલાદ બાપા બોલ્યા “કેમ શફીક કાકા?”

“ અહી આવીને મેં જોયું કે તમે જે કહેતા હતા તેના કરતા વાસ્તવીકતા જુદી હતી. વિમાકંપની તમને પુરા પૈસા આપી દેવાની છે છતા તમે તમારા બીજા ધ્યેયો માટે મારી પાસે પૈસા માંગે છો જે ગેર વ્યાજબી છે. પણ તમને ના ન કહેવાય તે માટે વાસ્તવીકતા મેં મારી રીતે ખોળી કાઢી.”

“ એટલે હું જુઠું બોલુ છુ?”

“ ના.. તમારું દ્રષ્ટીબીંદુ મારા દ્રષ્ટીબીંદુ કરતા જુદું છે.”

“એટલે?”

“ તમારામાંનો બાપ દીકરીને આપીને રાજી થાય છે પણ તમે એ જોઇ શકતા જ નથી કે તમારી ભલમનસાઇનો ઉપયોગ પુલીનકુમારને નવો ધંધો શોધવાની જરુરિયાત લેવા નથી દેતો. અને યશ તો પહોંચી શકાય તેટલા જ માર્કેટીંગ લક્ષ્યો બનાવી પૈસા પોકેટ કરે છે..”

“ જો આ બધું મને ખબર છે પણ મને તારા જેવો વિશ્વાસુ અને કાબેલ માણસની જરૂર છે કે સમય આવે આ બધુ ધંધાકિય નુકસાન રોકી શકે.”

“ બાપા તેથી તો હું કહું છું આપને હવે નિવૃત્તિ ની જરૂર છે.. હવે જેટલુ આપ વધુ કરો છો તે ગાયને દોહી કુતરાને પાવાનું કામ કરો છો તેવું મારાથી થોડું કહેવાય? ચાલો મારી સાથે અને ગમે તેટલું રોકાજો.. અને ફેક્ટરી યશને હવાલે કરો કે જેથી તેની કાર્યદક્ષતા પણ ચકાસાય.

શફીકભાઇ આફરીન આફરીન બોલતા ઝુમી ગયા.

પ્રહલાદભાઇને તે ના ગમ્યું.

કીર્તિ બેઉ હાથ જોડીને વધુ ભારપૂર્વક બોલ્યો “ બાપા તમારે ત્રણ દીકરા દીકરી છે પણ મારે અને મારા દીકરા દીકરીઓને તો એક જ બા અને બાપા કે દાદી અને દાદા છે. વધુ નહીં છ મ્હીના માટે ચાલો…”

સાધનાએ પણ હાથ જોડ્યા અને બોલી હા બાપા ઘણા સમયથી આ બાકી છે તમારા પૂણ્ય પગલા અમારા ઘર ને પાવન કરશે.

પ્રહલાદ બાપા ગદ ગદ આંખે વહુ દીકરાને જોઇ રહ્યા હતા તેનૂ અંતર અજાણે સરખામણી કરી રહ્યું હતું યશ અને શીતલની ઉપેક્ષાભરી હાસી અને ક્યાં કીર્તિ અને સાધનનું ભાવ ભર્યુ આમંત્રણ…

આખરે એ પણ બાપ હતાને?

પ્રકરણ ૭

બાપા અમેરિકા જવાનાં છે તે સમાચારે યશ અને કુલિનને ઇલેક્ટ્રી શોક જેવા લાગ્યા. યશ ફોન ઉપર હસતા હસતા બોલ્યો” પપ્પા મોટાભાઇને બનાવો છો કે તે તમને બનાવે છે?”

“ કોઇ કોઇને બનાવતું નથી ઓપન ટીકીટ લઇને હું અને તારી બા જઇએ છે કીર્તિ સાથે..

“પણ અહિંનું શું?”.

“ હમણા તો બધુ ઠપ્પ છે.. ઇન્સ્યોરંસનાં પૈસા આવે અને રીપેરીંગ થાય તે પહેલા તો આવી જઇશું.”

“પપ્પા આ ખરાબ સમય છે તમારી જરૂર પડી શકે તેમ છે.”કુલીન બીજી લાઇન ઉપર હતો.

“ મને કીર્તિ ઘણા વખત થી કહેતો હતો અને આ વખતે કુદરતી વેકેશન મળ્યુ છે તો તારી બા સાથે હું મેડીકલ ચેક અપ કરાવતો આવું ફેક્ટરી યશ તુ સંભાળી લેજે.”

“ પણ પપ્પા રીપેરીંગ અને ઇન્સ્યોરન્સ એ બધા કામો મારાથી ના થાય…”

“ જો ભાઇ મને ૬૦ તો થયા હવે કેટલા વર્ષ હું ચલાવીશ? તારે તૈયાર તો થવું જ પડશેને?

“ પપ્પા ભલે તમે જેમ કહો તેમ…”

ફોન મુક્યો અને એક વધુ ધરતીકંપનો આફ્ટર-શૉક આવ્યો પણ તે પપ્પાએ આપેલ શૉક કરતા હળવો હતો..યશ અને શીતલે તો આવું કદી વિચારેલું જ નહીં..કીર્તિભાઇ આવીને પપ્પાને લઇ  જશે એમની યોજના તો કીર્તિભાઇ પાસેથી પૈસા ખંખેરવાની સારી તક હતી. પણ પપ્પાને કેવી રીતે કહેવાય કે તમે ના જાવ…ભાવના રડતી હતી.

મુંબઇ થી હ્યુસ્ટન વાયા લંડન પહોંચ્યા ત્યારે શકુબા બહુ ખુશ હતા..કીર્તિનાં સંતાનો ને ફોન ઉપર તો ઘણી વખત મળેલા પણ તેમેને તેમની અમેરિકન જિંદગીમાં જોવાનો આ પહેલો મોકો હતો.

મોટી રાગીણી બરોબર સાધના જેવી હતી પણ રોમા કીર્તિ ઉપર પડી હતી.. નાનો કાર્તિક તો જાણે કીર્તિ જ…એરપોર્ટ ઉપર ત્રણેય છોકરા બા દાદાને પગે લાગ્યા. દાદીમા એ કલ્યાણ થાવ નાં આશિષો આપ્યા.. તેમની કાર્તિકને જોઇને આંખ ભરાઇ આવી.. કાર્તિક તો  કીર્તિ! બરાબર તારા ઉપર ગયો છે

તે વખતે પુજારા મેન્શન થયુ નહોંતું સાયનોટ પાસેના સ્વામીનારાયણ મંદીર નજીક ટેનામેંટ હતું કાર્તિક સમજણો થયો ત્યાર પછી દાદા સાથે તેની પહેલી મુલાકાત.

ટોયોટા સ્પોર્ટ્સ કાર રાગીણી લાવી હતી જેમાં બધા સરસ રીતે ગોઠવાયા..સામાન ગોઠવી આગલી સીટ ઉપર કીર્તિ અને સાધના ગોઠવાયા  કાર્તિક બરોબર દાદાનું ધ્યાન રાખતો હતો.. અને આમેય પુત્ર કરતા પૌત્ર ઉપર વહાલ વધુ આવે કારણ કે મૂડીનું વ્યાજ ને? રોમા બાની સાથે બેઠી અને બીજી બાજુ રાગીણી… ટીન એજ માં બંને છોકરીઓ આંખો ઠરે તેટલી ગુણીયલ અને વિનયી હતી. શકુબાની આંખો તો દીકરીઓ પરથી હઠતી જ નહોંતી.

“સાધના આ બંને છોકરીઓને  જોતા હું તો રાજીને રેડ થઇ ગઈ.મારી ભાવના ને પણ ટક્કર મારે તેવી છે આ તારી રોમા તો.”.અને રાગીણી બોલી “અને બા હું?”

અરે બેટા સાચું કહું તો તુ તો બીજી સાધના જ છે.. જલગાંવથી આવતી ત્યારે બીલકુલ તારા જેવી જ લાગતી.

સાધનાએ આગળની સીટમાંથી ટહુકો કર્યો “બા રોમા સીનીયર ઇયર માં એટલે કે ૧૨માં મા અને રાગીણી ડેન્ટીસ્ટ થવાની.

શકુ બાએ સારુ સારુ કહી બંને છોકરીઓને માથે હાથ ફેરવીને કહ્યું “ કલ્યાણ થાવ!’ ત્યારે રોમા હસતા હસતા બોલી.. બા હવે એટલા આશિર્વાદની જોડે એક બીજા આશિષ ઉમેરો… જલ્દી જલ્દી ભણી ને એને સાસરે જાય.”

“ કેમ અલી છોડી તેને જલ્દી ભગાડીને તારી લાઇન ક્લીયર કરે છે?

અને હાસ્યનો ગુબ્બારો ઉડ્યો.. બધા હસતા હતા પ્રહલાદ બાપા પણ આ રમુજો માણતા હતા. અને ઘર ક્યારે આવી ગયુ તે કોઇને યાદ ના રહ્યું

પ્રહલાદ બાપા નીચે ઉતરતા હતા ત્યારે કાર્તિકને પુછ્યુ “અલ્યા તેં ગર્લ ફ્રેંડ રાખી છે કે નહીં?.”

કાર્તિક ને આશા નહોંતી કે દાદા આટલા ખુલ્લા વિચારનાં હશે “ તે શરમાતા બોલ્યો “ દાદા તમે જે રીતે પુછો છો તેવું કશું નથી હજી ભણવાનું બાકી છે..”

“એટલે એમ કહેને ક્યાંય કમીટેડ નથી.. સારુ સારુ બેટા અમારા દેશમાંય હવે આ બધું છાને પગલે આવી રહ્યુ છે..કીર્તિ તારા ત્રણેય છોકરાઓ ગુજરાતી ફાંકડુ બોલે છે. મને ગમ્યું.

કાર્તિક બોલ્યો દાદા રવીવારે સ્વામીનારાયણ મંદીરમાં સુંદરકાંડ પાઠ છે તેમાં તમારા પૌત્ર પૌત્રીનો પાઠ સાંભળશો તો તમે આભા થઇ જશો. ઘરમાં દાખલ થતા કાર્તિક બોલ્યો અને શકુબા ને શેર લોહી ચઢ્યુ.”

“ સાધના આ તેં સારુ કર્યુ.. દેશની બહાર પણ દેશનાં સંસ્કાર જીવતા રાખ્યા છે..” પ્રહલાદ બાપા પણ આ વાતે પ્રસન્ન હતા.

ચા નાસ્તા થી પરવારીને સ્વામીનારાયણ ટેમ્પલમાં સાંજે બધા ગયા અને કાલુપુર સ્વામીનારાયણનું દ્રશ્ય જીવંત થતું હતું.ત્રણેય છોકરાઓ ત્યાંની પાઠશાળામાં આગળ પડતા હતા. જે જુએ તે એક મેક્ને પગે લાગે અને જય સ્વામીનારાયણ કહેતા હસતા મોંએ વધાવતા હતા.

ભારત થી આવેલા સંતોએ રક્ષાબંધન નું મહાત્મય સમજાવ્યુ પછી  બધા બાળકો એ સુંદરકાંડની ચોપાઇઓ તાલબધ્ધ અવાજે ગાવા માંડી પાછળ મંજીરા ઢોલ અને મંજીરા કર્ણ પ્રિય રીતે વાગતા હતા.રાગીણી રોમા અને કાર્તિક ચોપાઇ પહેલા બોલતા હતા અને સૌ ઝીલતા હતા.શકુબા તો ખુબ પોરસાયા..પ્રહલાદ બાપા જ્યારે હનુમાન ચાલીસા ગવાતી હતી ત્યારે મલક્યા..કાર્તિકની સરખામણી યશ નાં અને ભાવનાનાં સંતાનો સાથે થતી હતી દાદાને મન પૌત્ર ઘર કરવા માંડ્યો હતો..વળી મીઠડો પણ કીર્તિ જેવોજ હતો.

આરતી પત્યા પછી ૫૦ માણસ ની ૪  પંગત પડી અને ખાવાનાં પ્લસ્ટીક નાં થાળી વાટકામાં બાસુંદી પુરી શાક અને બટાકાવડા પિરસાયા ક્યાંય અવાજ નહીં અને સાંજે સાતનાં ટકોરે  બધા છુટા પડ્યા ત્યારે પ્રહલાદ બાપાને લાગ્યું કે કીર્તિ આવું સુખ છોડીને ભારત આવે જ કેમ?ભારતનું બધુ સારુ મળે જ છે અને તકનીકી દુનિયામાં વિકાસ છે જ.

મા બાપ ની આંતરડી તો અઠવાડીયામાં સંતોષાઇ ગઈ પણ રહી રહીને એક ઇર્ષા તત્વ જાગૃત થઇ રહ્યુ હતુ  કવિ કલાપી રાજા હતા ત્યારે ગ્રામ્ય માતા કાવ્યમાં લખ્યું હતું ને કે આ માજી અને તેમની શેરડીની રસની મીઠાશ. મને તો તૃપ્ત કરી ગઈ. એમનું ઘર સમૃધ્ધિ થી ભરાય છે તો રાજા તરીકે વધુ કર કેમ ન માંગુ?

રાજાએ શેરડીનાં રસનો બીજો પ્યાલો માગ્યો અને માજી નાં શેરડીનો રસ અદ્રશ્ય થૈ ગયો અને માજી બોલ્યા “ કાં રસહીન થઇ ધરા કે દયાહીન થયો નૃપ” તેથી આવું બને.

કલાપી એ તો આટલુ સાંભળતા જ તે માજીનાં પગ પકડી લીધા અને બોલ્યા..” હા તે અધમ નૃપ હું છું મને માફ કર.

જો કે પાછા જતા પ્રહલાદભાઇનાં મનમાં રાજા કલાપી જેવા વિચારો ચાલતા હતા.” મેં જન્મ આપ્યો.. પાળ્યો પોષ્યો ભણાવ્યો ત્યારે તો આ લાયકાત આવીને? આની પાસેથી મને પણ કંઇક મળવુ જોઇએ.”

ઘરે પહોંચી કારમાંથી નીચે ઉતરતા હતાને સહેજ પગ ડાકો પડ્યો ત્યારે શકુ બા બોલ્યા.”.દીકરાની જાત જ આપવા માટે હોય.. લેવા માટે નહીં.”

પ્રહલાદ બાપા બોલ્યા “દીકરા હોય જ છે પાછલી ઉંમરનો  ટેકો થવા” શકુબા બોલ્યા કીર્તિ અને સાધનાએ એક મેકની સામે જોયું અને સમજી ગયા કે બાપા કોઇક નવી સ્કીમ બનાવી ચુક્યા છે.

“ બાપા અહીં ફાવે છે ને?””

“ ના કેમ ફાવે? તું અને કાર્તિક બંને મારો પડ્યો બોલ ઉઠાવો છો. પછી ફરિયાદ હોય જ શી?”

કાર્તિક  “ દાદા અહીં સંભાળીને ચાલજો કારણ કે અહીં માંદા પડવું એ ગુનો છે.”

“સંભાળીને જ ચાલુ છું પણ કાર ઉંચી અને જમીન નીચી તેથી સહેજ પગ ડાકો પડ્યો.”

“ ના તમારા મનમાં કોઇ બીજો વિચાર હતો અને તેથી તમે બેધ્યાન બન્યા અને આવું બન્યું” શકુ બા બોલ્યા.

પ્રહલાદ બાપાએ સંમતિસુચક રીતે શકુબા સામે જોયું “ હા તમે સાચા છો. પણ તમને મારી દરેક વાતોની ખબર કેવી રીતે પડે છે તે તો કહો?”

“ તમારી સાથે જિંદગી આખી કાઢી છે અને તેથી જ તમને કહ્યુ જે વિચારમાં ડાકા પડ્યા છો તો આગળ ના વધશો ઉપરવાળાની તેમાં ખુશી નથી.”

કાર્તિક દાદા દાદીની વાતમાં ગડ પાડવા મથી રહ્યો હતો તેથી પ્રહલાદ બાપા બોલ્યા “કાર્તિક તું ફાર્મસીનું ભણે?”

“ કેમ દાદા?”

જો બેટા હવે મારાતો ઉતર્યા જિંદગીનાં પાણી..હું ફરીથી મહેનત કરીને ફેક્ટરી તો ઉભી કરું પણ કોને માટે?”

“કેમ તમારા તો પપ્પા એકલા ઓછા છે? યશ કાકા છે ભાવના ફોઇ છે.. તેમના સંતાનો કેવીન અને ચાર્મી પણ તમારા વારસદારો છે ને?”

“ હા. છે પણ તારા જેવા અમેરિકા ભણેલા ઓછા છે?”

કાર્તિક ક્ષણ ભર વિચારમાં પડ્યો અને પાછળ આવતા પપ્પા તરફ જોઇ રહ્યો.”

“બેટા દાદા એ તને કંઇક પુછ્યુને?”

“ હા પણ જવાબ અત્યારે અપાય તેવો નથી તેથી તો તમારી સામે જોઉ છું.”

જો બેટા દાદા જે કંઇ માંગે છે તે આપી શકાય તો આપવુ એ આપણી ફરજ નહીંતર વિચારીને કાલે કહીશ કહી વિનયપર્વક થોડો સમય માંગી લેવાનો. “

“ હા દાદા હું જવાબ કાલે આપીશ ચાલશે ને?”

“ ભલે બેટા મેંતો એમ જ તને પુછ્યુ હતુ.”

કીર્તિએ વાતમાં ધ્યાન પુરાવ્યુ ત્યારે સમજ પડી કે પ્રહલાદ બાપા ક્યાં નિશાન તાકે છે. અમેરિકામાં ભણી ને તૈયાર થયેલો છોકરો અમદાવાદ આવીને તમારી ફેક્ટરીમાં કામ કરશે?

શકુબા આટલુ આગળ તો નહોંતા વિચારતા પણ એટલું જાણતા કે એમનો ડંખ એવો હોય કે ખબર પણ પડે ઘણા સમય પછી.

બે મહીનાનાં નિવાસ દરમ્યાન કીર્તી પાસે થી મહીને હજાર ડૉલર બેંકમાં ટ્રાન્સ્ફર કરાવવા અને તે પૈસા બીઝનેસમાં કાર્તિક નાં નામે જમા કરાવવાનું વચન લઈ લીધુ પૈસા એ શૌકત મિસ્ત્રીને આપશે તેવો આગ્રહ પણ મોળો પાડી દીધો..

સાધનાએ કાર્તિક નાં નામે નહીં પણ રાગીણીનાં નામે આપવા કહ્યુ.. કારણ કે દીકરીનાં પૈસા છે એમ માની ને દુરુપયોગ નહીં થાય.

કીર્તિને જચતુ તો નહોંતુ પણ હવે હજાર ડોલરમાં શું ખાટું મોળું થશે એમ માની ને સાધના વળી ગઇ હતી.

ખાસ તો પૈસા લેવાની વાત બહુજ વિચિત્ર રીતે મુકી હતી.. આફ્રીકામાં યુગાંડામાં થી જેમ કાઢી મુક્યા તેમ કાલે ઉઠીને અહીથી કાઢી મુકશે તો?”

કીર્તિ કહે એવું થવાની અમેરિકામાં શક્યતા નથી અને એવું કંઇક થાય તો ભારતને બદલે અમે યુકે કે દુબઇ જઇ ને રહીશુ.

પણ ના. પૈસા તો બેંગાલ ફાર્મામાં જ મુકવાનો અને તેનો નફો દર વર્ષે વહેંચવાનો જેવી મીઠી મીઠી વાતો થી સાધના ને બરોબર ભરમાવી.

કીર્તિએ બહુ સમજાવી ત્યારે કહે બાપાને પૈસા હું આપીશ જે ખરેખર રાગીણીનાં લગન માટે બચાવુ છું તે. બહુ બહુ તો બે એક વર્ષ આપવાના થશે અને જેવા લગ્ન લેવાશે એટલે બધું ખરીદી માટે ત્યાં જ જવાનું છેને?

શકુબા કહે બીઝનેસ અને ઘરનાં પ્રસંગો ને અલગ રાખો.. પણ પ્રહલાદ બાપાનાં મનમાં થતુ કે મને ડીક્કો દેખાડીને બેટમજી ક્યાં જવાના છો? અને આ જ વાતનો કીર્તિને પણ ભારો ભાર અફસોસ થતો. શકુબા ની જેમ વહેવાર બુધ્ધી તેને કહેતી બાપા તેમનું ઘર ભરતા હોત તો વાંધો નથી પણ આ તો દીકરીને માટે આટલો બધો વલોપાત?

તેમના જીવતે જીવત દીકરીને કેમ કરી સ્થિર કરું તેજ વિચાર અને તેથીજ આ બધી રમતો કરીને દીકરાને લુંટૂ વાળી વાતો તેમના મનમાં હંમેશા રમતી. તેઓ હંમેશ વિચારતા કે પે બેક ટાઇમ છે. મને જરુર હોય કે ન હોય દીકરા કમાતા થાય એટલે મા બાપનું દેવુ ચુકવવું જ જોઇએ. શૌકત મિસ્ત્રી આ વિચાર ધારાને હંમેશા વખોડતો અને સાથે કહેતો પણ ખરો આ નિયમ ભાવના ને લાગુ પાડને? પણ ના. તે દીકરી છે અને શૌકત્ભાઇ કહેતા પણ તારું રોકાણ તેના ભણતર ઉપર પણ છે ને? એટલો તો પ્રભુનો આભાર માન કે કીર્તિ તેના ભણતરની બધી લોન માટે તારી પાસે પૈસા નથી માંગતો ને? અને યશ? તે તો તને પણ ઉંઠા ભણાવે છે?

પ્રહલાદબાપાની આ બેધારી વહલા દવલાની રીતિ નો ભોગ સાધના બનવાની હતી. તે વાત કીર્તિ જાણતો હતો છતા એ નબળી ક્ષણે સ્વિકારી લીધું કે ગમે તેમ તો ય બાપા છે.

શકુબા ઉદાસ હતા. બે મહીને પાછા જવાનું હતું પણ તેમને જવું નહોંતુ અને પ્રહલાદ બાપાને તેમનો દાવ સીધો પડ્યો ત્યારથી જ ફેક્ટરી વિમા રકમો અને પ્રોડ્ક્ષન હૈયે વળગ્યા હતા. કીર્તિ કહેતો “ બાપા બાને નથી જવું તો તેમને રહેવા દો ને.”

“નો વે શકુતો જ્યાં હું ત્યાં તે. આટલી મોટી ઉંમરે કંઇ છુટા ઓછા પડાય?”

પાછા વળવાની તારીખ નક્કી થઇ ત્યારથી કાર્તિક જોતો હતો કે દાદા બા સાથે સારી રીતે વર્તતા નહોંતા..પણ બા ચુપ ચાપ સહી લેતા તે પણ તે જોતો હતો.

આખરે કાર્તિકે દાદાને કહ્યું…” દાદા બા સાથેનાં તમારા વર્તન જેવું જો પપ્પા મમ્મી સાથે વર્તે ને તો અહીંની પોલીસ તો પકડી જાય અને જેલમાં પુરે..”

“ કેમ અલ્યા મેં એવું શું કર્યુ છે કે મને જેલમાં પુરે?”

“ દાદા તમે એમને એમની ઇચ્છા વિરુધ્ધ ભારત લઇ જાવ છો તે ગેર કાનુની છે.”

“પોલિસને આ બાબતે ફરિયાદ કોઇ કરે તો ને?”

“ મને તો ગળા સુધી ઇચ્છા છે કે દાદી અહીં રહે પણ દાદી કહે કે એમને ન ગમે તેવું કશું કરવું નહીં”

“ એ સંસ્કાર છે ભારતિય નારીનાં સંસ્કાર.”

સાધના કહે “મારી સમજ તો એમ કહે છે કે એ તમારા જમાનામાં પુરુષોએ કરેલો જુલમ છે . કમસે કમ એમને પુછવું તો જોઇએ કે તારે રહેવું છે કે નહીં?”

સાધના વહુ તમે અમેરિકામાં રહો છો તેથી આવુ બધુ વિચારી શકો. ભારતમાં તો આવું વિચારે તો તેના ઘરવાળા જ કહે જે છે તે તમારું સાસરુ.. હસતા આવશો તો વાહ! અને રડતા આવશો તો અમારા ઘરનાં બારણા પણ બંધ.

કાર્તિક દાદીની વહારે થાતા બોલ્યો “ દીકરાનું ઘર એટલે દાદીનું પીયર જ.જો બા કહે કે તેમને રહેવું છે તો તે તમારી વાત ખોટી.. શકુબા ધારે તેટલો સમય અહીં રહી શકે છે.

શકુબા અને પ્રહલાદ બાપા બંને નાં ચહેરા ઉપર ખુશી હતી

અમદાવાદ જવાની ટીકીટો વધુ એક મહીના માટે એક્ષ્ટેંડ થઇ

 

પ્રકરણ ૮

આ એક મહીનો કાર્તિક માટે દાદા બાનો લાડકવાયો દીકરો બની જવામાં ખુબ જ કામ લાગ્યો. હવે પપ્પા કરતા દાદા વધુ માનવંત હતા. કોણ જાણે શું ય હથેળીમાં ચાંદ બતાવી દીધો હતો કે બસ દાદા દાદા અને બા બા થઇ ગયુ હતુ. રોમા અને રાગીણી હતા પણ તે પોતાના ભણવામાં…જો કે ધર્મનાં સંસ્કારો પણ કામ કરતા હતા કાર્તિક માનતો હતો કે તે બા અને દાદાની સેવા કરે છે.જે લાભથી તે અમેરિકા હોવાને લીધે વંચિત રહેતો હતો.

જમવાના ટેબલ ઉપર બધા સાથે બેઠા હતા અને કાર્તિકે કહ્યું “ પપ્પા હું જો બી ફાર્મ થઉ તો બેંગાલ ફાર્મા મને આપવના છે.”

સાધના કહે “ હજીતો તુ ૮ માં છે ૧૨ મુ પાસ કર પછી તે દિશામાં વિચારીશું.”

પ્રહલાદ બાપા ની મોટી ચોરી પકડાઇ ગઈ હોય તેવા ભાવ કીર્તિએ તેમના મો ઉપર જોયા.

શકુબા પણ સડક હતા.

“ બાપા! કાર્તિક હજી નાનો છે અત્યારથી તેના મનમાં આ પ્રલોભનો નાખો છો તે સારું નહીં. કામ કરવુ અને આખી પેઢી ચલાવવી એ બે અલગ વાત છે.”

“ જો મેંતો તારામાટે સેવેલું સ્વપ્ન જ એને કહ્યુ છે. અને હજી તો હાથ પગ ચાલે છે એટલે દસ બાર વર્ષ વાંધો નહીં પણ પછી એ કામ નવી પેઢીએ કરવું તો પડશેને?”

“ પણ બાપા અહીંનાં ભણતરનો ઉપયોગ ત્યાં આવીને કેવી રીતે કરશે? અહીંની અદ્યતન તકનીકો અને ત્યાંનો કરપ્ટ વહેવાર? તમે તેના માનસને પ્રલોભનો આપો છો.. તેઅહીં જે ભણશે તેના ભણતરનાં આધારે તે મારા કરતા પણ વધુ સફળ થશે.”

“ જો ભાઇ હું તો મારી પાસે જે હોય તેજ આપી શકુંને?..આતો મમરો મુક્યો નિર્ણય તો હજી તે ભણી રહે પછી લેવાનો છે ને?”

કાર્તિક બોલ્યો “મેં દાદાને એ પણ કહ્યુ હતું કે યશ કાકા અને ભાવના ફઇનાં સંતાનો નો પણ બેંગાલ ફાર્મા ઉપર હક્કા હોયને?”

“ સાચુ પુછો તો હું તો તેને રેડીયોલોજીમાં જ આગળ વધતો જોવા માંગુ છુ.”

કાર્તિક જોઇ રહ્યો હતો બે વડીલોનું અલગ અલગ દ્રષ્ટિ બીંદુ.  પ્રહલાદ બાપા તેમનું અધુરું કીર્તિ માટેનું સ્વપ્ન કાર્તિક દ્વારા પુરુ કરવા માંગતા હતા. અને પપ્પા જોઇ રહ્યા હતા કે રેડીયોલોજીમાં પોતાની પ્રેક્ટીસ કરે અને જે પોતે ન કમાઇ શક્યા તે કાર્તિક કમાય..કાર્તિક તો હજી ઘણો નાનો હતો પોતાનું સ્વપ્ન જોવા માટે.

સાધનાએ આ ધાર્યુ નહોંતુ કે પ્રહલાદ બાપા આટલી નાની વયનાં કાર્તિકને એમની શતરંજનું પ્યાદુ બનાવી દેશે… હવે તે ઇચ્છતી હતી કે રસનાં છાંટણાં જ હોય , ઘડા ના હોય..

પાછા જવાની બેગો ભરાવા માંડી..

શકુબા સાધના ને સમજાવવા માંગતા હતાકે તેઓ કીર્તિ અને યશને પ્રહલાદ બાપાનાં દીકરી પ્રેમથી બચાવવા માંગે છે પણ તેમનું પુલીનકુમારની કુટીલ નીતિ પાસે કશું ચાલતુ નથી.યશ તો પોતાને નુકસાન થવા દેતો નથી પણ કીર્તિ દુર રહે છે તેથી તે આડકતરી રીતે છોલાય છે..”

“બા.. તેમને સમજાવવા એટલે ધસમસતી નદીને વાળવી.. તેઓને આ બધી સમજણ તો છે પણ એક શ્રવણ દીકરાની જેમ તેઓ સમજે છે બધુ બાપાનું જ છે તેમને જેમ ઠીક લાગે તેમ તેનો વહીવટ કરે..વળી અમે અહીં આટલે દુર.. સારે માઠે સમયે તો ત્યાંનાં જ કામ લાગે તેથી તેઓ આંખ આડા કાન કરે છે.”

શકુબા કહે “ જો બેટા મારી ફરજ એટલે મેં કહ્યું બાકી ભાવના પણ મારું જ લોહી છે. અને કીર્તિ પણ.. હું સમજુ છું તેમ તેમની આ વહાલા દવલાની નીતિ ભવિષ્યમાં તેમને અપજશ અપાવશે.

“બા. તમારો આભાર.પણ આ વાત તમે પણ તેમને કહેજો કારણ કે તેઓ તો મને ના જ કહીને ઉભા રહેશે.. કારણ કે ઘરની કે કુટૂંબની વાતોમાં અમે પારકું લોહી અને પ્રહલાદ બાપા એ અમને બાકાત રાખેલા તેથી મને તો વાત કરતા પણ ડર લાગે.”

“ તે પણ તેમની વહાલા દવલાની નીતિનો જ પ્રતાપ છે બાકી તું કે હું એટલાજ કુટુંબી કહેવાઇએ અને આપણા વિચારો કુટુંબ હીતમાં સરખાજ ઉત્તમ કહેવાય.”ત્યાં નાના કાર્તિકે અવાજ દીધો “મોમ! દાદા બા ને બોલાવે છે”

બા એ સાડી સંકોરીને રુમ છોડ્યો ત્યારે સાધના પણ અહોભાવથી ગદગદ હતી. -પ્રભુ આમ કેમ બને? મા એક્દમ વહાલનો ઝરો અને બાપા એકદમ મામા શકુની..દાવ ચાલે તો ખબર સુધ્ધા ના પડે. એ તો સારુ છે કે કીર્તિ એક્દમ શકુબા ઉપર પડ્યા છે જો પ્રહલાદ બાપા ઉપર હોત તો શું થતે?

તેને શીતલનાં શબ્દો યાદ આવ્યા.. તે કહેતી હતી “ ભાભી તમે તો નસીબદાર છો કે કીર્તિ ભાઇ જેવા શાંત પતિ મળ્યા છે. યશ નો ગુસ્સો તો જાણે બીજા પ્રહલાદ બાપાજ. એમનું જ ધાર્યુ કરવાનું અને ના થાય તો આવી જ બને તેની વિચારધારા આગળ ચાલી શું બે ભાઇઓ વચ્ચે આટલો બધો તફાવત હોઇ શકે?

ભાવના બેન તો મીંઢા.પોતાની જરુરિયાત પ્રમાણે બદલાઇ શકે છે. જ્યાં સુધી તેમના ઉપર નાણાકિય ભાર ન આવતો હોય ત્યાં સુધી મીઠા પણ જેવી ખબર પડી કે ઘસાવુ પડશે ત્યારે પાકા અમદાવાદી.. નવતાડનાં સમોસા કે ખાડાનાં ગોટા સિવાય મહેમાન ક્યારેય કશું ના પામે. અને પુલીનભાઇ આ બધુ ચાલવા દે.

ખાસ તો તેમના સ્વસુર પક્ષે.. પણ યશ તો મોં પર કહી દે તે તો ઘરનું પાકુ જમણ ખાશે બહારનું કશું જ નહીં અને આ વાત સમજતા શકુબા ક્યારેક બબડે પણ ખરા આ વહેવારમાં ખુબ વહાલ ઉમેરો આ શું જ્યારે હોય ત્યારે તલવાર તાણેલી ને તાણેલી. ખાસ તો પ્રહલાદ બાપા રક્ષબંધન અને ભાઇબીજ નાં દિવસે વહેવારનાં નામે યશ પાસે તગડો વહેવાર કરાવે ત્યારે તો યશ હક્ક કરે કરે ને કરે જ.

કીર્તિ વિચાર તો કરતો થઇ જ ગયો હતો કે દાદા અને દીકરો બે પેઢી તો છે અને મને સીધી સ્પર્શે છે ત્યારે તેમને કેમ સમજાવું કે તમારી બેંગાલ ફાર્મસી કરતા ઘણું ઉજળુ ભવિષ્ય તેનું અહીં છે.

કાર્તિક્ને એમ વિચારતો કરવા પાછળ પ્રહલાદ બાપા તેમની બેંગાલ ફાર્મસીનાં ભવિષ્ય વિશે વિચાર કરતા હતા. કીર્તિ જો તેમની સાથે હોત તો યશ અને કુલીનને સહેવા ના પડત.અને અત્યારે કીર્તિ જે કમાય છે તેથી વધું બેંગાલ ફાર્મા નફો રળતી હોત.પ્રહલાદ બાપા ભાગ્યેજ તેમના સિવાય કોઇના વિશે વિચારતા હશે.. કીર્તિની વિચાર સરણી સ્પષ્ટ છે એક ધંધા ઉપર આખુ કુટૂંબ નભે તેના કરતા તે બહાર નીકળ્યો તો જે પગાર મળે છે તે વિના મૂડી રોક્યાનું વળતર છે ને? ત્રણ પેઢી ત્રણ વાતો.. જે દરેક નું દ્રષ્ટિબીંદુ આગવુ અને મર્યાદીત જે ફક્ત પોતાની જ પેઢી ને જુએ.છે અને દાવો થાય છે કાર્તિક્ની પેઢીનું ભલુ થાય છે.

બદલાવ સમય જ લાવે છે તેમ વિચારીને કીર્તિ શાંત થવા મથે છે.પ્રહલાદ બાપા સાધનાનાં છટકામાંથી બહાર રહેવા મથે છે.. કીર્તિ સમજી ગયો છે કે બાપા અત્રે આવીને જે જોવાનું હતુ તે જોવા માંગતા જ નથી.તેમને એમ ભ્રમ છે કે એની આવકો ભારતનાં ૩૬નાં ગુણાંકે જોતા હતા. પણ ખર્ચાને સમજવા માંગતા જ નહોંતા.. ખાસ કરીને માલપ્રેક્ટીસનો દાવો થાય તો રોડ ઉપર આવી જવાય. અને હાલમાં કોલેજ ભણતરનો ખર્ચો કેટલો મોટૉ છે તે સમજાવી શકતો નહોંતો.

બે કાંઠા દુર અને દુર જ રહેતા હતા..કદાચ આજ જનરેશન ગેપ છે. કલ આજ ઔર કલમાં ચલચિત્રમાં આજ નું પ્રતિક રાજકપૂર જે વેદના વેઠતો હતો તે આવી જ હતી ફક્ત ફેર એટલો હતો કે કાર્તિક હજી નાનો છે શાળામાં છે અને તેને સમજાવવાનો તેની પાસે સમય છે.તેણે સાંજે જમતા જમતા બહુજ સ્પષ્ટ ભાષામાં પ્રહલાદ બાપાને કહ્યુ “ બાપા બેંગાલ ફાર્મા કુટુંબની મિલકત છે તેને હમણા કાર્તિક અને તેની પેઢી થી દુર રાખો..તે મારી યશની અને ભાવના ની પેઢી માંથી ગળાયા પછી તેના સ્વપ્ના બતાડજો. કાચુ માનસ અને નાની ઉમંરે લેવાતા નિર્નયો તમે જેમ માનોછો તેનાથી વિપરીત પરિણામો પણ લાવી શકે છે.”

પ્રહલાદ બાપા બોલ્યા કીર્તિ એવી ભુલ મેં તારા માટે કરી હતી અને તારા પાકટ મગજે રેડીયોલોજીસ્ટ થવાનો નિર્ણય લીધોને?”

“ હા બાપા હું પણ કાર્તિકને તે તક આપવા માંગુ છુ.”

“ જો બેટા ઘરની પેઢીમાં તો અત્યારથી જ પળોટવા પડે. અને તે હું કરુ છુ. જરા કલ્પના તો કર અહીં ભણેલો દીકરો જ્યારે પેઢી સંભાળે તો પેઢી કેટલી વિકસે?”

“ બાપા મેં તમને પેઢી જાળવવા કેટલી તકલીફો વેઠી છે તે મને ખબર છે. કાયમ અનિશ્ચિંતતા અને ખેચમતાણી વાળી જિંદગી એ સમજે પછી તે મારગે વાળીશુ. અત્યારે નહીં એટલે નહીં” આટલું બોલતા તેનો ઉંચો થઇ ગયેલો અવાજ સાંભળી સાધના અને શકુબાને તકલીફ થઇ.”

પ્રહલાદ બાપાને કીર્તિનું વલણ ના સમજાયું કે ના સમજાઇ આ જીદ.

કીર્તિ અમુક હદથી પ્રહલાદબાપા આગળ ના વધે તેમ કહેવા મથતો હતો.અને કાર્તિક પણ કંઇ પુછ્યા વગર કરવાનો નહોંતો તેવો ભરોંસો હોવા છતા પાણી પહેલા પાળ બાંધી. મહીનો તો જોત જોતામાંપુરો થઇ ગયો પણ બાપા કંઇ બાઘા નહોંતા કે જાણતા નહોંતા કે કીર્તિ શું ઇચ્છે છે.તેમના ત્રણ મહીના નો સમય તેઓ જે ધારતા હતા તે કરીને ગયા. સાધનાએ હજાર ડોલર જમા કરાવવાના ચાલુ કર્યા.. અને ફાર્મસીની સારી સારી વાતો તેના મગજમાં નખવામાં સફળ થયા હતા.પેલો કીર્તિનો બડબડાટ જુગટુમાં હારેલા યુધિષ્ઠિરનાં બડબડાટ સમો હતો.

શકુબા કહે “કીર્તિ..યશ અને ભાવના ત્રણેય મારા સંતાનો હતા પણ તેમના જન્મ સમયે જુદા જુદા પરિબળો હતા તે મુજબ સંતાનો થયા હતા. કીર્તિનાં જનમ સમયે પ્રહલાદબાપા સ્ટ્રગલર હતા બેંગાલ ફાર્મા નાં ફ્રસ્ટ્રેશનો હતા તેથી દ્વીધામાં રહેતા પ્રસંગ જળે તેને નિર્ણય લેવામાં વિનમ્ર બનાવ્યો જ્યારે યશ વખતે પેઢી બરાબર જામી ગઇ હતી અને પ્રહલાદ બાપા બરાબર વિષયનાં ખાં બની ગયા હતા તે બધી વાતો યશ જન્મથી જ ગળથુથીમાં લૈને આવ્યો..  પ્રહલાદ બાપા વિચારે તે પહેલા તેના મગજમાં તે વિચાર નું અમલીકરણ હોય જ. ભાવના તો મારા અને તેમના બંને નાં દુર્ગુણોનું મૂર્તિમંત સ્વરૂપ.”

“ બા તમારામાં કયો દુર્ગુણ છે? તમે તો સર્વગુણ સંપન્ન છો.” સાધના તરત બોલી

ત્યારે શકુબા કહે “ મારો દુર્ગુણ એ કે તેમને મો પર જે કહેવું હોય તે ન કહીને મેં સ્વિકારી લીધું છે કે હું ક્યારેય તેમને પહોંચી નથી શકવાની. અને ભાવના બાપા પાસેથી તેમનું કામ કઢાવવા પુલીન કુમારને હાથો બનાવી દે છે.

સાધના શકુબાની વાતો સાંભળીને વિચાર કરતી થઇ ગઈ

ઘરનાં પાત્રો વિશે વિચારતા તેને કેટલીક વાતો સમજાઇ ગઇ હતી કે આ વહાલા દવલાની નીતિનાં જનક પ્રહલાદ બાપા છે પણ તેઓ બેંગાલ ફાર્માને ટકાવી રાખવા મથતા ભીષ્મ પિતામહ વધારે છે જ્યારે વનવાસ પામેલ પાંડુ અને હસ્તિનાપુરનાં ધ્રૂતરાષ્ટ્ર છે બે ભાઇઓ કીર્તિ અને યશ અને ઘરમાં આ ખેચં ખેંચી શરુ થઇ કારણ કે ફોર્મ્યુલેશન ના કામોમાં નફો ઘણો બધો દેખાય છે.આ કથા નાં ઘણા પાત્રો હજી છુપાયેલા છે પણ કાર્તિક્ને અર્ભિમન્યુ  બનાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે જેમાં કોઇ બે મત નથી. ભાવનાબેન, શકુબા અને શફી કાકા આ મહાભરતમાં ક્યાં હશે તે કલ્પના કરવી જરા અઘરી છે.

આખરે તે દિવસ આવી ગયો જ્યારે શકુ બા અને પ્રહલાદ બાપા પાછા વળ્યા. કીર્તિ થોડોક ઉદાસ હતો તે વારંવાર શકુબાને જોતો અને તેની આંખો ભરાઇ જતી. તેમને પગે લાગતી વખતે તેઓ ફરી બોલ્યા બા થોડું ક વધારે રહ્યા હોત તો સારુ! શકુ બા એ પણ માથૂ હકારમાં હલાવ્યું અને કહ્યું “હવે રાગીણી માટે છોકરો શોધો એટલે અમે આવવાનાં જ.”

સાધના કહે “એ કામ તો અમે અમદાવાદ આવીને કરવાના છીયે”

પ્રહલાદ બાપા બોલ્યા” તમે ત્યાં આવો તો સૌથી સરસ અને અહીં રાખો તો આખુ કુટુંબ અહીં આવે ને?”

“ભલે બાપા રોમા કે કાર્તિકનાં લગ્ન અહીં કરીશું પહેલું લગ્ન તો ત્યાં જ કરીશુ.” સાધનાએ વિવેક સહ કહ્યું

રાગીણી કહે હજી તો મારે ભણવાનું છે પછી પ્રેક્ટીસ કરી પૈસા ભેગા કર્યા પછી લગ્ન ની વાત.

બેગો ગાડીમાં મુકાઇ અને આખુ કુટુંબ બા દાદાને મુકવા એરપોર્ટ પહોંચ્યુ. હ્યુસ્ટન નું એરપોર્ટ વિકસી રહ્યુ હતુ ચાર બેગો ભરેલી હતી અને હાથમાં તેમની શાલ અને ગરમ કપડા હતા. શકુબાની આંખો ચુમતી હતી બંને છોકરીઓ પણ આર્દ્ર હતી કાર્તિક દાદને વળગીને દાદાને પુછતો હતો.. “દાદા મને તો આ બધા રડે તે બીલકુલ ના ગમે.”

“તુ મારો સાચો દીકરો.જો મને રડવું આવે છે?”

“ હા. પણ પપ્પા પણ કેવા રડમસ થયા છે.”

“ જો બેટા પુરુષ રડી શકે તો તે ખરાબ નિશાની નથી અને આતો હવે ઉંમર થઇ તેમને આ દસ હજાર માઇલ્નું અંતર નડે છે . સાજે માંદે અમેરિકાથી દોડીને આવવુ સહેલ નથી.”

“મને સમજાય તેવું બોલો દાદા!”

“એવું છે કે અમે જીવ્યા તેટલું કંઇ હવે જીવવાના નથી.. આમેય પીળુ પાન ક્યારે ખરી પડીયે તે કહેવાય નહીં”.

“દાદા! હજી મને ના સમજાયું.. તમે પીળુ પાન કેવી રીતે?”

“ જો ભાઇ તમારા બધા કરતા અમે વહેલા જન્મેલા એટલે જવાનું પણ અમારે વહેલા.તે તો સાચુને?”

“પણ પીળુ પાન એટલે?”

“ઉંમરલાયક માણસો કહેવાઇએ ને એટલે એવું જ કહેવાય.”

“અરે દાદા તમને કંઇ થવાનું નથી હજી તો મારે તમારી પાસે ભણીને બેંગાલ ફાર્માનો વહીવટ શીખવાનો છે.”

કીર્તિ આ સાંભળતો હતો અને દાદા મુંછમાં મલકાતા હતા..

પ્રહલાદ બાપાનું ઑસડીયું કાર્તિક પી ચુક્યો હતો

સાધના બોલી “ હજી તો ભેંસ ભાગોળે છે ૮મું ધોરણ પાસ કરીને બીજા ૮ વર્ષ ભણવાનું છે ત્યાર પછી શું થશે અને કેવું થશે એ સમયનું કામ છે.”શકુબા જોઇ રહ્યા હતા અને પારખી ગયા હતા કે યશ અને તેના દીકરા માટે પ્રતિદ્વંદી તૈયાર થઇ રહ્યો હતો. ફૂલ હાર કરી બધા ફરી થી બા દાદાને પગે લાગ્યા અને ડેલ્ટા પ્લેનનાં કાઉંટર ઉપરથી બધા છુટા પડ્યા. શકુ બા છેક છેલ્લે સુધી કીર્તિને જોઇ રહ્યા હતા અને પ્રહલાદ બાપા પોતાના અભિમન્યુને.. કાર્તિક્ને…

પાછા વળતા બંને બેનો એ કાર્તિક્ને કારમાં ઉધડો લીધો..

“ દાદા તો કહે પણ તારે તો પપ્પાએ ના પાડી છે ને? તારે એ દિશામાં નથી વિચારવાનું. દાદાને તો ઘણા છે પણ પપ્પાનો તો તું એક્નો એક છે.અને તારા ભવિષ્ય વિશે વિચારવાનો અને ભણાવવાનો સૌથી પહેલો હક્ક પપ્પાનો છે. ખબર છેને?”

થૉડાક સમય સુધી બંને બેનો ને સાંભળ્યા પછી કાર્તિક બોલ્યો “ હું દાદુને ખાલી રાજી કરવા તેમની વાતો સાંભળતો  હતો મારે તો અમેરિકન જિંદગી જીવવી હોય તો અમદાવાદ જઇને રહેવાની  વાત જ ના હોયને?

સાધના અને કીર્તિને થોડીક હાશ થઇ.

કીર્તિ તે વખતે બોલ્યો “ જો બેટા આંબાનાં ફળો તેના સમયે પાકે ત્યારે મીઠાશ આવે.. સમય કરતા વહેલા પાકે તો તે સંકોચાઇ જાય.અને અમેરિકા વધુ વિકસીત દેશ છે અહીં તકો વધુ હોય અને દાદા તેમનું ભવિષ્ય જુએ ત્યારે તારે પણ તારું ભવિષ્ય જોવું જોઇએને?”

 

પ્રકરણ ૯

રાગીણી ડેંટીસ્ટ્રીમાં માસ્ટર થઇ ત્યારે તેની સાથે ભણતો અજય તેને ગમતો.. પ્રેક્ટીસ સાથે શરુ કરવાનૉ પ્રપોઝલ જ્યારે અજયે સ્વિકારી ત્યારે તે રાજીને રેડ થઇ ગઈ હતી. અજય પટેલ કેન્યાનો હતો અને તેના પપ્પા ભરત પટેલ અને મમ્મી દક્ષા પટેલેએ સામે આવીને રાગીણીનો હાથ માંગ્યો ત્યારે ઝાઝું કશું વિચારવાનું હતુ નહીં. લગ્ન ભારતમાં કરવા વિશે તેમને કોઇ વાંધો હતો નહીં પણ રીસેપ્શન તેઓ અમેરિકામાં કરવાના હતા.

કાર્તિક રાઇસ કોલેજમાં ગ્રેજ્યુએટ થઇ ગયો હતો અને બહુ ચર્ચા અને વિચારણા પછી તેણે ફાર્મસી કોલેજ્માં જવાનો નિર્ણય લીધો ત્યારે તેને આશા હતી કે કેયા તેના નિર્ણયને બદલશે.. ધાર્યુ ના થયુ તે વાતનો અફસોસ તો હતો જ. પણ કીર્તિએ મન મનાવ્યું કે તેણે તેને જોઇતી તક આપી છે.. હવે તે તેની જિંદગી છે સાથે કેયા પણ ફાર્મસી કરી ચુકી હતી…

રોમા લંડન લિન્ગ્વીસ્ટીકમાં પી એચડી કરી રહી હતી.તે પણ પરિતોષ સાથે સહ્જીવન જીવી રહી હતી. રાગીણીનાં લગ્ન લીધા પછી રોમાનાં પરિતોષ સાથે  અને કાર્તિક નાં કેયા સાથે વિવાહની જાહેરાત કરી..નાની પાર્ટી હતી.

સાધના રાગીણી સાથે અમદાવાદ લગ્ન માટેની તૈયારી કરવા આવી ત્યારે એક અજાણ ભય થી તે પીડાતી તો હતી જ. સાડા ચાર વર્ષમાં ૫૪૦૦૦ ડોલર તે પ્રહલાદ બાપાને આપી ચૂકી હતી ૪૦નાભાવે ૨૧.૬.લાખ રુપિયા થતા હતા જેમાં લગ્ન નું પલ્લુ, કપડા અને હૉલ બુક થવાનો હતો. વળી પ્રહલાદ બાપાની શાખ સારી અને તેમની પહેલી દીકરીનું લગ્ન એટલે સારી એવી જાહોજલાલી થઇ.

રાગીણી કહે પપ્પા મારા લગ્ન પણ આ માણસોની પંગતો જોઊં છું તો સોમાંથી એકેયને હું ઓળખતી નથી.. તમારે શા માટે આટલો બધો ખર્ચ કરવાનો?

લગ્ન પત્યા પછી બીલો આવવાના ચાલુ થયા અને પ્રહલાદ બાપા એ હાથ ઉંચા કર્યા કે તેમની પાસે તો પૈસા છે જ નહીં. સાધના અને તેના પપ્પાએ આ જાણ્યું ત્યારે હબક જ ખાઇ ગયા. શકુબાએ બહું જ આક્રોશ કર્યો ત્યારે એક જ વાત આવી કે પૈસા તો બાંધકામ માં વપરાઇ ગયા છે જોઇએ તો નોટ આપી દઉં.

જાન તો લગ્ન પતાવી પાછી વળી અને પ્રહલાદ બાપાની આડોડાઇની અસર કીર્તિ ઉપર પડી…૫૪૦૦૦ ડોલર માં બે બાજુનો મરો. વહીવટો બધા પ્રહલાદ બાપાના સચવાયા. ચાંદલો આવ્યો તે પરહલાદ બાપા પાસે રહ્યો અને મહેણું લટકામાં રહ્યું કે વ્યવસ્થા કરતા ના આવડી.

ક્રેડીટ કાર્ડ ચાર્જ કરી પ્રસંગ નીપટાવી ઘરે જતા કીર્તિ ને છાતીમાં દુઃખાવો થયો..વી એસ. હોસ્પીટલમાં દાખલ કર્યા ત્યારે ખબર પડી કે ભારે અને પછી એક હલકો એમ બે  હાર્ટ એટેક હતા. સમયસર સારવારને લીધે તે બચી ગયો.

સાધના અને તેના કુટુંબીજનોએ આઘાત વાળવા અને પ્રસંગને અનુરૂપ વહેવાર કરી પોતાની ખાનદાની બતાવી. કાર્તિક આ બધા ખેલ જોતો હતો. તે સમજતો પણ હતો કે પપ્પાને જાણી જોઇને પ્રહલાદબાપા હેરાન કરે છે.તેનાથી ચુપ ના રહેવાયુ અને દાદાને કહી દીધું “મારા બાપાને તમે ઉછાડે છોગ લુંટ્યા છે.”

યશ કાકા, કુલીન ફુઆ.ખબર કાઢવા આવતા ત્યારે જાણે ખરખરો કરવા આવતા ના હોય? અને પછી બહાર નીકળી કીર્તિની ખીલ્લી ઉડાવતા…જાણે મહાભારતમાં જુગટુ રમીને હારેલા યુધિશ્ઠિર જેવા હાલ ન હોય…

સાધના ને એટલો ગુસ્સો ચઢ્યો કે જેની વાત નહીં – બેન અને દીકરીઓના પૈસા ખાઇ જતા શરમ નથી આવતી? ત્યારે પ્રહલદ બાપાનો જવાબ સાવ ઠંડા પેટે એ હતો કે પૈસા તો મારા દીકરાનાં છે ને? તું કે રાગીણી ક્યાં કમાવા ગયા હતા.?

કીર્તિ કહે “ શું કરું? તે બાપ છે. તેને મારા પૈસા ખપે.”  તેનું હૈયું પણ ચુર ચુર તો થયેલું જ હતુ. પછી માથા પરનાં વાળ ખંખેરતો હોય તેમ તે બોલ્યો..ચાલો! માથા પરનાં વાળ જેવું દેવુ ઓછુ તો થયું. પણ આ સમજ આટલી સહજ રીતે ઓછી પતી જવાની હતી? અને કાર્તિક હાથ થી છટકી જાય તે પ્રહલાદ બાપાને ક્યાં મંજુર હતુ તેથી શફક કાકાને તે ડોલરનાં જેટલા રૂપિયા તેમના ઘરમાં આવ્યા હતા તેટલી રકમની દસ વર્ષે પાકતી બેંકનાં વ્યાજ દરની નોટ બનાવી ને આપી.

આમ તો તે દાઝ્યા ઉપર ડામ હતો પણ શફક કાકા વચ્ચે હતા તેથી સાધના ચુપ રહી અને કીર્તિની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં રાખી સાધના એટલુંજ બોલી – ‘ બાપા હજી રોમાનાં લગ્ન બાકી છે ત્યાં સુધીમાં પૈસા ભેગા કરી રાખજો મારે તમારી પાસેથી કંઇ વ્યાજ ના લેવાનું હોય”.

કીર્તિની કથળેલી તબિયતને લીધે પહેલી વખત શકુ બાએ પ્રહલાદ બાપા સામે વિદ્રોહનો બુંગીયો ફુંક્યો. ભાવના અને યશ બંને માટે આ નવી વાત હતી. ખાસતો સાધના નાં પપ્પા રમણીક ઠક્કારની હાજરીને લીધે શકુબાનો જીવ વલોવાતો હતો.

પ્રહલાદ બાપાને ચોખ્ખુ કહી દીધું “ હવે તો હદ થાય છે તમારા આ વેરા આંતરાની.અને બોલીને ફરી જવાની. તમે ઘરનાં વડીલ છો અને કીર્તિ એ તમારો જ દીકરો છે.. તે દવલો અને યશ અને ભાવના વહાલા?

પ્રહલાદ બાપા કાયમની જેમ ઘુરક્યા.. “ બેસને હવે તને સમજણ ના પડે..” ત્યારે શકુ બા કહે મને જ સૌથી વધારે સમજ પડે તમારા કાવા દાવાની.. આ શરું થયું હતું ત્યારે સાધના ને મેં ના પાડી હતી અને કીર્તિની પણ ઇચ્છા નહોંતી. આખુ લગ્ન તેને માથે નાખી દીધું. સહેજ પણ શરમ ના આવી?

થોડાક સમય પછી બોલ્યા જ્યારે છોકરા માથે આખો ખર્ચ નાખવો હતો તો આખુ બેંગાલ ફાર્મા અને તમારા સગા વહાલાને તમારે પાઘડી બંધ બોલાવવા હતાને.. સાકર્ટમ (સહ્કુટુંબ) નોંતરા આપીને તમારી વાહ વાહ કરાવી.. પાછો બધાની ભેટો અને ચાંદલો તમારી પાસે રાખ્યો.આ બધું ના ચાલે.. કન્યાદાન રાગીણીને આપવું પડે અને ચાંદલો બધો જ વહેવારે કીર્તિને આપવાનો હોય,,,

પ્રહલાદબાપા ખીજવાતા કહે આ બધો વહેવાર વર્ષોથી મેં કરેલો હતો જે પાછો લેવાતો સૌને તેડા દીધા હતા.વેવાઇ વરતમાં તારે પુછવું હોય તો પુછ…અને રમણીકભાઇ બોલ્યા પ્રહલાદભાઇ આ તમારા ઘરનો અંગત મામલો છે અને આપ બેઠા છો ત્યારે અમારાથી ના બોલાય.. પણ મિત્ર ભાવે કહું તો સાધનાને આ વાત ખર્ચ પહેલા કહેવી જરુરી હતી.. આટલા ખાડામાં તે ના ઉતરી જાતને?..

પ્રહલાદ બાપા કહે મેં તો તેને કહ્યુ હતું કે પૈસો પેઢીમાં મુકવાનો છે અને પેઢી નફો કરે ત્યારે નફો વહેંચશું ત્યારે શકુ બા ફરી બોલ્યા “ ના. મારી હાજરીમાં સાધનાએ કહ્યું છે કે આ પૈસા રાગીણીનાં લગ્ન માટે લીધેલા છે. તમે તમારો વહેવાર સાચવીને છોકરાને ખર્ચનાં મોટા ખાડામાં નાખી દીધો અને તેમણે મોટો ઠુઠવો જ મુક્યો.

ઘરમાં વડીલો જ હતા પણ પ્રહલાદબાપા સહિત સૌ આ રુદનથી  સ્તબ્ધ થઇ ગયા. શીતલ ઉઠીને પાણી લઇ આવી અને પ્રહલાદબાપા મોટે થી બોલ્યા “ આ શું માંડ્યું છે તમે? ભરી સભામાં મારું માન ભાંગો છો.”

રડતા રડતા જ શકુબા બોલ્યા “ મારો છોકરો કેટલું સહે? તેને હાર્ટએટેક આવી ગયો અને તમે પીગળવાનું નામ જ નથી લેતા…”

“ પણ પીગળી ને હું શું કરું? મારી પાસે પૈસા નથી. બધા મકાનમાં રોકાઇ ગયા છે.”

“ પહેલા તો એ સ્વિકારો કે તમે કીર્તિને જાણી જોઇને આ ખાડામાં નાખ્યો છે. એ પરદેશ રહે અને તમને આદર પુર્વક જુએ એટલે તેને તમે છોલ્યા જ કરો તે ના ચાલે. તમારી જબાનને તમે બીઝનેસમાં જેમ જરુરિયાત પ્રમાણે વાળો તે વાત ઘરમાં ના ચાલે.”

આદત પ્રમાણે પ્રહલાદ બાપા ઉઠી ને જવા જ્તા હતા ત્યાં શકુબા ફરી થી બોલ્યા…” એમ વેવાઇ વરતમાં ઉભા ના થવાય.વાત પુરી કરો અને પછી જાવ.

ઘાંટો પાડતા તેઓ ફરી બોલ્યા.. “તમને શું થયું છે? કેમ આજે આવું વર્તો છૉ?”

“ આવું તો મારે ઘણા વર્ષો પહેલા કરવાનું હતું..પણ કંઇ નહીં દેર આયે દુરસ્ત  આયે પૈસાનાં મામલે મારે બોલવું જ પડશે.. તમારા પૈસા છે તેમાં તમારો અવાજ પણ છોકરાઓનાં પૈસા આમ રોળાવા ના દેવાય.. અરે તે બધું તો પતી ગયું છે મેં તેને નોટ આપી દીધી છે હવે તે ના લે તો હું શું કરું?”

મારું કહ્યું તમે માનો.. કીર્તિને માણેક્બાગનો પ્લોટ આપી દો અને સાધના નાં દેવામાંથી મુક્ત થાવ.”

“શું?”.

“૨૫ લાખનો પ્લોટ એને હું આપી દઉં ભાંગ પીધી છે?”

“હા તેના પૈસામાંથી જ તે લીધોછે તેને આપીને મુક્ત થાવ’

થોડાક સમયની ચુપકીદી પછી ફરી શકુબા બોલ્યા

“એના પૈસા અને એનો નફો તમે તો વચ્ચેથી ભાવફેરરની મલાઇ કાઢવા જાવ છો તે હું નહી થવા દઉં.”

થૉડોક વિચાર કરીને પ્રહલાદબાપા બોલ્યા” તમે આ સારુ નથી કરતા.”

શકુબા કહે “ મને ખબર છે હું સારુ નહીં  સાચુ કરી રહીં છુ. અને મારા દસ લાખનાં હીરા માણેકનાં બે સેટ રાગીણી અને રોમાનાં લગ્ન ની ભેટ પેટે આપુ છું..”

શીતલ અને કુલીનકુમારનું મોં ચઢી ગયું પણ આજનાં શકુબાનાં ચંડીકા સ્વરૂપને જોઇને કોઇની બોલવાની હિંમત ના ચાલી

શાંત ચીત્તે વિચારતા પ્રહલાદબાપાને થઇ તો ગયું બહું સ્પ્રીંગ દાબેલી રાખવી નકામી છે. તેથી માણેકબા નગરનો પ્લોટ કીર્તિ અને સાધનાનાં નામે કરશે કહીને તે નીચે ચાલ્યા ગયા..

રમણીકભાઇ, શફીકભાઇ અને પ્રહલાદ બાપા તે સાંજે  હેવમોરમાં બેઠા હતા ત્યારે પહેલી વખત દીલ ખોલીને રડ્યા… યાર! આજે મને પહેલી વખત લાગ્યુ કે હવે હું મારું રાજપાટ ખોઇ રહ્યો છું. ઉંમર થઇ ગઈ છે અને હવે સમય આવી ગયો છે કે મારે સમજીને રાજપાટ ત્યાગવું જોઇએ. શકુ ક્યારેય આવી રીતે ૫૫ વર્ષનાં લગ્ન જીવનમાં આટલા કડપભેર બોલી નથી.

શફીક કહે “ જ્યારે માથામાં પહેલો સફેદ વાળ દેખાય ત્યારથી સમજવું કે હવે પુત્ર મિત્ર સ્વરુપ થઇ રહ્યો છે.. બદલાવ આવી રહ્યો છે.તું જે નહોંતો સમજી શક્યો તે શકુબેન સમજી ગયા છે અને તે છે ત્રીજી પેઢી એટલે કે કાર્તિકની પેઢી સ્વતંત્ર મિજાજ પેઢી છે. તેઓ જોઇ શકે છે સમજી પણ શકે છે અને તારા ચક્રવર્તિપણામાં તારાથી થતા અન્યાયોને રોકવા શકુબેને વિરોધનો સૂર પકડ્યો છે.

“પણ યાર માણેક્બાગ નો એ પ્લોટ તો સોનાની લગડી છે.”

રમણીક લાલ શાંતિથી જોઇ રહ્યા ત્યારે શફીક બોલ્યો “ દીકરાને તેનાં જ પૈસાનું સારું રોકાણ કરી આપ્યું છે તેવો સંતોષ લેને.”

પ્રહલાદભાઇ ની છાપ એવી કે એ ઊડતા ચકલા પાડે.. તેમણે જે કામ હાથમાં લીધું હોય તે પુરુ થાય જ, પણ પહેલી વાર ઘરનાં ભેદી એ તેને હરાવ્યો.

કાર્તિક અને કેયા શકુબાનાં આક્રોશ વખતે ઘરે નહોંતા.તેઓ પપ્પા પાસે વી એસ હોસ્પીટલમાં હતા.જ્યારે ઘરે પાછા ગયા ત્યારે માધવી બહેને કેયાને કહ્યું બેટા મને કેમ પણ અહીં કજીયાળુ ઘર દેખાય છે. જો કે એ બહું અગત્યનું નથી કારણ કે તું અને તારું ઘર તો હ્યુસ્ટન છે.. પણ મને ચિંતા થાય છે..

“શાની મમ્મી?”

પ્રહલાદ બાપા ઘરનાં મુખીયા છે પણ તેઓનો વર્તાવ મુખીયા જેવો નથી.. વેરા આંતરાથી ભરેલોછે અને તારા સસરા અત્યારે તો તેમની કૂટનીતિનો શીકાર છે.”

“ મને માંડીને વાત કર મોમ…”

બધી વાતો સાંભળ્યા પછી તે બોલી..”સાધના મમ્મી અને કીર્તિ પપ્પાનો વહેવાર ખાનદાની છે. આવે સમયે આ પ્રકારની ગેર સમજણોનાં ભોગ બન્યા છતા તેમણે તેમનું માન રાખ્યુ છે. વળી વ્યાજ નહીં લેવાની વાત પણ સંસ્કારિક છે.. અને શકુ બાએ વેવાઇની હાજરીમાં આ બખડજંતર ના કર્યુ હોત તો પ્રહલાદબાપા ગાંઠવાનાં નહોંતા.જો કે હું તો એવું માનું છું કે તે તેમનો અંગત મામલોછે અને શકુબાએ આવી વાતો બધાની હાજરીમાં ના કરવી જોઇએ…

માધવી બહેન વિચારતા હતા કે દીકરીનાં સાસરીયાની આવી બધી વાતો વંશ વારસામાં પણ આવી શકે છે.

રાકેશભાઇ પ્લેનમાં કીર્તિભાઇનો વિષાદ દુર કરવા મથતા હતા અને કીર્તિભાઇ વારંવાર ત્યાં જ આવીને અટકતા હતા.. બાપાએ કૂટ નીતિ વાપરવાની જરુર શી? મને પેટ છુટી વાત કરી ત્યારે હું કંઇ જુઠુ ઓછુ કહેતો હતો? મારી તાકાત ના હોય અને મને જેમાં રસ ના હોય તેવા રોકાણોમાં વણ જોઇતો નાખી દીધો.

લગ્ન અને હાર્ટ એટેક નો થાક તો હતોજ પણ કુટૂંબ તરીકે રાગીણીનાં લગ્ન ની મઝા શકુબા નાં રુદન દ્રશ્ય્થી છીન્ન ભીન્ન થઇ ગઇ હતી..કુલ દસ દિવસ જાણે વરસ જેવા લંબાઇ  ગયા હતા.એક રીતે જે થયુ હતું તે કીર્તિ માટે સારુ થયુ હતુ પણ શકુબા નાં દાંપત્યજીવન નો વરવો હિસ્સો બહાર આવી ગયો હતો..અમેરિકન તરીકે તો પતિ પત્ની બંને કોઇ પણ નિર્ણય સમજીને સાથે લેતા હોય.. પણ પ્રહલાદ બાપા એવું નહોંતા કરતા.

હ્યુસ્ટન આવતું પ્લેન લંડન રોકાવાનું હતુ ત્યાં રોમા અને પરિતોષ ઉતરી ગયા.પારિતોષ અને રોમા છેલ્લે જતા જતા જયશ્રી ક્ર્ષ્ણ કહેવા આવ્યા ત્યારે ખીન્ન તો હતા જ અને ફકત એટલું જ બોલ્યા. પપ્પા જરાય ચિંતા ના કરતા અમારા લગ્ન આટલી ધામ ધુમથી નથી કરવાના..

સાધના કહે “ બેટા હમણા તો પપ્પા જલદી સાજા થાય તે જરુરી છે.પણ તુ તારા થિસિસ પર ધ્યાન આપજે અને અમારી ચિંતા ના કરતી

કાર્તિક કીર્તિની સાથે ખડે પગે હતો સાધના અને કેયા પણ તેમની બધી જરુરિયાતો સાચવતા.હ્યુસ્ટન પહોંચીને અમદાવાદ  ફોન કર્યો ત્યારે પણ શકુ બા ફરી રડ્યા..તેમને પણ આઘાત તો લાગેલો જ હતો..તેમનું બીપી ઘટી ગયુ હતુ. કીર્તિ કહે “ બા હવે બધુ સમું સુતરું ઉતરી ગયું છે ત્યારે રડીને તબિયત ના બગાડશો.”

શકુબા કહે “ મને માતૃઝનુનમાં તેમને બધા વેવાઇની હાજરી ના દેખાઇ..તેમને કોડીનાં કરી નાખ્યા. પણ હું શું કરુ મારાથી તારો હાર્ટ એટેક નહોંતો જીરવાતો.”

“ બા હવે તમે તબિયત સંભાળજો ”

“ હવે અહીંની ચિંતા ના કરીશ  તારે ત્યાંનું હવે સંભાળવુ પડશેને?”

“ હા બા. તમારા આશિર્વાદથી બધુ ઠીક થઇ જશે.. બાપાને પણ સંભાળજો તેઓ નો રાજાપાઠ તમે હચ મચાવી નાખ્યો છે તેથી તેઓ પણ શફીક કાકા પાસે રડતા હતા..”

“ એ લાગણી નું રુદન નથી..પણ તેમને ધારેલું ન થયાનો ધક્કો છે.”

“બા.. સાચવજો. મને તેમને અને તમને કશું થાય તો તકલીફ થશે…”.

“ભલે દીકરા તમે લોકો સુખરુપ પહોંચી ગયાનો આનંદ છે.”

હ્યુસ્ટન ઉતર્યા ત્યારે માથા પર ભાર તો હતો જ.. ક્રેડીટ કાર્ડનાં બીલો આવવા માંડશે .અને લઘુત્તમ ભરીને તેને ક્રેડીટ બગાડવી નહોંતી તેથી સુગરર્લેંડમાં બંધાતા પુજારા મેન્શન ઉપર લોન લીધી.. જો તે પ્રેક્ટીસ કરતો હોત તો આ ખર્ચો કોઇ મોટો નહોંતો.. પણ બાંધી આવકોમાં જરા મથવુ પડે તેમ હતુ.

આ બાજુ કેયા અને કાર્તિક ભણતરમાં વ્યસ્ત હતા. માધવી કેયાને દર શની રવી ખાવાનું બનાવતા શીખવતી હતી. અને આ રવીવારે વિવાહને વરસ થયાની ઉજવણી કરતી કેયા ઊંધીયુ અને જલોબી લઇને આવી. આ સરપ્રાઇઝ નહોંતી તેથી પૂરી સાધનાએ બનાવી અને બંને કૂટૂમ્બ સાથે જમવા ભેગા થયા.

ટેબલ ઉપર ઉંધીયાનાં બે વાસણો જોઇ કાર્તિકે પુછ્યુ ઊંધીયા બે પ્રકારનાં? હૂં સમજુ છૂ તેમ બધા શાક ભેગા કરી વઘારીને બાફી નાખો એટલે ઉંધીયુ તૈયાર.

કેયાને ખબર હતી કે કાર્તિક આવું કશું ક કહેશે એટલે જ તેણે કહ્યું સાચુ ઉંધીયુ તો મટકા ઉંધીયુ છે જેમાં વાલોળ પાપડી એકલીજ લસણ અને અજમા સાથે બફાય.અને તે પણ મટકામાં ઉંધૂ રાખીને બફાય તેને મટકા ઉંધિયુ કહે તેને ખાવાની રીત પણ જુદી.. કહી તેણે દરેક્ને ઉંધીયુ પીરસ્યુ અને કહે હવે એક પછી એક વાલોળ (સુરતી પાપડીને) ખોલો અને એકલા દાણા ખાવ.” “અરે વાહ! આતો મઝા પડી ગઈ.” કીર્તિ કાયમ કેયાની રસોઇ વખાણી ને ખાય

” જલેબી પણ જુદી જણાય છે.. બટકો મોં માં મુકતા સાધના બોલી. ત્યારે કેયા કહે મમ્મી તે ઇમરતી છે અને ત્રણેય મારી મમ્મી સાથે મારી ૪ કલાકની મહેનત છે.”

કાર્તિકે માધ્વી મમ્મી સામે જોતા હસતા હસતા કહ્યું “ સાચુ કહેજો મમ્મી ! કેયાએ કડછો પકડ્યો હતો?”

કેયા બોલી બીજા ઉંધિયાનો મેં તો વઘાર જ કર્યો હતો.. પણ મમ્મીને ૪ કલાક કામમાં મદદ કરવી તે પણ કામ છેને?  તેની દલીલ સાંભળી બધા હસતા હતા.

પ્રકરણ ૧૦

પ્રહલાદબાપાએ એમ તો ઘાટ્ઘાટ્નાં પાણી પીધેલા તેથી થોડોક સમય ગયો અને તેઓ પાછા બીજા ઘાટ માટે તૈયાર થઇ ને બેઠા હતા. ચારેક મહીના પછી કાર્તિકને ફોન ઉપર કહે આપણ ને આ વખતે રેટ કોંટ્રાક્ટ મોટો મળ્યો છે તારું ભણવાનું કેટલે આવ્યુ?

“ કેમ દાદા એમ પુછ્યુ?”

“મને એમ છે ક એ તુ બીફાર્મ થઇ જાય ત્યાં સુધી ઇન્જેક્ટીબલ અને કાર્સીનોજીનેટીક દવાઓ માટે વાયલ ડીવીઝન શરુ કરાવી દઉં.”

“ના. દાદા તમને હું નહીં પરવડુ કારણ કે મને તો પગાર ડોલરમાં જોઇએ અને તે બે જણ નો કારણ કે કેયા પણ મારી સાથે તૈયાર થઇ જશે.. અને લગ્ન પછી તો અમે સાથે રહેવાનાને?”

“અરે ભલા માણસ તુ તારા દાદાને શું કાચો પોચો માને છે?”

ના દાદા! એમ નહીં જે કામ માટે ત્યાં તમને અનુભવી માણસ અડધા કરતા ઓછા પૈસે મળતા હોય ત્યાં તમને નવા માણ્સ તરીકે નુક્શાન ના કરાવાયને?”

“ના. એવું નહીં. ઘી ઢળ્યું તો તે ખીચડીમાં ને?”

“  દાદા તમારી મશીનરી ઇન્વેંટરી અને બધુ અહી કરતા નીચું હોય અને મને મઝા ના આવે.”

“ અરે બેટા મને તો એમ છે કે તું અહી આવે તે પહેલા પ્લાન્ટ્ને હું એફ ડી એ એપ્રુવ કરાવી લેવાનો છે જેથી અમેરિકામાં આપણે આપણી દવાઓ વેચી શકીયે.”

“ દાદા તમારી વાતો માનતા પહેલા પપ્પાની અને શકુબા ની સલાહ લઈશું” – કેયા વચ્ચે ટહુકી.

“ભલે આતો અત્યારથી આ કંપની નાં વિકાસમાં હિસ્સેદાર બનો તેથી મેં વાત કાને નાખી.”

“આભાર દાદાજી અમને કોઇ સ્પેશ્યલ ફેવર નથી જોઇતી પણ..તમે જેમ વાત કહી તેમ જ મેં મારો અભિપ્રાય આપ્યો.. ફાઇઝર અમને અત્યારથી એપ્રેંટીસ ટ્રૈનીંગમાં લાખ ડોલરથી લેવા તૈયાર છે. ફક્ત બીફાર્મ થયાનું સર્ટીફીકેટ આપીયે એટલે પાકી નોકરી દોઢ લાખથી શરુ થાય. એટલે વિચારવું પડેને? ક્યાં ફાઇઝર અને ક્યાં બેંગાલ ફાર્મા?”

પ્રહલાદ બાપા એમ હારે તેવા ક્યાં હતા?” દીકરા તુ ફાઇઝર બનવાની દીશામાં બેંગાલ ફાર્માને મુકી દેને હું તેનાથીય ક્યાય ઉંચે લૈ જઇશ.”

“ દાદા બી ફાર્મ થઇ જાઉ ત્યારે વાત કરીશું.. શકુ બા કેમ છે? કાર્તિક ટાઢે પેટે પ્રહલાદ બાપાને ઓફ ટ્રેક કર્યા.

શકુબાએ કેયા સાથે સારી એવી વાતો કરી.. જો કે તેમની તબિયત પણ સારી રહેતી નહોંતી. માણેક બાગ વાળો પ્લોટના ભાવો ભડકે બળતા હતા કશું કર્યા વીના ૫૦ લાખ મળતા હતા.. રોમાનાં લગ્ન અમેરિકા કરવાના હતા.. નાના પાયે અને કોઇને બોલાવવાનાં મતમાં કીર્તિ ન હતો.પણ શકુબાની આછી પાતળી તબિયતે પ્રહલાદ બાપા અને શકુ બાની ટીકીટો કઢાવી. પ્રહલાદ બાપાને તે ના જચ્યુ તેથી ચાર ટીકીટો હ્યુસ્ટન ની દીકરા અને દીકરી ની કઢાવી અને શકુબા કહે કન્યાદાન માટે દાગીનો લેજો અને ભેટ માટે ગણતરી રાગીણી અને કેયાની કરજો.. મફત ટીકીટનો આનંદ આમ ભેટનાં નામે વળાઇ ગયો.

તેમની આશા વિરુધ્ધ હ્યુસ્ટનમાં લગ્ન બહું જ નાના પાયે હતુ. પાંચ કુટુંબી સાથે જાન આવી અને દસ જણા રોમાની તરફે.. અને કન્યાદાન ના નામે સહુ ખર્ચ બેંકમાં ફીક્ષ્ડ ડીપોઝીટ સ્વરુપે મુકાઇ ગયો.પાછા વળતા લંડન રીસેપ્શન હતું દુબાઇ અને અબુધાબી થોડોક સમય રોકાઇ અને આખુ પુજારા પરિવાર અમદાવદ પરત થયું ત્યારે મનમાં ભાવ પાણી સમા અને સમય બગડ્યાનાં અહેસાસો હતા.

શકુબા ખાલી એમ કહેતા હતા કે બરોબર જ કર્યુ છે તેની તબિયત કોઇ પણ ભાર ઝીલી શકે તેમ નથી. જો કે સાધના એ વટ વહેવાર બરોબર સાચવ્યો.. પણ રાગીણી નાં લગ્ન સામે આ લગ્ન સાવ ફીકુ હતુ. એમ યશ અને પુલીનકુમાર કહેતા હતા.

કેયા થોડીક અતડી રહેતી હતી પણ તે સિવાય લગ્ન સંપૂર્ણ હિંદુ વિધિ સહ થયુ કાર્તિક તેને જાળવવાને બદલે રાગીણી જીજાજી અને રોમા વચ્ચે અટવાતો હતો.. ખાસ તો રાગીણી બેજીવાતી હતી અને ભરત પટેલ કુટુંબમાં ઉત્સાહ બહુ હતો.. તેમને ત્યાં ૨૫ વર્ષે પુત્ર જન્મ થવાનો હતો.

સમય તેની મંથર ગતિએ વહી રહ્યો હતો..કીર્તિ જોઇ રહ્યો હતો કે કેયા અને કાર્તિક વચ્ચે ક્યાંક ખેચમતાણી ચાલી રહી છે..પાંચમા અને છેલ્લા ફાર્મસીનાં વર્ષોમાં આ તણાવ તકલીફ દાયક થઇ શકે ત્યારે એક સાંજે રાકેશ્ભાઇને પોતાના મનની વાત કહેતા કીર્તિ એ કહ્યું આ બે જણા જિંદગીનાં નાજુક અને સુંદર તબક્કે બહુ ખુશ લાગતા નથી.

મને લાગે છે આપણે કશુંક કરવુ જોઇએ.

આ વાત થી રાકેશ્ભાઇની આંખો ભરાઇ આવી. તે કહે તમે સાચુ જ જોયુ છે. કેયા ને હું કહી કહી ને થાક્યો કે

પારખાં ના હોય ઝેરના કદીયે પ્રેમમા, પ્રેમ તો પ્રેમી દિલોમાં વહાલે તોલાય છે.-

-શૈલા મુન્શા

“એટલે?”

“ છેલ્લુ વર્ષ છે તેમ કહીને તે ગાંડી “ બ્રેક” માંગે છે.”

“ બ્રેક? એટલે તે કાર્તિક સાથે નથી રહેવા માંગતી? તે બે જણા વચ્ચે કોઇ મન દુઃખ છે?

“ ના પણ બસ હવે ભણવુ છે..જાતે કશુંક બનવુ છે.

“ ફાર્માસીસ્ટ તો બનશે જ ને?”

“ હા પણ બંને એ વિષયો જુદા લીધા છે”

“હેં?”

“આવો આજે સાંજે તે લોકોના પ્રિય સ્થળે આઇસ માર્બલમાં ભેગા થઇ વાત નો તોડ પાડીયે.. પેલું કહે છેને કે ડેમેજ એસ્ટીમેટ કાઢીયે અને શક્ય હોય તો પ્રેમી પંખીડામાં કોઇ ગેર સમજ થઇ હોય તો દુર કરીયે.”

“કેયા ને આઇસ્ક્રીમ ખાવા લાવવી તો સરળ છે પણ કાર્તિકને કે તમને જોશે તો મોઢામાં મગ ભરીને બેસી જશે.”

“ ચાલો એક કામ કરું છું કાર્તિકને નહીં લાવું. હું અને સાધના આવીયે છીયે અને તમે માધવી બેન ને લઇને આવો છો.

“ ભલે આમ તો બંને સમજણા અને પુખ્ત છે. આપણી મધ્યસ્થી તેમને ખપે કે ના પણ ખપે.. પાંચ વર્ષમાં આપણે બધું જોયું અને સાંભળ્યુ છે પણ “બ્રેક”ની વાત જરા કડવી છે”

“ હા માધવી પણ અપસેટ છે.”

તો એક કામ કરીયે કેયાને અમે મળીયે અને કાર્તિક્ને તમે મળો અને પછી બંને ને આપણે સાથે મળીયે”.

” હા જે પણ કરીયે તે હવે જલ્દી કરવું છે “  તેમના અવાજમાં ચિંતા હતી.

ફોન મુકીને સાધનાને આ વાત કરી તો તે પણ ચિંતામાં પડી ગઈ. તે કાર્તિક સાથે પહેલા વાત કરવા માંગતી હતી કારણ કે છોકરાઓ તો કહીને ઉભા રહી જાય મોમ કેયા અને મારી વાતમાં તમે માથુ ના મારશો.”

કાર્તિક્ને ફોન લગાડી કીર્તિ એ કહ્યું રાકેશભાઇ અને માધવી બેન તને મળવા માંગે છે. તું ઘરે આવી જા સાંજે ૭ વાગે. તેઓ આવવાના છે.”

“ ભલે પણ અચાનક કેમ?”

“ કેયા સાથે કંઇક વાત થઇ છે તેના અનુસંધાનમાં..”

“ કેયાને વિશે? “

“ હા.”

“ભલે હું આવી જઈશ”

માધવીબેને પણ કેયાને સાત વાગ્યે બોલાવી અને વાત નક્કી થઇ ગઈ. કીર્તીભાઇ અને સાધના કેયાને તેમના ઘરે અને રાકેશભાઇ અને માધવી બેન કાર્તિકને કીર્તિભાઇને ત્યાં મળવાના હત્તા.

અમેરિકામાં બધાજ પ્રકારની સ્વતંત્રતા છે અને આ રીતે અંગત વાત કરતા સરખુ અંતર પણ બંને માબાપ રાખે છે. સાચી ભાષામાં પુત્ર મિત્રની જેમ બરાબર વર્તે છે.

ઘડીયાળમાં સાતનાં ટકોરે વડીલોએ ઘર બદલી નાખ્યા હતા. સંતાનો નાં મન ને તાગવા મોં પર ચિંતાઓનો ભાર લીધા વીના માધવી બેને કાર્તિકને પુછ્યુ.. “બેટા! અમે તમારી અંગત બાબતે વાત કરવા આવ્યા છીયે.. વાત કરીશને બેટા..”

“ હા કહોને મમ્મી.. તમારે પુછવાનું ના હોય?”

“ કેયા છેલ્લ બે દિવસથી ગુમ સુમ હતી. મેં તેને પુછ્યુ.. તબિયત સારી નથી? ત્યારે તે કહે મમ્મી આઇ કેન નોટ કંન્ટીન્યુ  આઇ વોન્ટ ટુ બ્રેક વીથ કાર્તિક.”

“ હેં? અમારે તો બધુ સરસ જ ચાલે છે.”

“ પછી કહે મારે છેલ્લુ વર્ષ છે. ભણવું છે અને કાર્તિક સાથે એક વર્ષ “બ્રેક” લેવો છે.

“હમણા તેની સાથે ક્યારે વાતો કરી?”

અઠવાડિયા પહેલા તેણે મને કહ્યું “હું તને બી ફાર્મ માં હંફાવા માંગુ છુ એટલે આપણે બહુ મળીશું નહીં”

“પછી?”

મેં કહ્યું આપણામાં સ્પર્ધા છે જ ક્યાં? યાદ નથી તેં જ કહ્યું હતુ કે પરસ્પર ટેકાની વાત છે તેથી મેં તેને કહ્યું ભલે પણ યાર! અઠવાડીયે તારું મો તો જોવું પડે..ત્યારે એ એક ઇંચ હસી અને એક ફુટ જેટલું રડી.

“તમે જુવાનીયાઓ જબરી કલ્પનાઓ કરો છો..એક વાત નક્કી છે કે તે ડીપ્રેસ છે તે વાતની તને ખબર છે.”

“મમ્મી તમે જ કહો હું શું કરું તો તે હસે?”

રાકેશભાઇ કહે એ પહેલા તારી વાતો કરતા ધરાતી નહોંતી અને હવે એને કંઇ પણ પુછીયે તો હા કે ના માં વાત પતાવી દે છે.

કાર્તિક આર્દ્ર નજરે છત ઉપર જોઇ રહ્યો અને ધીરે થી બોલ્યો.. “મમ્મી એ પોતાની જાતે સ્પર્ધા કરે છે તેમાં હું શું કહું? મારી તો એ આજે પણ સ્વીટ હાર્ટ છે. અને બચપણ થી તેને પોતાની માની છે ત્યારે તેનો આ મારા ઉપર જુલમ નથી? મને નહીં મળવાનું? અરે ભાઇ તેના ડીપ્રેશન માટે હું કારણ નથી છતા મને પેટ છુટી વાત કરે તો તેનો નિકાલ થાયને? અને મારે શા માટે તેને નહીં મળવાનું? હું તેના ભણતરમાં ક્યાંય આડે નથી આવતો છતાય તેણે વિષય બદલી નાખ્યો.. મને પુછ્યુ પણ નહીં અને મને તે વિષય લેવા ન દેવા માટે છેલ્લે સુધી તેણે ચુપકીદી રાખી.

માધવી બહેને ફરી એક વખત કાર્તિકને પુછ્યુ “તમારા બે વચ્ચે કોઇ બાબતે ખટરાગ નથી થયોને?”

કાર્તિક કહે “ના મમ્મી ના.. અને મને તેની પ્રકૃતિ ખબર છે એવું કંઇ ન કરું કે જેથી તે ઉદાસ થાય. હું મારી જાતે કંઇ આવા ગોલ્ડન દિવસો બગાડતો હોઇશ? પણ મમ્મી તમે જ કહો આ નવું “બ્રેક્નું” ભૂતડૂ તેનાં મનમાં આવ્યું ક્યાંથી? મમ્મી પ્લીઝ તેને સમજાવો ને..ભણતર અને પ્રેમ બે જુદી વસ્તુઓ છે.ભલે ને તે યુનિવર્સિટિ ફર્સ્ટ આવે મને તો આનંદ જ છે. પણ તે મારાથી દુર જવાની વાત કરે તે તો ના ચાલે. એને મારી કોઇક વાતનું ખોટુ લાગ્યુ હોય તો તેના પગ પકડી લઇશ પણ મારાથી દુર જવાની વાત કરશે તો હું તો ગાંડો થઇ જઈશ.

માધવી બહેન અને રાકેશભાઇ જોઇ રહ્યા હતા કે કાર્તિક તો ખરું સોનુ છે.

આ બાજુ કેયા કીર્તિભાઇ અને સધનાબેન ને જોઇને સમજી તો ગઈ કે પપ્પા મમ્મીની ગેરહાજરીમાં આજે એને જે પ્રશ્ન નો જવાબ નથી આપવો તે પુછાવાનો છે.તેથી તેણે વાત ચીતની શરુઆતમાં ભેટ અને રીવાજ કરેલા દાગીનાનું પેકેટ પાછુ આપતા કહ્યું મમ્મી મારે બ્રેક લેવો છે અને તેનું કારણ પણ હું જ છું

“ કેયા બેટા તારે જે કરવુ હોય તે કરજે પણ આ “બ્રેક”નું કારણ તો આપ બેટા?”

કેયા કહે “ મમ્મી એ બધુ પછી પણ મને સરસ કૉફી  બનાવીને તમને આપવા તો દો.”

કીર્તિ કહે “ બેટા આ “બ્રેક” અમેરિકન પધ્ધતિ છે અને તે ત્યારે જ અમલમાં મુકાય જ્યારે કોઇ વાંક ગુના ની સજા અપાતી હોય.”

સાધના કહે “ બેટા મારો વાંક હોય તો કહે હું મારી ભુલ સુધારીને તારી માફી માંગી લઇશ.”

“કાર્તિકની કે મારી કોઇક ભૂલ હોય તો તે કહે તો અમે પણ તારી માફી લઇશુ પણ બેટા આમ એક તરફી સજા ના સંભળાવ”

કેયા કહે “ પપ્પા કોઇનો વાંક નથી પણ મને કાર્તિક કરતા ભણવામાં આગળ આવવું છે તેથી…મહેનત કરવી છે બસ.. માટેજ એક વર્ષ તેનાથી દુર થવુ છે.

“તારું આ ઝેર પરિક્ષણ છે કાર્તિક્નો તુ ભોગ લઇશ બેટા.. જરા વિચાર કોઇક વહેવારિક રસ્તો કરો..” સાધનાબેન કરગર્યા

“પણ બેટા તું તો બધી ગીફ્ટમાં આપેલી સાડીઓ અને દાગીનો પાછો આપી રહી છે તેનો અર્થ અમેરિકન ભાષામાં અને ભારતની ભાષામાંતો એજ થાય કે તું વિવાહ તોડી રહી છે.” કીર્તિભાઇએ ખુબ જ દર્દ સાથે કહ્યું.

હા પપ્પા તો જ હું સારુ ભણી શકીશ. મને પહેલા કાર્તિક્ને જોઇને વહાલ જ આવતુ હતુ પણ હવે મને તેની સુપિરિયારિટી થી બીક લાગે છે. મારે તેના સમોવડીયા રહેવુ છે અને આ બધા ચાલુ વહેવારે તે હું નહીં કરી શકું

કાર્તિક તે સમયે રાકેશભાઇ અને માધવી બેન સાથે ઘરમાં પ્રવેશી ચુક્યો હતો.

અને તે આ છેલ્લી વાત ચીત સાંભળી ચુક્યો હતો.

“પપ્પા  ઝેર તો શીવ દરેક વખતે પીએ જ છે અને તેને બચાવનારી દરેક વખત મા પાર્વતીની આણ હતીને? હું તો કમ નશીબ તેથી મા પાર્વતી જ ઝેરનો કટોરો પાય છે અને કોઇ પણ કારણ વગર.. તેથી હવે કકલવાનું મુકી દો. મારી સુપીરીયારિટિ થી દુઃખી થવું તેજ બદ કિસ્મતી છે. આ મુદ્દે છુટા પડવાનું હોય જ નહીં આ તો આનંદનો વિષય છે જેને સ્પર્ધાત્મક રીતે લઇને કેયા આખા કુટુંબની માન હાની કરે છે. ચાલો પપ્પા આપણે જઇએ.

ક્ષણની શાંતિ પછી તે કેયાને ઉદ્દેશીને બોલ્યો

કેયા એક આખુ વર્ષ તને નહીં મળુ અને સાથે પ્રાર્થના કરીશ કે તું સફળ થાય ત્યાર પછી તું બોલાવીશ તો જ તને મળવા આવીશ.. બાકી આજે તો તેં મને વિના કારણ નીલવર્ણ ઝેર આપી આખો નીલવર્ણ કરી નાખ્યો છે. પણ હા હું તો તને ચાહ્તો રહીશ જ.

કાર્તિકની વાત સાંભળતા કેયા ધ્રુસકેને ધ્રુસકે રડતી હતી માધવીબેન એકલાજ જાણતા હતા કે પુરુષપ્રધાન અને કંકાસીયા કુટુંબમાં આખી જિંદગી કેમની વિતાવાય તેજ તેનો વાંધો હતો. પ્રહલાદ બાપાનાં કંકાસોની આ પહેલી હોળી હતી. ભણી ને સમકક્ષ થવાય તો જ પુજારા કુટુંબમાં  જીવાય. શકુબા કે સાધનાબેન થઇને ત્યાં ના જીવાય. અને અમેરિકન ભણતરની આતો કમાલ છે. જે દરેકને સ્વાવલંબી બનતા શીખવે છે.

રાકેશભાઇ અને કીર્તિભાઇએ છોકરાઓનો ફેંસલો સ્વિકારી લીધો. વણ જોઇતા અબોલા બે કુટુંબમાં શરુ થઇ ગયા. ૩૬૫દિવસમાંથી પહેલો દિવસ જ્યારે પુરો થયો ત્યારે ઉદાસી બંને ઘરમાં હતી. કાર્તિક નો અહં અને પ્રેમ અંદરો અંદર અથડાતા હતા કેયાએ તો અગાઉ રડી લીધું હતું એટલે તેને રાહતનો શ્વાસ લીધો.

પ્રેમ બે તરફી હોવો જરુરી છે અને બુધ્ધીની કસોટી ઉપર પણ ખરો ઉતરવો જોઇએ.સમય જતો ગયો તેમ કાર્તિક અને કેયા સ્વમાન અને સ્વાયતતાની વાતો બુધ્દીગમ્ય રીતે સમજતા થયા.પરિણામ માં કેયા અવ્વલ આવી પણ તેણે કાર્તિકને કદી ફોન ના કર્યો. ને વરસો વીતતા ગયા…

પ્રકરણ ૧૧

કાર્તિક અને કેયાનાં વિવાહ વિચ્છેદનાં સમાચારે શકુબાને હચમાચાવી દીધા. કેયાનાં રોમાનાં લગ્ન સમયનાં વર્તને જણાવી તો દીધુંજ હતું કે તે સ્પષ્ટ જોઇ શકે છે અને વિચારી શકે છે.

માણેક્બાગ ના પ્લોટ ઉપર કીર્તિ એ સરસ પુજારા મેન્શન જેવું જ મકાન બાંધ્યુ.. ડોલર હવે વધીને ૬૦ રુપિયે પહોંચ્યો હતો. મટીરીયલનાં ભાવ વધારા સામે આ ભાવ ઘણો જ ઉંચો હતો. અને માથે પડેલું કીર્તિનું રોકાણ આજે તો ત્રીસ ગણુ વધી ચુક્યુ હતુ. અમદાવાદમાં સ્થાવર મિલકતો માં ભાવ વધારા જબર જસ્ત હતા. ક્યારેક પ્રહલાદ બાપાને થતું કે કીર્તિ નસીબનો બળીયો જ કહેવાય કે એના માટે અને એના દીકરા માટે ગમે તેટલું એ ખરાબ વિચારે પણ તેના બધા જ કામો સીધા પડે છે.

તે દિવસે કાર્તિક્નો ફોન આવ્યો.. “દાદાજી હળદર ઉપર હું શોધ ખોળ કરું છુ અને બેંગાલ કેમીકલ્સ્ની પેટંટ તમારા નામની મેં જોઇ.”

“ હા બેટા હળદર, કણીજીરી અને મેથી ઉપર મારી પાસે ૩૫ પેટંટ છે અને તેથી તો કહુ છું કે આયુર્વેદીક વસ્તુઓ એલોપેથીક દવા સ્વરુપે મુકીએ તો ડાબર અને ઝંડુ જેવી ઝડપી વિકાસ ગંગા પામી શકાય.

“ દાદા આ બધુ અમેરિકામાં ના થઇ શકે?”

“ થાય પણ જે સેટ અપ અહીં છે તે લેવલ પર પહોંચતા મોડા પડી જઇએ.”

“ દાદા હું આવુ છુ. બે અઠવાડીયા માટે.. એકલો.તમારી સાથે જ રહેવા અને તમારો વિકાસ સમજવા.”

“ આવ દીકરા.સાથે તારા  બા બાપાને પણ લેતો આવ. દીવાળી સાથે મનાવશું.”

કાર્તિકનું દાદા માટે માન વધી જવાનું કારણ ૩૫ પેટંટ છે. કીર્તિને મન આ પણ ગતકડા છે. વાસ્તવિકતામાં પ્રહલાદ બાપા ફાર્માસ્યુટીકલનાં બધા મોટા માથાઓ સાથે ખુબ જ સારા સંબંધો રાખે અને તેથી તે દુનિયામાં તેમની જાણકારી ખરી..પણ નવું કામ કરવાનું હોય ત્યારે તેમને બે પ્રશ્નો હરદમ સતાવે..આ બધું કોને માટે કરવાનું? અને બહુ વિકસાવેલો ધંધો કાલે બંધ કરવો હોય તો જલદી બંધ ના થાય. અને તેમની અગમ બુધ્ધિએ કાર્તિકને બહુ નાનો હતો ત્યારથી જ તૈયાર કરવા માંડ્યા હતા.

તેમનું સબળુ પાસુ એ હતુ કે તેઓ ધારે તેને તેમની વાત ગળે ઉતારી શકે. જો કે તેઓ માની નહોંતા શકતા કે કાર્તિક પેટંટની વાતો માં તરત આવી જશે. કીર્તિને ટાટા કેન્સર હોસ્પીટલ મુંબઈમાં બે અઠવાડીયાનાં ૬ લાખ રુપિયા લેખે માનદ વેતન ઉપર બોલાવવાની વાત જાણી ત્યારથી જ કાર્સીનોજનીક વાયલ માટે તે કટી બધ્ધ થઇ ગયા હતા. તે સમજી ગયા હતા કે કાર્તિકને ફેક્ટરીમાં સક્રિય કરવો હશે તો કીર્તિનું બેંગાલ કેમીકલ્સમાં રોકાણ જોઇએ જોઇએ ને જોઇએ જ.

કીર્તિ મુંબઈ સુધી આવવાનો છે અને તે જ સમયે કાર્તિક ત્યાં આવે તો તેમનું ધારેલું કામ સહજ થઇ જાય માનીને શફીક ને પણ હવે હું નિવૃત્ત થવા માંગુ છુ વાળી વાતોનું ગાણું ચાલુ તો કરી જ દીધુ હતુ. શફીક જો કે વિચારી શકતો નહોંતો કે અમેરિકા છોડીને કીર્તિ પ્રહલાદબાપાની વાતોમાં આવે. પણ નાટકનાં મુક પ્રેક્ષક તરીકે વાતો બધી સાંભળ્યા કરવાની હતી.

ન્યુ જર્સીથી કાર્તિક ભારત આવ્યો ત્યારે તે જ સમયે કીર્તિ અને સાધના પણ હ્યુસ્ટન થી ભારત આવ્યા. શકુબા બહું જ ઓછુ બોલતા અને સૌને યાદ કરે છે વાળી વાતોએ પ્રહલાદ બાપાને વીલ બનાવવાની તક આપી દીધી.

શકુબાને કીર્તિ સાથે થતા વેરા આંતરા ક્યારેય ગમતા નહીં અને એવું કહેવાય છે કે જ્યારે પૈસાથી સબળો દીકરા સાથે સરખામણી કરવાની આવે ત્યારે ખાતો પીતા ઘરનો જમાઇ પણ નબળો દેખાય.શકુબાનું મૌન બધાને સમજાતુ પણ.તેમનાં રૌદ્ર સ્વરૂપને જોયા પછી પ્રહલાદ બાપા સહીત સૌ ગભરાતા. પ્રહલાદબાપા જેટલો વેરો કરતા તેટલો આંતરો શકુબા પુરો કરી લેતા.

ચા નાસ્તો થતો હતો ત્યાં શકુબા આવીને બેઠાં ત્યારે સાધનાએ નોંધ્યું કે શકુબા નાં વાળ સંપૂર્ણ દુધાળા થઇ ગયા હતા જે તેમને જાજ્વલ્યમાન અને આદરણીય બનાવતા હતા .. જ્યારે પ્રહલાદ બાપા હજી કલપ કરતા હતા. ૭૫એ પણ ૬૦ જેવા દેખાતા હતા જાણે કીર્તિનાં મોટાભાઇ ના હોય?

કાર્તિક પોતાના કેમેરાથી ફોટા પાડી રહ્યો હતો..સાધનાને કેમેરો આપી કાર્તિક બોલ્યો મારા અને પપ્પાની વચમાં બા દાદાજી એવો ફોટો લે ને. પછી બા દાદાજી સાથે હું એકલો.. ફોટો પાડી લીધા પછી ધ્યાન થી જોયું તો તેને દાદાજી નાં કાળા વાળ ના જચ્યા. એટલે કોમ્પ્યુટર લાવી ને ફોટોશોપમાં બે વર્ઝન કર્યા.. એકમાં શકુબાના વાળ કાળા અને બીજામાં પ્રહલાદબાપાનાં વાળ ધોળા કર્યા.

શકુબાને પુછ્યુ દાદાનો કયો ફોટો સારો લાગે છે? શકુબા તો ખડખડાટ હસ્યા.. કીર્તિ અને પ્રહલાદ બાપા ને નવાઇ લાગી.. એવું તો દીકરાએ શું કર્યું કે કાયમ ઉદાસ અને ગંભીર મોઢાવાળા બા આટલું બધું હસ્યા.

કોમ્પ્યુટર ઉપર તે બે ફોટા જોઇને પ્રહલાદબાપા કઠોર થઇ ગયા.” તુ મારી મજાક ઉડાડે છે?”

શકુબા ફરી વખત હસતા બોલ્યા મજાક જ છે ને ? હું ક્યારેય કાળાવાળમાં આટલી સુંદર નહોંતી દેખાતી.. અને તમને તો મેં ક્યારેય ધોળા વાળ માં જોયા જ નથી તેથી તે કલ્પના કેવી રોચક છે?”

કીર્તિ તાલ જોઇ રહ્યો હતો.. તેની નજરો પ્રહલાદબાપાનાં બદલતા ચહેરા ઉપર હતી.. સીધી વાત હતી કે આ અરીસો બતાવવા જેવી રમત તેમને ગમી નહોંતી.

શકુ બા હસતા  બંધ થયા અને તેઓ ધીમે થી ગણગણ્યા હમણાં જ વાંચ્યુ અને બહું ગમ્યુ, તેથી કહું છું

“વિતેલા દિવસો પાછા નહીં આવે,

સમય ની કિંમત સમજતાં થઇએ..!

વાંક મારો હતો કે તારો,

એ વાત ને હવે ભુલતા થઇએ…! અરસ પરસ થોડુ સહન કરી લઈ ને,

ચાલો સબંધો સાચવતા થઇએ…!

માત્ર “આજ” આપણને મળી છે,

કાલની કોઈ ને ખબર કયાં, ચિંતાની ગાંઠ બાજુ એ મુકી,

ચાલ હરપળ માં જીવતાં થઇએ…! ગણિત પૃભુ નું સમજાતું નથી,

ને આપણી મરજીથી કંઈ થાતુ નથી….,

ભલે એ દેખાતો નથી પણ,

ચાલ  ઇશ્વરમાં માનતાં થઈએ”

શકુબા સમજતા હતા અને તેથી તેમણે પ્રહલાદ બાપાનો ગુસ્સો શમાવી લેવા અને “ આજ આપણ ને મળી છે” વાત કહી દીધી. કીર્તિ મોટા અવાજે બોલ્યો “ વાહ બા શું સરસ વાત કહી” મારો તો અમદાવાદનો ફેરો સફળ થઇ ગયો.

પ્રહલાદ બાપા પાછા એ ના એ જ થઇ ગયા હતા શકુબા તેથી બહું સંઘર્ષને બદલે જલારામની ભક્તિ ઉપર ચઢી ગયા હતા. તેવામાં પ્રહલાદ બાપા એ વીલ કર્યાનું તેમણે સાંભળ્યુ. તે સહીં કરાવવા તેમની પાસે આવ્યુ ત્યારે વકીલે તેમને સમજાવ્યું કે પ્રહલાદ બાપાએ તેમની સંપતિ ત્રણ ભાગે વહેંચી છે જેમાં કીર્તિ યશ અને મીના હક્ક્દાર છે. કુલ્લે ૩ કરોડની બેંગાલ ફાર્મા ને જે કોઇ ખરીદે તેણે બાકીનાં બે ભાઇ બેન ને કરોડ રુપિયા આપીને લેવાની. તેઓની ઇચ્છાતો એ જ હતીકે કીર્તિ તેને ખરીદે અને બંને ભાઇ બહેન ને કરોડ કરોડ રુપિયા આપે… તેમના મતે કીર્તિએ આ કામ કાર્તિકને સોંપવું જોઇએ અને એ એકલોજ ખમતિધર છે જે બેંગાલ ફાર્માને નવી ઉંચાઇએ પહોંચાડે.

શકુબા ચિંતા કરતા કે કીર્તિએ હવે આ કાદવમાં ના પડવું જોઇએ કારણ કે તેની જીવન જીવવાની પધ્ધતિ અલગ છે અને હવે તે પણ નિવૃત્તિને આરે છે. અને કાર્તિક તેની મરજીનો માલીક છે. તેને ફાઇઝરમાં સારી જોબ છે. પણ પ્રહલાદ બાપાને તે મંજુર નહોંતુ.. એમણે એક્ષ્પાન્શન કરાવ્યુ એફ ડી એ એપ્રુવલ લીધુ. અને તેઓ ઇચ્છતા હતા કે બેંગાલ ફાર્મા એક્ષ્પોર્ટમાં પણ નંબર વન બને. અને આ ભારત બહારનાં કામો માં યશ પણ ના ચાલે કે ના ભાવના ચાલે. ચાલે તો એકલો કીર્તિ જ.

તે સાંજે બેંગાલ ફાર્માની મુલાકાતે કાર્તિક અને કીર્તિ નીકળ્યા ત્યારે ફેક્ટરી ઉપર યશ અને કુલીન કુમાર હાજર હતા. શૌકત્ભાઇને લેવા પણ ગાડી મોકલી.. પણ તેઓ ના આવી શક્યા. ફેક્ટરી કોઇ વી આઈ. પી આવવાનો હોય તેમ શણગારી હતી.

કીર્તિને કાર્તિક નાં સ્વભાવની ખબર હતી વિવાહ વિચ્છેદ પછીનાં વર્ષોમાં તે દરેક રીતે પુખ્ત થઇ ગયો હતો. પ્રહલાદબાપા કે કીર્તિ કોઇની તે અસરમાં આવે તેવો નહોંતો.    યશ કાકાએ પાવર પોઇંટ પ્રેઝન્ટેશન બનાવ્યુ હતુ બેંગાલ કેમીકલ્સ કેવી રીતે શરુ થઇ તેના આજદીન સુધીનાં સેલ્સ ફીગર્સ અને ભવિષ્યનાં સુહામણા સ્વપ્નાઓ બતાવી પેટંટ અને એક્ષ્પોટ બીઝનેસ અને તેમા બેંગાલ કેમિકલ્સની દવાઓ આખાવિશ્વમાં કેટલે ઠેકાણે જઇ શકે અને આજે જાય છે વાળી વાતો પછી પુલીન કુમારે  પેકીંગ અને તે દિશામાં બેંગાલ કેમિકલ્સ કેટલું કામ કરે છે તેની વાત કરી

પ્લાંટ ઇન્સ્પેક્ષન દરમ્યાન મશીનરી બદલાવાશે અને એફ ડી એ એપ્રુવલ મળ્યા પછી યુ કે અને યુ એસ એ માં પ્રોડક્ટ લોંચની વાતો થઇ.

કાર્તિકે ફક્ત બે જ પ્રશ્ન પુછ્યા. આ બધા સ્વપ્ના સરસ છે પણ તેને માટે પૈસા ક્યાં છે? અને તેના કૂશળ કારી ગરો ક્યાં છે જે આ આધુનિક પ્લાંટ ચલાવી શકે?

યશકાકા કહે એ બધું તો પપ્પા જ મેનેજ કરે.. અમે તો ફીનીશ્ડ પ્રોડક્ટ તૈયાર થઇને આવે પછી પેકીંગ અને માર્કેટીંગનું જાણીયે.

કીર્તિ યશની વાતને ધ્યાનથી સાંભળતા જોઇને પ્રહલાદ બાપા રાજી થતા હતા.. પેલો કુકડો દાણા ચરતો ચરતોતેમની પાથરેલી જાળમાં આવતો હોય તેવું તેમને લાગતુ હતુ.

જોકે તે તો એ આંકડાને ૬૦ ભાગીને જોતો હતો કે પ્રહલાદ બાપાનું સામ્રાજ્ય કેટલે પથરાયુ છે.

કાર્તિક જાણે કીર્તિનાં મનની વાત સમજતો હોય તેમ બોલ્યો..”દાદાની ઉંમર ૭૫ તો થઈને? યશ કાકા તેમને નિવૃત્ત ના થવું જોઇએ?”

“ હા પણ તેમનો વારસદાર આવે ત્યારેને?”

“ તે આજે આવ્યો છે તેથી તો આ બધી જાણકારી તૈયાર કરી છે.”

કાર્તિકે પપ્પા સામે જોયુ અને વિસ્મીત થયા હોવાનો દેખાવ કર્યો. ત્યારે પ્રહલાદ બાપાએ ખોંખારો ખાઇ ને કહ્યુ. “ આ આખુ સામ્રાજ્ય મારા એકલની મહેનત છે અને આજે વેચવા જૌં તો ૩ કરોડ આરામથી મળે તેમ છે. મને એવું છે કે બેંગાલ કેમિકલ્સ ઘરમાં જ રહે..લાખોની આવકો પેઢી દર પેઢી ચાલે.”

“ દાદા મને તો આ આખી એસેટમાં કિંમતી જણસ એકલી તમારી પેટંટ જણાય છે. મને તેના વિશે વધુ જણાવો.”

પુલીન કુમારથી રહેવાયુ નહીં અને બોલ્યા “ બેંગાલ કેમિકલ્સ તેના સ્વર્ણ યુગમાં પ્રવેશે છે ત્યારે તેમાં તમને કશું કિંમતી ના જણાયું?”

કાર્તિક બહુંજ ઠાવકાઇ થી બોલ્યો દાદા તમારી બધી જ મશીનરી આઊટ ડેટેડ છે. એફ ડી એ માં સો ટકા નપાસ જ થશે. ચાલે છે ત્યાં સુધી ચાલવા દો.. અને મારું માનો તો ૩ કરોડ આવતા હોય તો તે લઇને છુટા થઇ જાવ.

કાર્તિક તો કીર્તિ કરતા પણ મોટા ચાબખા મારતો હોય તેમ પ્રહલાદબાપાને લાગતુ હતુ.

અમેરિકન સ્ટાંડર્ડ પ્રમાણે કરવા જવામાં બીજા પાંચેક કરોડ ઉમેરવા પડશે. ત્યાં તો આખી ફેક્ટરી સ્ટરાઇલ હોય છે અને ક્યાંય હાથ નાખવાનાં હોતા નથી ખાલી યંત્રો ચાલુ કરવા અને બંધ કરવા માનસો જોઇતા હોય છે.પુલીન ફુઆ ફાઇઝરમાં તેઓનું નવું પેકેજીંગ મશીન પણ આવું જ..ટેબલેટ તૈયાર થાય અને સીધી જ પેકેજીંગમાં જાય. મને લાગે છે એ ટેક્નોલોજી આવતા કમસે કમ ૨૦ વર્ષ લાગશે.

કીર્તિ કહે “દાદાજી એમ ઇચ્છે છે કે તું અહીં આ વખત ૧૫ દિવસ રહે અને તારી રીતે બધુ જોઇ લે અને એ બધુ અહીં કરવું હોય તો તેનો બીઝનેસ પ્લાન બનાવ. જે કામ મેં તેમના માટે ના કર્યુ તે તું કર.”

પપ્પાજી મને એક વાત ના સમજાણી જે યશ કાકા બેલેન્સ શીટમાં સમજાવતા હતા… આ બ્લેક અને વ્હાઇટ શું છે? અડધો અડધ વહીવટ બ્લેક માં છે.

પ્રહલાદ બાપાએ હવે ખોંખારો ખાઇને વાતનો દોર હાથમાં લીધો.

“બેટા અહીં બ્લેક શબ્દ આવે ત્યાર એક સીધુ સત્ય સામે આવે કે તે ઉપરનાં પૈસા છે જે ચોપડે ક્યાંય ચઢવાના નથી એટલે કે તેના ઉપર સરકારને ટેક્ષ મળવાનો નથી.”

“પણ દવાનો જથ્થો પણ બ્લેકમાં?”

“ હા ટ્રાન્સ્પોર્ટ્માં આવતી દવા ઉપર ઉઘરાવાતા રોડવેરા વિનાની દવા.”

અને આ બધુ ક્યારેક પકડાય તો?”

યશ કાકા બોલ્યા ત્યારે પણ પૈસા દાબીને છુટી જવાનું.

કાર્તિક તો બોલી ઉઠ્યો “ઓ માય ગોડ.. તો આ બેલેન્સ શીટ અને કંપની સેક્રેટરીનાં રીપોર્ટ બધું બોગસ હોઇ શકે?”

“ હોય જ.. અને એટલે સાચો વહીવટ કરવા ઘરનાં મણસો જોઇએ જ. પુલીનફુઆ એ ટાપસી પુરાવી.

સાંજે આખા સ્ટાફને આઇસ્ક્રીમ ખવડાવીને છુટા પડ્યા ત્યારે કાર્તિક અને કીર્તીને જેટલેગ ને કારણે બહું જ ઉંઘ આવતી હતી. એટલે ઘરે પાછા ફર્યા. પ્રહલાદ બાપાનાં પ્લાન નો પહેલો તબક્કો પુરો થયો પણ હજી તેમને તેમની વાત રજુ કરવાની તક મળી નહતી. બીજે દિવસે કાર્તિક અઠવાડીયા માટે મુંબઇ ટાટા કેન્સર રીસર્ચમાં  કન્સલ્ટંટ તરીકે જવાનો હતો. અને સાધના જલગાંવ જવાની હતી.

શકુબા વહેલી સવારે ઉઠેલા કીર્તિને બાપાના વીલ વિશે વાત કરીને કહ્યું ફેક્ટરી આખી તને અને કાર્તિકને સોંપીને એ છુટવાનાં મતમાં છે. મારા મતે તું આ બધું સમજીને વિચારીને નિર્ણય લેજે.

કીર્તિ કહે “બા કાર્તિક માટે બાપાનો પ્લાન સારો છે કે નહીં તે કાર્તિકને જ નક્કિ કરવા દો. મારી પાસે એવા કોઇ પૈસા નથી કે જે ખોઇને જાતે ભીખારી બનું”

શકુબા કહે “જો બેટા મારે માટે તો તમે ત્રણેય સરખા..તારા બાપા આ વીલ બનવીને તેમની જગ્યા એ કાર્તિકને મુકી બેંગાલ કેમીકલ્સ પેઢીઓ સુધી ચાલે તેવું ઇચ્છે છે.”

“શકુ બા..આજે આજની રીતે જોઇએ તો સૌ સૌની રીતે સાચા છે. કાર્તિક કુટુંબની પેઢીમાં સર્વીસ કરશે કે ભાગીદાર બનશે તે તો સમય સમયની વાત છે.પેઢી જો બહાર વેચાય તો યશ અને પુલીનકુમાર બંને ને તકલીફ છે અને તેમની જગ્યા પુરી શકે તેવો કાર્તિક એકલો છે જે અમદાવાદી જીવન જીવે કે ના પણ જીવે.”

હું તો આજે પણ માનું છું કે ગણિત પૃભુ નું સમજાતું નથી, ને આપણી મરજીથી કંઈ થાતુ નથી…., ભલે એ દેખાતો નથી પણ, ચાલ  ઇશ્વરમાં માનતાં થઈએ” ની જેમ સૌને પોત પોતાનાં ભાગ્ય ઉપર છોડી દેવા જોઇએ.”

“ એ સ્વાર્થી વલણ છે “ પ્રહલાદ બાપા રુમમાં દાખલ થતા બોલ્યા. છોકરા આપણે જણ્યા છે. તેમનું ધ્યાન આપણે જ રાખવાનું હોયને?”

શકુબા કહે તેમને ખવડાવ્યા પીવડાવ્યા તેમને ત્યાંય છોકરા આવ્યા તેમને પણ પરણાવ્યા હજી ક્યાં સુધી? હું તો ભૈ થાકી આ તમારી મમતા થી. હવે કંઇ જાત માટે કરવાનું કે નહીં? અને આ શું એકને જાળવવા બીજાનો ભોગ લેવાનો? બેઠા બેઠા બહું ખવડાવ્યું હવે તો જ્યારે મૃત્યુની નજીક આવી રહ્યા છીયે ત્યારે તો હવે ભાવનાનું શું કરીયેની ચિંતા કરવાનું છોડો…

શકુબાનો પુણ્ય પ્રકોપ સાચો હતો તે વાત કીર્તિ સાધના અને કાર્તિક સમજતા હતા. ફરીથી કાર્તિકે કીર્તિ સામે જોયું કીર્તિએ સાધના સામે જોયું અને ત્રણે જણાએ સાથે હકારમાં માથુ હલાવ્યુ..

પ્રકરણ ૧૨

પંદર દિવસમાં તટસ્થતાથી ફેક્ટરી અને તેનો વહીવટ જોયા પછી બે વાત સ્પષ્ટ હતી. દાદા હવે થાક્યા હતા. અને તેમના વારસોને એટલેકે યશ કાકા અને પુલીનફુઆ ઈચ્છતા હતા કે જેમ ચાલે છે તેમ ચાલવા દેવું.. ફેક્ટરી પરથી જો દાદા હટી જાય તો ફેક્ટરી કોમામાં જતી રહે તેવી હાલત હતી. દાદાને તેમ ન કરતા ફેક્ટરી હજી ઉંચે ઉઠે અને એવું કશુંક કરવું હતું કે આવકો સતત ચાલુ રહે.

આવામાં કાર્તિક તેનું ભવિષ્ય શોધતો હતો.. દાદાનાં સપનાઓ તે પુરા કરી શકશે કે નહીં તેને સમજાતું નહોંતુ. પણ પેટંટ ઉપર તે ખુબ રાજી હતો.પણ તે પુરી કરવા પાયાનાં ઘણા સડા દુર કરવાનાં હતા.

પાછા વળતા પહેલી ફ્લાઈટમાં ત્રણેય સાથે હતા અને લંડન પછી છુટા પડવાના હતા. ફ્લાઇટ રાત્રે એક વાગે ઉપડી ત્યારે સાધનાની આંખો ભારે થતી હતી પણ બાપ અને દીકરો વાતે વળગ્યા તેથી આંખો ખેંચી ખેંચીને જાગતી હતી.

“પપ્પા મને એ સમજાતુ નથી કે દાદા બધું જ રોકાણ તમારી પાસે કેમ કરાવવા માંગે છે?”

“  જો બેટા એ પ્રશ્ન ઉપર પછી આવીશું તું ખાલી એટલુ કહે તને ફેક્ટરી અને તેનો સેટઅપ તારી ફાઇઝરની નોકરી છોડવા જેટલો આકર્ષક લાગ્યો?”

“ પપ્પા સાચું કહું તો દાદાજીને સફળ બીઝનેસમેન તરીકે જોયા પછી મને તેમનો વારસો સાચવવામાં રસ છે.”

“ બેટા આ વારસો તારો નહીં  ત્રીજા ભાગનો મારો છે. અને તે તારા નામે બળતું ઘર કૃષ્ણ ને તર્પણ થવાનું છે.”

“ મને કંઇ સમજાયું નહીં સમજાય તેવું કહોને?”

“ શફીક કાકાને દાદાજીએ આ વાત કરી ત્યારે દાદાજીની વાતો સ્પષ્ટ હતી કે તેમનું નબળુ સંતાન ભાવના છે તેથી તેને પગ ભર કરવા જે સહન કરી શકે છે તેમને ખંખેરવાનો પ્રયત્ન છે. શકુબાને આ ગમતુ નથી.. કારણ કે તે ભોગ આડકતરી રીતે આપણા પર પણ આવે છે.” થોડીક વાર શાંત રહીને તેઓ બોલ્યા

“ઘરની બીજી પરિસ્થિતિઓ પણ સમજ”.

શકુબા ને શીતલ સાથે રહેવાનો બીલકુલ શોખ નથી. તેથી તેઓ નોકર ચાકર રાખીને પોતાની જાતે રહે છે. શકુબા એમ માને છે કે તેમના સમયે તેમણે અમને ત્રણેયને બહુ સરસ રીતે ઉછેર્યા પછી  મા બાપને રાખવા કોઇ તૈયાર નથી. તેઓ તો ખાલી સારી રીતે બોલે ચાલે તેટલું જ ઇચ્છતા હોય છે …પણ તેમને બંને ને હક્કો જોઇએ છે ફરજો બીલકુલ બજાવવી નથી..તે સમયે તેઓ પ્રહલાદ બાપાને વાર્યા કરે છે કે તમે આ વહાલા દવલાની રમત છોડો.

સાધનાએ અહીં એક મમરો મુક્યો.દસરથ રાજા કૈકયીની પકડમાં છે અને તેમને જે કરવું છે તે રામનાં ભોગે છે. અત્યાર સુધી દૂર રહીને ઘણું ખોયુ..પણ કીર્તિનાં મતે તો ઘી ઢળ્યુ તો ખીચડીમાં છે. તે સહ્ય છે પણ આ ભ્રષ્ટાચાર અને ગુંચવાયેલા માહોલમાં તું જાય તે મોટું જોખમ છે. તું અમેરિકન પધ્ધતિથી ત્યાં જીતી ના શકે. પ્રહલાદ બાપા તરફ આપણી ફરજ ખરી પણ એ ફરજ નિભાવવા તારું ભવિષ્ય તો ના રુંધાયને?”

“પપ્પા મને એક ગીલ્ટ તમારા વતી થાય છે. જે છોકરાને ભણાવી ગણાવીને કાબેલ કર્યો તેની પાસે જરુરિયાતનાં સમયે મા બાપ આશા ના કરે તો કોની પાસે કરે?” યશકાકા અને પુલીન ફુઆ માટે દાદા એ તો સોનાનાં ઇંડા આપતી મરઘી છે. પણ પ્રહલાદબાપા પપ્પાનાં પપ્પા છે તે વાત મારાથી ભુલાતી નથી.”

કીર્તિ કાર્તિક્ને જોઇ રહ્યો. સાધના કીર્તિને જોઇ રહી..

કીર્તિ બોલ્યો “ કાર્તિક આ મારો પણ અફસોસ છે પણ દાદા ઘણી વખત ભુલી જાય છે કે તેઓ ટ્રસ્ટી છે અમ સૌ ના.. એકલી ભાવના તેમનું સંતાન નથી.શકુબા જ્યાં જાણ્તા હોય તે વેરા આંતરા દાબી શકે પણ તેઓ જ્યાં ના હોય ત્યાંતો આપણા કુટુંબનો ભોગ લેવાયોને?

“ પપ્પા દાદા હવે કેટલું જીવશે?”

અચાનક આવો પ્રશ્ન સાંભળીને બંને જણાં ચોંક્યા.. “ કેમ આમ પુછે છે?”

“મને લાગે છે મારે તેમને તેમના સ્વપ્ના પુરા કરવામાં સહાય કરી તમારું દેવું ઉતારવું જોઇએ.”

“ મને આ જ ભય હતો દીકરા. હું જાણું છું તેઓ તને લાગણીઓમાં ખેંચી જશે. આમેય દાદા અને પૌત્ર વચ્ચે સમજ્ણનો સેતૂ મજબુત હોય છે.”

પપ્પા આ સમજણ થોડુ “આઉટ ઓફ બોક્ષ” વિચારતો થયો છું એટલે આવી છે થેંક્સ ટુ કેયા.

ચાર વર્ષે કેયાનો ઉલ્લેખ સાંભળી ને સાધના ચમકી..અને પુછ્યુ.. “કેયા કેમની અહીં આવી?”

મમ્મી કેયા ભલે પ્રેમિકા કે પત્ની સ્વરૂપે નથી પણ તે મારી શ્રેષ્ઠ મિત્ર તો હતી જ અને આજે પણ મને તેની ઘણી વાતો સમજાતી જાય છે. જે તે વખતે મને નહોંતી સમજાઇ.”

“દાખલા તરીકે?” સાધનાએ પુછ્યુ

“ કેયા બહુ સહજતાથી વાતનું હાર્દ સમજી જતી હતી. તેને ખબર હતી કે આપણું  કંકાસીયું  કુટુંબ છે તેથી પપ્પા જે ભોગ આપે છે તે ઘણો મોટો છે. પણ તેમાં તેમની સમજ સાથે સાથે કોઇ જ પ્રયત્ન નહોંતા કે લોકો તેમના ભોગને સમજે. યશ કાકા અને પુલીન ફુઆ પપ્પાને જે હસતા હતા તે જોઇને તેને ખુબજ ગુસ્સો આવતો. બીન વહેવારિક વાતો ઉપર તેની ટકોર આવતી તો વહેવારીક વાતોને તે બહું જ માનથી જોતી. ખાસ તો પપ્પા જ્યારે બોલ્યા કે “ દીકરાનાં પૈસા તો બાપને ખપે” ત્યારે તે ગળગળી થઇ ગઈ હતી. કદાચ આ તેનું “આઉટ ઓફ બોક્ષ” વીઝન હતું.

સાધના કહે “ સાચું કહું તો કેયા બધીજ રીતે તારા માટે સુયોગ્ય હતી.. તમે લોકો અમારી જેમ ટક્યા કેમ નહીં તે જ નવાઇની વાત છે.”

“ મમ્મી મારે લીધેજ.. મેં તેને પહેલા ચાર વર્ષમાં આગળ આવવા જ ના દીધી.. તે મારામાં નો અહં હતો જે તેણે પાંચમે વર્ષે તોડી બતાવ્યો.”

“ પણ હવે શું? હું અને માધવી બેન તો રાહ જોઇને બેઠા છીયે આ અબોલા ક્યારે તુટે?”

“૨૮ વર્ષે દાંપત્ય જીવન શરું કરીશું તે મારો બીજો અહમ હતો ને? મારે તેને પુછવું જોઇએ ને? પણ ના કાર્તિક તો તે વખતે સફળતાના રાજાપાઠમાં હતો.”

કીર્તિએ એર હોસ્ટેસ ને કૉફી લાવવાનું કહ્યું અને ખોંખારો ખાતા એક વાત કહી.. “ જો બેટા મનગમતા પાત્ર અને મિત્ર સાથે કદી ગુમાન અને અભિમાન ના રાખવું.”

“ પપ્પા અભિમાન અને સ્વાભિમાન વચ્ચેની બારીક રેખા મેં હજી ઉલ્લંઘી નથી.. અને સાચુ કહું તો મને ફાઇઝર માં ઉંચો પગાર મળશે પણ કામ કરવાની સ્વતંત્રતા નહીં મળે જે મને દાદાજી આપશે. અને હું માનું છું મારો એ જ્ઞાન વારસો છે.અને મને તે આપવા દાદા ખુબ જ આતુર છે.”

“બેટા! તને અમેરિકન યુનિવર્સીટીમાં ઉંચુ જ્ઞાન અપાવ્યું છે તારે તે જ્ઞાન નો લાભ આપવો હોય તો જરુર આપ. જેમ મને એમણે મારો નિર્ણય લેવાની કમને પણ છુટ આપી હતી તે છુટ તને પણ આજે આપુ છુ. પૈસા ખુબ મહેનત પછી આવતા હોય છે અને તે કોઇને છેતરવાની દાનત થી પેંતરા કરતા હોય તેવાથી તો ખુબ જ બચાવીને રાખવા.

“ પપ્પા મારે તેમને ત્યાં વારસદારનાં હક્કે જવું છે ત્યાં દાદજી આ પૈસાની વાતો લાવી તમને તકલીફ આપે છે તે મને જચતું નથી.”

“ જો તેમને ખબર છે મારી પાસે પૈસા છે. જો હું તેમને આપી દઉં તેના કરતા તું એમની સાથે રહે અને તેમના જ્ઞાન વારસામાં થી કાબેલીયત જ લેજે કાવા દાવા નહીં.”

લંડન એરર્પોર્ટ આવવાની તૈયારીમાં હતુ અને સાધના ની આંખ મળી ગઇ હતી. જલગાંવનો સારો એવો થાક ભરીને આવી હતી. રોમા અને પરિતોષ નાના જેક્ને લઇને આવવાના હતા એટલે નાનીમા તૈયાર થવા લાગ્યા. બરોબર સાતનાં ટકોરે હીથરો એરપોર્ટ ઉપર પહેલો ૪ કલાક્નો વિરામ હતો.

ઘણો બધો નાસ્તો ફળ અને ગરમ ગરમ ઢોકળાનો નાસ્તો કર્યો જેક  હજી માંડ વરસ્નો થયો હતો પણ હાથમાં લે અને ખડ્ખડાટ હસે તેથી કીર્તિ અને કાર્તિક્ને તો બહુ મઝા પડી ગઈ. નાની માની પાસે જાય તો ગોદમાં થી નીકળવાનું નામ જ ન લે.

રોમાએ હસતા હસતા પુછ્યુ.. દાદા અને દીકરાની શોર્ટ ટ્રીપ કેવી રહી?

ત્યારે કાર્તિકે પોતાના મનમાં ચાલતો પ્લાન કહ્યો.

આયુર્વેદીક પ્રોડક્ટ ઉપર દાદાની ૩૫ પેટંટ છે જેના ઉપર રીસર્ચ કરવા હું ફાઇઝરમાં થી હું જઇશ. ગમશે તો ફાઇઝરમાંથી રાજીનામુ આપીશ નહી ગમે તો ન્યુ જર્સી ઝીદાબાદ.

પરિતોષ કહે “નોકરી ચાલુ રાખવાને બદલે ફાઇઝરમાં બ્રેક લે ને?”

“બ્રેક” શબ્દ આવ્યો અને રોમા કહે હવે તમારી “બ્રેક” ક્યારે પુરી થાય છે?

રોમા બહેન તમે તો જાણો છો મિત્રમાં થી સ્વીટ હાર્ટ બન્યા અને ત્યાંથી પાછા મિત્ર બન્યા.. હવે ઉપરવાળાને મંજુર હશે તો “ બ્રેક” છુટશે. નહીતર ભણવાનું ચાલુ છે ફક્ત યુનિવર્સિટી આ વખતે બદલાય છે અને તે યુનિવર્સિટી છે બેંગાલ ફાર્મા થશે.

સાધના અને કીર્તિ  -કાર્તિકને જોઇ રહ્યા…

ન્યુ જર્સીનું પ્લેન અનાઉન્સ થઇ ગયુ હતુ તેથી છેલ્લી વાત કરીને કાર્તિક ગયો. રોમા પણ નીકળી અને હ્યુસ્ટન જતા તેમના પ્લેન તરફ કીર્તિ અને સાધના સૌ ને આવજો કહેતા આગળ વધ્યા. સાધના હજી અવ ઢવમાં હતી.

હ્યુસ્ટન જતું પ્લેન આસમાન ને આંબી ચુક્યું હતું  બરાબર ૮ કલાક ઉંઘતા અને જાગતા કાઢવાના હતા.

સાધનાએ તેની દ્વીધા સાફ શબ્દોમાં મુકતા કીર્તિને પુછ્યુ.. કાર્તિક ની સાથે આપણે પણ ઇંડીયા જઇએ તો?”

“ અને નોકરી નું?”

“ વોલન્ટીયરી રીટાયરમેંટ બીજું શું?”

“ કેમ? હજી હાથ પગ સારા ચાલે છે તારા અને મારા બંને નાં”

“ ના મારી ચિંતા એ છે કે એક્ષ રે એક્ષ્પોઝર ઘાતક બને તે પહેલા શકુબા અને પ્રહલાદબાપને  હું પણ સારું ભોજન ખવડાવું ને? સેવા ચાકરી કરુંને?

“ હ્યુસ્ટનમાં પુજારા મેન્શનનું શું કરીશું?

પ્રહલાદબાપા ને ૮૦ તો  થયા અને મને ૬૦.. હા તારી વાત વિચારવા જેવી તો છે?

એરપોર્ટ પણ કોણ આપણ ને લેવા આવવાનું છે?

“માધવી બેન આવવાના છે”

લંડન થી  ૧૧ વાગે ઉપડેલુ વિમાન ૮ કલાક પછી હ્યુસ્ટન બપોરનાં ૩ વાગે ઉતર્યુ સમય પાછળ જતો હતો અને ભારતથી તો ૨૨ કલાક પાછળ હતું.

બહાર નીકળતા ૪ વાગી ગયા હતા. માધવી બેન સાથે કેયા પણ હતી જેને જોઇને સાધના બેનની આંખો આનંદમાં મોટી થઇ.

કેયા કહે “ કેમ છો આંટી? અને જય શ્રી કૃષ્ણ અંકલ  કહેતા પગે લાગી.

ગાડીમાં સામાન મુકાયો ગાડી કેયા ચલાવતી હતી.

“બેટા! અમારી બે અઠવાડીયાની ટ્રીપ સૌને ખુશ કરી ગઈ..કીર્તિ અને કાર્તિક અમદાવાદ રહ્યાં અને હું જલગાંવ.”

કેયા કહે “ શું કરે છે કાર્તિક?”

“ તેં કહ્યું હતું તેમ કોઇકે તો ઘરમાંથી કંકાસ કાઢવો જોઇએ માટે તે ભવ્ય કામ કરવા ૧૫ દિવસ ત્યાં ની ફેક્ટરી જોઇ આવ્યો. અને અમે લોકો પણ રીટાયર થઇને ભારત જવા વિચારીયે છીયે..”

“ઓહ વાઉ” કહી કેયાએ રેડીયો ચાલુ કર્યો. રેડીયો સંગીત ઉપર શુક્વીદર સીંઘ અને બેબી ડૉલનાં પ્રોગ્રામની જાહેરાત આવતી હતી માધવી બેન ને હતું કે કેયા વધુ બોલે પણ તેમની ઇચ્છા ફળી નહીં

કીર્તિ એ વાતને છોડ્યા વીના કહ્યું કે કાર્તિક કહેતો હતો કે કેયા ભલેને મને છોડી દે પણ હું તેને સારી મિત્ર તરીકે છોડવાનો નથી. હજી ૨૭ થયા છે..અને હું તો ૨૮મી વર્ષગાંઠે કેયાનાં ઘરે પાછો વીંટી લઇને જઈશ.

કેયાને આશ્ચર્ય થયું કે નહીં તે તો ના સમજાયુ પણ માધવી બેને વાત ઝીલી લેતા કહ્યું અમે પણ તે વખતે કેયાને લઇને અમદાવાદ આવીશું.

સબડીવીઝનમાં દાખલ થતા સાધના બેને  નવતાડનાં સમોસા અને નડીયાદી ચેવડાનાં પેકેટ્સ આપતા કહ્યું તારા સરપ્રાઇઝ પ્રોગ્રામો ને બહું “મીસ” કરીયે છે.

પુજારા મેન્શન્માં ગાડી દાખલ થઇ ત્યારે બારણા ઉપર ગુલાબની મોટી રંગોળી હતી અને તે બોલી “મમ્મી- સરપ્રાઇઝ!”

કેયાનાં માથે હાથ ફેરવતા ફેરવતા સાધનાબેનની આંખમાં અશ્રુ ધારા હતી.

“ બેટા કાર્તુતો એક પળ પણ તને ભુલ્યો નથી. અને આજે પણ કહે છે મારામાંનો જે પુરુષ અહ્મ હતો તેને કેયાએ ચુર ચુર કરી નાખ્યો છે..

“હા. મમ્મી મને તેના સમાચાર આપો.. હું પણ તેને ક્યાં ભુલી છું.”

“તેને સેલ ઉપર સમાચાર આપુને કેયા?” કીર્તિભાઇ બોલ્યા

કેયા કહે મેં એને ન્યુ જર્સી ટેક્ષ્ટ મેસેજ કરી દીધો છે. સાંજની ફ્લાઇટમાં તે અહીં આવે છે .મમ્મી અને પપ્પા તમને બંને ને મેં દુભવ્યા છે તેની માફી સ્વરુપે રસોડામાં બધુંજ ખાવાનું તૈયાર છે.

રાતની ફ્લાઇટમાં કાર્તિક આવ્યો ત્યારે કેયાનો હાથ પકડીને નીચે બેસીને “ કેયા વીલ યુ મેરી મી કહ્યું અને એજ જુની હીરાની વીંટી ધરી.રાગીણી તેના ૩ વર્ષનાં સંચયને  લઇને આવી હતી.

આખુ પુજારા મેન્શન નવી દુલ્હન ની જેમ લાઇટો થી શણગારેલુ હતું.. કેયા કાર્તિક્ને લેવા ગઇ હતી જેવા બે જણાએ ઘરમાં પગ મુક્યો અને રાગીણી કંકુની થાળી અને રાતી કારપેટ ઉપર  સ્ફેદ ચાદર પથરાતી હતી.. ગીતો ગાતી રાગીણી અને મમ્મી નવવધુનાં પગલા પાડતા ગાતી હતી “પધારો  ભાભી સાસરીયે.. આવો દેવી લક્ષ્મી મા…”

કેયાતેને મળતા માન અને આદરથી  ભીંજાઇ મમ્મીને પગે લાગવા ગઇ તો બહુ ઉમળકાથી સાધના કેયાને ભેટી જ પડી.. નેહા કેમેરા પર આ બહુ કિંમતી ક્ષણો કેદ કરતી હતી.

ત્રણેય કુટુંબો આનંદમાં હતા અમદાવાદ ફોન થયો ત્યારે ફોન શકુબાએ ઉપાડ્યો સુખરુપ પહોંચી ગયાછે ને સમાચાર સાથે કાર્તિકે કહ્યું બા કેયાને હવે સાચા આશિર્વાદ આપો.”

“સામેથી પડઘો પડ્યો “અખંદ સૌભાગ્યવતી ભવ” અમારા કીર્તિ – કાર્તિક્નાં વંશને આગળ વધાર અને બહુ બહુ સુખી થા…”કેયા સાંભળી નેખુશ થતી હતી આ તો સાચા હૈયાનાં આશિશ હતા . પ્રહલાદ બાપા પણ આનંદમાં હતા.

રાકેશભાઇ માધવી બેન ચાલો આજે ફરી થી ગૉળ ધાણા ખાઇએ કહેતા કહેતા આઇસક્રીમની પ્લેટો વહેંચાણી. જેટ્લેગ હતો પણ આનંદ એટલો બધો હતો કે કોઇની આંખ મીચવાની તૈયારી નહોંતી.

સરસ સાડી પહેરીને કાર્તિક સાથે કેયાનાં નેહા ફોટા પડાવતી હતી. આ સૌ એજ લોકો હતા કે ચાર વર્ષ પહેલા કેયાનાં છુટા પડવાનાં નિર્ણયથી વ્યથીત હતા.

ગાઈડ ફીલ્મનું ગીત પાછળ ડેક માં વાગતુ હતું

આજ ફીર જીને કી તમન્ના હૈ

આજ ફીર જીને કા ઇરાદા હૈ

રાતનાં સાડા અગીયારે છુટા પડ્યા ત્યારે કેયાને ઘરે જવાની જરૂર નથી કહી સાધનાબાએ પ્રેમી પંખીડાને એકાંત આપવા તેમના રૂમમાં ધકેલ્યા.

રૂમમાં જતાની સાથે કેયા કાર્તિકને પગે લાગવા ગઇ તો એજ જુનો પુરાણો ડાયલોગ ફટકારતા કાર્તિક બોલ્યો.. કેયા તારી જગા હૈયામાં છે પગમાં નથી

“સાધનાબાને શું કહેતો હતો મારા માટે?”

“મેંતો એટલું જ કહ્યું હતું કે મારી સ્વીટ હાર્ટ હતી તેન ખોઇ પછી સમજાયું કે તું તો સારી મિત્ર છે અને “આઉટ ઓફ બોક્ષ” વિચારી શકે છે.જે સમજતા મને વાર લાગે છે.”

“સાચી વાત છે અને હજી પણ ચુમી લેવાની જગ્યા શોધે છે? ઈડીયટ!”

કાર્તિક વહાલથી હસ્યો અને ધીમે રહીને લજામણી પોયણી જેવી કેયાને બાહુમાં લીધી.

પ્રકરણ ૧૩

બીજે દિવસે બ્રેક્ફાસ્ટ ટેબલ ઉપર કેયા અને કાર્તિક સાથેવાત કરવા રાકેશ્ભાઇ અને માધવીબેન અને નેહા હાજર હતા. ૧૫ દિવસમાં લગ્ન અને તે પણ રોમાની જેમ નાનું લગ્નની વાત મુકાઇ અને વધાવાઇ ગઇ.

એક નવા સમાચાર કીર્તિભાઇએ આપ્યા. ટાટા કેન્સર રીસર્ચ સેંટરમાં કન્સલ્ટંટ તરીકે તેઓ જોડાઇ રહ્યા છે.. પુજારા મેન્શન વેચાવા મુકાઇ જશે અને ડૉ કીર્તિ અહીં નિવૃત્તિની ઉજળી દિશા તરફ આગળ વધી રહ્યા છે.

ડૉ રાકેશે તેમનું એક્ષ રે એક્ષ્પોઝર કાર્ડ જોયું અને અભિનંદન આપ્યા.કે તમણે હવે વધુ એક્ષ્પોઝર ના લેવું જોઇએ  માધવીબેન નું મોં વીલાઇ ગયુ..દીકરી માટે મુરતિયો હ્યુસ્ટન નો શોધ્યો અને તમે તો ભારત જઇ રહ્યા છો.

કાર્તિક કહે મમ્મી હું અને કેયા હજી અમારી જોબમાં થી હજી નીકળ્યા નથી. મારો પ્રયત્ન ફાઇઝરમાંથી આયુર્વેદીક રીસર્ચ માટે અમદાવાદ જઉં અને પ્રહલાદ દાદાને તેમના કામોમાં મદદ કરું. આ એક અઘરી કલ્પના છે. ફાઇઝરમાં થી મને ભારત મોકલે અને આ સંશોધનો અમદાવાદ થાય ત્યાં સુધી અમે અમેરિકામાં જ છીયે.”

“ વાત તો એની એજ થઇ ને કે ૬ મહીના પછી તમે ભારત હોઇ શકો છો.”

“ દીકરીનાં મા બાપની આ તો મહત્તા છે. મારેય બે દીકરીઓ છેને? દ્વીજ કહી છે જેના બે જન્મ એક પિયરમાં અને બીજો સાસરે. આપણે તો છોકરા રાજી એટલે આપણે  પણ રાજી. સાધના બેને માધવી બેન ને સંભાળ્યા.

રાકેશભાઇ કહે આપને ત્યાં પહેલું લગ્ન થઇ ગયું છે જ્યારે મારે ત્યાં કેયા નું લગ્ન પહેલું છે. મને ધામ ધુમ થી દીકરી વળાવવી છે. ગણી ને બે જ તો જવાબદારી છે.

તે વખતે કેયા કહે “સાચું કહું તો રોમાનું લગ્ન મને તો ગમ્યું હતું અને અગત્યનો ભાગ છે આપણી ખુશી જેમની સાથે વહેંચી શકાય તેટલાજ લોકો હોય તે સારુ છે. તમારી પાસે પૈસા હોય તો તેનો ઉપયોગ પપ્પાજીએ જે રીતે કર્યો રોમાબેન માટે મને તે વહેવારીક વાત લાગેલી. લગ્ન ની જ્વેલરી અને જરકસી વાઘા ભાગ્યેજ લગ્ન પછી લોકો પહેરતા હોય છે.. કાર્તિક તું શું કહે છે?”

કાર્તિક કહે “હું તો આવું બધું વિચારી જ નથી શકતો.. માબાપ બનીશું પછી સમજાશે કે તેઓ સંતાનનાં જન્મથી આ સપના માણતા હોય છે. અને એક જ વાર કરવાના છે કહી તેમના ઉમંગને હું નકારતો નથી.મને યાદ છે રાગીનીબહેન વખતે પ્રહલાદ બાપાએ જે કર્યું હતું તે બધું તો ખોટું જ હતું”

નરો વા કુંજરો વા કરીને કાર્તિક છટકી ગયો તે સૌને ગમ્યું

માધવી બેન બોલ્યા “ નવી પેઢીનો પણ આમાં આનંદ અને ઉમંગ જોઇએ. તેઓ એમજ માનતા હોય કે દાગીનો અને ભારે સાડીઓ શુકન નહીં પણ ખોટો ખર્ચ છે તો પછી કેયાને ગમે છે તે રીતે મર્યાદામાં લગ્ન કરીશું. અમને તો કન્યા દાન કરવાનાં બહાના જોઇતા હોય છે પછી ભલેને કેયાનાં નામની બેંકમાં ફીક્ષ્ડ ડીપોઝીટ કેમ ના મુકાય.”

ત્યાં પ્રહલાદ બાપા નો ફોન આવ્યો.. “કાર્તિક ને ભલે પંદર દિવસમાં પરણાવો પણ મારે તો તેનું રીસેપ્શન કર્ણાવતી ક્લબમાં ધામ ધુમથી કરવાનું છે”

કીર્તિનું મન રાગીણીનાં પ્રસંગથી ખાટું તો હતું જ અને તેથી કંઇ તે બોલે તે પહેલા જ પ્રહલાદ બાપા બોલ્યા.. આ મારો ઉમંગ છે એટલે તારે ખાલી ભાલે કંકુ ચાંદલો કરાવીને માનમાં બેસવાનુ છે.ક્રેડિટ કાર્ડ કે ચેક લખવાના નથી.પાછળથી શકુબા બોલ્યા “હા કીર્તિ મારી સાથે નક્કી કરીને તેઓ બોલે છે…હવે અમેરિકાની અસરો અહીં પણ દેખાય છે. પ્રહલાદ બાપા બદાલાઇ રહ્યા છે.હંકે કેયા બેટા…”

“ હા બા અહીં પણ એજ વાતો ચાલે છે. લગ્ન ધામ ધુમથી કરવું કે સાદાઇથી..”

“ જો બેટા લગ્ન તમારા છે પણ તે લગ્ન માબાપનાં શમણા જેવું પણ હોય છે. મને તો અહી રીસેપ્શન રાખીને રાગીણીનાં લગ્ન વખતે બગાડેલી અસર સુધારતા હોય તેવું લાગે છે..પણ બેટા તેં તારો નિર્ણય બદલીને અમને ખુબ જ આનંદ આપ્યો છે. હવે અમારી ટીકીટો કઢાવવા તારીખ જલ્દી નક્કી કરો કે જેથી ફરી પાછા હ્યુસ્ટન આવીને સૌ ભેગા થઇએ અને મળીયે..”

માધવી એ જવાબ આપતા કહ્યું શકુબા વૈશાખ સુદ પુનમ સારો દિવસ છે એટલે કે જુલાઇની સાતમી તારીખે અહી અમે હૉલ શોધીયે છે કીર્તિભાઇ અને સાધના ને જો વાંધો ના હોય તો.

અરે નેકી અને પુછ પુછ તો હોતી હશે?  કબુલ મંજુર.. કહી કેયાને માથે હાથ ફેરવ્યો. ઘર આનંદ ને ઉમંગોથી છલ છલ ઉભરાતુ હતુ ફરી વખત પેંડા વહેંચાયા અને લગ્ન પડો લખાયો.

નેહાને નવાઇ લાગતી હતી.. તે કહે મન મળ્યા પછી લખાપટ્ટી શું કામની? અને મન ઉંચા થાય તો ફારગતી પણ ક્યાં અઘરી છે.

રાકેશભાઇ કહે આ બધા તો શુકન કહેવાય છે. અને તમે જુવાનીયાઓ ભલે માનો કે ના માનો પણ પ્રભુને હાજર નાજર રાખીને લખાતો આ પડો પણ મક્કમ ઇરાદાનું સુચન કરે છે.

કાર્તિક્નાં પ્લેન ની ટીકીટ બાર વાગ્યાની હતી. તેની જવાની કે કેયાને તેને મોકલવાની જરા પણ ઇચ્છા ના હોવા છતા મક્કમ મને છૂટા પડ્યા. હવે આમેય દિવસો ઓછા છે અને પંદર દિવસ પછી તો આખી જિંદગી સાથે રહેવાનાં છીયેને ? હોબી એરપોર્ટ આવી ગયુ હ્તુ અને કેયાએ ગાડી પાર્ક કરી. એક વખત ફરીથી કાર્તિકને જકડી લીધો.. હુંફાળા મન અને કુણા શરીર એક બીજાનાં સ્પંદનો ઝીલી રહ્યા.

એર પોર્ટ ઉપર આવા દ્રશ્યોની કોઇજ નવાઇ નથી હોતી.. પણ કેયા કાર્તિકને જવા દેવા માંગતી જ નહોંતી.. અને એકદમ જ અચાનક તે ખુબ રડી. કાર્તિક.. આ છેલ્લા ત્રણ વર્ષે મને સમજાયુ કે પ્રેમ એ પ્રભુની કૃપા છે તેને  સ્વાભિમાન નાં નામે ખોવાય ના. વળી ગમતું પાત્ર એતો બમણી કૃપા.. આઇ લવ યુ.. કાર્તુ.. આઇ લવ યુ .

“યસ કેયુ આઇ લવ યુ ટુ થ્રી ફોર અને સોમચ. કહી એણે બન્ને હાથ પહોળા કર્યા..”

કેયા આનંદમાં મલકી અને બોલી કાલે આવી જજે.. સરપ્રાઇઝ છે તારે માટે..

કાર્તિકે મલકી ને કહ્યું તું મને મળી તે પણ આ રીતે એના થી મોટું હવે કયુ “સર”- પ્રાઇઝ હશે હેં?”

કાર્તિક અને કેયાનાં લગ્ને તેમના મિત્રમંડળમાં સારું એવું હકારાત્મક વાતાવરણ પેદા કર્યુ હતું.તે હ્યુસ્ટન પબ્લીક ફાર્માસ્યુટીકલ એડમીનીસ્ટ્રેશનમાં ડીરેક્ટર હતી. તેના હોદ્દાને સારું એવું માન હતુ તેને તેની ઓફીસમાં એક મહીનાની રજા મુકી ત્યારે સૌ ફાર્મસી અને કોલેજ મિત્રોને ખબર પડી.કાર્તિક સાથે લગ્ન કરી તે કદાચ ન્યુ જર્સી જાય કે કદાચ અમદાવાદ પણ જાય

દરેક જણ ખુશ હતા પણ કેયાની ખુશી સૌથી મોટી હતી તેને વિશ્વાસ બેસી ગયો હતો કે ઘરનાં દુર્યોધન પ્રહલાદ બાપાને કાર્તિક સુધારી શકશે. વળી પ્રહલાદ બાપા સામે થી સહકાર આપવાની વાતો કરે છે તે દ્રષ્ટિ બીંદુ બદલાતા હોવાની ઘટના છે દ્રષ્ટી બિંદુ બે પેઢીમાં કદાચ ના બદલાય પણ ત્રીજી પેઢી પહેલી પેઢીનાં વિચારોને વહાલથી વાળી લઇ શકે છે અથવા તે સંબંધોમાં હળવાશ લાવી શકે છે..ને આવતો પણ હોય છે..

“દાદા!”નો કાર્તિક નો ટહુકો જ કમાલ કરે છે.આપો આપ ગેરસમજણો હળવી થઇ જાય છે. કેટલીક તકનીકિ વાતો જે પ્રહલાદ બાપા કીર્તિને કે યશને ક્યારેય સમજાવી નહોંતા શકતા તે બધી વાતો ૧૫ દિવસનાં ટુંકા રહેવાશ સમયે કાર્તિક સમજી ચુક્યો હતો અને સૌથી અગત્યની વાત તે સર્વ પ્રશ્નો નાં નિરાકરણો પણ હાથ વગા હતા જે યશ કે પુલિનકુમાર વિચારી પણ શકતા નહોંતા.

શકુબાનું આ બાબતે એક જ સર્ટીફીકેટ હતું “ જેનું કામ જે કરે. કાર્તિક ભણ્યો એટલે હવે પ્રહલાદબાપાને હાશ લાગે છે.”

બીજે દિવસે કાર્તિક આવી ના શક્યો કાલે કાલે કરતા એક અઠવાડીયુ પુરુ થયું અને અચાનક જ એરપોર્ટ્થી ફોન આવ્યો હું અને દાદા ન્યુ જર્સીથી સાથે આવ્યા છીયે.. બાકીનું આખું બેંગાલ ફાર્મા પણ કલાકમાં હ્યુસ્ટન ઉતરે છે. તેથી મોટી વાન લઇને પપ્પા સાથે તું આવ.

“ કાર્તુ? આ શું ખીચડી પાકે છે? મને કંઇ ફોડ પાડીશ?”

જો ફાઇઝ્રરમાં રીસર્ચ ડીપાર્ટ્મેંટમાં મેં વાત કરી અને પેટંટ યુઝ માટે પેટંટ હોલ્ડરની પરવાનગી ફાઇઝરનાં લીગલ ડીપાર્ટમેંટમાં કરવાની હતી. દાદાને ફોન કર્યો અને તેઓ ન્યુ જર્સી આવી ગયા. ત્રણ દિવસની મીટીંગો દરમ્યાન એવું નક્કી થયું ફાઇઝરનાં પ્રતિનિધી તરીકે હું બેંગાલ ફાર્માંમાં હું કામ કરીશ અને મારા ફોર્મ્યુલેશન અહીનાં ટેસ્ટીંગ્માં થી ઓ કે થાય તો આખો તે પ્રોડક્ટનાં વર્ડ વાઇડ માર્કેટીંગનાં રાઇટ તેમને આપવા પડે… દાદા તો આ બધુ કલ્પી જ નહોંતાં શક્યાં પછી વિગતો સમજ્યા પછી એક્દમ રાજી થઇ ગયા.”

“હવે મારા “સર” પ્રાઇઝ્નો કીમો થઇ ગયોને?”

“મેં તને આટલું મોટું “સર” પ્રાઇઝ આપ્યું તે કંઇ ઓછું છે?”

“ કેયા વાતને સમજી હતી અને એને જોઇતો એક ભરોંસો હવે ઘરનાં બધાં અહીં છે ત્યારે મળવાનો છે.. કાર્તિક ત્રણ પેઢીનું મહાભારત કેવી રીતે જીતે છેતે તેને જોવું છે. યશ કાકા અને પુલીન ફુઆનાં ચહેરાં કેવી રીતે બદલાય છે? પછી એક નિઃસાસો નંખાઇ ગયો.. આ બધું મારા લગ્ન વખતેજ..”

સાંજનાં ૪ વગે શકુબા, યશકાકા, શીતલકાકી, ભાવના ફોઇ, પુલીન ફુઆ પ્રહલાદ દાદા સાથે કાર્તિક રાહ જોતો હતો. બે ટોયોટા સ્પોર્ટ ગાડી હતી. બે ડ્રાઇવર સાથે ૧૪ જણા બેસી શકે તેથી કેયાની ગાડીમાં શકુબા પ્રહલાદ બાપા બેઠા સાધના એની ગાડી કાર્તિકને આપી તેમાં યશ કાકા, શીતલકાકી, ભાવના ફોઇ અને પુલીન ફુઆ બેઠા. લગ્ન માટે આવેલા હતા તેથી બેગો પણ મોટી અને ભરેલી હતી વળી લગ્ન પુરતી મોહનલાલ મિઠાઇવાળાની મિઠાઇઓ અને નાસ્તા હતા.શકુબા અને પ્રહલાદ બાપાને વંદન કરી કેયાએ ચાવીઓ સાધના ને આપી અને તે કાર્તિકની કારમાં સરકી ગઈ. યશ કાકા અને પુલીનફુઆનો પહેલો સાક્ષાત્કાર કરવા..કેયા માનતી હતી કે આ પુલીનફુઆ  દુર્યોધન અને યશકાકા શકુની હતા.

ગાડી શરુ થતા પહેલા શકુબાએ કેયા અને ભાવના ને તેમની ગાડીમાં બોલાવ્યા અને પ્રહલાદ બાપા કાર્તિકની ગાડીમાં આવ્યા.પ્રહલાદબાપા ઇચ્છતા હતાકે લગ્ન રંગે ચંગે પતી જવા માટે એ જરુરી હતું કે શાંતિ બની રહે.

પ્રહલાદબાપાએ અને કાર્તિકે આજ તો ન્યુ જર્સીમાં નક્કી કર્યુ હતુ.

લગ્ન પતી ગયા પછી બધા સમાચાર આપવાના હતા. કેયાએ ખાલી ફોર્માલીટી કરતા પુછ્યુ યશકાકા તમારા કેવિન ને અને ભાવના ફોઇ તમારી ચાર્મીને કેમ સાથે ન લાવ્યા? અને ધારણા પ્રમાણે શીતલકાકી નું કુકર ફાટ્યુ. ક્યારેક પૈસા નહીં સમય જોવાય છે પણ યશ તે સમજતા જ નથી..ફેક્ટરી પર કોઇક તો જોઇએને કરીને ના પાડી દીધી પણ હું જાણું ને કે ટીકીટનાં પૈસા ૭૫૦૦૦ રુપિયા થાય.. એટલે સાળો અને બનેવી બંને ખસી ગયા.

પ્રહલાદ બાપા ત્યારે બોલ્યા અરે એવુંજ હોય તો ટીકીટ મોકલાવી દો.

કાર્તિક અને કેયા ખેલ જોઇ રહ્યા.

કેયા કહે ઘરનાં પ્રસંગો માટે પણ તેમને બેંગાલ ફાર્માનાં પૈસા જોઇએ છે? દાદા એ તો જબરું જો કે મને તો હવે મઝા પડશે દરેકે દરેક વાતે બીલ બેંગાલ ફાર્માંમાં જાય. અને પગાર અને વહેંચણું એમને એમ ઉભું જ રહે…”

પ્રહલાદબાપા ગુસ્સે થતા હોય તેમ બોલ્યા આ ઘરનોં મોભી હજી હું છું. પૈસા મારા કમાયેલા છે હું ધારુ તેમ કરી શકુ.. ખરું ને કાર્તિક?”

કાર્તિક કહે “ દાદાજી તમે તો કરો તેમાં તમારી મહાનતા છે પણ હું વહેવાર જ્ઞાન ભુલી જઉં તે કેમ ચાલે?”

પુલિન ફુઆ વંકાવા જતા હતા ત્યાં ભાવના બેન બોલ્યા “ જો અત્યારસુધી કોઇ પ્રહલાદ બાપાની વિરુધ્ધ ગયુ નથી તો હવે કેમ જાય? બાપાએ રોમાનાં લગ્ન વખતે જેમ કર્યુ હતું તેમજ આ લગ્ન માટે કર્યુ…

કેયાની આંખો તો ખુલ્લીને ખુલ્લી જ રહી ગઈ…જો કે જવાબો તો મોઢા ઉપર આવતા હતા પણ તેણે વાત બીજી દીશામાં વાળતા કહ્યુ

અહીં હ્યુસ્ટનમાં પ્રમુખસ્વામી આવી ગયા પછી તે સ્વામીનારાયણ  મંદીર બહું સરસ રીતે વિકસી રહ્યું છે. કાર્તિક  આપ્ણે ત્યાં થઇને જઇશું? કાર્તિકે ફ્રીવે ૫૯ ઉપરથી ૯૦ ઉપર લીધી અને થોડોક સમયમાં સવામી નારાયણ મંદીર આવી ગયુ. પ્રહલાદ બાપા બોલ્યા આ બીજું મંદીરને? પહેલા તમારા ઘર પાસે હતું તે પણ જુદુને?”

કાર્તિકનાં લગ્નની પૂર્વ તૈયારી ખાસ તો કરવાની નહોંતી પણ પુજારા મેન્શન ને શણગારવા અને નાના મોટા ઉજવણા ઘરમાં થવાનાં હતા. મંડપ મુહર્તનાં દિવસે કેવીન અને ચાર્મી પણ આવી ગયા હતા.

મંડપ મુહુર્તનાં દિવસે પાંચ કુટુંબી થાંભલી રોપવા માટે જોઇતા હતાં તે પાંચમાં પુલીન ફુઆ લેવાય કે નહીં તે બાબતે શકુબાએ વિરોધ કર્યો.. પ્રહલાદ બાપા, યશકાકા, કેવીન અને કીર્તિ પપ્પા એમ ૪ જણા તો થયા પ્રહલાદબાપા પુલીન ફુઆ તો જમાઇ છે તે ના ચાલે વાળા વિવાદ નો નિવેડો લાવવા પ્રહલાદ બાપા કહે  હવે તે પણ દીકરા જેવો ગણાય.. તમે આ શું વિવાદ પકડીને બેઠા છો?

શકુબાને આ જ સાંભળવું હતું અને તરત જ બોલ્યા “તો દીકરા જેવું રહેતા પણ શીખવોને?”

ભાવના કહે “ બા..એવું કેમ બોલો છો?”

શકુબા કહે “ જો મેં તેમને તારા જેવી ગુણીયલ દીકરી આપી કોઇ દિવસ તેમણે આભાર માન્યો? પ્રહલાદ બાપા  પૈસા આપે એટલે તેમની  આગળ પાછળ ફરે..હવે જરા તું કહે મારા વીના પ્રહલાદબાપા ને ત્યાં તું આવી હોત?”

પ્રહલાદ બાપા કહે “વાતમાં મોણ ઓછો નાખો અને કહેવા શું માંગો છો તે કહોને?”

“જુઓ વારે તહેવારે કીર્તિ ,યશ અને ભાવના મને અને તમને પગે લાગે છે.. પણ પુલીનકુમારને ક્યારેય એમ થયું કે શકુબાને પણ પગે લાગું?”

“ બા. તું એમની રીલના ઉતાર. એમણે ક્યારેય એવું વિચાર્યુ નથી..”

“ કેમ કે શકુબા પાસે શું છે તે મળશે? દલ્લો તો બધો પ્રહલાદ બાપાનાં હાથમાં ખરુંને?” ખરું ઉપર જાણી જોઇને તેમણે ભાર મુક્યો..અને પછી ખુલ્લા મને હસ્યા.

પ્રહલાદબાપાને ગુંચવણ થતી હતી કારણ કે આવું તો કદી વિચાર્યું જ નહોંતુ.

શકુબા ની ટીખળ હતી તે તેમના ખુલ્લા મનનાં હાસ્યે કહી દીધું હતું “ક્યારેક પામવા આપવુ પણ પડતું હોય છે..પુલીન કુમાર! જમાઇ થયા એટલે જમડા જ થઇને નહીં રહેવાનું.. વડીલો ફક્ત તમને જમાઇ ગણે તેના કરતા દીકરા ગણે તે ઉંચી વાત છે અને જરુરિયાત હોય છે આદર અને માનયુક્ત વહેવાર.. સમજ્યા.”

પ્રહલાદબાપા સામે પુલીનકુમારે જોયું..

કોણ જાણે કેમ આજે પ્રહલાદ બાપા પણ મૌન હતા અને આ તો હ્યુસ્ટન હતું વાંધો પાડીને જાય તો ક્યાં જાય? ચાર્મી આવા વખતે મદદે આવી “ચાલો પપ્પા નાની ને પગે લાગી લઇએ અને આમેય જે નમે તે સૌને ગમે ખરુંને શકુબા?”

“ચાર્મી બેટા આજે તારા પપ્પા લાગમાં આવ્યા છે મજાકમાં અને મજાક માં પણ આજે તેઓ ઘરનાં બધા વડીલોને પગે લાગશે..કીર્તિ, સાધના, યશ, શીતલ ,પ્રહલાદ બાપને અને છેલ્લે મને. ત્યાર પછી હું જમાઇનું તરણું છોડીને તેમને દીકરો બનાવીશ.” અને એજ પાછુ ખુલ્લા મને તેઓ હસ્યા..

કાર્તિક તો શકુબાનો વહેવાર જોઇને પ્રસન્ન થઇ ગયો. પ્રહલાદ બાપા અને શકુબાનો સંસાર આટલા વર્ષથી ચાલે છે તેનું કારણ કાર્તિકને સમજાઇ ગયું..

જો જમાઇને સાચવીયે તો દીકરી સુખી રહે વિચારવાવાળા પ્રહલાદ બાપા જરુર હોય કે ના હોય થોડું વધું કરતા હતા તે વાતને સમય જતા અધિકાર બનાવી દેતાંજ કુપ્રથાઓ દાખલ થઇ. જે થોડું વધારે તેઓ વર્તતા તે બાકીનાં બે દીકરાનાં ભાગમાં થી જતું હતું તે વાત શકુબા પ્રહલાદ બાપાને સમજાવતા હતા પણ એક દિવસ તો એવો આવ્યો કે પેકેજીંગનું કામ બેંગાલ ફાર્મા ઉપર જ નભે…

પુલીનકુમાર સમસમીને પણ બધ્ધાનેને પગે લાગ્યા.

પાંચમો દીકરો બન્યા પછી મંડપ મુહુર્ત થયુ.પુલિન કુમારને દાપુ ડોલરમાં અને રુપિયામાં મળ્યું ત્યારે તેમનો ગુસ્સો શકુબા પરથી ઉતર્યો. શકુબાએ તેમને પ્રેમથી તેમની ઝુકેલી પીઠ પર ધબ્બો માર્યો અને કહ્યું શતાયુ ભવ..અને સાજામાજા રહો

ચાર્મી અને ભાવના બંને ઉદાસ તો હતા પણ અંદરથી એક પ્રકારનો આનંદ પણ હતો કે જે થઇ રહ્યું હતું તે સાચું હતું પણ પ્રહલાદ બાપા આમ અચાનક બદલાઇ જશે તેવી તેમને આશા પણ નહોંતી.

પ્રકરણ ૧૪

લગ્ન ધાર્યા હતા તેમજ કાર્તિક તરફે સાદગીથી અને કેયા તરફથી થોડીક વધુ ધામ ધુમથી થયા. મિત્રો ખુબ નાચ્યા. વિદાય વખતે રડવાની મનાઇ હતી. કાર્તિકભાઇની અને કેયાભાભીની પ્રેમ સફળતા ચાર્મી અને કેવીન ને ગમી ગઈ હતી નવી પેઢી આ વેરા આંતરાને સમજતી હતી પણ માન પુર્વક જોતી નહોંતી. કેવીન તો આ કારણે યશને પણ તડફડ કરી દેતો હતો.

લગ્ન સંપન્ન થયા શનીવારે અને બધા વિખરાવાનાં હતા સોમવારે ત્યારે રવીવારની સાંજે બેંગાલ ફાર્માનાં બધા શેર હોલ્ડરોની મીટીંગ હતી.નીચેનાં હોલનાં ગોળ ટેબલની ફરતે બધા ગોઠવાયા હતા. યશ એકલોજ બેચેન હતો.તેણે પ્રહલાદ બાપાનાં ઘણાં રૂપ જોયા હતા પણ આજે ચેરમેન તરીકે તે જુદાજ ભાસતા હતા. તેમની સાથે શકુબા બેઠા હતા.

બીજી બાજુએ બે દીકરા અને વહુઓ હતી પછી ભાવના પુલીનકુમાર બેઠા હતા

ત્રીજી પેઢી કાર્તિક, કેયા, કેવીન અને ચાર્મીને પાછળ જુદી જગ્યા અપાઇ હતી અને કહેવાયુ હતું કે પુછવામાં આવે તો જ બોલવાનું

બધાનાં ટેબલ ઉપર દસ વર્ષની બેલેન્સ શીટ હતી

યશને તો ખબર હતી કે હાથીનાં ચાવવાનાં અને બતાવવાનાં જુદા હોય છે. એટલે એણે બહું ધ્યાન ના આપ્યુ પણ પુલીનકુમારે કહ્યું યશભાઇ આ સાચી બેલેન્સશીટ છે અને બધા ઉપલક પૈસા આપણામાં લોન તરીકે ફળવાયા છે.

“શું?” યશે બેલેન્સ્શીટ ખોલી તો ચક્કર ખાઇ ગયો. કંપની નો સૌથી મોટૉ દેવાદાર ડાયરેક્ટર યશ હતો અને પછી પુલીનકુમાર..

પ્રહલાદ્બાપા એ ખોંખારો ખાઇને મીટીંગની શરુઆત કરત કહ્યું”લગ્ન પછી આમતો ઉજવણી હોય પણ આ આંકડાએ મારી આંખો ખોલી અને તમારી પણ ખોલવા માંગુ છુ.

બેંગાલ ફાર્મામાં તમારો પણ ફાળો છે અને એ ફાળાનાં કામ મુજબ તમને પગાર પણ આપ્યા છે.. ફક્ત ઉપલક્ની રોકડી રકમો જે આજ દિન સુધી માંગી નથી તે રકમો હવે કંપની ને પાછી જોઇએ છે.જાહેર છે કે તેની અજ દિન સુધી જરુરિયાત નહોંતી હવે કંપની નાં વિકાસ માટે અને આવનારી પેઢીનું ધન અને વિકાસનાં પૈસા પાછા લેવાનો સમય છે.

“પણ પપ્પા આ બે હિસાબી રકમો તો રોકાઇ ગઈ. ખવાઇ ગઇ.” યશે ગલ્લા તલ્લા કરવા માંડ્યા ત્યારે શકુબાએ ઇશારો કરીને તેને શાંત રહેવા કહ્યું.

પ્રહલાદ બાપા આગળ ચાલ્યા.

ફાઇઝર કંપનીમાં આપણી પેટંટ સ્વિકારાઇ છે અને એક્ષ્પોર્ટનું ખુબ જ મોટુ કામ આપણને મળે તેમ છે. હું એવું માનું છું કે અમારા બંને નાં ગયા પછી આ કંપની તમારા ત્રણ જણાની છે. કીર્તિ , યશ અને ભાવના. કુટુંબ છે સંપથી રહીશું તો આપણો વિકાસ અત્યારે છે તેના કરતા અનેક ગણો થશે. અને કુસંપ કરશો તો પરિણામ એવું પણ આવે કે આપણે બેંગાલ ફાર્મા વેચવા મુકવી પડે.

તમે આ સાચી બેલેન્સ શીટ સમજો અને મારા બે પ્રશ્નોનાં જવાબ આપજો. એક. આ કંપની તમે વેચવા બેસોતો કેટલા પૈસા આવે.. અને તમારે ખરીદવાની હોય તો કેટલામાં ખરીદો.                                     યશે થોડોક શ્વાસ લીધો કારણ કે ઉપલક્નો હિસાબ કરવો સહેલો છે પણ તેના ઉપર ટેક્ષ ભરવાનો અને સજા પામવાનું કામ કઠીન હોય છે.

એના વિકૃત મગજે પહેલો પ્રશ્ન કર્યો આ વેચાણ ઉપલકમાં કરવાનું છે કે ચેકમાં?

શકુબા બોલ્યા “બાપાએ બેલેન્સ્શીટ જેમાં બનાવી તેમાં”

થોડોક સમય ગયો અને ત્રણે જણાએ પોત પોતાની રીત આંકડો ભર્યો અને કાગળ આપ્યા. પ્રહલાદ બાપાએ કાગળ ઉપર નજર ફેરવી અને યશને  કહ્યું તમને લોકોને મારી આટલા વર્ષની મહેનત ક્યાંય ના દેખાઈ?

“ પપ્પા આજે તમે એવાં પ્રશ્નો પુછતા હતા કે જે એમ સાબિત કરે છે કે સાઠે બુધ્ધી નાઠી છે..” બેંગાલ ફાર્મા તો કંઇ વેચાતુ હોય? કે તેનો કોઇ ખરીદ દાર હોય ખરો?”

“ બેટા હવે મને થાક લાગ્યો છે મારે નિવૃત્ત થવું હોય તો કેવી રીતે થઉં? આ જવાબદારીઓ સમજે એવું તો કોઇ જોઇએ ને? હું કોને તૈયાર કરું? કેવીન કોમ્પ્યૂટર ફીલ્ડમાં જવાનો છે અને ચાર્મી આર્કીટેકમાં…” પુલીન કુમારને વક્રોક્તિની તક મળી ગઈ.. હવે તમે આ બધુ વેચવાના નથી તો તમારા લાયક ક્વોલીફાઇડ દીકરાને જ બધું આપી દો ને?”

પહેલી વખત ઉશ્કેરાતા પ્રહલાદ બાપા બોલ્યા “ આનું જ નામ દુધ પાઇને સાપ ઉછેરવો. આ બધા હિસાબો એટલેજ કર્યા અને ત્યારે તો ખબર પડી કે તમે અણ હક્ક્નું કેટલું લીધું છે.

“ ગઇ કાલે શકુબાએ મને હલકો કર્યો અને આજે તમે કોથળામાં પાંચશેરી રાખીને મારો છો?”

ભાવના કહે “ આ છોકરાઓની વચ્ચે એમને તમે બહું ના કહો બાપા.”

“ભલે આ મીટીંગ પુરી કરતા પહેલા છેલ્લી વાત કહી દઉં હું કંપની નો બધો વહીવટ કીર્તિને સોંપી નિવૃત્ત થઉ છુ.. તમને બંનેને તમારા ભાગ મળી ગયા છે આજથી બેંગાલ ફાર્માનાં ચેરમેન કીર્તિ રહેશે અને આખી કંપની તેની કહેવાશે.”

થોડી વાર રહીને ગળગળા અવાજે તે બોલ્યા “તમારે જોવું છે તેણે કંપની ખરીદવાનું કારણ શું બતાવ્યુ છે?. પ્રહલાદ બાપાની શાખ અને કિંમત શું ભરી છે? પ્રહલાદ બાપાનું દેવુ અને તેની ઉપર બા અને બાપાનાં સંપૂર્ણ ઘડપણ નો એકાધિકાર.

કેયા સૌથી પહેલા ઉભી થઇ અને તાળીઓ પાડવા માંડી તેની સાથે જ કેવિન અને ચાર્મી પણ જોડાયા. શકુબાની આંખો પણ છલકાઇ સાધના અને કાર્તિક પણ તાળીઓ પાડવામાં જોડાયા.

કીર્તિએ ઉભા થઇને શકુબા અને પ્રહલાદ બાપાને વંદન કર્યા અને યશને અને પુલીનકુમાર ને કહ્યું કદાચ આજે પહેલી વખત મારી ફરિયાદ દુર થઇ છે  કે બાપાને મન હું વિપ્લવી અને વિદ્રોહી સંતાન છું અને તેઓને તેમના હાલ પર મુકીને નાસી ગયેલો એકલપેટો પુત્ર છું.. પણ અહીં મેં જોયું તે પ્રમાણે તો તેઓનો સદા હું ડાહ્યો દીકરો છું અને હતો..

કંપની નાં ચેરમેન પદને સ્વિકારવા મારે પહેલા તો ભારત આવવું રહ્યું. અને હું રેડીયોલોજીસ્ટ એટલે દવા બનાવ્યા પછીની અસરો નું નિદાન એ મારું કામ. એટલે પ્રહલાદ બાપા ચેરમેન તરીકે રહેશેજ કંપની નો વહિવટ તેઓજ કરશે પણ કેટલાંક અમેરિકામાં વિકસેલા નિયમો દાખલ થશે.

હું કુટુંબને એક રાખવાનાં મતનો છું તેથી પાછલા હિસાબોમાં માથુ નહીં મારું પણ નવી કાર્ય પ્રણાલીમાં મને કાળા કોઇ પણ કામો નથી કરવા એટલે રેડ પડે અને ભ્રષ્ટાચાર કરવો પડે તેવું કશું જ હું ચાલવા નહીં દઉં

ત્રણેય જુવાનીયાઓ તેમના પપ્પા સાથે રહી બધા કાળા ધોળા શીખી જાવ અને આ કંપની નાં વિકાસ માટે ફક્ત ધોળાજ કામ કરીશું.. કમાઇએ છે તો ટેક્ષ પણ ભરશું અને બનશે તો હલકી કક્ષાનો કાચો માલ ખરીદશું પણ નહીં અને વાપરીશું પણ નહીં. હા સ્પર્ધામાં આપને ટકી રહેવા ઉત્પાદન નથી કરવું પણ સારી બ્રાંડ બનાવશું આપણે સસ્તી નહીં પણ સારી દવાઓ બનાવશું

મને ઘરનાં સૌને બેંગાલ ફાર્માનાં નેજા હેઠળ રાખવા છે. પણ સાથે સાથે સૌનું દ્રષ્ટિબિંદુ એક કરાવવું છે. પૈસા એક માત્ર જીવન લક્ષ્ય ન રાખવું પણ હેત પ્રીત પણ મહત્વનાં છે. મોટાને વંદન અને નાનાને વહાલ એથી વધું ક્યાંય કશું આવવું ના જોઇએ .. ખાસ તો મારા અને તારાનું ગણિત.. વેરા અને આંતરાનું ગણીત.  મારી પેઢીએ એટલેકે યશે અને ભાવનાએ તો ટ્રષ્ટી  બનવાનું છે.. આ પૈસા તો આપણી આવનારી બોંતેર પેઢીઓનું ધન છે. તેને વેડફાઇ તો ના જ શકાય. ક્યારેક ઢીંક ખાઇને પણ પ્રહલાદ ઠક્કરનું સંતાન કુટુંબથી છુટુ ના જ પડવું જોઇએ…હા જરુર હશે તો કેતન કોમ્પ્યુટર ફીલ્ડમા અને ચાર્મી આર્કીટેક્ટમાં નામ કાઢશે પણ પ્રહલાદ ઠક્કરનાં નામને ઉજળુ કરશે.

સંપ ત્યાં જંપ વાળી ઉક્તિને ફરી વાર કરીને કહીશ બેંગાલ ફાર્મા એ નામ માત્ર નથી એ પ્રહલાદ ઠક્કર અને શકુબાનું સ્વપ્ન છે.. જે આજે બીજી પેઢીમાં જઇ રહ્યું છે અને બીજી પેઢી એ ત્રીજી પેઢીની ટ્રસ્ટી છે.આ પેઢીમાં જન્મ મળવો એ જેમ ગૌરવની વાત છે તેમજ તેને જાળવવું તે આપણું કામ છે આપણી જવાબદારી છે. સૌને વંદન કરી માઇક શકુબાને સોંપતા કીર્તિભાઇ બેઠા ત્યારે સૌએ ઉભા થઇ નવા ચેરમેન ને વધાવ્યા.

શકુબા એ માઇક હાથમાં લઇને ખુબ ગદ ગદ અવાજે કહ્યું “પ્રભુએ મારા ધાવણની લાજ રાખી છે. મને વેરો આંતરો કરતા અને પૈસા માટે ભ્ર્ષ્ટાચાર અને ગોટાળા કરતા મારા સંતાનોને જોઇ ને શરમથી મરી જતી હતી.

ખાસતો જ્યારે કેયાએ કાર્તિકને છોડ્યો ત્યારે મેં તેંને કારણ પુછવા ફોન કર્યો હતો ત્યારે ફોન ઉપર રડતા રડતા તે બોલી હતી શકુબા જે ઘરમાં તમારા જેવી સંપૂર્ણ સ્ત્રીને માન અને આદર ન મળતું હોય અને એક ઇચ્છા પુરી કરવા આટલું બધું કકલવું પડતું હોય તે ઘરમાં મારું તો શું વજન પડશે. માટેજ મારો સ્વીટ હાર્ટ જતો કરવો પડશે.”ત્યારથી મેં મનોમન નિર્ણય કર્યો કે કેયા અને કાર્તિક ને આ કારણ સર તો છુટા નહીં જ પડવા દઉં.. અને આજે મને આનંદ છે કે જે અમે હતા તે ભટકેલા જીવો હતા પણ આજથી નવો જન્મ પામીયે છે.શીતલ કે સાધનાએ પણ આ વેરા આંતરા નહી સહેવાના અને ઘરમાં અમે બે કે જેમણે મોભી હોવાનું જે માનભર્યુ સ્થાન ખોયું હતું તે પામી રહ્યા છીયે…

કેયા બેટા તારો બહુ બહુ આભાર અને તારા જ્ઞાન નો લાભ બેંગાલ ફાર્માને આપવા કાર્તિક સાથે આ વખતે અમદાવાદ ચાલ. હા. કાર્તિક જેટલો પગાર તો બંગાલ ફાર્મા આપશે કે નહીં તે તો ખબર નથી પણ ત્રીજી પેઢીની માનવંતી મુખ્ય ભાભી તો તું બનીશ જ. અને પ્રહલાદ બાપાનાં જ્ઞાનવારસાની વારસદાર પણ બનીશ.

વાત પુરી કરું તે પહેલા એક મોટી અને અગત્યની વાત જાહેર કરી દઉં-

ફાઇઝરનાં ખર્ચે આયુર્વેદીક એક્ષ્પોર્ટ યુનિટ નું સંશોધન કેન્દ્ર બેંગાલ ફાર્મા બની રહી છે અને જો તેની દવાઓ અમેરિકાનાં ક્વૉલીટી ટેસ્ટમાં પાસ થશે તો કામ કરતા પાંચ પેઢીઓ થાકશે એટલું બધું કામ દાદા અને દીકરો લઇ આવ્યા છે.

ચાલો અહીંથી ભારત પહોંચીયે ત્યારે બધા લઢાઇ ઝઘડા અને મન દુઃખોને દરિયામાં નાખી દેજો અને ગાજો સુખભરે દિન આયો રે…

યશ અને પુલીન બંને અજંપ હતા.. તેમને સમજાતુ નહોંતુ કે જે થૈ રહ્યું છે તે સારુ છે કે નરસુ..તેમને હવે લાગતુ હતુ કે અંધ ધૃતરાષ્ટ્રનું ભીષ્મ પિતામહમાં રુપાંતરણ કેવી રીતે થયું?

સાંજે નાના સમારંભમાં કેયા અને કાર્તિકનાં મિત્રો પણ હતા.શકુબા એ જાતે ભોજન પીરસ્યું અને આદર અને માન થી સૌ સાથે જમ્યા.

 

 

Thanks for Inspiring me by your gracefull visit